રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાતનું નવજીવન અને સુરતની સાહિત્ય પરિષદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતનું નવજીવન અને સુરતની સાહિત્ય પરિષદ

રાજ્યવહીવટની દૃષ્ટિએ ગુજરાત એક દેશ નથી. અંગ્રેજી અને દેશી રાજ સત્તાથી તે છિન્નભિન્ન છે. રાજ્યવહીવટથી જે એકતાનો અનુભવ થવો જોઈએ તે થતો નથી. એકતાની લાગણી જ્વલંત રાખનારાં બળોમાં એક ભાષાનું બળ નાનુંસૂનું નથી. ગુજરાતના વતનીઓ ગુજરાતી ભાષા બોલે છે છતાં ભાષાબળથી એકતા અનુભવી પોતે સૌ ગુજરાતી છે એવી રાષ્ટ્રીય ભાવનામાં તેઓ વહેતા નથી. જો પોતાની ભાષા અને તે દ્વારા પ્રગટ થયેલું સાહિત્ય ગુજરાતના વતનીઓમાં એકતાની લાગણી જગાવવા હજુ સમર્થ ન થયું હોય તો ગુજરાતીઓનો ઇતિહાસ, સંસ્કારિતા વગેરે એ લાગણી જગાવવા કે પોષવા શી રીતે સમર્થ થાય? જે બળોથી દેશનું રાષ્ટ્રજીવન રચાય છે તે બળો ગુજરાતમાં હયાત છે, પણ તેમનો જેટલો પ્રભાવ પડવો જોઈએ તેટલો પડતો નથી એટલું જ. જેમ જેમ રાષ્ટ્રજીવન માટે તૃષ્ણા જાગતી જશે તેમ તેમ એ બળો માટે દરકાર વધશે અને દરકાર વધશે ત્યારે એ બળો વિપુલ અને વેગવાન થશે. ભેદો દૂર કરી એકતા આણશે. ગુજરાત તદ્દન નિશ્ચેતન નથી. ગુજરાતના ઘણા પુત્રોને આ સ્થિતિ વિદિત થઈ છે. ઇષ્ટની સિદ્ધિને અર્થે નાના પ્રકારના અભિલાષ, પ્રયત્નો જન્મતા જાય છે. સાહિત્ય પરિષદ ગુજરાતની એકતા લાવનારી સાર્વજનિક પ્રવૃત્તિઓમાંની પહેલી છે. વસ્તુતઃ હાલ તો તે એક જ છે. ગૌરવનું ભાન થયા વિના પણ એકતા આવતી નથી. ગુજરાતના ગૌરવ અને ગુજરાતની એકતાની દિશામાં સુરતની સાહિત્ય પરિષદે શું કર્યું? સાર્વજનિક પ્રવૃત્તિથી ઉપયોગી કાર્ય નીપજે છે તેમ નવા નવા વિચારો પણ જન્મે છે અને એ વિચારોથી પ્રજા પોતાનું જીવન અનેક દૃષ્ટિબિન્દુથી તપાસે છે અને રચે છે. સાહિત્ય પરિષદે શું ઉપયોગી કાર્ય કર્યું? એ પ્રશ્નનો ઉત્તર, મોકૂફ રાખીશ. કયા વિચારોને જન્મ આપ્યો અથવા પસાર કર્યા? ૧. રાષ્ટ્રની એકતા આણનાર બળોમાં ભાષા બહુ જબરું બળ છે. અરસપરસના વ્યવહારનું એ સાધન છે. રાષ્ટ્રની વાંછના, અભિલાષા, યંત્રણા, સિદ્ધિની છાપ તેની પર પડે છે અને એ વાંછનાદિને જન્મ આપી પોષનાર પણ એ જ છે. જે ઉદાત્ત ભાવોથી પ્રજા સંચલિત થતી હોય તે ભાવો ભાષા દ્વારા જ્યાં લગી મૂર્ત નથી થયા ત્યાં લગી પ્રજાની પ્રગતિ નથી. જ્યાં લગી ભાષા પ્રત્યે આદર હોય નહીં, તેનું અહોનિશ સેવન થાય નહીં, ભાષા દ્વારા પ્રજાની બુદ્ધિ ખીલે નહીં, ત્યાં લગી પ્રજાના ભાવો ભાષા દ્વારા મૂર્ત થવાની આશા આશા જ રહેવાની. ગુજરાતી ભાષાનું હાલ જેટલું આપણે સેવન કરીએ છીએ તે આપણી પ્રગતિ માટે બહુ ઓછું છે. આપણા સાર્વજનિક શિક્ષણમાં ગુજરાતી ભાષાનો પ્રવેશ બે રીતે થઈ શકે : (ક) ગુજરાતી ભાષા દ્વારા