રણ તો રેશમ રેશમ/યાદ આવશે સદા રૂપાળાં સમરકંદ-બુખારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૧૫) યાદ આવશે સદા રૂપાળાં સમરકંદ–બુખારા

એ ચોકનું નામ હતું રેગિસ્તાન. ઉઝબેકિસ્તાન જતાં પહેલાં એનાં પુરાણા જમાનાનાં ચિત્રો જોયેલાં. એક સમયમાં રણની વચ્ચે ઊભેલા સમરકંદ ગામના ઉંબરાની જેમ એ કાફલાઓને આવકારતો હશે, તેવી કલ્પના મનમાં હતી. ગામ પણ રણ વચ્ચેના કોઈ રેતાળ ગામડાં જેવું કલ્પેલું અને આજે અમે વિશાળ અત્યાધુનિક, એવા સમરકંદ શહેરના અસ્ફાલ્ટના રાજમાર્ગો પરથી પસાર થઈ રહ્યાં હતાં. હજીય મનમાં હતું કે, રેગિસ્તાન ચોક તો શહેરની બહાર કોઈ છેવાડાના સ્થળે હશે, પણ અહો આશ્ચર્યમ્! એ તો શહેરની વચ્ચોવચ વાહનવ્યવહારથી ઊભરાતા રસ્તાઓની વચ્ચે સ્થિત હતો! વિશાળ વિસ્તારને આવરી લેતું એ સ્થળ પંદરમી સદીમાં સમરકંદની અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્રસ્થાન હતું. મોટા મેળાવડા, રાજકીય પ્રસંગો, સાંસ્કૃતિક ઉજવણીઓ, બધું જ અહીં ઊજવાતું. કોઈને જાહેરમાં દેહાંતદંડ આપવાનો હોય, તો એ વિધિ પણ અહીં જ કરવામાં આવતો. આજે પણ એ સમરકંદ શહેરનું અસ્મિતાકેન્દ્ર છે. ગયા માર્ચમાં જ અહીં ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફૉકલ્યોર ફેસ્ટિવલ ઊજવાયેલો. રેગિસ્તાન ચોકમાં ત્રણ ભવનો દેખાય છે. પહેલું તે ઉલુબબેગ મદરેસા. તૈમૂરનો પૌત્ર ઉલુબબેગ વિદ્વાન હતો. એ ખગોળશાસ્ત્રમાં તથા ગણિતશાસ્ત્રમાં પારંગત હતો. રાજા હોવા છતાં એ આ મદરેસામાં વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્ર ભણાવતો. ઉલુબબેગે સમરકંદમાં બંધાવેલી વેધશાળા પણ અમે જોઈ. આપણા જયપુરની વેધશાળાનાં ઉપકરણો તથા પ્લાન સમરકંદની આ વેધશાળાથી પ્રેરિત છે. મદરેસામાં ઉલુબબેગ પૃથ્વીના ગોળા સામે વિદ્યાર્થીઓને ભણાવતો હોય તેવું શિલ્પ છે. રાજા લડતો હોય તેવાં શિલ્પ જોયેલાં, રાજા ઘોડેસવારી કરતો હોય કે દરબાર ભરીને બેઠો હોય તેવું પણ જોયેલું, પણ રાજા ભણાવતો હોય, તેવું શિલ્પ પહેલી વાર જોયું! મદરેસામાં સરકારે લોકકલાના નમૂનાઓનું બજાર ભર્યું છે. સમરકંદ સિલ્ક કારપેટ નામથી વિખ્યાત ગાલીચા અહીંની શાન છે. આ ગાલીચાની ગુણવત્તા એના વણાટમાં ગૂંથેલી ગાંઠોની સંખ્યા પરથી નક્કી થતી હોય છે. ગાલીચા ઉપરાંત ત્યાં