રણજિતરામ ગદ્યસંચય – ૨/લોકગીત
લોકગીતનો ઉષઃકાળ તે સાહિત્યનો ઉષઃકાળ છે. વસ્તુતઃ સાહિત્યનો ઉદ્ભવ લોકગીતમાંથી જ થયો છે. દરેક પ્રજાનું સાહિત્ય પ્રથમ ગાથા અથવા ભજનોના રૂપમાં આવિર્ભાવ પામ્યું છે. કવિત્વ અને સંગીતના અંશ માનવ આત્મામાં વસેલા છે. માનવીના હૃદયની વાંછનાઓ, આત્માની અભિલાષાઓ આ બન્નેના આશ્રયે વ્યક્ત થાય છે. જેવી રીતે વાતાવરણમાં નિવસતું બાષ્પ આપણી ચામડીને શિશિરમસૃણ કરે છે તેમ આ બન્ને આપણા જીવનને કરે છે. વાદ્ય, ગવૈયા, રંગભૂમિ વગેરે વિનોદસામગ્રીથી પોતાનો થાક ઉતારવા, વખત ગાળવા, આનંદ મેળવવા જેઓ ભાગ્યશાળી નથી એવા ગામડિયા, ભીખારીઓ અને શિક્ષણવિમુખ સ્ત્રીપુરુષો પોતાનાં હૃદયમાં વસતા ભાવો સંગીત દ્વારા પ્રકટ કરે છે. આવી નિર્દોષ ગમ્મતમાં તેઓ પોતાના સંજોગો, પોતાની તવારીખ, પોતાની ખાસિયતો વગેરેની રૂપરેખાઓ આલેખે છે. આ લેખમાં આવું કાંઈ દિગ્દર્શન કરાવવાનો આશય છે. આ નિર્દોષ ગમ્મતમાં ઉત્પન્ન થયેલું સાહિત્ય તે દેશજ સાહિત્ય કહી શકીએ. તેના ઘણા ભેદપ્રભેદ છે. લોકગીત, લોકકથા, જનવાર્તા(folkore); કહેવતો; સમસ્યા, ઉખાણાં; વગેરે વગેરે આ ભેદપ્રભેદનાં અભિધાન છે. આ લેખમાં લોકગીત સંબંધે કિંચિત કહેવામાં આવ્યું છે. આપણા ગુજરાતમાં લોકગીતના કેટલા પ્રકાર છે તે જોઈએ.
(૧) ભજનો
(અ) મંદિરો, મઠ, વાડા, વગેરે ધર્મસ્થાનોમાં સાંજ સવાર વગેરે સમયે ગવાતાં ભજનો, ખોજાનાં ‘જ્ઞાનો’
(આ) માંગણ, ભીખારું, ભરથરી, ચારણીઓ, સાધુ, શ્રવણો, માતા કાઢનારા તેલિયા રાજા, હીજડા પ્રભૂતિનાં સ્તવનકીર્તનો, ગીતો, ઈત્યાદિ.
(૨) વિનોદપ્રદ ગીતો :
(અ) કોસ હાંકતાં, ખેડતાં, લણતાં, ઢોર ચારતાં, ગામડિયાઓ જે ગીતો ગાય છે તે.
(આ) ઘાંચી ઘાણી ફેરવતાં જે ગીતો ગાય છે તે.
(ઈ) કૂબા નાંખતી વખતે મજૂરણો જે ગીતો ગાય છે તે.
(ઇ) રમતાં છોકરા છોકરીઓ ગાય છે તે જોડકણાં, ટૂચકા ઉખાણાં વગેરે.
(ઉ) કલગી તોરાવાળાની લાવણીઓ : વેશ્યા અને ગવૈયાની ચીજો, ખ્યાલ, ટપ્પા વગેરે.
(ઊ) હાલરડાં; જનોઈ, મુંડણ, લગ્ન, સીમંત, વગેરે પ્રસંગે સ્ત્રીઓ જે ગીતો ગાય છે તે; હીંચકા ખાતાં, ગોરોમાં, નવરાત્રિમાં જે ગરબા રાસડા સ્ત્રીઓ ગાય છે તે; દળતાં; કાંતતાં જે ગીતો ગાય છે તે.
(૩) શોકપૂર્ણ ગીતો : રાજિયાઓ, મરસિયા વગેરે.
(૪) ઐતિહાસિકા
(અ) ભાટ, ચારણ, વહીવંચા, ગઢવીના દુહા, કવિતા, રાસા;
(આ) છૂટેછવાયે સ્થળે ઉપર વર્ણવેલા પ્રકારના ગીતોમાં ઐતિહાસિક રાસા, ગીતો વગેરે ગવાય છે તે.
(ઈ) મુસલમાની કિસ્સાઓ
(ઈ) ભવાઈ.
આ વર્ગીકરણ સંપૂર્ણ તેમ જ શાસ્ત્રીય નથી. આ પ્રદેશનું કંઈક ભાન થાય તેટલા જ ખાતર આવું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાઘાતનો દોષ થયો હશે પરન્તુ સ્પષ્ટીકરણ માટે તે ક્ષમ્ય થશે એવી આશા છે. આ વર્ગીકરણ મુખ્યત્વે બે વસ્તુને અવલમ્બેલું છે : પ્રસંગ અને મનુષ્ય. આ સૂત્ર ધ્યાનમાં લેતાં સંશયને સ્થાન નહિ રહે. આ અસ્થિપિંજર પરથી પ્રતીત થયું હશે કે આ ગીતો ધાર્મિક, સાંસારિક અને ઐતિહાસિક માહિતી મુખ્યત્વે પૂરી પાડે છે.
