યુગવંદના/પશુ-નકલની પ્રગતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પશુ-નકલની પ્રગતિ
[મનહર]

પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી!
હેરી હેરી આંખો મેરી માનવીને ન્યાળે છે,
પશુની નકલ કરી અકલ દેખાડનારો
શકલ પોતાની દેવતાઈ હવે હારે છે.
જનાવરો કેરો આ તો જમાનાજૂનેરો ભય,
માનવ-સૃષ્ટિમાં ભીડાભીડ ભારી જામી છે!
નકલ કરીને આગે દેખાતો અકલવાન,
હવે તો એ નકલ અસલપણું પામી છે.
પશુઓ પોકારે, પ્રભુ અમારી અસલિયાત –
પાશવતા અમારી તો આમ મારી જાય છે,
નકલપણાનો તુંય દીસે છે ઉસ્તાદ કોક,
અસલ પ્રભુને તેંય લૂંટેલો દેખાય છે!
૧૯૪૦