રણજિતરામ ગદ્યસંચય – ૨/સંસ્કૃત કવયિત્રીઓ

સંસ્કૃત કવયિત્રીઓ

સંસ્કૃત વાઙ્મયદેવીના મહામંદિરમાં પ્રવેશતાં જ કાલિદાસ, ભવભૂતિ, બાણ, માઘ, ભારવિ, રાજશેખર, જગન્નાથ આદિએ કરેલ પૂજા, કીર્તન, ભજનના રણત્કાર સાંભળનારના હૃદયમાં ઊંડો પ્રશ્ન ઊઠે છે કે હિન્દુના ગૃહજીવનમાં દેવસેવામાં નિમગ્ન રહેનારી આર્યસુન્દરીઓ આ મહામંદિરમાં દેવીની યત્કિંચિત્ સેવા કરવા આવી હશે કે નહિ? દેવીનો પ્રસાદ હોય તો કવિત્વ આવે, કવિત્વ એટલે રસનો—લાગણીઓનો આવિર્ભાવ, અને લાગણીનું નિવાસસ્થાન તે સુન્દરીહૃદય. [1] તો પછી એ હૃદયમાં વસી રહેલી લાગણીઓ દેવીની સેવામાં અર્પાઈ, મૂર્તિમંત ન થઈ હોય એવું કેમ મનાય? લાગણીઓની વિશુદ્ધ કેળવણીમાં જન્મતી ધર્ભાવનાએ આદ્યશક્તિ અને અર્ધનારીશ્વરની દેવભાવના ભારતનાં મંદિરોમાં સ્થાપી છે તો પછી માતા અને ગૃહિણીના આદર્શ જીવનથી નિરંતર સચેતન રાખનાર સુન્દરીઓ સરસ્વતીદેવીના મંદિરમાં પૂજા કરવા નહિ તો પૂજાસામગ્રી તૈયાર કરવા તો ગઈ જ હોવી જોઈએ. આ પ્રતીતિ સાચી છે. અને તેના સમર્થનમાં એવી સામગ્રીમાંથી કાળે બચાવેલી તૂટક છૂટક વાનગીઓ આ લેખમાં સંગ્રહવામાં આવી છે. સંગ્રહમાળા પૂરી કરી સમગ્ર વાંચતાં ઊડતા વિચારો રેખાંકિત કરવામાં આવ્યા છે. સંસ્કૃત સાહિત્યમહોદધિમાંથી રત્નો મેળવી તેની માળા બનાવવાનો સંપ્રદાય હતો. આવી માળામાંની વલ્લભકૃત સુભાષિતાવલિ અને શાર્ઙ્ગધરની પદ્ધતિમાં સ્ત્રીકવિઓની કેટલીક કૃતિ જળવાઈ રહી છે. એ સંગ્રહોમાંથી જ જે પ્રાપ્ત થયું છે તે અત્રે લખવામાં આવે છે. ૧. ઇન્દુલેખા: સુભાષિતાવલિના સંભોગશૃંગાર પ્રકરણમાં કાલિદાસ અને મેણ્ઠના શ્લોકોના અંતરાળમાં ઇન્દુલેખા રચિત શ્લોક છે.

एके वारिनिधौ प्रवेशमपरे लोकान्तरालोकनं
केचित्पार्थिवयोगितां निजगदुः क्षीणेहि चण्डार्चिषः ।
मिथ्या चैतदसाक्षिकं प्रियसखि प्रत्यक्षतीव्रातपं
मन्येहं पुनरध्वनीनरमणीचेतोधिशेते रविः ॥

ભાવાર્થ: સાંજે કેટલાક પ્રચણ્ડ કિરણવાળા સૂર્યને સમુદ્રમાં પ્રવેશતો કહે છે, કેટલાક બીજા લોકમાં જતો, કેટલાક અગ્નિમાં ભળી જતો. પરંતુ હે પ્રિય સખી! એ ખોટું અને સાક્ષી વગરનું છે. મારું એવું માનવું છે કે પ્રવાસીની પત્નીના મનમાં જેમાં પ્રત્યક્ષ આકરો તાપ રહેલો છે તેમાં રવિ સૂઈ જાય છે. ૨. નાગમ્મા: શાર્ઙ્ગધર પદ્ધતિમાં નમસ્કૃતિ પ્રકરણમાં છેવટે રવિના વન્દન માટે નાગમ્માનો શ્લોક આપવામાં આવ્યો છે.

