રચનાવલી/૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫. સીતાસંદેશ (વજિયો)


ક્યારેક સમયના પ્રવાહમાં સાહિત્ય ક્ષેત્રે બધું જ વહી જાય છે. કવિ કોણ હતો, કયારે જન્મ્યો, ક્યાં જન્મ્યો, કેટલું જીવ્યો, કેવું જીવ્યો - એની કોઈ વિગત મળતી નથી. રહી જાય છે પાછળ નામ અને એની બે-ચારેક રચનાઓ. મધ્યકાળનો વજિયો પણ એવો જ એક કવિ છે કદાચ એનું નામ વિજય હોઈ શકે. એને વિશે કોઈ માહિતી નથી મળે છે એની ત્રણ રચનાઓ : ‘સીતાવેલી’, ‘રણજંગ' અને ‘સીતાસંદેશ.’ ત્રણે ત્રણ રચનાઓ રામકથા પર આધારિત છે. આ રચનાઓ સોળમી સદીના પૂર્વાર્ધમાં રચાયેલી હશે એવો અણસાર મળે છે. ‘સીતાવેલી’ અને ‘રણજંગ’ બંને ટૂંકા ટૂંકા કડવાં ધરાવે છે. ‘સીતાવેલી’ પાંચ કડવાંનું બનેલું છે, ‘રણજંગ' સત્તર કડવાનું બનેલું છે. ‘સીતાવેલી'માં સીતાના સ્વયંવરનો પ્રસંગ છે. તો ‘રણજંગ’માં રામ-રાવણના યુદ્ધનો વીરરસનો પ્રસંગ છે. એવું નોંધાયું છે કે ‘રણજંગ’માં યુદ્ધની ‘આહુત’ કે ‘યાગ’ (યજ્ઞ)ની સાથે સરખામણી કરેલી છે. એનો ઉપયોગ પછીથી પ્રેમાનંદે ‘રણયજ્ઞ'માં કર્યો છે. નાકર અને વિષ્ણુદાસની જેમ મહાકવિ પ્રેમાનંદ ઉપર અસર પાડનારા આ કવિ વજીયાની ‘સીતાસંદેશ’ રચનાના કેટલાક અંશો કાવ્યની રીતે આકર્ષક છે. ‘સીતાસંદેશ’ દોહામાં લખાયેલું છે. બબ્બે દોહાનો એક કટકો અને દરેક કટકા સાથે પાછી ધ્રુવ- પંક્તિ જોડાઈ જાય, એમ કુલ ૫૧ કટકા આ રચનામાં છે, અલબત્ત કવિએ તો ‘પદબંધ બાવન તણો’ એવું જણાવ્યું છે એટલે એક કટકો ખૂટતો લાગે છે. ‘સીતાસંદેશ’માં ‘સુંદરી સંદેશો મોકલે, જળ ઉપર પાજ બંધાવ/ તારું સબળ સૈન્ય લઈ આવ / રૂડા રામજી' એવી ધ્રુવપંક્તિ અપાતા સંદેશાને વળ આપે છે. ઉપરાંત કવિ કહે છે તેમ ‘સીતા સંદેશો ગાઈશું’માં આ સંદેશો ગાવાનું શોકગીત છે એ પણ સ્પષ્ટ થાય છે. અથાક મહાજળ ઊતરી, હનુમાન રામે દીધી મુદ્રિકા જાનકીને આપતાં જાનકી એંધાણ ઓળખી જાય છે. હનુમાન આશ્વાસન આપે છે : ‘આરોગ્ય સમજી રામજી, તું સુંદરી શોક નિવાર’ આ પછી રામના ગુણ સંભારતા સીતાને નયણે નીર વછૂટે છે. સીતા એક પછી એક રામના પૂર્વ અવતારોમાં કઈ રીતે એમની સાથે હતી એ સંભારે છે. કહે છે : ‘સ્વામી તમે પુરુષ હું નાર’ સાથે પોતાનો નિર્ધાર પ્રગટ કરે છે : ‘મારો ભવભવ તું ભરથાર’ સીતા ભવેભવના સ્મરણમાંથી આ ભવના સ્મરણમાં ઊતરે છે. સ્વયંવર યાદ કરે છે ઃ ‘પિતાએ મુને પરણાવીને આપી તમારે હાથ / કંઠે આરોપી રૂડી માળા, હું તો આવી તમારે સાથ' એ પંક્તિમાં કવિ આખું લગ્ન સંકેલી લે છે. પણ ‘પછી વનવાસ જતાં’ જટા બાંધી જોગ પહેર્યો કવિએ ત્યારે છટાદાર ને યાદ રહી જાય એવી પંક્તિ લખી છે : ‘સોહેલું સરસવ જેટલું દોહ્યલું મેરું સમાન’ રાય અને પર્વતની કહેવતને કવિએ કાવ્યમાં પોતાની રીતે પલટી છે. સીતા રામના ગુણ સંભારે છે, અહલ્યાને પગની રજથી કેવી શલ્યામાંથી મોક્ષ અપાવ્યો, કેવો વાલીનો વધ કર્યો તો પછી રાવણ કોણ મન આણે આવા રામનો વિરહ સીતાને માટે