યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/સોનેરી પિંજરી (‘નવનીત સમર્પણ’, દીપો. અંક ૨૦૦૪)
સોનરી પિંજર
જાનીસાહેબ એમના ફ્લૅટમાં ટ્યૂશન કરતા હતા ત્યાં બહાર હોબાળો મચી ગયો. જાનીસાહેબે ધ્યાન ન આપ્યું છતાં મનમાં તો ચાલ્યું – શહેરની પોળો જેવા ઝઘડા અહીં આ ફ્લૅટોમાંય ચાલ્યા કરે. રોજ કંઈનું કંઈ થયા કરે. પાણી બાબતે કે આંગણમાં કચરો ફેંકવા બાબતે કે કોઈ છોકરીની મશ્કરી બાબતે કે – એમાં જો ધ્યાન આપીએ તો આ વિદ્યાર્થીઓને ભણાવવાનું શું? વળી એમણે ભણાવવામાં ધ્યાન પરોવ્યું – ‘ન્યૂટનના ગતિના નિયમો પછી આઇનસ્ટાઈને –’ ત્યાં બહાર હોબાળો સખત વધી ગયો. ટોળેટોળાં એ બ્લોક તરફ દોડવા લાગ્યાં. જાનીસાહેબ ભમ્મરો ઊંચકી, આંખો પહોળી કરી કંઈક સમજાવતા હતા પણ વિદ્યાર્થીઓના કાને એમનો અવાજ પહોંચતો નહોતો. વિદ્યાર્થીઓનું ધ્યાન બહાર હતું. બહાર જે રીતે ધમાલ વધી ગઈ એ જોઈ જાનીસાહેબને લાગ્યું, કંઈક ગંભીર હોવું જોઈએ. શું છે તપાસ કરવી જોઈએ. ‘તમે વાંચો, હું હમણાં આવું છું.' કહી જાનીસાહેબ બહાર નીકળ્યા. જાનીસાહેબની જ લાઇનમાં છેલ્લા બ્લોકમાં ધમાલ મચી ગયેલી. છેલ્લા બ્લોક તરફ જતા જાનીસાહેબના કાને અવાજો પડતા રહ્યા – – આવું તો ક્યારનું ચાલતું 'તું. – કૅ' છે કે સ્કૂલમાં ભણતી છોકરી છે. ઘરાક નાસી ગયો. – છોકરી હજી અંદર છે. – મકાનમાલિકની પીટાઈ ચાલે છે. હાથ છૂટો કરવો હોય તો જઈ આવો. – હું તો કહું છું પોલીસને હવાલે કરી દો. – ના. તો તો આપણી સોસાયટીનીય બદનામી થાય. – રેડ હૅન્ડેડ પકડેલાં. અશ્લીલ ફોટાઓ અને સી.ડી. પણ.. જાનીસાહેબ એ બ્લોકમાં પહોંચ્યા. સૌથી ઉપરના માળના ફ્લૅટમાં આ ઘટના બની હતી. ‘શું કરવું, શું નહિ... જાનીસાહેબની સલાહ લો.' કોક બોલ્યું. શરૂઆતમાં જાનીસાહેબ સોસાયટીના પ્રમુખ રહી ચૂક્યા હતા. એ પછીયે રહીશો એમને બીનહરીફ ચૂંટવા માગતા હતા. પણ જાનીસાહેબે ‘લોકશાહીનાં મૂલ્યો' વિશે નાનકડું ભાષણ કર્યા પછી ‘ના’ પાડીને કહ્યું – ‘ચાર વર્ષ મેં સેવા આપી. હવે બીજા કોઈ આગળ આવે.' ત્યાર બાદ જાનીસાહેબ પ્રમુખ નથી રહ્યા, પણ બધા પ્રમુખો કંઈ પણ પ્રશ્ન થાય ત્યારે જાનીસાહેબની સલાહ લેતા. જાનીસાહેબનો પ્રભાવ પડતો – તેજસ્વી ચહેરો, માથે