રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાતી સાહિત્ય પરિષદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી સાહિત્ય પરિષદ

ઈ. સ. ૧૯૦૪માં અમદાવાદની સાહિત્ય સભાએ સાહિત્ય પરિષદ અમદાવાદમાં ભરવાનો વિચાર કર્યો હતો. ઈ. સ. ૧૯૦૫માં આ વિચાર ફળીભૂત થયો અને પહેલી પરિષદ અમદાવાદમાં મળી. પ્રમુખસ્થાને સદ્ગત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વિરાજ્યા હતા. પ્રાચીન ગુજરાતી સાહિત્યનું એમનું અવલોકન પ્રશંસા પામ્યું હતું. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીએ એ ભાષણ જુદું છપાવી વહેંચ્યું હતું. પરિષદ ભરવાનો વિચાર સ્ફુર્યો ત્યારે ગોવર્ધનભાઈ ને રા. બ. રમણભાઈ, રા. ઠાકોરલાલ હરિલાલ અને હું, પ્રો. આનંદશંકર ધ્રુવને ત્યાં સલાહ લેવા મળવાને ગયા હતા. ત્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો હતો : ‘પરિષદમાં શેની ચર્ચા કરશો? જોડણીની?’ ગુજરાતી સાહિત્યના આ અંગેનો અભ્યાસ કરી તેની સતત અને આગ્રહભરી ચર્ચા કરી રા. નરસિંહરાવ ભોળાનાથે આ પ્રશ્ન પરત્વે ગુજરાતના વિદ્વાનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. બીજા કોઈ પ્રશ્ન પરત્વે બીજા કોઈ વિદ્વાનોએ એમના જેટલા આગ્રહ, ઉદ્યોગ અને નિષ્ઠાથી ચર્ચા ઉઠાવેલી નહીં એટલે સ્વાભાવિક રીતે એ જ પ્રશ્ન પ્રતિ સર્વેનું ધ્યાન ખેંચાતું. પહેલી પરિષદ સમક્ષ રા. નરસિંહરાવે જોડણી વિશે વિસ્તૃત નિબંધ વાંચ્યો હતો. તેમાં એ પ્રશ્નની ચર્ચાનો ત્યાર લગીનો ઇતિહાસ અને ઘણાં વર્ષોની ચર્ચાના પરિણામે પોતાને જે નિર્ણયો યોગ્ય લાગ્યા હતા તે આપ્યા છે. પ્રો. આનંદશંકર ધ્રુવે પણ એ વિષય ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. કેશવલાલ ધ્રુવે વાગ્વ્યાપાર ઉપર નિબંધ વાંચી ગુજરાતી વ્યાકરણના એ અંગ સંબંધે સારો પ્રકાશ નાંખ્યો હતો. એ નિબંધમાં જોડણીના પ્રશ્નને સ્પર્શ હતો. ઉપસંહાર કરતી વેળા પ્રમુખે જોડણી વિશે આગ્રહથી પોતાનો મત દર્શાવ્યો હતો કે, હવે સંસ્કૃત યુગ આવવાનો છે ત્યારે તદ્ભવ અને દેશ્ય અને વિદેશી શબ્દોની જોડણીનો સવાલ નકામો થવાનો છે. ‘સાહિત્ય પરિષદમાં જોડણી’ એવા મથાળાથી રા. નરસિંહરાવે ‘વસન્ત’માં લેખ લખી પોતાના નિબન્ધ સિવાયના બીજા નિબન્ધો અને ચર્ચાનું સમીક્ષણ કર્યું હતું. ઠરાવ સાહિત્ય પરિષદ કરશે નહીં એવો નિર્ણય પ્રમુખે આપ્યો હતો છતાં જોડણી અને લિપિ વિશે સાહિત્યસભાએ પ્રશ્નો પૂછી તેના ઉત્તરો ભેગા કરી બીજી પરિષદને રોશન કરવાનો ઠરાવ થયો હતો. સાહિત્ય સભાએ પ્રશ્નો ઘડી ગુજરાતમાં ફેરવ્યા હતા પણ તેમના સંતોષકારક ઉત્તર જોઈએ તેટલા પ્રમાણમાં નહોતા આવ્યા. એ પ્રશ્નોએ રા. નરસિંહરાવને અને રા. હિમ્મતલાલ અંજારીઆને(ગુજરાતીને બદલે બાલબોધ લિપિનો પ્રચાર કરવાની હિમાયત કરનાર) કેટલેક અંશે સંતોષ નહોતો આપ્યો એટલે એમણે જાહેરમાં મતભેદ ચર્ચ્યો હતો. સાહિત્ય સભાના પ્રશ્નો બીજી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં છપાયેલા છે. સાહિત્ય સભાની પ્રશ્નાવલિ સંતોષકારક કામ ન કરી શકી એટલે મુંબઈમાં બીજી પરિષદ વખતે જોડણી માટે કમિટી નીમવામાં આવી. લિપિના પ્રશ્ન માટે રા. હિમ્મતલાલે આગ્રહ નહીં બતાવેલો એટલે એ પ્રશ્ન પડતો મુકાયો. અલબત્ત રા. નરસિંહરાવે એ પ્રશ્ન અવસન્ન ‘આર્યધર્મપ્રકાશ’ માસિકમાં ચર્ચ્યો હતો. રાજકોટમાં ત્રીજી પરિષદ મળી ત્યારે જોડણીકમિટી એકમતે પોતાનું કામ કરી શકી નહોતી તેથી ફરીથી થોડા ફેરફાર સાથે કમિટી નિમાઈ. આનો અહેવાલ ત્રીજી પરિષદના રિપોર્ટમાં છે. વડોદરામાં ચોથી પરિષદ મળવાની હતી તેવામાં જોડણીકમિટીએ કેટલાક પ્રશ્નો ઘડી ગુજરાતમાં ફેરવ્યા. [1] પ્રશ્નોના આવેલા ઉત્તરોનું પૃથક્કરણ કરી તેમને વ્યવસ્થિત રૂપમાં ગોઠવ્યા અને જોડણીના સંબંધમાં કેટલીક ભલામણો કરી. કમિટીનો રિપોર્ટ વડોદરાની પરિષદમાં નોંધવામાં આવ્યો અને એ પ્રશ્ન વિશે વિચાર કરવાનાં ગુજરાતને સાધનો આપી પરિષદે હમણાં તો એ પ્રશ્નની ચર્ચા મોકૂફ રાખી છે. પહેલી પરિષદના અહેવાલને અદ્ધર રાખી વચ્ચે જોડણુની ચર્ચાનો આખો ઇતિહાસ ટૂંકમાં એકી નજરે જોવાય તે માટે આપ્યો છે. પહેલી પરિષદમાં શાસ્ત્રીય પરિભાષાનો પ્રશ્ન લેવાયો હતો પણ તે સંબંધમાં કાંઈ વ્યાવહારિક પ્રવૃત્તિ કરાઈ નથી. રા. બ. હરગોવિંદદાસે પ્રાચીન કાવ્યોની શોધખોળ વિશે ટૂંકો નિબંધ લખ્યો હતો. ત્રીજી પરિષદ વખતે રાજકોટમાં પ્રાચીન ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમની યાદી ત્રીજી પરિષદના રિપોર્ટમાં છાપવામાં આવી છે. ચોથી પરિષદમાં રા. છગનલાલ વિદ્યારામ રાવળે ગુજરાતના કવિઓની અને તેમની કૃતિઓની યાદી તૈયાર કરી મોકલી હતી. આ યાદી ચોથી પરિષદના