शुकतुण्डछवि सवितुश्चण्डरुचः पुण्डरीकवनबन्धोः ।
मण्डलमुदितं वन्दे कुण्डलमाखण्डलशायाः ॥

ભાવાર્થ: પોપટની ચાંચ જેવા લાલ અને પૂર્વ દિશાના કુંડળ સરખા ઊગેલા કમળવનના સગા, ઉગ્ર કાન્તિવાળા, સૂર્યના બિંબને હું નમું છું. ૩. ફલ્ગુહસ્તિની: સુભાષિતાવલિ અને શાર્ઙ્ગધરપદ્ધતિના ચંદ્રોદયવર્ણનમાં ફલ્ગુહસ્તિનીનો શ્લોક સ્થાન પામ્યો છે:

त्रिनयनजटावल्लीपुष्पं मनोभवकार्मुकं
ग्रहकिसलयं संध्यानारीनितम्बनखक्षतम् ।
तिमिरभिदुरं व्योम्नः श्रृङ्गं निशावदनस्मितं
प्रतिपदि नवस्येन्दोर्बिम्बं सुखोदयमस्तुवः ॥

ભાવાર્થ: શંકરની જટા રૂપી વેલના ફૂલ જેવું, કામદેવના કામઠા જેવું, ગ્રહમંડળની કળી જેવું, સંધ્યા રૂપી સ્ત્રીના નિતમ્બ પર થયેલા નખક્ષત જેવું, અંધારું દૂર કરનારું, આકાશના શીંગડા જેવું, રાતના મોં પર ફરકતા સ્મિત જેવું બીજના ચંદ્રનું બિમ્બ તમારા સુખનો ઉદય કરનારું થાઓ. વિધિના સૃજનવ્યવહારમાં દૈવનું પ્રાબલ્ય જોઈ ફલ્ગુહરિતની નીચે પ્રમાણે શોચ કરે છે:

सृजति तावदशेषगुणाकरं
पुष्परत्नमलंकरणं भुवः ।
तदनु तत्क्षणभङ्गि करोति चे
दहह कष्टमपण्डितता विधेः ॥

ભાવાર્થ: પ્રથમ બ્રહ્મા સર્વે ગુણની ખાણ રૂપ અને પૃથ્વીના ઘરેણા રૂપ પુરુષરત્નને સૃજે છે, અને તે જ સમયે તેને ઘડીમાં નાશ પામે એવો કરે છે તો અહહ! બ્રહ્માની કેટલી મૂર્ખતા! ૪. મદાલસા: શાર્ઙ્ગધરના સંગ્રહમાં ધર્મવિવૃતિ પ્રકરણમાં વ્યાસના શ્લોકની પછી મદાલસાનો નીચે ઉતારેલો શ્લોક છે.

परलोकहितं तात प्रातरुत्थाय चिन्तय ।
इह ते कर्मणामेव विपाकश्चिन्तयिष्यति ॥

ભાવાર્થ: હે પુત્ર! સવારમાં ઊઠીને પરલોકહિતનો વિચાર કર. આ લોકનો વિચાર તો તારાં કર્મોની ઘટનાઓ ઊભી છે તે કરશે. ૫. મારુલા: મારુલાનું નામ વધારે જાણીતું હોય એમ લાગે છે. શીલાભટ્ટારિકા, વિજ્જકા અને મોરિકાની સાથે એનું નામ ધનદેવના એક શ્લોકમાં પ્રકીર્તિત છે. સુભાષિતાવલિમાં વિરહિણીના પ્રલાપના ઉદાહરણ અર્થે મારુલાનો લેવામાં આવેલો શ્લોક:

कृशा केनासि त्वं प्रकृतिरियभङ्गस्य ननु मे
मलाध्रूभ्रा कस्माद्रुरुजनगृहे पाचकतया ।
स्मरस्यस्मान् काचिन्नहि नहि नहोत्येवमगम-
त्स्मरोत्कम्पं बाला मम हृदि निपत्य प्ररुदिता ॥

ભાવાર્થ: હે સ્ત્રી! તું દૂબળી શાથી થઈ છે? મૂળે મારું શરીર જ એવું છે. ધુમાડા જેવી મેલી શાથી છું? સાસરે રાંધવાથી. અમને શું તું કદી કદી સંભારે છે? ‘નહિ’ ‘નહિ’ એમ બોલવાની સાથે જ તે બાલાને સ્મરોત્કમ્પ થયો અને મારી છાતી પર પડતું મૂકી તે ધ્રુસકે ધ્રુસકે રોઈ. એ જ સંગ્રહની શૃંગારપદ્ધતિમાં સ્થાન પામેલો શ્લોક:

यामीत्यध्यवसाय एव हृदये बघ्नातु नामास्पदं
वक्तुं प्राणसमासमक्षमधृणेनेत्थं कथं पार्यते ।
उक्तं नाम तथापि निर्भरगलद्बा0ष्पं प्रियाया मुखं
दृष्टापि प्रवसन्त्यहो धनलवप्राप्तिस्पृहा मादृशाम् ॥