ટાલ, ગાંધીજી જેવાં સફેદ ઓડિયાં, ચશ્માનાં કાચ પાછળ વેધક આંખો. ખાદીનો સફેદ લેંઘો એને ઝાંખા રંગનો ઝભ્ભો. શિયાળામાં ઉપ૨ બંડી, સ્ફૂર્તિલું શરીર. ફટ ફટ દાદર ચડતા જાનીસાહેબ ઉપલે માળે પહોંચ્યા. એ ફ્લૅટમાં દાખલ થયા – ટોળું મકાનમાલિકને મારતું હતું. મકાનમાલિક ટૂંટિયું થઈને ભોંય પર પડ્યો હતો – પેટ તરફ ઢીંચણ, માથું ઢીંચણ તરફ. ચહેરે-માથે, પેટમાં કે પેટ નીચે વધારે વાગી ન જાય એનું ધ્યાન રાખતો, ક્યારેક હાથ જોડતો, માફી માગતો, વળી ચહેરો-પેટ બચાવતો, અમળાતો... જાનીસાહેબને જોઈ એના જીવમાં જીવ આવ્યો. એક છોકરી દુપટ્ટાથી મોં ઢાંકીને અંદરની રૂમમાં રડતી હતી. કેટલાંક બહેનો-ભાઈઓ એ રૂમમાં મોટેમોટેથી દલીલો કરતા ઊભા હતા. લોકો એ છોકરીને જોવા તલપાપડ થતા. જાનીસાહેબે પહેલાં તો મકાનમાલિકને મારતા ટોળાને અટકાવ્યું. પ્રમુખ, સેક્રેટરી, એમની પત્નીઓ – બધાં ત્યાં હાજર હતાં – પોલીસને જાણ કરવી કે નહિ એની અવઢવમાં મૂંઝાતાં. જાનીસાહેબે આગેવાનો સિવાય બીજાં બધાંને બહાર કાઢ્યાં. પછી ફ્લૅટ અંદરથી બંધ કર્યો. સંતાનવિહોણો, વિધુર મકાનમાલિક ભોંય પર ઘૂંટણિયે પડીને જાનીસાહેબની માફી માગવા લાગ્યો – ‘મને માફ કરો, સાહેબ; મને પોલીસને ન સોંપશો... હજી મને ૪૬ વર્ષ જ થયાં છે... મારી સરકારી નોકરી જતી રે'શે. સાહેબ, હું ઘર ખાલી કરીને જતો રહીશ, મને માફ કરો, સાહેબ...' – કોલગર્લ લાવીને ધંધો કરનારને માફ ન કરાય. – સોંપી દો પોલીસને. દંડા પડશે એટલે થશે સીધો. – પોલીસ પકડીને લઈ જાય એટલે આ છોકરીય થઈ જાય સીધી... જાનીસાહેબના આવ્યા પછી છોકરીનું રુદન ખૂબ વધી ગયેલું. દુપટ્ટાથી એણે ચહેરો, ગરદન, છાતી બધું ઢાંકી દીધેલું, ને વારે વારે ઢાંક ઢાંક કરતી; જાણે બધું ખુલ્લું થઈ ગયું હોય તેમ. એનાં ડૂસકાં બંધ થતાં નહોતાં. મકાનમાલિક હાથ જોડીને બોલ્યો, ‘મારી નહિ તો આ છોકરીની તો દયા ખાઓ, સાહેબ; બાપડી હજી તો બારમામાં ભણે છે. બિચારીની જિંદગી ખતમ થઈ જશે, સાહેબ... એ સારા ઘરની છોકરી છે, સાહેબ, ક્યાંક એ આપઘાત...' ‘સારું' જાનીસાહેબ બોલ્યા, ‘આ છોકરી ખાતર પોલીસને જાણ નથી કરતા; પણ એક શરત – તમારે હવે આ ફ્લૅટ છોડીને જતા રહેવાનું. આ ફ્લૅટ વેચવા અંગેની વ્યવસ્થા આ પ્રમુખ કે સેક્રેટરી સાહેબ કરશે.' મકાનમાલિકના જીવમાં જાણે જીવ આવ્યો. પણ પેલી છોકરીનાં હીબકાં ઓછાં થતાં નહોતાં. ગુંગળાઈ મરાય એટલી હદે એણે કાળા દુપટ્ટાથી મોં ઢાંકેલું રાખ્યું હતું... જાનીસાહેબ પ્રમુખનાં પત્ની માલિનીબહેન તરફ ફર્યા પછી કહ્યું – ‘આ છોકરીને તમે તમારી કારમાં એના ઘરે પહોંચાડો ને એના વાલીને જાણ કરો કે એ કયા ધંધે ચડી ગઈ છે..' આ સાંભળીને એ છોકરી વળી મોટેમોટેથી રોવા લાગી, જાણે એની મા મરી ગઈ હોય... પ્રમુખ – પી. કે. પટેલ તરફ ફરીને જાનીસાહેબ બોલ્યા, ‘આ લોકોને પોલીસના હવાલે કરી દેવા જોઈએ એમ હુંય માનું છું, પટેલસાહેબ, પણ એમ કરીએ તો બધું છાપે ચડે ને આપણી સોસાયટી બદનામ થઈ જાય...' માલિનીબહેને પેલી છોકરીને કહ્યું, ‘હવે રોવાનું બંધ કર ને તારું નામ-સરનામું કહે. એટલે તને તારા ઘરે પહોંચાડીએ.’ પેલી છોકરીએ કશો જ જવાબ ન આપ્યો. એ રડતી જ રહી. દુપટ્ટાથી એનું મોં છુપાવતી જ રહી. ‘મોં ઢાંક ઢાંક કર્યા વિના હવે ઝટ જવાબ આપ ને... મોઢામાં મગ ભર્યા છે?’ – કહેતાં સેક્રેટરીનાં પત્ની અસ્મિતાબહેને એ છોકરીનો કાળો કોટન દુપટ્ટો ખેંચી લીધો. એ છોકરીને લાગ્યું, કોઈએ જાણે એના શરીર પરનાં બધાં વસ્ત્રો હરી લીધાં... એ છોકરીએ તરત બે હથેળીઓથી મોં છુપાવી દીધું... અસ્મિતાબહેન ખિજાયાં – ‘મોટી સતી સાવિત્રી ના જોઈ હોય તો... મોં ખોલ ને તારું નામ-સરનામું કહે.' કહી અસ્મિતાબહેને એના હાથ ચહેરા પરથી હઠાવી દીધા... જાનીસાહેબ સ્તબ્ધ! અરે, આ તો વૈશાલી! પોતાની જ શાળાની વિદ્યાર્થિની! ધોરણ ૧૨ ક, રોલ નંબર પાંચ. પહેલી ટેસ્ટમાં છઠ્ઠો રેન્ક! આવી હોશિયાર છોકરી આવા રસ્તે ચડી ગઈ! વળી હથેળીથી એ છોકરીએ ચહેરો ઢાંકી દીધો. જાનીસાહેબના માન્યામાં આવતું નહોતું – ના, ના, આ વૈશાલી ન હોય, પોતાની ભૂલ થતી હશે. માલિનીબહેને ગુસ્સે થઈને કહ્યું, ‘હવે તારું નામ-સરનામું બોલીશ કે પછી પોલીસને..!' જાનીસાહેબે ઇશારો કરીને માલિનીબહેનને અટકાવ્યાં પછી ધીમા પ્રેમાળ સાદે બોલ્યા, ‘બેટા, વૈશાલી..' વૈશાલીએ ચહેરા પરથી બે હથેળીઓ હઠાવી લીધી ને દોડીને જાનીસાહેબને બાઝી પડી, જાનીસાહેબની છાતીમાં મોં છુપાવી એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. જાનીસાહેબનો