યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/કિલ્લો (‘નવનીત સમર્પણ’ નવે. ૨૦૦૧)
કિલ્લો
રૂપસિંહના ગળામાં જાણે રણની રેત બળબળતી હતી. શરીર તપતું હતું. વાટકામાંનો ઉકાળો એણે ગટગટાવ્યો. મોં પર કડવાશની રેખાઓ ઊપસી અને અદૃશ્ય થઈ ગઈ. કળશિયામાંથી પાણી સહેજ અધ્ધરથી જ મોંમાં રેડ્યું. પાણી વધારે ઠંડું લાગ્યું ને સ્વાદ પણ કંઈક જુદો લાગ્યો – કેરીની ગોટલી ખાધા પછી ઉપર પાણી પીધું હોય એવો – થોડો મીઠો, થોડો તૂરો... ફાળિયાના લટકતા છેડાથી હોઠ – લાંબી ભરાવદાર મૂછ લૂછ્યાં. પાણીનો સ્વાદ જીભ પરથી ઊડી ગયો. પાણીની ભીનાશ પણ જીભ પરથી જાણે ઊડી ગઈ. જીભ જાણે રણ જેવી વેરાન લાગવા માંડી. રૂપસિંહે વળી કળશિયામાંથી થોડું પાણી ગળામાં રેડ્યું... હૈડિયો ઉપર-નીચે થયો. ગળું ખોંખાર્યું ને લોકગીતનો ઉપાડ ગણગણવા લાગ્યો –
‘કેસરિયા બાલમ...
પધારો... પધારો મ્હારે દેસ...’
બેસૂરો અવાજ નીકળે એ પહેલાં રૂપસિંહ અટકી ગયો. ગાતી વખતે એવું લાગ્યું કે રણને આગળ વધતું રોકવા વાવેલા ગાંડા બાવળનો છોડ જાણે ગળામાં અટકી ગયો છે ને ગાતી વખતે એ છોડ ગળામાં ઉ૫૨-નીચે થાય છે... ને એના કાંટાથી જાણે ગળું જ નહિ, સૂર પણ છોલાય છે... રૂપસિંહે એની વહુને કહ્યું: ‘અદરક-તુલસી ઘાલ ને ચા બણા...' ગળુ કંઈક ઠીક કરીને જવાનો રૂપસિંહનો ઇરાદો એની વહુ પામી ગઈ. એ બોલી: ‘આજ રો દિન નહીં જાવેં તો કોણી ચાલે?’ રૂપસિંહ કશો જવાબ આપે એ પહેલાં એનો દસેક વર્ષનો છોકરો બોલ્યો: ‘બાઈ, જોરું ભૂખ લાગી હૈ.' હવે રૂપસિંહને જવાબ આપવાની જરૂર ન રહી. એ બારણામાંથી દેખાતો ખખડતો જતો, કાંગરે કાંગરે ખરતો જતો કિલ્લો જોઈ રહ્યો. રણમાં દોડી દોડીને થાકી ગયેલાં ને અંદરનું પાણીય છેવટે સાવ ખાલી થઈ જતાં રણમાં અડોઅડ ઢળી પડેલાં પાંચ-સાત ઊંટ જેવો જ કિલ્લો... જાણે એકમેકની હૂંફમાં, એકમેકની ઉપર પડેલાં પાંચ-સાત ઊંટ... એકમેકના ઢેકા પર લાંબી ગરદન ઢાળી દઈને... – ફાટી આંખે દૂ...૨ સરી જતી ધોળી ધોળી કોરીકટ વાદળી જોયાં કરતાં... અનંતકાળથી જાણે જોયા કરતાં વાટ – પાણીની અથવા તો મોતની... ખવાતા જતા, ખૂણે-ખાંચરેથી તૂટતા જતા ઝરૂખા – જાણે ધીરે ધીરે તૂટ્યા કરતી પ્રતીક્ષા... રૂપસિંહની વહુ બોલી: ‘લે, છોરા, કાલેરી બધીયોડી રોટી, ચા સાથે આજ તો ખા લે... બાદમેં જેડી રણુજારા બાબા રામદેવપીરરી ઇચ્છા...' કાળી ચા સાથે છોકરો બટકો રોટલો ઝટ ઝટ ખાવા લાગ્યો. મોટા મોટા ટુકડા કરીને છોકરો એવી રીતે ખાતો હતો કે જાણે હવે પછી કદાચ ખાવા મળે