રચનાવલી/૧૮૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૫. હારફિશ (નજીબ મેહફૂઝ)


ઈલેક્ટ્રોનિક વિજ્ઞાનના એક છત્ર નીચે આવી ગયેલું વિશ્વ નાનું ને નાનું થતુ કુટુંબ જેવું બનતું આવે છે ત્યારે ધર્મના નામે અતિ સંકુચિત કટ્ટરવાદીઓ ફતવાઓ બહાર પાડી રહ્યા છે. સલમાન રશદીનું માથું ઇરાનના ખોમૈનીના હુકમને હવાલે છે, તો ઇજિપ્તના અરબી સાહિત્યના નોબેલ પુસ્કાર વિજેતા નવલકથાકાર નજીબ મેહફૂઝ પર પણ કટ્ટરવાદીઓ દ્વારા હુમલા થઈ રહ્યા છે. મુસ્લિમ રાજ્યોમાં લેખકની સ્થિતિ અંગે મેહફૂઝને જાહેરમાં પોતાનો અભિપ્રાય ઉચ્ચારવા માટે ફરજ પાડવામાં આવી ત્યારે એણે ખુલ્લેઆમ વાણીસ્વાતંત્ર્યનો પક્ષ લીધો અને ખોમૈનીના ફતવાનો વિરોધ કર્યો. કટ્ટરવાદીઓએ વળતા હુમલામાં મેહફૂઝને ઈશ્વરનિંદા માટે ધર્મત્યાગ માટે અને ગુપ્ત સભાના સભ્ય તરીકે દોષિત ઠેરવ્યા, ઉપરાંત મેહફૂઝે ઇઝરાયેલ સાથેના કેમ્પ ડેવિડ સન્ધિકરાર મુજબ ઇઝરાયેલ સાથેના સહઅસ્તિત્વની તરફેણ કરી એ પણ કટ્ટરવાદીઓના રોષનું કારણ બની છે. બીજી બાજુ ઇલેક્ટ્રોનિક સંચાલનના મહારોલર તળે વિશ્વની સંસ્કૃતિઓના ચહેરાઓ ભૂસાઈ રહ્યા છે. પ્રત્યેક સંસ્કૃતિ પોતાનું સ્વત્વ ગુમાવી રહી છે; ત્યારે નજીબ મેહફૂઝ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ ઇજિપ્તના અરબી નવલકથાસાહિત્યમાં ગાલ્સવર્ધી અને ટોમસ માનના નમૂનાઓ ૫૨ જે વાસ્તવિકતા રચતા હતા એને છોડીને હવે પોતાની ઇજિપ્તની સંસ્કૃતિના મૌખિક કથાવાર્તાના નમૂનાઓ પર રૂપકો અને પ્રતીકોથી ખચિત જુદા પ્રકારની વાસ્તવિકતા રચી રહ્યા છે. આમ તો, મેહફૂઝની લેખક તરીકેની પ્રતિષ્ઠા એમણે ઇજિપ્તની રાજધાનીની કાહિરો શહેરને લક્ષ્ય કરીને ત્રણ નવલકથાઓ લખી ત્યારથી જામેલી છે. આ નવલકથામાં મેહફૂઝે નારીની ક્રમશઃ મુક્તિને મધ્યમવર્ગમાં ઓસરતી જતી ધાર્મિક આસ્થાને અને વધતી જતી પશ્ચિમની સંસ્કૃતિ અને વિજ્ઞાનની મહત્તાને રજૂ કરી છે. આ ત્રણ નવલકથામાં ૧૯૧૯ની ક્રાંતિથી માંડી બીજા વિશ્વયુદ્ધ સુધીની કાહિરોમાં વસતા એક પરિવારની બે પેઢીની ઊથલપાથલની ઘટનાઓ છે ‘અલઅરહમ'માં ધારાવાહી નવલકથા તરીકે પ્રક્ટ થયેલી ‘ગેબેલવીનાં સંતાનો’માં રજૂ થયેલ ધાર્મિક અને રાજકીય વિચારોને કારણે મેહફ્ઝ પર તવાઈ આવેલી પણ તેમ છતાં એમણે ‘ચોર અને કૂત્તાઓ’ (૧૯૬૧) અને ‘નાઇલ પર ડામાડોળ’ (૧૯૬૬)માં સમાજના ઉચ્ચ વર્ગના પલાયનવાદ પર પ્રહાર કરતાં કરતાં નાસરના શાસનની વિડંબના કરેલી અને નાસરનો ખોફ વહોરેલો. મેહફૂઝ આ બધી નવલકથાઓમાં યુરોપીય વાસ્તવવાદની જેમ જે ચિત્રણ કરેલું એનાથી છેવટે ઉંબાઈ ગયા અને વધુ સઘન, વધુ કાવ્યાત્મક પણ ઓછી આધુનિક નવલકથાના રૂપ તરફ વળી ગયા અને ઇજિપ્તની મૌખિક કથા પરંપરાને કામમાં લેવાનું શરૂ કર્યું. એનું પરિણામ ‘હારફિશ’ (Harfish) નવલકથામાં જોવાય છે કેથરીન કૉબહામ દ્વારા અને ડબલડે પ્રકાશન મારફતે આજે અંગ્રેજીમાં એનો અનુવાદ સુલભ બન્યો છે. ‘હારફિશ’ અરબી શબ્દ છે. એનો અર્થ થાય છે : મુફલિસો કે ‘ગરીબ નિમ્નવર્ગ’ આ નવલકથામાં