હાથ એ છોકરીના માથે ફરવા લાગ્યો... બધા ચોંકી ઊઠ્યા – જાનીસાહેબ આવી છોકરીને ઓળખે છે?! અને આવી છોકરી જાનીસાહેબને બાઝીને આમ રડી શકે છે?! જાનીસાહેબ બોલ્યા, ‘આ મારી શાળાની વિદ્યાર્થિની છે – વૈશાલી. બારમા ધોરણમાં ભણે છે. કશીક મજબૂરી હશે... કોકે ફસાવી હશે... નહીંતર વૈશાલી ક્યારેય આવું ન કરે. બહુ ડાહી છોકરી છે.’ આ સાંભળી વળી વૈશાલી વધારે રડવા લાગી... ‘તને એવી તે શી મજબૂરી હતી, બેટા?' માલિનીબહેને પૂછ્યું. વૈશાલીએ કશો જવાબ ન આપ્યો. હવે એ દુપટ્ટા કે હથેળીથી ચહેરો છુપાવતી નહોતી. એણે જાનીસાહેબ સામે જોયું, આંખમાં આંખ પરોવી, પછી બોલી: ‘મને પોલીસના હવાલે કરી દો, સાહેબ... હું એને જ લાયક છું.’ ‘તું અત્યારે ડિસ્ટર્બ છે. બેટા... તું અત્યારે ઘરે જા ને આરામ કર... આ આન્ટી તને ઘરે મૂકી જાય છે. મને પૂરો વિશ્વાસ છે, હવે પછી ક્યારેય તું આવું નહિ કરે. આ આન્ટી તારી મમ્મીને કશી વાત નહીં કરે, બસ?' ‘જાનીસાહેબ, તમેય આવો મને મૂકવા.' ‘સારું, હુંય આવું છું.' જાનીસાહેબને થયું, પોલીસ ન બોલાવી એ સારું થયું. નહીંતર બધું છાપે ચગત ને સોસાયટીની સાથે મારી શાળાની આબરૂય... જાનીસાહેબે પી. કે. પટેલને કહ્યું, ‘તમારી ગાડી અહીં જ લઈ આવો. વૈશાલીને બધા જુએ ને વાત વધારે ચગે એ ઠીક નહીં.' પી. કે. પટેલ ગાડી લેવા માટે ગયા. એમનાં પત્ની માલિનીબહેને વૈશાલીને કહ્યું, ‘ઉનાળામાં છોકરીઓ મોં પર બુકાનીની જેમ દુપટ્ટો બાંધે છે ને એમ તુંય બાંધી લે.' વૈશાલીએ કાળો દુપટ્ટો મોં પર બાંધી દીધો. હવે એ વધારે રૂપાળી લાગવા લાગી. અને એની કાળી, મોટી મોટી આંખો તો જાણે લોહચુંબક. મેંદીથી રંગેલા કોરા છુટ્ટા વાળ એણે ભેગા કરી બક્કલ ભરાવી દીધું. ત્યાં નીચે કારનું હોર્ન વાગ્યું. બધાં નીચે ગયાં. માલિનીબહેન અને વૈશાલી પાછલી સીટ પર ગોઠવાયાં, જાનીસાહેબ આગળની સીટ પર. વૈશાલીને જોવા ટોળાં ઉમટ્યાં હતાં, પણ કારની બારીઓના રંગીન કાચ ઉપર ચડાવી દેવાયા. વૈશાલીએ સ૨નામું જણાવ્યું ને ગાડી ઊપડી. શહેરના રસ્તાઓ. ટ્રાફિક સિગ્નલો, ચમકતી-દમકતી જાહેરાતો, ધુમાડો, ઘોંઘાટ, બસ-સ્ટેન્ડો, શૉ-રૂમો, શોપિંગ સેન્ટરો, ઊંચી ઊંચી બહુમાળી ઇમારતો... કાર દોડતી