રણજિતરામ ગદ્યસંચય – ૨/કેટલીક નોંધ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેટલીક નોંધ

હિંદી સ્ત્રીઓનું ડેપ્યુટેશન

લખત કરી પરદેશ જતા મજૂરોને અટકાવવા હિંદી સ્ત્રીઓનું ‘ડેપ્યુટેશન’ વાઈસરૉય સમક્ષ ગયું હતું. આવું નિયુક્તિગણ મોકલવાનો વિચાર મુંબઈમાં ઉદ્ભવ્યો હતો અને મુંબઈની સન્નારીઓ એમાં અગ્રેસર હતી. પરદેશમાં આ નવી જાતની ગુલામગીરીથી હિંદી સ્ત્રીઓના શીલનું કેવું ખંડન થાય છે તેનું દારૂણ ચિત્ર ડેપ્યુટેશન તરફથી સ્વ. ગોખલેનાં સખી સૌ. જાઈજી જહાંગીર પીટીટે વાઈસરૉય પાસે રજૂ કર્યું હતું અને દાદ માગી હતી. યુરોપમાં સ્ત્રીઓ મોટી ઉંમરે પરણે છે. ત્યાં જ્ઞાતિવ્યવસ્થા નથી તેમ હલકી વર્ણોમાં શીલભ્રંશ બહુ જ નિંદ્ય લેખાતું નથી. આવી સ્થિતિમાં પોતાનો દેશ છોડી પરદેશ ગુજરાન માટે જતી સ્ત્રીઓ પરદેશમાં ઈચ્છા મુજબ લગ્નસંબંધ કરે તો તેથી યુરોપી સમાજને બહુ હાનિ થતી નથી પરંતુ આપણું દેશની ગુજરાન માટે જતી સ્ત્રીઓ પરણેલી હોવાનો સંભવ છે, નાતજાતને લીધે ઊંચનીચના તફાવત હોય છે, મુસલમાન હિંદુના ધર્મભેદ હોય છે અને પતિવ્રત અખંડ રાખવાનો આપણી સંસ્કૃતિનો ખાસ આગ્રહ હોય છે ત્યાં વેશ્યાની સ્થિતિમાં આવી પડાય એવા સ્થળે તેમને મોકલવામાં આપણે ઘોરમાં ઘોર પાતક કરીએ છીએ. એ પાતક બંધ કરવા હિંદી સ્ત્રીઓ પોતાનાં ગૃહકાર્યોમાંથી બહાર નીકળી રાજકાર્યોમાં અગ્રેસર થઈ. લૉર્ડ હાર્ડિજ અને તેમની પત્નીના સંબંધમાં હિંદી સ્ત્રીઓએ સમગ્ર હિંદમાં ઠેર ઠેર સાર્વજનિક જીવનની શરૂઆત કરી હતી. તે જીવનનો ચિરકાળ ઉજ્જવળ રહે એવો પ્રસંગ આ ડેપ્યુટેશનથી એમણે ઊજવ્યો છે. રશિયાએ સ્ત્રીજાતિને પુરુષની સંપૂર્ણ સમાનતા બક્ષી છે. ઇંગ્લૅંડ અને બીજા યુદ્ધપરાયણ દેશોમાં સ્ત્રીઓએ પુરુષોનાં કાર્યો કરવા માંડી રાજ્ય અને સમાજની વ્યવસ્થા જાળવી રાખી છે અને પ્રજાઓના સ્વાતંત્ર્ય માટે પોતાના પુરુષ સંબંધીઓને લડાઈમાં ઉદ્યુક્ત રાખ્યા છે. રાજ્યજીવનમાં તેમને ઉચિત સ્થાન આપવા ઈંગ્લૅંન્ડમાં ૫ણ વચન અપાયું છે. આવા વિશ્વવ્યાપી પ્રસંગે હિંદવાણીઓ પણ ચેતનવાળી થવી જ જોઈએ. તેમની દાદ દૂર કરવાનું વચન આપી, સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે વાઈસરૉયે તેમના સહકાર્યનું નિમંત્રણ કર્યું છે તેનું દૂરગામી પરિણામ આવશે એવી અમને આશા છે. આ ડેપ્યુટેશનમાં કોઈ ગુજરાતી હિન્દુ સન્નારી નહોતી — મુંબઈમાંથી બધી વ્યવસ્થા થવા છતાં નહોતી એથી અમને સખેદ લજ્જા આવે છે. શું ગુર્જર દેશની હિન્દુ સન્નારીઓમાં જાતિપ્રેમ, શીલપ્રેમ નથી? સાર્વજનિક જીવનની ઉપેક્ષા છે? કે શું અંગ્રેજીનું તેમનું અજ્ઞાન એટલું બધું છે કે તેઓ દિલ્હી જતાં શરમાઈ હતી? સૌ. કસ્તૂરબાઈ ગાંધી ડેપ્યુટેશનમાં કેમ ન ગયાં? લેડી લક્ષ્મીબાઈ જગમોહનદાસ, લેડી વિઠ્ઠલદાસ ઠાકરસી, લેડી પટણી, લેડી ચીનુભાઈ, સૌ. વિદ્યા, સૌ. શારદા, મિસિસ ચિમનલાલ સેતલવાડ, મિસિસ ભૂલાભાઈ દેસાઈ આદિમાંથી કેમ કોઈ તત્પર ન થઈ શક્યું? મુંબઈની અંગ્રેજ સન્નારીઓ — તેમાંયે અધિકારીઓની વહુઓએ આ દુષ્ટ રિવાજ વિરુદ્ધ જાહેર તિરસ્કાર દર્શાવ્યો હતો તે પણ આ પ્રસંગનું એક સ્મરણીય અંગ છે.

મુંબઈ યુનિવર્સિટીના તથા દેશી વાઈસ ચાન્સેલર

લૉર્ડ વિલિંગડને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનું પદ દેશીઓને આપવામાં ઉદારતા બતાવી છે. સર ફિરોજશા મહેતાનો બુદ્ધિબળ અને સાર્વજનિક સેવાને લીધે એ પદ માટે કેટલાં વર્ષોથી હક થયો હતો પરંતુ લૉર્ડ વિલિંગડને જ એમને એ પદ પર નિયુક્ત કર્યા હતા. સર ફિરોજશાના અચાનક અવસાન પછી એ સ્થાન સર પ્રભાશંકર પટણીને આપવા ગવર્નરને ઇચ્છા થયેલી પરંતુ તેઓ ગ્રેજ્યુએટ ન હોવાથી એ પદ ઉપર ડૉ. મેકીકનની નિમણૂક કરવામાં આવી હતી. હવે પાછું એ પદ ખાલી પડતાં તે ઉપર રા. રા. ચિમનલાલ હરિલાલ સેતલવાડને નીમવામાં આવ્યા છે એથી સર્વે હિંદીઓ ઘણા રાજી થયા છે. આ પદ ઉપર તેઓ પ્રાયઃ પાંચમા હિંદી, બીજા ગુજરાતી અને પહેલા ગુજરાતી હિન્દુ છે. ઘણાં વર્ષો લગી તેઓ સ્થાનિક ધારાસભામાં યુનિવર્સિટીના પ્રતિનિધિ હતા. કેળવણીના સંબંધમાં એમણે ઘણાં વર્ષો લગી લડત ચલાવી છે જેનું વૃત્તાંત એમણે અમદાવાદની પહેલી ગુજરાત કેળવણી પરિષદના પ્રમુખસ્થાનના ભાષણમાં આપ્યું છે. મુંબઈની મ્યુનિસિપાલિટીની શિક્ષણ કમિટીના તેઓ વર્ષો લગી સભાસદ હતા અને હાલ પ્રમુખ છે. આ ઉપરાંત દેશના રાજદ્વારી સાર્વજનિક જીવનમાં તેમણે અગ્રેસર ભાગ લીધો છે. એમની બુદ્ધિનો જેટલો પ્રતાપ છે તેના પ્રમાણમાં એ અગ્રણીનાં પદવીપ્રતિષ્ઠા નથી મેળવી શક્યા તેનું કારણ સાર્વજનિક સેવા કરતાં વકીલાતમાં તેઓ વધારે નિમગ્ન રહ્યા છે તે છે. તેઓ મોટા પંડિત નથી કે શિક્ષણશાસ્ત્રી નથી પરંતુ બાહોશ વકીલ છે અને એક દિલથી વર્ષો લગી સતત થઈ શકી એટલી અને એવી સાર્વજનિક સેવા કરી છે. એ સેવાની આવી કદર થઈ છે તે નાનીસૂની વાત નથી. સર આશુતોષ મુખોપાધ્યાય જેવી એમની કારકિર્દી ઝળકતી નહીં નીવડે છતાં આ શાણા, વ્યવહારકુશળ, અનુભવી અને દાઝવાળા ગુજરાતી ધારાશાસ્ત્રી પોતાની યુનિવર્સિટીને પ્રગતિને પંથે લઈ જશે એવી આશા છે. આ પત્ર એમને અભિનંદન આપે છે અને યશસ્વી થવાનું બળ પ્રેરે છે.

હિન્દરક્ષકસૈન્યના નિયમો

આ નિયમો પ્રકટ થયા છે અને ઘણા જ અસંતોષકારક છે છતાં સૈનિક થવાનું એથી બંધ થયેલું દ્વાર ઊઘડ્યું છે એટલા ખાતર એનો આદર દરેક હિંદી કરે છે. સૈનિક શિક્ષણ માટે મધ્યવર્તી સ્થળો નિયત કરવામાં આવ્યાં છે. મુંબઈ ઈલાકા માટે પૂણા પસંદ કરવામાં આવ્યું છે. હાલ એક હજાર સૈનિક માટે દરેક સ્થળવાર માગણી કરવામાં આવી છે. અઢીસો–અઢીસોના ભાગમાં તેમને તાલીમ આપવામાં આવશે. ત્રણ મહિના લગી તાલીમ લેવી પડશે. તાલીમ લેતી વખતે દરેક સૈનિકને ખાવાનું તથા રહેવાનું મફત મળશે અને રૂ. ૧૧/– માસિક પગાર મળશે. પોતાને ગામથી પૂણે જવા–આવવાનો ખર્ચ મળશે. ત્રણ મહિના પૂરા થતાં તે પોતાને સ્થાનકે જઈ શકશે અને સરકારને ખપ પડે ત્યારે બોલાવશે અને જ્યાં રક્ષણ માટે મોકલે ત્યાં હિન્દુસ્તાનમાં જવું પડશે. હાલમાં ઉંમરની મર્યાદા ૧૮ અને ૩૦ ની રાખી છે. કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ આમાં સારી રીતે સામેલ થઈ શકશે. ગુજરાત આ પ્રસંગે પાછી પાની નહિ કરે એવી અમને આશા છે. વધારે નહીં પણ અઢીસો ગુજરાતીઓ પણ નહીં નીકળે? ગુજરાતીઓનું શરીરબળ બહુ ઓછું છે, બાળલગ્નના પ્રચારને લીધે નાનપણથી જ જંજાળી થયેલા હોય છે, રહેણીકરણીના ખર્ચ અને ધોરણ વધારે હોય છે છતાં પણ આ પ્રસંગનો લાભ નહિ લેવામાં આવે તો ગુજરાતીના જીવનમાં તેજ, પ્રતાપ, બળ નહીં આવે. બીજી પ્રજાઓનાં મહેણાં, ટપલાં, ગાળો, અપમાન, અનાદર, અવજ્ઞા, લાત આપણે ખાવી પડશે અને હંમેશ માટે શરમના માર્યા આપણે અને આપણી સંતતિને નીચું જોવું પડશે. છેલ્લા વસ્તીપત્રકમાં વાંઢા અને વિધૂર ગુજરાતી હિન્દુ મુસલમાનની ૧૮ અને ૪૦ ની વચ્ચે સંખ્યા છે. હવે એમાંથી માત્ર બસો કે અઢીસો સેનામાં જવાં તૈયાર નહિ થાય તો પછી આપણે અને આપણો દેશ હતભાગ્ય ને? નર્મદની વીર હાક ભૂલી ગયા છો?—

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,
યાહોમ કરીને પડો ફતેહ છે આગે;

આ સંબંધમાં બીજી હર્ષજનક વાત એવી બની છે કે નામદાર સરકારે કુમારસેના (Boy Scouts) કેળવવાની બહાલી આપી છે. ગુજરાતનાં વિદ્યાલયો આ યોજનાને ખરા દિલથી અમલમાં મૂકશે તો આજે ગુજરાતમાંથી સ્વેચ્છા-સૈનિકો નહીં નીકળે તો દશ વર્ષ પછી તો નીકળી શકશે. આ સંબંધમાં સાહિત્ય સારું પ્રકટ થયેલું છે અને યુરેઝીયન કુમારોનાં એવાં સૈન્ય હોય છે એટલે પ્રત્યક્ષ માહિતી મેળવવાની પણ મુશ્કેલી નથી. ગુજરાત કેળવણી પરિષદની આવતી બેઠક વખતે આ સંબંધે વ્યવહારુ પરિણામ આવશે એવી આશા છે. સાથે સાથે ગુજરાતના યુવકોનું શરીરબળ વધારવા, બાળલગ્ન નાબૂદ કરવા, નિયમિત કસરત કરવા, અખાડા વગેરેની સંસ્થા ખીલવવા, પુષ્ટિકારક ખોરાક ખાતા કરવા, અભ્યાસની અને ગરીબાઈની આધિવ્યાધિ ઓછી કરવાના ઉપાયો પણ ચર્ચાશે.

