રણ તો રેશમ રેશમ/ધબકતાં વેરાનોનો રણપ્રદેશ : વાદી રમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૧૭) ધબકતાં વેરાનોનો રણપ્રદેશ : વાદી રમ

પરોઢનાં અજવાળાં આભમાંથી રેત ઉપર ઊતરવાની રાહ જોતાં ઊભાં છે. હૂંફાળા ટેન્ટમાંથી હળવેકથી સરકીને અમે કૅમ્પસાઇટની સામે વિસ્તરેલા રણ તરફ ચાલી નીકળીએ છીએ. મહેમાનોના ગયા પછી ગૃહિણી અસ્તવ્યસ્ત ઘરને અવેરીને ફરી એક વાર વ્યવસ્થિત કરી નાખે તેમ, ગઈ કાલની વાહનોની અવરજવરના આટાપાટા ભૂંસવા આખી રાત મહેનત કરીને પવને રણને પાછું વ્યવસ્થિત કરી દીધું છે. ધ્યાનથી જોતાં મનુષ્યનાં પગલાં વિનાની કાંગરિયાળી રેત પર અલગ અલગ આકારનાં નાનકડાં પગલાંની અનેક હાર પૂર્વ તરફ દોડી જતી દેખાય છે. આખો દિવસ સાવ વેરાન ભાસતા આ રણમાં આટઆટલા જીવ વસતા હશે? રેતના અફાટ મહાસાગર પર જ્યારે શીતળ રાતની ભરતી ચઢે, ત્યારે શું એ તમામનો દિવસ ઊગતો હશે? મનુષ્યની ખલેલ વગરના એ સમયમાં નિર્ભય વિચરતા એ જીવોમાં વીંછી કે અન્ય નાના કીટકો, અનેક જાતના સરીસૃપો, ગરુડપંખીથી માંડીને અનેક પ્રકારનાં પંખીઓ તથા હાયેના, નાનાં કૂતરાં જેવડાં સફેદ શિયાળવાં, સસલાં, અરેબિયન ઑરેક્સ નામનાં જંગલી બકરીઓને મળતાં આવતાં જનાવરોથી માંડીને નાનાં નાનાં બચ્ચાંઓ સાથે વિચરતાં જંગલી ઊંટ સુધીના આ જીવ. થાય છે, કેવી હશે એમની દુનિયા? દૂર સુધી લંબાતાં ટપકાં જેવાં એમનાં પગલાં જોતી હું એ તમામની મીઠી હલચલની કલ્પના કરું છું. હું ઊભી છું, તેની સામે એક સપાટ મેદાન રચતી આ રેતી સામે ઘેરો નાખીને ઊભેલી પર્વત જેવડી શિલાઓ વચ્ચેથી મારગ કરતી ખુલ્લા રણમાં વહી જતી દેખાય છે. રેતના પટમાં ઠેરઠેર અણીયાળાં ઝાંખરાં જેવાં ભૂખરાં લીલાં ઘાસનાં ગુચ્છ ઊગેલા દેખાય છે. બે દિવસથી આ રણમાં ફરતાં સમજાયું છે કે, પ્રથમ દૃષ્ટિએ એકસરખી લાગતી એ વનસ્પતિઓમાં પણ ખાસ્સી વિવિધતા હોય છે. બેદૂઈનોનાં ઘેટાં, બકરીઓ તથા ઊંટોની આ જીવાદોરી છે. ઉનાળાના બળબળતા મહિનાઓમાં જ્યારે બધું જ સૂકાઈ જાય, ત્યારે પણ આમાંથી કેટલુંક ઘાસ પોતાનું જીવન ટકાવી રાખીને પશુઓને પણ જીવતદાન આપે છે. અહીં વસતા મનુષ્યો માટે તો આ ઘાસ જ તેમની રોજિંદી જરૂરિયાતોનું કલ્પવૃક્ષ. ગઈ કાલે જીપ સફારીમાં અમને લઈ ગયેલ પેલા બેદૂઈન ડ્રાઇવરે એક પ્રકારનું ઘાસ શોધી લાવી, તેને પથ્થર પર જરાક વાટ્યું, પછી તેને હાથમાં મસળી જરાક જ પાણીથી હાથ ધોયા તો એની હથેળીઓ એટલી તો ઊજળી થઈ ગયેલી હતી! અમારો ગાઇડ તલાલ કહેતો હતો, અહીં વસનાર માણસને પોતાની જીવનજરૂરિયાતો આસપાસમાંથી જ શોધી કાઢીને અહીં આનંદપૂર્વક ટકી રહેતાં આવડે છે. તલાલ કહેતો હતો, એક વખત એક પ્રવાસીના બૂટનું તળિયું ઊખડી ગયું, તો એના બેદૂઈન સાથીદારે એક વનસ્પતિનું મૂળિયું તોડી, એમાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થથી