હતી. જાનીસાહેબના મનમાં ઘમસાણ ચાલતું હતું – વૈશાલી જેવી છોકરી આવા રસ્તે ચડી જ કઈ રીતે શકે? ડાબી બાજુની બેન્ચ પર ડાબે ખૂણે બેસે. શાંત, શિસ્તબદ્ધ. ભણવામાં જ ધ્યાન હોય. ચાલુ પિરિયડે બાજુની બેનપણી સાથે કોઈ જ વાત નહિ. આમ પણ ઓછાબોલી. એ આઠમામાં હતી ત્યારથી હું એને ભણાવું છું. આઠમામાં હતી ત્યારે તો એ મોનિટર હતી. ખો-ખો સરસ રમતી. વૉલીબોલ પણ. ભણવામાંય હોશિયાર, હંમેશાં પહેલા દસમાં એનો નંબર હોય. તેલ નાખેલા વાળ. વચ્ચે પાંથી પાડી બે ચોટલા લીધા હોય. ક્યારેક કપાળમાં ઝીણો કાળો ચાંલ્લો કરે. ગોળમટોળ લાડવા જેવું મોં. ભોળી ભોળી આંખો. એ આઠમામાં હતી ત્યારે એના પિતાનું અકસ્માતમાં અવસાન થયેલું. ત્યારે હું જ આઠમાનો ક્લાસટીચર હતો. ત્યારે અમે કેટલાક શિક્ષકો એના ઘરે ગયેલા. લોઅર-મીડલક્લાસનો પરિવાર. જૂના શહેરમાં એક નાનકડી ચાલીમાં એનું ઘર. એક રૂમ-રસોડું. એક પાટલા પર એના પિતાજીનો નાનકડો બ્લેક ઍન્ડ વ્હાઇટ ફોટો મૂકેલો. ફોટાને હજારીગોટાનો હાર પહેરાવેલો. ફોટા પાસે પાટલા પર બે-ત્રણ ગુલાબ પડેલાં. નાનકડી પિત્તળની દીવીમાં ઘીનો દીવો ટમટમતો હતો. પાટલાની તિરાડમાં બે અગરબત્તી ખોસેલી હતી. એમાંથી સુગંધિત ધુમાડાની સેરો વાંકીચૂંકી થતી ઉપર ઊઠતી હતી. વૈશાલીની મા સાંધાવાળો કધોણ પડેલો ધોળો સાડલો પહેરીને બેઠી હતી. કપાળ ઢંકાય એટલું માથે ઓઢ્યું હતું. માથે ઓઢેલ સાડલાની નીચે ભીના-કાળા વાળનો લાંબો ચોટલો ઊપસી આવતો. ગાઢી ભમ્મરો. આંખોમાં આંસુઓ નહોતાં; પણ રડી રડીને આંખો સૂજી ગઈ હતી અને લાલ થઈ ગઈ હતી. નાકનું ટેરવુંય લાલ થઈ ગયું હતું. નાકમાં ચૂની નહોતી, નાક વીંધાયાનો આડો છેદ દેખાતો હતો. નાક પાસે જમણા ગાલ બાજુ એક નાનો મસો હતો. વૈશાલી સ્કૂલ-ડ્રેસવાળું જ સફેદ ફ્રોક પહેરીને બેઠી હતી. અમને બધાંને જોતાં જ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી. પાથરણામાં એક બાજુએ સફેદ સાડલામાં કે સીદરીમાં ચાર-પાંચ સ્ત્રીઓ બેઠી હતી – મોં એકમેકની સાવ નજીક લઈ જઈને ધીમા સાદે કશીક વાતો કરતી. બીજી બાજુએ પુરુષો બેઠા હતા – મોટા ભાગના માથું નજર નીચાં ઢાળીને. ટૅપમાં ભજનની કેસેટ વાગતી નહોતી. પ્લાસ્ટિકની વાદળી પાટી ભરેલો એક ખાટલો