રવીન્દ્રપર્વ/૧૮૨. કર્મયોગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૨. કર્મયોગ

આપણા જન્મની સાથે જ જગતના આનન્દયજ્ઞમાં ઉપસ્થિત રહેવાનું એનું નિમન્ત્રણ આપણે પામ્યા છીએ. એ નિમન્ત્રણને આપણામાંના કોઈક સ્વીકારવા ઇચ્છતા નથી. એઓ વિજ્ઞાનશાસ્ત્ર લઈને આલોચના કરવા બેસે છે. એઓ વિશ્વના સમસ્ત રહસ્યને ખુલ્લું પાડીને એવી એક જગાએ જઈ પહોંચ્યા છે જ્યાં બધું કેવળ નિયમ રૂપે જ દેખાય છે. એઓ કહે છે કે પોકળ પકડાઈ ગયું છે — અમે જોયું છે જે બધું નિયમને વશ વર્તીને જ ચાલે છે. એમાં વળી આનન્દ ક્યાં છે? એઓ આપણા ઉત્સવના આનન્દરવને સાંભળીને દૂર બેઠા બેઠા મનમાં ને મનમાં હસે છે. સૂર્યચન્દ્ર એટલા તો નિયમિત રીતે ઊગે છે ને અસ્ત પામે છે કે આપણને એમ લાગે છે કે એઓ જાણે રખે ને પળવિપળની ભૂલ થઈ જાય એવા ભયથી ચાલી રહ્યા છે. પવન બહારથી ગમે તેટલો સ્વાધીન લાગતો હોય, જેમને એની અંદરની વાત ખબર છે તેઓ તો જાણે છે કે એનામાંય પાગલપણું જરા સરખું નથી — બધું જ નિયમથી બદ્ધ છે. એટલું જ નહીં, પૃથ્વી પર જેને સૌથી સ્વચ્છન્દી ગણીએ છીએ, જેના આવવા જવાની કશી ખબર મળતી ન હોવાને કારણે એકાએક એને ઘરના ઉમ્બર પર ઊભેલું જોઈને આપણે ચમકી ઊઠીએ છીએ તે મૃત્યુને પણ હાથ જોડીને નિયમનું પાલન કરીને ચાલવું પડે છે. એનેય સહેજસરખા પદસ્ખલનનો અવકાશ નથી. આ ગૂઢ વાત કેવળ વિજ્ઞાનીએ જ પકડી પાડી છે એવુંય ન માનશો. તપોવનના ઋષિએ પણ કહ્યું છે ભિષાસ્માદ્વાત: પવતે| એના ભયે, એના નિયમના અમોઘ શાસને પવન વાય છે, પવન પણ મુક્ત નથી. ભીષાસ્માદગ્નિશ્ચન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ:| એના નિયમના અમોઘ શાસને કેવળ અગ્નિ ચન્દ્ર સૂર્ય ચાલે છે એટલું જ નહીં, સ્વયં મૃત્યુ-બન્ધન છેદવા એ જ જેનું કામ છે, જેને પોતાને કશું બન્ધન હોઈ શકે એવો ખ્યાલ સરખો પણ આપણને આવતો નથી એવું મૃત્યુ પણ અમોઘ નિયમનું ભયથી જ પાલન કરીને ચાલે છે. તેથી જ તો આપણે જોઈએ છીએ કે ભયથી જ બધું ચાલે છે. ક્યાંય સહેજસરખા સ્ખલનને અવકાશ નથી. તો પછી આનન્દની વાત શા માટે કરવી? જે કારખાનામાં બધે જ યન્ત્ર ચાલતાં હોય, ત્યાં કોઈ આનન્દનો દરબાર ભરવાનું પાગલપણું કરે નહીં. તોય વાંસળીમાંથી આજેય આનન્દના સૂર નીકળે છે એ વાતનો કોઈ અસ્વીકાર કરી શકવાનું નથી. માણસને માણસ આમ જ સાદ દઈને સદા કહેતો આવ્યો રહ્યો છે કે ચાલ ભાઈ ચાલ, આપણે સાથે મળીને આનન્દ કરીએ. આ નિયમના રાજ્યમાં આવી વાત એના હોઠ પર આવે જ શી રીતે? નિયમનો કઠિન દણ્ડ બિલકુલ અટલ બનીને ઊભો છે તે એ જોઈ શકે છે. પણ એને વીંટળાઈ વળીને, એને આચ્છન્ન કરીને જે લતા ઊગી નીકળી છે તેના પર ફૂલ ખીલતાં શું એણે નથી જોયાં? ક્યાંક તો શ્રી અને શાન્તિ, સૌન્દર્ય અને ઐશ્વર્ય રહ્યાં છે એ શું એણે જોયું નથી? પ્રાણની લીલા, ગતિનું નૃત્ય, વિવિધ સમૃદ્ધિની અજતા શું એણે જોયાં નથી? વિશ્વમાં પ્રવર્તતો નિયમ સીધો સોટા જેવો ઊભો રહીને પોતાનો જ ચરમ રૂપે પ્રચાર કરે છે એવું નથી, કશાક અનિર્વચનીયનો પરિચય એની ચારે બાજુને આચ્છન્ન કરીને પ્રકટ થાય છે. એથી જ જે ઉપનિષદે એક વાર એમ કહ્યું કે અમોઘ શાસનના ભયે બધું પ્રવર્તે છે તેણે જ ફરીથી કહ્યું કે આનન્દાત્ એવ ખલ્વિમાનિ ભૂતાનિ જાજાયન્તે| આનન્દમાંથી જ ભૂતમાત્રનો જન્મ થાય છે. જે આનન્દસ્વરૂપ છે, મુક્ત છે તે જ નિયમના બન્ધન દ્વારા દેશકાળમાં પોતાને પ્રકટ કરે છે. કવિનો મુક્ત આનન્દ પોતાને પ્રકટ કરવાની વેળાએ છન્દના બન્ધનને સ્વીકારી લે છે, પણ જેમનાં પોતાનાં મનમાં જ ભાવનું ઉદ્બોધન થયું નથી હોતું તેઓ કહે છે કે આમાં તો અમને પહેલેથી તે છેલ્લે સુધી નર્યો છન્દોવ્યાયામ જ દેખાય છે. એઓ નિયમને જુએ છે, નૈપુણ્યને જુએ છે. કારણ કે આંખથી તો એટલું જ જોઈ શકાય છે. પણ જેને હૃદયથી જોઈ શકાય છે તે રસને તો એઓ સમજી જ શકતા નથી. તેથી જ તેઓ કહે છે કે રસ જેવી કોઈ વસ્તુ જ નથી. એ લોકો માથું ધુણાવીને કહે છે કે જે બધે યન્ત્ર જ છે, કેવળ વિજ્ઞાનીનો નિયમ જ બધે પ્રવર્તી રહ્યો છે. પણ જુઓ ને, આ કોનો કણ્ઠ કેવા નિતાન્ત સહજ સૂરે ગાઈ ઊઠ્યો છે : રસો વૈ સ:| કવિના કાવ્યમાં એ અનન્ત રસને જોઈ શક્યો છે. જગતનો નિયમ એની આગળ એનું બન્ધનનું રૂપ દેખાડતો નથી. એ તો નિયમના ચરમ સ્વરૂપને જોઈને આનન્દથી બોલી ઊઠ્યો છે : આનન્દાત્ એવ ખલ્વિમાનિ ભૂતાનિ જાજાયન્તે| જગતમાં એણે ભયને જોયો નથી, આનન્દને જ જોયો છે. તેથી જ તો એ કહે છે: આનન્દં બ્રહ્મણો વિદ્વાન્ ન બિભેતિ કૃતશ્ચન | બ્રહ્મના આનન્દને જ જે સર્વત્ર ઓળખી શક્યો છે તેને કશાનો ભય લાગતો નથી. આમ જગતમાં આનન્દને જોઈને જેણે પ્રત્યક્ષ ભયનો સર્વથા અસ્વીકાર કર્યો તેણે જ કહ્યું છે મહદ્ભયં વજ્રમુદ્યતે ય એતત્ વિદુરમૃતાસ્તે ભવન્તિ| એ મહદ્ભયને, એ ઉદ્યતવજ્રને જેણે જાણ્યો છે તેને પછીથી મૃત્યુભય રહેતો નથી. ભયમાંથી જ અભય, નિયમમાંથી જ આનન્દ પોતાને પ્રકટ કરે છે એ જેઓ જાણે છે તેઓ જ નિયમને પાર કરી જઈ શક્યા છે. નિયમનું બન્ધન તેમને માટે નથી એમ નહીં પણ એ તો તેમને મન આનન્દનું જ બન્ધન બની રહે છે: પ્રેમિકને જેવું પ્રિયતમાના ભુજનું બન્ધન તેવું આવા લોકોને આનન્દનું બન્ધન. એમાં દુ:ખ નથી હોતું. સહેજસરખુંય દુ:ખ નથી હોતું. બધાં બન્ધનને એઓ ખુશ થઈને સ્વીકારે છે, કશાંયને ટાળીને ચાલવા ઇચ્છતા નથી, કારણ કે સમસ્ત બન્ધનમાં જ એઓ આનન્દના નિબિડ સ્પર્શને ઉપલબ્ધ કરી શકે છે. વસ્તુત: જ્યાં નિયમ નથી, જ્યાં ઉચ્છૃંખલ ઉન્મત્તતા છે ત્યાં જ બન્ધન કેવળ બાંધે છે, મારે છે, અસીમની સાથે વિચ્છેદ કરાવે છે, પાપની યન્ત્રણાથી પીડે છે. પ્રવૃત્તિના આકર્ષણથી સત્યના સુદૃઢ નિયમબન્ધનમાંથી જ્યારે તેઓ સ્ખલિત થાય છે ત્યારે માતાના આલંગિનથી ભ્રષ્ટ થયેલા શિશુની જેમ તેઓ રડી ઊઠીને કહે છે: મા મા હંસીિ, અમને હણશો નહીં. એઓ કહે છે કે અમને બાંધો, તમારા નિયમે અમને બાંધો, અન્તરે બાંધો, બહારથી બાંધો, અમને આચ્છન્ન કરીને આવૃત કરીને બાંધી રાખો, ક્યાંય સહેજ સરખો અવકાશ રાખશો નહીં, અમને કસીને બાંધી રાખો, તમારા નિયમના બાહુપાશમાં બંધાઈને તમારા આનન્દને અમે વળગી રહેવા ઇચ્છીએ છીએ. અમને પાપના મૃત્યુબન્ધનમાંથી છોડાવીને દૃઢ કરીને અમારું રક્ષણ કરો. નિયમને આનન્દથી વિપરીત સ્વરૂપનો જાણીને કેટલાક સ્વૈરાચારને જ આનન્દ ગણી બેસવાની ભૂલ કરે છે. એવી જ રીતે કર્મને મુક્તિથી વિપરીત સ્વરૂપનું કલ્પી બેસનારા લોકોનો પણ આપણા દેશમાં તોટો નથી. કર્મ એ સ્થૂલ વસ્તુ છે ને તેથી આપણે માટે એ બન્ધનરૂપ છે એમ એઓ માનતા હોય છે. પણ જેમ નિયમ દ્વારા જ આનન્દ પ્રકટ થાય છે તેમ કર્મથી જ આત્માની મુક્તિ પ્રાપ્ત થાય છે એ વાત યાદ રાખવી પડશે. પોતાની અંદર જ પોતાને પ્રકટ નહીં કરી શકાતો હોવાને કારણે આનન્દ બહારના નિયમને ઇચ્છે છે. તેવી જ રીતે પોતાની દ્વારા જ પોતાની મુક્તિ ન થઈ શકતી હોવાને કારણે આત્મા મુક્તિને માટે બહારના કર્મને ઇચ્છે છે. મનુષ્યનો આત્મા કર્મ દ્વારા જ પોતાને પોતાનામાંથી મુક્ત કરે છે. એવું જો ન હોત તો ઇચ્છા કરીને એણે કદી કર્મ કર્યાં જ ન હોત. મનુષ્ય જેમ જેમ કર્મ કરતો જાય છે તેમ તેમ પોતાની અંદર રહેલા અદૃશ્યને દૃશ્ય કરતો જાય છે, તેમ તેમ એ પોતાના સુદૂરવર્તી અનાગતને પોતાની નિકટ ખેંચી લાવતો જાય છે. આ રીતે જ મનુષ્ય પોતાને સ્પષ્ટ કરતો જાય છે. મનુષ્ય પોતાનાં અનેકવિધ કર્મોમાં, રાષ્ટ્રમાં, સમાજમાં પોતાને જ અનેક દિશાએથી જોઈ શકે છે. આ રીતે પોતાને જોઈ શકવો એનું નામ જ મુક્તિ. અન્ધકાર મુક્તિ નથી, અસ્પષ્ટતા મુક્તિ નથી, અસ્પષ્ટતાના જેવું ભયંકર બન્ધન બીજું એક્કેય નથી. અસ્પષ્ટતાને ભેદીને ઊંચે આવવા માટે જ બીજની અંદર રહેલો અંકુર મથે છે. કળીની અંદર રહેલું ફૂલ પણ એને માટે જ પ્રયત્ન કરે છે. અસ્પષ્ટતાના આવરણને ભેદીને સુપરિસ્ફુટ થવાને માટે જ આપણા ચિત્તની અંદરનો ભાવરાશિ બહાર આકાર ગ્રહણ કરવાનું ઉપલક્ષ્ય શોધતો ફરે છે. આપણો આત્મા પણ અનિદિર્ષ્ટતાના ધુમ્મસમાંથી પોતાને મુક્ત કરી બહાર આણવા માટે જ કર્મનું સર્જન કરે છે. એ કર્મમાં એનું કશું પ્રયોજન હોતું નથી. જે એની જીવનયાત્રાને માટે આવશ્યક નથી તેને પણ એ ઘડે છે. કારણ કે એ મુક્તિ ઝંખે છે. એ પોતાના અન્તરાચ્છાદનમાંથી મુક્ત થવા ઇચ્છે છે. એ પોતાને અરૂપના આવરણમાંથી મુક્ત કરવા ઇચ્છે છે. એ પોતાને જોવા ઇચ્છે છે, પામવા ઇચ્છે છે. નકામા ઊગી નીકળેલા છોડને કાપી નાખીને એ જ્યારે બાગ બનાવે છે ત્યારે કુરૂપતામાંથી એ જે સૌન્દર્યને મુક્ત કરે છે તે પોતાનું અંદરનું જ સૌન્દર્ય, બહાર એને મુક્ત ન કરે તો અન્તરમાંથીય એ મુક્તિ ન પામે. સમાજના યથેચ્છાચારમાં સુનિયમની સ્થાપના કરીને અકલ્યાણની બાધાની અંદર રૂંધાઈ રહેલા કલ્યાણને મુક્તિદાન દે છે. પણ એ કલ્યાણ તે પોતાની અંદર રહેલું જ કલ્યાણ — બહાર એને મુક્ત ન કરે તો અન્તરમાંય એ મુક્તિ ન પામે. આવી રીતે મનુષ્ય પોતાની શક્તિને, સૌન્દર્યને, મંગલને, પોતાના આત્માને અનેકવિધ કર્મ દ્વારા કેવલ બન્ધનમુક્ત કરતો જાય છે. જેટલે અંશે એ આ કરે છે તેટલે અંશે એનો આત્મપરિચય વિસ્તીર્ણ થતો જાય છે. ઉપનિષદ્ કહે છે: કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમા:| કર્મ કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઇચ્છા રાખવી, જેઓ આત્માના આનન્દની પ્રચુર ઉપલબ્ધિ કરી શક્યા છે તેમની આ વાણી છે. જેઓએ આત્માને પરિપૂર્ણ કરીને જાણ્યો છે તેઓએ કદી દુર્બળ મુહ્યમાનભાવે કહ્યું નથી કે જીવન દુ:ખમય છે. કર્મ કેવળ બન્ધન છે. દુર્બળ ફૂલ દીંટાથી અળગું થઈને ફળ થતાં પહેલાં જ ખરી પડે. એઓ આ ફૂલ જેવા નહોતા. જીવનને એઓએ છાતીસરસું ચાંપ્યું હતું ને એઓએ તો કહ્યું હતું કે ફળ ફળે નહીં ત્યાં સુધી અમે એને કોઈ રીતેય છોડી દેવાના નથી. એઓએ સંસારમાં કર્મના આનન્દમાં પોતાને પ્રબળભાવે પ્રકટ કરવાની ઇચ્છા રાખી હતી. દુ:ખે કે તાપે એમને અવસન્ન કર્યા નહિ. પોતાના હૃદયના ભારથી એઓ ધૂલિશાયી થઈને ઢળી પડ્યા નહીં. સુખદુ:ખ સમસ્ત દ્વારા એમણે આત્માના માહાત્મ્યને ઉત્તરોત્તર ઉદ્ઘાટિત કરીને પોતાને જોયા અને પોતાને જોઈને વિજયી વીરની જેમ સંસારમાંથી માથું ઊંચું રાખીને ચાલ્યા ગયા. બ્રહ્માણ્ડમાં જે શક્તિનો આનન્દ નિરંતર ભાંગવાઘડવાની ક્રિયા દ્વારા લીલા કરે છે તેના નૃત્યનો છન્દ એમના જીવનની લીલાની સાથે તાલ દેતો હતો. એમના જીવનના આનન્દની સાથે સૂર્યના પ્રકાશનો આનન્દ, મુક્ત સમીરણનો આનન્દ સૂર ભેળવી દઈને અભ્યન્તરને સુધામય કરી દેતો હતો. એઓએ જ કહ્યું છે કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમા:| કર્મ કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઇચ્છા રાખવી. મનુષ્યમાં રહેલો આ જીવનનો આનન્દ એ જ કર્મનો આનન્દ છે, એ બિલકુલ સાચી વાત છે. આપણે એમ ન કહી શકીએ કે આ તો આપણા મોહ, કે કર્મનો ત્યાગ કર્યા વિના આપણે ધર્મસાધનાના પંથે પ્રવેશ કરી શકીએ નહીં. ધર્મસાધનાની સાથે મનુષ્યના કર્મજગતનો વિચ્છેદ કરાવવાથી કદી મંગલ થતું નથી. વિશ્વમાનવની અવિરત કર્મચેષ્ટાને એના ઇતિહાસના વિરાટ ક્ષેત્રે