લેંકેશાયરના કાપડ ઉપર ૭ાા ટકાની જકાત

વર્તમાન મહાયુદ્ધમાં હિંદુસ્તાને દોઢ અબજ રૂપિયા લોનથી મેળવી લડાઈ ચલાવવા ઇંગ્લૅંડને આપવા નક્કી કર્યું છે. એ લોનનું વ્યાજ ચાલુ ઊપજમાંથી નહિ આપી શકાય માટે હિંદી સરકારને નવા કર નાખવાની જરૂર પડી છે અને તે મુજબ લેંકેશાયરથી આવતા કાપડ ઉપરની જકાત વધારી સાડાસાત ટકાની કરવામાં આવી છે. આ વધારો રદ કરાવવા અથવા હિંદી મિલોમાં બનતા કાપડ ઉપર એવી જ જકાત નંખાવવા લેંકેશાયરવાળાઓએ જબરી ચળવળ કરી છે. પ્રથમ તો એમનું એક ડેપ્યુટેશન હિંદી પ્રધાન મિ. ચેંબરલેનને અને મુખ્યપ્રધાન મિ. જ્યૉર્જને મળવા ગયું હતું અને પછી ખુદ આમની સભામાં તેમણે આ પ્રશ્ન ચર્ચાવ્યો હતો. મિ. ચેંબરલેને જવાબમાં સંગીન દલીલોથી અને ઉદાર રાજનીતિથી વધારેલી જકાતનો બચાવ કર્યો હતો. (૧) હિન્દુસ્તાનને સ્વયંભૂ ઊર્મિથી જે મહોદાર ભેટ યુદ્ધના કટોકટીના સમયમાં કરી છે અને તે ભેટના વ્યાજ માટે જકાત વધારી છે તો તે રદ કરાવવાથી ભેટની કફોડી સ્થિતિ થશે અને તેની અસર હિંદુસ્તાનમાં સારી નહીં થાય (૨) વસ્તુતઃ લેંકેશાયર અને હિંદુસ્તાન વચ્ચે હરીફાઈ જ નથી. લેંકેશાયર બધો માલમસાલો બિનજકાતે મેળવે છે પણ હિંદુસ્તાનની મિલોવાળાને રૂ સિવાય સાંચાકામ, મસાલા વગેરે સર્વે ચીજો જકાત આપી મેળવવી પડે છે. જો સક્રિય સ્પર્ધા હોય તો માત્ર બે ટકા વેપારની છે અને તે કાંઈ બહુ મોટી ન કહેવાય. છેલ્લાં દશ વર્ષમાં લેંકેશાયરની શાળોમાં ૧,૨૦,૦૦૦ નો વધારો થયો છે. આ વધારા જેટલી શાળો પણ હિંદમાં કામ કરતી નથી. (૩) હિંદમાં આયાત થતા બીજા અંગ્રેજી માલને કોઈ પણ જાતનું રક્ષણ નથી અને લેંકેશાયરના કાપડ માટે હિંદી મિલોમાં બનતા કાપડ ઉપર જકાત છે તે ગેરવાજબી અને હાનિકારક છે એવું હિંદીઓ જ માને છે એટલું જ નહીં પણ અંગ્રેજ અમલદારો અને અંગ્રેજ વેપારીઓ પણ માને છે. આખી પ્રજાનો મત એની વિરુદ્ધ છે. મિ. ચેમ્બરલેનના સમર્થનમાં બીકાનેરના મહારાજસાહેબ અને સર સત્યપ્રસન્નસિંહે પણ હિન્દુસ્તાનની આ વિષય સંબંધમાં શી લાગણી છે તે બતાવી હતી. પણ લેંકેશાયરનો સ્વાર્થ આથી ટાઢો પડ્યો નહિ અને આ પ્રશ્નની ચર્ચા આમની સભામાં કરાવી. આ પ્રશ્ન આર્થિક છે અને એ સંબંધમાં ઇંગ્લૅંડમાં બે પક્ષ છે. એક પક્ષ બિનજકાતી નીતિનો (free traders) છે. તેઓ આયાત અથવા નિકાસ ઉપર જકાત નાખવાની બિલકુલ તરફેણમાં નથી એટલે એમને આ પ્રસંગ ભયંકર, વિનાશક અને અનુપયોગી લાગે જ : તેમ આ પ્રસંગે મૌન ધારણ કરે તો રખેને આમ દાણો ચાંપી જોતાં કોઈ વાંધો લેતું નથી તો પછી રક્ષક નીતિનો પ્રચાર કરનારાઓનું બળ વધી જાય. આ બીજા પક્ષનો એવો વિચાર છે કે બ્રિટિશ સામ્રાજ્યના જુદા જુદા દેશો વચ્ચેના વેપાર ઉપર કોઈએ જકાત નાખવી નહિ પણ પરરાજ્યોના વેપાર ઉપર જકાત નાખવી. હજુ આ વિચારવાળા પોતાના મત પ્રમાણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શક્યા નથી. એમને પણ હિંદી સરકારે નાખેલી જકાત ગમી નથી. સામ્રાજ્ય અંગે એકબીજા સામે જકાત નાખવી એ એમના મતને પ્રતિકૂળ છે. વસ્તુસ્થિતિ આમ હોવાથી બન્ને પક્ષ નવી જકાતની સામે થયા હતા. માજી મુખ્ય પ્રધાન મિ. એસ્કિવથે તોડ ન કાઢ્યો હોત તો પ્રધાનમંડળની આ પ્રશ્ન પરત્વે હાર થાત. વર્તમાન વિગ્રહના અન્ત પછી સામ્રાજ્યની સમગ્ર આર્થિક નીતિનો વિચાર કરવો પડશે ત્યારે આ જકાત વિશે પણ વિચાર કરવો અને ત્યાં લગી જ એ અમલમાં રહે. મુખ્ય પ્રધાન મિ. જ્યૉર્જે અને મિ. બોનર લૉએ પણ આ નિર્ણયને સંમતિ આપી છે. આ વૃત્તાંત ઉપરથી અનેક વિચારો ઊઠે છે. હિંદુસ્તાનની આર્થિક નીતિ હિન્દુસ્તાનના જ લાભની દૃષ્ટિથી વર્તવી જોઈએ કે ઇંગ્લૅંડના અમુક સત્તાવાળા કારખાનાવાળાઓના સ્વાર્થની દૃષ્ટિથી? આજ વીસ વર્ષ થયાં હિંદી મિલો જકાત નીચે કચરાય છે. હજુ તેમને ન્યાય કરવાનો સમય નથી આવ્યો? આ જકાતની વિરુદ્ધ આખું હિન્દુસ્તાન – પ્રજા, સરકાર, પરદેશી વેપારીઓ સર્વે હોવા છતાં આમની સભામાં લેંકેશાયરના પાંચ મત એ વિરોધની દરકાર ઇંગ્લૅંડના પ્રધાનમંડળને કરવા દેતા નથી. એમાંથી આપણે ઘણું શીખવાનું છે. વેપારીઓ જ્યાં લગી સંગીન એકતા સાધી રાજદ્વારી બાબતોમાં સામેલ ન થાય ત્યાં લગી તેમના વેપારી લાભો સચવાતા નથી. કોઈ પણ નાનોમોટો પ્રતિકૂળ પ્રસંગ ઉપસ્થિત થતાં જ તેને દૂર કરવા પોતાથી થઈ શકે તેટલી બધી હિલચાલ કરવી જોઈએ. સહેજ પણ પ્રમાદ, વિલંબ કે કુસંપને વશ થયા વિના સામટો મોરચો મારવામાં જ વિજય છે. હિંદી સરકારે જકાત વધારી સાડા સાત ટકાની કરી એટલે આપણી રાજ્યદ્વારી ચળવળ કરનારા પુરુષો અને કેટલાક મિલમાલિકો હર્ષમાં આવી ગયા હતા. ઘણાં વર્ષોથી ચલાવેલી લડતનું ફળ આવવાથી નિરાંત થઈ હતી. પણ ઇંગ્લૅંડમાં કરાયેલી ચળવળથી તેમની આંખ ઊઘડી હશે. હિંદ માટે નવા હકો મેળવવા કૉંગ્રેસ અને મુસ્લિમલીગનું સંયુક્ત ડેપ્યુટેશન ઇંગ્લૅંડ જવાનું છે. ત્યારે મિલવાળાઓનું પણ ડેપ્યુટેશન જાય. અને ઇંગ્લૅંડને પ્રજામત પોતા તરફ વાળી શકે તો જ કાંઈ લાભ થશે. સામ્રાજ્યના સર્વે અંગોની અરસપરસની આર્થિક નીતિનો નિર્ણય જ્યારે થશે ત્યારે કાં તો બાંધછોડ કરવી પડશે અથવા સર્વેએ એકસરખા ધોરણની નીતિ અખત્યાર કરવી પડશે. તેમ હિંદ દેશમાં કાચો માલ પુષ્કળ થાય છે પણ તે સર્વે પરદેશ જઈ તૈયાર થઈ પાછો આવે છે. નિર્ધન હિંદ એથી ધનાઢ્ય થતું નથી પણ વધારે ધનહીન થાય છે તો એ સ્થિતિ કેમ ફેરવવી એ પ્રશ્ન અને બીજું આ વિગ્રહથી તદ્દન સ્પષ્ટ થયું છે કે દરેક દેશમાં પોતાની સર્વે જરૂરતો પૂરી પાડવાની વ્યવસ્થા હોવી જોઈએ, તેણે પારકા પ્રદેશો—જે કોઈ વખતે દુશ્મન થઈ જવાનો સંભવ છે. તેમના ઉપર દૈનિક આવશ્યકતાઓ માટે આધીન રહેવું ન જોઈએ એ પ્રશ્નનો હિંદુસ્તાનનો હિતસાધક નિર્ણય કરાવી લેવાની જરૂર છે. જેમ રાજદ્વારી ફેરફારો માટે હોમરૂલ લીગો ચળવળ ચલાવી રહ્યા છે તેમ આર્થિક ફેરફારો માટે ચળવળ થવાની જરૂર છે. લેંકેશાયરનો ઉદ્યોગ બ્રિટિશ સામ્રાજ્યની ખાસ વસ્તુ છે અને તેને હાનિ થાય તો સામ્રાજ્યના ગૌરવને હાનિ થાય. હિંદુસ્તાનના ઉદ્યોગો તેમ હિંદુસ્તાનને ખાસ જરૂરના છે અને તેમનું ખંડન થવાથી હિન્દુસ્તાનના સુખને હાનિ થશે એ ઇંગ્લિશ પ્રજાને સમજાવવાની ખાસ જરૂર છે. બંગાળના વિભાગ કરવામાં આવ્યા ત્યારે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો જુસ્સો આપણા દેશમાં વ્યાપ્યો હતો અને પરિણામે આપણી મિલને કમાણીનો સરો દહાડો આવ્યો હતો. તે વખતે કમાણી ઓછી કરાવવાના હેતુથી અંતે લેંકેશાયરને થતી ખોટ ઓછી કરાવવા ખાતર મિલના મજૂરોની સ્થિતિ સુધારવાનો બુટ્ટો અંગ્રેજોએ ઉઠાવ્યો અને મિલો ઉપર નવો જાપ્તો નંખાવ્યો હતો. અત્યારે પણ એવી જ બૂમ ઊઠી છે. પોતાનો સ્વાર્થ નવી જકાતથી બગડ્યો છે. એટલે આ સ્વાર્થી અંગ્રેજો પરોપકારી થઈ ગયા છે. તેમને હિંદુસ્તાનના ગરીબ લોકોની, ખેડૂતોની, મિલના મજૂરોની એકદમ દયા આવી ગઈ છે. જકાત વધી એટલે ગરીબ લોકોને પહેરવાનાં કપડાં મોંઘાં થયાં. મિલમાલિકો કમાય છે પણ મજૂરોની સ્થિતિ સુધારતા નથી. વધેલી કમાણીમાં તેમને યોગ્ય હિસ્સો આપતા નથી આવી આવી પરદુઃખભંજક વાતો તેઓ કરવા મંડ્યા છે તેથી ચેતીને ચાલવાની જરૂર છે અને મિલવાળાઓએ દુર્યોધનની જાંઘ કાંઈ પણ ન રાખવા વેળાસર તજવીજ કરવી ઘટે છે. નવી જકાતથી હિંદનો મિલઉદ્યોગ ખીલવાનો નથી. નવા સંચા હમણાં પરદેશથી આવી શકે એમ નથી તેમ હિંદુસ્તાનમાં તે બનતા નથી. લડાઈ પતતાં જકાત ચાલુ રહેશે કે નહિ તે નક્કી નથી એટલે ધનાઢ્યો એ ઉદ્યોગમાં વધારે નાણાં નાખશે કે કેમ તે સંશયગ્રસ્ત છે. ઈંગ્લૅંડ હાલ લડાઈમાં એટલું બધું રોકાયેલું છે કે પહેલાં જેટલું પૂરતું કાપડ મોકલી શકતું નથી એટલે આ જકાતથી ત્યાંથી થતી આયાત ઘટવાની અને તેથી લેંકેશાયરને નુકસાન થવાની દહેશત નથી. જાપાને આ લડાઈનો અવસર સાધી પોતાનો ઉદ્યોગ ખીલવ્યો છે અને પોતાનો માલ હિંદમાં દાખલ કરી દીધો છે તેને થોડુંક ખમવું પડશે પણ તે તો સારી વાત છે. જર્મની અને ઑસ્ટ્રિયા હિંદમાંથી જે કરોડો રૂપિયા લઈ ગયા છે તેનો ઉપયોગ આજે આપણી સામા કરે છે એ ઉપરથી પરદેશીઓને આપણે ભોગે શ્રીમંત થવા દેવામાં અને એ લક્ષ્મી પાછી આપણને પરાસ્ત અને પાયમાલ કરવા વાપરવા દેવામાં કોઈને ડહાપણ કે દૂરંદેશી નથી લાગતી. અલબત્ત હિંદી સરકાર પોતાની ફરજ સમજી કાપડના ઉદ્યોગને ખીલવવા સર્વે પ્રકારની મદદ કરે તો જ કાંઈ લાભ થાય. પણ એનો સંભવ બહુ ઓછો છે.

મિ. કર્ટિસે લખેલો નવો કાગળ[1]

લખનૌની કૉંગ્રેસ વખતે પ્રસિદ્ધિમાં આવેલા મિ. કર્ટિસે પોતાના વિચારો ફેરવ્યા છે. ‘રાઉન્ડટેબલ’ના મંત્રી મિ. કેર ઉપર લખેલો એમનો ખાનગી કાગળ પ્રગટ થયો હતો તેમાં હિંદુસ્તાનને એમણે સંસ્થાનોને આધીન રાખવા બાબત લખ્યું છે તે વિચાર, હિંદમાં સર્વત્ર ફરવાથી, અધિકારીઓ અને લોકનાયકોના સમાગમમાં આવવાથી, લોકસંસ્થા અને લોકજીવનનો પરિચય કરવાથી, પોતાના પત્રની પ્રસિદ્ધિથી હિંદીઓએ કરેલી ટીકાઓથી, ફેરવ્યો છે. આ પ્રકટપત્રમાં તેઓ કેટલોક ખુલાસો કરે છે અને લખનૌનો બનાવ ભૂલી જવાનું કહે છે. કેળવાયેલા હિંદીઓને સંપૂર્ણ અને વધારે વિસ્તારી સહકાર પોતાની હિલચાલમાં મેળવવાની એમને જરૂર લાગી હોય એમ લાગે છે. માત્ર હિંદની ખાતર જ નહિ પણ બ્રિટિશ મહાપ્રજારાજ્યની ખાતર હિંદીઓની માગણીઓ બરાબર સમજાવી જોઈએ અને વિગ્રહના અંત પછી વગર વિલંબે તેમનો વિચાર થવો જોઈએ. જો આવો સમભાવ ‘રાઉન્ડ ટેબલ’વાળાનો હોય તો હિંદી આગેવાનોએ એ સંસ્થાની પત્રિકામાં હિંદની માગણી વિશે લેખો લખી ગ્રેટબ્રિટન અને સંસ્થાનોના અનુભવી અને બાહોશ આસામીઓ પાસે તેમની ચર્ચા થવા દેવી જોઈએ. સંસ્થાનો જાતે જ કહે કે અમારે હિંદ ઉપર સત્તા ચલાવવી નથી તો પછી બધી તકરારનો છેડો આવી જાય. ‘આ જુવાન પ્રજાશાસક લોકોને સ્વરાજ્યનો સિદ્ધાંત શ્વાસ અને પ્રાણ જેવો છે. લગભગ ધર્મ છે. એક પ્રજા બીજી પ્રજા ઉપર અમલ ચલાવે એમાં એમને અંતર્ગત દોષ લાગે છે.’ મિ. કર્ટિસના કાગળના મુદ્દાઓ આ પ્રમાણે છે: (૧) બ્રિટિશ પ્રજારાજ્યની પુનર્ઘટના કરતાં સમગ્ર પ્રજારાજ્યની સલામતી માટે જવાબદાર રહે એવી સમ્રાટ પાર્લમેન્ટ અસ્તિત્વમાં આણવી જોઈએ. આમાં પ્રજા રાજ્યોના સર્વે અંગોના પ્રતિનિધિઓને સ્થાન મળવું જોઈએ. પાર્લમેન્ટના બે વિભાગ રાખવા. એક જ્યેષ્ઠ અને બીજાને કનિષ્ઠ વિભાગ કહેવો. હિંદના પ્રતિનિધિઓને બંને વિભાગમાં પ્રતિષ્ઠા આપવી જોઈએ. હમણાં સામ્રાજ્યની વિગ્રહપરિષદમાં બીકાનેરના મહારાજા અને સર સત્યપ્રસન્નસિંહ ગયા છે એટલે બન્ને વિભાગમાં પ્રતિનિધિઓ મોકલવામાં અંતરાય નહીં આવે. (૨) હિંદની રાજ્યવ્યવસ્થા જવાબદાર થવી જોઈએ. પ્રજાને જવાબદાર શાસન કરવા હિંદી મતદારમંડળને હિંદી બાબતોમાં છેવટની સત્તા સોંપવી પડશે એટલે હિંદમાં પ્રાંતિક અને વરિષ્ટ પાર્લમેન્ટની સ્થાપના કરવી પડશે. આમ લક્ષ્ય નક્કી કરવું પડશે. (૩) આમ જવાબદાર શાસન કરવા બે બાબતો નજરે ચડે છે : (ક) એક જ સપાટે એવું શાસન સ્થાપી શકાય— (ખ) ફેરફારોની પરંપરાથી એવું શાસન સ્થાપવું, પણ તેમ કરતાં વખત લાગશે. મિ. કર્ટિસ બીજા પક્ષની તરફેણમાં છે. આમ એની અને કૉંગ્રેસની વચ્ચે બહુ મહત્ત્વનો ફેર નથી. ફેરફાર ક્યારે કરવા એ કાળનો તફાવત છે તે તો બંને પક્ષ વિશ્વાસથી સહકાર્ય કરશે એટલે તેનો નિકાલ થશે. મિ. કર્ટિસ જો ખરો આગ્રહ રાખતા હોય તો એમણે કૉંગ્રેસવાળાઓને મદદ કરવી જોઈએ અને સામ્રાજ્ય નવેસરથી રચાય ત્યારે હિંદને એનું યોગ્ય સ્થાન અપાવવા પૂરતી સહાયતા કરવી જોઈએ. મ્યુનિસિપાલિટીના લોકનિયુક્ત સભ્યો પૂણાની મ્યુનિસિપાલિટીએ ઠરાવ કર્યો છે કે એ મંડળના સર્વે સભાસદો લોકનિયુક્ત હોવા જોઈએ. હાલ સરકાર અમુક સભાસદોની નિમણૂક કરે છે તે બંધ થવું જોઈએ. રાજકીય બાબતમાં પૂણા હંમેશાં મોખરે રહે છે અને વાજબી હક્ક મેળવવામાં તત્પર રહે છે. વર્તમાન મ્યુનિસિપાલિટીઓમાં લોકનિયુક્ત, સરકારી અધિકારી અને સરકારથી નિમાયેલ સભાસદો હોય છે. આથી સ્વરાજ્યની ગતિમાં ઘણો વાદંવાદ જામે છે. જ્યારે જ્યારે લોકોની અને સરકારની (અથવા સ્થાનિક સરકારી અમલદારોની) વચ્ચે વાંધો પડે છે ત્યારે ત્યારે સરકારથી નિમાયેલા સભાસદો ઘણુંખરું અધિકારીઓની ઇચ્છા મુજબ મત આપે છે પછી ભલેને તે લોકહિતની વિરુદ્ધમાં હોય. હમણાં જ મુંબઈમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખપદ માટે મિ. બેપ્ટીસ્ટા અને મિ. મેકબેઈન ઉમેદવાર થયા હતા. મિ. બેપ્ટીસ્ટાએ વર્ષોથી મ્યુનિસિપાલિટીમાં બેસી લોકસેવા કરી છે. એમની હોંશિયારી મશહૂર છે પણ તેઓ હોમરૂલ લીગના પ્રમુખ છે અને અંગ્રેજ અધિકારીઓ અંદરથી એ સંસ્થા પ્રત્યે વિરોધ નહીં તો અણગમો ધરાવે છે એટલે મિ. બેપ્ટીસ્ટાને એમની મદદ કે સહાનુભૂતિ નહોતી. મિ. મેકબેઈન માટે એમણે ખુલ્લી રીતે મત મેળવ્યા નહીં હોય પણ રાજદ્વારી વાતાવરણમાં અમસ્તી વાતચીતમાં અધિકારીઓ એકબે શબ્દ બોલી જાય છે એટલે તરત ફેરફાર થઈ જાય છે. અધિકારી કહેવા ન જાય પણ સરકારથી નિમાયેલા સભાસદો તરત સમજી જાય છે કે એમણે શું કરવાનું છે. આવું માત્ર મ્યુનસિપાલિટીઓમાં જ બને છે એમ નથી પણ પ્રાંતિક અને વરિષ્ટ ધારાસભામાં પણ બને છે. આપણે ત્યાં કોઈ મિસિસ હમ્ફરી વૉર્ડ જેવી નવલકથાકાર હોય તો આપણી ધારાસભાઓ વિશે ચિત્તરંજક વાર્તા લખી શકે એટલી બધી સામગ્રી છે. સરકાર સભાસદો નીમતી વખતે એવું વિચારે છે કે એ માણસ સલામત છે? અર્થાત્ આપણી સામો થાય એવો નથી ને? મૂળ પોતામાં લાયકાત ન હોય અને અધિકારીઓની ખુશામતથી જે માણસ સભાસદ થયો હોય તેનામાં લોકહિતની તરફદારી કરી સરકાર વિરુદ્ધ મત આપવાનું અથવા સ્વતંત્ર વિચાર કરવાનું નીતિબળ નથી હોતું. ભોગજોગે સ્વતંત્રતા બતાવવા જાય તો બીજી વખતની નિમણૂક થતી અટકી જાય છે અને સરકારી અમલદારોની મહેરબાનીથી જે બીજા ઐહિક લાભ મળતા હોય તે પણ બંધ થઈ જવાનો સંભવ છે. સરકારથી નિમાયેલા સભાસદોની અધોગતિ આટલેથી નથી અટકતી પણ તેઓ ઘણીવાર અધિકારીઓ આગળ લોકનિયુક્ત સભાસદોનું વાંકું બોલી તેમને અધિકારીઓને અપ્રિય કરવાનું ચૂકતા નથી. સરકાર અમલદારી આપી શકે છે, કોન્ટ્રેક્ટ આપી ધનાઢ્ય કરી શકે છે, માનચાંદઈલકાબ આપી શકે છે, લોકોમાં આગેવાન થવાની સ્થિતિ પ્રાપ્ત કરાવી શકે છે, અને લોકો એમાંનું કાંઈ આપી શકતા નથી. સરકારનિયુક્ત સભાસદો પ્રત્યે લોકોમાં તિરસ્કાર બતાવાય છે પણ તેમાં નીતિનું પીઠબળ નથી. લોકહિતની વિરુદ્ધ વર્તનારનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવતો નથી એટલે માત્ર સામા પક્ષના વર્તમાનપત્રોની ટીકા અસરકારક નીવડતી નથી. સરકાર સભાસદો નીમે અથવા પ્રજાને ન નીમવા દે તેનાં કારણો હોવાં જોઈએ. પ્રજાનાં સુખ માટે સરકાર જવાબદાર છે અને લોકનિયુક્ત સભાસદો હજુ અનુભવી ન હોવાથી, લોકસેવા માટે પવિત્ર આગ્રહ ન હોવાથી એ સુખની કાળજી બરાબર ન રાખે તો સરકારે ધ્યાન રાખવું જોઈએ. પેલાઓ ભૂલો કરે ત્યારે ત્યારે વચ્ચે પડી ફેરફાર કરવાથી સરકાર લોકોમાં અપ્રિય થઈ જાય અને વહીવટનું આખું સાંચાકામ બગડી જાય. એટલે રસ્તો કાઢવામાં આવ્યો કે લોકનિયુક્તની સામેલગીરીમાં સરકારનિયુક્ત સભાસદો રાખવા. તેઓ સરકારની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને પ્રગટ રીતે લોકમાં અપ્રિય થવાનું જોખમ સરકારને નડતું નથી. બીજું કારણ એવું છે કે આપણા દેશમાં હજુ રાજદ્વારી જીવન ખીલ્યું નથી. મ્યુનિસિપાલિટીમાં અથવા ધારાસભામાં માત્ર લોકસેવાની દૃષ્ટિથી જનારાની સંખ્યા બહુ ઓછી હોય છે પણ એથી મળતા માનમર્તબા ખાતર જનાર ઘણા હોય છે. આવી ક્ષુદ્ર વાસનાવાળાઓ ચૂંટણી વખતે એવી રીતિઓ અંગીકાર કરવાના જે સુજ્ઞ, નિપુણ અને વિશુદ્ધ સજ્જનોને બિલકુલ રૂચવાની નહીં અને એવી રીતિ વિના ચૂંટણી ન થઈ શકે એટલે તેઓ આગળ આવતા નથી અને દેશને એમની શક્તિ કે અનુભવનો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં સરકાર એવા પુરુષોની નિમણૂક કરે તો ઘણું સારું. પહેલા કારણને જેટલું વજન આપવામાં આવે છે એટલું બીજાને નથી આપવામાં આવતું એ શોચનીય છે. સ્થિતિ આવી હોવાથી સરકારથી નીમાયેલા માણસો ખુશામતીઆ, સ્વાર્થી, ચાડિયા, લોકસેવા માટેની ઊંચી ધર્મબુદ્ધિરહિત, પરતંત્ર, લોકેચ્છાનો આભાસ આપનારા હોય છે. એથી નથી સરતું પ્રજાનું હિત કે નથી પ્રગતિ થતી સ્વરાજ્ય ચલાવવાની લાયકાતમાં. મુંબઈમાં બૉમ્બે ક્રોનીકલે મિ. બેપ્ટીસ્ટાની ચૂંટણી પ્રસંગે સહી સાથેના કાગળો પ્રગટ કરી ખુશામતીયા સભાસદોનું પોગળ ખુલ્લું કર્યું. તેવું કરનાર કોઈ વર્તમાનપત્ર મુફસિલમાં ન હોવાથી આવા સભાસદો ઉપર અંકુશ રહેતો નથી. એટલે તેમનો સદંતર નાશ કરવો બહેતર છે એવો લોકમત થયો છે અને તે અનુસાર પુણા મ્યુનિસિપાલિટીએ ઠરાવ કર્યો છે. સિદ્ધાંત તરીકે આ સ્થિતિ સ્પૃહણીય છે પણ ગુજરાતમાં અમને એનો અમલ હાલ થયેલો જોવાની ઉત્કંઠા નથી. ચૂંટણી ઉપરાંત નિમણૂકની જરૂર હજુ અમને લાગે છે. પણ ફેરફાર એવો થવો જોઈએ કે નિમણૂક સરકાર અને ચૂંટાયેલા સભાસદો મળી કરે અને એકથી વધારે વખત કોઈની નિમણૂક ન કરવી. આથી આ રિવાજના દોષો ગળી જશે અને ચૂંટણીની ખર્ચાળ, પક્ષા-પક્ષીભરેલી, લાગવગથી કંટકિત રીતિથી જવાનું જેમને રુચતું નહીં હોય તેઓ આ રીતે લોકસેવા કરવા શક્તિમાન થઈ શકશે.

