યુગવંદના/ધીમાં ધીમાં લોચન ખોલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધીમાં ધીમાં લોચન ખોલો
[‘ગરનારીના ઉતારા રે ભાઈ! વેલાના ઉતારા’ – એ ભજન-ઢાળ]

હળવાં હળવાં લોચન ખોલો
ધીમાં ધીમાં લોચન ખોલો રે
સંહારના સ્વામી! થોડા ડોલજો હો જી.
ભમ્મરથી ભૂકમ્પોને ખેરજો હો જી.*
દેવા! પાંપણને સૂપડલે
સ્વામી! પાંપણને સૂપડલે રે
સોજો ધરતીનાં કસ્તર ઝાટકી હો જી.
મીટુંમાં માંડો, માલિક! ત્રાજવાં હો જી.*
ત્રણે ખંડોને લ્યો તોળી
ચૌદે બ્રહ્માંડોને તોળી રે
સાંધણ નવ રાખો એકે વાલનાં હો જી.
દૃગ રે ટાઢી ને હેમાળે ભરી હો જી.*
દીઠે દાવાનળ ચેતાવ્યા
ચોગમ હુતાશન ચેતાવ્યા રે
સળગ્યા સિંધુ ને સળગ્યાં સાયરાં હો જી.
માથે વીંટાળ્યા ધણીએ રાફડા હો જીે.*
ભીતર ભોરિંગો ફૂંફાડે
જાગ્યા વાસંગી ફૂંફાડે રે
ભાગ્યા વાદી ને ભાગ્યા ગારુડી હો જી.
ભીડી પલાંઠી અવધૂ બેસિયા હો જી.
એનાં અણચલ છે યોગાસન
એનાં મૂંગાં મૂંગાં શાસન રે
શબદ વિણ, હાકમ! સત્તા હાલતી હો જી.
કેને નવ મેલ્યા કેને મેલશે હો જી.
સ્વામી સૌનાં લેખાં લેશે
વારાફરતી લેખાં લેશે રે
ખાતાં સૌ સૌનાં ખતવી રાખજો હો જી.
સંહારના સ્વામી! તારો વાંક શો હો જી.
તમને ઢંઢોળી જગાડ્યા
ધૂણી ધફોડી જગાડ્યા રે
જગવણહારાને જુગતે ઝાલજો હો જી.
સંહારના સ્વામી! તુંને વંદના હો જી.
તું છો શિવ અને છો સુંદર
તું છો સત્ય અને છો મંગળ રે
આખર તો એવા રૂપે રાજજો હો જી.
ઘેરાં ઘેરાં લોચન ખોલો
ગાઢાં પાંપણનાં પડ ખોલો રે
સંહારના સ્વામી! થોડા ડોલજો હો જી.
૧૯૪૦