રચનાવલી/૨૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬. સમૂળી ક્રાન્તિ (કિશોરલાલ મશરૂવાળા)


ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને ભારેખમ બની ગયાની પરિસ્થિતિમાંથી ઉગારી અને લોકઘર્મી બનાવવામાં ગાંધીજી અને ગાંધીજીના અંતેવાસીઓએ ખાસ ભાગ ભજવ્યો છે, એમાં કાલેલકર, મહાદેવ દેસાઈ, સ્વામી આનંદ, મગનલાલ દેસાઈ વગેરેની જોડે માનભર્યું સ્થાન કિશોરલાલ મશરૂવાળાનું છે. કિશોરલાલે તો ગાંધીવિચારનું અને ગાંધીઆદર્શનું દોહન કરીને ગાંધીજીના મનની વાતોને એવી તો સ્પષ્ટ કરી આપેલી કે ખુદ ગાંધીજીએ પણ એને માન્ય રાખી છે. એટલે તો કિશોરલાલને ‘સવાઈ ગાંધી’ કહેવામાં આવે છે. વળી કિશોરલાલ તો સ્વતંત્ર વિચારક હતા તેથી ગાંધીવિચારમાં માનતા હોવા છતાં ગાંધીવિચારથી જુદા પડવાનું પણ એમણે વારંવાર સાહસ કર્યું છે. ગાંધીજીને પણ કિશોરલાલની વિચારવાની પદ્ધતિ પર એટલો બધો વિશ્વાસ કે બેએકવાર તો ઉપવાસ પર ચઢતી વેળાએ ગાંધીજીએ કિશોરલાલનો અભિપ્રાય માગેલો અને કિશોરલાલના અભિપ્રાયને કારણે ઉપવાસ પર ચઢવાનો વિચાર માંડી વાળેલો. કિશોરલાલ મશરૂવાળાને વારસામાં સ્વામીનારાયણનો સંપ્રદાય મળેલો. શરૂશરૂમાં ટીલાં - ટપકાં કરી, પૂજાવિધિ કરતા. શૌચ પછી અચૂક નહાતા અને ગાંધીઆશ્રમમાં રહેતા હોવા છતાં આભડછેટની બીકે આશ્રમને રસોડે નહોતા જમતા. પણ પછી એમણે જેમને ગુરુ માનેલા તે કેદારનાથજીની સોબતમાં ધર્મ અંગે અને જીવન અંગે એમણે નવેસરથી વિચારવું શરૂ કર્યું. કિશોરલાલનો નવો જન્મ થયો, એમ કહેવાય. કિશોરલાલ તાર્કિક વિચારક બન્યા. કોઈ પણ વસ્તુને પોતાની રીતે ખાતરી કર્યા વગર પછી તો એમણે સ્વીકારવાનું બંધ કરી દીધું અને તેથી જ કિશોરલાલે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુખ્રિસ્ત જેવાનાં ચરિત્રોમાં રહેલા ચમત્કારોને બાદ કરી એમનું માનવી તરીકે મૂલ્યાંકન શરૂ કર્યું. વેદ, ઉપનિષદ અને પ્રાચીન ગ્રંથોમાં આવતાં વચનોને અંધવિશ્વાસથી ન વળગતા, એમાંના એક એક વચનની પોતાની વિવેકબુદ્ધિથી કસોટી કરવા માંડી, ‘જીવન શોધન’ નામના પુસ્તકમાં એમણે પ્રાચીન વિચારોને અર્વાચીન માનસથી ચકાસતા જોઈએ એવા એના અધિકારની પ્રતિષ્ઠા કરી. પરંતુ કિશોરલાલનું સૌથી ધ્યાન ખેંચનારું પુસ્તક ‘સમૂળી ક્રાન્તિ’ (૧૯૪૮) છે. આ પુસ્તકને બબ્બે પારિતોષિક મળ્યાં છે. ઉપરાંત દિલ્હીની સાહિત્ય અકાદમીએ સારાં દસ ગુજરાતી પુસ્તકોને અનુવાદ માટે પસંદ કરેલા એમાં એનું સ્થાન છે. આજે પણ નેશનલ બેંક ટ્રસ્ટ ઇન્ડિયા એનો અનુવાદ પ્રગટ કરી રહી છે. ટૂંકમાં ‘સમૂળી ક્રાન્તિ’એ ગુજરાતી સાહિત્યમાં સરળ રીતે રજૂ થયેલા સ્વતંત્ર વિચારોનું ક્રાંતિકારક પુસ્તક છે અને અડધી સદી પછી પણ આજના જમાનાની સમસ્યાઓને સમજવામાં મદદરૂપ બની શકે એવું સમર્થ છે. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, કેળવણી જેવાં ક્ષેત્રોને તેઓ નવો સંસ્કાર આપવા ઇચ્છે છે. તેઓ માને છે કે જૂના નિયમોને અનુસરવામાં જેમ પ્રગતિ નથી તેમ નિયમોને તોડવામાં પણ પ્રગતિ નથી. મૂળમાંથી ફેરફાર થાય પણ એ વિવેકપૂર્વક થવો જોઈએ અને એમ વિવેકપૂર્વક ફેરફાર થાય તો જ જડ જાહોજલાલી વચ્ચે માણસાઈને સૌથી વધારે મહત્ત્વ મળે. કોઈ પણ જીવ પ્રત્યે સૌથી વધારે આદર જન્મે. આ રીતે પોતાનો અંગત સ્વાર્થ ભૂલી દરેક જણ સમાજધર્મને અનુસરે એ એમને મન મોટામાં મોટી ક્રાંતિ છે. ધર્મક્ષેત્રે, ઈશ્વર અંગે આસ્થા હોય તો ઈશ્વર એક જ હોવો જોઈએ. શાસ્ત્રોનાં વચનને વિવેકબુદ્ધિથી ચકાસવાં જોઈએ અને કોઈ પણ મનુષ્યને ઇશ્વર કે પયગંબર માનવાની ભૂલ ન કરવી જોઈએ. આ માટે તેઓ બહુ દેવોની પૂજા અને અંધ ભક્તિ સાહિત્યને અડચણરૂપ ગણે છે અને રાજ્યપ્રણાલિ પ્રમાણે ઈશ્વરનો વહીવટ ન ગોઠવી ધર્મઝઘડાઓને ટાળવાને કહે છે. પણ સૌથી મોટી વાત તો એ કહે છે કે ધર્મ એ મત છે અને મતમાં વિચારભેદ હોઈ શકે. આથી સત્યશોધનનો રસ્તો બંધ ન થવો જોઈએ. એટલું જ નહીં પણ ધર્મને કારણે સમાજમાં ભેદ ન ઊભા થાય એ માટે સમાન નાગરિક ધારો પણ હોવો જોઈએ. ભાષા અને લિપિના ઝઘડાઓ તરફ ધ્યાન દોરતા તેઓ કહે છે કે ભાષા અને લિપિ તો સાધન છે. શિક્ષણ પણ સાધન છે. શિક્ષણનો અંતિમ હેતુ કેળવણી હોઈ શકે અને કેળવણીનો અંતિમ હેતુ સંકુચિતતા પર કાબૂ મેળવવાનો છે. ધર્મની જેમ કેળવણી પણ માણસને માણસથી અલગ પાડનારી નહીં પણ એક કરનારી હોવી જોઈએ. ઇતિહાસના શિક્ષણ વિશેનો એમનો ક્રાંતિકારક વિચાર એવો છે કે સાચો ઇતિહાસ ક્યારેય મળતો નથી, અને ખોટા ઇતિહાસને ખોટી રીતે યાદ રાખીને લોકો છૂટા પડવાનું શીખે છે. કિશોરલાલ દૃઢપણે માને છે કે અર્થકારણમાં કુદરતી સામગ્રી, મજુરિયા સામગ્રી અને વિચારવાદ પૂરતા નથી. પ્રજાનું જ્ઞાન અને ચારિત્ર એમાં મહત્ત્વનું છે. તેઓ એને ચોથું પરિમાણ કહે છે. પણ અર્થકારણને સમજાવતા કિશોરલાલે જે ‘ફુરસદવાદ’ પર વિચાર કર્યો છે તે પુસ્તકનું ઉત્તમ લખાણ છે. એમાં એમણે સમય અને ઝડપની અંધપૂજા પ્રજા જે રીતે કરે છે એનો ક્રાંતિકારક ઢબે પરિચય કરાવ્યો છે. ઝડપી સાધનોએ સમયની બચત કરી આપી છે પણ સમયની બચતથી ઊભી થયેલી ફુરસદ દ્વારા શું કરવું એની યોગ્યદિશા નથી આપી. ‘ફુરસદવાદ’ ‘સમૂળી ક્રાન્તિ’માં સચવાયેલો નખશિખ નિબંધ છે. આજની રાજકીય પરિસ્થિતિમાં પણ એમનાં રાજકારણનાં કેટલાંક તારણો ધ્યાનમાં લેવાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘કૂવામાં હોય તેટલું હવાડામાં આવે’ એ સાચું પણ ‘કૂવામાં હોય તેવું હવાડામાં આવે એ પણ એટલું જ સાચું છે. હવાડો શાસક વર્ગ છે અને કૂવો સમસ્ત પ્રજા છે. એટલે પ્રજાની ચારિત્ર્ય શુદ્ધિ પર ભાર મૂકી કિશોરલાલ જણાવે છે કે, ‘પોતાના’ માણસને મત આપવાની વાત બરાબર નથી. પક્ષના સ્વાર્થ દ્વારા સુરાજ્યની આશા કેવી રીતે રાખી શકાય? લોકશાહીની સૌથી મોટી નિર્બળતા ‘માથા ગણતરી’ પરત્વે પણ એમણે ગંભીરતાથી ધ્યાન દોર્યું છે. ‘સમૂળી ક્રાન્તિ’ ગુજરાતી વિચારસાહિત્યનો મહત્ત્વનો સીમાસ્તંભ છે.