જૂના કાહિરો શહેરની કોઈ એક ગલીમાં રહેતાં સાધારણ લોકોની અને ખાસ તો ગલીના કબીલાના નેતાઓની પેઢી દર પેઢીની કથા છે. આશુર નામનો પહેલો નેતા શહેરમાં પ્લેગ ફેલાવાનો છે એવી ખબર મળતાં પત્ની અને બાળક સાથે રણમાં ચાલ્યો જાય છે અને પછી પાછો આવીને કબજો લઈ ગરીબોને ધન વહેંચીને ગલીની આર્થિક હાલત સુધારે છે પણ પછી એક રાતે આશુર રહસ્યમય રીતે ગૂમ થઈ જાય છે. આથી વેપારીઓ રાજી થાય છે. આસપાસના દુશ્મનો સાથે લડી લડીને આશુરનો દીકરો શામ્સ નવી નેતા બને છે. આ પછી ત્રીજા નેતા સુલેમાનથી પડતી શરૂ થાય છે. ગરીબોમાં વહેંચાતુ ધન હવે માત્ર કબીલાના ઉમરાવોમાં વહેંચાય છે. ઉમરાવો માલદાર થતા જાય છે અને ગલીના મુફલિસોને ભાગે સહન કરવાનું આવે છે. સુલેમાનના દીકરાઓ પૈસા અને સત્તા પાછળ પડી જાય છે. નેતાઓ ગલીના લોકોના રક્ષક બનવાને બદલે એમના શોષક બનતા જાય છે. ત્રણ પેઢી સુધી આ પતન ચાલુ રહે છે. લોકો આશુરના જમાનાના દિવસો પાછા ફરે એની રાહ જોતા રહે છે. ગલાલ જેવો નેતા ભયંકર જુલમગાર બને છે. એવામાં કાહિરોમાં દુકાળ પડે છે.વેપારીઓ અનાજની સંઘરાખોરી શરૂ કરે છે આથી લોકો વિફરીને ત્રાટકે છે તો, લોકોને સજા થાય છે અને અમીરોને રક્ષણ મળે છે. આવે વખતે આશુરનો કોઈ વંશજ ફક્ત અલ-બાબ લોકોમાં જોશ ભરે છે અને લોકોમાં ચિનગારી ચાંપે છે. કબીલાનો નાશ કરવામાં આવે છે, નેતાને હાંકી કાઢવામાં આવે છે અને અલબાલને નેતા નીમવામાં આવે છે, આ પછી આશુર નામનો કોઈ અજાણ્યો યુવાન ગલીની બાગડોર સંભાળી લે છે. એ અમીરો પર કરવેરા ઝીંકે છે. લોકપ્રિય નાગરિક સેના રચે છે, ધંધા- રોજગાર ઊભા કરે છે અને મદ્રેસાઓ સ્થાપે છે. આમ ગલીનાં લોકોમાં એક નવો યુગ શરૂ થાય છે. ‘હારફિશ’ નવલકથાનો આ નર્યો સાર ભાગ્યે જ નવલકથાનો સ્વાદ આપી શકે. આ નવલકથા નથી પણ અનેક કથાઓનો હારડો છે. અહીં કથાઓમાં નાયક એક નથી પણ દરેક કથામાં શિકાર તો લોકો જ બન્યા કરે છે. કથાઓની હારમાળામાં ઇજિપ્તની મૌખિક કથાપદ્ધતિનું, કથા કહેવાની રીતિનું માળખું છે. એમાં થોકબંધ પાત્રો છે. મૌખિક પરંપરામાં સ્મૃતિની તાલીમ શિક્ષણનો એક મહત્ત્વનો ભાગ હોય છે, એ રીતે પાત્રોને ખાસ યાદ રાખવા પડે તેમ છે. વળી મેહફૂતે ભાષા બિલકુલ પરંપરાગત રાખી છે, છતાં એમાં પોતાના તરફથી નવું બળ ઉમેર્યું છે. આ રીતે ‘હારફિશ’ બળવાન નેતાઓની આસપાસ ગૂંથાયેલી કથા છે. આ નેતાઓમાં કોક લોભી છે, કોક લાલચુ છે, કોક જુલ્મી છે, કોક લોકોનો રાહબર છે. લોકોનું અને કબીલાનું ભાગ્ય એમની ચડતીપડતી એમના આ નેતાઓ પર આધારિત છે. આમજનતા હંમેશાં કોઈ બળવાન નેતાની શોધમાં રહે છે. એને ન્યાય જોઈએ છે. એને રક્ષણ જોઈએ છે. એક રીતે જોઈએ તો ઇજિપ્તની સારા શાસક અંગેની શોધની કથા છે. પણ આ કથા સમસ્ત માનવજાતની રૂપક કથા છે. મુઠ્ઠીભર શાસકો કે નેતાઓના હાથમાં સપડાતી કે એમના હાથથી ઊગરતી માનવજાતની ચઢતી પડતીની આ સનાતન કથા છે. આ પછી મહેઝે આ જ પ્રકારની ‘હજાર રાત્રિની રાત્રિઓ’ (૧૯૮૨) અને ‘ઇબ્ન ફતૌમાની સફર’ (૧૯૯૩) નામે બીજી બે નવલકથા આપી છે.