એક વાર સત્યદૃષ્ટિએ જોઈ જુઓ. એવી રીતે જોયા પછી આપણને લાગશે કે કર્મના દુ:ખને માણસ વહે છે એમ કહેવા કરતાં કર્મ જ મનુષ્યનાં ઘણાં દુ:ખને વહે છે. ઘણો ભાર હળવો કરે છે એમ કહેવું વધારે સાચું છે. કર્મનો ોત પ્રતિદિન આપણી અનેક વિપદોને દૂર ઠેલે છે. અનેક વિકૃતિઓને વહાવી લઈ જાય છે. માણસ પોતાના પર જવાબદારી આવી પડવાથી કર્મ કરે છે એ વાત સાચી નથી. એની એક બાજુ જવાબદારી છે. બીજી બાજુ સુખ પણ છે. માણસ એક બાજુથી અભાવનો માર્યો કર્મ કરે છે તો બીજી બાજુથી એ સ્વભાવની પરિતૃપ્તિને અર્થે પણ કર્મ કરે છે. તેથી જ માણસ જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ કરતો જાય છે તેમ તેમ એની નવી નવી જવાબદારી પણ વધતી જ જાય છે. તેમ તેમ નવાં કર્મોને એ સ્વેચ્છાથી સરજતો જાય છે. પ્રકૃતિ બળજબરીથી આપણી પાસેથી કેટલાંક કામ કરાવીને આપણને સચેત રાખે છે. અનેક પ્રકારની ભૂખતરસના માર્યા આપણે સદા કામ કરતા રહીએ છીએ. પણ એટલાથી આપણું મનુષ્યત્વ પર્યાપ્ત થઈને રહેતું નથી. પશુપક્ષીની સાથે સમાનભાવે પ્રકૃતિનાં ક્ષેત્રોમાં એને જે કામ કરવાં પડે છે તેટલાથી જ એ સન્તોષ માનીને બેસી રહી શક્યો નથી, કર્મ દ્વારા જ સ્વેચ્છાથી એ સહુને વટાવી જવા ઇચ્છે છે. માણસના જેવું કામ કોઈ જીવને કરવાનું હોતું નથી. એના સમાજનું એક અતિ બૃહદ્ કાર્યનું ક્ષેત્ર એને જાતે તૈયાર કરવું પડ્યું છે. કેટલાય સમયથી એમાં એ કેટલુંય ભાંગે છે, ઘડે છે, કેટલાય નિયમો રચે છે ને વળી છેદે છે. કેટલાય પથ્થરો ટાંકે છે ને એમાંથી ઇમારત ચણે છે. કેટલુંય ક્રન્દન પણ કરે છે. આ જ ક્ષેત્રમાં એને સહુથી મોટાં મોટાં યુદ્ધો લડવા પડ્યાં છે. અહીં જ એ નવજીવન પામતો જાય છે. અહીં જ એ દુ:ખને ટાળવાનું ઇચ્છ્યા વિના નવાં નવાં દુ:ખોને સ્વીકારતો જાય છે. જે કાંઈ ઉપસ્થિત છે, જે એની ચારે બાજુએ રહ્યું છે તેના પંજિરમાં પુરાઈ રહેલો મનુષ્ય સમ્પૂર્ણ નથી. કોઈ એક સ્થળે ઊભા રહી જવાથી મનુષ્યને આરામ કદાચ મળે પણ એની ચરિતાર્થતા બિલકુલ નષ્ટ થઈ જાય. કારણ કે મનુષ્ય પોતાના વર્તમાનથી ઘણો મોટો છે. આ મહત્ તત્ત્વનો મનુષ્યે અહીં જ આવિષ્કાર કર્યો છે. એ મહતી વિનષ્ટિને મનુષ્ય સહી શકતો નથી. તેથી જ એના વર્તમાનને ભેદીને મહાન થવાને કાજે, હજુય એ જે થઈ શક્યો નથી તે થવાને માટે ફરી ફરીથી દુ:ખ ઝીલ્યા કરે છૈ. એ દુ:ખમાં જ મનુષ્યનું ગૌરવ રહ્યું છે. આ વાતને સ્મરણમાં રાખીને મનુષ્યે પોતાના કર્મક્ષેત્રને સંકુચિત કર્યું નથી. એને એ કેવળ પ્રસારતો જાય છે. ઘણી વાર તો આ પ્રસાર એટલી હદે જઈ પહોંચે છે કે કર્મની સાર્થકતાને એ ભૂલી જાય છે. કર્મનાં ોતમાં વહેતી આવર્જનાથી પ્રતિહત થઈને માનવચિત્ત કેન્દ્રની ચારે બાજુએ ભયંકર આવર્તો રચે છે: સ્વાર્થનો આવર્ત, સામ્રાજ્યનો આવર્ત, ક્ષમતાભિમાનનો આવર્ત. તોયે જ્યાં સુધી ગતિનો વેગ હોય છે ત્યાં સુધી ભયનું કારણ નથી. સંકીર્ણતાનો અન્તરાય એ વેગથી ધીમે ધીમે દૂર થઈ જાય છે. કાર્યનો વેગ જ કાર્યમાં રહેલી ભૂલનું સંશોધન કરે છે. કારણ કે ચિત્ત અચલ થઈને જડતાની નિદ્રાના ઘેનમાં પડે છે કે તરત જ એના શત્રુઓ પ્રબળ થઈ ઊઠે છે. પછી વિનાશની સામે એ ઝઝૂમી શકતું નથી. જીવવું હોય તો અમુક કર્મ કરવાં પડે. કર્મ કરીને જ જીવી શકાય છે એ અનુશાસન આપણે સાંભળ્યું છે. કર્મ કરવાં અને જીવવું એ બે વચ્ચે અવિચ્છેદ્ય યોગ રહેલો છે. પોતે પોતાનામાં જ પર્યાપ્ત નથી એ જ પ્રાણનું લક્ષણ છે. એને પોતાની બહાર આવવું જ પડે છે. એનું સત્ય અન્તરના અને બહારના યોગમાં રહેલું છે. દેહને ટકાવી રાખવા માટે બહારનો પ્રકાશ, બહારનો પવન, બહારનાં અન્નજળ સાથે અનેકવિધ યોગ રાખવો પડે