રમણીક અગ્રાવતની કવિતા/કોને કઉં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૦. કોને કઉં

બાપ નરસીં, તત્ત્વનું ટૂંપણું કોઈને ગળે નૈંને
મારે ગળે ક્યાં વળગાડ્યું?
એડડ્યને મઝાથી ખાતો’તો પીતો’તો ને લે’ર કરતો’તો
હાંજ પડ્યે પાનની દુકાને બે ઘડી ઊભા રઈન
મલકાઈ લેતો’તો
તેં મારું હંધુય ઢાળ્યું, હું ક્યાંયનો નૉ ર્‌યો માબાપ

ભાઈબંધુને બે ઘડી મોજ કરાવત
બાયડીને જોઈને હલાવત ઢેકા, ચીપીચીપીને
વાળ હોળું એમ એલફેલ બોલી નાખત
બકવાસની ચૂંગીમાં ભરીને ફૂંકી મારત
હંવારહાંજબપોરદાડી હંધુ

પણ તારી કરતાલનો ઘોદો, બાપ બઉં વહમો
હું કાંક નૌતર જોઉં ને વિચારે ચઢી જાઉં
કોઈને નૉ હમજાય એવું બોલવાનું મન થાય
મને લાગું હું બઉં કામનો ’ને આમ તો મુદ્દલ નકામો
કાગળિયાંને ખોટાં ખોટાં ખાંડું
કાગળના ઢેખાળાં ચારેકોર ફેંકું
ફેંકીને એકલો એકલો મલકાઉં
પણ મને ક્યાંય હોરવે નંઈ

જળમાં નંઈ થળમાં નંઈ મળમાં નંઈ કમળમાં નંઈ
અધધધ ટોળામાં હું એકલો પડી જાઉં
કોઈ હમજે નંઈ ન્યાં હું કોને કઉં?
બોદાંબખ નામ હું કેમ કરી લઉં?
હરે હરે

કોણ કયે કોણ હાંભળે આ તો નૌતર ખેલ
બન્દા ખડા બાઝાર મેં ખુદની ચન્ત્યા મેલ.