‘હું જાઉં છું’ એવો કહેવા જોગ નિશ્ચય ભલે હૃદયમાં બંધાય, પરંતુ પ્રાણસમાન પ્રિયા સમક્ષ નિર્દયતાથી એવાં વચન બોલવાને કેવી રીતે શક્તિમાન થવાય? તેમ છતાં ધારો કે ‘હું જાઉં છું’ એ વચન ઉચ્ચાર્યું પરંતુ તેનું અસ્ખલિત અતિશય અશ્રુઓથી ભરપૂર મુખ જોઈને જ અહો! મારા જેવાની કિંચિત્ ધન મેળવવા પરદેશ જવાની સ્પૃહા પળી જાય છે. અર્થાત્ મને એ કારણ ઈચ્છા થતી જ નથી. જલ્હણની સુભાષિતમુક્તાવલિની એક પ્રતમાં गोपायन्ति विरहजनतं दुःखम गुरुणां થી શરૂ થતો શ્લોક મારુલાને નામ છે પણ એ શ્લોક હું પ્રાપ્ત કરી શક્યો નથી. [2] ૬. મોરિકા:

मा गच्छ प्रमदाप्रिय प्रियशतैर्भूयस्त्वमुक्तो मया
बाला प्राङ्गणमागतेन भवता प्राप्नोति निष्ठां पराम् ।
किं चान्यत्कुचभारपीडनसहैं र्यत्नप्रबद्धैरपि
त्रुट्यत्कञ्चुकजालकैरनुदिनं निःसूत्रमस्मद्गृहम् ॥

ભાવાર્થ: હે પ્રમદાપ્રિય! તું ન જા એ માટે સોએકવાર પ્રિય વાક્યો મેં ઉચ્ચાર્યા છે. તારા ઘેર. આવવાથી બાલાશ્રેષ્ઠ નિષ્ઠાને પામે છે. એના કુચભારને યત્નથી બાંધી રાખવા જતાં કંચુકીની કસો હંમેશ તૂટી જવાથી અમારું ઘર સૂત્ર વિનાનું થયું છે.

लिखति न गणयति रेखा निर्भरबाष्पाम्बुधौतगण्डतला ।
अवधिदिवसावसानं माभूदिति शङ्किता बाला ॥

ભાવાર્થ: અખૂટ આંસુથી જેના ગાલ ધોવાયા છે એવી બાલ રેખા આંકે છે પણ અવધની મુદત પૂરી ન થઈ હોય એવી શંકાથી તે ગણતી નથી. એમાં વિરહિણીની અવસ્થા વર્ણવી છે. દૂતીની ઉક્તિ છે કે:

प्रियतमस्त्वमिमामनवार्हसि
प्रियतगाच भवन्तमिहार्हति ।
नहि विभाति निशारहितः शशी
न च विभाति निशापि विनेन्दुना ॥

ભાવાર્થ: હે અનઘ! આનો તું યોગ્ય પ્રિયતમ છે અને એ તારી યોગ્ય પ્રિયતમા છે, કારણ કે રાત વિનાનો ચંદ્ર શોભતો નથી અને ચંદ્ર વિના રાત શોભતી નથી. ૭. વિકટનિતમ્બા: આ બાઈની સુક્તિમુક્તાવલિમાં રાજશેખર નીચે પ્રમાણે પ્રશંસા કરે છે:

के वैकटनितम्बेन गिरां गुम्फेन रञ्जिताः ।
निन्दन्ति निजकान्तानां न मौग्ध्यमधुरं वचः ॥

ભાવાર્થ: વિકટનિતમ્બાની વાણીથી રંજિત થયેલા કયા પુરુષો પોતાની કાન્તાઓનાં મુગ્ધતાથી મધુર લાગતાં વચનો નિંદતા નથી? સુભાગ્યે જે વાણી પર રાજશેખર આટલો બધો કુરબાન થયો હતો તે છએક શ્લોક દ્વારા વાચકો સમક્ષ નિવેદન કરી શકાય છે.

अन्यासु तावदुपमर्दसहासु भृङ्ग
लोलं विनोदय मनः सुमनोलतासु ।
मुग्धाननामरजसं कलिकामकाले
वालां कदर्थयसि किं नवमालिकायाः ॥

ભાવાર્થ: (આ અન્યોક્તિ છે) હે ભમરા! તારો ઉપમર્દ સહન કરી શકે એવી બીજી ફૂલવાળી લતાઓમાં તારા લોલ મનને આનંદ પમાડ, પણ આ નવમાલિકાની મુગ્ધતાના, રજ વિનાની નાની કળીને અકાળે શા માટે પીડે છે?

बाला तन्वी मृदुरियमिति त्यजतामत्र शङ्का
दृष्ट्वा काचिभ्दमरभरतो मञ्जरीभग्नपुष्पा ।
तस्मादेषा रहसि भवता निर्दयं पीडनीया
मन्दाक्रान्ता विसृजति रसं नेक्षुयष्टिः कदाचित् ॥

માં દૂત્યુક્તિ એવી છે કે : (હે નાયક!) આ બાલક, તન્વી અને કોમળ છે એવી શંકા (હોય તો) મૂકી દે. ભમરાના ભારથી ભાંગી ગયેલા ફૂલવાળી મંજરી તેં ક્યાંય જોઈ છે? તેથી એકાન્તમાં અને તારે દયા વિના પીડવી કારણ કે થોડી દબાયેલી શેરડી પૂરેપૂરો રસ કદી આપતી નથી

किं द्वारि दैवहतिके सहकारेण
संवर्वितेन विषवृक्षक एष पापः ।
यस्मिन्मनागपि विकास विकारभाजि
घोरा भवन्ति मदनज्वरसंनिपाताः ॥

ભાવાર્થ: હે દૈવહતિકા! બારણાંમાં મોટા કરેલા આંબાથી શું? આ પાપી તો ઝેરનું ઝાડ છે. કારણ કે તેના થોડા પણ વિકાસથી મદનજ્વરના ઘોર સંનિપાત થાય છે.