ઉઝબેક પારંપરિક વસ્ત્રો, ભરતકામના નમૂના, ધાતુનાં પાત્રો, પૂતળાં, વાજિંત્રો, કાચનાં પાત્રો, ત્યાંનું પારંપરિક સંગીત, વિડિયો વગેરે મળતું હતું. નોંધપાત્ર બાબત એ હતી કે બજારે મદરેસાને ગંદી પણ નહોતી કરી તથા એને કુરૂપ પણ નહોતી બનાવી. મદરેસાની શાન તથા સૌંદર્યને અકબંધ રાખીને દેશની ઇકોનૉમીને પ્રવાસન ઉદ્યોગની આવકનો લાભ આપવા પ્રયત્ન થયેલો અમે ત્યાં જોયો. રેગિસ્તાન ચોકમાં ઉલુબબેગ મદરેસાની બરાબર સામે એના જેવું જ બીજું સ્થાપત્ય છે, શિરદાર મદરેસાનું. એના પ્રવેશદ્વાર પર બંને તરફ વાઘનું ચિત્ર છે, જેના પર સવારી કરતું સૂર્યના આકારનું માથું ચીતરેલું છે. જોકે આ ઇસ્લામિક મદરેસા છે, પણ આ પ્રતીક ઇસ્લામિક સંસ્કૃતિનું નહીં, એ તો ઈરાનિયન પારસીઓની સંસ્કૃતિનું પ્રતીક છે. બંને ધર્મથી સમન્વિત ઉઝબેક સંસ્કૃતિ માટે એ એક મહત્ત્વપૂર્ણ પ્રતીક છે. આજના ઉઝબેક ચલણમાં ૨૦૦ સૂમની ચલણી નોટ પર આ સૂર્યાંકિત વાઘનું ચિહ્ન જોઈ શકાય છે. રેગિસ્તાન ચોકમાં બંને મદરેસાની વચ્ચે ત્રીજું ભવન છે, ૧૬મી સદીમાં બંધાયેલ તિલ્લાકોરી મદરેસા. ખરેખર તો એ એક કેળવણીધામ કરતાં વધારે પ્રાર્થનાસ્થાન તરીકે વિખ્યાત છે. એનો ભૂરો ઘુમ્મટ તડકામાં ખૂબ ચળકી રહ્યો હતો. નિકીએ સમજાવ્યું કે આ રંગમાં દોઢ ટન સોનું ભેળવવામાં આવ્યું હતું, જેને કારણે આજે સદીઓ પશ્ચાત પણ એની ચમક અકબંધ છે. રેગિસ્તાનની પાછળ ચોરસૂ બજાર છે. પુરાણાકાળનું આ અગત્યનું વ્યાપારકેન્દ્ર આજે ઉપયોગમાં લેવાતું નથી, માત્ર એને ઐતિહાસિક સ્થળ તરીકે પ્રવાસીઓને જોવા ખુલ્લું મુકાયું છે. તાશ્કંદમાં તથા સમરકંદમાં અમે બીજાં અનેક ચોરસૂ બજાર જોયાં. દરેકમાં સામાન ખૂબ વાજબી ભાવે મળતો હતો તથા વેચનાર લોકોનું સૌજન્ય પણ નોંધપાત્ર હતું. દરેક બજારોમાં સૂકા મેવાની તથા ફળોની રેલમછેલ અમે જોઈ તથા ઊંચા ઓટલા પર આકર્ષક રીતે સજાવેલા વિવિધ પ્રકારના સમરકંદના વિખ્યાત રોટલા અમે ખાસ ચાખ્યા. એ દિવસે ભોજન માટે અમને એક સ્થાનિક કુટુંબ તરફથી આમંત્રિત કરવામાં આવેલાં. અમને ઉઝબેક લોકજીવનનો પરિચય મળી રહે તે માટે નિકીએ ખાસ આ વ્યવસ્થા ગોઠવેલી. સોસાયટી જેવો મહોલ્લો હતો. એમાં દરેક બંગલાના પ્રવેશદ્વાર ઉપર દ્રાક્ષના માંડવા પાડેલા હતા. આ માંડવા પરની વેલો કાળી દ્રાક્ષનાં ફળોથી લચી