ન મળે... રૂપસિંહે ચાનો છેલ્લો ઘૂંટ પૂરો કર્યો... ચાનો કોઈ જ સ્વાદ અનુભવાયો નહિ, પણ બળબળતા ગળાને કંઈક સારું લાગ્યું... વળી ખોંખારો ખાધો ને ગીત ગણગણી જોયું. લાગ્યું, હવે વાંધો નહીં આવે... હવે આજનો ખાડો નહીં પડે... સાફો બાંધવા માટેનું બાંધણીની ભાતવાળું જર્જરિત કાપડ રૂપસિંહે ખીંટીએથી ઉતાર્યું. કાપડનો કાણાં પડેલો ભાગ ગડીમાં ઢંકાઈ જાય એનું ધ્યાન રાખીને એ વીંટો કરતો ગયો. પછી માથે સાફો બાંધ્યો. દર્પણમાં જોયું, મોં તાવવાળું, માંદલું લાગ્યું. આયાસપૂર્વક એ મોં ૫૨ મલકાટ અને આંખમાં ચમક લાવ્યો. પછી એનું માથું ડાબે-જમણે જરીક હાલ્યું. બટકો રોટલો ખૂબ જલદી પૂરો થઈ ગયો. છોકરાએ ઉપર ખાસ્સું બધું પાણી ગટગટાવ્યું. – રણમાં લાંબી મુસાફરી પહેલાં ઊંટ જેમ ખૂબ પાણી પેટમાં ભરી લે તેમ, પછી છોકરાએ માની ફાટેલી કેસરી બાંધણીમાંથી ફાડેલો કકડો બાપાને આપ્યો. બાપાએ દીકરાને સરસ સાફો બાંધી આપ્યો. દીકરાએ પણ દર્પણમાં જોયું. મોં મલકી ઊઠ્યું. આંખો ચમકી ઊઠી.. ને દીકરાના ગણગણવાના સૂર ઝૂંપડીમાં ઊભરાયા –
‘કેસરિયા બાલમ..’
ખૂણામાં પડેલો રાવણહથ્થો રૂપસિંહે એક હાથમાં લીધો, બીજા હાથે દીકરાનો હાથ ઝાલ્યો, ઘસાઈ ગયેલા તળિયાવાળી મોજડી પહેરી ને ચાલવા લાગ્યો કિલ્લા તરફ. ઝૂંપડીના દરવાજામાં ઊભી રહીને મા બાપ-દીકરાને જોતી રહી... સૂરજ બરાબર સામે હતો તે બાપ-દીકરાની દૂર ચાલી જતી છાયા દેખાતી. દીકરાનો હાથ પકડેલો બાપ જરીક પાછળ, દીકરો લગીર આગળ... થોડેક દૂર કિલ્લો... ને કિલ્લાથી થોડે દૂર રણ... અફાટ રેતી જ રેતી... ઢૂવા જ ઢૂવા... અહીંથી રણ દેખાતું નહિ, પણ સાક્ષાત્ અનુભવાતું... બાપ-દીકરો દેખાતા બંધ થયા... મા ઝૂંપડીની અંદર આવી. પણ એનું મન તો ઊડતુંક પહોંચી ગયું કિલ્લાના સૌથી ઊંચા ઝરૂખામાં... ને જોવા લાગ્યું વાટ... દૂ... ..૨ રેત-ડમરી ઊડતાં દેખાય છે? ઊડતી ધૂળમાંથી દો...ડતી સાંઢણી પ્રગટ થાય છે? એ સાંઢણી પર સવાર થઈને પોતાની તરફ આવી રહ્યું છે બે-ચાર રોટલા જેટલું સુખ?! ટી.વી. ચૅનલો નવી નવી શરૂ થયેલી ત્યારે રૂપસિંહને રોટલાનું દુઃખ નહોતું. ચૅનલોવાળા આવતા. રૂપસિંહ તથા એના સાથીદારો પાસે ગવડાવતા. વીડિયો કૅમેરામાં બધું રેકોર્ડ કરી લેતા. પેટનો ખાડો પુરાય એટલા પૈસા આપતા. હવે ચૅનલોવાળા આવતા બંધ થઈ ગયા છે. પણ કહે છે કે રૂપસિંહ ને એના સાથીદારોનાં ગીતો અવારનવાર ચૅનલો પર આવતાં રહે છે. કિલ્લો નજીક આવતો ગયો તેમ તેમ રૂપસિંહના પગમાં જાણે જોમ આવતું ગયું... રાવણહથ્થો