રિપોર્ટમાં છપાઈ છે. જુદે જુદે સ્થળે પ્રાચીન ગ્રંથોના સંગ્રહો જાણીતા છે તેમની યાદી અને સવિસ્તર અહેવાલ તૈયાર થવાની જરૂરિયાત ગુજરાતમાં સર્વ કોઈ સ્વીકારે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રાચીન ગ્રંથસંગ્રહનો અહેવાલ ‘બુદ્ધિપ્રકાશ’માં છૂટક છૂટક છપાયો છે. સુરતમાં મળનારી પાંચમી સાહિત્ય પરિષદ વખતે એ દિશામાં વિશેષ કામ કરવાની સુરતના કાર્યવાહકો ઉમેદ રાખે છે. બીજી પરિષદ વખતે રા. મનસુખ કીરતચંદ મેહતાએ ‘જૈન સાહિત્ય’ વિશે મુંબઈમાં નિબંધ વાંચ્યો હતો. ત્યાર પછી એમણે જૈન ગુજરાતી રાસાઓની યાદી પ્રગટ કરી હતી. એ યાદીનો વધારો ‘જૈન કોન્ફરન્સ હેરલ્ડ’ના તંત્રી રા. મોહનલાલ દલીચંદ દેસાઈએ બહાર પાડ્યો છે. રાજકોટ પરિષદ વખતે સ્થપાયેલું પરિષદ ભંડોળ ફંડ રા. રા. ડાહ્યાભાઈ દેરાસરી પાસે કાન્હડદે પ્રબંધ છપાવવા તૈયાર થયું હતું પણ વડોદરામાં ચોથી પરિષદ મળી ત્યારે ગાયકવાડ સરકારે પ્રાચીન ગુજરાતી ગ્રંથો છપાવવાની યોજના કરી એટલે તેને અનુસાર કાન્હડદે પ્રબંધ છપાયો. રા. કેશવલાલ ધ્રુવ એ જ યોજના માટે ભાલણની કાદંબરીનું પ્રકાશન કરવાના છે. રા. નરસિંહરાવ અને પ્રો. બળવંતરાય ક. ઠાકોરને એ યોજનાને અંગે કામ સોંપવામાં આવ્યાં છે. ચોથી પરિષદ વડોદરામાં મળ્યા પછી વડોદરાના આગેવાન સાહિત્યસેવક રા. બ. હરગોવિંદદાસના કુટુંબ તરફથી ‘સાહિત્ય’ માસિકનું પ્રકાશન થવા માંડ્યું છે; તેમાં પ્રાચીન કાવ્યો છાપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીવાળા રા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે પણ કેટલાંક પ્રાચીન કાવ્યો પ્રકાશમાં આણ્યાં છે. પરિષદની શરૂઆતથી જૈન સાહિત્યની સમૃદ્ધિ તરફ લોકોનું ધ્યાન ખેંચવામાં આવતાં તેનાં શુભ પરિણામ સત્વર જન્મ્યાં. રા. રા. મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ ‘રાયચંદ જૈન કાવ્યમાળા’ બે ભાગમાં બહાર પાડી. રા. મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન ઐતિહાસિક રાસમાળાનો એક અંક બહાર પાડ્યો. દેવચંદ લાલચંદ ઝવેરીના ફંડમાંથી રા. જીવણચંદ સાકરચંદ ઝવેરીએ ‘શ્રી આનંદકાવ્ય મહોદધિ’નાં ત્રણ મૌક્તિક બહાર પાડ્યાં છે. સુરતના રા. મણિલાલ બકોરભાઈ વ્યાસે ‘વિમલ પ્રબંધ’ પ્રકાશિત કર્યો છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતાએ પ્રેમાનંદનું મહાભારત પ્રાપ્ત કર્યું છે. આ સર્વ સાહિત્ય પરિષદની ચળવળનું પરિણામ છે. હજુ આ દિશામાં ઘણું કરવાનું છે અને પ્રાચીન ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિને નાશ પામતી બચાવવાની છે. આ વિષયને લગતા જ એક પ્રશ્નની અહીં નોંધ લેવાનું વાજબી લાગે છે. ત્રીજી સાહિત્ય પરિષદ માટે રા. રા. નરસિંહરાવે વડોદરાની પ્રાચીન કાવ્યમાળામાં પ્રગટ થયેલાં પ્રેમાનંદનાં ત્રણ નાટકો પ્રેમાનંદનાં નથી એવું સાબિત કરવા લેખ લખ્યો હતો. રા. મગનલાલ હરગોવિંદદાસ કાંટાવાળાએ રા. અંબાઈદાસ કાળીદાસ પટેલે, રા. છોટાલાલ નરભેરામ ભટે અને રા. અંબાલાલ બુલાખીરામ જાનીએ એમના લેખના મુદ્દાના રદીઆ આપવા પ્રયત્ન કર્યા છે. પણ જ્યાં લગી મૂળ હસ્તલેખો પ્રાપ્ત ન થાય ત્યાં લગી આ પ્રશ્નનો નિર્ણય થશે નહીં. જોડણીની ચર્ચાથી જેમ કેટલાક વ્યાકરણગત પ્રશ્નો સંબંધે અન્વેષણ થતું હતું તેમ પ્રેમાનંદનાં નાટકોની ચર્ચાથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ, ભાષાના શબ્દપ્રયોગો, ગુજરાતી વ્યાકરણનાં ઐતિહાસિક રૂપાન્તરો વગેરે સંબંધે નવો પ્રકાશ પડતો જાય છે, નવી શોધો થતી જાય છે. પ્રાચીન કાવ્યના સંગ્રહ જેવા જ મહત્ત્વનો વિષય કંઠસ્થ સાહિત્યના સંગ્રહનો છે. પહેલી પરિષદમાં એ સંબંધી રામમોહનરાય જસવંતરાય દેસાઈનો અને મારો લેખ હતો, ચોથી પરિષદમાં રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનો લેખ હતો. રા. રા. હરગોવિંદે કાઠિયાવાડમાં પ્રચલિત દુહાવાળી કથાઓનો સંગ્રહ સારો કર્યો છે. શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફથી એ સંગ્રહ છપાવાનો છે. રાજકોટમાં રા. રા. કાનજી ધર્મસિંહ કવિએ કાઠિયાવાડના કંઠસ્થ સાહિત્યનો સંગ્રહ છપાવ્યો છે પણ તેમાં દુહાઓની ભેળસેળ અને અશુદ્ધિ ઘણી છે. કચ્છ કાઠિયાવાડની આવી દુહાવાળી કથાઓ ‘ગુજરાતી’ પોતાના દિવાળીના અંક દ્વારા દર વર્ષે રા. રા. જીવરામ અજરામર ગોર અને રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય તરફથી પ્રગટ કરે છે. સુરતના રા. રા. હરિલાલ હરદેવરામ મુનશીએ(જેઓ ઘણાં વર્ષ ઉપર ભાવનગરમાં કાવ્યપ્રેમી માસિક કાઢતા હતા) ગ્રામ્યજનોને કંઠસ્થ રામાયણ, મહાભારત વગેરેનો સંગ્રહ કર્યો છે. ગુજરાતી પ્રેસે પણ ભારતલોકકથાનો એક સંગ્રહ બહાર પાડ્યો