ધાર્મિક પદો
નાના પ્રકારના પન્થ સંપ્રદાય જે ગુજરાતમાં પ્રચલિત છે તેમનાં સિદ્ધાંત, આચારો, દંતકથા, આખ્યાયિકા, ક્રિયાકલાપ, વગેરે પર ભજનો સારો પ્રકાશ નાંખે છે. આ ઉપરાંત તેમનાં સ્થાપકો, સન્તો પ્રભૃતિ સંબંધી પણ ઉપયોગી માહિતી તેઓ આપે છે. વલ્લભી સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ અનેક નાનામોટા વૈષ્ણવ, શક્તિ, શૈવ, જૈન, મુસલમાન સંપ્રદાયોનાં ભજનો ઉક્ત વાતની સાક્ષી પૂરે છે. એક ઉદાહરણ લઈશું અને આશા છે કે તેથી આપણો અર્થ સરશે. ગુજરાતમાં ઘણી જાતો વસે છે કે જેમનો ધર્મ મુસલમાની હોય છે પરંતુ આચાર હિન્દુઓના હોય છે. આનું કારણ શું? હિન્દુમાંથી જે જાતો વટલી મુસલમાન થયેલી તે જાતોના આચારવિચાર આવા છે. આ લોકો રાજીખુશીથી પરધર્મમાં ગયેલા કે જોરજુલમથી? સાધારણ સમજ એવી છે કે આ જાતો જોરજુલમને લીધે જ અસ્તિત્વમાં આવી છે. પણ આ સત્ય નથી. તરવાર ઉપરાંત મુલ્લાં, ફકીર, ઓલિયાઓએ રસુલ મહમ્મદના દીનની હાક ગુજરાતમાં ગજાવી હતી. આ સાધુ પુરુષોના શ્રમનું ફળ આ સંકર જાતો છે. આ સંબંધમાં મિ. સચેદીના નાનજીઆણીના ગ્રંથમાંથી ખોજાઓનાં ભજનોના સંક્ષિપ્ત ઉતારા આપીશું. અલ્લી ઇસ્લામના પ્રસાર માટે આચાર્યો(પાદરીઓ) દેશપરદેશ મોકલતો હતો. હવે હિન્દુસ્તાન એક આચાર્યને મોકલવો હતો; તેથી આસપાસ બેઠેલાની સન્મુખ જોઈ તે બોલ્યો:
‘અલમુત ગઢ આલી ભણે, કોકો પુંજા ભાખત્ર પાળશે,
પચવીશ ગામ સોસત્રપન, એતેરમે સદ સંભળાવે :
તબ ઊઠ્યો નૂરસતાગર નેણ વાય, દેવ તારા ભાખત્ર પાળશું
જેમ હજરત અલી કહે તેમ કરશું, ઉગમણ જઈ ગમત કરશું.’
નૂરસતાગર હિન્દુસ્તાન જઈ ઈસ્લામ ફેલાવવાનું બીડું ઝડપે છે. હિન્દુઓ જે અવતારવાદમાં શ્રદ્ધાશીલ છે તે વાદનો ઉપયોગ કરવામાં આવે છે. બુદ્ધને વિષ્ણુનો અવતાર ગણી જેમ બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મના ભેદ ઓગાળી નાખવામાં આવ્યા હતા તેમ ઈસ્લામ ને હિન્દુ ધર્મ અભિન્ન છે એવું બતાવવા અલિ પણ અવતારવાદનો આશ્રય લે છે. પ્રચલિત દશ અવતારમાંના નવ અવતાર કાયમ રાખી પોતાને દશમો અવતાર લેખાવે છે.
‘નવ અવતાર આગે રમ્યો, x x x
દશમો મેઘવારે જે ઘરે, મહેસરી માતંગ આયો દેવ.’
*
‘અમોએ એ આલી, અમોએ ઈશ્વર, અમોએ રૂપ આગળ ધરંતે
મઢ દ્વિપ, જંબુખંડ, ડંમર માતંગ નામ ઉચરંતે.’
મેં આગળ નવ અવતાર ધર્યા હતા; હાલ દશમો અવતાર લીધો છે. હું અલી છું, ઈશ્વર છું. એવાં અનેક રૂપ આગળ લીધાં હતાં અને લઉં છું. હમણાં જમ્બુખંડમાં માતંગ નામે મેં અવતાર લીધો છે.–આવો ઉપદેશ આપી નૂરસતાગરને મોકલે છે. નૂરસતાગર, બ્રહ્મા તે પેગમ્બર મહમ્મદ, વિષ્ણુ તે અલ્લી ને મહેશ તે બાવા આદમ એવી રીતે હિન્દુ ત્રિમૂર્તિને મુસલમાની પહેરવેશ પહેરાવે છે. હિન્દુસ્તાનમાં આવીને પાલણદે નામની ગરાસિયણને પરણે છે. હિન્દુઓ જોડે હળીમળી, તેમના ધર્મનો અભ્યાસ કરી ઇસ્લામ અને હિન્દુ ધર્મ સરખા છે એવું બતાવી એણે લુહાણા, કણબી વગેરેની સુન્નત કરાવી એણે પ્રચારમાં મૂકેલો ધર્મ અદ્વૈતવાદનો પાશ પામ્યો. કબીર, નાનક, વગેરેનો એકેશ્વરવાદ મુસલમાની મજહબ અને અદ્વૈતવાદના પ્રભાવથી જન્મ પામ્યો હતો. આવું જ નૂરસતાગરે ફેલાવેલા પંથમાં પણ બન્યું.
‘સતગુરુ કહે રે દિલમાં દેવળ પુજીયે, અને દિલમાં દેવ દુવાર;
દિલમે સાંઈઆ આપ વસે તો દિલમાં આપ દિદાર.
સતગુરુ કહે રે આપે હરીઆલે હયે, અને આપે વરસે નૂર;
આપે સબ ઘટ દીસતા સો અંધાકે મન દૂર.’