છે. માત્ર પ્રાણશક્તિને ગ્રહવા માટે નહીં પણ એનું દાન કરવાને માટે બહાર સાથેના યોગની આવશ્યકતા રહે છે. જુઓ ને, શરીરને તો પોતાની અંદર પણ ઠીક ઠીક કામ કરવાનું રહે છે. એક ક્ષણને માટે પણ હૃદય થંભી શકતું નથી. એનાં મગજ અને જઠરનાં કામનો અન્ત જ નથી. તોય પોતાની અંદરના પ્રાણ જ એને બહારનાં અનેક કાર્યો કરવા અને અનેક ક્રીડાઓ કરવા બહાર ખેંચી લઈ જાય છે. અંદરના રક્તાભિસરણથી એને તુષ્ટિ થઈ જતી નથી. અનેક પ્રકારની બહારની પ્રવૃત્તિથી જ એનો આનન્દ સમ્પૂર્ણ બને છે. આપણા ચિત્તની પણ આવી જ દશા છે. પોતાની અંદરનાં કલ્પના અને ભાવમાત્રથી એ તુષ્ટ થઈ જતું નથી. એને હંમેશાં બહારના વિષયની અપેક્ષા રહે છે. પોતાની ચેતનાને ટકાવી રાખવા માટે નહીં પણ પોતાનો પ્રયોગ કરવા માટે; દેવા માટે અને લેવા માટે. મૂળ વાત એ છે કે જે સત્યસ્વરૂપ છે તે બ્રહ્મને વિભાજિત કરીને આપણે જીવી શકીએ જ નહીં, તેના અન્તરમાં જેમ આપણો આશ્રય તેમ તેનાથી જે બહાર તેમાં પણ આપણો આશ્રય. એનો જે તરફથી ત્યાગ કરીએ તે તરફથી આપણે પોતાને જ વંચિત્ કરીએ. માહં બ્રહ્મ નિરાકુર્યા મા મા બ્રહ્મ નિરાકરોત્ | અમારો ત્યાગ ન કરો. અમે બ્રહ્મનો ત્યાગ ન કરીએ. એણે જ આપણને બહાર ધારણ કરી રાખ્યા છે. એ જ આપણને અન્તરમાં પણ જાગ્રત રાખે છે. આપણે જો એમ કહીએ કે અમે એને કેવળ અન્તરના ધ્યાનથી પામીશું. બહારનાં કર્મમાંથી એને બાદ કરી દઈશું. કેવળ હૃદયના પ્રેમ દ્વારા જ એને ભોગવીશું. બહારની સેવા દ્વારા એની પૂજા નહીં કરીએ, અથવા તો એથી સાવ ઊલટી વાત કહીએ. ને એ રીતે જીવનની સાધનાને જો એક બાજુએથી જ ભારગ્રસ્ત કરી મૂકીએ તો તો આપણે પ્રમત્ત બની જઈશું ને આપણું પતન થશે. આપણે જોઈએ છીએ કે પશ્ચિમના મહાદેશમાં માણસનું ચિત્ત મુખ્યત્વે પોતાને બહાર જ વિખેરી દેવા બેઠું છે. શકિતનું ક્ષેત્ર તે જ એનું ક્ષેત્ર. વ્યાપ્તિના રાજ્ય તરફ જ એ ઝૂકી પડ્યું છે. મનુષ્યના અન્તરમાં જ્યાં સમાપ્તિનું રાજ્ય રહ્યું છે તે સ્થળને એ છોડી જવાના પ્રયત્નો કરતું રહે છે. તેના પર એને બરાબર વિશ્વાસ બેસતો નથી. જેમ વિજ્ઞાન કહે છે કે બ્રહ્માણ્ડ પરિણતિના અન્તહીન પથે ગતિ કરી રહ્યું છે તેમ આજકાલનું યુરોપ પણ કહેવા મંડ્યું છે કે જગતનો ઈશ્વર પણ ક્રમશ: પરિણત થતો આવે છે. એ પોતે પહેલેથી આપમેળે છે જ એ વાત યુરોપના લોકો સ્વીકારતા નથી. ઈશ્વર પણ ક્રમશ: ઘડાતો આવે છે એવું જ એ લોકોનું માનવું છે. બ્રહ્મની એક બાજુ વ્યાપ્તિ ને બીજી બાજુએ સમાપ્તિ; એક બાજુએ પરિણતિ ને બીજી બાજુએ પરિપૂર્ણતા; એક બાજુએ ભાવ ને બીજી બાજુ આવિષ્કાર : આ બંને સાથે સાથે રહ્યાં છે. ગીત અને ગીતના ગાનારની જેમ અવિચ્છિન્નપણે મળીને રહ્યાં છે એટલું તેઓ જોઈ શકતા નથી. એ તો જાણે ગાયકના અન્ત:કરણને અસ્વીકારીને ગીત બીજે ક્યાંય નથી, ગાવાની ક્રિયામાં જ છે એમ કહેવું એના જેવું થયું. એ ખરું કે આપણે તો ગીત ગવાતું જ જોઈએ છીએ. કોઈ પણ સમયે સમ્પૂર્ણ ગીતને એક સાથે જોતા નથી. પણ તેથી સમ્પૂર્ણ ગીત ચિત્તમાં રહ્યું છે એટલું શું આપણે જાણતા નથી એમ કહી શકાય? આવી રીતે માત્ર કર્યે જવું, ચાલ્યે રાખવું એ તરફ જ ચિત્તને ઝૂકી પડવા દેવાને પરિણામે પાશ્ચાત્ય જગતમાં આપણે એક પ્રકારની શક્તિની ઉન્મત્તતા જોઈએ છીએ. એઓ બધી જ વસ્તુને બળપૂર્વક ઝૂંટવી લેવાનું, વળગી પડવાનું પણ લઈને જાણે બેઠા છે. એઓ જીદ પકડીને બેઠા છે કે અમે તો બસ કર્યે જ જઈશું. અમારે ક્યાંય થોભવું નથી. જીવનમાં ક્યાંય એઓ મૃત્યુના સહજ સ્થાનને સ્વીકારવા ઇચ્છતા નથી. સમાપ્તિને તેઓ સુન્દરને રૂપે જોવાનું જાણતા જ નથી. આપણા દેશમાં જે આફત છે તે વળી એથી સાવ ઊલટા જ પ્રકારની છે. આપણે