વગાડવા આંગળીઓ ને હાથ સળવળવા લાગ્યા... નસોમાં લોહી સૂરમાં વહેવા લાગ્યું... ફેફસાંમાંથી શ્વાસ ચોક્કસ લયમાં બહાર આવવા લાગ્યા. રૂપસિંહ કિલ્લાને ધ્યાનથી જોવા લાગ્યો – કિલ્લામાં ક્યારેક હજાર માણસો રહેતાં તે ખુલ્લી ગટરનું ગંદુ પાણી કિલ્લાની દીવાલો પરથી રેલાતું હતું... કિલ્લો જાણે પરસેવે રેબઝેબ! ચારેબાજુથી જાણે ઊતરતા હોય પરસેવાના રેલેરેલા, દુર્ગંધ મારતા... કિલ્લાની દીવાલોમાં ઠેકઠેકાણે તિરાડો પડેલી – ઊંડી ખીણ જેવી... અનેક ઠેકાણે દીવાલો તૂટી ગયેલી. કિલ્લાનું સમારકામ ચાલતું હતું બહારથી અને અંદરથીય. દરવાજા, તોરણો, ઝરૂખા પરનું ઝીણું નકશીકામ ઘસાઈ ગયેલું. ઝરૂખાઓના કેટલાક ખૂણાઓ ખંડિત થયેલા – જાણે નંદવાઈ ગયેલી પ્રતીક્ષા... પહાડોમાં જમીનની અંદર રહેનારાં પ્રાણીઓનાં દર જેવી, ઉ૫૨-નીચે-ડાબે-જમણે થતી સાંકડી સીડીઓ, ઘસાઈ ગયેલાં પગથિયાં. થોડે ઉપર ગયા પછી લટકતું પાટિયું – આગળ રસ્તો બંધ છે... સમારકામ ચાલતું હોવાથી ઠેકઠેકાણે ‘ડેન્જર'નાં પાટિયાં... કિલ્લામાં ઉપર ઉપરથી સમારકામ થયા કરે ને પાયાના પથ્થરો ઘસાયા-ખવાયા કરે... કબૂતરની હગારની વાસ આવ્યા કરે – જાણે સડી ગયેલો સમય સ્થગિત થઈને પડ્યો હોય હજીય કિલ્લામાં... રોજ... રોજેરોજ ખર્યા કરે કાંગરા – જાણે એક કાળની જાહોજલાલીના ખરતા અવશેષ... હજી સાવ નહિ તૂટેલા તથા મરમ્મત પામેલા ઝરૂખાઓમાં બેસીને પ્રવાસીઓ પડાવે ફોટા... એક કાળે આ જ ઝરૂખાઓમાં બેસીને વાટ જોતી હતી રાજકન્યાઓ – આંખોમાં સ્વપ્નો આંજીને... રૂપસિંહનો તાવ વધતો જતો હતો. એણે તાવ ભરેલી રાતીચોળ આંખો પટપટાવીને ફરી કિલ્લા સામે જોયું ... કિલ્લો ઝાકમઝોળ... રાજપરિવારની અવરજવર... સોના-ચાંદીના તારથી ને બુટ્ટાઓથી ઝગમગતાં કીમતી વસ્ત્રો.. અત્તરના મઘમઘાટની ઊડાઊડ... છત પર લટકતાં મોંઘાંદાટ ઝુમ્મરો-ઝગમગતાં, પ્રકાશની છોળો ઉડાડતાં.. હીરા-માણેક ને રત્નોજડિત સિંહાસન... સિંહાસન પર મહારાજ... બધાય દરબારીઓ હાજર... પ્રજા હકડેઠઠ બેઠી હોય રાહ જોતી કે ક્યારે મહારાજ આજ્ઞા આપે ને ક્યારે શરૂ થાય ગાન... ત્યાં તો રાણીવાસમાંથી દાસીઓ સાથે રાણી પધારે... આસન ગ્રહણ કરે... મહારાજ ગાન શરૂ કરવા માટે આજ્ઞા આપે ને... વાજિંત્રો બજી ઊઠે... હૈયાં ઝૂમી ઊઠે ને... રૂપસિંહના દાદાના દાદાના દાદા શરૂ કરે ગાન... સૂર-લય-તાલમાં જાણે આખોય કિલ્લો જમીનથી અધ્ધર ઊંચકાય ને સરવા-તરવા લાગે આકાશમાં... ગાન પૂરું થતાં જ તાળીઓના સમુદ્રનો ઘૂઘવાટ... આકાશમાં અધ્ધર ઊંચકાયેલો કિલ્લો ફરી પાછો અડકે જમીનને... ને રાજાના ગળામાંની સાચાં મોતીની માળા ગાન આટોપીને, માથું નમાવીને બેઠેલા દાદાજીના ગળામાં... રૂપસિંહનો હાથ પોતાના ગળા તરફ સરક્યો. રૂપસિંહની મુઠ્ઠી વળી... થયું, પ્રવાસીઓ પાસે લંબાતા હાથને બુઠ્ઠી તલવારના એક ઝાટકે વાઢી નાખું... પણ... સવાર-સાંજ જોઈતા બે-ચાર રોટલા... રૂપસિંહની મુઠ્ઠી ખૂલી ગઈ... અનાયાસ જ રૂપસિંહના હાથે રાવણહથ્થો જરી બજાવ્યો... અત્યંત કરુણ સૂરની બે-ત્રણ લહર ઊઠી ને કશાયને વીંધ્યા વગર, કશાયને રણઝણાવ્યા વગર હવામાં પ્રસરતી ગઈ ને ક્ષીણ થતી જઈને વીખરાઈ ગઈ. ક્ષિતિજરેખાના વલય પર રેતરેખા ચળકતી રહી... રણમાં ચાલતું ઊંટ, રસ્તામાં ક્યાંક ક્યાંક આવતાં કાંટાળાં ઝાંખરાં ખાવા અચાનક ઊભું રહી જઈને ડોક નમાવે તેમ; રૂપસિંહનો નાનકડો છોકરોય રસ્તામાં ખાવાનું વેચનાર ક્યાંક કોઈ બેઠું હોય ત્યાં જરીક ઊભો રહી જતો, પછી ડોક ફેરવીને ખાવાની ચીજ તરફ જોતો, મોંમાં પાણી આવતું, નજરથી તો એ ચીજ ચાખી જ લેતો, પણ પછી લાચાર તેમ જ આશાભરી આંખે બાપ સામે જોતો... રૂપસિંહ નિસાસો નાખતાં કહેતો: ‘જદ લોટાંગા તબ, છોરા...' છોકરાના મોંમાં આવેલું પાણી મૃગજળ બની ગયું. જરીકે જીદ કર્યા વગર છોકરો આગળ ચાલવા માંડ્યો – રણમાં ચાલતા ઊંટના બચ્ચાની જેમ. રૂપસિંહ એના છોકરાને લઈ કિલ્લાના દરવાજા પાસે આવી પહોંચ્યો. રૂપસિંહના સાથીદારો પોતપોતાનાં વાજિંત્રો સાથે અગાઉથી જ આવી ગયેલા ને રૂપસિંહની વાટ જોતા બેઠેલા. રૂપસિંહને જોતાં જાણે એના સાથીદારોના જીવમાં જીવ આવ્યો.... જાણે ભૂખ્યા પેટમાં રોટલો આવ્યો. રૂપસિંહ પોતાની જગ્યાએ ગોઠવાયો. બાજુમાં એનો દીકરો બેઠો. રૂપસિંહે રાવણહથ્થા પર કોઈ સૂર છેડ્યો. કિલ્લાના પાયાના પથ્થરોની અંદર કશુંક રણઝણ્યું. કિલ્લા પરથી થોડાક કાંગરા ખર્યા... કેટલીક તિરાડો વધુ પહોળી થઈ... દીવાલમાંથી ઝરૂખાઓ જરી વધારે બહાર આવ્યા... રૂપસિંહે ગીત ઉપાડ્યું... વાજિંત્રો વગાડનારા એના સાથીદારોએ વાદ્યની સાથે સાથે પોતાનોય સૂર પુરાવ્યો — સૂરના એક ઝરણામાં બીજાંય ઝરણા ભળ્યાં ને વહેવા લાગ્યાં... દરિયાના કોઈક મોજાં પર હોડી ઊંચી ઊઠે તેમ સૂર ઊંચે ઊઠ્યો.. જીર્ણશીર્ણ કિલ્લોય જાણે સૂરની સાથે સાથે ધરતીથી જરીક ઊંચે ઊઠ્યો... દરિયાનાં ઊછળતાં મોજાં પર સઢ કે હલેસાં વગરની હોડી જેમ લયનર્તન કરે તેમ સૂરની સાથે ઊંચે ઊઠેલો કિલ્લોય જાણે ડોલવા લાગ્યો, લય-નર્તન કરવા લાગ્યો. રૂપસિંહને લાગ્યું, પોતાનું શરીર પણ સૂરની સાથે સાથે ધરતીથી