ખૂણામાં દીવાલને ટેકે ઊભો કરેલો હતો. દીવાલો ચાર-પાંચ વર્ષથી ધોળાવ્યા વિનાની હતી. અનેક ઠેકાણેથી ચૂનાના સફેદ પોપડા ઊખડી ગયેલા અને એની નીચેનો મેલો ઝાંખો વાદળી ડિસ્ટેમ્બરનો રંગ ડોકિયાં કરતો હતો. એક ગોખલામાં જૂનો વાલ્વટાઇપનો રેડિયો પડ્યો હતો, એના પર જાડા દોરાથી ગૂંથેલું, અંકોડી ભરતવાળું નાનું સફેદ ઓઢણું ઓઢાડ્યું હતું. ‘આ પ્રસંગે ચા-બા ના હોય, ફરી ક્યારેક આવીશું.' એમ ભાર દઈને ના પાડવા છતાંય વૈશાલી ચા-કૉફી કરીને જ જંપેલી. – ‘બધા સાહેબો મારા ઘેર ક્યાંથી? ફરી વળી ક્યારે આવશો? હું કશું સાંભળવાની જ નથી ને.' ચિનાઈ માટીના જાડા કપ, ફૂટપાથ પર ચાની રેંકડીવાળાને ત્યાં હોય તેવા. કોઈ કોઈ કપની કિનારી જરીક તૂટેલી. ટ્રેના બદલે એક થાળીમાં એ બધા કપ લઈને આવેલી – ખાસ અમારા માટે, સાહેબો માટે. બાકીનાઓને તો રકાબીઓ પકડાવી દીધેલી ને કીટલીમાંથી ચા રેડી હતી. મેં કૉફીનો ઘૂંટ ભર્યો. કૉફીમાં દૂધ કરતાં પાણીનું પ્રમાણ ખાસ્સું વધારે હતું. કદાચ બધાનાં ચા-કૉફી થાય એટલું દૂધ ઘરમાં નહિ હોય. કૉફીનો પાઉડર તો કદાચ એ પડોશમાંથી માગીને લાવી હતી. ‘હવે કઈ બાજુ ગાડી લઉં?' પટેલસાહેબે વૈશાલીને પછ્યું. ‘જમણી બાજુ.' જાનીસાહેબને આશ્ચર્ય થયું, અરે! નદીની આ બાજુ! હશે, જૂનું ઘર કાઢી નાખ્યું હશે. કોક સમયે નદીકાંઠે શહેર હતું. હવે શહેરની વચ્ચે થઈને નદી વહેતી હતી, વાંકીચૂંકી, શહેરના બે ભાગ કરતી. નદીની એક બાજુ જૂનું શહેર અને બીજી બાજુ નવું શહેર. જૂના શહેરમાં વાંકીચૂંકી, જાડી-પાતળી ગલીઓ, ગલીઓમાંય ગલીઓ, પહોળી-સાંકડી થતી પોળો, પોળોમાંય પોળો. જૂની બાંધણીના પતરાંવાળાં, લાકડાનાં દાદરવાળાં બે-ત્રણ માળનાં ઘર. કેટલાંક તો પડું પડું થતાં. છાપરાનાં છજા નીચે કબૂતરો ડોક ફુલાવીને ઘૂઘવતાં. વંદા, ગરોળીઓ, કંસારીઓ, કીડીઓ, મંકોડા, રખડતાં કૂતરાં-બિલાડાં – નદીની આ બાજુ મોટા મોટા માર્ગો, વચ્ચે રોડ-ડિવાઇડર, એમાં પિંજરમાં વાવેલાં વૃક્ષો, નિયોન કે સોડિયમની લાઇટોનો ઝગમગાટ, ભવ્ય શો-રૂમો, લો-રાઇઝ-હાઇ-રાઇઝ ફ્લૅટો, તોતિંગ ટાવરો, રેસ્ટોરાં, બગીચાઓ, ક્લબો, મલ્ટીપ્લેક્સ થિયેટરો... જૂના શહેરમાં ભાડે રહેનારા સારું કમાતા થાય એ પછી નદીની આ બાજુ આવી જાય – થોડું રોકાણ, બાકીની લોન અને હપ્તા... પછી કલર ટીવી, ડીવીડી પ્લેયર, વૉશિંગ-મશીન, ઘરઘંટી, બાઇક... અને હપ્તા જ હપ્તા... ‘હવે ડાબી બાજુ.' ‘હવે જમણી બાજુ. સીધા લઈ જાવ, છેલ્લો ફ્લૅટ.' જાનીસાહેબનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું – નદીની આ બાજુ ને આવા એરિયામાં આવો ફ્લૅટ! મારો પગાર આવે છે ને તે ઉપરાંત ટ્યૂશન કરું છું છતાં આ એરિયાનો તો હું વિચાર પણ ન કરી શકું. છેલ્લા બ્લોક પાસે કાર ઊભી રહી. બારણું ખોલી વૈશાલી બહાર નીકળી. જાનીસાહેબ પણ બહાર આવ્યા. પટેલસાહેબે કહ્યું, ‘અમે અહીં છીએ, તમે એને મૂકતા આવો.' ‘આવો સર.’ વૈશાલી બોલી. વૈશાલી તથા પાછળ જાનીસાહેબ લિફ્ટમાં પ્રવેશ્યાં. થોડી સેકંડ પછી લિફ્ટનું બારણું બંધ થયું. લિફ્ટ ઊપડી. વૈશાલીએ કોઈ બટન દબાવેલું. જાની સાહેબ ઇન્ડિકેટર સામે તાકી રહેલા. ૧...૨... ૩... જાનીસાહેબના મનમાં એક તરંગ જાગ્યો – ‘લિફ્ટ છેક સ્વર્ગ સુધી લઈ જાય?! સ્વર્ગ નહીં તો સુખ નામના કોઈ માળ સુધી ?' લિફ્ટ ઊભી રહી. બારણું ખૂલ્યું. જમણી બાજુ વળ્યા. સામેના ફ્લૅટ પાસે આવી વૈશાલીએ બેલ વગાડ્યો. ફ્લૅટનું મુખ દક્ષિણ તરફનું હતું. દરવાજાની ઉપર ગણપતિની તકતી ચોડેલી હતી. બારણું ખૂલ્યું. એ સાથે જ ઘરમાંથી પોપટનો અવાજ આવ્યો – ‘વૈશાલી...વૈશાલી..!' વૈશાલીની મમ્મી ભવાં ઊંચકી, પોપચાં પહોળાં કરતાં બોલી! ‘અરે! જાની સાહેબ! આવો, આવો...!’ અત્યારે વૈશાલીની મમ્મીની ભમ્મરો પહેલાં જેવી ગાઢી નહોતી. ખાસ્સી આછી હતી. વૈશાલીની મમ્મીની પાછળ રૂંછાં-રૂછાંવાળું ‘ડૉગી' નાક ઊંચું કરી ઊભું હતું, પૂંછડી પટપટાવતું. જાનીસાહેબને કંઈ સૂઝું નહિ. થોડી વાર પછી તેઓ બોલ્યા: ‘પેલું પોળવાળું ઘર કાઢી નાખ્યું?' ‘હા, વૈશાલીના પપ્પાના અવસાન પછી જે પૈસા આવેલા એમાંથી રોક્યા ને બાકીના હપ્તા.’ જાનીસાહેબ વૈશાલીની મમ્મીના ચહેરા સામે જોઈ રહ્યા. વૈશાલીના પપ્પાના અવસાન વખતે જોયેલા ચહેરા સાથે આ ચહેરાનો જાણે મેળ ખાતો નહોતો. લાંબા વાળને બદલે પૉની. કોરા કપાળના બદલે કપાળમાં પાતળો-લાંબો ચાંલ્લો. કાનમાં લાંબાં લટકણિયાં. નાકમાં ચૂની નહોતી. પહેલા જેવો જ છેદ દેખાતો. ડાર્ક નેવી બ્લ્યૂ બોર્ડરવાળી, ઝીણી ચેક્સવાળી