दिग्व धूवदनचुम्बि चेप्यर्या
वीक्ष्य सद्युति दिशा भवद्यशः ।
दर्शिंतः पृथु पयोधरोद्गम-
स्तेन सापि परिरभ्यतेलिखा ॥

ભાવાર્થ: દિશારૂપી વધૂના વદનને ચૂંબનારા, તમારા દ્યુતિમાન યશને ઈર્ષ્યાથી જોઈ, દેવલોકની ભૂમિએ વિશાળા પયોધરોનાં રોમાંચથી હર્ષ દર્શાવ્યો એટલે. તેણે તેને પણ ગાઢ આલિંગી.

अभिहिताभ्यियोगपराङ्मुखी
प्रकटमङ्गविलाससमकुर्वती ।
उपरि ते पुरुषायितुमक्षमा
नववधूरिव शत्रुपताकिनी ॥

આમાં ચાટૂક્તિ છે. ભાવાર્થ: બોલાવી, પણ મિલનના યોગ માટે મુખ ફેરવી બેઠી છે. શરીરના વિલાસો પ્રકટ કરતી નથી, + + + તે અશક્ત છે, એવી નવવધૂના જેવી તારા શત્રુની પતાકા છે. શત્રુની સેનાને નવોઢા સાથે સરખાવવામાં આવી છે.

क्व प्रस्थितासि करभोरु घने निशीथे
प्राणाधिपो वसति यत्र मनः प्रियो मे ।
एकाकिनी वद कथं न विभेषि बाले
न चास्ति पुङ्खितशरो मदनः सहायः ॥

આમાં અભિસારિકાનું વર્ણન છે. ગોવિન્દસ્વામી અને વિકટનિતમ્બાની આ સહિયારી કૃતિ ગણાય છે. એકે પ્રશ્નો રચ્યા હશે અને બીજાએ ઉત્તરો. પણ વસ્તુતઃ કોણ પ્રશ્ન કે ઉત્તરનો કર્તા તે જણાયું નથી. એ શ્લોકનો ભાવાર્થ: હે કરભોરુ! મધ્યરાત્રિના ઘાડા અંધારામાં ક્યાં જાય છે? જ્યાં મનનો વહાલો મારો પ્રાણનો નાથ વસે છે ત્યાં હે બાલા! એકલી( જતાં) તને બીક નથી લાગતી? ના, ચડાવેલા બાણવાળો કામદેવ સાથે હોવાથી બીતી નથી. ગોવિંદજી કૃત સભ્યાલંકારમાં વિકટનિતંબાના શ્લોક છે પણ તે હું જોઈ શક્યો નથી. ૮. વિજ્જકા (અથવા વિજ્જાકા, વિજિજકા, વિજ્જા, વિજ્યાંકા વગેરે) ધનદેવના સુભાષિતમાં મારુલા, મોરિકા આદિની સાથે એનું નામ પણ નોંધાયેલું છે. રાજશેખરની પ્રશંસા પ્રમાણે એ કર્ણાટી હતી અને કાલિદાસની પેઠે વૈદર્ભી રીતિમાં એણે કવિતા રચી છેઃ

सरस्वतीव कर्णाटी विजयांका जयत्यसौ ।
या वैदर्भगिरां वासः कालिदासादनंतरं ॥

જલ્હણ, સુક્તિમુક્તાવલિ.


नीलोत्पल दलश्यामां विञ्जकां[3] मामजानता ।
वृथैव दाण्डिना प्रोक्तं[4] सर्वशुक्ला सरस्वती ॥

ભાવાર્થ:– નીલ કમળની પાંખડી જેવી શ્યામ મને વિજ્જકાને ન ઓળખતાં દંડીએ સરસ્વતીને સર્વાંગે ધોળી કહી છે તે વૃથા છે. પોતાના કવિત્વથી મગરૂર રહેનારી કવિકાવ્યપ્રશંસા કેવી રીતે કરે છે?

कवेरभिप्रायमशब्दगोचरं
स्फुरन्तमार्द्रेषु पदेषु केवलम् ।
वराभ्दिरङ्गैः कृतरोमविक्रिये-
जर्नस्य तूप्णींभवतो यमञ्जलिः ॥

ભાવાર્થ: શબ્દોમાં ગોચર નહીં થયેલું એવું કવિના કાવ્યનું રહસ્ય કેવળ મૃદુ પદમાં જ સ્ફુરેલું રહે છે, તેમ રોમાંચની ચેષ્ટાઓવાળાં અને કહેવાના ભાવને પ્રદર્શિત કરનારાં અંગોથી મૂંગા થયેલા આ જનને તમને પ્રણામ છે.