વડોદરા જ્ઞાતિ રિવાજ કાયદા

એ તો મશહૂર વાત છે કે ગુજરાતમાં જ્ઞાતિઓ ઘણી છે. તેમનાં વિભાગ, તડ, ચોરા, એકડા, ગોળ વગેરેનો સુમાર પણ મોટો છે. આ સંસ્થાઓને અમુક જાતનું બંધારણ હોય છે અને એ બંધારણના બળથી જ્ઞાતિઓ વ્યક્તિઓને પોતાની સત્તાને વશ રાખી શકે છે. કેળવણીનો ફેલાવો જેમ જેમ થતો જાય છે તેમ તેમ વ્યક્તિઓનાં આદર્શો અને ભાવનાઓ પલટાતાં જાય છે. ખરું નીતિમય આધ્યાત્મિક જીવન તો તે જ જે વિચાર પ્રમાણે આચાર કરી શકે છે. જેમ કેટલાંક પ્રાણીઓ ખોળ ઉતારી નવી ચામડી પરિધાન કરે છે તેમ સમાજે પણ અવારનવાર જૂના રિવાજો કાઢી નવા રિવાજો દાખલ કરવાની જરૂર છે. જે શુભ હેતુથી શરૂ કરવામાં આવે છે તે હેતુઓ કાળ જતાં વીસરાઈ જાય છે અને હેતુઓ રૂપાંતર પામ્યા હોય તો પણ જૂના રિવાજોનો ત્યાગ કરવામાં આવતો નથી, અથવા તેમનું રૂપાંતર થવા દેવામાં આવતું નથી. પ્રજામાં બહુ અજ્ઞાન વ્યાપેલું હોય છે અથવા રાજદ્વારી ઊથલપાથલને લીધે પ્રજાનું જીવન સ્તબ્ધ થઈ ગયું હોય છે ત્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. આપણી જ્ઞાતિઓ ઉક્ત સ્થિતિમાં આવી છે. એટલે તેમ જ જ્ઞાતિઓના આગેવાનો વર્તમાન જીવન અને તેને પ્રેરતી ભાવનાઓથી અજ્ઞાત હોવાથી નવા ફેરફારોને અનિષ્ટ અને શિક્ષાપાત્ર લેખે છે. વ્યક્તિઓને તેઓ નાની નાની બાબતોમાં બહુ હેરાન કરે છે. કોઈ માણસને ત્યાં મરણ થયું અને રોવાકૂટવાનો રિવાજ પાળવામાં ન આવે તો તેને નાતનો પટેલ સજા કરે છે. શ્રાદ્ધ સારતાં કોઈ દાઢીમૂછ ન આપે અથવા આખું માથું ન મુંડાવે તો તેને જ્ઞાતિભોજનમાં આવવાનું નિમંત્રણ થતું અટકે છે. પોતાના ગોળ બહારથી કન્યા લાવનાર અથવા આપનારને જ્ઞાતિ દંડ કરે છે. પેટા નાતો વચ્ચે લગ્ન થાય તો લગ્ન કરનારાઓ પોતપોતાની નાતોની બહાર મુકાય છે. લગ્નની, બારમા તેરમા અથવા વર્ષીની અને સીમંતની મુકરર કરેલી નાતો ન જમાડે તેને નાત બહાર કરવામાં આવે છે. પરદેશગમન અથવા સમુદ્રપર્યટન કરનારને દંડ કરવામાં આવે છે અને દંડ ન આપે તો નાત બહાર કરવામાં આવે છે. કન્યાઓને પરણાવવાની જે ઉંમર ઠરાવી હોય તેથી વધારે મોટી ઉંમર લગી દીકરીને કુંવારી રાખનારને નાત બહાર મૂકવામાં આવે છે. આવા આવા પ્રસંગોમાં છૂટ મુકાવી જોઈએ અને ખોટી કનડગત થાય છે તે બંધ થવી જોઈએ એમ દરેક સુજ્ઞ સજ્જનને લાગશે. આ બાબતો એવી નથી કે જેથી નાતનું નાતપણું કે હિંદુપણું ખંડિત થાય; છતાં પણ ઘણા માણસો હેરાન હેરાન થાય છે. આમાં જો ઊંડા ઊતરી તપાસ કરવામાં આવે તો સોમાંથી નેવું પ્રસંગોમાં નાતનો મોભો સાચવવાનાં બહાનાં હેઠળ અંગત રાગદ્વેષથી કનડગત કરવામાં આવે છે એવું જણાઈ આવે છે; અને એવા હરામખોરોને કાયદા પ્રમાણે સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ. વડોદરા રાજ્યે વ્યક્તિઓને આવી આવી હેરાનગતિમાં ન્યાયાલયનો આશરો આપવાની જોગવાઈ કરી આપનારો ખરડો હાલમાં પ્રગટ કર્યો છે. આ પત્ર પ્રાગતિક છે અને આ લેખકને ‘સુધારા’ પ્રતિ પક્ષપાત છે અને આ કાયદાની જરૂરત લાગે છે છતાં એના સંબંધમાં કેટલાંક દૃષ્ટિબિન્દુઓ રજૂ કર્યા વિના રહેવાતું નથી. પૂર્વે હિન્દુઓના સામાજિક જીવનમાં ફેરફાર કરવા આવા કાયદા કોઈ હિન્દુ રાજાએ કર્યા હોય એવું આ લેખકની જાણમાં નથી. અંગ્રેજી રાજ્યના અનુકરણમાં વડોદરા રાજ્ય આવા કાયદા ઘડવા તત્પર થયું છે તો એણે બેત્રણ બાબત ઉપર લક્ષ આપવું ઘટે છે. હાલ કાયદાની સત્તા સર્વત્ર વ્યાપેલી હોવાથી સામાજિક રિવાજોને હાનિ કર્યા વિના કાયદાની મંજૂરી આપવાની જરૂરત લાગે ત્યાં આપવાની ફરજ સરકારની છે. વિધવા પરણે તો તેની નાત ભલે તેને નાત બહાર મૂકે પણ લગ્નથી થયેલાં છોકરાં કાયદાની નજરે અનૌરસ ન ગણવાં જોઈએ. હિન્દુઓ નાતજાતના તફાવતની દરકાર ન કરતાં ગમે તેમ પરણે તો ભલે તેમની નાતો તેમને નાત બહાર મૂકે પણ કાયદાની નજરમાં લગ્ન મંજૂર રહેવું જોઈએ. આવી રીતે કાયદો ઘડી સરકાર વ્યક્તિઓને કાયદાની રાહત આપી શકે તો ખોટું નથી એટલું જ નહીં પણ આવશ્યક છે; પણ જ્યારે સરકાર સમાજના હાથમાં રહેલા પ્રજાશાસનને ખંડિત કરવા જાય ત્યારે તેની વર્તમાન સ્થિતિના પ્રાપ્ત અધિકારની બહાર જાય છે. આ જમાનો પ્રજાશાસનનો છે. પ્રજાશાસન ન હોય ત્યાં વિકસાવવાનું છે, નાતોની સત્તાની વચ્ચે પડવું તે આ સૂત્રથી ઊલટું છે. પ્રજાની ઇચ્છા વિરુદ્ધ તેના જીવનવ્યવહારમાં હાથ નાંખવાની સત્તા કોઈ પણ રાજ્યને હોવી ન જોઈએ. જો આ સૂત્રનું પરિપાલન થાય તો પછી ગુજરાતમાં સામાજિક પ્રગતિ શી રીતે થાય? વર્ષોનાં વર્ષો વહી જાય છતાં વ્યક્તિઓ બિચારી કચરાઈ જશે અને સામાજિક અંધાધૂંધી છે તેવી ને તેવી જ રહેશે તેનું કેમ? અમને તો એવું લાગે છે કે જ્ઞાતિઓ અજ્ઞાનને લીધે આવા ફેરફારની વિરુદ્ધ છે. કેળવણી જેમ ફેલાશે તેમ વિરોધ મટી જશે એટલું જ નહીં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ બનતું જાય છે તેમ જ્ઞાતિઓ પોતાની મેળે જ સુધારા કરતી જશે. ગાયકવાડી રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે અને તેની અસર વધતી જશે તેમ આ શુભ અને વાંછનીય સ્થિતિ આવતી જશે. પ્રજા જાતે જે ફેરફાર કરશે તે સ્થાયી થશે અને તેમાં રાગદ્વેષનો પ્રવેશ નહીં થાય. પ્રજા તેથી ભડકશે નહીં, મુંઝાશે નહીં. રાજ્યની સજામાંથી છૂટવા અનીતિમાન ઉપાયો શોધશે નહીં પણ ફેરફાર ઇષ્ટ, આવશ્યક અને શ્રેયસ્કર ગણી તે પ્રમાણે અમલ કરશે. બાળલગ્ન પ્રતિબંધક કાયદાની જે દશા વડોદરામાં થઈ છે તેનો ઇતિહાસ જોવા જેવો છે. એક વખત એવી સૂચના થઈ હતી કે સામાજિક રિવાજના સંબંધમાં કાયદાકાનૂનો ઘડવા જુદી જ જાતની સામાજિક ધારાસભા બ્રિટિશ રાજ્યમાં અસ્તિત્વમાં લાવવી જોઈએ. અમને આ સૂચના વિચારવા જેવી લાગે છે. વડોદરા જેવા રાજ્યમાં પ્રત્યેક નાતના બે પ્રતિનિધિ (એક નાતનો શેઠ અથવા પટેલ અને બીજો નાત તરફથી ચૂંટાયેલો) આવે એવી ધારાસભા હોય—જરૂર લાગે તો ગાયકવાડ સરકાર તેમાં પોતા તરફથી જૂના અને નવા વિચારના થોડા પ્રતિનિધિઓ નીમે—અને ત્યાં આગળ સામાજિક ફેરફારોની ચર્ચા થાય અને દરેક નાતવાળા પોતપોતાની નાત પાસે નક્કી થયેલા ફેરફારો મંજૂર કરાવે અને જ્યાં કાયદાની જરૂર લાગે ત્યાં કાયદો ઘડવામાં આવે, અલબત્ત આ તો માત્ર રૂપરેખા છે. કુશળ અને અનુભવી રાજપુરુષો આ સંસ્થાનો વિકાસ સારો કરી શકશે અને એમાં આવતી મુશ્કેલીઓ દીર્ઘદૃષ્ટિથી, સમભાવથી અને કુનેહથી દૂર કરી શકશે. શરૂઆતમાં સફળતા બહુ ઓછી મળશે પણ પરિણામે યશ જ આવશે. આજકાલ જ્ઞાતિપરિષદો મળે છે, જ્ઞાતિમંડળો, જ્ઞાતિવિદ્યાર્થીગૃહો, જ્ઞાતિવિદ્યોત્તેજક ફંડો વગેરે વગેરે અસ્તિત્વમાં આવતાં જાય છે અર્થાત્ જ્ઞાતિઓ જાતે પોતાના ઉદ્ધારના પ્રયત્નો કરે છે તો રાજ્યાશ્રય હોય તો તેઓ શું ન કરી શકે? પણ આમ નથી થતું તેનાં કારણો છે. જ્ઞાતિઓનાં ઉન્મૂલન વગર હિંદુઓની સામાજિક પ્રગતિ થવાની જ નથી એવું સુધારકો માને છે અને જ્ઞાતિસંસ્થાનો સહેજ પણ ઉપયોગ કરવાથી એનાં મૂળ વધારે દૃઢ થશે એવી એમને બીક લાગે છે. સર સયાજીરાવ ગાયકવાડ આવા સુધારક છે એટલે જ્ઞાતિઓ મારફત સુધારો કરવાનું ઉચિત ધારતા નથી. પ્રજાને રાજકાજમાં વધારે સામેલ કરી, રાજના ઊપજખર્ચનો સર્વે અંકુશ પ્રજાના પ્રતિનિધિઓને સોંપી, પ્રજાની પાસે સામાજિક ફેરફાર કરાવવા કોઈ પણ પ્રકારનાં પગલાં ભરવામાં આવે તો કલ્યાણ થશે. બાકી આમ તો ગુજરાતની રાંક, શાણી અને પોતાના વ્યવસાયમાં રત પ્રજાને ભડકાવી મૂકવામાં આવશે અને કાયદાના જાપ્તામાંથી છૂટવાની બારીઓ શોધવાની અનીતિ શીખવવામાં આવશે અને જ્યાં એખલાસ હશે ત્યાં વિખવાદ વવાશે.

બગદાદ

બગદાદ–મુસલમાનોની જાહોજલાલી–સર્વે પ્રકારની જાહોજલાલીનું પાટનગર હતું તે આજે પરાસ્ત થયું છે એટલે મુસલમાનોની પણ પડતી આવી છે એવું સમજવામાં વાંધો નથી. એ પડતીથી મુંઝાયા કે સ્તબ્ધ થયા વિના અવનતિનાં કારણો શોધી ઉન્નતિના માર્ગ વિચારી તે પ્રમાણે આચાર કરવાની જરૂર છે. દરેક પ્રજાને દોરનાર તેમના ધર્માચાર્યો હોય છે અને તેઓ ઉદાર, પ્રાગતિક અને વિચારશીલ હોય છે, સ્થિતિચુસ્ત, પ્રમાદી, પ્રગતિશત્રુ, વિચારથી ભડકનારા, સ્વાર્થી કે ધર્મના પ્રાણથી વિમુખ ન હોય તો તે પ્રજાઓ અવનત થયાં છતાં ઉન્નત થઈ શકે છે. હિન્દુસ્તાનમાં વસતી હિન્દુ અને મુસલમાન પ્રજા—બન્નેની અવનતિ થયેલી છે; ઉન્નતિ આણવા બન્ને હાલમાં પ્રયત્નશીલ છે. મુસલમાનોની રાજસત્તા જતી રહેવાથી તેઓ એવી મુર્ચ્છા પામી ગયા હતા કે હિન્દુઓ જેટલી ત્વરાથી અને દીર્ઘદૃષ્ટિથી એમણે નવા સંજોગોનો લાભ લીધો નથી. હિન્દુત્વે એવા માર ખાધા છે કે એના અંતરમાં ચેતન જાગતું રહ્યું છે અને ઉપરથી અગતિક કે સ્તબ્ધ લાગતું હિન્દુત્વ જીવતું ધબકતું હોય છે અને ધીરે ધીરે વિરોધીઓને હિન્દુમય કરતું જાય છે. આ જમાનામાં એણે જેવી ચેતના બતાવી છે તેવી ઇસ્લામે નથી બતાવી. પણ હાલમાં ઇસ્લામ માથે વીતવામાં બાકી રહ્યું નથી. એની જાહોજલાલીનાં અવશિષ્ટ ચિહ્નો છિન્નભિન્ન થતાં જાય છે. ઇસ્લામનું સામ્રાજ્ય ભૂતકાળની વાત બની ગયું છે. આજ ઇસ્લામીઓની સૌથી અધિક સંખ્યા ચંદ્રકલાના વાવટા નીચે નહીં પણ બ્રિટિશ સામ્રાજ્યમાં વસે છે: હિન્દુસ્તાન એ સામ્રાજ્યનું અંગ છે એટલે એમાં વસતા મુસલમાનો ઉન્નતિને માટે ચળવળ કરે છે તેની અસર બીજે પણ થશે. મુસલમાન ઓલ્માઓનું વાર્ષિક સંમેલન થાય છે તે નડવત-ઉલ-ઉલ્માના નામથી પ્રસિદ્ધ છે. તેનું છેલ્લું અધિવેશન મદ્રાસમાં થયું હતું. એ સંમેલને લખનૌમાં દર-ઉલ-ઉલૂમની સ્થાપના કરી છે, જેણે અરબી ભાષાની નિશાળોનો અભ્યાસક્રમ વ્યવસ્થિત કર્યો છે. અરબી હજુ જીવતી ભાષા છે છતાં તેનું વ્યાકરણ અટપટું શીખવામાં જીવન ગાળવું એ મિથ્યા કાલક્ષેપ છે. જીવતી ભાષાની માફક એનો અભ્યાસ થવો જોઈએ. મદ્રાસના સંમેલનના સ્વાગતમંડળના પ્રમુખ ન્યાયમૂર્તિ અબદુલ રહીમ હતા. તેમનું ભાષણ પ્રાગતિક, સંસ્કારી અને ઉત્સાહપ્રેરક મુદ્દાઓથી તરવરતું હતું. મનુષ્યજાતિને ઇસ્લામે બે લાભ કર્યા છે. વહેમ અને કનિષ્ઠ વસ્તુપૂજામાંથી જંગલી જાતોની બુદ્ધિની મુક્તિ કરી તેમને એકેશ્વરવાદના સાત્ત્વિક અર્ચનમાં વાળી તે અને મનુષ્યો માત્ર ભાઈઓ છે તેવું વિચારથી અને આચારથી બતાવ્યું તે. બુદ્ધિના પાયા ઉપર તેની રચના હતી પણ હાલમાં પૃચ્છકતા મૃત્યુ પામી છે. બુદ્ધિ પ્રગતિશાળી નથી પણ દૂરસ્થ ભૂતકાળમાં વસે છે. જે લોકો પોતાના જમાનાની હકીકતો અને સંજોગો પ્રત્યે, વાસ્તવિક પરિસ્થિતિ અને સંનિધિ પ્રત્યે આંખ બંધ કરે છે અને હજારો વર્ષ ઉપર થઈ ગયેલા પુરુષોના વચનોના અક્ષરો પ્રમાણે (અર્થ પ્રમાણે નહીં) પોતાની જિંદગી ઘડવાનો પ્રયત્ન કરે છે તેમની પ્રવૃદ્ધિ માટે નહીં જ જેવો અવકાશ છે. આજના જમાનામાં જિંદગીની સ્થિતિઓ કેવી થશે તેનો કલ્પનાના દૂરગામીમાં દૂરગામી ઉડ્ડયનથી પણ ક્યાસ લોકો જે કરી ન શકત તેમના વચનો પ્રમાણે ચાલવામાં શી ગતિ છે? આમ મુખ્ય મુદ્દો નિરૂપી બુદ્ધિનો પ્રમાદ દૂર કરવા સક્રિય ઉપાયો યોજવા આગ્રહ કર્યો. મુસલમાની રાજ્ય હતું ત્યારે ઉલમાઓ ન્યાય કરતા અને મજહબને લગતું કામકાજ કરતા. હવે બ્રિટિશ રાજ્યમાં ન્યાય કરવાનું એમને માટે રહ્યું નથી. મજહબના સંબંધમાં તાત્ત્વિક કેશાકેશીમાં કેળવાયેલાઓને આનંદ પડતો નથી. ઉલમાઓએ પોતાની પ્રતિષ્ઠા અને સત્તા જાળવવાં હોય તો મુસલમાનોના સામાજિક સંસ્કરણ માટે પ્રયત્ન કરવો જોઈએ. ભૂતકાળની પેઠે આજે એમણે સમજવું જોઈએ કે મજહબની સેવા તે આદમીની સેવા છે. સરકારી નિશાળે લોકો વધારે જતા થશે તેમ અરબી મક્તબોમાં જતા ઓછા થશે માટે મક્તબોને સરકારી ધોરણવાળી પ્રાથમિક નિશાળો જેવી કરી નાખવી. ઉર્દૂ સાહિત્યમાં કેળવણીને લગતા ગ્રંથોની વૃદ્ધિ કરવી. અંત્યજવર્ગના ઉદ્ધાર માટે ખ્રિસ્તી ઉપદેશકો અને હિંદુ સુધારકો જેવું કામ કરે છે તેવા પરોપકારી કામમાં મુસલમાનો દાખલ નથી થયા તે ઉલમાઓ માટે લજ્જાસ્પદ છે. જમાનો ફર્યો છે માટે તમે ફરો. બુદ્ધિનો પ્રકાશ મુસલમાનો અને બીજી કોમોમાં ફેલાવો. આખા ભાષણમાં આગ્રહ અને દેશાભિમાનનો જુસ્સો વ્યાપેલો છે. ભાષણ માત્ર મુસલમાનોને નહીં પણ હિંદુઓને પણ ઉદ્બોધક છે. અલીગઢમાં મુસલમાન વિશ્વવિદ્યાલય કાશીના હિંદુ વિશ્વવિદ્યાલયની શરતો પ્રમાણે સ્થાપવાનું નક્કી થયું છે અને તે સંબંધમાં સત્વરે ઘટતાં પગલાં લેવાશે. મુસલમાનોએ વ્યવહારબુદ્ધિ વાપરી એક મહાપ્રશ્નનો ઉકેલ કર્યો છે. અલીગઢની કૉલેજ બહુ ખર્ચાળ હોવાથી ગરીબ મુસલમાન વિદ્યાર્થીઓને મોંઘી પડે છે માટે દહેરાદુનમાં તેમને માટે નવી કૉલેજ સ્થાપવા અને તેને સસ્તી કરવા પ્રોફેસરો દયાનંદ એંગ્લો વૈદિક કૉલેજ, ફર્ગ્યુસન કૉલેજ અને ભારત સેવકસમાજની પેઠે થોડે પગારે ત્યાગ અને સેવાની ઊંચી ભાવનાવાળા રાખવા યોજના થઈ છે. પુણાએ જે ઊંચો નીતિમંત્ર હિંદને આ જમાનામાં આપ્યો છે, તેનો સ્વીકાર આમ જોઈ આનંદ થાય છે. ગુજરાતના મુસલમાનોમાં હજુ જાગૃતિ આવી નથી. ગયે વર્ષે કાઠિયાવાડમાં મુસલમાનોની કેળવણી પરિષદ થઈ હતી તે પણ કેટલી મહેનતે. મુંબઈના ગુજરાતી મુસલમાનો પુણામાં મુસલમાનો માટે નિશાળ અને કૉલેજ સ્થાપવા બાદશાહી રકમો આપે છે પણ વહોરા, ખોજા, મેમણ જેવી ધનાઢ્ય ગુજરાતી મુસલમાન કોમો ગુજરાતમાં શિક્ષણપ્રસારણના કાર્યમાં હવે ઉદાસીન ન રહેવી જોઈએ.