છે. ઘણાં વર્ષો પૂર્વે ફરામજી નામના વિદેહ પારસી ગૃહસ્થે આવી કથાઓનો સંગ્રહ કરી ત્રણ ભાગમાં પ્રગટ કર્યો હતો. જુદી જુદી નાતોમાં ગવાતાં ગીતોનો સંગ્રહ અવારનવાર થતો જાય છે. સુરતની વડનગરા નાગર જ્ઞાતિનો ગીતોનો સંગ્રહ કવિ નર્મદાશંકરે કર્યો હતો. ત્યાર પછી વહાલીબેનના ‘રીતિદર્પણ’માં થોડોએક સંગ્રહ છે. અમદાવાદના વડનગરા નાગરનાં ગીતોનો સંગ્રહ સૌ. બાળાબહેને કર્યો છે. ભાવનગરના જૈનોનાં ગીતોનો સંગ્રહ હમણાં તાજેતરમાં પ્રગટ થયો છે. નડિયાદના સાઠોદરાનાં ગીતોનો સંગ્રહ વિદેહ સૌ. કુન્દનબહેને કર્યો છે. ખંભાતના માજી દીવાન માધવલાલ હરિનારાયણની પુત્રીએ સુરત જિલ્લાના ઔદિચોમાં ગવાતાં ગીતોનો સંગ્રહ કર્યો છે. સુરતના કાયસ્થોના ગીતોનો સંગ્રહ રા. હરિલાલ હરદેવરામ મુનશીએ કર્યો છે. ગોહિલવાડના પ્રશ્નોરાઓમાં ગવાતાં હાલરડાંનો સંગ્રહ રા. રા. દેવશંકર વૈકુંઠજીએ પ્રગટ કર્યો છે. જૂનાગઢના વડનગરાનાં ગીતોનો સંગ્રહ પણ ઘણું કરીને થયેલો છે. વિદેહ બાળાશંકર ઉલ્લાસરામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આસિસ્ટંટ સેક્રેટરી હતા ત્યારે એમણે સોસાયટી મારફત ગુજરાતમાં ગવાતાં કેટલાંક ગીતોનો સંગ્રહ કરાવ્યો હતો. પંચમહાલના એક વખતના આસિસ્ટંટ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર રા. રા. કૃષ્ણલાલ સૂરજલાલ વકીલે તે તરફના ભીલોનાં ગીતોનો સંગ્રહ કરાવ્યો છે. વડોદરા તરફથી પ્રગટ થયેલ નવસારી પ્રાંતના કાળીપરજ નામના ગ્રંથમાં કાળીપરજનાં થોડાં ગીતો છે. બાળકોનાં ગીતો, ઉખાણાં, કથાઓ વગેરેના નાના નાના સંગ્રહ અવારનવાર ‘સુન્દરીસુબોધ’માં પ્રગટ થાય છે. કંઠસ્થ સાહિત્યના રક્ષણનો અને સંગ્રહનો આ રડતો વૃત્તાંત છે. પરિષદ તરફથી એ દિશામાં જોઈએ તેવો સબળ યત્ન થયો નથી. અમદાવાદની પરિષદમાં સદ્ગત વલ્લભજી હરિદત્ત આચાર્યે ઐતિહાસિક શોધખોળને લગતો ટૂંકો નિબંધ મોકલાવ્યો હતો. રાજકોટના સંગ્રહસ્થાનના અધિકારી તરીકે એમણે અને એમના અવસાન પછી એમના પુત્ર રા. રા. ગિરજાશંકરે કાઠિયાવાડ અને કચ્છમાં સ્થળે સ્થળે ફરી ઐતિહાસિક સામગ્રી સારા પ્રમાણમાં એકઠી કરી છે. આવી જ સામગ્રી પૂર્વે ભાવનગરમાં સંગ્રહાઈ હતી. એમાંથી થોડીક પુસ્તક રૂપે-પણ ઘણી જ અશુદ્ધ રીતે પ્રસિદ્ધ થઈ હતી. કેટલીક રાજકોટની અને ભાવનગરની એ સંપત્તિ અપ્રસિદ્ધ છે, એ અફસોસની વાત છે. એનું પ્રકાશન કરવાનું કર્તવ્ય પરિષદનું છે. પરિષદના પ્રારંભ પછી ‘બુદ્ધિપ્રકાશ’માં બે નવા શિલાલેખ રા. રા. તનસુખરામ મનસુખરામ ત્રિપાઠીએ પ્રકાશિત કર્યા છે. ગુજરાતના હિન્દુ સમયના ઇતિહાસને લગતા પ્રસિદ્ધ લેખો – શિલા અને તામ્રના– નો ઘણોખરો સંગ્રહ મેં કર્યો છે. એ લેખોની યાદી ‘બુદ્ધિપ્રકાશ’ ૧૯૧૫ના એપ્રિલના અંકમાં છપાવાની છે. રાજકોટની પરિષદમાં રેવરન્ડ ડૉ. ટેલરે ગુજરાત કૉલેજ સમક્ષ વાંચેલા અંગ્રેજી નિબંધનું ગુજરાતી ભાષાન્તર રજૂ થયું હતું. તેમાં ગુજરાતના સિક્કાઓનો વૃત્તાંત આપેલો છે. એ જ વખતે રા. રા. હીરાલાલ ત્રિભોવનદાસ પારેખનો હિંદુસ્તાનના સિક્કાઓ વિશે પણ નિબંધ આવ્યો હતો. રાજકોટ પરિષદના પ્રદર્શનમાં કેટલાક સિક્કાઓ આવ્યા હતા પણ તે વંચાવી શકાયા નહોતા. અમદાવાદની સાહિત્યસભાએ ઐતિહાસિક વ્યાખ્યાનમાળાની યોજના કરી હતી પણ તે સફળ નીવડી નથી. પરિષદવ્યાખ્યાનમાળાને અંગે વિદેહ હરજીવન ભગવાનજી શુક્લે અમરજી દીવાન વિશે રાજકોટમાં ભાષણ આપ્યું હતું. તે સિવાય એ માળાનાં બીજાં ઐતિહાસિક વ્યાખ્યાનો થયાં નથી. પ્રો. આનંદશંકર ધ્રુવે એક વેળા પરિષદ વિશે ‘વસન્ત’માં લખતાં લખ્યું હતું કે ઐતિહાસિક શોધખોળને માટે ગુજરાતમાં હવે અવકાશ નથી. પણ એમનું એ માનવું ભૂલભરેલું છે. ગુજરાતમાં સામાજિક, આર્થિક, કલાવિષયક અને સાહિત્યિક ઇતિહાસ સંબંધે હજુ શરૂઆત પણ નથી થઈ એમ કહીએ તો ખોટું નથી. રાજકોટ પરિષદમાં રા. રા. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરનો એક અંગ્રેજી નિબંધ આવ્યો હતો. કાઠિયાવાડના નાગરોને એથી માઠું લાગશે એવા ડહાપણભર્યા વિવેકથી આ નિબંધ ત્યાં વાંચવામાં નહોતો આવ્યો પણ તેનું ગુજરાતી ભાષાંતર ‘વસંત’માં છપાયું. જ્ઞાતિઓનાં પુરાણોની ઐતિહાસિક નિરીક્ષા હજુ આરંભાઈ જ નથી. શિલાલેખો, તામ્રલેખો, અને ગ્રંથોમાં જે જે રાજ્યવ્યવસ્થા, ભૂગોળ, ધર્મસંપ્રદાય આદિના ઉલ્લેખો છે તેનો અભ્યાસ હજુ થયો નથી. આ ઉપરાંત હજુ ઘણા પ્રશ્નો અસ્પર્શ્ય પડ્યા છે. પહેલી પરિષદ વખતે સ્વાગતનું ભાષણ રા. બ. રમણભાઈએ વાંચ્યું હતું અને એમાં સાહિત્ય પરિષદનો ઉદ્દેશ અને કાર્યપ્રદેશ આલેખ્યો હતો. બીજી સાહિત્ય પરિષદ મુંબઈમાં ભરવાનું કાર્ય સાહિત્યસભાએ રા. રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈ, રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીઆ અને મને સોંપ્યું હતું. પ્રો. ગજ્જરના સમભાવે સાહિત્ય પરિષદના કાર્યપ્રદેશ સંબંધીની મારી ભાવના વિશાળ થઈ અને મેં એનું આલેખન પહેલી પરિષદના રિપોર્ટના આમુખમાં કર્યું છે. આ વિશાળ સ્વરૂપને બીજી પરિષદના પ્રમુખ રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે અને સ્વાગતમંડળના પ્રમુખ શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીએ સમર્થન આપ્યું હતું પણ રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીએ ‘સમાલોચક’માં એ વિશાળતા પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટમાં પ્રો. બળવંતરાય ક. ઠાકોર અને બીજા વિદ્વાનોએ એ વિશાળતાને પોષી હતી. પણ વડોદરામાં મૂળની સંકુચિત ભાવનાનો પુનઃ સ્વીકાર થયો હતો. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવને પોતાનો ગુજરાતની ભૂસ્તરરચનાનો નિબંધ છિન્નભિન્ન કરી નાંખી જુદે નામે રજૂ કરવો પડ્યો હતો કારણ કે સાહિત્યની પરિષદમાં વિજ્ઞાનને સ્થાન શી રીતે અપાય? સુરત પરિષદમાં ચર્ચવાના વિષયોની યાદી પર પણ એ સંકુચિતતાનો પ્રભાવ પડ્યો હતો. આમ અત્યારે બે પક્ષ છે. નર્યા સાહિત્યને લગતા જ પ્રશ્નો એકલા વિદ્વાનો મળી ચર્ચે એવો એક મત છે. સાહિત્ય ઉપરાંત જ્ઞાનના સર્વે પ્રશ્નો વિદ્વાનો અને વિદ્યારસિકો ચર્ચે અને લોકસમુદાયને એમાં રસ લેતો અને સહાય આપતો કરે એ બીજો મત છે. બીજા પક્ષવાદીઓ આ સંસ્થા ગુજરાતનું સાર્વજનિક જીવન કેળવવાનું – તેના પાઠ શીખવવાનું સાધન પણ લેખે છે. પહેલી પરિષદ વખતે રા. રા. પેસ્તનજી ખરસેદજી તારાપોરવાળાએ પ્રદર્શન ભરવાનું સૂચવ્યું હતું પણ તે સૂચનાનો અમલ નહોતો થઈ શક્યો. મુંબઈમાં ગ્રંથવિક્રેતાઓ પાસે ગુજરાતી ગ્રંથોનું વિક્રય માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં પ્રદર્શન ટૂંક વખતમાં મોટા પાયા ઉપર કરવામાં આવ્યું હતું. એમાં પ્રાચીન હસ્તલેખો, મુદ્રિત પુસ્તકો, શિલાલેખો, તામ્રલેખો, સિક્કાઓ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, પણ તેમના સંબંધી રસિક અહેવાલ પણ લખવામાં આવ્યો હતો. વડોદરામાં પણ નાનુંસરખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે ગુજરાતી વિદ્વાનો અને ગ્રંથકારોની છબીઓ તૈયાર કરવામાં આવી હતી. [2] સુરતમાં રાજકોટ અને વડોદરાને ધોરણે બને તો પ્રદર્શન કરવા કાર્યવાહકોનો વિચાર છે. ગુજરાતી ચિત્રકારોનાં ચીતરેલાં ચિત્રો ગુજરાતને લગતા ભિન્ન ભિન્ન વિષયો પરત્વે પ્રદર્શનમાં ભેગાં કરવાનો તેમનો અભિલાષ છે. સાથે અંગ્રેજી સંસ્કારો આપણા જીવન ઉપર પડ્યા તે અગાઉ જે પ્રકારની ચિત્રકલા ગુજરાતમાં પોષાતી હતી તેનો સંગ્રહ કરવા પણ ધારણા છે. ભાવનગર રાજ્યનો શિહોરમાં રાજમહેલ છે ત્યાં ભાવનગરના રાજવંશનાં ચિત્રો છે – હાલ તો લગભગ નષ્ટ થયેલાં છે પણ તેમની નકલો ઉતારી લીધેલી ભાવનગરના સંગ્રહસ્થાનમાં છે. એ ચિત્રો ગયા વર્ષના ‘ગુજરાતી’ના દિવાળી અંકમાં છપાયાં હતાં. હમણાં જ પાલનપુરના નવાબઝાદાએ પોતાના રાજ્યનો ઇતિહાસ લખ્યો છે તેમાં પોતાના પૂર્વજોની છબીઓ આપી છે. આ વગેરે ઉપરથી પ્રાચીન કલાની સામગ્રી ગુજરાતમાં હયાત હોવાનું જણાય છે. તેને નાશ થતી બચાવી લોકાદરને પાત્ર કરવાનો ઉદ્દેશ છે. સચિત્ર હસ્તલેખોના સંગ્રહથી ગુજરાતના પ્રાચીન રીતરિવાજ, પહેરવેશ, અલંકાર, પ્રસાધન આદિનો પરિચય મેળવી શકાય છે. રાજકોટ પ્રદર્શનમાં વસંતવિલાસિકાની સચિત્ર હસ્તલિખિત પ્રત હતી. ચિત્રો પરથી ગુજરાતના તત્કાલીન જીવનનો આબેહૂબ ખ્યાલ મળતો હતો. ચિત્રકલાની બહેનપણી બીજી લલિતકલાઓ ગુજરાતના વ્યક્તિ અને સાર્વજનિક જીવનમાં સંસ્કાર ભરે એવી યોજના વિચારવા પરિષદની ધારણા છે. સ્થાપત્ય અને મૂર્તિવિધાનનું હયાત સ્વરૂપ કેવું છે તેનું રેખાદર્શન રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે ત્રીજી સાહિત્ય પરિષદમાં કરાવ્યું હતું. સુરત પરિષદમાં પણ એ વિશે લેખ આવવાનો છે. ગુજરાતમાં એ કલાઓની જે સુંદર સમૃદ્ધિ છે તેનો બહુ જ થોડાને ખ્યાલ છે. સંગીતના વિશેષ સંસ્કારી અભ્યાસ અને પ્રસારણની ખાસ અગત્ય છે. બીજી પરિષદમાં રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથે એ વિષે નિબંધ વાંચ્યો હતો. રા. રા. ગણપતરાવ ગોપાળરાવ બર્વેએ પણ શ્રુતિઓ વિશે વિસ્તીર્ણ નિબંધ વાંચ્યો હતો. એમના શ્રુતિસ્વરસિદ્ધાંતની રા. રા. નરસિંહરાવે ‘વસંત’માં સમીક્ષા કરી હતી. સુરત પરિષદ વાસ્તે રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથ ગુજરાતના સંગીત સાહિત્ય વિષે લખવાના છે. રતનદેવી નામની ઇંગ્લિશ સન્નારીએ ત્રીસ હિન્દુસ્તાની ગાયનો જેવા રસથી અંગ્રેજીમાં ઉતાર્યાં