ચિત્તના અંદરના ભાગ તરફ જ ઝૂકી પડ્યા છીએ. શક્તિના ક્ષેત્રને, વ્યાપ્તિની દિશાને આપણે ગાળ દઈને ત્યજી દેવા ઇચ્છીએ છીએ. બ્રહ્મને કેવળ ધ્યાનમાં, પરિસમાપ્તિની દિશાએથી જ જોઈશું. વિશ્વવ્યાપારની નિત્ય પરિણતિની દિશાએથી નથી જ જોવું એવું આપણે લઈ બેઠા છીએ. તેથી જ આપણા દેશમાં સાધકોમાં આધ્યાત્મિક ઉન્મત્તતાની દુર્ગતિ ઘણુંખરું જોવામાં આવે છે. આપણી શ્રદ્ધા કશાય નિયમને સ્થાન આપતી નથી. આપણી કલ્પનાને ક્યાંય અન્તરાય નડતો નથી. આપણા આચારને કોઈ પણ પ્રકારના તર્ક આગળ જવાબ દેવા ઊભા રહેવું પડતું નથી. આપણું જ્ઞાન વિશ્વપદાર્થથી બ્રહ્મને અવિચ્છિન્નરૂપે જોવાનો વ્યર્થ પ્રયાસ કરતાં કરતાં સુકાઈને પથ્થર થઈ જાય. આપણું હૃદય કેવળ હૃદયાવેગમાં જ ભગવાનને અવરુદ્ધ કરીને ભોગવવાના પ્રયત્નોમાં રસોન્મત્તતાથી મૂચ્છિર્ત થઈને પડી રહે. શક્તિના ક્ષેત્રમાં આપણું જ્ઞાન વિશ્વનિયમ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવા ઇચ્છે નહીં. સ્થાણુ થઈને બેસી રહી કેવળ પોતાનું જ પોતે નિરીક્ષણ કરવા ઇચ્છે. આપણો હૃદયાવેગ વિશ્વસેવામાં ભગવત્પ્રેમને મૂર્ત કરવા ઇચ્છે નહિ. માત્ર અશ્રુજળ સારીને પોતાના આંગણામાં ધૂળમાં આળોટવા ઇચ્છે. આથી આપણા મનુષ્યત્વની કેટલી વિકૃતિ થાય ને એ કેટલું નિસ્સત્ત્વ રહે તેનો ક્યાસ કાઢી જોવાનું કશું સાધન પણ આપણે આપણી પાસે રાખીએ નહીં. આપણાં માપ ને ત્રાજવાં ચારે બાજુ સાથેનું સામંજસ્ય ખોઈ બેસે છે. એનાથી જ આપણે આપણાં ધર્મકર્મ, ઇતિહાસ પુરાણ સમાજ સંસ્કૃતિ : આ બધાંને માપીને નિશ્ચિન્ત થઈને બેસી રહીએ છીએ. બીજાં કોઈ માપની સહાયથી ચોકસાઈથી, કશી ત્રુટિ આવવા દીધા વિના સત્યનો નિર્ણય કરવાની કશી જરૂર જ આપણને દેખાતી નથી. પણ આધ્યાત્મિકતા અન્તરનો અને બહારનો યોગ થયો હોય તો જ અપ્રમત્ત રહી શકે. સત્યની એક બાજુએ નિયમ છે, બીજા બાજુએ આનન્દ છે. એની એક બાજુથી ધ્વનિત થાય છે: ભયાદસ્યાગ્નિસ્તપતિ એની બીજી બાજુથી ધ્વનિત થાય છે : આનન્દાત્ એવ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે| એક બાજુથી બન્ધનને સ્વીકાર્યા વિના મુક્તિને પામી શકાતી નથી. બ્રહ્મ એક બાજુ પોતાના સત્ય દ્વારા બદ્ધ છે, તો બીજી બાજુથી પોતાના આનન્દ દ્વારા મુક્ત છે. આપણે પણ સત્યના બન્ધનને જ્યાં સુધી પૂરેપૂરું ન સ્વીકારીએ ત્યાં સુધી મુક્તિના આનન્દને પણ પૂરેપૂરો માણી ન શકીએ. આ કોના જેવું? સિતારના તારના બન્ધનના જેવું. જે સિતારના તાર બરાબર સાચી રીતે બાંધી દેવામાં આવ્યા પછી એ બન્ધનને આપમેળે સ્વીકારી લે છે. તત્ત્વના નિયમમાં લેશ પણ સ્ખલન થવા દેતા નથી, તે તારમાંથી જ સંગીત રણકી ઊઠે છે, ને એ સંગીતના સૂર દ્વારા જ સિતારના તાર પોતાનામાંથી પોતાને મુક્ત કરે છે, મુક્તિ પામે છે. એક બાજુથી એ નિયમમાં અવિચલિત રીતે બંધાઈ ગયા હોવાથી જ બીજી બાજુથી એ સંગીતમાં ઉદાર ભાવે ઉન્મુક્ત થઈ શક્યા છે. જ્યાં સુધી એ તાર બરાબર સાચી રીતે બંધાયા હોતા નથી ત્યાં સુધી એમને માટે કેવળ બન્ધન જ રહે છે. બન્ધન સિવાય બીજું કશુંય રહેતું નથી. પણ તેથી કાંઈ એને છોડી નાખવા એનું નામ મુક્તિ એમ ન કહી શકાય. સાધનાના કઠિન નિયમે ધીમે ધીમે એને સાચી રીતે એક વાર બાંધી લીધા પછીથી જ એ બદ્ધ હોવા છતાં અને બદ્ધ હોવાથી જ પરિપૂર્ણ સાર્થકતામાં પોતાની મુક્તિ પામે છે. આપણા જીવનની વીણામાં પણ કર્મના પાતળા અને જાડા તાર જ્યાં સુધી એના સત્યના નિયમમાં ધ્રુવ રહીને ન બંધાઈ શક્યા હોય ત્યાં સુધી જ કેવળ બન્ધનમાં રહે છે. પણ તેથી કાંઈ એ તારને છોડી નાખી શૂન્યતામાં વ્યર્થતામાં નિષ્ક્રિયતાને પામવી એનું નામ મુક્તિલાભ એમ તો ન જ કહેવાય. તેથી જ મેં