યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/આસ્થા (‘અખંડાનંદ’, નવે. ૨૦૦૫)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચૌદ
આસ્થા

‘સાંભળ્યું? આસ્થામેમ વિશે કંઈ?’ ‘ના, કેમ?’ ‘આસ્થા-મેમ એસ.સી. છે...’ ‘હેં?! ના હોય! શું વાત કરો છો?!' – આખી ઑફિસમાં ગુસપુસ-ગણગણ ચાલી, બિલ્લીનાં પગલાં જેવા ધીમા અવાજે, કાનોપકાન... પણ કોઈનાય માન્યામાં આવતું નહોતું કે આસ્થામેમ એસ.સી. હોઈ શકે... કેવાં તો રૂપાળાં! નાગર જેવાં, ના; સિદ્ધપુરની વૉરી જેવાં, ના; અંગ્રેજ જેવાં રૂપાળાં, રતાશભર્યો ઊજળો વાન, ગાલ તો ટમેટાં જેવાં, લીલાશ પડતી ભૂરી આંખો, ભૂરા લાંબા વાળ – જથ્થોય ખાસ્સો, ક્યારેક જ ચોટલો વાળ્યો હોય, નહીંતર ઢીલો સાદો અંબોડો. ભારે કૉટન સાડીમાં તથા અંબોડામાં તેઓ વધારે ઠાવકાં લાગે; ઑફિસ હંમેશાં સાડીમાં જ આવે, મોટેભાગે સાઉથ ઇન્ડિયન કે કલકત્તી સાડીમાં; હા, પરિવાર સાથે ટૂરમાં ગયાં હોય ત્યારે મોંઘા ડ્રેસમાં જોવા મળે; કોઈ હિલ-સ્ટેશન પર જાય ત્યારે જિન્સ અને સ્લીવલેસ ટી-શર્ટમાં ઘોડેસવારીય કરે. રંગ ભલે અંગ્રેજ જેવો, પણ સ્ટ્રક્ચર ગુજરાતી. લગભગ સાડા પાંચ ફૂટ ઊંચાઈ, પાતળી કમર, ઉન્નત સ્તન, ભરાવદાર નિતંબ, લાંબી પાતળી ડોક, લંબગોળ મોં, અણિયાળું નાક, કાનમાં હલ્યા-ચમક્યા કરતાં લટકણિયાં; આંખો ભલે લીલાશ પડતી ભૂરી, પણ આંખમાં છળ-કપટ નહિ; નજરમાંથી સહજ સ્નેહ નીતરે; રતાશભર્યા પાતળા હોઠના ખૂણેથી સરળ સ્મિત રેલાયા કરે; સાદું-ભલું-સહજ-સરળ વ્યક્તિત્વ; મળતાવડો સ્વભાવ, નીચલા સ્ટાફ સાથેય હળે-ભળે, અંગ્રેજો જેવી શિસ્તના આગ્રહી, પણ બધાય સાથે પ્રેમથી કામ લે, સારા કામ બદલ અવારનવાર ઇન્સેન્ટિવ કે હોનરેરિયમ અપાવે, ભારે ચીવટવાળાં, કશુંય ચલાવી ન લે, પણ દંડો ઉગામીને કામ લેવાના બદલે હળીમળીને પ્રેમથી કામ લે, પોતે સહુથી વધુ કામ કરે, કોઈની કશીયે ભૂલ બદલ એને ઠપકો આપવાના બદલે ભૂલ સુધારી આપે ને ફરી આવી ભૂલ ન થાય એની કાળજી રાખવાનું – ધીમા નાજુક અવાજે – દરેક શબ્દ છૂટો પાડીને – ભારપૂર્વક કહે. રિસેસમાં ચોથા વર્ગનાં કર્મચારીઓ ટિફિન ખોલીને જમતાં હોય ત્યાં આસ્થામેમ પહોંચી જાય – ‘શું કમળાબહેન, શું લાવ્યાં છો આજે?' ‘હવારે ઊઠવામોં મોડું થયું તે મું તો ઢેબરો જ લાઈ છું નં અથોંણું...' ‘શેનાં ઢેબરાં કર્યાં છે? મેથીનાં કે દૂધીનાં?' ‘મેથી લાવવાનો કે સાફ કરવાનો ટેમ જ ચ્યોં હતો? તે મીં તો લગીર દહીં નંખીનં ઢેબરો બનાઈ દીધોં....’ ‘લાવો તો, હુંય કટકો ઢેબરું ચાખું...' આસ્થામેમ જરીક ટુકડો ચાખે ત્યાં બીજાંય બોલી ઊઠે – ‘લો મેમ, અમારામાંથીય ચાખો.' ‘ફરી કોઈક વાર તમારામાંથીય ચાખીશ.' – કહી આસ્થામેમ ચાલ્યાં જાય. ઑફિસમાં આત્મીયતાભર્યું વાતાવરણ થવાથી સહુ હોંશે હોંશે કામ કરતા. આસ્થામેમના આવ્યા પછી સૌની કાર્યક્ષમતાય વધી હતી અને કંપનીનો નફોય વધ્યો હતો. નાનામાં નાના કર્મચારીની મુશ્કેલીમાંય આસ્થામેમ એના ઘરે પહોંચી જતાં ને પોતાનાથી બનતી મદદ કરતાં. કોઈ ને કોઈ નિમિત્તે, અવારનવાર ઑફિસમાં પોતાના તરફથી પાર્ટી કરતાં – અવારનવાર આઇસક્રીમ કે ચા-નાસ્તો ને કોઈ કોઈ વાર જમણવાર. ક્યારેક કોઈ અમસ્તું જ કહે – ‘આસ્થામેમ, હમણાંથી જમણવાર નથી થયો. તો સોલ્જરી કરીને...’ ‘સોલ્જરી શું કામ? જમણવાર મારા તરફથી.' – આવાં આસ્થામેમ દેખાવથી કે સ્વભાવથી કે વાણી-વર્તનથી, કોઈ કહે નહિ કે એસ.સી. હોઈ શકે. કાનોપકાન ગુસપુસ ચાલતી હોવા છતાં કોઈ માનવા તૈયાર નહોતું કે આસ્થામેમ એસ.સી. હોઈ શકે. કેટલાક તો દલીલ પણ કરતાં – ‘અટક બદલવાથી કંઈ જાત કે સ્વભાવ થોડાં બદલાય?! નામ કે અટકનીયે ખબર ન હોય તો પણ સ્વભાવ તથા વાણી-વર્તનથી ખબર પડે કે આ કયા કુળની વ્યક્તિ હશે...' આસ્થામેમનાં નાની – મણિમા ગામડે ગુજરી ગયાં – એવા સમાચાર આવ્યા ને આસ્થામેમ એમનાં મા સાથે ગામડે ગયાં એ પછી ઑફિસમાં આવી ગુસપુસ શરૂ થયેલી. આસ્થામેમનાં નાનીના ગામનો જ એક કર્મચારી આવી વાત લઈ આવેલો ને પછી તો વાત છે ને વાયરો છે...

*

આસ્થાનો જન્મ બેંગ્લોરમાં થયેલો. એના પપ્પા ત્યાં કલેક્ટર હતા. કર્ણાટકમાં જ અલગ અલગ સ્થાનોએ એમની બદલી થતી રહેલી ને નોકરીનો છેલ્લો દાયકો દિલ્હીમાં ગાળેલો. વળી આસ્થાના પપ્પા વતન આવવાનું હંમેશાં ટાળતા. આથી આસ્થામાં જ્ઞાતિગત, ગામગત, જે તે સમાજગત કે પ્રદેશગત સંસ્કારો સ્વાભાવિક રીતે જ આવ્યા નહોતા. કલેક્ટર બંગલામાં રહેવાનું અને સેન્ટ્રલ સ્કૂલમાં ભણવાનું. આસ્થાનું એન્જિનિયરિંગ બેંગ્લોરમાં અને એમ.બી.એ. દિલ્હીમાં. આથી એસ.સી. હોવાના અર્થની આસ્થાને પોતાનેય જાણ નહોતી. દલિતો પરના અત્યાચાર કે શોષણની બાબત પણ એણે માત્ર કોઈ કોઈ આર્ટફિલ્મમાં જ જોયેલી. આસ્થાનાં લગ્ન પણ દિલ્હીમાં જ થયેલાં. લગ્ન પછી કુળદેવીનાં દર્શન કરવાં પડે – એવી આસ્થાની માની હઠ હતી એ કારણે, પિતાની ના છતાં, આસ્થા તથા જમાઈને લઈને મા કુળદેવીનાં દર્શન માટે ગામડે આવેલી. ત્યારે ટૅક્સીમાં આવેલાં ને દર્શન કરીને તરત પાછાં ફરેલાં તે આસ્થાએ વતન જોયું નહોતું એમ કહીએ તોય ચાલે. અત્યારેય પિતા જો જીવતા હોત તો નાનીના મરણ નિમિત્તે ગામડે ગયાં તો હોત, પણ પછી ત્યાં આસ્થાને તો વધારે ન જ રોકાવા દીધી હોત. ‘કેટલાંય વરસોથી વતન ગયાં નથી ને કોઈ નિમિત્તે ગયાં છીએ તો એક રાત પણ રહ્યાં નથી; તરત પાછાં ફર્યાં છીએ. તો આસ્થા, બેટા, આ વખતે તો આપણે બેય પંદરેક દા'ડા રોકાઈએ, બાની બધી વિધિયે કરીએ ને નાત પણ જમાડીએ.' – માએ કહેલું. ‘હા, ચોક્કસ. આમ પણ મને ઘણા સમયથી થોડા દિવસ ગામડે રહેવાનું મન હતું.' મા-દીકરી ગામડે ગયાં. નાનીનાં છેલ્લાં દર્શન કર્યાં. પછી ખુલ્લું રાખેલું મોં ઢાંકી દીધું. ડાઘુઓએ નનામી ઊંચકી અને ચાલવા લાગ્યા. માં ભાંગી પડી. ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. આસ્થાની લીલાશ પડતી ભૂરી આંખોમાં આંસુ ન આવ્યાં. એ ચૂપચાપ માની પીઠ પસવારતી રહી. લોકો આવતાં રહ્યાં. રોકકળ કરતાં રહ્યાં. કેટલાંક બૈરાં ટોળે વળીને કૂટતાં રહ્યાં. મરશિયા ગવાતા રહ્યા. આસ્થા કાન સરવા કરતી પણ મરશિયાના શબ્દો એ પકડી શકતી નહોતી. આસ્થાને કંટાળો આવવા લાગ્યો. સાચી-ખોટી-દંભી રોકકળથી ક્યારેક એ ઇરિટેટ થતી. ક્યારેક માનાં આંસુ જોઈ દ્રવી પણ ઊઠતી, સમય જાણે થીજી થીજીને ચાલતો હતો, સમય જાણે ધીરે ધીરે બરફ બનતો જતો હતો. છેવટે સાંજ પડી. આસ્થાએ પૂછ્યું: ‘હું જરા બહાર ગામમાં આંટો મારતી આવું?’ ‘ના, અત્યારે ઘર બહાર ના નીકળાય. લોકો શું કહે?' આસ્થા ચૂપ રહી. આસ્થાનાં રૂપ-રંગ જોઈ માથે ઓઢેલાં બૈરાં અંદરઅંદર કશીક ગુસપુસ કરતાં હતાં. આસ્થાએ નિઃશ્વાસ છોડ્યો – પંદરેક દિવસ તો મારાથી આમ, આ રીતે નહિ રહી શકાય અહીં... આસ્થાને જાણે ગૂંગળામણ થતી હતી. મુક્ત શ્વાસ જાણે નહોતા લઈ શકાતા અહીં... હવા તો જાણે ચોખ્ખી હતી, છતાં એવું લાગતું કે નહિ દેખાતો ધુમાડો જાણે થીજતો જાય છે હવામાં... હવાનું વજન જાણે વધતું જાય છે. ‘મા, હું કાલે નીકળી જઈશ.' આસ્થા બોલી. ‘કેમ બેટા, તું તો પંદરેક દિવસ રહેવાનું કહેતી 'તી ને...' ‘મને અહીં આટલા બધા દિવસ નહીં ફાવે. બારમાની વિધિ વગેરે હશે એના આગલા દિવસે આવી જઈશ. ને નાત પતે ત્યાં લગી રહીશ. વચ્ચેના દિવસોમાં મારું કંઈ કામ છે અહીં?' માથે ઓઢેલાં બૈરાં આસ્થાને જોઈને જે ગુસપુસ કરતાં હતાં એ માના ધ્યાન બહાર નહોતું. માએ કહ્યું: ‘સારું બેટા, વચ્ચેના દિવસોમાં તારું કંઈ કામ નથી અહીંયાં..' છીદરી પહેરી, માથે ઓઢીને બેઠેલાં બૈરાં તરફ એક નજર નાખી માએ ઉમેર્યું, ‘વધારે દિવસ તને નહિ ફાવે અહીંયાં...' ત્યાં કોક ડોશીમા બોલ્યાં: ‘કશો વાંધો નંઈ. ભોંણીનં અંઈ નીં ફાવઅ્... ભલઅ્ જતી.’ બીજે દિવસે સવારે જ આસ્થા ગામડેથી પાછી આવતી રહી. સમયસર ઑફિસ પહોંચી. બધા સ્ટાફને ‘ગુડ મોર્નિંગ' કહ્યું. બધાએ આસ્થામેમની નાનીના અવસાન બદલ શોક પ્રદર્શિત કર્યો. ‘કેટલી ઉંમર હતી?' ‘માંદાં હતાં?' ‘બહુ રિબાયાં તો નથી ને?’ વગેરે ટૂંકા ટૂંકા સવાલ-જવાબ થયા. કોણ જાણે કેમ, આસ્થાને આજે સ્ટાફમાં બધાંનું વર્તન સહજ નહોતું લાગતું... એવું લાગતું કે આજે બધા પોતાને કશી જુદી નજરે જુએ છે, પણ બધા પોતાને કેવી નજરે જુએ છે એ સમજાતું નહોતું. નાત જમાડવાની હતી એના આગલા દિવસે આસ્થા ગામડે પહોંચી. સાંજે એ પોતાની ઉંમરની બે-ત્રણ સ્ત્રીઓને સાથે લઈને ગામમાં ફરવા નીકળી. બજારમાંથી પસાર થયાં. એક સ્ત્રીએ ચાર-પાંચ દુકાનો બતાવી, પછી કહ્યું: ‘આ દુકાનોમાં પહેલાં આ ગામમાં જ વણાઈને તૈયાર થતું કાપડ વેચાતું. પણ એકાદ દાયકાથી બધું બંધ થઈ ગયું.' બીજી સ્ત્રી બોલી: ‘હવે આ દુકાનોવાળા સૂરતથી માલ લાવે છે ને વેચે છે.’ બંને સ્ત્રીઓ પોતાની વાતમાં ગામડાની બોલીનો રણકો આવી ન જાય એની સભાનતા સાથે વાત કરતી હતી એ જોઈ આસ્થાને જરી હસવું આવી ગયું. આવી અતિ સભાનતાના કારણે ક્યારેક ‘મોહનથાળ’ના બદલે ‘મોસનથાળ' પણ બોલાઈ જાય! એ બંને સ્ત્રીઓ પ્રાથમિક શાળામાં શિક્ષિકાઓ હતી. ને કોઈ મેડમ શાળામાં ઇન્સ્પેક્શન માટે આવ્યાં હોય એ રીતે તેઓ આસ્થા સાથે શરૂમાં વાત કરતાં રહ્યાં, પણ પછી ધીમે ધીમે ઊઘડતાં ગયાં. સીમમાં ઊંચાણવાળી એક જગ્યા બતાવતાં એ સ્ત્રી બોલી: ‘અહીં પહેલાં એક કૂવો હતો. એમાંથી આપણે પાણી ભરવું પડતું. ગામના બાકીના બધા જ કૂવા ઊંચી વ૨ણ માટે હતા.' વાત સાંભળતાં સાંભળતાં આસ્થા એ જૂનો સમય કલ્પી રહી... જે સમય એણે કેટલીક આર્ટ-ફિલ્મોમાં જોયો હતો. ‘આપણને અડતાં અભડઈ જતા 'તા એવા ચાર-પાંચ જણાએ આપણી નાતની બાર વરસની છોડી પર બળાત્કાર કરેલો..' ‘પછી?’ ‘પછી એ છોડી ઘેર પાછી નહોતી આવી, એણે આ કૂવાને વહાલો કર્યો હતો. લોક કહેતું, મધરાતે કૂવા પાહેથી પસાર થતાં એ કૂવામાંથી પેલી છોડીની ઝાંઝરીનો અવાજ આવતો!' ‘પછી?’ ‘પછી તો એ વાતેય ભૂલઈ ગઈ નં કૂવોય પૂરઈ ગયો.' એ બે જણ ગામમાં, ભૂતકાળમાં થયેલા દલિતો પરના અત્યાચારની ને શોષણની વાતો કરતી રહી. આસ્થા એ સમય કલ્પી રહી. અત્યારે એ બધું માન્યામાં નહોતું આવતું પણ આવું બધું સાંભળતાં જાણે અંદર કશુંક ચચરવા લાગતું... વાળુ માગવાની વાત તો આસ્થા જાણતી. શહેરોમાંય હજી આ પ્રથા ક્યાંક ક્યાંક ચાલુ છે. વાળુ માગનારને લોકો વધેલું અન્ન આપે છે. પણ એંઠું તો... આસ્થાના મનમાં વળી પેલી સ્ત્રીએ કહેલી વાત દૃશ્યરૂપે ઘુમરાવા લાગી ને જાણે અંદરથી દઝાડવા લાગી... ગામમાં સવર્ણોની વારંવાર નાતો થતી. પતરાળીમાં જે એંઠું વધ્યું હોય એ મોટા વાસણમાં ભેગું કરાતું. મોટું ખાલી વાસણ લઈ પંગતમાંથી પસાર થનાર બોલતો – ‘એ શાહુકારી... શાહુકારી... શાહુકારી...' ને પતરાળીમાં પડી રહેલ એઠું-વધેલું – લાડવા-મોહનથાળ વગેરે પંગતમાં બેઠેલા લોકો એ ખાલી વાસણમાં નાખતા જતા... આવી એંઠી મીઠાઈ માટે મોંમાં પાણી સાથે પડાપડી, ઝૂટમ્ ઝૂંટી થતી... શેરી વાળનારીઓ આવી એંઠી મીઠાઈ સાડલાના છેડે બાંધીને ઘરે લાવતી ને નાનાં ટેણકાંને હોંશે હોંશે ખવડાવતી... આસ્થાને જાણે આંખ સામે દૃશ્ય દેખાયું – પતરાળીમાં પીરસાયેલા ભાતમાં, પડિયામાંથી ગરમ દાળ રેડી દાળ-ભાત ચોળતી આંગળીઓ, કાને ‘શાહુકારી... શાહુકારી......’ શબ્દ પડતાં, વધેલો અડધાથીયે ઓછો મોહન-થાળનો એંઠો ટુકડો ખાલી વાસણમાં ફેંકતી... ઉબકો આવે એવું થઈ આવ્યું આસ્થાને... પણ પછી થયું, દાળ-ભાત ચોંટેલો એ મોહનથાળનો ટુકડો કોઈ ફાટલી સાડીના છેડે બંધાતો હશે ને કોઈ ટચૂકડા મોંમાં મુકાતો હશે... ભૂતકાળમાં ગામમાં થયેલા શોષણની વાત કરતાં કરતાં પેલી શિક્ષિકાએ કહ્યું : ‘...પેલી છોકરીની જેમ આપઘાત તો ભાગ્યે જ કોક કરતું, બાકી સહુ જાતીય શોષણથીય ટેવાઈ જતાં... બદલામાં અનાજ-પાણી મળી રહેતાં...’ બીજી શિક્ષિકા બોલી: ‘મણિમાને તો એક અંગ્રેજ સૈનિક..' આગળ એ કશું બોલે એ પહેલાં જ પેલી શિક્ષિકાએ ચૂંટી ખણી, ઇશારાથી એને ચૂપ કરી દીધી. આસ્થાનું ધ્યાન નહોતું. એ કશાક ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. આસ્થા થાકી ગઈ હોઈ રાત્રે વહેલી પથારીમાં પડી. શરીર કરતાં મન ખૂબ થાકી ગયું હતું. બાજુની રૂમમાં સ્ત્રીઓ હજી વાતો કર્યા કરતી... એ વાતો આસ્થાના કાને પડતી હતી... – મણિમાએ બાપડોંએ શરૂમોં બહુ વેઠેલું.. ભગવોંન એવું દખ દશ્મનનંય નોં દેખાડઅ્... – શરૂમોં દખ પડ્યું પણ પસઅ્ પાછલી જિંદગી હખમોં ગઈ... આવી બધી વાતો સાંભળવામાં આસ્થાને કંઈ ખાસ રસ નહોતો. પણ ત્યાં જ કોઈ ડોશીમાનું એક વાક્ય આસ્થાના કાને પડ્યું