છે, મિ. ફોક્ષ-સ્ટ્રેગવે, મિ. ક્લેમન્ટસ, ડે આદિ ઇંગ્લિશ સંગીતવિદોએ ભારતવર્ષના સંગીતશાસ્ત્ર વિષે જેવી ચર્ચા કરી છે તેવી ગુજરાતની સંગીતસમૃદ્ધિની થવી ઘટે છે. તે ઉપરાંત ગુજરાતમાં સંગીતનો ઊંચો શોખ ફેલાવવો ઘટે છે. ગુજરાતની રસિકતા ઉત્તેજવી અને પોષવી, એ પણ સાહિત્ય પરિષદનું એક કર્તવ્ય છે. બંગીય સાહિત્ય પરિષદે કરેલા પ્રદર્શનનો અહેવાલ પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ‘સાહિત્ય પરિષદ વિશેનાં વ્યાખ્યાનો’ નામના પોતાના ગ્રંથને છેડે આપેલો છે. એ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રદર્શનને સારી રીતે ખીલવવાની અને તેને માટે સતત મહેનત લેવાની જરૂર છે. પહેલી પરિષદમાં સસ્તું સાહિત્ય ઉત્પન્ન કરવા અને તેની આવશ્યકતા વિશે બે નિબંધો વંચાયા હતા. ત્યાર પછી પરિષદે એ દિશામાં કાંઈ પ્રયાસ કર્યો નથી. પણ સંતોષની વાત છે કે સ્વામી અખંડાનંદે એ કાર્ય સફળતાથી પાર પાડ્યું છે. એમના નાનાં અનુસરણો પણ થતાં જાય છે. બીજી પરિષદ મુંબઈમાં ઈ. સ. ૧૯૦૭માં યુનિવર્સિટીના હૉલમાં મળી હતી. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે પ્રમુખસ્થાનેથી પ્રોત્સાહક ભાષણ કર્યું હતું. અપભ્રંશસાહિત્ય પ્રત્યે લોકસમૂહનું ધ્યાન ખેંચ્યું હતું. પદ્યરચનાનાં સ્વરૂપો વિશે એમનો નિબંધ પણ આવ્યો હતો. ગોવર્ધનભાઈએ વખાણેલી વિદ્વત્તાની પ્રસાદી પહેલી બે પરિષદને મળી તે મળી. પછીની પરિષદો તે મેળવવા ભાગ્યશાળી નીવડી નથી. રા. રા. નરસિંહરાવે અભિનયકલા વિશે વિસ્તૃત નિબંધ લખ્યો હતો. તેનો સારાંશ ‘વસંત’માં અને બીજી પરિષદના રિપોર્ટમાં છપાયો છે. સમગ્ર નિબંધ હજુ પ્રસિદ્ધ નથી થયો. પહેલી પરિષદમાં રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથે આપણાં નાટકો વિશે નિબંધ વાંચ્યો હતો. ત્યાર પછી રંગભૂમિના સંબંધમાં પરિષદ દ્વારા ચર્ચા થઈ નથી. સુરત પરિષદમાં રા. રા. રમણિક અ. મહેતાનો રંગભૂમિના એક અંગ વિષે નિબંધ આવવાનો છે. સદ્ગત જીવાભાઈ અમીચંદ પટેલે ‘ગુજરાતી’માં વર્તમાન રંગભૂમિ વિશે લેખમાળા લખી હતી. તે છૂટી પુસ્તકાકારે પ્રગટ થવી ઘટે છે. દક્ષિણમાં નાટકકારોનું જુદું જ સંમેલન મળે છે. વડોદરામાં રૂ. ૫૦૦૦/– ખર્ચી રોષદર્શિકાસત્યભામાખ્યાન પરિષદ તરફથી ભજવવામાં આવ્યું હતું. આ કાર્ય તરફ વિરોધ ઊઠ્યો હતો. પણ સાહિત્યરસિકો સાહિત્યના કેટલાક ઉત્તમ પ્રસંગો અભિનયથી અને સંગીતથી પરિષદ વખતે ભજવી બતાવે તો સાહિત્યના સંસ્કારો વિસ્તારથી ફેલાય ખરા. રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળે ગુજરાતી અક્ષરોના રૂપાંતર વિશે લેખ લખ્યો હતો પણ પ્રાચીન ગુજરાતી ગ્રંથો વાંચવામાં મદદરૂપ થઈ પડે એવાં કોષ્ટકોના અભાવે એ લેખની મહત્તામાં ન્યૂનતા આવી છે. બીજી સાહિત્યપરિષદમાં સદ્ગત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું સ્મારક કરવા ઠરાવ થયો હતો. લાખ રૂપિયા ભેગા કરી એમાંથી અમુક વિષયો પર પુસ્તકો લખાવવાની ધારણા હતી. પણ એવડું મોટું ફંડ કરી શકે એવા જે આગેવાનો હતા તેમને અણધારી આસમાની–સુલતાની જોવી પડી એટલે એ સ્મારક જન્મતાં જ અવસાન પામ્યું છે. ત્રીજી સાહિત્યપરિષદ રાજકોટમાં કૉનોટ હૉલમાં ઈ. સ. ૧૯૦૯માં મળી. આ પરિષદમાં રાજાઓ અને અંગ્રેજ અમલદારોએ પણ ભાગ લીધો હતો. ગોંડળનાં રાણીસાહેબે પરિષદનું સ્વાગત કર્યું હતું. કાઠિયાવાડમાં તે વખતે ગવર્નરના એજંટ મી. હિલ (હાલ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભાસદ) હતા તેમણે પરિષદ અને પ્રદર્શનમાં આગેવાની લીધી હતી. અંગ્રેજ અમલદારોની સામિલગીરીના શાશ્વત ચિહ્ન રૂપે તેઓએ થોડુંક ભંડોળ ભેગું કરી તેના વ્યાજમાંથી પરિષદ દ્વારા સૂચિત વિષય પર લખાયેલા સારા નિબંધને ચંદ્રક આપવાની વ્યવસ્થા કરી આપી હતી. રાજાઓએ પણ ઉદાર મદદ આપી પરિષદ ભંડોળ ફંડ સ્થાપી આપ્યું હતું. આ ફંડથી પુસ્તકપ્રસિદ્ધિ માટે ગુજરાતમાં ચોથી સંસ્થા થઈ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ધી ફાર્બસ ગુજરાતી સભા, વડોદરા રાજ્ય ઉપરાંત આ ફંડ થયું હતું. એ ફંડમાંથી પ્રો. હરિલાલ માધવજી ભટ્ટ રચિત ‘બ્રિટિશ હિન્દનું રાજ્યબંધારણ,’ નવલરામ પ્રણીત ‘ઈંગ્લેંડનો ઇતિહાસ’ એ બે ગ્રંથ છપાયા છે. રા. રા. મોહનલાલ પાર્વતીશંકર દવેએ તૈયાર કરેલ મૅકડોનલ પ્રણીત સંસ્કૃત સાહિત્યના વૃત્તાંતનો ગુજરાતી તરજુમો છપાવાનો છે. પરિષદના પ્રદર્શનમાં આવેલી ગુજરાતી ચોપડીઓનું પરિષદપુસ્તકાલય સ્થાપવામાં આવ્યું છે. એ પુસ્તકાલય ક્યાં સ્થાયી કરવું તેનો નિર્ણય ન થવાથી હાલ સંગ્રહ અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં છે. પરિષદ એક કમિટી નીમી બે પરિષદના અંતરાળમાં