રવીન્દ્રપર્વ/૧૭૮. કાલે રાતે અગાશીમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭૮. કાલે રાતે અગાશીમાં

કાલે રાતે અગાસીમાં ઊભા રહીને નક્ષત્રલોકની ભણી જોઈને મારા મને સમ્પૂર્ણપણે સ્વીકારી લીધું છે કે ‘બાજે બાજે રમ્ય વીણા બાજે’ એ કવિકથા નથી, એ વાક્યાલંકાર નથી — અવકાશ અને સમયને પરિપૂર્ણ કરીને એ સંગીત અહોરાત્ર બજી ઊઠે છે. પવનની લહરીઓ એકબીજા સાથે જ્યારે સુન્દર ક્રીડા કરે ત્યારે તેમનાં એ આશ્ચર્યકારી મિલન અને સૌન્દર્યને આપણી આંખ જોઈ શકતી નથી, આપણા કાન દ્વારા જ એ લીલા ગીત રૂપે પ્રકટ થાય છે. વળી આકાશમાં જ્યારે પ્રકાશના તરંગો ધારાએ ધારાએ અનેક તાલે નૃત્ય કરી રહે ત્યારે તેમની એ નિરતિશય સુન્દર લીલાની કશી ખબર આપણા કાનને પડતી નથી, આંખને જ એ રૂપનાં દર્શન થાય છે. મહાકાશની એ લીલાનુંય જો આપણા કાનના સિંહદ્વારે સ્વાગત કરી શકતા હોત તો વિશ્વવીણાના એ ઝંકારને આપણે ગીત રૂપેય ઓળખી શક્યા હોત. એ પ્રકાણ્ડ વિપુલ વિશ્વગીતના સ્રોતનાં પૂર જ્યારે સમસ્ત આકાશને છલકાવી દઈને આપણાં ચિત્તભણી વહી આવે ત્યારે તેને એક જ માર્ગે થઈને આપણામાં પ્રવેશ કરાવી શકાતો નથી, એને માટે અનેક દ્વારો ખોલી નાખવા પડે છે — આંખ દ્વારા, કાન દ્વારા, સ્પર્શેન્દ્રિય દ્વારા, અનેક દિશાએથી એને અનેક પ્રકારે આપણે પામીએ છીએ. એ એકતાન મહાસંગીતને આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, સૂંઘીએ છીએ, ચાખીએ છીએ. આ વિશ્વને મોટે ભાગે આપણે આંખથી જ જોઈએ છીએ, કાનથી સાંભળતા નથી, છતાં કેટલાય વખતથી અનેક કવિઓ આ વિશ્વને ગીત તરીકે જ ઓળખતા આવ્યા છે. ગ્રીસના ચિન્તકોએ આકાશમાંના જ્યોતિષમણ્ડળની ગતિને નક્ષત્રલોકના ગીત રૂપે જ વર્ણવી છે. કવિઓએ વિશ્વભુવનના રૂપવિન્યાસને ચિત્રકડ્ઢાની સાથે બહુ સરખાવ્યો નથી, એનું એક કારણ એ કે વિશ્વમાં સદા એક પ્રકારની ગતિનું ચાંચલ્ય રહ્યું છે. પણ એ જ એકમાત્ર કારણ નથી, એની પાછળ બીજું એક ગભીરતર કારણ રહ્યું છે. જે ચિત્ર આંકે તેને પટની જરૂર પડે, પીંછીની જરૂર પડે, રંગની જરૂર પડે — એને બાહૃા સામગ્રીનો ખપ ઘણો. એ બધું ભેગું કર્યા પછીય એ જ્યારે આંકવું શરૂ કરે ત્યારેય એની આરમ્ભની રેખામાં આખા ચિત્રનો આનન્દ દેખી શકાતો નથી — અનેક રેખા, અનેક રંગની