રમણીક અગ્રાવતની કવિતા/હાર્મોનિયમ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૮. હાર્મોનિયમ

ધમણમાં ઘૂમરાતો ચિરંતન ડૂમો
ચળકતા સ્વરોના વેશમાં નીકળી પડે
વેરાતો રહે ચોપાસ રણકાર
તરફડતી માછલી જેમ ફરી વળે ભૂખી આંગળીઓ
હિલોળાતા સ્વરસાગરની તરલતામાં

ઊઘડતી બિડાતી શ્રુતિઓનાં પગથિયાં
ચઢે-ઊતરે અકળ ભાવ

આપણામાં વેળા-કવેળા જાગી જતાં
વ્યાકુળ પંખીઓની પાંખોના ફફડાટમાં
ઊંડે ઊંડે
ક્યાંક
બજી રહ્યું છે હાર્મોનિયમ.