જેટલાં પુસ્તકો પ્રગટ થાય તેનાં તટસ્થ અવલોકન કરાવે તો પરિષદપુસ્તકાલયનો સંગ્રહ વધે અને ગુજરાતી સાહિત્યના વિકાસ પર એનો પ્રભાવ પડે. પણ આપણે ત્યાં કાર્યવાહકો થોડા છે અને કામ ઝાઝું છે એટલે હાલ તો આશા ખપુષ્પવત્ છે. છાપખાનાંઓને પોતાને ત્યાં છપાતી દરેક ચોપડીની અમુક નકલ સરકારમાં આપવી પડે છે. તો પરિષદપુસ્તકાલય માટે સરકાર એક ચોપડી વધારે લે, એવી તજવીજ કરવા જેવું છે. કૉલેજોના શિક્ષણમાં ગુજરાતી સાહિત્યના અભ્યાસને સ્થાન આપવાનો પ્રશ્ન બીજી પરિષદમાં ઉપસ્થિત થયો હતો. રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીયાએ એ સંબંધમાં લેખ વાંચ્યો હતો. રાજકોટ પરિષદમાં રા. રા. ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાએ ‘યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાતીને સ્થાન’ એ વિશે નિબંધ વાંચ્યો હતો. વડોદરામાં માતૃભાષા દ્વારા કેળવણી આપવાના સવાલ ઉપર ચર્ચા થઈ હતી. હજુ આ દિશામાં સતત પ્રયાસ કરવાની જરૂર છે. હાલમાં યુનિવર્સિટી તરફથી એમ. એ. ના વિદ્યાર્થીઓ માટે અમુક અમુક વિષયો ઉપર ભાષણો અપાય છે. આ ભાષણમાળામાં ગુજરાતી સાહિત્યને સ્થાન આપવા પ્રયત્ન કરવાની જરૂર છે. નવી ગુજરાતી વાચનમાળાનું અવલોકન રાજકોટ પરિષદમાં પ્રો. હરિલાલ માધવજી ભટ્ટે કર્યું હતું. એ સંબંધમાં કેટલાક સુધારા સૂચવવા વાચનમાળા કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીના પ્રયાસથી કેટલાક સુધારા થયા હતા તેમ જ વાચનમાળાની કિંમત સરકારે ઘટાડી હતી. હજુ એ દિશામાં વિશેષ પ્રયાસની જરૂર છે. ગુજરાતની કેળવણી અને કેળવણી માટેના ગુજરાતી ગ્રંથો સંબંધમાં પરિષદને હજુ ઘણું કરવાનું છે. સુરતમાં સ્ત્રીકેળવણીના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરવાનો કાર્યવાહકોનો ઇરાદો છે. રાજકોટ પરિષદના પ્રમુખપદે સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈની પસંદગી થવાથી ગુજરાતમાં મોટો કોલાહલ મચ્યો હતો. સાહિત્ય પરિષદના પ્રમુખ એકલા સાક્ષરોમાંથી પસંદ કરવા કે ગુજરાતના વિદ્વાન આગેવાનોમાંથી પસંદગી કરવી? એ પ્રશ્નનું રાજકોટે નિરાકરણ કર્યું છે. સાક્ષરો ઉપરાંત સાક્ષર નહીં એવા અગ્રણીઓને એ હિલચાલના સુકાની બનાવવામાં અનેકધા લાભ છે. પ્રો. આનંદશંકર ધ્રુવે ગુજરાતના સંસ્કૃત સાહિત્ય વિશે નિબંધ વાંચ્યો હતો અને એ પ્રદેશ પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો હતો. રા. બ. રમણભાઈએ ગુજરાતી ભાષાના આરંભ વિશે ઘણી ઉપયોગી માહિતી અને સામગ્રીથી ભરપુર નિબંધ વાંચ્યો હતો. રા. રા. ડાહ્યાભાઈ દેરાસરીએ કાન્હડદે પ્રબંધ ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળે મરૂઠના ભીલ લોકોની બોલીના વ્યાકરણ વિશે લેખ લખી મોકલ્યો હતો. રા. રા. નરસિંહરાવે બે સમર્થ નિબંધો લખ્યા હતા; પ્રેમાનંદનાં નાટકો વિશે અને ભરતખંડ માટે એક ભાષા વિશે. એક ભાષાની ચર્ચા પાછી વડોદરામાં થઈ હતી. એ પ્રશ્ન પરત્વે વિવિધ દૃષ્ટિબિંદુ રજૂ કરાવી પરિષદે એને ગુજરાતને રોશન કર્યો છે. આ ઉપરાંત ત્રીજી પરિષદમાં ઘણાં સારા નિબંધો આવ્યા હતા. ત્રીજી પરિષદ વખતે પરિષદના કાર્યવ્યવહારને નિયમિત અને ધારાસર રચવામાં આવ્યો હતો. નિબંધો તપાસવા સાક્ષરકમિટી નીમવામાં આવી હતી. સાક્ષર શબ્દ સાથે વિરોધ ઊઠવાથી એ કમિટી હવે નિરીક્ષક કમિટી કહેવાય છે. પરિષદનું બંધારણ ઘડવા એક કમિટી નીમવામાં આવી હતી. કમિટીનું તૈયાર કરેલું બંધારણ વડોદરામાં રજૂ કરવામાં આવ્યું હતું અને પાંચમી પરિષદ વિખરાય ત્યાં સુધી તેને અમલમાં મૂકવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સુરતમાં એ બંધારણમાં કેટલાક ફેરફાર થશે. ચોથી પરિષદના રિપોર્ટમાં એ બંધારણ છપાયેલું છે. રાજકોટમાં પરિષદવ્યાખ્યાનમાળાની યોજના કરવામાં આવી હતી. આ યોજનાને અનેક વિદ્વાનોએ આશ્રય આપવા કબૂલ્યું હતું. પણ એ યોજના સહેજ પણ સફળ હજુ લગી થઈ શકી નથી. વિદેહ હરજીવન ભગવાનજી શુક્લે રાજકોટમાં કર્નલ વૉકરના સમયનું કાઠિયાવાડ એ વિષયની વ્યાખ્યાનમાળાનું એક વ્યાખ્યાન આપ્યું હતું. