રચનાવલી/૨૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૭. ગઝલમાં ગીતા (જ્યોતીન્દ્ર દવે)


આજકાલ બાગબગીચા અને જાહેર સ્થાનોમાં એકઠાં થઈ લોકો ફેફસાં અને શ્વાસને તેમજ તંદુરસ્તીને સુધારતાં હાસ્યકસરતો કરે છે, જોર જોરથી હસે છે, હસવાનું નાટક કરે છે, એનાં મૂળ ક્યાંય હોતાં નથી. એનો નાતો શરીર સાથે છે. આ દ્વારા શરીરને મળતી સ્ફૂર્તિ કેટલે ઊંડે ઊતરતી હશે એની ખબર નથી પણ હાસ્યકસરતોથી હાસ્યકલાઓ અલગ છે. એનો નાતો મન સાથે છે અને તેમાય હાસ્યસાહિત્યનો નાતો તો સીધો મન સાથે છે. એક જમાનો હતો જ્યારે ગુજરાતી સાહિત્યના જ્યોતીન્દ્ર દવેનો એક એક લેખિત શબ્દ હાસ્યની કીંમતી વસ્તુ હોવા છતાં એમના એક એક બોલે મુંબઈની સભાઓ, મુંબઈના મુશાયરાઓ, મુંબઈનાં સંમેલનો અને મુંબઈના ઉત્સવો હાસ્યથી ઉભરાતાં. કહોને કે પછી તો ગુજરાતભરમાં જ્યોતીન્દ્રનું હાસ્ય એટલું તો પ્રસિદ્ધ થયું કે ઉમાશંકર જેવાને એમને હાસ્યનો પર્યાય તરીકે-ઓળખવા પડ્યા છે. કહ્યું કે કોઈ પણ ગુજરાતીએ મને હાસ્ય આવે છે એવું ન કહેવું પણ મને જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવું. ૧૯૦૧માં સુરતમાં જન્મેલા આવા જ્યોતીન્દ્ર દવેનું આ વર્ષે જન્મશતાબ્દીનું વર્ષ છે. ગુજરાતી સાહિત્ય આજે પણ એમને માનથી સ્મરે છે. શિક્ષક અને અધ્યાપક તરીકે કારકીર્દિનો આરંભ કર્યા બાદ એમણે મુંબઈમાં ઑરિયન્ટલ ટ્રાન્સલેટરમાં મુખ્ય ભાષાન્તરકારની કામગીરી બજાવેલી, તેઓ મુંબઈ સોમૈયા કૉલેજમાં અને પછીથી કચ્છની માંડવી કૉલેજમાં આચાર્યપદે પણ રહેલા. વિદ્વતા એમની મૂડી હતી અને તેથી જ એમને ‘પ્રાજ્ઞ હાસ્યસર્જક’ તરીકે ઓળખવામાં આવ્યા છે. હાસ્યકારો તો અનેક છે. સભાઓ અને ડાયરાઓમાં સસ્તા ટુચકાઓથી મનોરંજન પીરસતા ડાઘલાઓથી માંડી, થોડીક ગંભીરતા સાથે લખાણો દ્વારા હાસ્યને ઉપસાવતા લેખકોનો તોટો નથી, પણ ગુજરાતી સાહિત્યમાં રમણલાલ નીલકંઠથી આરંભાયેલા હાસ્યલેખનને સાહિત્યનો પૂરો દરજ્જો અપાવનાર તો જ્યોતીન્દ્ર દવે જ છે. જ્યોતીન્દ્ર દવેનું હાસ્યલેખન સાહિત્યના પૂરા દરજ્જાને પામ્યું એનાં કારણોમાં હાસ્ય અંગેની એમની માર્મિક સૂઝથી શરૂ કરી એમની ઊંડી તત્ત્વદષ્ટિને સ્થાન છે. નર્યું સ્થૂળ હાસ્ય પ્રગટાવવું સહેલું છે પણ એથી તો ખડખડાટ હાસ્ય પછી માત્ર ખખડાટ જ બાકી રહે છે, જ્યારે સ્થૂળ હાસ્યની નીચે સૂક્ષ્મ હાસ્યનો સ્ફોટ હોય છે ત્યારે હાસ્ય પૂરુ થયા પછી કોઈ કીંમતી ધાતુનો રણકો સંભળાય છે - જેનાં આંદોલનો કટાક્ષ, વ્યંગ કે વક્રતાને ઉલ્લંઘીને મનુષ્ય તરફના અપાર સમભાવમાં જઈને ઠરે