એને ચોંટાડી આપ્યું. અહીં વસતાં લોકો બીમાર પડે, તો આ વનસ્પતિઓ જ તેમની પ્રાથમિક સારવાર તથા ક્યારેક અંતિમ સારવાર પણ! હવે તો અહીં વાહનોની તથા પ્રવાસીઓની સતત અવરજવર રહે છે. સરકાર તરફથી પણ નજીકમાં મદદ મળી શકે છે, પરંતુ તલાલ કહેતો હતો કે એની આ લોકોને ભાગ્યે જ જરૂર પડે છે. બેદૂઈન પ્રજાતિના લોકો અહીં આશરે ત્રણ હજાર વર્ષથી રહે છે. ખરેખર તો મનુષ્ય જ્યાં જન્મે છે, ઉછરે છે તથા ઘર બનાવી રહે છે, ત્યાં ખુશ જ હોય છે. પછી તે વાદી રમ જેવો રણપ્રદેશ હોય, કોઈ પર્વતીય પ્રદેશનું અંતરિયાળ સ્થાન હોય કે પછી દૂરનો કોઈ એકાકી ટાપુ હોય. ક્યારેક ઉદ્ધારના નામે આપણે તેમને મૂળમાંથી ઉખેડીને નવા વાતાવરણમાં મૂકી દઈએ, ત્યારે ખરેખર તો તેમને દુઃખી કરી નાખતાં હોઈએ છીએ. કવિઓ ભલે રણને વિડંબનાઓનું પ્રતીક કહે અને રણમાં ચાલવાની ઘટનાને મૃગછાલાની માયા કહે, અહીં વસતા ઇન્સાનને સુખેથી જીવતો જોઈને આપણો રણ પ્રત્યેનો અભિગમ બદલાયા વગર ન રહે. વાદી રમના આ રણપ્રદેશને ‘મૂન વેલી’ અર્થાત્ ‘ચંદ્રમાની ખીણ’ પણ કહે છે. ગઈ કાલ રાતના અનુભવ પછી લાગી રહ્યું છે કે આ નામ સાર્થક જ છે. પર્વત જેવડી શિલાઓથી આભૂષિત આ વિરાટ વેરાનમાં ધગધગતો દિવસ આથમે, પછી સાંજ ઢળતાં જ શીતળ પવનની લહેરખીઓ આકાશને તરંગિત કરતી છેક ચંદ્રના દ્વારે ટકોરા દઈ આવે, પછી તરાઓની જાન લઈને મલપતા કોઈ વરરાજા જેવો ચંદ્રમાનો કાફલો ક્ષિતિજ વીંધીને ચાલ્યો આવતો દેખાય, ત્યારે વણજારાઓના તંબૂઓમાં મશાલો પ્રગટી ઊઠે ને ઢોલ ધ્રબુકી ઊઠે. ચંદ્રમા પોતાના સિંહાસન પર પ્રસ્થાપિત થાય, ત્યાં સુધી મિજબાની અને મજલિસની રંગીન મહેફિલ જામે. પછી આભમાં ખીલી ઊઠેલી ચાંદની પાસે બધા જ રંગરાગ ફિક્કા લાગવા લાગે. રોશની બુઝાવી દેવાનું મન થાય. મન એકાન્ત ઝંખે, ને પછી તંબૂની બહાર મૂકેલી બીન બેગ પર લંબાવીને ખુલ્લા આકાશ તળે ચંદ્ર, તારા અને નક્ષત્રોને નીરખતાં મૌન બસી રહીએ, ત્યારે રાતને રોકી લઈને સવારને પાછી વાળવાનું મન થઈ આવે. સંગેમરમર અને ગ્રેનાઈટના ડુંગરા જેવા ઘેરાની અડોઅડ તંબૂઓની હાર તાણીને રચાયેલી અમારી કૅમ્પસાઇટમાં ચંદ્ર-તારાઓની સંગાથે કરેલો રાતવાસો યાદગાર બની ગયો. આ પહેલાં વનમાં રાતવાસો કર્યો હતો. કિલ્લાદની કૅમ્પસાઇટ પર તો ઊંચા માંચડા પર આખી રાત જાગતાં બેસી રહી વનની રાતને અનુભવી હતી. દુબઈમાં જીપ સફારીમાં રણમાં રાત્રિભોજન લઈને લોકનૃત્યોનો કાર્યક્રમ જોયેલો. પણ તે તો ટોળાં વચ્ચે. ચંદ્રની સાખે નિતાંત શાંતિ અને અંતરના અક્ષુણ્ણ એકાન્ત સાથે એકાકાર થઈ જવાનો અનુભવ નવો હતો. વાદી રમના આ અનુભવ પછી રણ હવે મારા માટે વ્યથા, તરસ, ઝંખનાઓનો પર્યાય નહીં, શાંતિ, સંવાદિતા અને સ્વ સાથેના તાદાત્મ્યનો પર્યાય બની ગયું છે.