गते प्रेमाबन्धे हृदयबहुमानेपि गलिते
निवृत्ते सद्भावे जन इव जने गच्छति पुरः ।
तथा चैवोत्प्रेक्ष्य प्रियसखि गतांस्तांश्च दिवसा
न्न जाने को हेतु र्दलति शतधा यन्न हृदयम् ॥

આમાં વિરહિણી પ્રલાપ છે. પ્રેમનું બંધન પણ ગયું, હૃદયનું બહુમાન પણ ગળી ગયું, સારો ભાવ પણ નિવૃત્ત થયો અને સાધારણ માણસ માફક પ્રિયજન પણ પાસેથી જવા લાગ્યો અને તે દિવસો પણ ગયેલા હતા એ બધું જોઈને વહાલી બેન! કયા હેતુથી મારું હૈયું શતધા દબાઈ જાય છે તે હું જાણતી નથી.

नार्याः सा रतिशून्यता नयनयो र्य दृष्टिपाते स्थितः
कामी प्राप्तरतार्थ एव न भवत्यालिङ्गितुं वाञ्छति ।
आश्लेषादपि यापरं मृगयते धिक्तामयोग्यां स्मियं
श्रोणीगोचरमागतो रतिफलं प्राप्नोति तिर्यङ्न किम् ॥

આમાં સખીનું વચન છે. નાયક ચાટૂક્તિથી નાયિકાના મુખનું વર્ણન કરે છે:

कोषः स्फीततरः स्थितानि परितः पत्राणि दुर्गं जलं
मैत्रं मण्डलमुज्ज्वलं चिरमधो नीतास्तथा कण्टकाः ।
इत्याकृष्टशिलीमुखेन रचनां कृत्वा तदप्यद्भुतं
यत्पद्मेन जिगीषुणापि न जितं मुग्धे त्वदीयं मुखं ॥

કોષ ધોળો છે, ચારે તરફ પાંદડાં છે અને પાર ન જઈ શકાય એવું ફરતું જળ છે, સૂર્યનું મંડળ નિરંતર જેના તરફ ઉજ્જવળ છે, જેની હેઠળ કાંટા છે, એ રીતે જેણે ભમરાઓને પોતાની તરફ આકર્ષ્યા છે – આવી રચના કરીને જીતવાની ઇચ્છાવાળા કમળે તારા મોં પર હે મુગ્ધા! સરસાઈ નથી મેળવી એ અદ્ભુત છે.

उन्नमय्य सकचग्रहमास्यं
चुम्बति प्रियतमे हठवृत्या ।
हुं ममेति वदनान्तरलीनं
जल्पितं जयति मानवतीनाम् ॥

ભાવાર્થ: વાળના પકડવાની સાથે મોંઢાને ઊંચું કરી પ્રિયતમ હઠવૃત્તિથી ચુંબન કરતે છતે ‘હં મમા’ એ પ્રમાણે મોઢામાં જ રહેલું માનવતી સ્ત્રીઓનું જલ્પિત જય પામે છે.

प्रियसखि विपद्दण्डप्रान्तप्रपातपरंपरा
परिचयचले चिन्ताचक्रे निधाय विधिः खलः ।
मृदभिव बलात्पिण्डीकृत्य प्रगल्भकुलालव
भ्दिमयति मनो नो जानीमः किमत्र विधास्यति ॥

આ શ્લોક વિજ્જકાની જ કૃતિ છે કે કેમ એ શંકાસ્પદ છે. ભાવાર્થ: હે પ્રિય સખી! ખળ વિધિ વિપત્તિ રૂપી દંડના છેડાના વારંવાર પ્રપાતના પરિચયથી ચલાયમાન એવા ચિન્તારૂપી ચક્ર ઉપર માટીની માફક જોરથી પીંડો વાળી મનને મૂકી પ્રગલ્ભ કુંભારની જેમ તે ચાક ફેરવે છે છતાં અહીં તે શું કરશે તે અમે જાણતા નથી.

विरम विफलायासादस्माद्दुरध्यवसायतो
विपदि महतां धैर्यं भ्रंशं यदीक्षितुमीहसे ।
अयि जडविधे कल्पापायव्यपेतनिजक्रमाः
कुलशिखरिणः क्षुद्रा नैतेन वा जलराशयः ॥

ભાવાર્થ: હે જડ વિધિ! વિપત્તિમાં મહાન પુરુષોની ધીરજનો ભ્રંશ થતો જોવાની તારી ઇચ્છા હોય તો આ નિષ્ફળ પ્રયત્નવાળા ખરાબ નિશ્ચયથી વિરમ. કારણ કે કલ્પને અંતે જેમણે પોતાનો ક્રમ ઊલંઘ્યો છે એવા ક્ષુદ્ર સમુદ્રો તે નથી.

