રચનાવલી/૨૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૪. કાશ્મીરનો પ્રવાસ (કલાપી)


આજે આપણે હાઇસ્પીડમાં જીવીએ છીએ. હાઇસ્પીડમાં જીવતાં જીવતાં આપણે બધું જ વટાવી જઈએ છીએ. કહો કે વટાવી લઈએ છીએ. આંખ આગળનું દૃશ્ય ઘડીના છઠ્ઠા ભાગમાં અદૃશ્ય થઈ જાય છે. અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી સીધા જમ્મુ કે શ્રીનગર પહોંચીએ છીએ. ત્યાં પણ દોડતી ભાગતી કાર કે બસમાં હાઉલૂસ દૃશ્યોને આંખમાં નાંખતાકને બે કે ત્રણ દિવસમાં જાણે કે ધરાઈને ઓડકાર ખાતા ત્યાંથી ભાગીએ છીએ અને ફરી આપણી રોજિંદી જિંદગીમાં દોડ લગાવતા થઈ જઈએ છીએ. પણ વિચારો કે કાશ્મીર જવાનો રસ્તો કાચો હોય, રાવળપીંડીથી શ્રીનગર જવા માટે ઘોડા કે બળદગાડીનો ઉપયોગ કરવાનો હોય, ઠેર ઠેર મુકામ કરતા જવાનો હોય, સ્લો મોશનમાં કુદરત, કુદરતનાં દૃશ્યો, દૃશ્યોની રમણીયતા ધીમે ધીમે તમારી અંદર પચતી હોય, જાતજાતની વીટંબણાઆનો સામનો કરવો પડતો હોય અને તોયે આનંદ આવ્યે જતો હોય - બારામુલ્લાથી શ્રીનગર સુધીનો રસ્તો તો દિવસો સુધી જેલમ નદીમાં પસાર કરવાનો હોય, જેલમના ઘૂઘવતા પાણીનો સતત સંગાથ તમારી સાથે હોય. આવા ધીમા સૂરીલા પ્રવાસનું સંગીત કોઈ ઓર બાબત છે. કલાપીએ ગઈ સદીમાં ‘કાશ્મીરનો પ્રવાસ'માં આવો રોમાંચક અનુભવ આપ્યો છે. કલાપી આમ તો ગુજરાતીભાષામાં કવિ તરીકે, યુવાનોના કવિ તરીકે જાણીતા છે, એક રાજવી કવિ તરીકે જાણીતા છે, એથી ય વિશેષ રમા અને શોભના જેવી બે નારીઓ વચ્ચે રહેંસાતા મૃદુ હૃદયના પ્રણયી તરીકે જાણીતા છે. પણ ૧૭ વર્ષની નાની ઉંમરે ૧૫-૧-૧૮૯૨થી ૨૨-૧-૧૮૯૨ના ગાળામાં સ્ટીમલૉન્ચમાં બેઠા બેઠા જે પોતાના શિક્ષક નરહરિ બાલકૃષ્ણ જોશીને આ પ્રવાસ અંગે પત્રો લખેલા એ પત્રો ‘કાશ્મીરનો પ્રવાસ' તરીકે જાણીતા થયા છે. કલાપીએ કાશ્મીર ઉપરાંત બીજાં સ્થળોનો પ્રવાસ પણ છ મહિના સુધી કરેલો પણ એમણે પસંદગી માત્ર કાશ્મીર પર ઉતારી છે. રાવળપીંડીથી શ્રીનગર પહોંચી પાછા રાવળપીંડી આવવાના રસ્તાનું વર્ણન બેવડાય નહીં તેથી કલાપીએ શ્રીનગરથી રાવળપીંડીના પ્રવાસનું વર્ણન કરી વચ્ચે વચ્ચે રાવળપીંડીથી શ્રીનગર જતાં થયેલા અનુભવોને ગૂંથ્યા છે. યુવાનીમાં ડગ માંડતા કલાપીએ એમાં ગદ્યની જે સમજ બતાવી છે, એમાં એમના વાચનની જે દિશા ચીંધી છે, એમના વિચારોની જે પક્વતા પ્રગટાવી છે અને એમની સંવેદનશીલતાની જે તીવ્રતા રજૂ કરી છે તે કોઈને પણ આનંદ આપે તેવાં છે. સંસ્કૃતના કવિ બાણની જેમ કલાપી વખત આવ્યે લાંબા હાંફ ચઢે એવાં વાકયોના પરિચ્છેદો લખી શકે છે, તો વખત આવ્યે પછીથી આવનાર કાલેલકર શૈલીના પૂર્વનમૂનાઓ આપતા હોય તેમ સાદાં વાક્યો, સાદો લય અને ઉત્તમ પ્રભાવ સાથેના પરિચ્છેદો પણ આપે છે. ક્યાંક ક્યાંક લખાણમાં આવતાં વ્યંગ અને હળવાશ એમના પ્રવાસના અનુભવોને જીવંત કરી મૂકે છે. કુદરતનાં વર્ણનો જોવા જેવાં છે. પાણીના ટીપા વિશે લખે છે : ‘શરદઋતુની ચાંદનીની રાતે શ્રીકૃષ્ણે રાસક્રીડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલા ગોપવધૂઓના રત્નજડિત રત્નપ્રભાથી ભરાઈ ગયેલાં ગાળાવાળાં નૂપુર જેવાં દિસે છે.’ બિંબ અને પાણી વિશે નોંધે છે : ‘આ બિંબને જો કે હંમેશા પાણીમાં જ રહેવાનું છે તો પણ જલની શીતલતાથી કોઈ કોઈ વખત જરા ધ્રૂજ્યા કરે છે.’ કલાપી પર કવિ બાણ ભટ્ટના સંસ્કાર હશે એમાં કોઈ શંકા નથી એનું પ્રમાણ એમના લેખનમાંથી જ મળે છે. ‘કાદંબરી’ના અચ્છોદ સરોવરનું દૃષ્ટાંત આપતા કલાપી લખે છે : ‘આ જલના વિશાળ દર્પણ પર લીલી લૂઈ પથરાયેલી છે. જો આ જગત પર કોઈ મહાશ્વેતાનું અચ્છોદ સરોવર હોય તો તે આ જ છે. કાશ્મીરના શંકરાચાર્ય મંદિરની ટેકરી પરથી ઊંચાઈનું જે વર્ણન કર્યું છે તે પણ આબેહૂબ છે. ‘એક બાજુએ નાનાં નાનાં દેખાતાં સફેદાનાં વૃક્ષોની આડીઅવળી હારો, ચિનારના ઝાડની ઠેકાણે ઠેકાણે ઘટા, અહીં તહીં પથરાયેલાં લીલાં અને ભૂરાં, ચોરસ, ત્રિકોણ ગોળ અને એવાં અનેક આકારનાં મેદાનો અને ભાજીપાલાથી ભરપુર ખેતરો, તેમાં ફરતા વેંતિયા માણસ જેવા દીસતા ખેડૂતો...’ ઊંચાઈથી ઉપર બદલાતા દશ્યોને પણ કલાપીએ સરસ રીતે ઝીલ્યાં છે : પર્વત પરની આડીઅવળી સડક પર અમારી ગાડી ચાલવા લાગી. સફેદાના લીલા સોટા અને ચિનારના સોનેરી ગોટા નજરે પડતા બંધ થયા. તેઓની જગ્યાએ મયૂરપિચ્છ જેવાં ચળકતા રંગોનાં અસંખ્ય વૃક્ષો અને બીજા જુદા જુદા રંગના સુશોભિત ગાલીચા દરેક ડુંગર અને ખીણમાં પથરાઈ ગયા છે. ક્યારેક જેલમ નદીની શાંત પ્રકૃતિને લેખકે ઝીણવટથી દર્શાવી છે : ‘આ પુલ પર ઊભા રહી નીચે વહી જતું જેલમનું પાણી નીહાળવા જેવું છે. કાચનો રસ વહી જતો હોય તેવો જ આબેહુબ આભાસ થાય છે. કેમ કે, આટલા ભાગમાં પથ્થર ન હોવાથી પાણી ઊછળતું નથી અને તેથી ફીણ દેખાતાં નથી પણ નિર્મળ જળ એકસરખું સરખી સપાટીમાં ઝપાટાબંધ ચાલ્યું જાય છે.’ તો, ક્યારેય ગર્જતી જેલમ નદી માટેની કલાપીએ રમ્ય કલ્પના કરેલી છે : ‘ગંગા શંકરે મસ્તક પર ધરી અને મને શા માટે નહીં એવી રીસથી જેલમ જાણે પર્વતો પરથી નીચે સૃષ્ટિ પર, સૃષ્ટિ પરથી નીચે પાતાળમાં શંકર પાસે જઈ પ્રલય કરવા માગતી હોય તેવી દેખાય છે.’ આ જેલમનો પાછા ફરતા જ્યારે કોહાલાથી સાથ છૂટ છે ત્યારે કલાપીનો લાગણી પ્રવાહ આકર્ષક રીતે વહ્યો છે : ‘જેલમ માતાએ સંઘાત છોડયો તેણે એક માની માફક શ્રીનગરમાં અને શ્રીનગરથી કોહાલા સુધી અમારી સંભાળ લીધી... એના વિના ઘાડ, સુંદર, રમણીય વિશાળ અને નવલપલ્લવ વૃક્ષો અને વેલી પણ શૂન્ય દીસવા લાગ્યાં તેના વિના મોટી ખીણો સૂની ભાસવા લાગી, તેના વિના મહાન પર્વતો અને બરફથી ઢંકાયેલાં શિખરો પણ અલંકારવિહીન દેખાવા લાગ્યાં. જેલમમાતા ગઈ, ગઈ જ.' જેલમ છૂટી, કાશ્મીરના છેલ્લા રમણીય દેખાવો છૂટ્યાનો રંજ લેખકે નાના નાના વાક્યોથી અસરકારક બનાવ્યો છે : અમે છત્તર આવી પહોંચ્યા. ત્યાં કાશ્મીરની ઠંડી નથી, ત્યાં ડુંગર નથી, ત્યાં બરફ નથી ત્યાં ઝાડી નથી, ત્યાં કુંજો નથી, ત્યાં ઝરણા નથી, ત્યાં ખળખળિયાં નથી, ત્યાં નાળા નથી, ત્યાં ખીણો નથી, નથી તે ખૂબસુરતી, નથી તે રમણીયતા, નથી તે ભવ્યતા, નથી ત્યાં મનોહર વેલી, કુદરતી બગીચા, લીલી જમીન, કળા અને નવરંગી વાદળાં - તે તો હવે ગયાં હવે તે સ્વર્ગ છોડયું.’ ઊંચાઈથી જમીન પર આવવાનો અનુભવ રજૂ કર્યો છે તે જુઓ : ‘સપાટ જમીન પર ઘોડા આનંદથી દોડવા લાગ્યા. પર્વતોને બદલે લાંબાં ખેતરો દેખાવા લાગ્યાં. ઝાડ ઘણાં જ થોડાં દષ્ટિએ પડવા લાગ્યાં બળદને બદલે ઊંટવાળા હળ ખેતરમાં દેખાતા હતાં. બરફના પહાડ દૂર દૃષ્ટિએ પડતા હતા.’ ક્યારેક કાશ્મીર ભૂમિમાં કાઠિયાવાડ સાંભરે છે, ત્યારે વિરોધી ચિત્ર દ્વારા મનની વાત ઉપસાવી છે : ‘કાઠિયાવાડનું લાઠીનું ગામ રામપુર... યાદ આવ્યું. ક્યાં એ સપાટ જમીન અને વિશાળ ખેતરોવાળું અને ક્યાં આ સ્વર્ગ પરનું સરોના ઘુ ઘુ અવાજ રજૂ કરતાં વૃક્ષોથી ભરેલું ટેકરી પર આવેલું કાશ્મીરી રામપુર!’ કાશ્મીરની ભૂમિમાં રમણીય દૃશ્યો સાથે ભયંકર સાહસોની વાત વિરોધી વાક્યોથી રજૂ થઈ છે : ‘આ જીવને હાનિકર્તા છે પણ આંખને આનંદ આપે છે. મૃત્યુ જેવા ભયંકર છે પણ મનને રીઝવે છે, રોગથી પણ વિશેષ દુઃખ આપનાર થઈ પડે તેવાં છે પણ વિચારોને પ્રફુલ્લ કરે છે કાશ્મીરનું સૌંદર્ય એમનું સંવેદનતંત્ર કઈ રીતે ઝીલે છે એનું વિશ્લેષણ પણ ૧૭ વર્ષના યુવા લેખકે અદ્ભુત રીતે આપ્યું છે : ‘આંખોને બદલે મનથી દેખતો હોઉં, દરેક અવયવ અને ઇન્દ્રિય જ્ઞાન જાણે મનમાં સમાઈ ગયાં હોય અથવા દરેક દેખાવ જાણે દિલ પર ચિતરાઈ અથવા કોતરાઈ જતા હોય તેમ મને લાગ્યું આ હૃદય છબી પાડવાનું નવું યંત્ર બન્યું!’ કાશ્મીરનાં રમણીય સંવેદનો વચ્ચે ક્યારેક કલાપીએ જે વિચારપ્રક્રિયા રજૂ કરી છે એ એમના વયના પ્રમાણમાં ઘણી પક્વ દેખાય છે. કદાચ આજના ભારત સંદર્ભે પણ એવી ને એવી સંગત છે. કાશ્મીરની સંપત્તિ સામે ભારતીય પ્રજાની કૃપણતા અને કૃતઘ્નતાને સ્મરીને કલાપી કહે છે : ‘સર્વે દેશભાઈઓનું ભૂડું કરતાં મારું ભલું થશે નહીં એ જ્ઞાન તો કોઈને રહ્યું નહીં’ એક સદી પછી આજના ભારતની એ જ ચિંતા રહી છે. કલાપીનો કાશ્મીર પ્રવાસ’ હજી પણ આપણે માટે એટલો જ સંગત છે.