આગળ કહ્યું કે કર્મનો ત્યાગ નહીં પણ આપણા દરરોજના કર્મને જ ચિરદિનના કર્મના સૂરે ધીમે ધીમે બાંધી દેવાની સાધના જ સત્યની સાચી સાધના છે. ધર્મની સાચી સાધના છે. એ સાધનાનો જ આ મન્ત્ર છે: યદ્યત્ કર્મ પ્રકૃર્વીત તદ્બ્રહ્મણિ સમર્પયેત્| જે જે કર્મ કરો તે બ્રહ્મને સમર્પણ કરવાં, એટલે કે સમસ્ત કર્મ દ્વારા આત્માએ પોતાને બ્રહ્મને સમર્પી દેવો. અનન્તની પાસે આ પ્રકારનું નિત્ય નિવેદન તે જ આત્માનું ગીત, આત્માની મુક્તિ. જ્યારે બધાં જ કર્મો બ્રહ્મ સાથેના યોગના માર્ગે વળી ચૂક્યાં હોય, જ્યારે કર્મો કેવળ આપણી પોતાની પ્રવૃત્તિની આજુબાજુ આંટાફેરા ન કરતાં હોય. કર્મો દ્વારા પ્રતિદિન જ્યારે આપણું આત્મસમર્પણ જ થતું રહેતું હોય ત્યારે આનન્દની અવધિ રહે ખરી? એ જ પૂર્ણતા, એ જ મુક્તિ, એ જ સ્વર્ગ, ત્યારે આપણો આ સંસાર જ બની જાય આનન્દનિકેતન. કર્મમાં મનુષ્યની આ જે વિરાટ આત્માભિવ્યક્તિ, અનન્તની આગળનું એનું આ નિરન્તર આત્મનિવેદન તેની ઘરને ખૂણે બેસી રહીને અવજ્ઞા કરવાનું કોણ ઇચ્છે? બધાં માનવીઓએ ભેગાં મળીને તાપતડકો વેઠીને કાળે કાળે માનવમાહાત્મ્યના જે અભ્રભેદી મન્દિરની રચના કરી છે તેનાથી એ સુમહત્ સર્જનવ્યાપારથી દૂર ભાગી જઈને એકાન્તમાં બેસીને કેવળ પોતાના મનમાં અમુક ભાવનો સંભોગ કરવો એમાં જ શું મનુષ્યનું ભગવાન સાથેનું મિલન રહ્યું છે? એ સાધના જ શું ધર્મની ચરમ સાધના છે? અલ્યા ઉદાસીન, અલ્યા, પોતાની મત્તતામાં જ વિહ્વળ થઈને પડ્યા રહેનારા સંન્યાસી, ઇતિહાસના સુદૂરપ્રસારિત ક્ષેત્રે મનુષ્યત્વના પ્રશસ્ત રાજપથે માનવાત્મા ચાલી નીકળ્યો છે. મેઘમન્દ્રગર્જને પોતાના કર્મના વિજયરથે ચઢીને ચાલી નીકળ્યો છે. વિશ્વમાં પોતાના અધિકારને વિસ્તીર્ણ કરવાને ચાલી નીકળ્યો છે. એનું એ મેઘમન્દ્રગર્જન શું હજુય તું સાંભળી શકતો નથી? એની એ આકાશમાં ફરફરતી વિજયપતાકા આગળ પર્વતનો પ્રસ્તરરાશિ વિદીર્ણ થઈ જઈને રસ્તો કરી આપે છે; વનની ઘનછાયાયુક્ત જટિલ ઝાડી સૂર્યના પ્રકાશના આઘાતે અદૃશ્ય થઈ જતા ધુમ્મસની જેમ એની આગળ જોતજોતાંમાં ક્યાંની ક્યાં અન્તર્ધાન થઈ જાય છે; અસુખ અસ્વાસ્થ્ય અવ્યવસ્થા ડગલે ડગલે પાછળ હઠી જઈને પ્રતિદિન એને સ્થાન આપતાં જાય છે. અજ્ઞતાના અન્તરાયને એણે હરાવ્યો છે. અન્ધતાના અન્ધકારને એણે વિદીર્ણ કરી નાખ્યો છે. એની ચારે બાજુ જોતજોતાંમાં શ્રીસમ્પદ્ કાવ્યકળા જ્ઞાનધર્મનો આનન્દલોક પ્રકટ થતો જાય છે. વિશાળ ઇતિહાસના દુર્ગમ દુરત્યય માર્ગે માનવાત્માનો આ વિજયરથ અહોરાત્ર પૃથ્વીને ધણધણાવી મૂકતો દોડી રહ્યો છે. તું જડ બનીને આંખ મીંચીને શું એમ કહેવા ઇચ્છે છે કે એનો કોઈ સારથિ જ નથી? એને શું કોઈ જ મહત્ સાર્થકતાની ભણી દોરી લઈ જતું નથી? અહીં જ, આ મહત્ સુખદુ:ખ વિપદ્સમ્પદ્ના માર્ગે જ, શું રથીની સાથે સારથિનું સાચું મિલન થતું નથી? રથ ચાલે છે, શ્રાવણની અમાવાસ્યા જેવો દુર્યોગ પણ એ સારથિના અનિમેષ નેત્રને ઢાંકી દઈ શકતો નથી. મધ્યાહ્નના સૂર્યના પ્રખર પ્રકાશમાં પણ એની ધ્રુવદૃષ્ટિ પ્રતિહત થતી નથી. પ્રકાશમાં ને અન્ધકારમાં એ રથ દોડ્યે જ જાય છે. પ્રકાશમાં ને અન્ધકારમાં રથી સાથે એ સારથિનું મિલન થાય છે, ચાલતાં ચાલતાં મિલન, માર્ગે મિલન, રથમાં ચઢતાં મિલન, રથમાંથી ઊતરતાં મિલન, રથી સાથેનું સારથિનું એ મિલન, કોણ એ નિત્ય મિલનને નકારવા ઇચ્છે છે? કોણ એ જ્યાં ચલાવે છે ત્યાં ચાલવા નથી ઇચ્છતો? મનુષ્યના ઇતિહાસના ક્ષેત્રથી દૂર દૂર ભાગી જઈને નિષ્ક્રિય નિશ્ચેષ્ટ બનીને એકલો પડી રહી એને મળીશ એવું કોણ કહેવા ઇચ્છે છે? કોણ કહે છે કે આ બધું જ મિથ્યા, આ આવડો મોટો સંસાર, આ નિત્ય વિકાસશીલ માનવસંસ્કૃતિ, અંદરની