રણ તો રેશમ રેશમ/સમુદ્રમય રણમાં સમજણના સાત સ્તંભ : વાદી રમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૧૮) સમુદ્રમય રણમાં સમજણના સાત સ્તંભ : વાદી રમ
Ran to Resham 23.jpg

જોર્ડનના વાદી રમના રણ સાથે એક દંતકથા સમાન પાત્રનું નામ જોડાયેલું છે. એ નામ છે : લોરેન્સ ઑફ અરેબિયા. આમ તો તે એક બ્રિટીશ સૈનિક હતો. પરંતુ આ રણપ્રદેશ સાથે તેને ગાઢ સંબંધ રહ્યો હતો. તે આ રણને ચાહતો, અહીં ભમતો તથા અહીંની ભાષા ખૂબ સારી રીતે જાણતો હતો. એક એવી પણ વાયકા છે કે લોરેન્સને સિરિયાના એક યુવાન છોકરા પ્રત્યે અસાધારણ પ્રેમ હતો, જેને કારણે તે આ પ્રદેશમાં વારંવાર આવતો હતો. તે સમયે આરબ રાષ્ટ્રો વિભાજિત નહોતાં. લોરેન્સ આરબો સાથે ઘરોબો ધરાવતો હતો તથા તેમની ભાષા સારી રીતે જાણતો હતો. તેથી આરબોના બળવા વખતે તેને બ્રિટિશરો વતી સમગ્ર ચળવળના સંકલનનું કામ સોંપાયું. તેણે આ બળવાની વિગતો સમાવી લેતું એક આત્મકથાત્મક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે : ‘સેવન પિલર્સ ઑફ વિઝડમ.’ ખરેખર તો આ પ્રદેશમાં ખૂબ ઘૂમ્યા પછી લોરેન્સ આરબોના સાત મહાન નગરો વિશે પુસ્તક લખવા ધારતો હતો. પુસ્તક ઉપર થોડું કામ થયું, ત્યાં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લોરેન્સની હસ્તપ્રત ખોવાઈ ગઈ. યુદ્ધ દરમિયાન જ આરબોનો બળવો થયો. આ બળવાના અનુભવો વણાતા ગયા ને એક અલગ જ પુસ્તકનું સર્જન થયું, પરંતુ એનું નામ લોરેન્સે એ જ રાખ્યું : સેવન પિલર્સ ઑફ વિઝડમ. વાદી રમના રણમાં આજે પણ આ નામનો વિશાળ ખડક જોઈ શકાય છે. લોરેન્સે પુસ્તકના કવર પેઇજ પર આ ખડકનું ચિત્ર જ મૂકેલું છે. આરબોના બળવાની વાત પણ રસપ્રદ છે, જેમાં લોરેન્સનો સિંહફાળો હતો. ખરેખર તો એ જોર્ડનની જન્મકહાણી પણ છે. ઑટોમન વંશના તુર્ક રાજવીઓઓ અહીં સોળમી સદીની શરૂઆતનાં વરસોથી માંડીને વીસમી સદીની શરૂઆતનાં વરસો સુધી રાજ કર્યું. આશરે ચારસો વર્ષના આ શાસનકાળમાં શરૂઆતનાં ત્રણસો વર્ષ તો બધું બરાબર ચાલ્યું, પરંતુ છેલ્લાં સો વર્ષોમાં તકલીફ શરૂ થઈ. તે સમયમાં આવેલ નવા આગેવાનોએ કલ્યાણને બદલે દમનકારી રાજરીતિઓ અપનાવી. ૧૯૪૦માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યારે આ ઑટોમાન તુર્ક રાજવીઓએ બ્રિટન તથા ફ્રાન્સની વિરુદ્ધ જર્મનીની મદદ કરવાનું શરૂ કર્યું. ઑટોમાને આ વાદી રમમાં રેલવેલાઇન નાખી. લોકોને કહેવામાં આવ્યું કે, આ લાઇન યુરોપથી મક્કાની યાત્રાની સુવિધા અર્થે નાખવામાં આવી છે. પણ થોડા જ સમયમાં પ્રજાને સમજાઈ ગયું કે, હકીકતમાં તો એ રેલવે આ પ્રદેશના લોકોને યુદ્ધમાં મોકલવા માટે નાખવામાં આવેલી. આરબોને થયું, આ આપણી લડાઈ નથી, છતાં શા માટે આપણને લડવા મોકલવામાં આવી રહ્યા છે? શા માટે આપણે જીવ આપીને ખુવાર થતા રહ્યા છીએ? શા માટે કેળવણી સહિત દરેક કારભારમાં માત્ર તુર્કોની ભાષાનો જ પ્રયોગ થાય છે? આપણી પોતાની અરેબિક ભાષા