રચનાવલી/૧૮૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૬. દિકામરન (બોકાશિયો)


જગતની કોઈ સંસ્કૃતિ એવી નથી જે કથારસ પર ઊછરી નથી. દરેક બાળક દૂધ પીતાં પીતાં કથા સાંભળતું આવે છે અને કથા સાંભળતાં સાંભળતાં મોટું થતું આવે છે અને પછી એ પુખ્ત બને છે તો પણ એનામાંનું બાળક મરતું નથી. એને કથાઓ જોઈતી જ રહે છે. લોકસાહિત્ય અને સાહિત્યનાં ઘણાં મૂળ આ કથારસમાં પડેલાં છે. આપણે ત્યાં બૃહત્કથાસાગર અને બૃહત્કથામંજરી જેવા મોટા કથાઓના ગ્રંથો છે. હિતોપદેશ અને પંચતંત્રની કથાઓ છે. વળી, ઇસપની કથાઓ, અરબિયન નાઇટ્સની કથાઓ, કેન્ટરબરી ટેલ્સ વગેરે પણ જાણીતી છે. એ જ રીતે ઇટલીમાં નવજાગૃતિના સમય દરમ્યાન ઈ.સ. ૧૩૧૩-૧૩૭૫ વચ્ચે થયેલા ગ્યોવન્ની બોકાશિયોની કથાઓ પણ જાણીતી છે. નવજાગૃતિના સમયમાં ઇટલીમાં ત્રણ અગ્રણી લેખકો હતા. દાન્તે, પેટ્રાર્ક અને બોકાશિયો. દાન્તેના મૃત્યુ વખતે બોકશિયો હજી બાળક હતો, પણ પેટ્રાર્ક તો બોકાસિયાનો મિત્ર હતો. દાન્તેનું ‘ડિવાઇન કોમેડી’માં મુખ્ય કામ અધ્યાત્મ અંગેનું હતું, તો પેટ્રાર્કનું મુખ્ય કામ સાહિત્યકાર તરીકેનું હતું. પણ બોકાશિયોએ બંનેથી જુદા પડી બધી જ પ્રણાલિઓ તોડી નાંખી અને નવું જીવંત સાહિત્ય રચ્યું. નવા જીવંત સાહિત્યમાં સામાન્ય માણસની વાત મૂકી. આ બાબતમાં બોકાશિયોની ‘વિકામરન’ જાણીતી સાહિત્યરચના છે, એમાં ૧૦૦ કથાઓ વળેલી છે પણ આ કથાઓ બોધકથાઓ નથી. બોકાશિયો કથા દ્વારા નૈતિક અને સામાજિક ભ્રષ્ટ જીવનને ખુલ્લું પાડે છે અને પાત્રોને ભાગ્યને હવાલે છોડી દઈને અને નૈતિક જવાબદારીમાંથી મુક્ત કરી દે છે. સ્ત્રી અને પુરુષને એણે જેવાં જોયાં અને જેવાં એ સમજ્યો એ પ્રમાણે એની બધી જ મૂર્ખતા સાથે અને બધી જ બેવફાઈ સાથે ચીતરે છે. સ્થૂળને બરાબર સ્થૂળ રીતે રજૂ કરે છે. વિરોધાભાસોનો વારંવાર ઉપયોગ કરે છે. વાંકાદેખાપણા સાથે પાત્રની નરી વાસ્તવિકતાને એ ઉપસાવે છે. સાથે સાથે જુદી જુદી શૈલીઓને પણ એ અજમાવે છે. બોકાશિયો આ બધા દ્વારા મધ્યકાલીનતાને વટાવી જાય છે એટલે કે એનું સાહિત્ય માત્ર મધ્યકાલીન વારસો નથી એના સમયની બહાર પણ એ પહોંચ્યું છે અને આજે એણે વિશ્વસાહિત્યમાં જગા કરી છે. ઇટાલિયન લેખક અને માનવતાવાદી બોકાશિયોનો જન્મ ફ્લોરેન્સમાં ત્યાંના એક વેપારીને ત્યાં થયેલો. મોટા ભાગની એની બંધાતી કારકિર્દીનો સમય નેપલ્સમાં વીત્યો. ત્યાં જ એણે સાહિત્યનો અભ્યાસ આદર્યો અને કેટલુંક સાહિત્ય રચ્યું. ૧૪૩૦માં પાછો એ લોરેન્સ આવ્યો. ત્યાર પછી ૧૩૪૮માં એણે ફ્લોરેન્સના કાળોતરા રોગચાળાને નજરોનજર જોયો. ૧૦૦ કથાઓનો સંગ્રહ, એની ‘વિકામરન’ રચનામાં એણે ફ્લોરેન્સના આ મહારોગને ભૂમિકારૂપે સ્વીકાર્યો છે. લોરેન્સમાં પ્લેગનો ભયંકર ઉપદ્રવ હતો ત્યારે સાત યુવતી અને ત્રણ યુવાનોનું જૂથ અકસ્માતે એક ચર્ચમાં ભેગું થાય છે અને શહેરની બહાર ગામડાંઓમાં ચાલી જાય છે. ગ્રામજગતમાં એકબીજાના આનંદ માટે દશ દિવસ સુધી દરેક જણ વારાફરતી નક્કી કરેલા નિયમો મુજબ વાર્તા કહે છે. આ સો કથાઓથી ‘વિકામરન’નું કાઠું બંધાયું છે એમાં પ્રેમ-શૌર્યની કથાથી માંડીને પ્રહસન કથાઓ, સુખાન્ત કથાઓ અને કરુણાન્ત કથાઓની વિવિધતાઓ પડેલી છે. ઉદાહરણરૂપે એક કથા જોઈએ. ઈસાબેત્તા એના ત્રણ વેપારી ભાઈઓ સાથે મેસિનામાં રહેતી હતી. ત્યાં લોરેન્ઝો નામે યુવાન ભાઈઓનો બધો વેપાર સંભાળતો હતો. ઈસાબેત્તા અને લોરેન્ઝો પ્રેમમાં પડે છે. એકવાર મોટોભાઈ ઈસાબેત્તાને લોરેન્ઝોના ઓરડામાંથી નીકળતી જોઈ જાય છે પણ કશું કહેતો નથી. બીજા દિવસે ત્રણે ભાઈઓ નક્કી કરે છે કે વાતને વણસતી અટકાવવી. આ પછી ત્રણે ભાઈઓ લોરેન્ઝો સાથે વેપાર અર્થે પ્રવાસે જાય છે અને ત્યાં છૂપી રીતે લોરેન્ઝોની હત્યા કરી એને દાટી દે છે. ઘેર પાછા ફર્યા પછી ત્રણે ભાઈઓ ઈસાબેત્તાના લોરેન્ઝો અંગેના પ્રશ્નોના કોઈ જવાબ આપતા નથી. ઈસાબેત્તા ખૂબ રડે છે અને ભાઈઓના આશ્વાસનને સ્વીકારતી નથી. એક રાતે લોરેન્ઝો ઈસાબેત્તાના સ્વપ્નમાં આવે છે અને એની સાથે શું બનેલું તેમજ એને ક્યાં દાટ્યો છે એ વિશે જણાવે છે. ભાઈઓને કશું કહ્યા વગર ઇસાબેત્તા જણાવેલી જગાએ જાય છે, જ્યાં એને લોરેન્ઝોનું શબ મળે છે. ઇસાબેત્તા લોરેન્ઝોના માથાને કાપીને ઘેર લાવે છે અને કૂંડામાં દાટી એના પર સુગંધી છોડ વાવે છે. ઇસાબેત્તાનાં આંસુઓ સીંચાતાં રહેતાં એને ફૂલ આવે છે. ઇસાબેત્તાને છોડ પાસે રડતી જોઈને ભાઈઓને શંકા જાય છે ભાઈઓ કૂંડાને સંતાડી દે છે. ઇસાબેત્તા કૂંડા અંગે વારંવાર પૂછપરછ કર્યા કરે છે તેથી ભાઈઓનું કુતુહલ વધે છે. છેવટે શોધ કરતાં ભાઈઓને લોરેન્ઝોનું માથું કૂંડામાંથી મળી આવે છે. આ બાજુ ભાઈઓ શરમના માર્યા શહેર છોડીને રહે છે અને ભગ્ન હૃદયની ઈસાબેત્તા મૃત્યુ પામે છે. અલબત્ત આ અને આવી કથાઓ માટે બોકાશિયોએ અનેક કથાઓમાંથી લૂંટ જરૂર કરી છે પણ રજૂઆતની શૈલી નોખી છે. એનું ગદ્ય પોતીકું છે, અનોખું છે એટલું જ નહિ, પણ ચોસર, શેક્સપિયર, ડ્રાયડન, કીટ્સ, ટેનીસન, લોન્ગફેલો જેવા કવિઓ પર એનો ખાસ્સો પ્રભાવ છે.