નાસિકની સામાજિક સુધારણાની પરિષદ

સ્થિતિચુસ્ત હિન્દુઓના નિવાસ અને તીર્થના સ્થાન નાસિકમાં પરિષદ મળી અને એના સંમેલનની સતતતા તૂટી નહીં એથી હિંદી ઉન્નતિના વાંછુઓને આનંદ થયા વિના રહેશે નહીં. આપણા દેશમાં જે નવી પરિસ્થિતિ થતી આવે છે અને તેને લીધે નવા આદર્શો, નવી ભાવનાઓ, નવી કાર્યપદ્ધતિઓ જન્મતી જાય છે અને આપણા દેશના સમગ્ર અભ્યુદય માટે અનેકદેશી સુધારણા આવશ્યક લાગતી જવાથી જૂના વિરોધો ઘટતા જાય છે અને સર્વ પ્રવૃત્તિઓ વચ્ચે સ્નેહ અને સહકાર્યના સંબંધ કરવા તરફ આગેવાનો વળતા જાય છે. રાજદ્વારી અને સામાજિક સુધારણા થવી જોઈએ એવા એવા મતમતાંતરોને હવે સ્થાન રહ્યું નથી. આપણે એક હિંદી રાષ્ટ્ર થવું છે અને આપણા પૂર્વજોએ જેવી ઉજ્જ્વળ અને પ્રતાપી સંસ્કૃતિ ખીલવી હતી, તેવી આપણે પણ ખીલવવી છે. આ લક્ષ્ય સાધવા આપણા જીવનના સર્વે પ્રદેશોમાં જ્યાં જ્યાં સુધારણાને અવકાશ હોય ત્યાં ત્યાં તે થવી જોઈએ. આ ભાવનાની વાત, વ્યવહારમાં રાજદ્વારી ચળવવાની અજ્ઞાત અસર આપણા સમગ્ર જીવન ઉપર થતી આવે છે. આપણે ન્યાય, સ્વતંત્રતા, અધિકાર, સ્વાવલંબન, ગૌરવ વગેરે મેળવવા રાજદ્વારમાં તુમુલ સંક્ષોભન હલમલાવી રહ્યા છીએ ત્યારે આપણને ક્ષણે ક્ષણે સ્પર્શતા સંસારમાં એ સર્વેનો અભાવ આપણને સાલવો જોઈએ અને રાજ્યદ્વારના કંટકો સાફ કરવાની સાથે સંસારના કંટકો સાફ કરવા જોઈએ. પરિષદના પ્રમુખનું ભાષણ આવી વિશાળ અને ઉદાર દૃષ્ટિથી પ્રેરાયેલું હતું. મિ. જયકર મુંબઈના યુવાન ધારાશાસ્ત્રી મંડળમાં પ્રતિષ્ઠાસંપન્ન છે. હિંદુ વ્યવહાર(કાયદાઓ)ના તેઓ ઊંડા અભ્યાસી છે, આપણા દેશના નાનામોટા પ્રશ્નોના અભ્યાસી છે એટલું જ નહિ પણ તે સર્વેના નિરાકરણ અને સમન્વય માટે એમણે પુષ્કળ વિચાર કર્યા છે, અને જ્યારે જ્યારે પોતાના વિચારો પ્રગટ કર્યા છે ત્યારે ત્યારે તેમની પ્રગલ્ભતા, સચોટતા, ઉદારતા, વ્યાપકતા, બુદ્ધિદ્યોતકતા ચક્તિતા વગેરે વગેરેથી શ્રોતાઓના વિચારો જાગૃત કર્યા છે. નાસિકનું એમનું ભાષણ પણ એ જ ગુણોથી અલંકૃત હતું. એ ભાષણ ઇંગ્લિશ કેળવણીવાળાઓ અને રાજદ્વારી ચર્ચામાં રચીપચી રહેલાને ઉદ્દેશીને હોય એવું લાગે છે. હિન્દુધર્મના આરૂઢ ભક્તોને સુધારાના માર્ગ ઉપર સંચલિત કરે એવું નથી. એમણે આ પ્રમાણે મુદ્દાઓ ચર્ચ્યા હતા: (૧) સામાજિક અને રાજદ્વારી સુધારણાનો સંબંધ. બન્ને તદ્દન અલગ નથી, બન્ને વચ્ચે અનુલ્લંઘનીય ગિરિમાળા નથી. બન્ને વિરોધી નથી તેમ ઇતિહાસ પ્રમાણે અથવા પ્રજાના મનોબંધારણ પ્રમાણે એક પહેલી અને પછી બીજી થવી જોઈએ એ પણ ભ્રમજનિત છે. સામાજિક શ્રેષ્ઠતા વિના રાજદ્વારી પ્રગતિ નથી અથવા રાજદ્વારી સ્વરાજ્ય વિના સામાજિક દુઃખો નાશ પામવાનાં નથી એ બન્ને અંતિમ (ઉદ્દામ) વાદ છે. રાજદ્વારી અને સામાજિક ઉન્નતિ સરખાં જ લક્ષણોથી સાધ્ય છે. એક પ્રદેશમાં ઉન્નત થવા પ્રયત્નશીલ પ્રજા બીજા પ્રદેશની ઉન્નતિ અવગણે છે તો તેથી હાનિ થાય છે. હિંમત, ઉપાયજ્ઞતા, ઉપક્રમકારકતા, સ્વાવલંબન આત્મનિગ્રહ અને આત્મપ્રતિપાદનના ગુણો ખીલવવામાં આવશે તો બંને પ્રદેશમાં પ્રગતિ થયા વિના રહેશે નહીં. આપણા ગુજરાતમાં તો સામાજિક ઉન્નતિ રાજદ્વારી ઉન્નતિ કરતાં વધારે આવશ્યક લેખાય છે; પણ બન્ને સાથે થવાં જોઈએ. (૨) કેળવણીના ફેલાવાથી લોકોનાં હૃદયબુદ્ધિ જાગૃતિ પામે છે ત્યારે સુધારો થાય છે અને અજ્ઞાન તથા નિરક્ષરતામાં એ જાગૃતિ અશક્ય છે. સામાજિક પ્રગતિને અર્થે ફરજિયાત અને મફત કેળવણી કરવાની અત્યંત જરૂર છે. (૩) અંત્યજ અને અસ્પર્શ્ય જ્ઞાતિનો ઉદ્ધાર. (૪) પ્રચલિત કાયદાઓથી હિન્દુ સમાજને થતી હાનિ. અવિભક્ત કુટુંબોમાં થોડાની કમાણી ઉપર તાગડધિન્ના કરનાર આળસુઓ અને નિરુદ્યમીઓનો મોટો વર્ગ દેશને ભારરૂપ છે. સ્ત્રીઓને પોતાના ધણીની મિલકતના વારસામાંથી બાતલ રાખવામાં આવી છે તે ધારો ફેરવાવો જોઈએ. હિન્દુઓ હિન્દુઓ વચ્ચે લગ્નસંબંધ કરવાનો પ્રતિબંધ છે તે દૂર કરવા કાયદો થવો જોઈએ. સરકારે આવી બાબતમાં ઉદાસીન ન રહેતાં લોકોને કાયદાઓ ઘડી મદદ કરવી જોઈએ. (૫) જ્ઞાતિઓથી ભેદવિભેદ બહુ છે. સ્નેહ અને સમવાયમાં જ્ઞાતિઓથી અંતરાય આવતો હોય તો તેમનો નાશ કરવો જોઈએ. આપણે અવિશ્લિષ્ટ અને દૃઢ સુસંહત રાષ્ટ્ર કરવું છે. જ્ઞાતિઓની ઉત્પત્તિ, સત્તાના વિવર્ધન અને સંકોચન વગેરેનો અભ્યાસ કરવો. જ્ઞાતિની નદીઓ રણમાં ન જવી જોઈએ પણ રાષ્ટ્રજીવનના મહાપ્રવાહમાં ભળવી જોઈએ. (૬) સામાજિક સુધારણાના પ્રસાર અને પ્રચાર માટે સારી સંવ્યવસ્થાની જરૂર. ભાષણો અને લેખો ઉપરાંત કામકાજ કરવાની તાલીમ આપી કામ આગળ વધારવું જોઈએ. એક મધ્યસ્થ સંસ્થા સ્થાપવી અને ત્યાં આ ચળવળના વિવિધ પ્રશ્નોને લગતી માહિતી સંગ્રહવી, કોઠાવાર ગોઠવવી અને સમન્વિત કરવી, અને પૃચ્છક તથા અભ્યાસીઓને માટે તૈયાર રાખવી. સ્ત્રીકેળવણી, વિધવાવિવાહ, કેળવણી વગેરે વગેરે પરત્વેની કમિટીઓ નીમવી. પરદેશોમાં ચાલતી આવી જ હિલચાલો – યુનિવર્સિટી સેટલમેન્ટ, મુક્તિફોજનું કાર્ય વગેરે સંબંધી પુસ્તકો, વસ્તીપત્રકો વગેરેનું પુસ્તકાલય કરવું અને મુક્તિફોજ કરે છે તેમ સામાજિક સેવા કરવાની કેળવણી આપવાની જોગવાઈ કરવી. વર્ષમાં ગમે તેવું એક પુનર્લગ્ન કરાવી કૃતકૃત્ય થતી મંડળીનો જમાનો ગયો છે, હવે તો સમગ્ર પ્રજાના આધ્યાત્મિક કલ્યાણ માટે સર્વતઃ પ્રવૃત્તિ કરવા પુરુવ્યવસાયી મંડળની જરૂર છે. અત્યારે છૂટું છૂટું જે કામ થાય તે સર્વેને એકત્ર અને સમન્વિત કરે એવા મંડળની જરૂર છે. અત્યારે મુંબઈમાં (૧) ઋણમોચન મંડળ (૨) સમાજસેવા સંઘ (૩) અંત્યજોદ્ધાર મંડળી (૪) સગીર છોકરાંઓના રક્ષણની મંડળી (૫) વિદ્યાર્થીઓનું બંધુમંડળ (૬) રાત્રિશાળાઓ (૭) મદ્યનિષેધક મંડળી (૮) છૂટેલા કેદીઓને મદદ કરનારી મંડળી (૯) પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવનારી મંડળી અને (૧૦) મુંબઈ ઈલાકાની સંસાર સુધારા સમાજ છે. આ સર્વેને એકત્ર કરવાં જોઈએ. સંસાર સુધારાથી નાહક ભડકનારાઓ તેના ન્યાય, દયા અને સ્વતંત્રતા ઉપર સ્થાપિત મૂળ સિદ્ધાંતોનો પરિચય મેળવશે અને સામાજિક અને રાજકીય સુધારણાનું અલગપણું મટી ઐક્ય થશે તો આપણા દેશને ઘણો લાભ થશે. વિશ્વમાં આજે પ્રલયકારી ફેરફારો થાય છે તે પ્રસંગે આપણે શાંત અગતિક રહી શકીએ એમ નથી અને સર્વે સુધારણા સમન્વિત અને એક લક્ષ્યગામી કરવામાં જ આપણો ઉદ્ધાર છે. અનેક જ્ઞાતિઓથી સંખચિત અને નાનાં મોટાં દેશી રાજ્યોથી સંકુલ ગુજરાત સામાજિક સુધારણા માટે જેટલું સંચલિત છે, તેટલું રાજકીય સુધારણા માટે નથી. સામાજિક સુધારણાનો પ્રશ્ન આખા રાષ્ટ્રની ઉન્નતિનો પ્રશ્ન છે અને રાજકીય, આર્થિક વગેરે સુધારણાથી ભિન્ન નહીં પરંતુ અન્યોન્યાશ્રયી છે એ સ્વરૂપ ઉપર ગુજરાતનું લક્ષ આકર્ષવા આટલા વિસ્તારથી ભાષણ આપ્યું છે. સામાજિક સુધારણાની પ્રચલિત ગતિ અને રીતિ હવે ફેરવાવી જોઈએ. ગમે તેમ ખાય કે ગમે તેવી વિધવાઓના લગ્ન કરાવે તે ‘સુધારાવાળા’ ન રહેવા જોઈએ. વસ્તુતઃ ગુજરાતમાં ખરો સુધારો પ્રવેશતો જાય છે અને જીવનનો અગત્યનો પ્રશ્ન છે એમ સમજાતું જાય છે એ હર્ષજનક છે. અમારો વિચાર આવી જાતનો છે: આપણે એક રાષ્ટ્ર થવું છે, દુનિયાના પ્રગતિશાળી રાષ્ટ્રોની હારમાં ગૌરવથી અને પ્રતાપથી આપણે સ્થાન લેવું છે, અને આપણા પૂર્વજોએ જે સંસ્કૃતિ ખીલવી હતી તે પુનઃ સચેતન થાય તેટલી કરી આપણા અને જગતના કલ્યાણ અર્થે તેને ઉપયોજવાની છે. આ દૃષ્ટિબિંદુથી આપણી સામાજિક પ્રગતિનો ક્રમ ગોઠવવાનો છે. પ્રચલિત સંસ્થાઓના નાશમાં શક્તિ અને કાળનો વ્યય કરવા કરતાં તેમની દ્વારા લક્ષ્ય પ્રતિ ક્રમણ કરવું ઇષ્ટતર છે. જ્ઞાતિઓના નાશ માટે જે તલવારો હાલ ઊછળે છે તે મિથ્યા ઊછળે છે. મિ. જયકરે એમની ઉત્પત્તિ, ઇતિહાસ, આચારો વગેરેના અભ્યાસ માટે આગ્રહ દર્શાવ્યો છે તે યથાસ્થાને છે. સંસ્કારોની, કેળવણીની, આર્થિક તથા રાજદ્વારી સરખી સ્થિતિ અને એક લક્ષ્ય થવાથી જ્ઞાતિઓના ભેદવિભેદો ઓગળી જશે. મિ. જયકર એક વાત બહુ જ સ્પષ્ટ પામ્યા છે. આપણા લોકોને એક થવાના રાજદ્વારી પ્રસંગો જ નથી. લશ્કર, સમુદ્રસૈન્ય, રાષ્ટ્રીય સભા(પાર્લમેન્ટ) વગેરે વગેરેમાં જવાઆવવાનું નિરંતર બનતું હોય તો એની મેળે વિખવાદ જઈ એખલાસ થશે. આ પ્રત્યે ગુજરાતના દેશી રાજાઓનું અમે ધ્યાન ખેંચીએ છીએ અને આવા પ્રસંગો ઉપસ્થિત કરવા એમને વિનંતી કરીએ છીએ. હાલ આપણે ચળવળ આ રીતે કરવાની છે. માત્ર બુદ્ધિપ્રધાન દૃષ્ટિનો ત્યાગ કરી, ઇતિહાસ, અર્થ, રાષ્ટ્ર, અધ્યાત્મ આદિના આશ્રયે આપણા સમાજને સુસંસ્કૃત કરવાના ઉપાયો વિચારી આચારમાં મૂકવા. આપણાં પ્રાચીન શાસ્ત્રો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરી એમાંથી જે તત્ત્વોને અવલંબી અવારનવાર આપણા સમાજે પોતાનું અસ્તિત્વ જાળવ્યું છે તે તત્ત્વો તારવી કાઢી, યુરોપની વર્તમાન સંસ્કૃતિનાં પ્રેરક તત્ત્વો સાથે તેમનો સમન્વય કરી આપણા સમાજનું પરિવર્તન એ તત્ત્વોથી પ્રેરિત કરવું. અંગ્રેજી કેળવણી, અંગ્રેજી સંસ્કારો આગન્તુક છે. તેમનો નિવાસ સ્થાયી નથી માટે તેમને અનુચિત મહત્ત્વ આપવાનું નથી પણ તેમને આપણામાં પચાવી એકરસ કરવાં અને આપણા ઇતિહાસશાયી સંસ્કારો દ્વારા પ્રગતિ કરવી. ભાવના સાથે વ્યવહાર પર લક્ષ રાખવું. બાળલગ્ન ન કરવાં એ ભાવના પ્રગટાવીએ ત્યારે ક્યારે લગ્ન કરવાં? અવિવાહિત સ્થિતિમાં કેવું જીવન ગાળવું? એ પ્રશ્નોનો પણ વિચાર કરવો. આમ પ્રત્યેક પ્રશ્નની કાલિક મર્યાદાઓ નિરુપાશે. બીજું આપણે વર્તમાન યુગના વેપાર-ઉદ્યોગ ખીલવવા અને પ્રતિનિધિમંડળો દ્વારા રાજ્ય કાર્ય કરવાં છે તો આપણી ત્યાગની, સંતોષની, સંન્યાસની, અધિકારની ભાવનાઓને કેવી રીતે જાળવી રાખી યુરોપી સંસ્કૃતિની પ્રેરક વૈભવ, વિલાસ, આત્મવિભાવ, સત્તા, આદિની પ્રેરક ભાવનાઓનો કેવા સ્વરૂપમાં સ્વીકાર કરવો? આપણે શરીરબળમાં, મનોબળમાં, અધ્યાત્મ શક્તિમાં બીજી પ્રજાઓથી ઊતરતા હોઈએ તો કેવી રીતે શ્રેષ્ઠ થઈ શકીએ? આ જમાનામાં આપણી જે જે રાજદ્વારી, આર્થિક, શિક્ષણવિષયક મહેચ્છાઓ છે તેમની સાધના માટે કેવા પ્રકારના આંતર અને બાહ્ય પરિવર્તનની જરૂર છે તે સમજી કાર્યક્રમ ઘડવો જોઈએ. આવી વિગતોમાં પ્રસંગ પ્રાપ્ત થશે તો ઊતરવામાં આવશે. પણ આટલાથી સ્પષ્ટ થયું હશે કે હાલની ચળવળ સંકુચિત છે. ગુજરાતમાં જે જ્ઞાતિઓ અને વ્યક્તિઓ સુધારણા પ્રત્યે સંચલિત છે તેમણે આ દૃષ્ટિથી વિચાર કરવો ઘટે છે. મિ. જયકરનું બુદ્ધિને ઉદ્દીપક, ઊંચી દેશભક્તિથી ભરપૂર વ્યવહારુ થવાના આગ્રહવાળું અને કેટલાક ખરેખરા મુદ્દાઓની ચર્ચાવાળું ભાષણ ગુજરાતીઓને ગયા વર્ષના પ્રિ. પરાંજપેના ભાષણથી વિશેષ રુચશે એવી અમને આશા છે અને અમદાવાદમાં એની અસર થઈ ગુજરાતને અમદાવાદની સંસ્થાઓ મારફત લાભ કરાવશે.