આ ઉપરથી જણાય છે કે તલવાર કરતાં ઉપદેશથી ઘણા હિન્દુને મોલવીઓએ મુસલમાન બનાવેલા. તેઓ હિન્દુ ધર્મનો અભ્યાસ કરતા; બન્ને ધર્મમાં સમાન જે કાંઈ લાગતું તે હિન્દુઓને બતાવતાં; આ ઉપરાંત જે સિદ્ધાંતો હિન્દુઓને અતિપ્રિય હોવાથી મુસલમાની મઝહબમાં તેવા સિદ્ધાંતો ન હોવાથી તેઓ ઈસ્લામ સ્વીકારવા તત્પર ન થાય એવું ન બને માટે તે સિદ્ધાંતોના સામ્યો પોતાના ધર્મમાં ઘટાવતા. ગુજરાતનો જ્યારે વાસ્તવ ઇતિહાસ લખાશે ત્યારે હિન્દુ–મુસલમાનોના સંસર્ગકાળનાં પ્રકરણો લખવા આ ભજનો સાધનભૂત થશે. જીવણ, રવિદાસ, મૂળદાસ વગેરે ભક્તોનાં ભજનોથી આપણાં જનસમૂહનું જીવન ઘડાયું છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, કબીર, તથા જૈન સાધુ અને મુસલમાન મોલવી, ઓલિયાએ ધર્મ સંબંધી જે અનેક સિદ્ધાંતો બાંધ્યા છે તે સિદ્ધાંતો સાદી ભાષામાં તથા સાદા સ્વરૂપમાં આ ભજનો વડે જનસમૂહ સમજી શકે છે. પરિભાષા, આલોચના, વિવાદ વગેરેને આ ભજનોમાં સ્થાન ન હોવાથી કોઈ પણ તરેહની મુશ્કેલી રહેતી નથી. નૂર વિનાની ભાવનાહીન જિંદગી તેઓ આ ભજનોને લીધે જ જીવી શકે છે. વર્ણ, વય, જ્ઞાનની ન્યૂનાધિકતાથી ધાર્મિક સિદ્ધાંતો સમજવા તેમ જ જીરવવા જે અંતરાય–પ્રતિબંધ થાય તે આ ભજનોથી નથી થતા. ભક્તિરસથી પ્રેરાયેલા માતાના ગરબા વગેરે, કેટલીક ઐતિહાસિક હકીકત પૂરી પાડે છે. તે ઉપરાંત ઐતિહાસિક બનાવો બનતાં, તેનાં કારણો કેવી રીતે અને કેવાં શોધાતાં તેનો પણ અચ્છો ખ્યાલ તેમનામાંથી આવી શકે છે. ચાંપાનેરનો રાજા, મહાકાળી–પાવાગઢવાળી કાળકા સાથે અયોગ્ય વર્તન ચલાવવાથી ખુવાર થઈ ગયો, એનું રાજ્ય ખેદાનમેદાન થઈ ગયું વગેરે હકીકત મહાકાળીના ગરબામાંથી મળી આવે છે. જૂનાગઢના મંડળિકના સંબંધમાં પણ આવું જ કહેવાય છે. નાગદેવી પર મોહિત થઈ તેને પોતાની થવા આગ્રહ કર્યો. નાગદેવી કહે છે : રાજા, વિચાર કર. તું શું બોલે છે? તારી હઠ છોડી દે. આખરે પસ્તાઈશ. રાજા સમજતો નથી તેથી દેવી શ્રાપ દે છે કે, તું મુસલમાન થઈશ. મારી તેં અવગણના કરી છે માટે તારી મેડીઓને ઠેકાણે મસીદો બંધાશે. ‘સુરત સરીખાં શહેર દેખાડવાં મારે તને મંડળિક.’ જૂનાગઢમાં તર્કનાં તાબૂત ફેરવાવીશ. આમાં ઐતિહાસિક સત્ય કાંઈ નથી. મંડળિકને અમદાવાદના બાદશાહે મુસલમાન બનાવ્યો હતો : (અમદાવાદમાં કંદોઈઓળમાં એની કબર છે.) આ બનાવનું નિમિત્ત દેવીના શ્રાપને આરોપવામાં આવ્યું છે. ઇતિહાસ, ધર્મ વગેરેને કેવી રીતે સાંકળી લઈ પોતાની જ્ઞાનપિપાસા ગુજરાતીઓ પ્રતૃપ્ત કરતા તેનું કંઈક દર્શન આ ઉપરથી થશે. ઇતિહાસ સાચવી રાખનાર ભાટ, ચારણ, વહીવંચા, ગઢવી વગેરે દુહા, રાસા રચી રાતના પોતાના આશ્રયદાતા સન્મુખ તે લલકારતા. તેમનો બુલંદ અવાજ સીમાઓ વીંધી તે સ્થળને અનુરસિત કરી મૂકતો. આવા દુહા, રાસા એકઠા કરી મિ. ફાર્બસે ‘રાસમાળા’ રચી હતી. આ સાધનોમાંનાં કેટલાંક ‘રત્નમાળા’ નામે ગ્રંથમાં રા. રા. રેવાશંકર અંબારામે પ્રસિદ્ધ કર્યાં છે. હજુ આ દિશામાં ઘણું કરવાનું છે. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે નડિયાદમાં એક રાસો જોયો હતો. જ્યારે પેશ્વાનું આક્રમણ ગુજરાતમાં થતું હતું તે વખતે ગુજરાતીઓને કેવી હાડમારી થતી તેનું આબેહૂબ ચિત્ર આ રાસામાં આપેલું છે. મુસલમાનો કરતાં પણ મરાઠાઓને નબત્તર ગણ્યા છે. વલ્લભભટ્ટનો કળિકાળનો ગરબો, કૃષ્ણરામનું કળિકાળ વર્ણન તેમ જ કલગીતોરાવાળાનાં કળિવર્ણનો સમાજસ્થિતિની ઝાંખી કરાવે છે. મુસલમાની કિસ્સાઓ ઐતિહાસિક – સામાજિક ગુજરાત પરત્વે ઘણો પ્રકાશ નાંખે છે. ‘નાજનીપઠાણ,’ ઉપરાંત ‘ગુજરી,’ ‘સરદારબાનો રાસડો’ વગેરે પરથી મુસલમાનો હિન્દુ સ્ત્રીઓને જોરજુલમથી પોતાને ત્યાં લઈ જતા, યા તેમને ફોસલાવી પોતાની સાથે નસાડી મૂકતા ઇત્યાદિ ત્રાસપ્રદ પ્રસંગોનું ચિત્ર ખડું થઈ શકે છે. ઇતિહાસના પ્રસંગો બને ત્યાં લગી નોંધી રાખવામાં આવતા. મિ. એકવર્થે મરાઠી પોવાડાના સંબંધમાં જે ખાસિયતનો ઉલ્લેખ કર્યો છે તે ખાસિયત આપણે ત્યાં પણ જોવામાં આવે છે. હાનિ, પરાજય, વગેરેના જ પ્રસંગો લોકગીતમાં ગવાયા છે : પ્રતિષ્ઠા, વિજય, ઇત્યાદિના પ્રસંગો જવલ્લે જ હાથ ધરવામાં આવ્યા છે થોડા વખત પર ગાયકવાડ સરકારે પીલવઈ ગામ ઉજ્જડ કરી નાંખ્યું હતું. આ પ્રસંગનો ગરબો મળે છે. જે વૃત્તિ આવાં પદો ઊપજાવતી તે હજુ કાયમ રહી છે. આગના ગરબા, રેલના ગરબા વગેરે આ અભિપ્રાયને અનુમોદન આપશે. ‘છપના’ના ગરબા, રાસડા કેટલા બધા રચાયા હતા? છપનિયા વખતે જો આ સર્વનો સંગ્રહ થયો હોત તો કાળના સ્રોતમાં અત્યારે તે વિલુપ્ત થયા ન હોત. બહારવટાંના અનેક દુહા, ગરબા, રાસડા