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે પોતાનાં વ્યાખ્યાનો તૈયાર કર્યાં હતાં. એ વ્યાખ્યાનમાળાને સજીવન કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનના અનેક નવા પ્રદેશો એથી આપણા સાહિત્યમાં ઉમેરાશે એટલું જ નહીં પણ વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનની લહાણી વધારે વિસ્તારમાં થઈ શકશે. ચોથી પરિષદ વડોદરામાં ઈ. સ. ૧૯૧૨માં મળી. પ્રમુખસ્થાને રા. રા. રણછોડભાઈ ઉદયરામ બિરાજ્યા હતા અને સ્વાગતમંડળના પ્રમુખ શ્રીમંત સંપતરાવ ગાયકવાડ હતા. નામદાર ગાયકવાડ સરકારે પણ એમાં હાજરી આપી હતી. ગુજરાતી અને મરાઠી સાહિત્ય સમૃદ્ધ કરવા એઓ નામદારે એક મોટી રકમ અલગ તે વખતે કાઢી હતી. રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ કાવ્યસંપત્તિનું દિગ્દર્શન વિદ્વત્તાથી કરાવ્યું હતું. રા. બ. રમણભાઈએ ગુજરાતી ભાષાના બંધારણ ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે ગુજરાતના ભૂસ્તરના કેવા કેવા ફેરફારો થયા છે તે દર્શાવવા નકશાઓ તૈયાર કર્યા હતા. સાહિત્ય પરિષદમાં વિજ્ઞાનને વડોદરામાં સ્થાન ન મળવાથી એમણે એમના લેખનું નામ ‘સૃષ્ટિસૌન્દર્ય—તેની સાહિત્ય પર અસર’ એવું રાખ્યું હતું. આ ઉપરાંત બીજા નિબંધોનો ઉલ્લેખ આગળ થઈ ગયો છે. બીજી પરિષદ વખતે ઘણા કવિઓ સાહિત્ય પરિષદમાં પોતાની કવિતાઓ ગાવા ઇંતેજાર હતા. મરાઠી અને હિન્દી સાહિત્યસંમેલનમાં પરિષદને લગતી અથવા નવી રચેલી સાદી કવિતાને સ્થાન આપવામાં આવે છે. પરંતુ મુંબઈની પરિષદના કાર્યવાહકોએ તેનો નિષેધ કર્યો હતો. રાજકોટમાં એ નિષેધ કાયમ રહ્યો હતો. વડોદરામાં લિખિત અને રા. રા. રણછોડભાઈની કવિતાઓ ગવાઈ હતી. આ પ્રશ્ન વિકટ છે. કવિતાના આપણે ત્યાં બે – ત્રણ નિરાળા પક્ષ છે. તેમની વચ્ચે વિરોધ છે. પરિષદમાં કવિતાને સ્થાન અપાશે તો વિરોધ વધવાનો વધારે સંભવ છે. વિષયોનો અભ્યાસ કરી શિષ્ટ વિદ્વત્તાપૂર્ણ લેખો કે પુસ્તકો લખવા કરતાં ગુજરાતના યુવાનો કવિતા લખવા વધારે પ્રેરાય છે, એવા સખત આક્ષેપ આગેવાન વિદ્વાનો અને પત્રોના તંત્રીઓ કરે છે. પરિષદમાં કવિતાને સ્થાન મળ્યું તો તે એટલી બધી આવીને પડશે કે બીજી શાસ્ત્રીય ચર્ચાને માટે અવકાશ જ રહેશે નહીં; તેમ પરિષદને યોગ્ય વિષયોના અભ્યાસ તરફ યુવાનોની વૃત્તિ વળશે પણ નહીં. બીજી સાહિત્ય પરિષદ વખતે રા. રા. અરદેશર ફરામજી ખબરદારે ‘ગુણવંતી ગુજરાત’નું કાવ્ય રચ્યું હતું. ત્રીજી પરિષદ વખતે રા. લલિતે ‘અમે તો કાઠિયાવાડી’વાળું કાવ્ય રચ્યું હતું. વડોદરામાં પાદપૂર્તિનો વિનોદ માણવામાં આવ્યો હતો. કાવ્ય જેવો જ સવાલ ભાષણોનો છે. બીજી પરિષદમાં એનો નિષેધ કરવામાં આવ્યો હતો. ત્રીજી પરિષદમાં એને માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક ભાષકને પોતાનું નામ આગળથી નોંધાવવું પડતું હતું. પ્રત્યેકને માટે અમુક સમય નિયત કરવામાં આવ્યો હતો. ભાષણોના મુદ્દા આગળથી કમિટીને બતાવવા પડ્યા હતા. વડોદરામાં આટલી સખતાઈ નહોતી. હજુ આ પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ થયું નથી. બીજા મેળાવડામાં ગમે તેમ બોલી જાય તો ચાલે પણ અહીં વિદ્વત્તા, અભ્યાસ અને અનુભવના સંસ્કારવાળું સમયોચિત ભાષણ જોઈએ. એવાં ભાષણોની નોંધ લેનાર ન હોય તો તે પ્રગટ થઈ શકતાં નથી. ગોવર્ધનરામના ઉપસંહારનો સારાંશ ‘પ્રજાબંધુ’માં છપાયેલો હતો તે પહેલી પરિષદના રિપોર્ટમાં છાપવામાં આવ્યો છે. રા. કેશવલાલ ધ્રુવના અને દી. બ. અંબાલાલના ઉપસંહાર નોંધ નહીં હોવાથી પ્રગટ કરી શકાયા નથી. રાજકોટ પરિષદ વખતે સ્પર્ધાથી લખાયેલા ઉત્તમ નિબંધને ચંદ્રક આપવા. અમુક રકમ રાજકોટના અંગ્રેજ અમલદારોએ આપી હતી, અને ગોંડલના નામદાર ઠાકોરસાહેબે તેને રૂ. ૨૦૦– આપવા કૃપા બતાવી હતી. પણ બે વખત વિષયની જાહેરાત આપ્યા છતાં એકે નિબંધ આવ્યો નથી. સુરત પરિષદના વ્યવસ્થાપકોએ રૂ. ૫૦૦-૫૫૦નાં ઇનામો કાઢી સાહિત્ય અને કેળવણીને લગતા વિષયો ઉપર નિબંધો મંગાવ્યા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને શ્રી ફાર્બસ ગુજરાતી સભા વેતન આપી નિબંધો અને ગ્રંથો લખાવે છે તો પછી સાહિત્ય પરિષદે આવી રીતે, ચંદ્રક આપીને અથવા પરિષદ ભંડોળ ફંડ સ્થાપી એ બે સંસ્થાઓના કામમાં સામિલ થવું એ કેટલાકને દુરસ્ત નથી લાગતું. સાહિત્ય પરિષદમાં જે નિબંધો આવે છે તેમાંના બહુ જૂજ ઉત્કૃષ્ટ છે. થોડા અભ્યાસે સામાન્ય વિચારોથી ભરેલા ઘણા આવે છે. તેમનો અસ્વીકાર કરવામાં આવે કે પરિષદમાં વાંચવા દેવામાં ન આવે તો લેખકોને ઓછું આવે છે અને પરિષદથી તેઓ રિસાઈ બેસે છે. પોતાની પ્રતિષ્ઠા અને પરિષદના ગૌરવને અનુરૂપ લેખ લખવો જોઈએ એવું ઘણા પ્રતિષ્ઠિત લેખકોના પણ ધ્યાનમાં રહેતું નથી. કૌટુંબિક કે શારીરિક અથવા એવી કોઈ ઉપાધિને લીધે ઘણી વાર વિદ્વાનો પોતાના નિબંધો મોકલી શકતા નથી. યુવાન નવા અભ્યાસીઓ જોઈએ તેટલા પ્રમાણમાં ઊભા થતા નથી એટલે ઘણીવાર સાહિત્ય પરિષદ માટે લખાયેલા નિબંધોમાંથી બહુ જ થોડા ગુર્જર સાહિત્ય સંપત્તિને ભૂષણરૂપ થઈ પડે છે. સારા નિબંધો આવે માટે વડોદરામાં સાહિત્ય પરિષદનું બંધારણ ઘડતી વખતે એક એવી કલમ મૂકવામાં આવી હતી કે, સાહિત્ય પરિષદ મળવાની હોય તેના છ મહિના અગાઉ પરિષદના સામાન્ય મંત્રીઓએ અમુક વિષયો પસંદ કરી પ્રતિષ્ઠિત વિદ્વાનોને સોંપવા અને