હોમરૂલ લીગ સંમેલન

મહારાષ્ટ્રની હોમરૂલ લીગનું વાર્ષિક સંમેલન પણ નાસિકમાં મિ. બેપ્ટીસ્ટાના પ્રમુખપદે થયું હતું. વર્ષના કાર્યનું સિંહાવલોકન થયું હતું, ટીકાઓ, આક્ષેપોના રદીયા અપાયા હતા અને ઈંગ્લૅંડ જલદીથી ડેપ્યુટેશન મોકલી અંગ્રેજ મતદારોને હિંદની સ્થિતિ અને માગણીઓથી વાકેફ કરવાની જરૂરિયાત બહુ જ સ્પષ્ટતાથી અને આગ્રહથી પ્રદર્શિત કરવામાં આવી હતી.

હિન્દી રક્ષક સૈન્ય

હિંદી સરકારનો એક ઠરાવ ૧૯મી મેના હિંદી સરકારી ગૅઝેટમાં પ્રગટ થયો છે. કાયદો પસાર થયાને વખત થઈ ગયો અને છ હજાર સૈનિકો માટે માગણી કરવામાં આવી હતી છતાં માત્ર ત્રણસો જ જણે નામ નોંધાવ્યાં છે. આ હકીકત આગળ ધરી હિંદીઓને સરકાર ઠપકો આપે છે કે સૈનિક થવાની આતુરતા સૌ બતાવતા હતા છતાં કેમ લશ્કરમાં જોડાવા હવે આગળ પડતા નથી? પણ આ ઠપકો ખોટો, ગેરવાજબી અને વિવેકહીન છે. કાયદો ૫સાર થયા પછી સૈનિકોની ભરતી કરવાના અમલદારોની નિમણૂક કરવામાં આવી નહોતી. ભરતીનાં છાપેલાં ફારમો તૈયાર નહોતા. મોટા મોટા અધિકારીઓએ આખી પ્રવૃત્તિને બને એટલી મંદ કરવા પ્રયત્ન કર્યા હતા. લડાઈની લોન ભરાવવા અને અંગ્રેજોને ફરજિયાત સૈનિક કરવા જે સત્વર વ્યવસ્થા થઈ હતી તેવી વ્યવસ્થા એને માટે કરવામાં આવી નહોતી. નિયમો એવા પ્રગટ કરવામાં આવ્યા હતા કે બિલકુલ આકર્ષણ રહ્યું નહીં. જે ઉમ્મરને લાયક ગણવામાં આવી છે તે ઉમ્મરે વિદ્યાર્થીઓની મોટી સંખ્યા મળવાનો સંભવ છે ૫ણ નિયમો બહાર પડ્યા પછી તરત જ પરીક્ષાઓ આવી અને કૉલેજો બંધ થઈ એટલે જ્યાં લગી કૉલેજો ઊઘડે નહીં ત્યાં લગી કાંઈકામ ન જ થઈ શકે. સરકાર માત્ર ત્રણસોનો નિર્દેશ કરે છે, ૫ણ મિસિસ બેસંટે સાડી ત્રણસો નામ નોંધાવ્યાં છે. આ બધી હકીકત લેતાં અંગ્રેજ અધિકારીઓની વૃત્તિનું ખરું સ્વરૂપ કળાઈ આવે છે. હિંદીઓને લશ્કરી તાલીમ આપવાની એઓ વિરુદ્ધ છે અને નછૂટકે આટલી ૫ણ દોરી ઢીલી મૂકવી પડી છે. હિંદના સર્વે અંગ્રેજોને આયુધબદ્ધ કરવામાં આવે અને લશ્કરી તાલીમ આપવામાં આવે તો હિંદમાં અસંતોષ જબરો ફેલાય અને હથિયારો કરતાં શાસિત પ્રજાનો અસંતોષ સમૂળ વિનાશ કરી શકે છે એની કાંઈ ઈષદ્ ઝાંખી હોવાથી અને ઈંગ્લૅંડનાં પ્રધાનમંડળના આગ્રહથી આટલું કર્યું છે, ૫ણ આપણા અધિકારીઓની ખૂબી છે કે હિંદી પ્રજાને નછૂટકે કમને હક આપી તેની અસર ફલહીન કરી દે છે. કારોબારી સભામાં એક હિંદીની નિમણૂક કરવી પડશે તો બીજી બે ત્રણ મોટા પગારની નોકરીઓ અંગ્રેજ અધિકારીઓને માટે ઊભી કરશે. મ્યુનિસિપાલિટીઓને પોતાના પ્રમુખ ચૂંટવાનો હક આપશે ત્યારે તે જ વખતે અથવા પછીથી અંગ્રેજ અધિકારીને મ્યુનિસિપાલિટીના કારોબારી અમલદાર તરીકે નિમાવશે. ધારાસભામાં સભાસદોની સંખ્યા વધારશે ત્યારે મતદારમંડળ એવાં નિયોજશે કે તેમના તરફથી સરકારી અધિકારીઓના ખુશામતીયા અને ખાંધીયાઓ જ ધારાસભામાં જઈ સરકારનો હાથ ઢીલો નહીં પડવા દે. આવું જ આ હકની બાબતમાં કર્યું છે. અંગ્રેજોની સાથે કેળવાયેલા હિંદીઓને સરખા ગણ્યા નથી. પગાર, તાલીમ, ઉંમર, ‘સ્કાઉટ્સ’ ‘રિઝર્વ’ વગેરે સર્વેમાં હિંદીઓના સ્વમાન અને પદવીને લાંછન લગાડે એવા ભેદ રાખવામાં આવ્યા છે. આ ભેદો ખૂંચે એવા છે છતાં તેમની પરવા કીધા વિના ઉક્ત હકનો લાભ લેવા હિંદી યુવકોને હિંદી લોકનાયકોએ નિરંતર આગ્રહ કર્યો છે પણ સાથે સાથે આ હીણપતની અને લાંછનની સ્થિતિની સખતમાં સખત ટીકા કર્યા વિના તેમનાથી રહેવાયું નથી. આ ટીકાને રદિયો આપવા સરકારે પ્રયત્ન કર્યો છે. ઈંગ્લૅંડમાં પણ ટેરિટોરિયલ લશ્કરને સ્થાયી લશ્કર જેવી જ અનુકૂળતાઓ આપવામાં આવી હતી. પોતાના ધીકતા ધંધા છોડી સ્થાયી સૈનિકના જૂજ પગાર ઉપર નિર્વાહ ચલાવવા અને રણક્ષેત્રમાં પોતાનાં લોહી રેડવા તેઓ બિલકુલ આનાકાની વગર તૈયાર થયા હતા તેમનો દાખલો આપણને શરમાવા અને ગર્ભિત રીતે આપણા પર આક્ષેપ કરવા આપવામાં આવ્યો છે. ઈંગ્લૅંડ પ્રમાણે અહીંની રાજ્યનીતિ ચાલતી નથી. ત્યાંના લશ્કરીખાતામાં અંગ્રેજોને સ્થાન છે; તેમની સત્તા પ્રમાણે કામ થાય છે અને ત્યાંનાં વર્તમાનપત્રો અને પાર્લમેન્ટના સભાસદો તે ખાતાની સમીક્ષા કરી શકે છે. આપણે ત્યાં આમાંનું કાંઈયે નથી. ઈંગ્લૅંડમાં ચાલતી સારી કલ્યાણકર નીતિ અહીં દાખલ કરવા આપણા અધિકારીઓ કદી ઉત્સુક નથી હોતા પણ અંકુશને માટે, દાબને માટે, ઠપકાને માટે દાખલા આપવાના હોય ત્યારે ત્યાંના અપાય છે અને બતાવાય છે કે જુઓ અંગ્રેજો કેમ આવા કાયદાઓ અને આવી શરતોને અનુકૂળ થાય છે. અમારો જવાબ એટલો જ છે કે અમને સરખી સ્થિતિમાં મૂકો ને પછી અમે ફરિયાદ નહીં કરીએ. ત્રીજી વાત સરકારી ઠરાવમાં છે કે લશ્કરમાં હિંદીઓને અમલદારી આપવાનો પ્રશ્ન બહુ વિકટ અને ગંભીર છે અને અત્યારે લશ્કરી ખાતું એટલું બધું રોકાયેલું છે કે એનું નિરાકરણ કરી નહીં શકે. ઇંગ્લૅંડનું પ્રધાનમંડળ સામ્રાજ્યના અને જગતના પ્રશ્નોના નિરાકરણ આવા મહાભારતવિગ્રહની સર્વતોમુખી વ્યવસ્થા, જંજાળ, ચિંતા આદિ દરમ્યાન કરી શકે અને મોજશોખ, રમતગમત, નાચરંગ, ખાણાપીણામાં મહાલતા, બાદશાહી મકાનોમાં અને મનને ગમે એવી હવામાં વસતા, અસંખ્ય કારકુનો અને ખિદમતગારોથી વીંટળાયેલા ભારે પગારના અંગ્રેજ અમલદારો આ એક નાનાં પ્રશ્નનું નિરાકરણ નહીં કરી શકે તો દુનિયા હિંદના અંગ્રેજ અધિકારીઓની બુદ્ધિ અને સ્વાર્થવૃત્તિ વિશે શું ધારશે તે કળવું અઘરું નથી. મહત્વની વાત સરકાર વીસરી જાય છે. આખા દેશને અર્ધા સૈકાથી નિઃશસ્ત્ર કર્યો છે. લડાયક જુસ્સો જેથી જાગૃત રહેતો તે સર્વે પરિસ્થિતિ પલટી નાખી છે. શાંતિ પ્રસરવાથી વિલાસો વધ્યા છે અને વિલાસો અથવા દૈનિક અવશ્યક હાજતો પૂરી પાડવા શ્રમ વધારે કરવો પડે છે તેથી તેમ જ ચેપી રોગો અને દુકાળો ઉપરાછાપરી વધવાથી લોકોનાં શરીરબળ ક્ષીણ થતાં જાય છે, ઝનૂન નરમ પડી જાય છે અને લડાયક જુસ્સો ઓગળી જાય છે. શસ્ત્ર પકડવાથી પ્રતિષ્ઠા, દ્રવ્ય, સત્તા, રાજ્ય મળતાં ત્યારે હિંદમાં અસંખ્ય સૈનિકો ઉત્પન્ન થતા પણ આજે બધું પરિવર્તિત થઈ ગયું છે એટલે સૈનિકો મળતાં વાર લાગે તેમાં નવાઈ નથી. એ પેશો બને એટલો આકર્ષિત કરવો જોઈએ અને સમગ્ર રચનામાં સમભાવ, ઉદારતા અને શાસિતોનું હિત ઓતપ્રોત હોવાં જોઈએ. પણ આટલે વખતે જોઈ શકાયું છે કે તેમની ન્યૂનતા છે. સર્વ દૃષ્ટિથી જોતાં આ સરકારી ઠરાવ ડહાપણ વગરનો અને વસ્તુસ્થિતિની ઉપેક્ષા કરનારો છે. મુંબઈ યુનિવર્સિટીની લશ્કરી ટુકડી કરવા વાઈસ ચાન્સેલર મિ. સેતલવાડની આગેવાની સાથે મુંબઈની અને પૂણાની કેટલીક કૉલેજોના પ્રિન્સિપાલો અને બીજા કેટલાકો નામદાર ગવર્નર પાસે ગયા હતા. આખા ગુજરાતની ચાર કૉલેજોનો કોઈ પ્રતિનિધિ નહોતો એ અતિશય લજ્જાસ્પદ છે. ગુજરાત કૉલેજ સરકારી સંસ્થા છે. તેના પ્રિન્સિપાલ અંગ્રેજ છે. ત્યાં હજુ કાંઈ પણ હિલચાલ થયેલી સાંભળવામાં નથી આવી. અમદાવાદમાંથી વૉરલોન માટે નાણું મેળવવા સરકારી અમલદારો જેટલા ઉત્સુક છે તેના સહસ્ત્રાંશે ગુજરાતીઓની હિંદ રક્ષક સૈન્યમાં ભરતી કરવા ઉત્સુક હોત તો કેવું સારું! બીજી ત્રણ કૉલેજો દેશી રાજ્યોમાં છે. એ ત્રણે રાજ્યોમાં લશ્કર હોવા છતાં કેળવાયેલાઓને તેમાં રાખવા માટે તદ્દન ઉદાસીનતા અને બેપરવા આજ લગી બતાવાઈ છે તે એકદમ પલટો ખાય એમ નથી. ગુજરાતમાં ડૉ. મૂલિક, પ્રિ. પરાંજપે જેવો કોઈ આગેવાન નથી. તેમ ગુજરાતીઓમાં એકતા નથી. ભાટિયાઓએ પોતાની જ્ઞાતિના સ્વેચ્છાસૈનિકો મેળવવા અલાયદી ગોઠવણ કરવા માંડી છે. કાઠિયાવાડનાં દેશી રાજ્યો પોલિટિકલ એજંટની ઇચ્છા વિના આ દિશામાં સહેજ પણ સંચલન કરે એવા નથી તેમ મંદિરોમાં અને લગ્નાદિ પ્રસંગે પૈસાની લખલૂટ લહાણી કરનાર ગુજરાતી ધનાઢ્યો યોગ્ય સ્વેચ્છા-સૈનિકોને આકર્ષવા પોતાનું દ્રવ્ય આપવા હજુ તત્પર થયા નથી. સર્વત્ર નજર કરતાં અમને નિરાશા, ખેદ, લજ્જા, માનહાનિ, અભિમાનક્ષોભ, ગૌરવચ્યુતિ, વિલાસપ્રિયતા, નિર્વીર્યતા, ઉપાલંભ અને નિંદાની પાત્રતા દેખાય છે. જ્યાં મર્મ વીંધાઈ જાય છે, ચેતન યંત્રણાવ્યથિતિ થાય છે, ત્યાં પ્રોત્સાહનનો શંખનાદ ક્યાંથી નીકળે!