કેમ વાપરવા દેવામાં આવતી નથી? શા માટે આપણી આવકનો પચાસથી પણ વધારે ટકા હિસ્સો કર તરીકે ઉઘરાવી લેવામાં આવે છે? લોકોમાં ઊઠેલા વિરોધના સૂરને દબાવવા તુર્ક રાજવીઓએ વધારે અત્યાચાર કર્યા. ઑટોમાનની કોઈ પણ નીતિનો વિરોધ કરનારને ક્રૂરતાપૂર્વક જાહેરમાં ફાંસી આપીને મારી નાખવામાં આવતો. આ રીતે અનેક લોકનાયકોને તથા લેખકોને મારી નાખવામાં આવ્યા. લોકોની આંખ ઊઘડી ગઈ. આરબોમાં વિદ્રોહ જાગ્યો. આ વિદ્રોહમાં આરબોની મદદ કરનાર પાત્ર, તે લોરેન્સ ઑફ અરેબિયા. તે સમયે તમામ આરબ રાષ્ટ્રો એક સાથે હતાં. મક્કામાં શરીફ હુસૈન મિન્હાલી નામનો ગવર્નર હતો. તેણે આગેવાની લઈને ઑટોમાનને પોતાની રાજનીતિ બદલવાનો અનુરોધ કરતા તથા વિરોધ દર્શાવતા અનેક સંદેશા મોકલ્યા, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. આરબોમાં બળવાનાં મંડાણ થયાં. દમાસ્કસમાં તથા પૅરિસમાં મળેલ તેમની છૂપી મિટિંગમાં ઑટોમાન વિરુદ્ધ બ્રિટનની મદદ લેવાનું નક્કી થયું. નજીકના દેશ ઇજિપ્તમાં ત્યારે બ્રિટિશ રાજ હતું. આરબોએ કહ્યું : અમે જર્મની તથા ઑટોમાન સામે લડવામાં તમારી મદદ કરીશું, તેના બદલામાં તમારે અમને આરબ રાષ્ટ્ર તરીકે સ્વતંત્રતા અપાવવાની. છૂપી સંધિ પ્રમાણે આરબોએ તો મદદ કરી, પરંતુ જેમ વિશ્વનાં અન્ય દેશોમાં કર્યું તેમ બ્રિટિશરોએ પોતાની ડિવાઈડ ઍન્ડ રૂલની કૂટનીતિ અહીં પણ અપનાવી. હાથમાં આવેલા આરબો પાસેથી મળનારા ફાયદાઓ અંદરોઅંદર વહેંચી લેવા માટે બ્રિટને ફ્રાન્સ સાથે સાયકસ પીકોટ એગ્રીમેન્ટ નામના છૂપા કરાર કર્યા અને તે અનુસાર યુદ્ધને અંતે આરબોને એક સળંગ રાજ્ય આપવાને બદલે આરબોને અલગ અલગ નાનાં નાનાં રાજ્યોમાં વહેંચી દીધાં. જેનાં માઠાં પરિણામ આજે પણ ખાડીસ્થિત આરબ રાષ્ટ્રો ભોગવી રહ્યાં છે. હજીય એમની વચ્ચે સંઘર્ષ ચાલતો જ રહે છે. આરબ રાષ્ટ્રોના ભાગલા પાડવાના બ્રિટિશરોનો ઇરાદાની શરીફ હુસૈન મિન્હાલીને જાણ થઈ, ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. યુદ્ધમાં બ્રિટન જીતી ચૂક્યું હતું. તેથી ભાગલા સ્વીકાર્ય ન હોવા છતાં આરબોથી કાંઈ થઈ શક્યું નહીં. આ સમયે સ્વતંત્ર થયેલાં આરબ રાષ્ટ્રોમાં એક તે આપણું જોર્ડન. શરીફ હુસૈન મિન્હાલી હાશેમાઈટ વંશનો હતો, જોર્ડનનો રાજ્યકારભાર તેને મળ્યો અને રાષ્ટ્ર હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડન કહેવાયું. જોર્ડનના હાલના રાજા શરીફ હુસૈન મિન્હાલીના વંશજ છે. કહેવાય છે કે, બળવાના એકાદ અઠવાડિયા પહેલાં જ ટાઇફોઇડની બીમારીમાં લોરેન્સના વહાલા સલીમ અહેમદ નામના સિરિયામાં વસતા આરબનું ૧૯ વર્ષની કાચી વયે અવસાન થયું. લોરેન્સને આ સમાચાર વાદી રમના રણમાં દમાસ્કસમાં કૂચ કરી જતાં પહેલાં મળ્યા. ઘેરા દુઃખથી વ્યાકુળ લોરેન્સે ‘હું આવું ત્યારે’ એવા શીર્ષકથી એક કાવ્ય લખ્યું :

‘હું તને પ્રેમ કરું છું, એટલે જ
માણસોની આ ભરતીને મારા હાથોથી હંકારી જાઉં છું.
