રવીન્દ્રપર્વ/૧૮૧. સુન્દર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૧. સુન્દર

પશ્ચિમ આકાશને કાંઠે ત્યારેય સૂર્યાસ્તની ધૂસર આભા હતી; આપણા આશ્રમના શાલવનના માથા ઉપર સાંજ વેળાની નિસ્તબ્ધ શાન્તિએ સમસ્ત વાયુમણ્ડલને ગભીર કરી દીધું હતું. મારું હૃદય એક બૃહત્ સૌન્દર્યના આવિર્ભાવથી પરિપૂર્ણ થઈ ઊઠ્યું હતું. વર્તમાન ક્ષણ મારે મન એની બધી સીમા ખોઈ બેઠી હતી. આજની એ સન્ધ્યા કેટલાય યુગ પહેલાંની, સુદૂરની, અતીત કાળની સન્ધ્યામાં જાણે એકરૂપ બનીને પ્રસરી ગઈ હતી. ભારતવર્ષના ઇતિહાસમાં જ્યારે ઋષિઓના આશ્રમો એક સત્ય ઘટના હતી, જ્યારે પ્રતિદિન સૂર્યનો ઉદય આ દેશમાં એક તપોવનમાંથી બીજા તપોવનમાં પંખીના કલરવ અને સામગાનને જગાડતો અને દિવસના અવસાને પાટલવર્ણ નિ:શબ્દ ગોધૂલિ કેટલીય નદીને તીરેથી, કેટલાય શૈલપદમૂલેથી શ્રાન્ત હોમધેનુને તપોવનના ગોષ્ઠગૃહે પાછી વાળી લાવતી — ભારતવર્ષનાં એ સરલ જીવન અને ગભીર સાધનાના દિવસો આજની શાન્ત સન્ધ્યાના આકાશમાં અત્યન્ત સત્ય રૂપે પ્રત્યક્ષ થઈ ઊઠ્યા હતા. ત્યારે મારા મનમાં એક વાત ઊગી આવી કે આર્યાવર્તની દિગન્ત સુધી પ્રસરેલી સમતલ ભૂમિ પર સૂર્યોદય અને સૂર્યાસ્તે જે આશ્ચર્યપૂર્ણ સૌન્દર્યનો મહિમા પ્રગટ થાય છે તેની આપણા આર્યપિતામહોએ એક દિવસ પણ ઉપેક્ષા કરી નથી. પ્રાત:સન્ધ્યા અને સાયંસન્ધ્યાને તેઓ જડ રહીને કદી વદાય કરી શક્યા નથી. પ્રત્યેક યોગી અને પ્રત્યેક ગૃહીએ એને હૃદય દ્વારા ગ્રહણ કરી હતી, પણ કેવળ ભોગીની જેમ નહીં, ભાવુકની જેમ નહિ. સૌન્દર્યની એઓએ પૂજાના મન્દિરમાં અભ્યર્થના કરીને પ્રતિષ્ઠા કરી હતી. સૌન્દર્યમાં જે આનન્દ પ્રગટ થાય તેને તેઓએ ભક્તિની આંખે જોયો છે, ચાંચલ્યમાત્રનું દમન કરી, મનને સ્થિર અને શાન્ત કરીને, ઉષા અને સન્ધ્યાને તેમણે અનન્તના સ્મરણની સાથે એકરૂપ કરીને સ્વીકાર્યાં છે. ત્યારે મારા મનમાં થયું જે નદીસંગમે સમુદ્રતીરે પર્વતશિખરે, જ્યાં જ્યાં તેઓએ પ્રકૃતિના સુન્દર આવિર્ભાવને વિશેષ રૂપે જોયો છે ત્યાં ત્યાં તેઓએ પોતાના ભોગને માટે ઉદ્યાનો રચ્યાં નથી; ત્યાં એમણે એવા એકાદ તીર્થસ્નાનની સ્થાપના કરી છે, એવું એકાદ ચિહ્ન રાખી દીધું છે કે જેથી સ્વભાવત: જ એ સુન્દરમાં ભૂમાની સાથે મનુષ્યનું મિલન થઈ શકે. એ સુન્દરના મહાન રૂપને સહજ દૃષ્ટિએ હું પ્રત્યક્ષ કરી શકું એ જ પ્રાર્થના મારા મનમાં એ સાંજ વેળાએ જાગી ઊઠી હતી. જગતમાં સુન્દરને પોતાની ભોગવૃત્તિ દ્વારા અસત્ય અને ક્ષુદ્ર ન કરતાં, ભક્તિવૃત્તિ દ્વારા સત્ય અને મહત્ બનાવીને હું ઓળખી શકું અર્થાત્ કેવળ હું એને મારું કરીને રાખવાની વ્યર્થ વાસનાનો ત્યાગ કરીને મારું જ એને દાન કરવાની ઇચ્છા મારામાં સ્વાભાવિક બની રહે એવું મેં પ્રાર્થ્યું. ત્યારે મને એ વાત પણ સમજાઈ કે સત્યને સુન્દર અને સુન્દરને મહાન તરીકે જાણવાની અનુભૂતિ સહજ નથી. આપણે અનેક વસ્તુને બાદ કરીને, અનેક અપ્રિયને દૂર રાખીને, અનેક વિરોધ પ્રત્યે આંખમીંચામણાં કરીને, પોતાને મનગમતાં બીબાંમાં સૌન્દર્યને ઢાળીને, શોખની વસ્તુ બનાવીને જોવા ઇચ્છીએ ત્યારે વિશ્વલક્ષ્મીને આપણી સેવાદાસી બનાવવાની ચેષ્ટા કરીએ, એ અપમાનને કારણે એને તથા આપણાં કલ્યાણને સુધ્ધાં ખોઈ બેસીએ. માનવપ્રકૃતિને બાજુએ રાખીને જોઈશું તો વિશ્વપ્રકૃતિમાં જટિલતા નથી; તેથી જ વિશ્વપ્રકૃતિમાં સુન્દરને જોવું અને ભૂમાને જોવું સહજ છે. ખણ્ડ રૂપે જોવા જતાં એમાં જે બધાં વિરોધ અને વિકૃતિ નજરે ચઢે તેને અખણ્ડમાં ભેળવી દઈને એક બૃહત્ સામંજસ્યને જોઈ શકવાનું આપણે માટે એટલું બધું કઠિન નથી. પણ મનુષ્યના સમ્બન્ધમાં એ આપણાથી બની શકતું નથી. મનુષ્ય એટલો આપણી નિકટ છે જે એની નાની નાની વસ્તુઓને પણ આપણે મોટી બનાવીને, સ્વતન્ત્ર કરીને જોઈએ છીએ. એનું જે ક્ષણિક અને તુચ્છ તેય આપણી વેદના દ્વારા અત્યન્ત ગુરુતર બનીને દેખા દે. તેથી જ લોભે ક્ષોભે ભયે ચિન્તાએ સમયને ગ્રહી શકીએ નહિ. આપણે એના એકાદ અંશમાં જ ઝૂલ્યા કરીએ. તેથી આ વિશાળ સાન્ધ્ય આકાશમાં જેટલી સહજ રીતે સુન્દરને જોઈ શકીએ છીએ તેટલી સહજ રીતે માનવસંસારમાં આપણે જોઈ શકતા નથી. આજે આ સન્ધ્યાવેળાએ સમસ્ત જગતની મૂર્તિને આપણે સુન્દર રૂપે જોઈએ છીએ. એને માટે આપણે કશી સાધના કરવી પડી નથી. જેનું આ વિશ્વ તેણે જ પોતાને હાથે આ સમયને સુન્દર બનાવીને આપણી આંખો સામે ધરી દીધો છે. એ સમસ્તનું વિશ્લેષણ કરીને જો એના નેપથ્યમાં પ્રવેશીએ તો એમાં કેટલીય અસંખ્ય ક્રિયાઓને ચાલી રહેલી આપણે જોઈએ. એનો પાર