સત્તરમી પ્રાંતિક રાજકીય પરિષદ

ભારત સેવક સમાજના પ્રમુખપદે ગોખલેના અકાલીન અને શોકજનક મૃત્યુ પછી ઑ. મિ. શ્રીનિવાસ શાસ્ત્રી પસંદ થયેલા છે. તેમણે મદ્રાસ અને મુંબઈ ઈલાકાના સાર્વજનિક જીવનમાં અગ્રણી થઈ, મદ્રાસની અને વરિષ્ટ ધારાસભામાં દેશના હિત માટે લડત ચલાવી પોતાનું સ્થાન દીપાવ્યું છે. એઓ ‘અભ્યાસી છે, વિચારક છે, પંડિત છે’. નાસિકની પરિષદમાં એમના જેવા બહુશ્રુત, રાજ્યદ્વારના વ્યવહારુ પ્રશ્નોના અભ્યાસી, સ્વાર્થત્યાગી દેશસેવક પ્રમુખ થયા હતા અને સ્વાભાવિક રીતે ભાષણ એમની પ્રતિષ્ઠાને છાજે એવું હતું. ભાષણ બહુ લાંબું નહોતું પણ મુદ્દાસર હતું. સ્વરાજ્યની માગણીની એમાં અસરકારક હિમાયત કરવામાં આવી છે. જે વખતે એઓ ૧૭મી પ્રાંતિક રાજકીય પરિષદના પ્રમુખપદેથી મુંબઈના અભિપ્રાયો વ્યક્ત કરતા હતા તે જ વખતે મદ્રાસમાં કુડ્ડલૂરમાં ત્રાવણકોર, મૈસૂર અને વડોદરાના માજી દીવાન માધવરાવે મદ્રાસનો અભિપ્રાય જણાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: અંગ્રેજ અધિકારીઓના શાસનથી દેશને કોઈ પણ રીતે ફાયદો થયો નથી. હિન્દુસ્તાનને માટે હિન્દુસ્તાનનું શાસન થવું જોઈએ તે થયું નથી. તેથી એમના હાથમાંથી સત્તા લઈ હિંદીઓને હવે સોંપવી જોઈએ. રાજકાજમાં દેશના વતનીઓને વધારે ને વધારે સામેલ કરવા, રાજ્યનીતિની દિશા એમનાથી સૂચવાવી જોઈએ અને તેના ઉપર અંકુશ એમનો રહેવો જોઈએ અને અધિકારીઓ વસ્તુતઃ પ્રજાના સેવકો રહેવા જોઈએ એ બાબતો હવે મશહૂર થઈ છે અને તે પ્રાપ્ત કરવા હિંદીઓ માત્ર આતુર છે એમ નથી પણ સબળ ચળવળ ચલાવી રહ્યા છે. ઑ. શ્રીનિવાસ શાસ્ત્રીએ આ પ્રશ્નની મીમાંસા જુદી રીતે કરી છે. અમદાવાદમાં ગયે વર્ષે મુંબઈ ઈલાકાના નાગરિકો મળ્યા હતા તે પછી મહત્ત્વનો બનાવ સામ્રાજ્ય પરિષદમાં બે હિંદીઓ હાજર રહેવાનો બન્યો છે. હિંદીઓના નહીં પરંતુ હિંદની અંગ્રેજ સરકારના પ્રતિનિધિઓ તરીકે બન્ને ગયા હતા. રાજદ્વારે હકો ક્રમે ક્રમે મળે છે અને તેની લહાણી થતી નથી પરંતુ તેના ઝીણામાં ઝીણા અંશ માટે લડવું પડે છે, આત્મભોગ આપવા પડે છે અને સતત ચળવળ કરવી પડે છે. આ દૃષ્ટિથી જે હક અત્યારે પ્રાપ્ત થયો છે તેથી ભાષણકર્તાને સંતોષ થાય છે. એક મોટો હક મળ્યો છે તો હવે પછી વધારેને માટે લડત ચલાવી શકાશે. પ્રતિવર્ષ સામ્રાજ્ય પરિષદ મળશે અને તેમાં હિંદી પ્રધાન હિંદ તરફથી હાજર રહેશે અને તેની મદદમાં હિંદની અંગ્રેજ સરકારનો નિયુક્ત પુરુષ જશે. બનતા લગી તે પુરુષ હિંદીઓમાંથી પસંદ કરવામાં આવશે આવો નિર્ણય ઑ. મિ. શાસ્ત્રીના ભાષણ પછી હમણાં જ પ્રગટ થયાં છે. આવી સ્થિતિમાં આપણે આપણો પ્રતિનિધિ જ જાય અને હિંદી પ્રધાન નહીં. પરંતુ તે પ્રતિનિધિ જ હિંદ તરફથી પરિષદમાં હાજર રહે એવી માગણી કરવી જોઈએ અને બીજું આપણો પ્રતિનિધિ જાય અથવા સરકારનો નિયુક્ત પુરુષ જાય તે વખતે આપણી શી ઇચ્છાઓ છે તેનું સ્વરૂપ તે સમજી શકે માટે આપણે સામ્રાજ્યના પ્રશ્નોનો અભ્યાસ કરી આપણું અને સામ્રાજ્યનું હિત આપણે કેવી રીતે સાધી શકીએ તેનો નિર્ણય કરી તદનુસાર લોકમત કેળવવો અને પ્રગટ કરવો જોઈએ. સ્થિતિ એવી આવતી જાય છે કે બ્રિટિશ મહારાજ્યની સંકલિત રાજ્યનીતિ કરવા ગ્રેટ બ્રિટનને પોતાના અધિવાસોની સલાહ અને મદદ લેવાં પડશે. હિંદ અધિવાસ નથી પરંતુ અધીન પ્રદેશ છે; છતાં તેને લીધે બ્રિટિશ સામ્રાજ્ય છે, તેની પાસે એવાં સાધનો છે જે સામ્રાજ્યને ગમે તે વખતે ઉપયોગમાં આવી શકે છે. પ્રસ્તુત મહાભારત વિગ્રહમાં લશ્કર, સરંજામ, ખોરાક વગેરેની બાબતોમાં આપણી મદદે ન હોત તો શરૂઆતમાં કેટલી મુશ્કેલી ઊભી થાત તેનો ખ્યાલ કરવો કઠિન નથી. આપણને ઇષ્ટ હોય યા નહીં પણ આ સ્થિતિ આપણે સ્વીકાર્યા વિના છૂટકો નથી. ઇંગ્લૅંડ અને સામ્રાજ્યનાં બીજાં અંગો એ સેવાની અપેક્ષા રાખવાના એટલે આપણે એ માટે તત્પર રહેવું અને એ સેવાના પ્રમાણમાં આપણાં પ્રતિષ્ઠા અને પ્રભાવ પ્રાપ્ત કરવાં જોઈએ. મેસોપોટેમીયા સર કરવામાં હિંદી કર ભરનારાનું નાણું ખર્ચાયું છે, હિંદી સિપાઈઓનાં લોહી રેડાયાં છે, હિંદી મજૂરો અને વેપારીઓથી બધી સગવડ થઈ છે તો એ દેશ હિંદીઓને જ સ્વાધીન કરવો જોઈએ. એના વેપાર–ઉદ્યોગ ખીલવવાનો ઇજારો અંગ્રેજોને નહીં પણ હિંદીઓને મળવો જોઈએ અને એ મેળવવા હિંદીઓએ સજ્જડ પ્રયત્ન કરવો જોઈએ. સામ્રાજ્યના મંત્રીમંડળમાં પ્રતિષ્ઠા પામવાની આવશ્યકતા આમ સ્વતઃસિદ્ધ જેવી છે એટલે કેવી રીતે પ્રતિષ્ઠા મેળવવી એ પ્રશ્ન વિચારવો પડશે. હમણાં જ ભરાયેલી પરિષદમાં એવો ઠરાવ થયો છે કે પરરાજ્યો સાથેના સંબંધોની નીતિ અને સ્વરૂપ નક્કી કરવામાં હિંદને અને અધિવાસિત પ્રદેશોને વાજબી અને પૂરતો અવાજ આપવામાં આવશે. આની સાથે એવો પણ નિર્દેશ થયો છે કે સામ્રાજ્યનાં અંગોની જે વ્યવસ્થા થાય તેમાં અધિવાસોને આત્મશાસક રાષ્ટ્ર ગણવા અને હિંદુસ્તાનને તેનો મહત્ત્વનો અંશ ગણવો. આનો અર્થ શો? અધિવાસોથી ઊતરતી પાયરીએ હિન્દ રહેશે? કે હિન્દના આન્તરશાસનમાં ફેરફાર નહીં થાય પરંતુ સામ્રાજ્યના શાસનમાં તો તે અધિવાસોનું સમોવડીયું થશે? હિન્દ આત્મશાસક ન હોય તો તે કેવી રીતે પોતાનો મત ગ્રેટબ્રિટનથી સ્વતંત્ર, અધિવાસોની જેમ વાપરી શકશે? સામ્રાજ્યની પાર્લામેન્ટમાં ગ્રેટબ્રિટનથી સ્વતંત્રપણું એ આંતરવ્યવસ્થામાં ગ્રેટબ્રિટનથી સ્વતંત્રપણું હોય તેના કરતાં રાજ્યબંધારણની દૃષ્ટિએ વધારે મહત્ત્વનું છે. આપણને મોટી ચીજ આપવામાં આવશે અને નાનીથી પરાઙ્મુખ રાખવામાં આવશે? ભવિષ્યના મહાપ્રજાશાસનમાં સમોવડીયું સ્થાન લેવા હિંદમાં સ્વરાજ્ય હોવું અમને તદ્દન જરૂરનું લાગે છે. હિંદીઓ સામ્રાજ્યસંયોજન(Federation) માટે બહુ ઉત્સાહપૂર્ણ નથી. આંતરવ્યવસ્થામાં સ્વરાજ્ય મેળવવા તેમણે નિશ્ચય કર્યો છે. રાજ્યબંધારણની કલમો ગમે તેવી હોય, પણ જ્યાં લગી આંતરશાસનમાં હિંદના પ્રતિનિધિઓનો સહેજ પણ પ્રભાવ ન હોય ત્યાં લગી બાહ્ય વિષયોમાં તેમનો પ્રભાવ શૂન્યવત્ રહેવાનો. પણ જો હિંદ આત્મશાસક થાય તો સામ્રાજ્યના મોટાં મંત્રીમંડળોમાં પોતાના વાજબી હક તે મેળવી શકશે. સામ્રાજ્યની પાર્લામેન્ટ સ્થાપવાનું હજુ નક્કી કર્યું નથી. પણ હિન્દુસ્તાન પોતે સ્વતંત્ર રીતે પસંદ કરેલા પ્રતિનિધિઓને તેમાં સ્થાન મળવું જોઈએ અને સર્વેને માટે પ્રતિનિધિત્વનું ધોરણ એકસરખું—લોકવસ્તી અથવા સામ્રાજ્યના કોશમાં અપાતાં દ્રવ્યને અનુલક્ષી હોવું જોઈએ. હિંદમાં સ્વરાજ્ય મેળવવા વરિષ્ટ ધારાસભાના ૧૯ સભાસદોએ એક યાદી વાઈસરૉયને નજર કરી છે અને લખનૌમાં ગયે વર્ષે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે એક યોજના મંજૂર કરી છે. એ સંબંધમાં જે ટીકાઓ થઈ છે તેમની મીમાંસા કરતાં આયર્લૅન્ડના વિકટ પ્રશ્નને અંતે બ્રિટિશ પ્રધાનોએ જે વચનો કહ્યાં છે તેમનું અવતરણ કરી હિંદના સ્વરાજ્યના પ્રશ્નને તે લાગુ પાડ્યાં છે. હિંદની જે માગણીઓ છે તેથી પરિક્રાંતિ નથી થવાની પણ અટકવાની છે. વહીવટનું રૂપ બદલાશે નહીં, મુખ્ય સુબાઓ અને કારોબારી સભાઓ, ધારાસભાઓ હાલની માફક રહેશે. રાજ્યસેવકો, નાણાવ્યવહારની પદ્ધતિ, ન્યાય પદ્ધતિ, કેળવણીની પદ્ધતિ અખંડ રહેશે, વેપાર કે ખેતીને ધક્કો નહીં પહોંચે. કોઈ કોમની સ્વતંત્રતા કે ગમે તે ધર્મ પાળવાની છૂટ છે તેવાં જ રહેશે. લશ્કરી બાબતો વિગ્રહ અને સંધીકરણ જેમના હાથમાં છે તેમના હાથમાં જ રહેશે તો પછી પરિક્રાંતિ ક્યાંથી થવાની?... એમ કહેવાય છે કે અમને અમારા અભિપ્રાયો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પછી એથી વધારે શું જોઈએ! એથી હવે અમને સંતોષ નથી. અમારે રાજ્યદ્વારમાં સત્તા જોઈએ છે; અમારે અમારા ઉપર શાસન કરવાનો હક જોઈએ છે..... હિંદ સમૃદ્ધ અને સુખી હોય છતાં પણ હાલની રાજ્યવ્યવસ્થાથી અસંતુષ્ટ હોય – પોતાના અભિમાન અને સ્વમાનના ભંગથી અસંતુષ્ટ હોય તો તે સમૃદ્ધિ, તે સુખ નકામાં છે. હિંદને સ્વરાજ્ય મેળવતાં વાર છે; ક્રમે ક્રમે મળશે એમ કહેવામાં આવે છે પણ કેટલા ક્રમ પછી? કેટલા વખત પછી? મિ. શાસ્ત્રી ઇતિહાસની તારીખો ગોઠવી બતાવે છે કે અતિશય મંદગતિએ પ્રજાશાસન આપણે ત્યાં ચાલે છે. કાયદામાં આપણે અંગ્રેજોના સમોવડીયા ગણાયા ને ૮૪ વર્ષ થયાં છતાં રાજ્યવહીવટની નોકરીઓનો ચોથો કે ત્રીજો ભાગ મેળવવાની વાતો ચાલે છે. રાહ જોઈજોઈને કંટાળી ગયા. અમારી ધીરજને પણ હદ હોવી જોઈએ. આમ બે મહત્ત્વના પ્રશ્નો (૧) સામ્રાજ્યમાં હિંદનું સ્થાન અને (૨) પોતાની આંતરવ્યવસ્થા પોતાની મેળે કરવાના હિંદના હક વિશે મુદ્દાસર, વિવેકથી અને આગ્રહપૂર્વક એમણે ચર્ચા કરી છે. એમના ભાષણમાં બીજા મુદ્દાઓ છે પણ તેમનો નિર્દેશ આવતા અંકમાં કરીશું. નાસિકમાં જે દેશજનો એકત્ર થયા હતા તેમાં કહેવાય છે કે માત્ર ૧૦–૧૫ ગુજરાતીઓ હતા અને તેમાંયે ફક્ત ઑ. ગોકળદાસ પારેખ જ સુપ્રસિદ્ધ ગુજરાતી અગ્રણીઓમાંથી હતા. અમદાવાદમાં વર્ષ ઉપર અતુલ ઉત્સાહ બતાવનાર પ્રજાનો ઉમંગ અને આગ્રહ મોળા પડી ગયા એ અતિશય ખેદની વાત છે. બીજી જાણવા જેવી બાબત ત્યાં બની હતી ને સત્કાર મંડળના પ્રમુખોનાં ભાષણો મરાઠીમાં થયાં હતાં તે. મહાત્મા ગાંધીના શબ્દોની અસર થઈ ખરી. આવી પ્રાંતિક પરિષદોનો ઉદ્દેશ (૧) જ્યારે દેશમાં મહત્ત્વના પ્રશ્નો ચર્ચાતા હોય ત્યારે તે પ્રશ્નો વિશે લોકમત કેળવવાનો અને પ્રગટ કરવાનો હોવો જોઈએ. જેમ મિ. શાસ્ત્રીએ કર્યું છે અથવા (૨) પ્રાંતના ખાસ પ્રશ્નો લઈ તેની સબળ અને સુઘટિત મીમાંસા કરવી જોઈએ. હાલમાં આખા દેશના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આવી નાની પરિષદોમાં જેટલું અપાય છે તેટલું સ્થાનિક પ્રશ્નો પ્રત્યે નથી અપાતું. પરિષદોમાં માત્ર વર્ષ દિવસે આખા વર્ષ દરમિયાન લોકમત વ્યક્ત થયો હોય તે એકરૂપે પ્રગટ થાય છે પણ એ મત કેળવવા વર્તમાનપત્રો સિવાય બીજાં સાધનો નથી તે અસ્તિત્વમાં આણવાં જોઈએ. પરિષદોમાં ભાષણો અને ઠરાવો કરી કૃતકૃત્ય થવાય છે પણ પ્રશ્નોના અભ્યાસ પરત્વે જોઈએ તેટલું ધ્યાન અપાતું નથી. અત્યારે જે મોટા પ્રશ્નો હિંદની સમક્ષ ઊભા થયા છે, રાજ્યવ્યવહારના, નાણાંના, વેપારના, ઉદ્યોગના; કેળવણીના, સામ્રાજ્યના અંગો સાથેના સંબંધના વગેરે સંબંધમાં પુખ્ત વિચાર કરવા આગેવાન નિપુણ હિંદીઓની પરિષદો મળવી જોઈએ અને સર્વે પ્રશ્નો વિશે સર્વાંગ વિચાર કરી સર્વે પ્રદેશની આપણી માંગણીઓનાં મૂળ તત્ત્વો અને બને તો વિગતો જાહેરમાં મુકાવી જોઈએ. વળી અંગ્રેજ પ્રજા પાસેથી હક મેળવવાના છે, માટે બંધારણને વળગી રહી આપણે ફેરફાર કરાવવા છે એટલે આવું થવાની જરૂર છે. ભાષણો અને ઠરાવો માત્ર ઉભરા જેવા છે એમનું સંગીન પરિણામ ઓછું છે. હવે એક બીજી વાત. આ બધી ચળવળમાં સરકાર પાસે માગણી કર્યા કરવામાં આવે છે પણ જે લક્ષ્ય માટે એ માગણી થાય છે તે પ્રાપ્ત કરવા આપણે જાતે શું કરવું જોઈએ— આપણાં સ્વભાવ, ઉછેર, કેળવણી, રીતરિવાજો, સામાજિક વ્યવહારોમાં શાં શાં પરિવર્તન કરવાં જોઈએ, સરકાર ન કરે અથવા કરવામાં ઢીલ કરે તો આપણે શું કરવું જોઈએ. આપણા હાથમાં જેટલું હોય તેનો દેશના કલ્યાણ અને પ્રગતિ માટે વધારે સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ વગેરે બાબતોનો વ્યવહારુ વિચાર કરવા પણ પરિષદ થવી જોઈએ. હકને માટે લડીએ છીએ પણ સાથે સાથે કર્તવ્યનો પણ વિચાર કરી તે આચરવા મનોબળ વાપરીશું નહીં ત્યાં લગી આ બધું એકદેશી છે અને તેમ આપણો ઉદ્ધાર અધૂરો રહેશે. વડોદરાનો જ્ઞાતિરિવાજ કાયદો આના સંબંધમાં અમારા વિચાર ગયા અંકમાં પ્રગટ કરી ગયા છીએ. સર નારાયણ ચંદાવરકર જેવા સુધારકોના નાયકનો એના સંબંધમાં અભિપ્રાય પૂછવામાં આવેલો તે એમણે ટાઇમ્સ ઑફ ઇંડિયામાં છપાવ્યો હતો. આપણા દેશમાં પ્રાચીન કાળમાં કાયદા કેવી રીતે ઘડાતા તેનું વર્ણન આપી આ યુગમાં રાજા પોતાના અધિકારીઓ અથવા ધારાસભાની સંમતિથી આચારો ફેરવી શકે એવું એઓ પ્રતિપાદન કરે છે. જ્યારે આર્ય સમાજમાં શિષ્ટો હતા અને તેમને જનસમૂહ માન આપતો અને તેઓ લોકકલ્યાણ લક્ષમાં રાખી વર્તતા ત્યારની વાત જુદી છે. અત્યારે એવા શિષ્ટો છે? વળી જેમને માટે આ કાયદો ઘડવામાં આવે છે તેમને શિષ્ટશાસન પ્રિય છે કે આત્મશાસન? વળી જે રાજાઓ આ પ્રમાણે કાયદાઓ ઘડવા તૈયાર હોય તેઓ રાજ્યવ્યવહારમાં શિષ્ટોના અંકુશનો સ્વીકાર કરે છે? જો ન હોય તો અને નથી એ સાબિત કરવું મુશ્કેલ નથી— પછી આ ઉદાહરણ અપ્રસ્તુત છે. આ માર્ગે જવાથી ગુજરાતને ઘણો મોટો ભય છે. ગુજરાતમાં એક રાજ્ય નથી પણ અનેક રાજ્યો છે. એક રાજા સારો હોવાથી રૈયતનું હિત વિચારી આ રીતે કદાચ સારા કાયદા ઘડશે, પણ મોરબી અથવા જામનગરમાં આજે પ્રજાના રંજાડ માટે જે આપખુદ અને જોહુકમી કાયદાઓ સવાર પડતાં રોજ પ્રગટ થાય છે તેવા કાયદાઓ સર નારાયણના શિષ્ટવાદને અનુલક્ષીને ઘડાશે અને ગુજરાતની રાંક પ્રજાને હેરાની અને રંજાડનો સુમાર રહેશે નહીં.