વસમો છે. કહે છે: ‘રામને વિરહે હું દહીં જ્યમ વહિનએ દાઝે કેળ’ અગ્નિ અને કેળ દ્વારા અગ્નિની ઉગ્રતા અને કેળની કોમળતાનો કવિએ સરસ વિરોધ રચ્યો છે. સીતા સતીત્વનો આદર્શ પોતાના મોંએ કહે તેમાં અને વારંવાર પોતાને અબલા ઓળખાવે છે એમાં મધ્યકાલીન નારી માનસનું કે પછી પુરુષમાનસનું પ્રતિબિંબ એમાં વધુ દેખાય છે. સીતા સંદેશમાં સીતાનો સંદેશ તો રચનામાં અડધે સુધી જ છે. એટલે કે પચીસેક કટકા સુધી જ છે. પછી પચીસ કટકાઓમાં ત્યાર પછીની રામકથા કહેવાયેલી છે. પણ કહેવાની રીત રસપ્રદ છે. સીતાનો સંદેશો લઈને હનુમાન અશોકવાટિકામાંથી તરુવર ઉખાડતો, પૂછડું પ્રહારતો, લંકા બાળતો, સાગરતીરે રામ પાસે પહોંચે છે. સીતાની દશાનું વર્ણન કરતા હનુમાન રામને અદ્ભુત પંક્તિ કહે છે : ‘જગદીશ તુજવિણ જાનકી ઝુરી ઝુરી પિંજર થાય.' મધ્યકાલીન સાહિત્યની ઉત્તમ વિરહ પંક્તિઓ એકઠી કરવામાં આવે તો આને જરૂર સ્થાન મળે એવી નખશિખ પંક્તિ છે. ઝુરી ઝુરી પિંજર થવાની વાતમાં સીતાની મનોદશાનું ચિત્ર આપી હનુમાન રામ આગળ સીતાને જાણે કે પ્રત્યક્ષ કરે છે : ‘રામ રામ જપે જાનકી, જોએ તમારી વાટ / ચંચળ લોચન નીચોએ તે આંસુ અતિ ઉચાટ; જળધર જુઠો ગડગડે વિરહિણી વાધી વેલ / જ્યમ જ્યમ વાધે ત્યમ વિંટાએ, કાંટા સરશી કેલ.’ સીતાનો સંદેશ સાંભળી રામ સૈન્ય સજ્જ કરે છે. સુગ્રીવને સેનાપતિ સ્થાપે છે. એની પાછળ પાછળ વાનરદલ ચાલે છે વચ્ચે સમુદ્ર આવે છે. રામ ૨ોષથી સમુદ્રને કહે છે કે ‘મીન થા કે માર્ગ દે’ જ્યાં રામ ચાપ પર તાજું તીર ચઢાવે છે કે ‘માંહે મગરમચ્છ કચ્છ સર્વ ધ્રુજ્યાં, ધ્રુજ્યો સમુદ્ર શરીર" કવિએ અવાજથી ધ્રુજવાનું સંવેદન ઊભું કર્યું છે. સમુદ્ર ધ્રુજતો રામને શરણે આવીને કહે છે ‘મીટ તમારી શીરે હશે તો તરશે જળે પાષાણ' કવિએ તરતા પથ્થરને માટે રામની મીટનો ચમત્કાર કલ્પ્યો છે તે સુન્દર છે. આ પછી રામ રાવણની સાથે વિષ્ટિ કરવા માટે અંગદને મોકલે છે. રાવણ તો ‘રામ સાથે રણવટ’ માંડવા આતુર છે તેથી અંગદને ભાંડે છે. અંગદ ઉત્તર વાળે છે તે જોવા જેવો છે : ‘જીવતા સિંહની સુખડી તું ઇચ્છે છે શિયાળ / રઘુનાથ તારા શીશ કાપી પૂજશે દિગ્પાળ’ રાવણ અંગદને લાલચ આપવા યત્ન કરે છે ત્યારે પણ અંગદ સ્પષ્ટ કહે છે : ‘સરયુનું સર્જન તજી કાં, નાહે ખિલર નીર | રામ તું અંતર એટલો જ્યમ કનક ને કથીર; જેટલો અંતર અર્ક આગિઓ સિંહ ને શિયાળ / રામ તું અંતર એટલો, જ્યમ ઉલુક ને મરાળ" રામ અને રાવણ વચ્ચેનો અંગદે ઊભો કરેલો વિરોધ નોંધવા જેવો છે. વિષ્ટિ નિષ્ફળ જતા અંગદ વેગે પાછો વળ્યો. રામને જણાવ્યું કે ‘જીવતા નાપે જાનકી એના કપટી કૂંડાં કામ’ છેવટે ‘શરણાઈ વાગી સિન્ધુએ, રણવટ ચઢ્યા રઘુવીર’ રચનાને અંતે કવિએ પ્રચલિત દુહાનો ઉપયોગ કર્યો છે : ‘કેસરી મૂછ, ભુજંગ મણિ, આગે ઉખાણો વાત / સતી તન ને ધન કૃપણનું ક્યમ ચઢે પર હાથ.’ કેટલીક આકર્ષક પંક્તિઓમાં ભાવને પ્રગટ કરતી આ રચના મધ્યકાલીન રામસાહિત્યમાં ઝટ વિસરાય એવી નથી.