પડેલી હતી. મકાનના આંગણામાં એક મોટી કલાત્મક પાટ મૂકેલી હતી તથા ત્રણેક ટેબલ–ખુરશીના સેટ મૂકેલા હતા. એનાથી થોડે દૂર લાકડાના ખપાટિયા પર જાળી જડીને બનાવેલા એક મોટા પીંજરામાં રંગબેરંગી પંખીઓ ચહેકતાં દેખાયાં. ટેબલ પર ફળોની સજાવટ હતી. ઘરની મોવડી મહિલાની આગેવાની હેઠળ આખુંય કુટુંબ મહેમાનોની સરભરામાં લાગેલું હતું. સરસ ઉઝબેક ભોજન અમને અત્યંત હેતે પીરસવામાં આવ્યું. ઉઝબેક ભોજન ત્રણ તબક્કામાં પીરસાય છે. પહેલાં ફળો સાથે ભાત તથા શાકભાજીમાંથી બનાવેલ સૂપ જેવી વાનગી હતી, સાથે સમરકંદની વિવિધ પ્રકારની બ્રેડ પણ ખરી. બીજા તબક્કામાં મુખ્ય ડિશ આવે. અમને બટાકાની મોટી કટલેટ જેવી વાનગી ચટનીઓ સાથે પીરસવામાં આવી. ત્યારબાદ ત્રીજા તબક્કામાં કાંઈક ગળ્યું પીરસવામાં આવતું હોય છે, જેમાં આપણે ત્યાંની બાલુશાહી જેવું વ્યંજન હતું. છેલ્લે ઉઝબેક ચા તો હોય જ. આગલી સાંજે ઉઝબેક રેસ્ટોરાંમાં અમે પારંપરિક ઉઝબેક જમણ લીધેલું. બુખારામાં પણ એક મોટા વાડામાં રજવાડી ફર્નિચર ગોઠવેલ હોય તેવી ઑપન એર રેસ્ટોરાંમાં ઉઝબેક વાનગીઓ જ ખાધેલી. આ ત્રીજી વાર સ્થાનિક ખોરાક ખાઈ રહ્યાં હતાં, પણ એકેય વાર કંટાળો ન આવ્યો કે અરુચિ ન થઈ. વળી દરેક વખતે વાનગીઓ અલગ અલગ પ્રકારની હતી, જે તમામ સ્વાદિષ્ટ હતી. તાશ્કંદમાં તો એટલી બધી ભારતીય ભોજન પીરસતી રેસ્ટોરાં છે કે નિકી અમને રોજ નવી રેસ્ટોરાંમાં લઈ જતી. ઉઝબેક પ્રજાને ભારતનું બધું જ ખૂબ ગમે છે! દિવસ હાથમાંથી સરી રહ્યો હતો. બપોર પછી અમે મુખ્ય શહેરને છેવાડે સ્થિત સ્થળો જોવા ગયાં. ગામને છેડે ટેકરાળ વિસ્તાર હતો. આ ટેકરીઓ પર કબ્રસ્તાન જેવાં સળંગ ખંડિયરો દેખાઈ રહ્યાં હતાં. જરાક વિષાદમય તથા ઝાંખાં લાગતાં એ ખંડિયરોને બતાવતાં નિકીએ કહ્યું : ‘આ શાહ એ જિન્દા કૉમ્પલૅક્સ છે. છેક નવમી સદીથી એ શાહી કબ્રસ્તાન તરીકે વપરાતું આવ્યું છે. શાહ એ જિન્દાનો અર્થ થાય જીવતા રાજાની જગ્યા. કહેવાય છે કે, મહમ્મદ પયગંબરનો પિતરાઈ ભાઈ સુલતાન કુસામ ઈબ્ન અબ્બાસ, જે સાતમી સદીમાં આરબોના અતિક્રમણ વખતે ઇસ્લામના પ્રચાર અર્થે અહીં આવેલો, તેને અહીં દફનાવવામાં આવેલો. દંતકથા છે કે ઇસ્લામમાં શ્રદ્ધા રાખવા બદલ આ કુસામ ઈબ્ન અબ્બાસનો શિરચ્છેદ કરવામાં આવેલ. કુસામજી તો પોતાનું કાપેલું માથું