યુરોપ-અનુભવ/પ્રાસ્તાવિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રાસ્તાવિક

યુરોપના અમારા આ પ્રવાસનું દીર્ઘ આયોજન અને પછી પ્રવાસ ઈ.સ. ૧૯૮૯ના વર્ષમાં થયેલ છે. ૧૯૮૦માં કવિ ઉમાશંકર જોશીએ પોતાની બે પુત્રીઓ નંદિનીબહેન અને સ્વાતિબહેન સાથે યુરોપના કેટલાક દેશોનો પ્રવાસ કરેલો અને એ યાત્રાનું વૃત્તાન્ત પહેલાં ‘સંસ્કૃતિ’માં અને પછી પુસ્તક રૂપે ૧૯૮૫માં પ્રગટ કરેલું. પરંતુ યુરોપપ્રવાસેથી ભારત આવ્યા પછી તરતના દિવસોમાં અમદાવાદમાં તેમના નિવાસ ‘સેતુ’માં તે અંગે રસભરી વાતો થતી રહેતી. વાતચીતમાં કદાચ સ્વાતિબહેને મને હસતાં હસતાં કહ્યું – ‘હવે તમારે પણ યુરોપનો પ્રવાસ કરવો પડશે.’ તેમના કથનનો સંદર્ભ એવો છે કે કવિ શ્રી ઉમાશંકરભાઈ અને સ્વાતિબહેને ૧૯૭૫ના વર્ષમાં ઈશાન ભારતના અસમ-નાગાલૅન્ડ-મણિપુર-મેઘાલય આદિ વિસ્તારોની મુસાફરી કરેલી, અને પછી તેમને પગલે મેં ૧૯૭૯ના વર્ષમાં એ બધા વિસ્તારોમાં ૩૬ દિવસોનો પ્રવાસ કરેલો. હવે જ્યારે કવિએ યુરોપયાત્રા કરી, એટલે મારે પણ એ કરવી પડશે એવો નિર્દોષ વિનોદ એમના કહેવામાં હતો.

એ વિનોદ જ હતો. આપણે માટે મોંઘો એવા વિદેશનો પ્રવાસ કરવાનું મુશ્કેલ હતું. પરંતુ એ વિનોદ સાચો ઠરશે, એવું કદી ધારેલું નહિ. વિદેશની ભૂમિ પર વિચરણ કરવાની તો સ્વાભાવિક રીતે જ ઇચ્છા હોય, પણ આર્થિક પક્ષનો વિચાર કરવો પડે. એક વાર ‘યુરોપ-યાત્રા’ના વાચન પછી પ્રોફે. અનિલાબહેને કહ્યું, કે યુરોપનો પ્રવાસ આપણે પણ કરીએ. એ વાત હસવા જેવી લાગેલી પણ પછી એ વિષે કૃતનિશ્ચય બની પ્રવાસના ખર્ચનો અંદાજ, પ્રવાસની રૂપરેખા વિષે વિચારવાનું શરૂ કર્યું, એટલું જ નહિ, યુરોપ જઈએ તો સાથે અમેરિકાનો પ્રવાસ પણ કરી લેવો એવો સાહસી સંકલ્પ પણ જોડાયો. પ્રીતિબહેન સેનગુપ્તાએ ન્યૂયોર્ક માટે તો નિમંત્રણ આપેલું, ઉપરાંત અનિલાબહેનનાં ભાણી આરતી અને પુલિન શાહનો તથા મૉન્ટ્રિયલ-કૅનેડામાં ભાવિ પુત્રવધૂ ઇન્દુનાં સ્વજનોનો પણ ખૂબ આગ્રહ હતો.

આ પ્રવાસમાં રૂપા દીપ્તિ શરૂથી જ જોડાવાનાં હતાં, એટલે અમારો ચારનો પ્રવાસ નિશ્ચિત બન્યો, તેમાં મુંબઈથી નિરુપમા સંઘવીએ પણ જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી. કોઈ ટ્રાવેલ-ટૂર્સ કંપની દ્વારા આયોજિત પ્રવાસમાં અમારે જોડાવું નહોતું. એટલે જાતે જ પ્રવાસનું આયોજન વિચાર્યું. પ્રવાસ-ખર્ચ વિષે મારા પુત્રોએ કશી ચિંતા ન કરવા કહ્યું. અમે તા. ૨૦-૫-૧૯૮૯ના દિવસે અમદાવાદથી પ્રસ્થાન કર્યું. યુરોપમાં લગભગ ૪૦ દિવસની સફર કરી, એ પછી ૨૯-૬-૧૯૮૯ના રોજ હિથ્રો સ્ટેશનથી ન્યૂયૉર્ક જવા નીકળ્યાં, લગભગ બે માસની અમેરિકાની સફરે.