શિક્ષણ આપી શકાય તો અને (ખ) હાલના શિક્ષણક્રમમાં સર્વત્ર નીચેથી ઠેઠ ઉપર લગી એ ભાષાના અભ્યાસને સ્થાન આપી શકાય તો. પહેલી વાત અત્યારે અશક્ય છે તેમ કેટલાક કારણસર ઇષ્ટ પણ નથી. બીજી વાત થઈ શકે એવી છે એને કેવી રીતે વ્યવહારુ સ્વરૂપ આપવું તે વિષે સૂચના કરવા સુરતની સાહિત્ય પરિષદે એક કમિટી નીમી છે. ૨. રાષ્ટ્રજીવન માટે વાંછના જગાડનાર ઇતિહાસ છે. પોતાનાં પરાક્રમોથી જેવી પ્રજા ઉત્તેજિત થાય છે, તેવી બીજી રીતે થઈ શકતી નથી. આપણા પૂર્વજોનાં બુદ્ધિપ્રભાવનાં સ્વરૂપ અને માપ કાઢવાની ભલામણ સુરત સાહિત્ય પરિષદે કરી છે. સંસ્કારિતા (culture) નીતિ અને સૌન્દર્યની સંસ્કારિતા દેશમાં એક સ્વરૂપ અને એક કક્ષાની જેમ જેમ થતી જાય; પ્રજાના જાતિસ્વભાવ ઇતિહાસ, વિકાસના પ્રમાણમાં સંસ્કારિતા ખીલે અને પ્રત્યેક પ્રજાજન એ સંસ્કારિતાથી સંપન્ન થાય તો રાષ્ટ્રની એકતા રચવામાં સંસ્કારિતા મોટું સાધન બને છે. સંસ્કારિતાનું એક અંગ ચિત્રકળા છે. પ્રજાની વાંછના, અભિલાષા, આશા, નિરાશા, યંત્રણા વગેરે ચિત્રકારની પીંછીથી જન્મ પામી પ્રજાની સૌંદર્યભાવના પોષી, રાષ્ટ્રજીવનના પ્રસંગો પ્રત્યેક પ્રજાજનની દૃષ્ટિ સમક્ષ લાવી દેશના ઉત્કર્ષ માટે તેમનામાં લાગણી ઉત્તેજી શકે છે. પ્રજાની પોતાની ચિત્રકળા ન હોય; પોતાના જીવનમાંથી એ ચિત્રકળા જન્મે નહીં ત્યાં લગી આ બધું થઈ શકતું નથી. સુરત સાહિત્ય પરિષદે ગુજરાતી ચિત્રકારોના ગુજરાતને લગતા ગુજરાતી વાતાવરણનાં ચિત્રો પ્રદર્શનમાં મંગાવી ઉક્ત વિચાર ગુજરાતને ચરણે ધર્યો છે. સુરતની સાહિત્ય પરિષદની નાનાવિધની ન્યૂનતા હશે; જાણ્યેઅજાણ્યે એના કાર્યવાહકોથી સ્ખલનો થયાં હશે પણ આ ત્રણ વિચાર – જે વિચારો ગુજરાતના નવજીવનને પોષે એવા છે તેમના – પ્રત્યે સમસ્ત પ્રજાનું લક્ષ એણે ખેંચ્યું એ એની ગુજરાતની નાની પણ મહત્ત્વની સેવા છે. ગુજરાતની પ્રગતિ જેમને ઇષ્ટ છે, અને એ પ્રગતિ સાધવા સાહિત્ય પરિષદ ઉપયોગી થાય એવું છે તો પછી પ્રજામાં એની પ્રતિષ્ઠા પડે, એના પ્રત્યે પ્રજાની મમતા જામે અને એની સાથે સહકાર્ય કરવા પ્રજાજનો પ્રેરાય એ દૃષ્ટિથી એનું કાર્ય નિરીક્ષવું જોઈએ. એના કાર્યવ્યવહારમાં વ્યક્તિગત સ્ખલનો થયાં હોય તો ઉદારતાથી તેમની ઉપેક્ષા કરી ગુજરાતની જે સેવા એનાથી થઈ હોય તે મોખરે લાવવી જોઈએ અને હજુ પણ ગુજરાતની એનાથી જે સેવા થઈ શકે તે મમતાથી અને ઊમળકાથી બતાવવી જોઈએ. વ્યક્તિ મૃત્યુશીલ છે. તેમનાં માનાપમાન ક્ષણિક છે. ગુજરાત ચિરંજીવ છે. ગુજરાતી પ્રજાની પ્રગતિ ક્ષણિક નહીં પણ ક્ષણે ક્ષણે વધતી જવી જોઈએ. ગુજરાતની પ્રગતિ સાધવામાં સાહિત્ય પરિષદ જેમ જેમ ઉપયોગી થતી જશે, તેમ તેમ વ્યક્તિઓની વિરોધી સ્વાર્થવૃત્તિઓ સહાનુભૂતિ અને સહકાર્યની વૃત્તિમાં પલટાઈ જશે એવી અમને આશા છે.