પોતાના જ હાથમાં લઈને અહીં આ શાહ એ જિન્દા સંકુલમાં આવેલ એક કૂવામાં કૂદી પડ્યા. ‘સ્વર્ગના ઉદ્યાન’ તરીકે ઓળખાતા આ કૂવામાં સુલતાન કુસામ ઈબ્ન અબ્બાસને આજે પણ જીવિત માનવામાં આવે છે. આ જ કારણે આ વિસ્તાર ‘શાહ એ જિન્દા પરિસર’ તરીકે ઓળખાય છે. આ સ્થળથી થોડેક જ આગળ અમે તૈમૂરની પટરાણી અર્થાત્ બીબી હનુમનો મહેલ જોયો. આખાય ઉઝબેકિસ્તાનમાં અત્યાર સુધી ભવ્ય મદરેસાઓ જ જોયેલી. મહેલ હવે પહેલી વાર જોઈ રહ્યાં હતાં. આ મહેલની કથા પણ રસપ્રદ છે. તૈમૂર જ્યારે ભારતને લૂંટવા ગયેલો ત્યારે એની પટરાણીએ એના સ્વાગત અર્થે એક ભવ્ય મહેલ બંધાવવાનો શરૂ કર્યો. મહેલનો મુખ્ય સ્થપતિને બીબી હનુમ માટે આકર્ષણ થઈ આવ્યું. તેણે કામ અત્યંત ધીમું ચાલવા દીધું. તૈમૂરનો પાછા ફરવાનો સમય નજીક આવી રહ્યો હતો. રાણીએ સ્થપતિને જલદી કામ પૂરું કરવા વિનંતી કરી. સ્થપતિએ શરત મૂકી કે, જો રાણી એને એક ચુંબન કરવા દે તો સ્થપતિ કામ ત્વરિત પૂરું કરી દે. રાણીને એ મંજૂર નહોતું. અંતે કામ પૂરું કરાવવા રાણીએ વચલો રસ્તો કાઢ્યો. એણે પોતાના ગાલ ઉપર એક ઓશીકું મૂક્યું અને એ ઓશીકા પર સ્થપતિને ચુંબન કરવા છૂટ આપી. વાયકા છે કે સ્થપતિનો પ્રેમ એવો ઉત્કટ હતો કે, રાણીના ગાલ પર ઓશીકા સોંસરવું લાલ ચકામું થઈ આવ્યું. તૈમૂર પાછો ફર્યો. રાણીના ગાલ પર ચકામું જોઈ એનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. રાણી પ્રત્યે એને અખૂટ પ્રેમ હતો, એટલે એ રાણીને મારી નાખી ન શક્યો. એણે રાણીને કહ્યું, ‘તારી મનગમતી કીમતી સામગ્રીઓ તથા જીવન-જરૂરિયાતની વસ્તુઓ લઈને અત્યારે જ મારું રાજ્ય છોડીને દૂર ક્યાંક ચાલી જા.’ રાણી રડતાં રડતાં કહે, જહાંપનાહ, તો તો તમારે પણ મારી સાથે આવવું પડશે, કારણ કે, મારી સૌથી કીમતી વસ્તુ તો આપ જ છો.’ તૈમૂરે બીબી ખાનુમને માફ કરી દીધી. ઉન્નત શિરે ઊભેલો મહેલ પ્રેમની ગાથાઓ દોહરાવી રહ્યો હતો. અલવિદા, ઉઝબેકિસ્તાન! અત્યંત પરિચિત લાગતી એ ભૂમિ પરનો સમય હવે પૂરો થઈ રહ્યો હતો. સમરકંદથી તાશ્કંદ પાછાં ફરતાં ટ્રેઇનની મુસાફરીનો અનુભવ લેવાનો હતો અને પછી વતન તરફની એક ટૂંકી ઉડાન... લોકો પૂછે છે, ‘પ્રવાસમાં મજા પડી?’ અમે જવાબ આપીએ છીએ, ‘હા, પ્રવાસમાં મજા આવે, એનાંથી ક્યાંય વધારે મજા પાછાં ફરવામાં આવતી હોય છે!’