છે. વાઘેરોના દુહા, રાસડા મિ. કીનકેડે એકઠા કર્યા છે. વખતોવખત ‘ટાઇમ્સ ઓફ ઇંડિયા’માં તે પોતાનાં ભાષાંતર છપાવે છે. આ દુહામાં બહારવટિયાને પડતાં દુઃખો, હેરાનગતિ વગેરેનો ચિતાર હોય છે; જે લૂંટફાટ, કાપાકાપી વગેરે અનાર્ય આચરણો તે લોકો આચરે છે અને તેમનાથી પ્રજા હજારો રીતે કનડાય છે તેનું પણ આબેહૂબ વર્ણન હોય છે. ‘જેસલ તોળલ’નાં પદોમાં જેસલે જે ત્રાસ વર્તાવ્યો હતો તેનું વર્ણન છે. કુંવારી જાનો લૂંટેલી, ગામો બાળેલાં વગેરે ત્રાસદાયક કામો જેસલે કર્યાં હતાં. તોળલના ઉપદેશથી જ્યારે એને પશ્ચાત્તાપ થાય છે ત્યારે આ સર્વ બનાવો વર્ણવી તે પ્રાયશ્ચિત્ત શોધે છે. ‘લૂંટી કુંવારી જાન, ધોરી જાન, ફોડી સરોવરીઆ પાળ.’ ભાટ ચારણો ગરાસિયાના પ્રેમપ્રસંગો સંબંધી પણ નાના પ્રકારના દુહા લલકારે છે. ‘હલામણ જેઠવો અને સોનરાણી’ ‘મેહ જેઠવો’ ‘ઓઢો જામ અને હોથલદે પદમણી’ વગેરેના દુહા મર્હુમ હરિલાલ હર્ષદરાય ધ્રુવે ‘સ્ટોકહોમ ઓરિયેન્ટલ કૉંગ્રેસ’માં પોતે વાંચેલા નિબંધો છપાવ્યા છે તેના પરિશિષ્ટમાં આપ્યા છે. બરડાના બહારવટિયાના ચારણ અમરા કાજાની દીકરી ઊજળીની ખૂબસૂરતીની તારીફ ઘુમલીના ગરાસિયા મેહ જેઠવાએ સાંભળી. ઊજળીને મળવા તે ઉત્સુક થયો. મળ્યો. બંનેને સ્નેહ થયો, લગ્નનો કોલ આપ્યો. ઘુમલીના મહાજન ને પોતાનો રાજા ચારણી સાથે પરણે એ પસંદ નહિ આવ્યું. ગમે તેમ કરી આ લગ્ન અટકાવવું એવો નિશ્ચય કરી ઊજળીને મળી પાછાં ફરતાં જેઠવાને એક ઘરડી ગાયને મારતા મારતા તેઓ મળ્યા. કીડીને પાળનારા વાણિયા ગાયમાતાને, તે પણ વૃદ્ધને આમ મારે તેનું કારણ જેઠવો કળી શક્યો નહિ. પૂછતાં માલૂમ પડ્યું કે જ્યારે ચારણકન્યા સાથે પરણવામાં જેઠવો પાપ નહોતો કરતો ત્યારે ઘરડી ગાયને મારવામાં મહાજનને પણ પાપ નહોતું લાગતું. પોતાની પ્રજાને સંતુષ્ટ રાખવા હનુમાનનો વંશજ રામચંદ્રનું અનુસરણ કરે છે. લગ્ન ઓછંડી નાખવાનું વચન આપે છે. નિર્ણિત દિવસે લગ્ન માટે મેહનું આણું ન આવવાથી ઊજળી અધીરી થઈ ગઈ. છેવટે ઘુમલી ગઈ અને મેહને સંદેશો પાઠવ્યો, પરંતુ મુલાકાતની પરવાનગી ન મળી. પછી નીચે લખેલા દુહા મેહને સંભળાવે છે :
‘હતું અને હારવીઉં, મોતી મહાદરીએ,
કાળો પે‘રી કાછ, અમને સાયર શોધવો પડ્યો.
મે‘ની મેડી હેઠ અમે ઊભાં, અરદાસું કરીએ;
મોઢું દેખાડ મે’, જીવતાં રહીએ જેઠવા.
*
આભપરેથી ઊતરી, ચારણ ભૂખી છે,
ક્યાંહ જાઉં જેઠવા, મોળી મત મુંઝાણી છે.
*
મુઝવ મે’, અમને ઊંડે જળ ઉતારીને,
આમ મરતે તુંને, જસ નહીં આવે જેઠવા.’
આવાં હૃદયવાહક, ભગ્ન, આર્જવપૂર્ણ ઉદ્ગારોનો મેહ પ્રત્યુત્તર મોકલે છે :
‘ચારણ એટલા દેવ, જોગમાયા કરી જાણીએ
ચારણથી મન મળે, બુડે બરડાનો ધણી.’
આ સાંભળીને ઊજળીને રોમ રોમ ક્રોધ વ્યાપે છે. માનભંગ, ભગ્નમનોરથ, ઊજળી ક્રોધથી ભભૂકતી હૃદયખંડ દર્શાવતી, નિઃશ્વાસો મેહની ડેલીએ મૂકે છે. સગાંવહાલાં, ન્યાતીલાં, પ્રણયી—સર્વથી તરછોડાયેલી, હડધૂતાયેલી બાળા સાધ્વી થઈ પાર્થિવ પ્રેમને ભક્તિમાં પલટાવી પોતાનું જીવન ગાળે છે. ધર્મ હિન્દુસ્તાનમાં હૃદય, મન, આત્માની અનેક વ્યાધિ, વેદના સમાવે છે એની સાક્ષી પૂરતું આ એક દૃષ્ટાંત છે. કરુણાંત પ્રબન્ધો લખવાની સંસ્કૃત સાહિત્યકારોએ મના કરી છે. એમનો હુકમ સાહિત્યવીરોએ પાળ્યો છે. પરંતુ સ્વયંભૂ ઊપજતાં લોકગીતોએ તો એ હુકમનો અનાદર કીધો છે. ઘણાં ગીતોનાં અવસાન કરુણ છે. માનવહૃદયની ઊર્મિઓ કાયદાકાનૂનનો વશ નથી તેમ જ એ હૃદયનું માપ પણ કદી કાઢી શકાવાનું નથી. આ સર્વ ઉત્કૃષ્ટ પ્રેમનાં દૃષ્ટાંત છે. સંવનન, ને સ્નેહ વિના થતાં બાળલગ્ન, કજોડામાં આવા પ્રેમની આશા રાખવી એ શશવિપાણ મેળવવાની ઉત્કંઠા દાખવવા જેવું છે. કજોડાની હાનિ અનેક ગીતોમાં વર્ણવાઈ છે. વલ્લભ ભટ્ટનો ‘કજોડાનો ગરબો’ જાણીતો છે. ‘હું નાના કંથની નાર, દુઃખ ક્યાં ગાડું.’ વગેરે વગેરે. વૈધવ્ય કજોડાં અને બાળલગ્નને લીધે અનીતિ થવાનો ઘણો સંભવ છે. આથી શુદ્ધ પ્રેમ કરતાં ઈશ્કના સંબંધી ગીતો ઘણું સાંભળવામાં આવે છે. કલગીતોરાવાળાની લાવણીઓ, ગઝલો, ભવાઈ; અને શામળની વાતો આ અનર્થના પૂરાવા છે. ઉચ્ચ સંસ્કારવાળી કુળવનિતાઓ પોતાનો પ્રેમ મીરાંની પેઠે અપાર્થિવ કરી નાંખતી; અથવા રામસીતા, રાધાકૃષ્ણ વગેરેના પ્રેમમાં પોતાની સ્નેહવૃત્તિ પલટાવી દેતી. રાધાકૃષ્ણનાં આટલાં બધાં પદો રચાયાં છે તેનું કારણ આ જ છે. આમના જ આશ્રયે પોતાનાં ઉલ્લાસ, અભિલાષ, વાંછનાઓ સ્ત્રીઓ પ્રગટ કરતી. લગ્ન, સીમંત, મરણ વગેરે પ્રસંગે ઉદ્ભવતા ભાવો પણ આવી જ રીતે પ્રકટ કરવામાં આવતા. બાળલગ્ન છતાં પણ સ્વયંવર જેવી સંસ્થાના સંસ્કારના લિસોટા રહ્યા હતા.
