રવીન્દ્રપર્વ/૧૫૩. ખોલી દિયો દ્વાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫૩. ખોલી દિયો દ્વાર

ખોલી દિયો દ્વાર;
નીલાકાશ કરો અવારિત;
કુતૂહલે ભરી
પુષ્પગંધ ભલે મારા ઓરડામાં કરતી પ્રવેશ;
પ્રથમ પ્રકાશ
સર્વ દેહે સંચારિત થઈ રહો શિરાએ શિરાએ;
જીવું છું હું, એના અભિનન્દનની વાણી
મર્મરિત પલ્લવે પલ્લવે મને સાંભળવા દિયો;
આ પ્રભાત
નિજ ઉત્તરીય થકી ઢાંકી દિયો મારું મન
જેવી રીતે ઢાંકી દિયે નવશસ્ય શ્યામલ પ્રાન્તર
પ્રેમ જે હું પામ્યો છું આ જીવને મમ
તેહની નિ:શબ્દ ભાષા
સાંભળું છું આકાશે,
પવનની લહરે લહરે;
એના પુણ્ય-અભિષેકે આજે કરું સ્નાન.

સમસ્ત જન્મનું સત્ય એક માત્ર રત્નહારરૂપે
જોઉં છું હું નીલિમાને વક્ષે.