ઈ. સ. ૨૦૦૦ના વર્ષમાં ગુણવંતરાય આચાર્યની જન્મશતી નિમિત્તે વિપુલ કલ્યાણીએ લંડનની ગુજરાતી લિટરરી એકૅડેમી તરફથી આચાર્યની બે પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા તથા જયંત પંડ્યા અને મને લંડન નિમંત્રિત કર્યાં, તેમાં ઇટલીમાં રહેતા ભારતીય કલાકાર કવિ પ્રદ્યુમ્ન તન્ના અને શ્રીમતી રોઝાલ્બા તન્ના પણ હતાં. આ સમયે લંડનમાં એકાદ માસ રોકાવાનું થયું, જેમાં મુખ્ય પ્રસંગ હતો બેડફર્ડ મુકામે ભરાયેલી લંડન ગુજરાતી એકૅડમીની છઠ્ઠી સાહિત્ય પરિષદ.

*

આ ‘યુરોપ-અનુભવ’ પુસ્તકમાં ૧૯૮૯માં કરેલા પ્રથમ પ્રવાસનું જ વૃત્તાન્ત છે. એનો ઘણો અંશ ૧૯૯૨માં લખાઈ ગયો હતો અને કેટલોક પ્રગટ પણ થયો હતો, પરંતુ સમગ્ર ભ્રમણવૃત્ત લખવાનું બન્યું નહિ અને પુસ્તક રૂપે તે પ્રગટ થાય એમાં વિલંબ થતો ગયો. પરંતુ ચિ. આનંદ એ વિષે સતત યાદ આપતો, અને એક દિવસ તો તેણે આ પ્રવાસનું પુસ્તક પ્રગટ ન થાય તો મારી સાથે અબોલા લેવાની કડક ધમકી આપી. છતાં બીજાં અનેક અધ્યયન-લેખનનાં કામ અને થોડા પ્રતિકૂળ સ્વાસ્થ્યને કારણે અધૂરા અંશો પૂરા કરવાનું બન્યું નહિ, તે હવે છેક ૨૦૦૪માં એ બાકી લખાણ લખાઈ જતાં પુસ્તક રૂપે પ્રગટ થાય છે. જોકે પૅરિસ અને લંડન વિષે હજી વધારે લખાઈ શક્યું હોત. ૧૯૯૨માં લખેલ લેખો અને ૨૦૦૪માં લખાયેલ લખાણમાં બધી રીતે ફેર દેખાશે, પણ હવે જે રૂપે તે લખાયાં, તે રૂપમાં સ્વીકારી પ્રગટ કરું છું.

બીજી વખતની લંડનયાત્રા વિષે આ ભ્રમણવૃત્તમાં ખાસ લીધું નથી, પરંતુ પરિશિષ્ટમાં એ વિષે થોડો અંશ સમાવિષ્ટ કર્યો છે. તેમાં ખાસ તો છે બ્રિટનમાં ગુજરાતીને પ્રચલનમાં રાખવાના પ્રયત્નોના ભાગ રૂપે મળેલી પરિષદનો અહેવાલ.

યુરોપના આ ભ્રમણ દરમ્યાન અને લેખન દરમ્યાન સદ્ગત કવિ ઉમાશંકર અને કવિ નિરંજન ભગત સ્મરણમાં રહ્યા છે. ઉમાશંકરભાઈ અમારો આ પ્રવાસ અને એની વાતો સાંભળવા ન રહ્યા, એનું હૃદયમાં દુ:ખ છે.

પ્રવાસસ્થળોની, વિશેષે ચિત્ર-શિલ્પ આદિ વિષેની વાત કરતાં કલાવિષયક અનેક પુસ્તકોના વાચનનો લાભ આ વૃત્તાંતને મળ્યો છે. ચીવટથી પ્રૂફવાચનમાં સહાય કરવા માટે શ્રી ત્રિકમભાઈ પટેલનો ઋણી છું. જરૂરી કલાગ્રંથો મેળવી આપવા માટે તોરલ પટેલનો આભાર માનું તો તે યોગ્ય છે.

ચંદ્રિકાના શ્રી રૂપલ દેસાઈ અને શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીનો સુરુચિપૂર્ણ મુદ્રણ માટે; અને પ્રેમપૂર્વક પ્રકાશન કરવા માટે ગૂર્જરના શ્રી મનુભાઈ શાહનો આભાર માનું છું.

નવરાત્રિ – ૨૦૦૪

— ભોળાભાઈ પટેલ