किंशुककलिकान्तर्गतमिन्दुकलास्पर्धि केसरं भाति
रक्तनिचोलकपिहितं धनुरिव जतुमुद्रितमनङ्गस्य ॥

કેસૂડાંની કળીની અંદર રહેલું ચંદ્રની હરીફાઈ કરતું કેસર રાતા લૂગડામાં વીંટાયેલું ને લાખથી ચિહ્નિત કામદેવનું ધનુષ્ય હોય તેવું શોભે છે.

केनात्र चम्पकतरो बत रोपितोसि
कुग्रामपामरजनान्तिकवाटिकायाम् ।
यत्र प्ररूढनवशाकविवृद्धिलोभा
द्रोभग्नवाटघटनोचितपल्लवोसि ॥

હે ચમ્પક તરુ! કુગ્રામના પામરજનની અન્તિક વાટિકામાં તને કોણે રોપ્યું છે? જ્યાં ઊગેલા નવા શાકની વૃદ્ધિના લોભ ખાતર ગાયે ભાંગેલી વાડ સમી કરવા લાયક તારાં પલ્લવ ગણાય છે.

माद्यद्दिग्गजदानलिप्तकरटप्रक्षालनक्षोभिता
व्योम्नः सीम्नि विचेरुरप्रतिहता यस्योर्मयो निर्मलाः ।
कष्टं भाग्यविपर्ययेण सरसः कल्पान्तरस्थायिन
स्तस्याप्येकबकप्रचारकलुषं कालेन जातं जलम् ॥

ભાવાર્થ: મદમત્ત દિગ્ગજના દાનલિપ્ત ગંડસ્થળના પ્રક્ષાલનથી ક્ષુબ્ધ થયેલી નિર્મળ અને અપ્રતિહત જેની ઉર્મિઓ આકાશની સીમાઓમાં ફરતી હતી તે જ કલ્પાન્તરમાં રહી શકે એવા સરોવરનું જળ ભાગ્ય વિપર્યયથી કાળે કરીને માત્ર એક જ બગલાના પ્રચારથી હાય! ક્લુષિત થયું છે!

विलासमसृणोल्लसन्मुसललोलदोःकन्दली
परस्परपरिस्खलद्वलयनिःस्वनोद्बन्धुरा ।
लसन्ति कल हुं कृतिप्रसभकम्पितोरःस्थल
त्रुटद्रमकसंकुलाः कलमखण्डनी गीतयः ॥

ભાવાર્થ: વિલાસી, લીસા અને સુંદર, એવા સાંબેલાને હાથમાં ધારણ કરનારી અને ઊંચી નીચી થતી હસ્તરૂપી કદલીમાં પહેરેલી ચૂડીઓના પરસ્પર અથડાવાથી થતા ધ્વનિ વડે ગાજી રહેલી, તથા સુંદર હુંકારથી એકાએક કંપી રહેલા ઉરઃસ્થળ ઉપર પહેરેલું મંગળસૂત્ર તૂટી જવાથી થતા ધ્વનિથી યુક્ત એવી ડાંગર ખાંડતાં ગવાતી ગીતિઓ શોભી રહેલી છે. सोत्साहा नववारिभारमुखो मुंचतु नादं घनांः। થી શરૂ થતો શ્લોક જલ્હણની સુભાષિતમુક્તાવલિની એક હસ્તલિખિત પ્રતમાં છે પણ તે મને મળ્યો નથી. ૯. શીલાભટ્ટારિકા: ધનદેવના સુભાષિતમાં એનું નામ ગુંથાયેલું છે. ભોજદેવના દરબારને શોભાવતી કવિમંડળીમાં એ હતી એવી દંતકથા પ્રચલિત છે. એક શ્લોકનો પૂર્વાર્ધ ભોજે રચેલો અને ઉત્તરાર્ધ શીલાએ રચેલો મનાય છે. એ શ્લોકને ભર્તૃહરિ શતકમાં વળી સ્થાન મળેલું છે એટલે વાસ્તવિક હકીકત કળવાનું સહેલું નથી. નીચેના શ્લોકના કર્તૃત્વ માટે અમરુ અને શીલા વચ્ચે તકરાર છે.

विरह विषमो वामः कामः करोतु तनुं तनुं
दिवस गणनादक्षश्वासौ व्यपेतधृणो यमः ।
त्वमपि वशगो मानव्याधेर्विचिन्तय नाथ हे
किसलय मृदुर्जीवेदेवं कथं प्रमदाजनः ॥

વિરહથી વિષમ થયેલા કુટિલ કામદેવને શરીર દૂબળું કરવા દ્યો. દિવસની સંખ્યા ગણવામાં નિપુણ યમ ભલેને દયા છોડી દે, તું પણ માનરૂપી વ્યાધિને વશ થયો છે. હે નાથ! વિચાર કે કિસલય જેવી કુમળી પ્રમદા કેવી રીતે જીવી શકશે? જલ્હણે સૂક્તિમુક્તાવલિમાં શીલાની રાજશેખરે કરેલી પ્રશંસા જાળવી રાખી છે.

