રવીન્દ્રપર્વ/૧૭૯. જીવનદેવતા
મારી લાંબા ગાળાની કાવ્યલેખનની ધારાને પાછા વળીને જોઉં છું ત્યારે એટલું સ્પષ્ટ જોઈ શકું છું કે એ એક એવો વ્યાપાર હતો કે જેના પર મારું કશું કર્તૃત્વ નહોતું. જ્યારે લખતો હતો ત્યારે એમ માનતો હતો કે એ જાણે હું જ લખી રહૃાો છું, પણ આજે જાણું છું કે એ વાત સાચી નથી. કારણ, એ છૂટી છૂટી કવિતાઓમાં મારા સમગ્ર કાવ્યગ્રન્થનું તાત્પર્ય પૂરેપૂરું આવી જતું નથી — એ તાત્પર્ય શું તેય ત્યારે તો હું જાણતો નહોતો. આમ, પરિણામ જાણ્યા વિના, એક કવિતા સાથે બીજીને જોડતો આવ્યો છું — એ દરેકનો જે ક્ષુદ્ર અર્થ મેં કલ્પ્યો હતો તે અર્થને અતિક્રમીને એક અવિચ્છિન્ન તાત્પર્ય એ પ્રત્યેક રચનામાંથી પ્રવાહિત થઈને આવતું હતું તે આજે સમગ્ર રચનાની મદદથી નિશ્ચિતપણે સમજી શક્યો છું. તેથી જ ઘણા વખત પહેલાં એક દિવસ મેં લખ્યું હતું: ‘હે કૌતુકમયી, આ તે તારું શું નિતનવું કૌતુક! હું બોલવા ચાહું છું કંઈક, ને તું બોલાવી દે છે બીજું જ કંઈક! અહનિર્શ મારા અન્તરમાં બિરાજીને તું મારા મુખમાંથી ભાષા ઝૂંટવી લે છે. મારી વાત લઈને એમાં તારો સૂર ભેળવી દઈ તું વાત કહેવા બેસી જાય છે. મારે શું કહેવું હતું તેય બધું હું ભૂલી જઉં છું, તું જે બોલાવે છે તે જ હું બોલું છું, સંગીતના સ્રોતે મને સામો કાંઠો દેખાતો નથી — હું ક્યાંનો ક્યાં દૂર વહ્યે જાઉં છું!’ ‘હે કૌતુકમયી, આ શું નિતનવું કૌતુક! પથિક ચાલવા ચાહે કઈ દિશાએ ને તું એને ચલાવે છે કઈ દિશાએ! ગામડાનો જે રસ્તો ઘર ભણી જાય છે, જે રસ્તે થઈને ખેડૂતો દિવસ નમતાં પાછા વળે છે, જે રસ્તે થઈને ગાયો ગોઠમાં પાછી વળે છે, વધૂઓ જળ ભરી લાવે છે — જેના પર આવજા ચાલ્યા જ કરે છે — એક વાર પ્રથમ પ્રભાતવેળાએ એ રસ્તે હું અમથો જ બહાર નીકળી પડ્યો હતો. મનમાં હતું કે કશાક કામકાજમાં ને ક્રીડામાં દિવસ ગાળીને રાતે પાછો વળીશ. ડગલે ને પગલે તેં દિશા ભુલાવી, ક્યાં જઈ પહોંચીશ તેની મને કશી ચોક્કસ ખબર નથી. હું ક્લાન્ત હૃદય ભ્રાન્ત પથિક નવા દેશમાં આવી ચઢ્યો છું. કોઈક વાર વિશાળ પર્વતના શિખર પર તો કદીક વેદનાના અંધારા ગહ્વરમાં જે માર્ગને જાણતો નથી તે માર્ગે પાગલને વેશે ચાલું છું.’ મારાં સારાંનરસાં અનુકૂલપ્રતિકૂલ ઉપકરણથી જીવનને રચ્યે જનાર એ કવિને જ મેં મારા કાવ્યમાં ‘જીવનદેવતા’ નામ આપ્યું છે. એ માત્ર મારા ઇહજીવનના સમસ્ત ખંડોને એકતા અર્પીને વિશ્વની સાથે એનું સામંજસ્ય સ્થાપી આપે છે એટલું જ નથી. હું જાણું છું કે અનાદિકાળથી અનેકવિધ વિસ્તૃત અવસ્થાઓમાં થઈને એણે મારી આ વર્તમાન અભિવ્યક્તિ સુધી મને લાવી મૂક્યો છે — એ વિશ્વમાં થઈને વહેતી અસ્તિત્વની ધારાની બૃહત્ સ્મૃતિ એનું અવલસબન લઈને, મારાથી અગોચરે, મારામાં રહી છે. તેથી જ જગતનાં તરુલતા પશુપક્ષી સાથે હું એક પ્રકારનું પુરાતન ઐક્ય અનુભવી શકું છું, તેથી જ તો આટલું મોટું રહસ્યમય વિરાટ જગત મને અનાત્મીય કે ભીષણ લાગતું નથી. સંસ્કૃતિ ફેબ્રુઆરી, ૧૯૬૨