આસમાની સાડી – કોઇ પ્રસંગે પહેરાય એવી સાડી ઘરમાં પહેરેલી! ખુલ્લા મોટા ગળાનો ડાર્ક નેવી બ્લ્યૂ બ્લાઉઝ. પહેલાં કરતાં શરીર થોડું ભરાયેલું. વૈશાલીની મમ્મીએ કહ્યું, ‘બેટા વૈશાલી, જાનીસાહેબને ફ્લૅટ બતાવ...' પણ વૈશાલી એની મમ્મીને હાથ પકડીને અંદર લઈ ગઈ... જાનીસાહેબ બેઠા બેઠા મૂંઝાતા હતા... એમની નજર ચારેબાજુ જોવા લાગી. ઝાંખા પીળા ઓઇલપેઇન્ટવાળી દીવાલ ૫૨ કચ્છી ભરતકામવાળો, આભલાં મઢેલો ચાકળો. મોંઘા સોફા, પોચા પોચા ખોળાવાળા. લાકડાનું ડાઇનિંગ ટેબલ, ફરતે ઊંચી પીઠવાળી ખુરશીઓ. સામેની દીવાલ પર શૉ-કેસ. શૉ-કેસમાં મોંઘી ક્રોકરી, શરાબ પીવા માટે વપરાય તેવી કાચની પ્યાલીઓ. સામેના ખૂણામાં કલરટીવી; એની નીચેના ખાનામાં ડીવીડી પ્લેયર. બાજુમાં કેટલીક ડી.વી.ડી.ની થપ્પી. જમણી બાજુના ખૂણામાં લટકતું સોનેરી પાંજરું. એમાં નાનકડો પોપટ – પાંજરામાંના ઝૂલા પર બેઠેલો... પાંજરામાં નીચેની ડિશમાં ફ્રૂટ્સ... વૈશાલી અને એની મમ્મી બહાર આવ્યાં. વૈશાલીએ જાનીસાહેબને ફ્લૅટ બતાવ્યો. બારીઓ પર હળુ હળુ હાલતા અસ્તરવાળા પડદા, બાલ્કનીમાં કુંડાઓની કતારમાં તુલસી, ઑફિસ ફ્લાવર, મની પ્લાન્ટ અને રજનીગંધા. અંદરની રૂમમાં ડબલબેડ... બાજુમાં ટિપોઈ. એના પર ઍશ-ટ્રે. ઍશ-ટ્રે પર જાનીસાહેબની નજર જરી વાર થંભી... જાનીસાહેબ એ રૂમમાંથી બહાર આવી ગયા. એમના ગાંધીવાદી કેળવણીવાદી મગજમાં કશું બેસતું નહોતું. એમના વિશાળ કપાળ પર કરચલીઓ વધતી જતી હતી. વૈશાલી તો મારી વિદ્યાર્થિની... મેં એને શું કેળવણી આપી? શા પાઠ ભણાવ્યા ? શિક્ષક તરીકે નોકરી કરવાનો હવે મને નૈતિક અધિકાર નથી... મારે હવે રાજીનામું આપી દેવું જોઈએ... ના, ના... હવે વૈશાલી સુધરી જવાની. જાનીસાહેબના મનમાં આવું બધું ઘમસાણ ચાલતું હતું ત્યાં વૈશાલીની મમ્મી બોલી: ‘જાનીસાહેબ, આજે તમે વૈશાલીની જિંદગી બચાવી લીધી... તમારો આ ઉપકાર અમે ક્યારેય નહિ ભૂલીએ. ક્યારેય પણ, વૈશાલી તમારી કોઈ પણ ‘સેવા' માટે...' પછી વાક્ય અધૂરું છોડી, પાંપણો જરી નમાવી, મીઠો મલકાટ કરતી એ રસોડા ભણી જવા લાગી – ‘હું વરિયાળીનું શરબત લેતી આવું.' જાનીસાહેબ જાણે પથ્થરની મૂર્તિ બની ગયા ને ખૂણામાં લટકતા સોનેરી પિંજર તરફ તાકી રહ્યા.