યુગવંદના/સર્જન-સંહારની જોડલી
Jump to navigation
Jump to search
સર્જન-સંહારની જોડલી
યુગ યુગના કેડા પર કદમો ભરતી,
સર્જન સંહાર બેની જોડી આવે;
પૃથ્વીના હૈયા પર પગલાં ધરતી,
રચના ને નાશ બેની જોડી આવે.
સંહારે સર્જનને દીધા ડારા:
‘પાછી વળ, પાછી વળ, પામર બંધુ!
‘પાછાં લૈ જા પા પા પગલાં તારાં,
ફાળે ફાળે હું બ્રહ્માંડો છૂંદું.’
સર્જનનાં નયણાંએ પાંપણ ઢાળી,
ગાલો પર લજ્જાનાં ડોલર ફૂટ્યાં,
મલકાવી મોઢું એ બોલી બાળી,
‘જાઓ વીર! મૈત્રીથી મ્હાલો છુટ્ટા.’
સંહારે ઈશ્વરના વાઘા પહેરી
અબજોની માનવતા બાળીજાળી;
સર્જનની ધારા ત્યાં શતધા રેલી,
મહેકી રહી મુક્તિની કેસર-ક્યારી.
સંહારે માનવની ડોકે ડોકે,
બેસીને બંદૂકના ધૂંવા ઑક્યા,
સર્જનનાં કર-અંગુલ અડક્યે અડક્યે,
પથ્થરને હૈયે પણ ગીતો ગ્હેક્યાં.
સંહારે નીરખ્યું ‘રે મારાં થાણાં,
તેને શું સર્જનની લહેરો લાગી!’
ધા દેતો ધાયો: સર્જનનાં ગાણાં
ચોદિશ રેલાયાં: ક્યાં જાવે ભાગી!
૧૯૩૬