સ્વતંત્રતાના સાત સ્તંભોવાળું ઘર તને આપવા માટે
તારાભર્યા આકાશમાં મારું વસિયતનામું લખું છું;
કે જેથી હું ત્યાં આવું ત્યારે તારી આંખોને મારા માટે ચમકતી હું
જોઈ શકું!’

લોરેન્સ હાઉસ નામના સ્થળ પર બેસીને અમે લોરેન્સની ને ઇતિહાસની વારતા સાંભળી રહ્યાં છીએ. તલાલ કહે છે : આ કાંઈ લોરેન્સનું સાચું ઘર નથી. ‘લોરેન્સ ઑફ અરેબિયા’ નામના ચલચિત્રનું ફિલ્માંકન અહીં થયું, ત્યારથી પ્રવાસીઓ આને જોવા આવે છે. તલાલ એ પણ સમજાવતો હતો કે, ૩૦૦૦ વર્ષ પહેલાં અહીં રહેતી બેદૂઈનોની પ્રજાતિનું નામ હતું : એરમ. કહેવાય છે કે એ પ્રજાતિના નામ પરથી આ સ્થળનું નામ ‘વાદી રમ’ પડ્યું. વળી ‘રમ’ શબ્દનાં અન્ય અર્થો પણ થાય છે, માટે આ સ્થળના નામકરણ અંગે વિવિધ મતો અસ્તિત્વ ધરાવે છે. આખીય અરેબિયન પેનનસુલામાંથી વ્યાપારીઓના કાફલા અહીં આવતા. અહીંથી માલસામાનનું વિનયન થયા પછી વ્યાપારીઓ વિવિધ દેશોમાં જવા નીકળતા. જેમ કે, કોઈ ઇજિપ્ત જતું, કોઈ જરૂસલેમ, કોઈ બસરા, તો કોઈ વળી સિરિયા તરફ રવાનું થતું. વ્યાપારનું કામ પતાવી ફરી સૌ આ વાદી રમના મથક પર એકઠા થતા તથા પોતપોતાના દેશ તરફ રવાના થતા. વાદી રમ એ તમામ કાફલાઓ માટે અગત્યનું મથક બની રહ્યું હતું; કારણ કે, આદિકાળથી અહીં પાણીનું અસ્તિત્વ છે. આ વેરાન રણપ્રદેશમાં ચાલીસથીય વધારે મીઠા પાણીની સરવાણીઓ છે. તે સમયે આ મથકનું નામ પડ્યું એરમ લોકોનું સ્થાન અર્થાત્ વાદી એરમ. જેનું સમયાંતરે વાદી રમ થઈ ગયું. રમનો એક અર્થ ઊંચાણવાળી જગ્યા એવો પણ થાય છે. આ રણમાં ઊંચી ઊંચી ભેખડો તથા પર્વતો વિસ્તરેલા છે. આરબ દેશોનો ઊંચામાં ઊંચો પર્વત પણ આ રણમાં જ છે. એ પર્વતનું નામ છે : દાની માઉન્ટન. આ પર્વત જોર્ડન તથા સાઉદી અરેબિયાની સરહદ પર સ્થિત છે. તમે જોર્ડનમાંથી એના પર ચડો તો સામી બાજુથી સાઉદી અરેબિયામાં નીચે ઊતરી શકો! આ સ્થાન પર પ્રવાસીઓ આવતા થયા તેનાં પણ કારણો છે. કેટલાક પક્ષીપ્રેમીઓ અહીં વસતાં અસંખ્ય પંખીઓને નિહાળવા અર્થાત્ બર્ડ વૉચિંગ કરવા આવતા. વળી કેટલાક પર્વતારોહકોને અહીંની પર્વત સમાન ભેખડો અને શિલાઓએ આકર્ષ્યા. એ લોકો આ રણમાં સ્થિત ઊંચાઈઓ પર પર્વતારોહણ કરવા આવે છે. આ ધરતીમાં જ એવું કાંઈક છે કે એને અનુભવતાં વિચારોની વણજારો અનાયાસ જ સમયને પાર નીકળી જાય. અમે એ રણમાં ખૂબ રખડ્યાં. ખુલ્લી જીપ રેતીમાં સડસડાટ ચાલી જતી હોય, ત્યારે એ ભૂમિ સાથે તાદાત્મ્ય સધાતાં વાર ન લાગે. રેતીની