છે. ‘રંગતરંગ'ના પાંચ ભાગોમાં અને અન્ય અનેક ગ્રંથમાં જ્યોતીન્દ્ર દવેના હાસ્યનિબંધો અણનમ ઊભા છે, એમાં એમના સમભાવનો આધાર મોટો છે. એમનો એક જ હાસ્યનિબંધ ‘ગઝલમાં ગીતા' જોઈએ તો તરત જણાશે કે સદીઓથી બે જુદી જુદી સંસ્કૃતિઓ અથડાતી આવી છે અને એ સંસ્કૃતિઓને એકબીજામાં હાસ્યસામગ્રીથી ઓતપ્રોત કરીને હિન્દુ અને મુસ્લિમના સમભાવને કેવો સફળતાથી એમણે તાક્યો છે! જ્યોતીન્દ્ર દવે માત્ર હાસ્યકાર નથી પણ રસિક વિદ્વાન પણ છે. એમની હાસ્યાકારની જબરી પ્રસિદ્ધિમાં એમની અંદરનો વિદ્વાન ઢંકાઈ ગયો છે પણ આ હાસ્યનિબંધ જોઈએ ત્યારે એમનો છંદો પરનો કાબુ, આસપાસ લખાતી કવિતાનો ઉપહાસ કરવાનો કસબ અને સંસ્કૃતમાં પણ શ્લોક રચી આપવાની આવડત તરત જ નજરે પડે છે. ‘ગીતા’ના વાતાવરણને ગઝલની આબોહવા આપીને અને ઇસ્લામની ઓળખને સંસ્કૃતની આબોહવા આપીને વિનોદપૂર્વક એમણે બતાવ્યું છે કે મનુષ્ય અન્યના ધર્મમાં રસ લેતો નથી અને એમ પણ કહ્યું છે કે પોતાના ધર્મની પણ જ્યાં દ૨કા૨ ન કરતા હોય તો મનુષ્ય પારકા ધર્મમાં તો રસ લે જ શાનો? આથી હાસ્યપૂર્વક ઉપસાવે છે કે મુસલમાનોને જો ગીતામાં રસ લેતા કરવા હોય તો ‘ગઝલમાં ગીતા’ આપવી પડે, અને હિન્દુઓને મુસલમાનોમાં રસ લેતા કરવા હોય તો ઇસ્લામના સત્યને શ્લોકમાં મૂકવું પડે. જ્યોતીન્દ્ર દવેનો વિનોદ પ્રેરતો ગીતાના પહેલા શ્લોકનો ગઝલમાં કરેલો અનુવાદનો નમૂનો જુઓ : ‘મઝહબ મયદાન કુરુક્ષેત્રે મળ્યા પાંડવ અને કૌરવ / જમા થઈ શું કર્યું એણે? બિરાદર બોલ તું સંજય' વળી સ્થળ સૂચવ્યું છે તે પણ જોવા જેવું છે : ‘બાદશાહ દુર્યોધનના ‘મંઝિલે ભાનુમતી’ નામના મહેલનું દીવાનખાનું’ બીજી બાજુ સંસ્કૃત કવિનો કરુણાજનક મૂકતો વિલાપ જુઓ : ‘ન સંધ્યાં સંધત્રે નિયમિત નમાજં ન કુરુતે’ જ્યોતીન્દ્ર દવેએ વાતવાતમાં આ નિબંધમાં યુદ્ધખોરીની સામે આ કેવા નાજુક વિનોદ સાથે શાંતિની વાત મૂકી છે: દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું ‘હું તો આ ગઝલ સાંભળીશ. મારે કંઈ રાજ કરવું નથી. તું તારે રાજ્ય સંભાળી લે.’ યુધિષ્ઠિરે પ્રત્યુત્તર વાળ્યો : ‘ના, ના મારે રાજ્ય જો'તું નથી. હું તો કૃષ્ણની ગઝલ સાંભળતા સાંભળતાં મરી જવા માંગુ છું. રાજ તો જનાબ આપ લીજીયે’ દુર્યોધને કહ્યું : ‘નહિ જનાબ આપ લીજીયે’ કલહના મમતને બદલે મમતાનું સૂત્ર રણકાવતો આ વિનોદનો મર્મ કેવી ઊંડી અસર ઊભી કરે છે! આ અને આવા અનેક હાસ્યનિબંધોથી મનુષ્યજીવનની નબળાઈઆનો ખબર ન પડે એમ ઈલાજ કરતા જ્યોતીન્દ્ર દવેના હાથમાંથી આજની અને આવતીકાલની પેઢીઓની નાડને છોડાવવી એ અઘરું કામ છે.