ઊંચે ઊઠ્યું છે... રણના ઢૂવાઓ જાણે દરિયાનાં મોજાંઓમાં ફેરવાતા જાય છે... રણમાં દોડતાં ઊંટોની હારની હાર જાણે સઢ વગરના વહાણમાં ફેરવાઈ જાય છે.. છતાંય નસોમાં તો જાણે લોહીના બદલે રણની રેત જ વહે છે સર્ સર્ સર્... ને ભીતર ઊપસતી જાય છે રેતલહરીઓની અનંત ભાત... ચોક્કસ લયમાં, સૂરમાં... રૂપસિંહે સૂર આટોપ્યા – મોડી સાંજે માછીમારો છેલ્લી વાર દરિયામાંથી જાળ પાછી ખેંચે તેમ... રાવણહથ્થામાંથી નીકળેલો છેલ્લો કરુણ સૂર પ્રવાસીઓના કાનને, કિલ્લાના તોતિંગ દરવાજાને, કિલ્લાની દીવાલોના ઘસાઈ ગયેલા પથ્થરોને અફળાયો અને જાણે રેત રેત થઈને વેરાઈ ગયો... ગીત સાંભળવા ટોળે વળેલા પ્રવાસીઓ, ગાનારા હાથ લંબાવે તે પહેલાં જ વીખરાવા લાગ્યા... રૂપસિંહે હાથ લંબાવ્યો નહિ... કિલ્લાના દરવાજાથી થોડેક દૂર એક મદારી આવી ચડ્યો. ચોકડાવાળી લુંગી, મેલું પહેરણ ને હાથમાં ડુગડુગી... ને સાથે ગળામાં દોરડું ભરાવેલું એક લાલ મોંવાળું વાંદરાનું બચ્ચું... બરાબર સૂર સાચવીને એક ગીત ગાયું... પણ હવે રૂપસિંહનો તાવ વધ્યો હતો. હવે એના ગળામાં સખત દુઃખતું હતું. એના ગળામાં જાણે ધીમે ધીમે રણની રેતીનો ઢૂવો જમા થતો હતો ને થીજતો જતો હતો... લાગતું હતું, હવે બીજું ગીત ગવાશે નહિ... ઊંચે જતાં જ સૂર દાંતી પડેલા પતંગના દોરની જેમ જ તૂટશે... થોડું વધારે ખેંચતાં જ અવાજ ફાટી પડશે ને હવામાં જરીક ઊંચકાયેલો કિલ્લો કાચના ઝુમ્મરની જેમ નીચે પટકાશે ને પોતે પાળિયાની જેમ ચૂપ થઈ જશે... ત્યાં દૂરથી આવતા પાંચ-સાત ફૉરેનર્સ નજરે પડ્યા. રૂપસિંહની આંખો ચમકી ઊઠી... મોં પરની કરચલીઓ સુધ્ધાં મલકી ઊઠી... હોઠ પર મધુર સ્મિત રેલાઈ ઊઠ્યું... રાવણહથ્થા પર ધીમેથી સૂર ઉપાડ્યો... ફૉરેનર્સ વધારે નજીક આવ્યા. રૂપસિંહે ફૉરેનર્સ સાથે નજર મેળવી, આંખો વધારે ચમકાવી – ધોમધખતા બપોરે જાણે ચમકી ઊઠ્યું મૃગજળ! ચહેરો વધારે મલકાવ્યો... જાણે કોઈ ઢૂવાની ટોચે મલકતો ચંદ્ર! ગળામાં અસહ્ય દુઃખતું હતું છતાં એણે હળવેકથી ગીત ઉપાડ્યું... એનો જમણો હાથ જરી ઊંચકાયો. સૂર ઊંચે જતો ગયો તેમ તેમ એનો હાથ પણ ઊંચો થતો ગયો... કિલ્લો આખોય સૂરની સાથે જરી ઊંચકાયો... રૂપસિંહે ડાબી હથેળી ડાબા કાને દાબી ને પછી હાથ ઊંચો કરીને જરી વધારે ખેંચવા ગયો ત્યાં જ એનો અવાજ, અસહ્ય તાપથી ધરતીમાં તિરાડ પડે તેમ તરડાયો... અચાનક એને ખાંસી ચડી... સાફાનો લટકતો છેડો એણે મોં પર દાબી દીધો... સૂરની સાથે ઊંચકાયેલો કિલ્લો કાચના ઝુમ્મરની જેમ નીચે પટકાઈ પડે તે પહેલાં તો રૂપસિંહના દીકરાએ સૂરનો દોર પોતાના હાથમાં લઈ લીધો... સાફાના છેડાને મોં પર દાબી રાખીને ખાંસીના અવાજને રોકવા મથતા રૂપસિંહને લાગ્યું, દૂ...