ને એના કાન ઊંચા થઈ ગયા, હૃદય પણ જાણે અધ્ધર થઈ ગયું... – મણિ જવોંન હતી. તારઅ્ ઈંનં એક અંગ્રેજ ઉપાડી ગયેલો. નં પોંચ-છો દા’ડા કેડી જીપમાં ગોંમની ભાગોળે પાછો મેકી ગયો 'તો...! મણિ તો પેલા ગોઝારિયા કૂવામોં પડવા જતી 'તી પણ તાકડઅ્ મું ભાળી ગઈ... નં ઈનં રોકી નં હમજાઈનં પસઅ્ ઘેર લઈ આઈ... બહાર થતી વાતો આસ્થાના કાને પડતી રહી.. નસોમાંથી લોહીના બદલે જાણે સળગતા અંગારા પસાર થતા રહ્યા. એનો ગોરો રંગ મશાલની જ્વાળાઓ જેવો રાતોચોળ થઈ ગયો.. એનાં જડબાં એકબીજા સાથે જડાયાં... લમણાની નસો તંગ બની... એનો ચહેરો ગુલાબી આરસના પથ્થર જેવો થતો ગયો... મન પાણીમાં ડૂબતા-ગુંગળાતા શરીર જેવું થઈ ગયું.. મનની આવી સ્થિતિના કારણે બહાર થતી વાતોને એ પૂરેપૂરી સાંભળી, પામી શકતી નહોતી... પણ એનો ટૂંકો સાર આ પ્રમાણે હતો – મણિમા – પોતાની નાનીને કોઈ અંગ્રેજ ઉપાડી ગયેલો ને પાંચ-છ દિવસ પછી પાછી મૂકી ગયેલો... બહાર પેલી ડોશી કહેતી એ પ્રમાણે નાનીને એ અંગ્રેજ સાથે ફાવી ગયેલું! એનો વ્યવહાર જાતીય શોષણ કરતા શાહુકારો જેવો નહોતો, એનું વર્તન ભૂખ્યાડાંસ પશુ જેવું નહોતું... હિંસક પશુની જેમ એ તૂટી નહોતો પડ્યો... એનો વ્યવહાર માણસ જેવો હતો, એણે નાની પર બળાત્કાર નહોતો કર્યો... નાનીની ઇચ્છા જાગે એની એણે રાહ જોઈ 'તી... નાનીને એમ કે પહોંચતાંવેંત એ શિકારીની જેમ તૂટી પડશે... પણ પહોંચતાંવેંત એણે નાનીને ચા-નાસ્તો કરાવેલો... પછી સ્નાન કરવા મોકલી હતી... પછી સારું જમાડી હતી... પછી અલગ રૂમમાં સૂવા જવાનું કહ્યું હતું... અને પછી... પેલી ડોશી કહેતી તેમ, એ અંગ્રેજ એક શાલીન માણસ હતો, નાનીને એની સાથે ફાવી ગયેલું.. એને થતું હતું – એ અંગ્રેજ એને કામવાળી તરીકેય એના જ ઘરે રાખે... પણ... કહે છે કે એ અંગ્રેજ એના વતનમાં પાછો ચાલ્યો ગયો... નાનીએ જ પેલી ડોશીને આ બધી વાતો કરેલી... હવે આસ્થાને સમજાતું હતું કે પપ્પા વતન આવવા માટે માને કેમ હંમેશાં ના જ પાડતા... પોતાનોય રંગ અંગ્રેજ જેવો છે, પણ સ્ટ્રક્ચર તો ઇન્ડિયન જેવું છે; જ્યારે માનો તો રંગ પણ અંગ્રેજ જેવો છે ને સ્ટ્રક્ચર પણ...... આસ્થા આખી રાત પથારીમાં પડખાં ફેરવતી રહી... એના રક્તકણો જાણે સળગતા કોલસાના તણખા બની ગયેલા... સવારે એની લીલાશ પડતી ભૂરી આંખો લાલચોળ થઈ ગઈ હતી. આસ્થાની આંખો-મોં જોઈને માને ધ્રાસ્કો પડ્યો: તો... આસ્થા ઊંઘી નહીં હોય? બહાર ચાલતી વાતો એના કાને પડી હશે?!