‘મારી ત્રણ મોતીની ટીલી, લાલ ઝરમરીઆં.
માંહેથી એક મોતી પડ્યું, લાલ ઝરમરીઆં.
તે તો ભાગળ વચ્ચે પડ્યું, લાલ ઝરમરીઆં.
ભાગળીઆ જડ્યું હોય તો આપ, લાલ ઝરમરીઆં.
ના રે બેની અમને નથી જડ્યું, લાલ ઝરમરીઆં.’
આ પછી તે સ્ત્રી મોતી વિષે સસરાને, સાસુને, નણંદ, દિયર, પ્રભૂતિને પૂછે છે: તેઓને મોતી જડ્યું નથી એટલે તેઓ પાસેથી પત્તો મળતો નથી. છેવટે ‘પૂછો તમારા સ્વામીજીને, જડ્યું હોય તો આપે, લાલ ઝરમરીઆં ‘ એવું કહેવામાં આવ્યું. તે ઉપરથી સ્વામીને પૂછે છે. હિન્દુ પત્ની પતિનું નામ દઈ શકતી નથી તેમ જ બીજાંઓની સમક્ષ તેની સાથે ભાષણ કરવાનો પણ તેનો અધિકાર નથી. એટલે ગીતમાં જે સવાલ સ્વામીને પૂછવામાં આવે છે તે સંબંધી કડી નથી. સ્વામી ઉત્તર આપે છે: ‘હાં રે વહુજી અમને જડ્યું ભાગોળમાંથી, લાલ ઝરમરીઆં.’ બીજું ઉદાહરણ લઈશું:
‘લાડણી લખી કાગળ મોકલે રે
રાયવર વેલા સીધાવો કે ૦ ૦
હું ક્યમ આવું એકલો રે
દાદાજી દુભાય કે. વગેરે.’
આ ઉપરાંત કેટલાંક ગીતોમાં દીકરી, અમુક જોડે પરણાવો, અમુક સાથે નહિ એવી રીતે દાદાને વીનવે છે. આ બધાં ગીતોમાં બાળલગ્નની છાયા તો છે જ.
‘દાદા મને નાતેરી પઈણાવો, ઝાલમ ઝઘડો.’
હવે સ્ત્રીપુરુષ—ધણીધણિયાણી કેવી સ્થિતિમાં દર્શન દે છે તે જોઈએ
:
‘ઓઝો પોઢ્યો રંગઢોલીએ, ઓઝી ઢોળે છે વાય;
વાય ઢોળંતા પૂછીયું, સ્વામી સાંભળોને વાત;
ગામની પટલાણીનો ચૂડલો, એવા અમને મઢાવ.’
અવિભક્ત કુટુંબમાં પતિપત્નીને સંભાષણની મના હોય છે. પત્નીને જે કાંઈ પતિને કહેવું હોય—કુટુંબ સંબંધી, પોતાના કોડ, હોંશ સંતોષવા વિશે જે કાંઈ કહેવું હોય તે આવી સ્થિતિમાં મેળાપ થાય ત્યારે જ તે કહેતી. ઢોલિયા પર સૂતેલો સ્વામી અને તેના પગ તળાંસતી પત્નીનું ચિત્ર શેષસાયી વિષ્ણુ અને લક્ષ્મીની ‘પુણા ચિત્રશાળા પ્રેસ’ માંથી જે છબી નીકળી છે તેનું સ્મરણ કરાવે છે. દાંપત્યસ્નેહના અદ્વિતીય દૃષ્ટાંત કોઈ પણ ગીતમાંથી નથી મળી આવતાં. જે ભાવનામાં આ ગીત ગાનારાં રમતાં તે જ ભાવના તેમનાં ગીતમાં તરે છે. છતાં કોઈ કોઈ સ્થળે ઈષદ્ રમણીય દેખાવ નજરે ચઢે છે : બાર વર્ષ લગી ધણીધણિયાણીને અબોલડા રહે છે. હવે આ અબોલડા શી રીતે ભાંગવા? સસરા વગેરેની વહુ સલાહ લે છે. સસરો રસોઈ બગાડી નાંખવાની, સાસુ ચાંલ્લો, કાપડું વગેરેથી ભૂષિત નહિ થવાની સલાહ આપે છે; પછી જેઠાણીની સલાહ લે છે :
‘બચડાં ધવડાવતાં ઓ ભાભીજી,
અબોલડાં ભંગાવોજી રે.
ખરે બપોરે વહુ પાણીડાં ભરજો;
મોજડી પહેરશો નહિ ત્યારે નાવલીઓ બોલશે રે.
ખરે બપોરે પાણીડાં ભર્યાં;
મોજડી પેહેરી નહીં ત્યારે નાવલીઓ બોલીઆ રે;
ગોરી મારી મોજડી પહેરતાં જાઓ, નદીની રેતમાં દાઝશો રે.’
આ ખરેખર મહેરામણની મીઠી વીરડી છે. રસોઈ બગાડી નાંખી, સૌભાગ્યના ચિહ્ન આંક્યાં નહિ, લાજ મર્યાદ વણસાડી છતાં જે બોલ્યો નહિ તેનાથી ધગધગતી રેતીમાં પત્ની દાઝે તે ખમાયું નહિ. ન ખમાવાથી એકદમ બાર વર્ષનાં અબોલડાં છૂટી પડ્યાં. એક જ ભાર વહેવાનો હોય ત્યારે તે વહેનારાનો, સંબંધ ઘણો જ ઘાડો થાય છે; કુટુંબના પોષણ માટે વરને પરદેશ વેઠવો પડે છે અને વહુને ઘર ઉપાડી લેવું પડે છે.
