યુગવંદના/પુત્રની વાટ જોતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પુત્રની વાટ જોતી

રઝળુ દીકરા! ઘેર આવજે,
નહિ વઢું તને, નાસી ના જજે.
વિષમ રાતને દેવ-દીવડે
ભજતી માતને દીન-ઝૂંપડે,
પથભૂલ્યા શિશુ! આવી પોં’ચજે
પથ બીજે ચડી ક્યાંય ના જજે.
પ્રહરી હે ભલા! પાય લાગું હું,
ગભરુડી થઈ તાત! વીનવું:
રઝળુ દીકરો ક્યાંય જો મળે,
પથ બતાવજે ઘર ભણી વળે.
૧૯૩૮