વચ્ચે પર્વતો જેવડા ખડકોની લીલા વિસ્તરેલી છે. પવને એ ખડકોને કોરીકોરીને રૂપાળા ઘાટ આપ્યા છે. ક્યાંક તો વળી પથ્થરોની વિશાળ કમાનો રચતો પવન વિરાટ ખડકો વચ્ચેથી વિજયકૂચ કરી ગયેલો હોય તેવું લાગે. અમે હિંમત કરીને એમાંથી કેટલીક કમાનો ઉપર ચડ્યાં પણ ખરાં. ઊંચી એ કમાનો પર ઊભાં રહી અફાટ રણ તરફ નજર નાખતાં મનમાં સતત એ પ્રશ્ન થતો રહ્યો કે, શી રીતે વણજારોની અવિરત સફર ચાલતી રહેતી હશે આ દિકદિગન્ત સુધી વિસ્તરેલા આ રણમાં? અશક્ય જેવી લાગતી આ વાત સાચી હોવાના પ્રમાણો અમારે જોવાનાં હતાં. દૂરથી સળંગ પર્વત જેવા લાગતા એક વિરાટ ખડકની વચ્ચે એક તિરાડ હતી. આ તિરાડમાં અમારે ચાલવાનું હતું. સાંકડી એ તિરાડની એક તરફની દીવાલ બનાવતા ખડક પર આદિકાળના મનુષ્યે કોતરેલાં લખાણ હતાં. થોડાં ઊંટ વગેરે પશુઓનાં ચિત્રો પણ હતાં. પણ આ સૌમાં ખાસ ધ્યાન ખેંચે તેવી એક સંજ્ઞા હતી. તેમાં બે પગલાં સાથે વિસામો દર્શાવતું ચિત્ર દોરેલું હતું. આ સંજ્ઞાનો અર્થ થતો કે અહીં વિસામા માટે રહેવા-જમવાની વ્યવસ્થા છે. જે કોઈ પોતાનાં પગરખાં ઉતારીને અંદર આવે, તેનું અહીં સ્વાગત છે. કહેવાય છે કે વણજારોના રસ્તા પર જ્યાં જ્યાં આ પ્રકારની વ્યવસ્થા હતી, ત્યાં ત્યાં પથ્થરો પર આવી નિશાનીઓ કોરેલી જોવા મળે છે! આપણા હાઈવે પર છરી-કાંટાની નિશાનીવાળા સાઈન બોર્ડ હોય છે, તેવું જ ત્રણ હજાર વર્ષ પહેલાં આ રણમાં હતું, એ કેટલી આશ્ચર્યજનક વાત હતી! વાદી રમના રણમાં ફરી વળ્યાં પછી બાજુના જિલ્લામાં આવેલ એક બીજું રણ પણ અમે જોયું. અહીં પર્વતો એટલા ઊંચા નહોતા, પરંતુ રેતીના રંગો અદ્ભુત હતા. સફેદ અને ગુલાબી, ઘાટો રાતો, આછો પીળો તો વળી ક્યાંક કાળો પણ ખરો. કહેવાય છે કે યુગો પહેલાં એક સમયે અહીં દરિયો હતો. જેને કારણે અહીંના ભૂતળની રચના અનોખી છે. રેતીના રંગો જોતાં એમાં રહેલાં ખનીજ તત્ત્વોની વાત બહુ અરસિક લાગે. અહીં તો દરિયાનો વિચાર કરતાં પવનમાં અચાનક ખારાશ ઊભરાઈ આવતી હોય તેવું લાગે. રેતીના નાદમાં સમુદ્રનાં મોજાંનો ઘુઘવાટ ઊપસી આવે. સુખ અને દુઃખના અનુભવને એકાકાર કરી દેતું વાતાવરણ નિરાકાર નિઃશેષ હોવાની અનુભૂતિ સુધી લઈ જાય. અસ્તિત્વને વિસરાવી દેતી એ અનુભૂતિ ક્યાંય સુધી સાથે ચાલે છે. અચાનક સામે એક ત્રિકોણાકાર પર્વત જેવા ખડક પર પવને ઘડેલી સાત સ્તંભ જેવી રચના દેખાય છે. મનમાં પણ એવું જ કાંઈક ઘડાયું છે આ રણમાં ફરતા. હા, આ એ જ તો છે, સેવન પિલર્સ ઑફ વિઝડમ!