રચનાવલી/૧૬૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬૮. ગામના દેવળમાં લખેલું કરુણ ગાન (ટૉમસ ગ્રે)


ફ્રેન્ચ કવિ વાલેરીએ સમુદ્રની નજીકના કબ્રસ્તાન પર અને સ્પેનિશ કવિ ઊનામૂનોએ શોને દાટવામાં નહીં પણ રોપવામાં આવે છે એવી કલ્પના સાથેનાં કબ્રસ્તાન કાવ્યો લખ્યાં છે. અંગ્રેજી ભાષામાં કબ્રસ્તાન પર એકધારી અતિપ્રસિદ્ધ જો કોઈ રચના હોય તો તે ટોમસ ગ્રેની ગામના દેવળકબ્રસ્તાનમાં લખેલું કરુણ ગાન’ (‘એલિજિ રિટન ઈન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’) રચના છે. શરાફના પુત્ર તરીકે જન્મેલા ટૉમસ ગ્રેનો આયુષ્યકાળ તો ૧૭૧૬થી ૧૯૭૧ સુધીનો છે. કેમ્બ્રિજમાં અર્વાચીન ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવનાર કવિ ૫૫ વર્ષ જીવ્યો પણ એની રચના આજે બસો વર્ષની ઉપરનો સમય થયા છતાં હજી એવી જ જીવંત છે. આ રચના ટૉમસ ગ્રેએ આશરે ૧૭૪૫ની આસપાસ રચેલી છે. એક રીતે જોઈએ તો આ સાહિત્યનો ગાળો અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં સંક્રાંતિકાળનો છે. પૉપ અને જોન્સનનો પ્રશિષ્ટ સાહિત્યનો સમય પૂરો થવામાં હતો અને રૉમેન્ટિક યુગ પણ આવું આવું થઈ રહ્યો હતો. ટૉમસ ગ્રે ઉપર એકબાજુ મિલ્ટન અને ડ્રાયડનની અસર ખાસ્સી જોવાય છે તો બીજી બાજુ આવનારા શેલી અને કીટ્સ જેવા રોમેન્ટિકોનો ઉદાસ ચહેરો પણ ડોકાય છે. અલબત્ત ટૉમસ ગ્રેનું આ કાવ્ય પ્રચલિત છે એનું કારણ એ નથી કે એ ખૂબ મૌલિક છે. પરંતુ એમાં કાવ્યનાં જુદાં જુદાં અંગો એવાં તો સમરસ ગોઠવાયેલાં છે કે એકંદરે એમાંથી કાવ્યની એક ચોક્કસ ઝલક ઊભી થાય છે, જે વાચકને સ્પર્શે છે. ‘ગામના દેવળકબ્રસ્તાનમાં લખેલું કરુણ ગાન’ જેવું કાવ્યનું શીર્ષક સૂચવે છે તેમ અહીં મનુષ્યના અનિવાર્ય અંત સાથે સંડોવાયેલા જીવન પર ચિંતવન થયું છે. એમાં એવી છબીઓ ઊભી કરવામાં આવી છે કે જે દરેકના હૃદયમાં સહેલાઈથી પ્રતિબિંબિત થાય અને દરેકનું હૃદય પોતાનો પડઘો પાડે. મરણનો અનુભવ જીવન સાથે એવો જોડાજોડ છે કે મરણને સમજ્યા વગર જીવનને સમજી ન શકાય, એવી સમજ લગભગ દરેક મનુષ્યમાં એક યા બીજી રીતે દૃઢ થયેલી છે. કવિએ આ રચનાના કણગાનમાં આ સમજનો આધાર લીધો છે. ૧૨૮ પક્તિનું આ કાવ્ય યોજનાબદ્ધ છે. એમાં ચાર પંક્તિનો એક એવા કુલ ૩૨ એકમો છે અને દરેક એકમની ચાર પંક્તિ વારાફરતી પ્રાસથી ગુંથાયેલી છે છેલ્લે ત્રણ એકમો કબ્રલેખ માટે રોકાયેલા છે. કાવ્યની શરૂઆત આપણને એક સાંજે કોઈ ગામના દેવળના વાગતા ઘંટ વચ્ચે મૂકે છે. જાણે કે એ વિદાય થતા દિવસનો મૃત્યુ ઘંટ ના હોય! ઘાસના મેદાન