સર નારાયણ કહે છે કે આરોગ્યની જાળવણી માટે, નીતિના સંરક્ષણ માટે રાજ્ય કાયદા કરી શકે છે તો આ બાબતમાં પણ કાયદા કરી શકે અને એની બીજી નહિતર લોકોના વિચાર અને પ્રત્યય ઉપર તો અસર થશે જ. જ્યાં સુધી કાયદો લોકો માગે નહીં ત્યાં સુધી કાયદા ઘડવાથી તેની ધારેલી અસર થતી નથી. આ જમાનામાં કાયદા ઘડવાની ઘેલછા પ્રત્યેક રાજ્યને લાગી છે. ધારાસભા હોય અને તેનું નિયમિત સંમેલન થાય ત્યારે નવા ધારા ઘડવા જ જોઈએ પણ ધારા ઘડતાં પહેલાં લોકમત કેળવવા કે સમજવા અને વસ્તુસ્થિતિનો સર્વતોમુખી પરિચય મેળવવા પ્રયાસ થતો નથી. મુંબઈમાં ખરાબ દૂધ મળે છે એટલે તેને અટકાવવા કાયદો ઘડાયો અને દૂધના ઇન્સ્પેક્ટરો નિમાયા, પણ ખરાબ દૂધ આવવાનું કારણ શું? સારું દૂધ આપવા કેવી તજવીજ થઈ શકે? મ્યુનિસિપાલિટી અને સરકાર એ બાબતમાં કેટલે દરજ્જે સહાય થઈ શકે? ખરાબ દૂધ આવવાનાં કારણો નીતિગત છે કે આર્થિક છે કે રાસાયણિક છે? આ સર્વેનો વિચાર કરવામાં આવ્યો જ નહીં અને ગ્રાહકો અને દૂધવાળાઓને નરસા દૂધથી થતા ગેરફાયદા સમજાવવા પણ પ્રયત્નો થયા નહીં, સારું દૂધ નહીં મળે તો ચલાવી લઈશું પણ હરગીજ નરસું નહીં વાપરીએ અને નઠારું વેચનારને સજા કરાવીશું એવો પ્રબળ લોકમત જાગૃત કરી કાયદો ઘડવાને બદલે કાયદો ઘડેલો દૂર કરવા પ્રયત્ન થયો અને ખરાબ દૂધ વેચાતું હતું તે તો વેચાયે જાય છે. આવું જ સામાજિક કાયદાઓનું ફળ થવાનું. માટે સર નારાયણનું આ ઉદાહરણ પણ અમારા વિચાર ફેરવી શકતું નથી. છેલ્લે મહત્ત્વની એક વાત એઓ કહે છે : જ્ઞાતિના ૧/૪ જણોને કોઈ આચાર ન ગમ્યો તો તે ફેરવવા તેઓ રાજ્યની મદદ મેળવી શકે એ કલમ હાનિકારક છે. આચાર લોકકલ્યાણ કે રાજ્યહિતનો વિઘાતક હોય તો જ આવું પગલું ભરી શકાય. નહિતર અનિષ્ટ રિવાજ પણ દાખલ થઈ જશે. જ્યાં અનેકપત્ની વિવાહ નહીં હોય ત્યાં જ્ઞાતિના ચોથા ભાગની મરજી થઈ તો તેઓ તે રિવાજ દાખલ કરાવી શકશે? અલ્પમતીને આવી રીતે બહુમતીને રાજ્યાશ્રયથી કચરવા દેવી એ તો રૂઢિના બળથી બહુમતી કચરે છે તેના જેવું જ થયું. અલ્પમતીએ પોતાના વર્તનથી, પોતાના આગ્રહથી, પોતાની નિષ્ઠાથી, પોતાની જ્ઞાતિ-હિતપરાયણતાથી પોતાના વિચાર તરફ જ્યાં લગી બહુમતીને વાળી નથી ત્યાં લગી આવી જાતની રાજમદદ કલહજનક નીવડશે. અમને આ કાયદો અત્યારે બિનજરૂરી લાગે છે. ખરું જોતાં લોકમત કેળવવા નામદાર ગાયકવાડ સરકારે થઈ શકે તેટલા પ્રયત્ન કરવા જોઈએ. વડોદરા રાજ્યમાં વસતી પ્રત્યેક જ્ઞાતિની પરિષદ બોલાવી સામાજિક રિવાજોના ફેરફાર માટે પોતાની દેખરેખ નીચે ચર્ચા કરાવી નાતો પાસે જ પોતાના રિવાજ ફેરવાવે તો ઇષ્ટ પરિણામ સત્વરે આવશે. જો ગુજરાતના હિન્દુ સમાજને સબળ, શ્લિષ્ટ અને એક રાખવી હોય તો અમે દર્શાવેલા રસ્તાઓ અંગીકાર કરવાની જરૂર છે.


  1. આ નોંધ લખવામાં કૉમનવીલ, એપ્રિલ ૨૦, ૧૯૧૭-નો ઉપયોગ કર્યો છે.