મેળવણી કર્યા પછી જ પરિણામનો કંઈક આભાસ આપણને થાય છે. ત્યાર પછી, ચિત્રકાર ચાલ્યો જાય પછીય, એ ચિત્ર સ્થિર થઈને ઊભું રહે છે — ચિત્રકારની સાથે પછી એનો કશો આગવો સમ્બન્ધ રહેતો નથી. પણ જે ગીત ગાય તેના ગીતની બધી જ સામગ્રી તેના અન્તરમાં — જેનો આનન્દ, સૂર પણ તેનો જ, ભાવ પણ તેનો જ — એમાં કશુંય બહારનું હોતું નથી. હૃદય જાણે બિલકુલ અવ્યવહિતભાવે પોતાને પ્રકટ કરે છે, એને કશા ઉપકરણનું વ્યવધાન નડતું નથી. આથી જ, ગીતને પણ એક પ્રકારની સમ્પૂર્ણતાની અપેક્ષા હોય છે છતાં, એનો પ્રત્યેક અસમ્પૂર્ણ સૂર હૃદયને પ્રકટ કરી શકે છે. હૃદયના આ પ્રકારના આવિષ્કારમાં ઉપકરણનું સહેજસરખુંય વ્યવધાન હોતું નથી એમ નહીં, — એમાં રહેલું કથાવસ્તુ જ એક વ્યવધાન, કારણ કે વિચારીને જ એનો અર્થ સમજવો પડે — ગીતમાં એ અર્થને સમજવાની ખાસ આવશ્યકતા હોતી નથી. એમાં કશો અર્થ ન હોય તોય કેવળ સૂર જ જે કહેવાનું હોય તેને અનિર્વચનીય બનાવીને કહી દે છે. ત્યાર પછી, અહીં ગીતની સાથે ગાયકનો એક ક્ષણનો પણ વિચ્છેદ હોતો નથી, ગીતને મૂકીને ગાયક ચાલ્યો જાય તો ગીત પણ તેની પાછળપાછળ જ ચાલ્યું જાય. ગાયકના પ્રાણની સાથે, શક્તિની સાથે, આનન્દની સાથે ગીતનો સૂર સદાને માટે બિલકુલ ઓતપ્રોત થઈ જઈને પ્રકટ થાય છે. જ્યાં ગીત ત્યાં જ ગાયક, એમાં કશો વ્યત્યય સમ્ભવે નહીં. આ વિશ્વસંગીત પણ એના ગાયકથી એક ક્ષણ પણ વિખૂટું હોતું નથી. એ એનાં બાહૃા ઉપકરણોથી ઘડાયેલું હોતું નથી. એના ગાયકનું ચિત્ત એના નિ:શ્વાસે એના જ આનન્દનું રૂપ ધરીને પ્રકટ થઈ ઊઠે છે. એ ગીત સમ્પૂર્ણ રૂપે ગાયકના અન્તરમાં રહ્યું હોય છે, ને એ ક્રમશ: અભિવ્યક્ત થઈ રહ્યું હોય છે છતાં એનો પ્રત્યેક સૂર એ સમ્પૂર્ણ ગીતનો જ આવિર્ભાવ હોય છે. એક સૂર બીજા સૂર સાથે આનન્દે સંયુક્ત થઈને વહેતો જાય છે. આ વિશ્વગીતમાં કશો વચનગમ્ય અર્થ નહીં પામીએ તોય આપણા ચિત્ત સમક્ષની એની અભિવ્યક્તિમાં કશો અન્તરાય આવતો નથી. એ એક ચિત્તની બીજા ચિત્ત આગળ થતી અવ્યવહિત અભિવ્યક્તિ છે. આથી જ તો ગાયત્રીમન્ત્રમાં એ વિશ્વસવિતાનો ભર્ગ, એનું તેજ, એની શક્તિ — ભૂભુર્વ: સ્વ:માં થઈ ઊઠતાં સાંભળીએ છીએ. એની એ શક્તિ જ ધીરૂપે આપણા અન્તરમાં વિસ્તરી જાય છે. સૂર પછી સૂર, સૂર પછી સૂર ઊછળતા જ જાય