પરિષદ માટે આવેલા બીજા લેખો છપાય, કે ન છપાય પણ આ વિદ્વાનોના લેખો છાપવા જ અને દરેકને તેના લેખની ૫૦૦ નકલ આપવી. આ નિયમનું પાલન આગામી સુરત પરિષદ માટે થયું નથી. સાહિત્ય પરિષદમાં અનેક નિબંધો આવે છે. નિબંધોના ગુણ, વિષય અને વાચક નાના પ્રકારના હોય છે. શ્રોતાઓને એવા શ્રવણથી કંટાળો આવે છે અને જોઈએ તેવું ધ્યાન અપાતું નથી. વસ્તુસ્થિતિ આવી હોવાથી પરિષદનો કાર્યવ્યવહાર વિભાગી કરવાની સૂચના થાય છે. કેટલાક હાલમાં એ સૂચનાનો અમલ કરવાની તરફેણમાં નથી. બંગીય સાહિત્ય સંમેલનમાં ચાર વિભાગથી કાર્યવ્યવહાર ચાલે છે; સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન. સાહિત્ય પરિષદ માટે કાયમનું વ્યવસ્થાપક મંડળ જોઈએ કે નહીં? સાહિત્ય પરિષદે સંમેલન રૂપે રહેવું ઇષ્ટ છે કે સાથે સાથે કાયમ સંસ્થાના રૂપમાં પણ મૂર્તિમંત થવું ઇષ્ટ છે? આ પ્રશ્નો હાલ ચર્ચાય છે. અમદાવાદની સાહિત્યસભાએ અમદાવાદ અને મુંબઈમાં સાહિત્યપરિષદ મેળવી. રાજકોટમાં કાઠિયાવાડ સમસ્ત તરફથી પરિષદ મળી. વડોદરામાં સમસ્ત ગાયકવાડી રાજ્ય તરફથી મળી. સુરતમાં સુરતના વતનીઓ તરફથી મળશે. પહેલી બે પરિષદના મંત્રીઓ સાહિત્યસભાએ નીમ્યા હતા. બીજી પરિષદની પૂર્ણાહૂતી વેળાએ રા. બ. રમણભાઈ અને રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈ પરિષદના મંત્રીઓ નિમાયા. ત્રીજી અને ચોથી પરિષદમાં રા. બ. રમણભાઈ, પ્રો. આનંદશંકર ધ્રુવ અને પ્રો. બ. ક. ઠાકોર મંત્રીઓ નિમાયા હતા. મંત્રીઓ સિવાય પ્રમુખ અને સભાસદોવાળું વ્યવસ્થાપક મંડળ નીમવાની સૂચના કેટલેક સ્થળેથી થાય છે. અમદાવાદની સાહિત્ય સભાએ સાહિત્ય પરિષદ મેળવી એટલે સુરત, રાજકોટ અને ભરૂચમાં સાહિત્યસભાઓ સ્થપાઈ. મુંબઈમાં ગુર્જરસભા પોતાના વિશાળ કાર્યપ્રદેશમાં ગુજરાતી સાહિત્યના પ્રસારણ અને ઉત્કર્ષની ચર્ચાને પણ સ્થાન આપે છે. આ સર્વેના કાર્યવ્યવહારનો વૃત્તાંત લખવા જેવો છે. સાહિત્ય પરિષદ સંબંધી ગુજરાતી ભાષામાં કેટલુંક ખાસ સાહિત્ય ઊભું થયું છે. રા. બ. રમણભાઈનું અમદાવાદ પરિષદનું સ્વાગત કરતી વખતનું ભાષણ; ભરૂચ સાહિત્યસભા સન્મુખ એમણે આપેલું ભાષણ, પ્રો. બળવંતરાય ક. ઠાકોરનાં સાહિત્ય પરિષદ વિશેનાં ત્રણ વ્યાખ્યાનો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મણિમહોત્સવના પ્રસંગે દી. બ. અંબાલાલે આપેલું ભાષણ —(આમાં પરિષદનો ઉલ્લેખ નથી પણ પરિષદના પ્રશ્નોનો સ્પર્શ છે), ‘વસંત’માં અવારનવાર પ્રો. ધ્રુવે લખેલા લેખો, મરાઠી અને હિન્દી સાહિત્ય સંમેલનોના વૃત્તાંત અવારનવાર માસિકોમાં પ્રગટ થાય છે. ગુર્જરસભામાં ગયે વર્ષે સાહિત્ય પરિષદ વિશે રા. રા. ચંદ્રશંકર પંડ્યાએ ચર્ચા કરી હતી. તેનો અહેવાલ ‘સમાલોચક’માં છપાયો છે. બંગાળામાં સાહિત્ય સંમેલન નિયમિત દર વર્ષે મળે છે. આ વર્ષે વર્ધમાનમાં (Burdwan) આઠમું સંમેલન મળ્યું છે. મરાઠી સાહિત્ય સંમેલન નિયમિત નથી મળતું પણ આ વર્ષે મુંબઈમાં મળવાનું છે. હિન્દી સાહિત્ય સંમેલન દર વર્ષે મળે છે. ચારે પરિષદોના રિપોર્ટ છપાયેલા છે. પહેલો રિપોર્ટ સિલકમાં નથી. બીજો અને ત્રીજો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી અને ચોથો વડોદરામાંથી મળે છે. ગુજરાતના સાર્વજનિક જીવનની સાહિત્ય પરિષદ એ પહેલી મોટી પ્રવૃત્તિ છે. અમદાવાદ, મુંબઈ, રાજકોટ, વડોદરા, સુરત જેવાં ગુજરાતનાં મુખ્ય નગરોમાં તે ફરી વળી છે. નડિયાદ, ગોધરા, નવસારી, ભરૂચ, વીરમગામ, વઢવાણ, ભાવનગર, જામનગર, ગોંડલ, પાલનપુર, પાટણ જેવાં નાનાં શહેરોમાં પણ તે ફરી વળે એવી એના હિતેચ્છુઓની વાંછના છે. હિન્દુ, મુસલમાન, પારસી, અંગ્રેજ રાજાઓ અને રંક – પુરુષો અને સ્ત્રીઓ – અમલદારો, વેપારીઓ વગેરે સૌની આમાં સામેલગીરી છે. પરિષદ ગુજરાત સમસ્તની છે. ગુજરાતમાં એકતાની લાગણી જાગૃત કરી એ સાહિત્ય પરિષદનું મહત્ત્વનું ફળ છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસનાં અનેક અંગોના અભ્યાસ તરફ વિશેષ પ્રવૃત્તિ થવા માંડી છે. સાહિત્ય પરિષદને લગતા એક પણ સાધન વિના સ્મરણ ઉપરથી આ લેખ લખવામાં આવ્યો છે, એટલે એમાં ઘણાં સ્ખલનો હશે. સાહિત્ય પરિષદમાં અત્યાર લગી કેટલું અને કેવું કામ થયું છે, તેનો ખ્યાલ આ લેખ આપી શકશે તો મારી મહેનત સફળ થશે.
‘સમાલોચક’ એપ્રિલ ૧૯૨૫.


  1. ‘ગુજરાતી’માં રા. તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીએ પ્રશ્વો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને સ્વ. ગોવર્ધનરામને મળતો કંઈક અભિપ્રાય દર્શાવ્યો છે.
  2. વડોદરા પરિષદ વખતે રા. રા. જ. પુ. જોશીપરાએ ‘સાક્ષરમાળા’ લખી ગુજરાતના ગ્રંથકારો અને લેખકોનાં જીવન, છબીઓ અને કૃતિઓનો પરિચય કરાવ્યો હતો.