જ નહીં. આ વેળાએ જ અનન્ત આકાશને આવરી લઈને તારાએ તારાએ જે આગ્નેય બાષ્પનો ઝંઝાવાત વાઈ રહ્યો છે તેનો એક સામાન્ય અંશ પણ જો આપણી સામે પ્રત્યક્ષ કરી શકીએ તો ભયથી આપણે સ્તમ્ભિત મૂચ્છિર્ત જ થઈ જઈએ. અનેક ખણ્ડો પાડીને જો જોઈએ તો તેમાં કેટલા આઘાતસંઘાત, કેટલા વિરોધ અને વિકૃતિ! પેલું, આપણી આંખ સામેનું જે વૃક્ષ આ તારાખચિત આકાશ નીચે સમગ્રભાવે સુન્દર બનીને ઊભું રહ્યું છે તેને જો આંશિકભાવે જોવા જઈએ તો એમાં કેટલીય ગાંઠો, કેટલીય વક્રતા અને એની ત્વચા પર કેટલીય કરચલીઓ પડેલી જોઈશું. એના કેટલાય અંશો સુકાઈ જઈને કીટોનું નિવાસસ્થાન બનીને સડી રહેલા દેખાશે. આજે આ સાન્ધ્ય આકાશ નીચે ઊભા રહીને જગતનો જેટલો ભાગ જોઈએ છીએ તેમાં અસમ્પૂર્ણતા અને વિકારનો કશો અભાવ નથી, પણ એમાંનું કશું બાદ કર્યા વિના, સમસ્તને સ્વીકારીને, જે કાંઈ તુચ્છ, જે કાંઈ વ્યર્થ, જે કાંઈ વિરૂપ : એ સર્વને અવિચ્છિન્નરૂપે આત્મસાત્ કરીને આ વિશ્વ અકુણ્ઠિતભાવે પોતાનું સૌન્દર્ય પ્રકટ કરે છે. સમસ્ત જ સુન્દર, સૌન્દર્ય કાંઈ કાંટીછાંટીને વાડમાં પૂરેલી કે બીબામાં ઢાળેલી વસ્તુ નથી. એ જ વિધાતાએ આજે નિસ્તબ્ધ આકાશમાં બિલકુલ અનાયાસે બતાવી દીધું છે. એણે બતાવ્યું છે જે આવડું મોટું વિશ્વ આટલી સહજ રીતે સુન્દર બની રહ્યું છે એનું કારણ એ જ કે એનાં અણુપરમાણુમાં એક પ્રકાણ્ડ શક્તિ કાર્ય કરી રહી છે. એ શક્તિને જ જો આપણે જોવા જઈએ તો એ અતિ ભીષણ લાગશે. એ કાપે છે, ભાંગે છે, ખેંચે છે, સાંધે છે, એ તાણ્ડવ નૃત્યે સમસ્ત બ્રહ્માણ્ડની પ્રત્યેક રેણુને નિત્ય નિયત કમ્પાવિત કરી રાખે છે. એના પ્રત્યેક પદક્ષેપના સંઘાતે ક્રન્દસી રુદન કરી ઊઠે છે. ભયાદિન્દ્રશ્ચવાયુશ્ચ મૃત્યુર્ધાવતિ| જે પાસે જઈને ખણ્ડ પાડીને જોતાં આવું ભયંકર લાગે તેનું જ અખણ્ડ સત્યરૂપ કેવું પરમ શાન્તિમય અને સુન્દર! એ ભીષણ જો સર્વત્ર કાર્ય ન કરતું હોત તો આ રમણીય સૌન્દર્ય પણ ના હોત. અવિશ્રામ અમોઘ શક્તિની ક્રિયાશીલતાના ઉપર જ સૌન્દર્ય પ્રતિષ્ઠિત થયું છે. એ ક્રિયાશીલતા કેવળ વિચ્છિન્નતામાંથી વ્યવસ્થા, વૈષમ્યમાંથી સુષમાને પ્રબળ શક્તિથી ઉદ્ભિન્ન કરે છે. એ ક્રિયાશીલતાને જો માત્ર એની ગતિની દિશાએથી જોઈએ તો ભયંકર લાગે, તો એમાં વિરોધ અને વિકૃતિ દેખાય પણ એની સાથે સાથે જ એનું, સ્થિતિનું પણ એક રૂપ રહ્યું છે. ત્યાં જ છે શાન્તિ અને સૌન્દર્ય. જગતમાં આ ક્ષણે જેમ આકાશવ્યાપી ભાંગફોડનો ઘર્ઘર અવાજ અને મૃત્યુવેદનાનો આર્ત સ્વર સંભળાય છે તેમ જ એની સાથે સાથે એ સમસ્તને આવરી લેતું પરિપૂર્ણ સંગીત પણ અવિરામ ધ્વનિત થઈ રહ્યું છે; આ જ વાતને આજે સાન્ધ્ય આકાશમાં વિશ્વકવિએ પોતે પરિષ્કૃત કરીને કહી દીધી છે, એની ભયંકર શક્તિ જે અગ્નિમય તારાની માળા ગૂંથે છે તે જ માળા એને કણ્ઠે મણિમાળા થઈને શોભા પામે છે એ વાત અત્યારે આપણે કેટલી સહજ રીતે, અનાયાસે જોઈ શકીએ છીએ! આપણાં મનમાં ભય નથી, ચિન્તા નથી. મન આનન્દથી પરિપૂર્ણ થઈ ઊઠ્યું છે. માનવસંસારમાંય એવી એક ભીષણ શક્તિનું તેજ નિત્ય નિયત કાર્ય કરી રહ્યું છે. આપણે એની અંદર રહ્યા છીએ તેથી જ એના બાષ્પરાશિના ભયંકર આઘાતસંઘાતને હંમેશાં મોટા બનાવીને જોઈએ છીએ. આધિવ્યાધિ દુભિર્ક્ષદારિદ્ય્ર મારામારી કાપાકાપીનું મન્થન જ કેવળ ચારે બાજુ ચાલી રહ્યું છે. આ ભીષણ જો એમાં રુદ્રરૂપે ના રહ્યું હોત તો બધું શિથિલ અને વિશ્લિષ્ટ થઈને એક આકારઆયતનહીન કદર્યતામાં પરિણમ્યું હોત. સંસારમાં એ ભીષણની રુદ્રલીલા ચાલી રહી છે તેથી જ એના દુસ્સહ દીપ્ત તેજે અભાવમાંથી પૂર્ણતા, અસામ્યમાંથી સામંજસ્ય, બર્બરતામાંથી સભ્યતા અનિવાર્ય વેગે ઉદ્ગત થઈ ઊઠે છે; એના જ ભયંકર પેષણઘર્ષણે રાજ્યસામ્રાજ્ય શિલ્પસાહિત્ય ધર્મકર્મ ઉત્તરોત્તર નવનવોત્કર્ષ પામતા રહે છે. એ સંસારમાં મહદ્ભયં વજ્રમુદ્યતમ્ પણ એના મહદ્ભયને જેઓ સાચે રૂપે જુએ છે તેઓ પછી ભયને દેખતા નથી. તેઓ મહાસૌન્દર્યને જ જુએ છે, તેઓ અમૃતને જ જુએ છે: એતદ્વિદુરમૃતાસ્તે ભવન્તિ| ઘણા એમ કહે છે કે પ્રકૃતિનો આદર્શ મનુષ્યની દૃષ્ટિએ તો જડત્વનો જ આદર્શ કહેવાય. પ્રકૃતિ તો જે છે તેમાં જ પર્યાપ્ત; પ્રકૃતિમાં ઊંચે ઊઠવાનો કશો વેગ નથી. એથી જ માનવપ્રકૃતિને વિશ્વપ્રકૃતિથી જુદી પાડીને જોવાનો પ્રયત્ન થાય છે. પણ આપણે તો પ્રકૃતિમાં એક પ્રકારની તપસ્યા જોઈ શકીએ છીએ, એ કાંઈ જડ યન્ત્રની જેમ એક બાંધેલા નિયમના ખૂંટાની અન્તકાલ સુધી અન્ધ બનીને પ્રદક્ષિણા ફરતી નથી. આજ સુધી તો એને એના માર્ગમાં કોઈ એક સ્થળે