शब्दार्थयोः समो गुम्फः पाञ्चाली रीति रुच्यते ।
शीलाभट्टारिका वाचि बाणोक्तिषु च सा यदि ॥
શબ્દ અને અર્થનો સરખો ગુંફ જેમાં તે પાંચાલિ રીતિ કહેવાય છે, જો તે શીલાભટ્ટારિકાની વાણીમાં કે બાણની ઉક્તિમાં હોય તો. આથી સુપ્રસિદ્ધ ને વખણાયેલી નારીની કવિતાનો પરિચય નીચેના શ્લોકો આપે છે.


{{Block center|<poem>दूति त्वं तरुणी युवा सः चपलः श्यामास्तमोभिर्दिशः
संदेशः सरहस्य एव विपिने संकेतकावासकः ।
भृयोभूयः इमे वसन्तमरुतश्चेतो हरन्त्यन्यतो
गच्छ क्षेमसमागमाय निपुणे रक्षन्तु ते देवताः ॥

હે દૂતી! તું જુવાન છો, અને તે જુવાન ચપળ છે, દિશાઓ અંધકારથી કાળી છે, સંદેશો રહસ્યવાળો છે, વળી સંકેતસ્થાન જંગલમાં છે માટે ફરીફરીને કહું છું કે આ વસન્તના પવન મનને બીજી બાજુ લઈ જાય તો હે નિપુણ દૂતી! તું ક્ષેમસમાગમને માટે જા. દેવતાઓ તારું રક્ષણ કરો!

प्रियाविरहितस्याद्य हृदि चिन्ता ममागता ।
इति मत्वा गता निद्रा के कृतघ्नमुपासते ॥

ભાવાર્થ: પ્રિયાના વિરહથી દુઃખી એવા મારા હૃદયમાં આજે ચિંતાને સ્થાન મળેલું છે એમ સમજીને નિદ્રા મને છોડીને ચાલી ગઈ છે. ખરું જ છે કે કૃતઘ્નની કીયા પુરુષો ઉપાસના કરે છે?

श्वासाः किं त्वरितागतैः पुलकिता कस्मात्प्रसादः कृतः
स्रस्ता वेण्यपि पादयोर्निपतनान्नीवी गमादागमात् ।
स्वेदार्द्रं मुखमातपेन गलितं क्षामा किमत्युक्तिभि
र्दूति म्लानसरोरुहद्युतिधरस्यौष्ठस्य किं वक्ष्यसि ॥

ભાવાર્થ: હે દૂતિ! (મારા પ્રીતમ પાસે) તારાથી જઈ આવવાથી શું તને આમ શ્વાસ ચડી ગયો છે? તારાં રોમાંચ ખડાં થયાં છે, તે શું કોઈએ તારા ઉપર કૃપા કરી? શું (મારા પ્રીતમના) પગે પડવાથી વેણી પણ સરી પડી? અને હરફરમાં શું તારી નીવી ઢીલી પડી છે? તાપથી પણ પરસેવા વડે ભીંજાયેલું તારું મુખ પણ ગળે છે. તું દૂબળી પડી છે. અરે વધારે કહેવાની જરૂર શી છે? કરમાયેલા કમળની કાન્તિ ધરનારા તારા ઓઠ વિશે પણ તું શું કહે છે? यः कौमारहरः स एव हि रहःથી શરૂ થતો શીલાનો શ્લોક જલ્હણની સુભાષિત મુક્તાવલિની એક પ્રતમાં છે પણ તે મેળવી શકાયો નથી. ૧૦ સુભદ્રા : આને વિશે રાજશેખર કહે છે કે :-

पार्थस्य मनसि स्थानं लेभे खलु सुभद्रया ।
कवीनां च वचोवृत्ति चातुर्येण सुभट्टया ।

જલ્હણ કૃત સૂક્તિમુક્તાવલિ.

ભાવાર્થ: ખરેખર સુભદ્રાએ પાર્થ—અર્જુનના મનમાં સ્થાન મેળવ્યું છે. સુભદ્રા કવયિત્રીએ પણ વાક્યોના ન્યાસની નિપુણતાથી કવિઓનાં મન હરી લીધાં છે. કવિઓનાં મન હરી લેનારીનો એક જ શ્લોક હયાત રહ્યો છેઃ

दुग्धं च यत्तदनु यत् क्वथितं ततोनु
माधुर्यमस्य हतमुन्मथितं च वेगात् ।
जार्त पुनर्धृतकृते नवनीतवृत्ति
स्नेहो निबन्धनमनर्थपरंपराणाम् ॥

ભાવાર્થ: જે દૂધ હતું તેને પ્રથમ દોહવામાં આવ્યું; તે પછી ઉકાળવામાં આવ્યું;(આધરકી) તેની મધુરતા હરી લેવામાં આવી, અને વેગથી તેને વલોવવામાં આવ્યું. વળી ઘી મેળવવા કાજે તેને માખણ કરી તપાવવામાં આવ્યું. ખરેખર સ્નેહ(ઘી) એ અનર્થની પરંપરાઓનું નિબંધન છે. આ શ્લોકમાં સ્નેહનો શ્લિષ્ટ પ્રયોગ કરી જે અર્થ ધ્વનિત કરવા ઉદ્દેશ છે તે સર્વને સરલતઃ ગમ્ય થાય તેવો છે. ૧૧. શરીફ(?) — દા. પિટરસન આ નામ સ્ત્રીનું ગણે છે. ઔફ્રેક્ટે નથી ગણ્યું.