પર પવન આછો પડેલો છે. ખેડૂત થાકેલ રસ્તે આગળ વધી રહ્યો છે અને કવિ કહે છે કે જાણે જગતને અંધકાર પર અને મારા પર છોડી દેવામાં આવ્યું છે. ધીમે ધીમે ઊતરતી સાંજને કારણે પહેલાં ઝળહળતો બધો ભૂમિભાગ ઝાખોઝપ થતો આવે છે. હવામાં એક ભારે સન્નાટો વ્યાપી જાય છે; સિવાય કે ચકરાતાં જંતુઓનો બણબણવાનો અવાજ કે પછી દૂર દૂરના વિસ્તારોને ચૂપ કરી દેતો સુસ્ત ઘંટડીઓનો અવાજ. આવા વાતાવરણની વચ્ચે કવિ પ્રચંડ એલ્મવૃક્ષોની નીચે છાયામાં ઊબડખાબડ જમીન પર બહાર ડોકાતા તણખલાંઓ વચ્ચે કબરની હાર અને ગામના દટાયેલા પૂર્વજો પાસે લાવી મૂકે છે. કવિ કહે છે કે સવારની સુગંધિત લહેરો, માળામાંથી બહાર આવતી ચકચકતી ચકલીઓ કે કૂકડાનો ઊંચો સાદ - કોઈને એમને કબરમાંથી ફરી જગાડી શકે એમ નથી. કોઈ ચૂલો પેટવવાનું નથી, કોઈ પત્ની સાંજના વાળુ માટે રાહ જોવાની નથી, કોઈ બાળક દોડતું આવીને ચૂમી ભરવાનું નથી. આ પૂર્વજો જીવતા હતા ત્યારે એમના બાવડાના ઝાટકાએ જંગલનાં જંગલો ઝૂડાઈ ગયાં છે. કેવી કેવી ફસલો એમણે લીધેલી અને કેવા કેવા ઉત્સવો એમણે ઊજવેલા. કુળનું અભિમાન, સત્તાનો હુંકાર, રૂપ અને સમૃદ્ધિ કોઈ અનિવાર્ય ક્ષણ માટે જાણે કે ‘રાહ જુએ છે!’ જાહોજલાલીનો રસ્તા છેવટે કબર ભણી જતો રસ્તો છે. નકશીદાર અસ્થિકુંભો કે ઊંચી ઊંચી આદમકદ પ્રતિભાઓ આ મુડદાંઓમાં ફરીને પ્રાણ ફૂંકી શકશે? કોઈ દ્વન્દ્વનો પડકાર થતા આ શાંત માટીને ઉશ્કેરી શકશે? કે ખુશામદનો શબ્દ આ મરણનાં બહેરાં કાનોને ખુશ કરી શકશે? કબરમાં સૂતેલાઓમાંનો કોઈક જમીનદાર હશે, કોઈ ગામનો ભાટ હશે, કોઈ મુખી હશે. કવિ કહે છે કે કેટકેટલાં શાંત શુદ્ધ કિરણોને વિખેરતાં રત્નો સમુદ્રના અતલ અંધકારમાં ગરક થઈ જાય છે અને કેટકેટલાં ફૂલો લજ્જાથી ખીલીને રણની હવામાં એની મધુર સુગંધ વેરીને વ્યર્થ થઈ જાય છે! આ બધી કબરો પર નામ અને વર્ષ અંકાયેલાં છે. આમાંના કોઈકને વિદાયટાણે માથું ટેકવવા કોઈકે સુકુમાર ખભો આપ્યો હશે. કોઈકની આંખોએ આંસુ સાર્યાં હશે. છેવટે કવિના પોતાના ભવિષ્યની કથા કહેતો કોઈ ગ્રામજન કવિને સંભળાય છે, જેમાં પોતે વૃક્ષોની ઘટા નીચે પ્રેમમાં નિરાશ થયેલો ભટકે છે અને અંતે દેવળના રસ્તે થઈને એને મરશિયા સાથે દફનાવવામાં આવે છે. એની કબર પર તકતી લાગે છે કે ભાગ્ય અને કીર્તિ જેનાથી જોજનો દૂર રહ્યાં એવા કોઈ યુવાનનું મસ્તક અહીં ધરતીના અંકમાં વિરમ્યું છે. ઘેરા વાતાવરણમાં મૃત્યુની સંવેદના ઉપસાવતો કવિ છેવટે પોતાના કલ્પિત મૃત્યુ અને કબર લેખની આગળ અટકે છે એમાં કવિની મૃત્યુની નિજી સંવેદના સુધી પહોંચવાની ગતિ કળાય છે.