થંભી જતી જોઈ નથી. એ એની આકારહીન વિપુલ બાષ્પસંઘાતની સ્થિતિમાંથી ગતિ કરતી કરતી આજે મનુષ્ય સુધી આવી પહોંચી છે અને અહીં જ એની યાત્રા પૂરી થઈ ગઈ છે એવું માની લેવાને કશું કારણ નથી. આ બધા સમય દરમિયાન એની અવિરામ ક્રિયાશીલતાએ કેટલું ઘડ્યું છે ને કેટલું ભાંગીને ફેંકી દીધું છે. કેટલાય ઝંઝાવાત પૂર ને ધરતીકમ્પ, કેટલાય જ્વાળામુખીના વિપ્લવમાં થઈને એનો વિકાસ પરિસ્ફુટ થઈ ઊઠ્યો છે; આતપ્ત પંકમાંથી એણે એક દિવસ કેટલાંય મહારણ્યને તે વેળાના ઘનમેઘાવૃત આકાશની નીચે ઊભાં કરી દીધાં હતાં. આજે કેવળ કોલસાની ખાણના ભણ્ડારમાં એનો અસ્પષ્ટ ઇતિહાસ કાળા અક્ષરે લખાયેલો રહ્યો છે. જ્યારે પૃથ્વીમાં જલસ્થલની સીમા સ્પષ્ટ રીતે નક્કી નહોતી થઈ ચૂકી ત્યારે મોટા સરિસૃપ, કેટલાંય અદ્ભુત પંખી ને બીજાં કેટલાંય આશ્ચર્યકારક જન્તુઓ કોણ જાણે કયા નેપથ્યગૃહમાંથી આ સૃષ્ટિની રંગભૂમિ ઉપર આવીને એમની જીવનલીલા સમાપ્ત કરી ગયાં. આજે એ તો મધરાતનાં કોઈ અદ્ભુત સ્વપ્નની જેમ ક્યાંય અદૃશ્ય થઈ ગયાં છે. પણ પ્રકૃતિની એ ઉત્કર્ષની દિશામાં અભિવ્યક્ત થવાની અવિશ્રામ કઠોર ચેષ્ટા તો કદી થંભી ગઈ નથી. એ જો થંભી ગઈ હોત તો બધું જ વિશ્લિષ્ટ થઈને એક આદિઅન્તહીન વિશૃંખલતામાં પરિણમીને સ્તૂપાકાર બની ચૂક્યું હોત. પ્રકૃતિમાં એક અનિદ્ર ઉદ્દેશ એને એના ભાવિ ઉત્કર્ષની દિશામાં કઠિન બળે આકર્ષી રહ્યું છે. તેથી જ એ આજે એક અવ્યર્થ શૃંખલામાં પોતાને પ્રકટ કરી શકી છે. સામંજસ્યનાં બન્ધન છેદી છેદીને એને આગળ વધવું પડ્યું છે. ગર્ભના આવરણને વિદીર્ણ કરીને નવે નવે જન્મે પ્રવૃત્ત થવું પડ્યું છે. તેથી જ તો આ દુ:ખ અને મૃત્યુ. પણ સામંજસ્યનો જ એક સુમહત્ નિત્ય આદર્શ એને નાનાં નાનાં સામંજસ્યના વેષ્ટનમાં સ્થિર થઈને ટકી રહેવા દેતો નથી. ત્યાંથી છિન્ન કરીને એને આગળ ને આગળ લઈ જાય છે. વિશ્વપ્રકૃતિના બૃહત્ આવિર્ભાવમાં એ બેને આપણે એક સાથે અવિચ્છિન્ન રૂપે જોઈ શકીએ છીએ. એના પ્રયત્નોમાં જે દુ:ખ ને છતાં એના પ્રયત્નના આદિમાં અને અન્તમાં જે આનન્દ — એ બન્ને પ્રકૃતિમાં એકરૂપે દેખા દે. તેથી જ પ્રકૃતિમાં જે શક્તિ અનવરત અતિ ભીષણ ભાંગફોડમાં પ્રવૃત્ત થઈ રહી છે તેને એ જ ક્ષણે સ્થિર શાન્ત નિસ્તબ્ધ જોઈ શકીએ છીએ. આ અસીમની તપસ્યા સાથે અસીમની સિદ્ધિનું અવિચ્છિન્ન મિલન જોવું એટલે જ સુન્દરને જોવું, એમાંના એકને બાદ કરવા જતાં બીજું અર્થહીન જ નહીં પણ શ્રીહીન બની રહે. માનવસંસારમાં આપણે બધી વખત એ બેને એક કરીને શા કારણે જોઈ શકતા નથી તેનું કારણ મેં આગળ કહ્યું છે. સંસારની બધી વેદના આપણી અત્યન્ત નિકટ આવીને ઝણઝણી ઊઠે છે; જ્યાં સામંજસ્ય વિદીર્ણ થાય છે ત્યાં જ આપણી દૃષ્ટિ પડે છે પણ એ સમસ્તને અનાયાસે આત્મસાત્ કરી લઈને જ્યાં અનન્ત સામંજસ્ય વિરાજે છે ત્યાં આપણી દૃષ્ટિ સહજ રીતે જતી નથી. આમ આપણે સત્યને અપૂર્ણ રૂપે જોઈએ છીએ તેથી જ આપણે સત્યને સુન્દર બનાવીને જોઈ શકતા નથી, તેથી જ આવિ આપણી સમક્ષ આવિર્ભૂત થતું નથી. તેથી જ રુદ્રનું દક્ષિણ મુખ આપણે જોઈ શકતા નથી. પણ માનવસંસારમાં જ એ ભીષણને તમારે સુન્દર બનાવીને જોવું છે? તો તમારાં સ્વાર્થપરાયણ ષડ્રિપુસંચાલિત ક્ષુદ્ર જીવનથી દૂર ચાલ્યા આવો, માનવચરિતને જ્યાં મહત્સ્વરૂપે જોઈ શકીએ એવા મહાપુરુષની સામે આવીને ઊભા રહો. જુઓ પેલા શાક્ય રાજવંશના તપસ્વી. એમનું પુણ્યચરિત આજે કેટલાય ભક્તોને કણ્ઠે, કેટલાય કવિઓની ગાથામાં ગવાઈ રહ્યું છે. એમના ચરિતનું સ્મરણ કરીને કેટલીય હીનચિત્ત વ્યક્તિઓનાં મન પણ આજે મુગ્ધ થઈ ઊઠે છે. શી એમની દીપ્તિ, શું એમનું સૌન્દર્ય, શી એમની પવિત્રતા! પણ એ જીવનના પ્રત્યેક દિવસને એક વાર યાદ કરી જુઓ. એ દિવસો કેટલા દુસ્સહ! કેટલાંય દારુણ દુ:ખના દાહે એ સુવર્ણપ્રતિમા ઘડાઈ છે! એ દુ:ખને જ જો અળગાં પાડીને એકઠાં કરીને જોઈએ તો એ નિષ્ઠુર દૃશ્ય જોઈને મન એનાથી બિલકુલ વિમુખ જ થઈ જાય. પણ સમસ્ત દુ:ખની સાથે સાથે એના આદિ અને અન્તમાં જે ભૂમાનન્દ રહ્યો છે તેને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ તેથી જ એમનું ચરિત આટલું સુન્દર લાગે છે. તેથી જ આપણે એને આદર સહિત હૃદયમાં સ્થાપીએ છીએ. ભગવાન ઈસુને જુઓ. અહીં પણ એ જ વાત દેખાશે. કેટલા આઘાત, કેટલી વેદના! ને એ બધું છતાં એઓ કેટલા સુન્દર! કેવળ એટલું જ નહીં; એમની ચારે બાજુની મનુષ્યની બધી નિષ્ઠુરતા, સંકીર્ણતા અને બધાં પાપ — એ પણ એમની ચરિતમૂર્તિને ઘડનારાં ઉપકરણ: પંકને માટે પંકજ જેમ સાર્થક કરે તેમ જ માનવજીવનના સમસ્ત અમંગલને એમણે એમના આવિર્ભાવથી સાર્થક કરી બતાવ્યાં. ભીષણ શક્તિની પ્રચણ્ડ લીલાને જેમ આજે આપણે સાન્ધ્ય આકાશમાં શાન્ત અને સુન્દર રૂપે જોઈ શકીએ છીએ તેમ જ મહાપુરુષના જીવનમાં પણ મહત્ દુ:ખની ભીષણ લીલાને બૃહત્ ને સુન્દર રૂપે જોઈ શકીએ એનું કારણ એ કે ત્યાં આપણે દુ:ખને પરિપૂર્ણ સત્યમાં જોતા હોવાથી એનાં દુ:ખરૂપને જોતા નથી, આનન્દરૂપને જ જોઈએ છીએ. રુદ્રનું જે દક્ષિણ મુખ તેનાં દર્શન પામીએ. ભીષણને સુન્દર તરીકે ઓળખીએ. જે મહદ્ભયં વજ્રમુદ્યતમ્ તેને ભયથી નહિ પણ આનન્દથી અમૃત તરીકે સ્વીકારી શકીએ છીએ એ જ આપણા જીવનની ચરમ સાધનાનો વિષય છે. પ્રિયઅપ્રિય સુખદુ:ખ સમ્પદ્વિપદ્ : એ બધાંને જ આપણે સબળ બનીને સ્વીકારી લઈએ. એ બધાંને આપણે ભૂમામાં અખણ્ડ રૂપે સુન્દર બનાવીને જોઈએ. જે ભયાનાં ભયં ભીષણં ભીષણાનામ્ તે જ પરમ સુન્દર એ વાતને મનમાં દૃઢ ભાવે ઉપલબ્ધ કરીને આ સુખદુ:ખથી અસમ એવા પ્રત્યેક ક્ષણે ઘડાતા ને ભંગાતા, સંસારમાં એ રુદ્રની આનન્દલીલાના નિત્યસહચર થવા માટે પ્રતિદિન તૈયાર થઈ રહીએ, નહીં તો ભોગમાંય જીવનની સાર્થકતા નથી, વૈરાગ્યમાંય નથી. બધાં દુ:ખ, બધી કઠોરતાથી વિચ્છિન્ન કરીને જો આપણે સૌન્દર્યને આપણા દુર્બળ આરામની સામગ્રી બનાવીને ભોગસુખની વાડથી ઘેરી દઈશું તો એ ભૂમાના પર જ આઘાત કરશે. પોતાની ચારે બાજુ સાથેનો એનો સહજ સ્વાભાવિક યોગ નષ્ટ થઈ જશે. ત્યારે એ સૌન્દર્ય જોતજોતાંમાં વિકૃત થઈ જઈને કેવળ ઉગ્ર ગન્ધ માદકતાને જ સરજશે. આપણી શુભ બુદ્ધિને સ્ખલિત કરીને એને ભૂમિસાત્ કરી દેશે. એ સૌન્દર્ય ભોગવિલાસના વેષ્ટનથી આપણને સર્વથી વિચ્છિન્ન કરીને કલુષિત કરી મૂકશે. બધાંની સાથે સરલ સામંજસ્યે આપણો યોગ સાધીને આપણું કલ્યાણ નહીં કરે. તેથી જ મેં કહ્યું હતું કે સુન્દરને ઓળખવા માટે કઠોર સાધના અને સંયમની અપેક્ષા રહે છે. પ્રવૃત્તિનો મોહ જેને સુન્દર કહીને ઓળખાવે તે તો મરીચિકા. સત્યને જ્યારે આપણે સુન્દર બનાવીને જાણીએ ત્યારે જ સુન્દરનેય સત્ય રૂપે જાણી શકીએ. સત્યને સુન્દર બનાવીને તે જ જોઈ શકે જેની દૃષ્ટિ નિર્મલ, જેનું હૃદય પવિત્ર — વિશ્વમાં સર્વત્ર આનન્દને પ્રત્યક્ષ કરવામાં તેને માટે પછી કશો અન્તરાય રહે નહીં. (પંચામૃત)