રચનાવલી/૭૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૨. ગંગાચીલની પાંખ (લક્ષ્મીનંદન બોરા)



૭૨. ગંગાચીલની પાંખ (લક્ષ્મીનંદન બોરા) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



ભારતનો પૂર્વપ્રદેશ, આસામ. એની સોનાઈ નદીનો કાંઠો. એ કાંઠા પર વસેલાં સોનાઈપરિયા, પાભચિલા, દરગિયાલ જેવાં ગામો. નદીનાં જલ સાથે ઊડતાં અને માછલી પકડતાં એના ‘બાલીમાહિ’ અને ‘ગંગાચીલ’ જેવાં પંખીઓ. કાંઠા પરની વાડીઓ, વાડીઓનાં વાંસ, વૃક્ષો, વેલાઓ, પશુપંખી, આ વિશાળ મોહ પમાડે એવી પ્રકૃતિની સાથે તાલ મેળવી જીવતાં લોકો. એમના ઋતુ ઋતુના ઉત્સવો. એમનો બિહુ ઉત્સવ, એમનો શરદૃત્સવ. એમનાં ‘ભાઉનાં’ નાટકો. એમની રોજિંદી મહેનતકશ જિંદગી, એમનાં સુખદુઃખ, એમના પ્રેમતિરસ્કાર, એમની જીતહાર. અને છતાં ત્યાં મનાય છે કે કાચમારી તળાવનું ઊંડાણ કોઈ માપી શકતું નથી. એવી જ રીતે મનની વાતોનો પણ છેડો નથી, અને પાછા દરેક માણસને બે મન હોય છે. એટલે સદા નજીક રહેનારા માણસનું પણ મન સમજવું કઠિન બની જાય છે. જમીન ખોદીને માઈલો અંદર ગયા પછી જ ભૂગર્ભમાંથી કોયલા અને તેલ મળે છે, પરંતુ માણસના મનનાં ઊંડાણ સુધી પહોંચવું મુશ્કેલ છે. માણસને એક સાથે બે મન હોવાનો કારણે જ એક માણસનું બીજા માણસ માટે આટલું કૂતુહલ હોય છે. – આવા આસામને, આસામની આવી સોનાઈને અને સોનાઈના માણસોના આવાં મનનાં કૂતુહલો અને મનના વળાંકોને અસમિયા ભાષાના પ્રખ્યાત નવલકથાકાર લક્ષ્મીનન્દન બોરાએ પોતાનો નવલકથા ‘ગંગાચીલની પાંખ'માં બતાવ્યાં છે. ૧૯૩૨માં જન્મેલા લક્ષ્મીનંદન બોરાએ કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એસસીની ઉપાધિ મેળવેલી છે અને અસમ કૃષિ યુનિવર્સિટીમાં તેઓ આચાર્ય અને અધ્યક્ષ રહી ચૂકયા છે. ‘ગંગાચીલની પાંખ’માં સોનાઈ પુરિયા ગામની નારી વાસંતીની કથા છે. પોતાને ઘેર પોતાના ભાઈને કામ માટે મળવા આવેલા યુવાન ધનંજ્યનું એને આકર્ષણ થયું છે. ધનંજ્ય સામે પારનાં પાભચિલામાં હોમિયોપેથ ડૉક્ટરનું કામ કરે છે; અને લોકો તરફ એનો સેવાભાવ પણ છે. એની લોકકલ્યાણની વૃત્તિથી એ લોકોમાં જાણીતો છે. વાસંતી બેએક વારની મુલાકાતમાં પોતાના મનની વાત ધનંજ્યને કહી દે છે અને ધનંજ્ય પણ પોતાના પ્રેમનો સ્વીકાર કરે છે. વાસંતીની મા અને ભાભીને ધનંજ્ય અજાણ્યો હોવાથી આ સબંધ પસંદ નથી. ધનંજ્ય પાભચિલામાં રહે છે પણ પાભચિલાનો નથી. એ ક્યાંથી આવ્યો છે એની કોઈને જાણ નથી. પણ ધનંજ્ય પોતાની વ્યથાકથા વાસંતીને કહે છે. કઈ રીતે કાકાએ દગો દીધો, કઈ રીતે પોતાની બેનને વૃદ્ધ સાથે પરણાવી દીધી, કઈ રીતે રખડતાં આખડતાં મેટ્રિક થયો, કઈ રીતે હોમિયોપેથનું શિક્ષણ એ જણાવે છે. ધનંજ્ય અને વાસંતી વધુ નજીક આવે છે. ભાભીની અને માની દલીલોથી દોરાઈને વાસંતી થોડીવાર માટે