*

સાંજે નાત શરૂ થઈ એ અગાઉ જ આસ્થાએ સૂચના આપી રાખેલી. સવર્ણો કરતા તેમ શાહુકારી ઉઘરાવી લેવી ને પછી એના નાના નાના લાડવા વાળવા. આસ્થાને આવી સૂચના આપતી જોઈને માને નવાઈ પણ લાગી ને કશી ચિંતા પણ થવા લાગી. થતું, આસ્થાએ કેમ આવી સૂચના આપી? શું હશે એના મનમાં ?! છેવટે નાત પતી ગઈ. સહુ વિખરાઈ ગયા. માએ જોયું તો શાહુકારી ઉઘરાવીને વાળેલા લાડવાની સંખ્યા ખૂબ ઓછી હતી... નાતમાં શાહુકારી ઉઘરાવાઈ એ વખતે પુરુષો મૂછમાં મલકાતા હતા, સ્ત્રીઓ પાલવ આડો કરીને હસતી હતી ને પછી કશી ગુસપુસ કરતી હતી. માને યાદ આવ્યું – સવર્ણોની નાતમાં તો ઉઘરાવેલી શાહુકારીની સામગ્રી કેટલી બધી રહેતી?! શાહુકારીના લાડવા આસ્થાએ એક ડબામાં ભરવાની સૂચના આપી ને પછી ઉમેર્યું – ‘કાલે સવારે અમે પાછાં જઈએ ત્યારે આ ડબો લેતા જઈશું... સવારે યાદ કરાવજો.’ આસ્થા આ શું બોલે છે?! – માની નવાઈનો પાર ન રહ્યો. પછી થયું, આસ્થા એના ‘ડૉગી’ માટે લઈ જવા ઇચ્છતી હશે? પણ પછી થયું, ના, ના... આસ્થા એના ‘ડૉગી'નેય વાસી રોટલોય નથી આપતી... તો પછી... માને વળી ધ્રાસ્કો પડ્યો – નક્કી, ગઈ કાલે રાતે બહારના રૂમમાં ચાલતી વાતો અંદર સૂતી આસ્થાના કાને પડી હશે...એ પછી એના મનમાં શું શું ઘમસાણ ચાલ્યું હશે? પહેલાં તો માને થયું કે લાવ, આસ્થાને કહ્યું કે શાહુકારીના લાડુ વળી શા માટે સાથે લઈ જવા પડે? પણ પછી થયું, ના, નથી પૂછવું કશુંયે, કશું પૂછવાથી એના મનમાં વળી ક્યાંક કાંકરી પડશે ને વમળ ઊઠશે... એ હવે નાની નથી... એને જે કરવું હોય તે કરવા દો... પણ... શાહુકારીના લાડુનું વળી શું ક૨શે આસ્થા?! બીજે દિવસે સવારે વતનથી નીકળ્યાં. આજેય આસ્થાની આંખો સૂજેલી ને લાલચોળ હતી. આસ્થાએ યાદ કરીને પેલો ડબો સાથે લઈ લીધેલો. ઘરે પહોંચ્યાં. આસ્થા ઑફિસ જવા તૈયાર થઈ. આર-ઇસ્ત્રી કરેલી વાદળી બોર્ડરવાળી સફેદ સાડી પહેરી. સફેદ સાડીમાં ઝાંખી વાદળી બુટ્ટીઓની ડિઝાઇન હતી. આજે એણે લિપસ્ટીક ન કરી. ચહેરા પર ક્રિમ લગાવ્યું. પછી ગોગલ્સ પહેર્યાં. લાલચોળ આંખો ગોગલ્સના કાચ પાછળ ઢંકાઈ ગઈ. પછી ગાડીની ચાવી હાથમાં લેતાં એણે કહ્યું: ‘મા, લાડવા ભરેલો પેલો ડબો લાવ તો...’ મા વળી ચોંકી. પણ આ વખતે તો એણે પૂછી જ નાખ્યું: ‘લાડવાનો એ ડબો ઑફિસમાં વળી શું કામ લઈ જવો છે?' થોડી ક્ષણ મા-દીકરી બંને એકબીજાની આંખોમાં તાકી રહ્યાં... આસ્થાને માની લીલી-ભૂરી આંખોમાં જાણે કોઈ નહિ ફૂટેલા ઝરણાનું ચોખ્ખું કાચ જેવું જળ દેખાયું! માને ગોગલ્સના કાચ પાછળ ઢંકાયેલી આસ્થાની આંખો દેખાઈ નહિ. માએ ફરી પૂછ્યું: ‘લાડવાનો એ ડબો ઑફિસમાં શું કામ લઈ જવો છે?' આ વખતે આસ્થા બોલી: ‘એ તને ખબર નહિ પડે.’ માના મનમાં લખલખાની જેમ એક વિચાર દોડી ગયો: શું આસ્થા ઑફિસમાં બધાને આ શાહુકારીના લાડવા ખવડાવશે?!!! ‘આવું આપણાથી ન થાય બેટા...!' માના મોંમાંથી શબ્દો સરી પડ્યા. પણ આ શબ્દો કાને પડે એ અગાઉ તો આસ્થા નીકળી ચૂકી હતી... ગાડી ડ્રાઇવ કરીને આસ્થા ઑફિસ પહોંચી. પટાવાળો આસ્થામેમની બેગ તથા લાડવાનો પેલો ડબો લઈને ‘મેમ'ની પાછળ પાછળ ચાલ્યો. ‘મેમ'ની ચૅમ્બરમાં દાખલ થયો. ‘મેમ’ની બૅગ એની જગ્યાએ મૂકી. પછી ખૂણામાંની ટીપોઈ પર પેલો ડબો મૂક્યો. પટાવાળાને થયું, હં... નાનીમાના લાડવા આવ્યા લાગે છે... પટાવાળો ‘મેમ'ને પાણી આપીને પછી ચૅમ્બરની બહાર ગયો. આસ્થા પેલા ડબા સામે થોડી વાર તાકી રહી... એની આંગળીઓ ટેબલ પરનું પેપરવેટ ઘુમાવતી રહી... પછી એ.સી. ‘એક' પર હતું તે ‘ત્રણ' પર કર્યું. બક્કલ કાઢી વાળ છુટ્ટા કર્યા, જરી ઝાટક્યા, કાંસકો ફેરવ્યો, પછી પાછળ વાળનો જથ્થો ભેગો કરી વળી બક્કલ ભરાવ્યું. પછી એણે પેલો ડબો હાથમાં લીધો ને ચૅમ્બર બહાર નીકળી, પછી ઑફિસનીય બહાર નીકળી... ચહેરો તંગ હતો ને કપાળમાં ઘણીબધી કરચલીઓ હતી... સડસડાટ આસ્થા પાર્કિંગમાં પહોંચી, ગાડીમાં ગોઠવાઈ, ચાવી ઘુમાવી ગાડી સ્ટાર્ટ કરી, એ.સી. ઑન કર્યું, ને પછી ગાડી દોડાવી... આટલી ઝડપથી આસ્થા ક્યારેય ગાડી ચલાવતી નહોતી... ચાર રસ્તા, ટ્રાફિક સિગ્નલ, ત્રણ રસ્તા, વળી ટ્રાફિક સિગ્નલ, પછી ફોર લૅનનો રસ્તો... ગાડી પૂરઝડપે ચાલવા લાગી... સીટી એરિયા પૂરો થયો, ઔડા વિસ્તાર શરૂ થયો... ટ્રાફિક જરી ઓછો થયો... વ્યવસ્થિત રીતે, ધીમી ગતિએ ખટારાઓ દોડતા હતા... ઓવરટેક કરતી આસ્થાની ગાડી દોડતી હતી... ઔડા વિસ્તાર પૂરો થવા લાગ્યો, ત્યાં ડાબી બાજુ એક અવાવરું તળાવ આવ્યું. આસ્થાએ ગાડી ઊભી રાખી. ગાડીમાંથી એ બહાર નીકળી. પછી હાથમાં એક પથ્થર લઈને, તળાવના પાણીમાં જોરથી દૂ... ૨ ઘા કર્યો... પછી પેલા ડબામાંથી એક પછી એક લાડવા લઈને દૂ...૨, દૂ... ૨ પાણીમાં જોરજોરથી ઘા કરતી રહી... પાણીમાં વમળો ઊઠતાં રહ્યાં ને શમતાં રહ્યાં...