‘હું પીંજાઉં ઘર આંગણે, પેઉજી પીંજાય પરદેશ;
સસરો કહે વહુ દુબળાં રે, સાસુ કહે તરીઓ તાવ વાલાં.
દીએર કહે દુઃખ હું જાણું, વાલો સધાર્યા છે ગામ.’
વિયોગથી પત્ની કૃશ થઈ ગઈ છે; સાસુ-સસરો તેનું કારણ કળી શકતા નથી, પરંતુ દિયર કળી શકે છે. બાળક જેવી વહુ સાસરે ગયા પછી ત્યાંનાં બાળકો સાથે હળીમળી જાય એ સ્વાભાવિક છે. દિયર–ભોજાઈના વિનોદાવહ સંબંધ આવી રીતે ઉત્પન્ન થાય છે. એકબીજાની મશ્કરી કરવાની બન્નેને સદર પરવાનગી હોય છે. ‘ઉત્તમ રામચરિત‘માં વીથિકામાં સીતા અને તેની ત્રણ બહેનોની છબી બતાવતાં લક્ષ્મણ પોતાની પત્નીના આલેખન તરફ સીતાની દૃષ્ટિ નથી દોરતો. સીતા તેથી લક્ષ્મણની ટોળ કરે છે. આવા પ્રસંગો હિન્દુ સંસારમાં સાધારણ હોય છે. નર્મ ભાષણમાં બન્ને નિપુણ હોય છે. નણંદ–ભોજાઈનો સંબંધ જેટલો કટુ હોય છે તેટલો જ આ સંબંધ મધુર અને નિર્દોષ હોય છે. પરદેશ સીધારેલા સ્વામીની સાથે પત્રવ્યવહાર દિયર દ્વારા પત્નીથી થઈ શકતો. આપણું સાહિત્ય(આધુનિક)ના પ્રારંભ કાળમાં લખાયેલી સાંસારિક વાર્તાઓમાં આવી સ્થિતિનાં દર્શન થાય છે. પરદેશ પતિ પધારેલો છે. હાલ જેમ કેટલાક હિંદુઓ આફ્રિકા, બ્રહ્મદેશ વગેરે વેપાર કરવા જાય છે ત્યારે ત્યાં ઘર માંડે છે— અર્થાત્ એક કુટુંબ અહીંયા ઉપજાવે છે અને બીજું જે દેશમાં વેપાર કરતા હોય છે ત્યાં ઉત્પન્ન કરે છે તેમ જ અસલ પણ થતું. શોક્યનું શાલ ઊભું થવાથી વિયોગના દિવસ પ્રલંબાતા. પતિવ્રતા પત્ની આમ છતાં પણ સર્વ મોજશોખ વરજી સ્વામીની વાટ જોયા કરે છે. એક દિવસ નાનો લાડકો દિયર મેંદી લાવ્યો અને ભાભીને પગે ચોપડવા કહ્યું. ‘તારો ભાઈ પરદેશ છે માટે એ સર્વ નકામું છે‘ એવો ઉત્તર ભાભીએ વાળ્યો. એ ગીતમાં આગળ નીચે મુજબ છે :
‘લાખ ટકો આપું રોકડો કોઈ જાય જો દરિયાપાર
શોક્યના સાહેબાને એટલું કહીએ કે તારી બહેની પરણે ઘેર આવ.
બેની પરણે તો ભલે પરણે એને દેજો કન્યાદાન.
*
શોક્યના સાહેબાને એટલું કહીએ કે તારી માડી મરે ને ઘેર આવ,
માડી મરે તો ભલે મરે, એને બાળજો વડલા હેઠ.’
આમાં ભાઈબહેન અને માદીકરાના ઋણાનુબંધ હિન્દુ સંસારે માન્યા છે તેનો ઉલ્લેખ છે. કન્યાદાન દેવા જેવું એકે પુણ્ય નથી. બહેનનું કન્યાદાન આપવું એ ભાઈનો ધર્મ છે. દીકરાની ખાંધે ચડી સ્મશાન સિધાવવાનો દરેક હિન્દુ સ્ત્રીને કોડ હોય છે. ઘડપણમાં માને પાળવી પોષવી અને તેનું મરણ સાચવવું એ પુત્રનું ધર્મવ્રત છે. આ બન્ને ધર્મ્ય કાર્ય કરવા આવવું જોઈએ પણ પરદેશણના મોહમાંથી છૂટી આવતો નથી. આખી જિંદગી જ ત્યાં વખત ગુજારતો ને છતે ધણીએ સ્ત્રીઓને વૈધવ્ય પાળવું પડતું. ધણીધણિયાણીના સંબંધમાં એક કલંક છે. વહુને મારતા વરનાં વર્ણન ઘણાં ગીતોમાં છે. સાસુ વહુ, નણંદ ભોજાઈના સંબંધ હિન્દુસમાજમાં જાણીતા છે. આ સંબંધનાં નાનાવિધના વર્ણન દાખવતાં ગીતો અનેક છે. વાસણ માંજતાં ઢાંકણી ભાંગી ગઈ. એટલે સાસુએ વહુને વગડામાં કાઢી મૂકી. જ્યારે વહુનો બનેવી સોનાની ઢાંકણી લાવ્યો ત્યારે જ વહુને ઘરમાં પેસવા દીધી. પાણી ભરવા જતી વહુને વેવાણે(એટલે એની માએ) પૂછ્યું કે ‘દીકરી સાસરે સુખ કે દુઃખ?‘ ‘માડી, સાસરે તે વળી સુખ કેવાં?’ વહુનાં હેરાં કાઢવા સાસુએ નણંદને પાછળ પાછળ મોકલી હતી તે નણંદે આ સાંભળ્યું. ઘેર જઈ એણે પોતાની માને અથઈતિ કહ્યું : માએ દીકરાને કહ્યું : દીકરે ઝેર ઘોળી વહુને પાઈ દીધું. બન્ધુઓ! શું આ ચિત્ર કરુણ નથી? આપખુદ જહાંગીરી,—ગૃહરાજ્યના મોગલ શહેનશાહનો અમલ જોયો? ચોરે બેઠેલો સસરો, સાંગામાચી પર બેઠેલી સાસુ, ઢીંગલે રમતી નણંદ, બચુડાં ધવરાવતી જેઠાણી, ઘોડા ખેલાવતા જેઠ – આવી સ્થિતિમાં સાસરાનાં કુટુંબીઓ આલેખાયા છે. મારી પાસે જેટલાં ગીતો છે તે સઘળા ગામડામાં સંગ્રહ કરવામાં આવેલાં હોવાથી ગ્રામ્યજીવનની છાપ તેમાં છે. ગાય, ભેંસ વગેરે ઢોર, પાણી ભરવાનું, દળવાનું, પડોશીને ત્યાંથી દેવતા લઈ આવવાનું વગેરે કામ—ઇત્યાદિના સંબંધે ગીતોમાં અનેક ઇશારા છે. આગગાડી નહિ એવામાં કોઈ ગામ જઈ ત્યાં રહેનાર કોઈ આદમીની ભાળ કાઢવી હોય તો પ્રથમ ભરવાડોને માર્ગ પૂછવામાં આવતો;