૨ ક્ષિતિજ પાસેના ઢૂવામાંથી જાણે કોઈ સૂરજ પ્રગટ્યો..! નજીકના જ કોક ઢૂવામાંથી જાણે કોઈ ઝરણું પ્રગટ્યું... ને કોઈ છંદોલયમાં વહેવા લાગ્યું... રૂપસિંહના નાનકડા દીકરાએ છંદ-સૂર-લય-તાલ કશુંય જરીકે નંદવાવા ન દીધું... ને સરસ રીતે ગીત આટોપ્યું... ગીત પૂરું થતાં રૂપસિંહના દીકરાએ પણ હાથ લંબાવ્યો નહિ. કેટલાક ફૉરેનર્સે પૈસા આપ્યા. વળી રૂપસિંહને ખાંસી ચડી. એણે સાફાનો છેડો મોં પર દાબ્યો. દીકરો બાપની પીઠે હાથ ફેરવવા લાગ્યો... કોઈ સાથીદાર પાણી લેવા દોડી ગયો... રણની બળબળતી રેત જેવી સૂકી ખાંસી કેમેય અટકતી નહોતી... લાગતું, ગાંડો બાવળ ગળામાં ફસાઈ ગયો છે ને ફેફસાંમાં તો જાણે અસંખ્ય બાવળ! છેવટે એક ગળફા સાથે ખાંસી અટકી. એને લાગ્યું, હા...શ.. ગળામાં ફસાયેલો બાવળ નીકળી ગયો... પણ ફેફસાંમાંના અનેક બાવળનું શું? મોં પર દાબેલા સાફાના છેડા પર જોયું તો ખાસ્સું બધું લોહી...! મદારીએ ડુગડુગી વગાડવાનું શરૂ કર્યું. બીજું ગીત સાંભળવા ઊભેલા થોડાક લોકો મદારીના ખેલ તરફ ચાલ્યા... સાથીદારોએ રૂપસિંહને ઘરે જવા માટે દબાણ કર્યું. રૂપસિંહ ઊભો થયો. દીકરાના ખભાનો ટેકો લઈ ચાલવા લાગ્યો... ત્યાં વાજિંત્રો બજી ઊઠ્યાં. રૂપસિંહના એક સાથીદારે નવું લોકગીત ઉપાડ્યું. ઘર ભણી જતા રૂપસિંહના પગ થંભી ગયા. ડોક ફેરવીને એણે ગાતા-બજાવતાં સાથીદારો તરફ એક નજર નાખી... પાછા ફરવાનું ને ગાવાનું મન થઈ આવ્યું. ગળું ખોંખાર્યું તો લાગ્યું, ફેફસાંમાંનો એક બાવળ વળી ગળામાં આવીને ફસાઈ ગયો છે... ખૂબ મોટેથી ડુગડુગી વાગવા લાગી. મદારી મોટેથી એના બંદરને કહેતો હતો: ‘નાચો બંદરિયા... બ્યાહ હોગા...' ને ખાસ્સીબધી ઘેરવાળો ચણિયો પહેરેલું વાંદરાનું બચ્ચું ગોળ ગોળ ફુદરડી ફરતું નાચવા લાગ્યું. રૂપસિંહ મદારીની નજીક આવ્યો. એણે મદારીને પૂછ્યું : ‘ઈસ બંદરિયા કો કિતને મેં ખરીદા થા રે?’ રૂપસિંહને લાગ્યું – પોતાના પગ તળેના રણમાંથી જાણે આંધી ઊઠી... રેતીની એક મોટી ડમરી પોતાની આસપાસ જોરથી ઘુમરાવા લાગી... ઘુમરાતી ઘુમરાતી ઊંચે ઊઠતી ડમરીની અંદર જાણે પોતે પણ ઘુમરાતો હતો... સ્થિર ઊભવા માટે એના હાથ જાણે ઊડતી-ઘુમરાતી રેતનો ટેકો લેવા મથતા હતા... દૂ...૨ ક્ષિતિજ પાસેના ઢૂવાઓમાંથી જાણે એના દાદાજીનો ગાવાનો અવાજ આવતો હતો:
‘કેસરિયા... બાલમ...’