ધનંજ્યનું વિચારવું છોડી દે છે પણ એનું આકર્ષણ એ રોકી શકતી નથી. વાસંતીને મામાને ઘેર મોકલી દેવામાં આવે છે. વાસંતીનો ભાઈ ભોગરામ ખેડૂત મટી વેપારમાં પડ્યો છે. વેપારમાં ખોટ આવવાથી એ ચીડિયો રહે છે. આથી ભાભી કે મા વાસંતી અંગે કશું એને જણાવી શકતી નથી. ભોગરામ આ પછી રાજકારણમાં ફસાય છે. નેતાના પ્રચારમાં જોડાય છે અને છેવટે ધનંજ્ય સાથેની ઊઠબેસ હોવા છતાં એનો કટ્ટર શત્રુ બને છે. વાસંતીની વાત ઠેલાતી જાય છે. ત્યાં ભોગરામને વાસંતીના ધનંજ્ય સાથેના સંબંધની ખબર પડી જાય છે. રાજકારણને કારણે પૈસેટકે સુખી બનેલો ભોગરામ વાસંતીનો વિવાહ એકવારના કલેક્ટર ભાગીરથના દીકરા મથુરા સાથે કરી દે છે. વિવાહ પછી પણ વાસંતી ધનંજ્ય સાથે ભાગી જવા તૈયાર હોય છે. બધું ગોઠવાયું હોય છે અને છેલ્લી ઘડીએ વાસંતીની નૈતિક જાગૃતિ પ્રબળ બનતાં એ પાછી ઘેર આવી જાય છે અને મથુરા સાથેના લગ્નનો સ્વીકાર કરી લે છે. દાંપત્યના ચાર દહાડા સુખમાં જાય છે ત્યાં મથુરાને વાસંતીના પૂર્વ પ્રેમની જાણ થાય છે. વાસંતી નિર્દોષ ભાવે બધી વાત જણાવી પોતે પવિત્ર છે એની કબૂલાત આપે છે તેમ છતાં મથુરો સાઈકલ લઈને નીકળી પડે છે. અને જાણીજોઈને અકસ્માતનો ભોગ બને છે. વાસંતીના લગ્નની ખબર પછી લોકકાર્યમાં લાગી ગયેલો દુ:ખી ધનંજ્ય, ફરીને મૃત પુત્ર અવતરવાથી અન્યમનસ્ક અને જડ બની ગયેલી વાસંતીની સારવાર માટે આવે છે અને વાસંતીને સ્વસ્થ કરીને ચાલી જાય છે. આ પછી વાસંતીના જીવનમાં મનબડી પ્રવેશે છે. મનબડી વાસંતીના ઘરનું કામ કરનારી છે પણ એની સાથે વાસંતીનું મન હળી જતાં મનબડી એને ગામના છોકરાછોકરીની પ્રેમકથાઓ કહે છે. એકવાર એ કાંચનમતી અને બાજૂની પ્રેમકથા કહે છે અને બંને ભાગવા તૈયાર છે એમ બતાવે છે. એટલે વાસંતીને પોતાની કથા યાદ આવે છે. વાસંતી બાજૂને મદદ કરીને કાંચનમતિને ભગાડવામાં સફળ થાય છે. અંતે વાસંતી મનબડીને ધનંજ્ય પાસે ચિઠ્ઠી લઈને મોકલે છે. અને એમાં ફરી જીવન શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ધનંજ્ય મનબરીને સામે કોઈ ચિઠ્ઠી આપતો નથી પણ ‘પરમ દિવસે આવીશ' એવું કહેવડાવે છે. પણ ધનંજ્ય જતો નથી. વાસંતી વાટ જોતી રહે છે. એક દિવસ એને ખબર પડે છે કે ધનંજ્ય પાભચિલાથી ક્યાંક ચાલ્યો ગયો છે અને ક્યારે ય પાછો નથી ફરવાનો. આ પછી વાસંતી હવે મનબડી સાથે વાત નથી કરતી. આ છે વાસંતીની વ્યથાકથા. કથાના અંતમાં અન્ય પાત્રો સાથે પોતાની જાતને જોડીને મુક્ત થવાનો એનો પ્રયત્ન આ કથાનું ઉજ્જવલ પાસું છે. પ્રેમકથાની સાથે સાથે લેખકે ગામમાં પ્રવેશતા રાજકારણને, રાજકારણના દૂષણને, આક્રમણપૂર્વક આવતી નવી સભ્યતાને અને ગામના બદલાતા પ્રશ્નોને પણ ભૂમિકા રૂપે વાચા આપી છે. એકંદરે આ નવલકથામાં અસમી સંસ્કૃતિની ભારતીય ઝલક સંનિષ્ઠરૂપે ઊપસી આવી છે.