‘ગાયો ચારતા ભાઈ ગોવાળીઆ,
કીયો જસ્માનો દેશ રે;
મોર તે ઊડે ને પોપટ બોલે,
કોયલ ટૌકા કરે રે;
ઊંચા તે ટેકરા ને નીચી ટેકરીઓ,
નીચે થઈને જજો રે :’
બતાવેલે માર્ગે જતાં સીમમાંથી પાદરે પહોંચે છે : ત્યાં જસ્માનું ઘર ક્યાં આવ્યું એ વિશે પાણિયારીઓને પૂછે છે : એ પ્રમાણે સિદ્ધરાજે મોકલેલ રાવણીઆ ‘જસ્માને મહેલ’ જાય છે. ‘સોનાનું બેડું’ અને ‘રૂપલા ઉઢાણી’ વારંવાર ગીતોમાં વપરાયેલાં છે. શહેરની અસર બહુ થોડી જ ગીતોમાં જોવામાં આવે છે. ગીતો ક્યારે રચાયાં તે નિર્ણીત કરવું અતિ કઠિન છે. ગાનારાની શક્તિ અને રુચિ અનુસાર તેમ જ વખત મુજબ ગીતોમાં અનેક ફેરફાર થયા છે. તોપણ ગીતોની ભૂગોળ અને હુન્નર-વેપારના ઉલ્લેખ પરથી કંઈક પત્તા મેળવી શકાય એમ છે. મુંબઈ, સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, પાટણ વગેરે શહેરો સંબંધી ઉલ્લેખ ગીતોમાં કરેલો હોય છે. આ ઉપરથી કાંઈક દિશા જાણી શકાય ખરી. પાટણનાં પટોળાં, વિજાપુરની થાળી, સુરતની સાડી, ખંભાતી ધોતિયાં, વડોદરાનાં હાંલ્લાં વગેરે હુન્નરોનાં વર્ણન પણ કિચિંત્ ઉપયોગી થઈ પડે એમ છે. ભાષા તો સમય મુજબ પલટાતી જાય છે એટલે બિલકુલ ઉપયોગમાં આવી શકે એમ નથી. જમાનો બદલાતો જાય છે તેમ જૂનાં ગીતો ભૂલાતાં જાય છે. નવાં રચાતાં જાય છે. અડધાં જૂનાં સ્મરણમાં રહેતાં તો તેને નવાના સંસ્કાર અપાતા તેમ જ નવી તૂકો ઉમેરાતી. હાલ કેળવણીના પ્રસારથી આ ગીતો વિનાશ પામવા લાગ્યાં છે. એવાં ગીતો ગાવાનો શોખ ઘટતો જાય છે. નાટકનાં ગાયનો અને ‘ગરબાવલી’ઓનાં નીરસ જોડકણાં મહાન અનર્થ ઊપજાવતાં જાય છે. ‘રેલ,’ ‘આગ,’ ‘ધાડ’ વગેરે વિષયો પર રચાયેલા ગરબાઓમાં નવીન કાંઈ પણ નથી હોતું : જૂની ભાષા, જૂના વિચારના પડઘા જ હોય છે. માંગણ વર્ગ ઓછો થતો જાય છે. રાવળીઆ, ભાટ વગેરેની કદર જાણનાર વર્ગ ઓછો થતો જતો હોવાથી તેઓ પણ પોતાના પ્રાચીન પેશા ઉપર લક્ષ આપતા નથી. ગ્રન્થપ્રસિદ્ધિથી આવાં ગીતો શીખવાની મહેનત ન લેતાં હાલના લેખકોએ રચેલાં ગીતો શીખવાનો પ્રચાર વધતો જાય છે. લોકગીતનો ઉદ્ભવ હંમેશ અશિક્ષિત પ્રજામાં જ થતો હોવાથી શિક્ષણના પ્રસારને લીધે તેમનો વિલોપ થાય તેમ જ ભવિષ્યમાં જન્મ ન પામે એ સ્વાભાવિક છે. આ લેખમાં લોકગીતના સર્વ પ્રકારને યોગ્ય ન્યાય આપી શકાયો નથી. દુબળા, ધોંડીઆ, કોળી, ભીલ, વાઘેર વગેરેનાં ગીતો પરથી તેમની જિંદગી વિશે આપણે ઘણું જાણી શકીએ છીએ. ‘જેલીપોરી‘ના ગીતમાં દારૂથી કેટલું નુકસાન એ વર્ણોને વેઠવું પડ્યું છે તેનો અચ્છો ખ્યાલ આવે છે. ઘાંચી ઘાણી પર બેસી જે ઢાળીઆ ગાય છે તે રમુજી તેમ જ અર્થભરેલા હોય છે. ‘હે બળદીઆ તને હમણાં છોડી મૂકીશ. તારી મા મારવાડમાં આથડતી હશે. (મારવાડમાં દુકાળ પડવાથી ત્યાંના ઢોર આ તરફ આવેલા : તેમાંથી બળદ વેચાતો લીધો હશે તેથી). આપણે રણ જીતવું છે. રણ જીતી તને છૂટો કરીશ. ‘સોને મઢાવું શેંગડી, રૂપે મઢાવું તારી ખરીઓ’ – એવું એવું કહી બળદને લાડ લડાવે છે. વખતે વખતે બળદ અને ઘાણીના પ્રસંગથી તે જ્ઞાની બની જઈ જિંદગીની નિઃસારતા બળદને સમજાવે છે. આ ગીતો અને કોસીઆ, હળીઆનાં ગીતો તેમનો કાળ ‘ધોબણનું ગીત’ વ્યતીત કરાવે છે. જાનવરો પણ કેટલાં સંગીતપ્રિય છે અને તેના પ્રભાવે ગમે તેવી સખત મજૂરી તેઓ કર્યા જાય છે