રવીન્દ્રપર્વ/૧૪૦. અપરાહ્ને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪૦. અપરાહ્ને

પ્રભાતે જે વેળા શંખ ઊઠ્યો હતો બજી તમારા પ્રાંગણતલે, ફૂલછાબ ભરી નીકળ્યાં’તાં નરનારી ત્યજી દઈ ઘર નવીન શિશિરસિક્ત ગુંજનમુખર સ્નિગ્ધ વનપથે થઈ. હું જ અન્યમને સઘન પલ્લપુંજ છાયાકુંજવને સૂતી હતી તૃણાસ્તીર્ણ તરંગિણી તીરે વિહંગના કલગીતે સુમન્દ સમીરે.

હું જ નહીં ગઈ દેવ, તમારી પૂજાએ કે ના ભાળ રાખી કોણ ચાલ્યાં જાય પથે; આજે લાગે ઠીક થયું જે મેં કરી ભૂલ ત્યારે તો કુસુમ મારાં હતાં સૌ મુકુલ.

જુઓ, એ સૌ દિન વીત્યે ખીલી ઊઠ્યાં આજે અપરાહ્ને એથી ભરી ફૂલછાબ સાજે. (ગીત-પંચશતી)