છે ને આપણા અન્તરને ભરી દે છે. કાલે કૃષ્ણએકાદશીની રાત્રિના એકાન્તમાં નિબિડ અન્ધકારને પૂર્ણ કરી દઈને એ વીણાવાદક એની રમ્ય વીણા બજાવી રહૃાો હતો. એ ઝંકારથી અનન્ત આકાશને સમસ્ત નક્ષત્રલોક ઝંકૃત થઈ ઊઠીને અપૂર્વ નિ:શબ્દ સંગીત સાથે ગુંથાઈ ગયો હતો. ત્યાર પછી જ્યારે સૂવા ગયો ત્યારે આ વાતને મનમાં રાખીને જ સૂતો ને હું જ્યારે નિદ્રામાં અચેતન થઈ જઈશ ત્યારે એ જાગ્રત વીણાવાદકની નિશીથની વીણા બંધ થવાની નથી, ત્યારેય એના જે ઝંકારના તાલે નક્ષત્રમણ્ડળનું નૃત્ય ચાલી રહ્યું હોય છે તે જ તાલે તાલે મારી નિદ્રાનિભૃત દેહનાટ્યશાળામાં પ્રાણનું નૃત્ય ચાલ્યા જ કરશે, મારા હૃત્પિણ્ડનું નૃત્ય થંભવાનું નથી, સર્વાંગે રક્ત નાચી ઊઠશે ને લક્ષલક્ષ જીવકોષ મારા સમસ્ત શરીરમાં એ જ્યોતિષ્ષ્સભાના સંગીતના છન્દે સ્પન્દિત થઈ રહેશે. ‘બાજે બાજે રમ્યવીણા બાજે’ આ વેળા આપણા ઉસ્તાદે આપણા હાથમાંય એકએક નાની શી વીણા મૂકી દીધી છે. આપણેય એમની સાથે સૂર મેળવીને વગાડતાં શીખીએ એવી એમની ઇચ્છા છે. એમની સભામાં એમની સાથે જ બેસીને આપણે એમને થોડો થોડો સાથ આપીએ એવું એઓ સ્નેહપૂર્વક ઇચ્છે છે. જીવનની વીણા નાની હોય છે પણ એના તાર પર એમણે કેટલા તાર બાંધ્યા હોય છે! બધા તારને સૂર મેળવીને બાંધવા એ નાનીસૂની વાત થોડી જ છે! એકનો સૂર મળે તો વળી બીજાના સૂરનો મેળ ખાય જ નહીં, મન તૈયાર થાય તો શરીર પાછું પડે, એક દિવસ મેળ જામે તો વળી એક દિવસ ફરી બધું બસૂરું બની જાય. પણ તેથી કાંઈ પ્રયત્ન છોડી દીધે કશું વળે નહીં. એક દિવસ એમને મુખે એક વાર તો સાંભળવું જ છે: ‘શાબાશ પુત્ર, શાબાશ!’ આ જીવનની વીણા એક દિવસ એમનાં ચરણ આગળ ઝંકૃત થઈને એની બધી રાગિણીને બજાવી દેશે. અત્યારે તો કેવળ આટલી જ વાત મનમાં રાખવાની છે કે બધા તારને સારી પેઠે સખત કરીને બાંધી દેવાની જરૂર છે, સહેજ ઢીલા પડી જતાં સંગીત બસૂરું બની જશે. એમને જેમ સખત કરી બાંધવા જરૂરી છે તેમ મુક્ત રાખવા એ પણ જરૂરી છે. એના ઉપર કશો ભાર આવી પડે તો એ વાગે નહીં. જો નિર્મળ સૂરની ઇચ્છા રાખતા હો તો એના પર ધૂળનો થર બાઝવા દેશો નહીં, એના પર કાટ ચઢવા દેશો નહીં, ને પ્રતિદિન એમનાં ચરણે બેસીને પ્રાર્થના કરજો: હે મારા ગુરુ, તમે અમને વિસંવાદમાંથી સંવાદમાં લઈ જાઓ.