તેનો પણ ખ્યાલ આવે છે. આ ઉપરાંત આપણા મહેનતુ વર્ગના વિચાર કેવા હોય છે તે આપણે જાણી શકીએ છીએ. આ સઘળાં ગીતોનો સંગ્રહ પ્રસિદ્ધ થાય તો Percyના Reliques-(ઈંગ્લંડમાં પર્સી નામના ગૃહસ્થે આવાં ગીતોનો સંગ્રહ છપાવેલો તે)ના જેવી અસર ઈંગ્લંડમાં થઈ હતી તેવી તો કદાચ ન થાય પરંતુ કંઈક તો થયા વિના ન રહે. ભાષાના વિવિધ પ્રયોગો, સાદી સરળ શબ્દરચના ઇત્યાદિના સંબંધમાં હાલના લેખકવર્ગને ઘણું શીખવાનું આ ગીતોમાંથી મળી આવે એમ છે. આ ગીતોમાં જે આછાં પ્રકૃતિવર્ણનો છે તે પણ ધ્યાનમાં લેવા જોગ છે : ‘આવી રૂડી આંબલિયાની ડાળ સરોવરીઆ પાળ, મેલી કોયલ ક્યાં ગયાં’–એ લલિત સુંદર કડીનો ‘સ્નેહમુદ્રા’માં ઘણો જ સારો ઉપયોગ થયો છે. આપણાં લોકગીતનો કેટલોક ઉદ્ધાર રા. ગોવર્ધનરામ માધવરામે એમના ‘સરસ્વતીચંદ્ર’માં કર્યો છે. હાલમાં લોકગીતોની કેટલીક સુંદર તૂકોનો રા. નાનાલાલ તેમની કવિતામાં ઉપયોગ કરે છે. ‘કોયલ’ અને ‘આંબો’ – જે આધુનિક ગુજરાતી કવિતામાં કલાપૂર્ણ સુંદર રીતિએ ઉલ્લેખાય છે તેમના વિશે અનેક લલિત, ભાવપૂર્ણ કડીઓ લોકગીતમાં છે; પારેવાં, પોપટ, કાબર વગેરે અનેક પક્ષીઓનાં વર્ણન આપેલાં છે. થોડાં દૃષ્ટાંત આપીશું :
‘ડુંગર ઓથે બોલે ઝીણા મોર,
વનમાં બોલે કાળી કોયલડી.’
‘ઊંચા ઊંચા આંબલાંના ડાળ, નીચાં સરોવર ઝીલવાં રે.’
‘રતડી રતડી ચણોઠડી રે,
રતડી પારેવાની પાંખ, પારેવ કોણે ઉડાવીઓ.’
‘વડલો વરસે ઝીણે મોતીએ, હું ઊભી વડલા હેઠ.’
‘ડુંગરાની તેડે સૂરજ મારો ઉગીઓ,
ઊગ્યો ઊગ્યો ધરતીને ધમકાર રે.’
આવાં વર્ણનો ઘણાં છે. આ લેખમાં તેમનું આટલું સૂચન બસ છે. માનવહૃદયના અમુક અંશોમાંથી સંગીત જન્મ પામે છે. દેશકાળ પ્રમાણે સંગીત વિવિધ સ્વરૂપમાં અવતરે છે. આવાં વિવિધ વિખરાયેલાં સ્વરૂપોને સંગ્રહી આપણા પૂર્વજોએ સંગીતશાસ્ત્ર રચેલું. શાસ્ત્ર થયા પછી અનેક નવાં સ્વરૂપો ઉત્પન્ન થયાં છે, જૂનાં વિલુપ્ત થયાં છે. દેશી, ગરબી, પદ, ખ્યાલ, ટપ્પા, વગેરે આ વર્ગનાં છે. તેમની વ્યવસ્થા કરી શાસ્ત્ર રચવાની આવશ્યકતા છે. નવલરામે આવું કાંઈક કરવાનો પ્રયત્ન આરંભ્યો હતો પરંતુ તે ત્યાં ને ત્યાં જ – પ્રયત્નના સ્વરૂપમાં જ એ કામ અટકી પડ્યું છે. આપણા સંગીત માટે અંકચિહ્ન (Notation) નિર્ણીત કરી કોઈ નિપુણ ગવૈયાને ગામે ગામે મોકલવો. ગાનારાં ગીત ગાતાં હોય ત્યારે સાંભળી તેઓ જે રીતે ગાતાં હોય તે રીતનું અંકચિહ્ન ઉતારી લેવામાં આવે તો શાસ્ત્રીય વ્યવસ્થા કરવાનું સરળ અને સુલભ થાય. સંગીતશાસ્ત્રી મિ. ગણપતરાવ ગોપાળરાવ બર્વેની આ સૂચના છે. ‘આપણા લોકોમાં ચાલતી નાની નાની અભણ જેવી ‘કવિતાઓ જેમાં ઘણો મર્મ અને ઊંડો અનુભવ રહેલો હોય છે; ખેતી કરતાં, વાવતાં, રાંધતાં, ચાલતાં, પરણતાં, પ્રેમ કરતાં અનેક પ્રસંગે ગામડામાં લોકો જે ગીત, રાસ, દુહા, આદિ મોઢે બોલે છે, તેનો પણ સવેળા સંગ્રહ થવાની પૂર્ણ આવશ્યકતા છે. એમાં આપણા દેશનો ઇતિહાસ, આપણા લોકનો અનુભવ, ઘણી સારી રીતે જમી રહેલો હોય છે’ – આ વિદેહ મણિલાલ નભુભાઈના શબ્દોમાં લોકગીત સંગ્રહવાની આવશ્યકતા પ્રકટ કરું છું. આ લેખ સંપૂર્ણ નથી : રાજીઆ, મરસીયાં; હાલરડાં તથા વરસાદ અને બીજા ઋતુના ફેરફાર સંબંધી જે ટુચકાઓ આપણામાં પ્રચલિત છે ઇત્યાદિ મેં આ લેખમાં છેડ્યા જ નથી. ભવિષ્યમાં વધારે સંપૂર્ણ શાસ્ત્રીય નિબંધ રચવા અભિલાષ છે. અ. સૌ. બાળાબહેન, હરિલાલ હર્ષદરાય, દોલતરામ કૃપારામ, મિ. કીનકેડ, મિ. વેર, મિ. ફોર્બ્સ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, સુખલાલ કેવળદાસ શાહ વગેરે ગૃહસ્થો અને સંસ્થાએ લોકગીતના સંગ્રહ માટે છૂટાછવાયા પ્રયત્નો કર્યા છે તે માટે તેમનો ઉપકાર માનવો ઘટે છે.