अत्यन्तोन्नतपूर्वपर्वतमहापीठे हरस्पर्धया
दूरोदञ्चितधूमसंनिभतमस्तारास्फुलिङ्गाकुलम् ।
नूनं पञ्चशरोऽकरोच्छशिमिषात्स्वं ज्वाललिङ्गंयतो
गर्वाच्छर्वपरान्दहेन्मुनिवरान्सर्वानखर्वाशुभिः ॥

ભાવાર્થ: ખરે જ કામદેવે શંકરની સ્પર્ધાથી અત્યંત ઉન્નત એવા ઉદયાચળરૂપી મહાપીઠ ઉપર ચંદ્રના મિષથી પોતાના જ્વાલામય સ્વરૂપને ઉદય કર્યો છે અને તારારૂપી તણખાથી વ્યાકુલ એવા અત્યંત દૂર ઉદય પામેલા ધુમાડા સમાન અંધકારનો નાશ કર્યો છે. એવા કામદેવ ગર્વથી શંકરપરાયણ મુનિવરોને પણ અસંખ્ય કિરણોથી બાળી દે. ૧૨. પ્રભુદેવી: રાજશેખર એને નીચે પ્રમાણે પ્રશંસે છે:

सूक्तीनां स्मरकेलीनां कलानां च विलासभूः ।
प्रभुदेवी कविर्लाटी गतापि हृदि तिष्ठति ॥

આ ઉપરાંત અવન્તિસુન્દરી, કુન્તીદેવી, ચણ્ડાલવિદ્યા, પદ્મશ્રી, પદ્માવતી, ભાવદેવી, લક્ષ્મી, વિદ્યા, વિશ્વાસદેવી, સરસ્વતી, સીતા, જઘનચપલા, કેરલી, ગૌરી, રત્નાવલી વગેરેનાં નામ જાણવામાં આવ્યાં છે. પણ તેમનો રચેલો એક પણ શ્લોક પ્રાપ્ત કરી શકાયો નથી. શર્મિષ્ઠા, સરસ્વતી, રમ્ભા, ગૌરી આદિના ગ્રંથો વિશે ઉલ્લેખ વાંચ્યા છે પણ વિશેષ અને ચોક્કસ માહિતી મળી શકી નથી. મદ્રાસ ઈલાકામાં ઈ. સ. ૧૬૪૦ના અરસામાં મધુરવાણી નામની કવિઆણી થઈ ગઈ છે. તે ચાર ભાષામાં કાવ્યરચના કરી શકતી હતી. તે અવધાની હતી, વ્યાકરણ અને વૈદકમાં નિષ્ણાત હતી; વીણા વગાડવામાં કુશળ હતી. તંજોરના રઘુનાથ ભૂપાલે એને આ નામ આપ્યું હતું. રઘુનાથ ભૂપાલ રચિત આન્ધ્ર રામાયણનો સંસ્કૃત પરિવર્ત એણે કર્યો હતો. આ સંગ્રહમાંની કવિતા વાંચતાં ખેદ થાય છે. બૌદ્ધ થેરીઓ કે વૈષ્ણવ ભક્તાણિઓનો સ્વયંભૂ હૃદયોર્મિ એમાં નથી. સ્ત્રીહૃદયનો પ્રભાવ નથી પણ પુરુષરચિત કવિતાનાં નીરસ અનુકરણ છે. સ્ત્રીપ્રતિષ્ઠા ઉન્નત ન હોવાનું આ પરિણામ હશે? અવકાશે વિશ્વવારા, અપાલા, ઘોષા, આદિ વૈદિક સ્ત્રીઋષિઓનાં સૂક્તોનો પરિચય આપવામાં આવશે. તા. ક. – શ્લોકોનાં ભાષાંતર કરવામાં રા. રા. અંબાલાલ બુ. જાની બી. એ. અને રા.. રા. લાભશંકર પ્રભુરામ ભટે મદદ કરી છે માટે તેમનો ઉપકાર માનું છું. [૧૯૧૩]


  1. The essence or poetic art — the passion of the heart, the longing to idealise what is human and to confer humanity on what is lifeless-Mommsen, Hist. of Rome Vol. I The beginnings of poetry everywhere, perhaps belong rather to women than to men; the goddess of song is conceived as feminise—ibid.
  2. હસ્તલિખિત સંસ્કૃત ગ્રંથો સંબંધીનો ડો. સર રામકૃષ્ણ ભાંડારકરનો રિપોર્ટ (પૃ. ૬૭ જુઓ)
  3. પાઠાંતર ‘તામ’
  4. પાઠાંતર ‘નાપ્યુક્ત’