રમણીક અગ્રાવતની કવિતા/ઊડણ ચકલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૩. ઊડણ ચકલી

ઉતરડીને આંગણ આખું
આજ હરખની હેલી મારી ઊપડી
આજ નિમાણી એવી ડેલી
કદી ન ભાળી..

પણે ઊભીને બરકે કાલું કાલું હજી એ
પણે રીસમાં થાંભલી ઓથે કોણ ગરકે
પણે હજી ટીંગાઈ રહ્યો છે લીલો છણકો
ભરી થાળીએ વાટ જુએ છે કોણ હજીયે
કૂણું કૂણું વ્હાલ પીઠ પર
થપથપ થપથપ પગલાં લેતું
પાતાળ સાતમે ઊતર્યું..

ઘરઘર રમતાં રમતાં અચાનક
પડતાં મૂકી દફતર પાટી પેન
હરીને મનને ભરતું ચેન
દીકરી ક્યાં ચાલી ઘડીમાં
કયે બારણે બોલાવું
કઈ બારીથી ફળિયે કૂદતી જોઉં ફરી
પડે છાતીમાં શેરડો ટાઢો
એવી એક હાઉકલી કરી જા.