અને બહારની બધી જ બાધાને ભેદી નાખીને પોતાની સર્વ પ્રકારની શક્તિને જયયુક્ત કરવાનો માનવીનો આ ચિરકાળથી ચાલ્યો આવતો પુરુષાર્થ, આ પરમ દુ:ખની અને પરમ સુખની સાધના: આ બધું જ મિથ્યા! જે આ સમસ્તને મિથ્યા કહે છે તેના ચિત્ત ઉપર મિથ્યાએ કેવું તો આક્રમણ કર્યું હોય છે! આટલા મોટા સંસારને આવડી મોટી પ્રતારણા માની બેસનાર શું સત્યસ્વરૂપ ઈશ્વરમાં સાચે જ શ્રદ્ધા રાખી શકતો હશે? ભાગી જવાથી એને પામી શકાય એમ માનનારો ક્યારેય ક્યાંય એને પામી શકવાનો હતો? ભાગી ભાગીને એ કેટલે દૂર જઈ શકવાનો છે? ભાગતાં ભાગતાં કેવળ શૂન્યમાં પહોંચી જવાનું એનાથી કદીય બની શકવાનું છે ખરું? એવું કદી બની નહિ શકે, એ તો ભીરુ છે, જે ભાગવા ઇચ્છે તે કદી એને પામે નહિ, સાહસ કરીને આપણે તો એમ જ કહેવાનું છે કે અમે એને પામ્યા છીએ, અહીં, આ ક્ષણે જ એને પામ્યા છીએ. ફરી ફરી આપણે તો કહેવાનું છે કે મારા પ્રત્યેક કર્મમાં જેમ હું મને પામું છું તેમ મારા પોતાનામાં જે પોતે રહ્યા છે તેને હું પામું છું. કર્મ આડે જે કાંઈ અન્તરાય, એમાં જે કાંઈ બસૂરું, જે કાંઈ જડતા, જે કાંઈ અવ્યવસ્થા તે સમસ્તને શક્તિ દ્વારા, સાધના દ્વારા દૂર કરી દઈને આ જ વાત અસંકોચે બોલવાનો અધિકાર આપણે પામવો પડશે કે કર્મમાં જ મારો આનન્દ રહ્યો છે, એ આનન્દમાં જ મારા આનન્દમય બિરાજે છે. ઉપનિષદ્માં બ્રહ્મવિદાંવરિષ્ઠ: બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ કોને કહ્યા છે? આત્મક્રીડ આત્મરતિ: ક્રિયાવાન્ એષ બ્રહ્મવિદાં વરિષ્ઠ: પરમાત્મામાં જેનો આનન્દ, પરમાત્મામાં જેની ક્રીડા અને જે ક્રિયાવાન તે જ બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ. આનન્દ હોય ને એ આનન્દની ક્રીડા ન હોય એવું કદી બની શકે જ નહીં. એ ક્રીડા નિષ્ક્રિય ન હોય. એ ક્રીડા તે જ કર્મ. બ્રહ્મમાં જેનો આનન્દ તે કર્મ વિના જીવી જ શી રીતે શકે? કારણ કે બ્રહ્મનો આનન્દ સાકાર થઈને બહાર પ્રકટ થઈ ઊઠે એવાં કર્મો તો એણે કરવાં જ પડે. તેથી જ જે બ્રહ્મવિત્ એટલે કે જ્ઞાનથી જેણે બ્રહ્મને જાણ્યું છે તે આત્મરતિ: પરમાત્મા જ તેનો આનન્દ અને તે આત્મક્રીડ:, એનું બધું કાર્ય થાય પરમાત્મામાં. એની ક્રીડા, એનાં સ્નાનાહાર, એની આજીવિકા-પ્રાપ્તિ, એનું પરહિતસાધન બધું જ પરમાત્મામાં એના વિહારરૂપ જ હોય. એ ક્રિયાવાન, બ્રહ્મનો જે આનન્દ ભોગવે તેને કર્મમાં પ્રકટ કર્યા વિના એનાથી રહી શકાય જ નહીં. કવિનો આનન્દ કાવ્યમાં, શિલ્પીનો આનન્દ શિલ્પમાં, વીરનો આનન્દ શક્તિની પ્રતિષ્ઠામાં, જ્ઞાનીનો આનન્દ તત્ત્વાવિષ્કારમાં જેવી રીતે પોતાને કેવળ કૃતિ દ્વારા જ પ્રકટ કરતો જાય છે તેવી જ રીતે બ્રહ્મવિદ્નો આનન્દ પણ નાનાંમોટાં બધાં જ કાર્યોમાં સત્ય દ્વારા, સૌન્દર્ય દ્વારા, શૃંખલા દ્વારા, મંગળ દ્વારા અસીમને જ પ્રકટ કરવાનો પ્રયત્ન કરે છે. બ્રહ્મ પણ પોતાના આનન્દને એવી જ રીતે પ્રકટ કરે છે. એ ‘બહુધા શક્તિયોગાત્ વર્ણાનનેકાન્નિહિતાર્થો દધાતિ’ એ પોતાની અનેકવિધ શક્તિના યોગે અનેક પ્રકારનાં અન્તનિર્હિત પ્રયોજનોને સિદ્ધ કરે છે. એ અન્તનિર્હિત પ્રયોજન તો એ પોતે જ, તેથી એ પોતાનું અનેકવિધ શક્તિથી અનેક આકારે દાન કરે છે. એ કાર્ય કરે છે, હા, એ પણ કાર્ય કરે છે. જો એમ ન હોત તો એ પોતાનું દાન પણ શી રીતે દઈ શકત? એનો આનન્દ કેવળ પોતાનો ઉત્સર્ગ કરે છે, એ જ તો એનું સર્જન છે. આપણી સાર્થકતા પણ એમાં જ રહી છે, અહીં જ બ્રહ્મ સાથે આપણો મેળ છે. બહુધા શક્તિયોગે આપણે પણ કેવળ દાન કરવાનું છે. વેદમાં એને આત્મદા બલદા કહ્યું છે, એ કેવળ પોતાને દે છે એટલું જ નહિ, આપણે પણ એની જેમ આપણને દઈ શકીએ એવું બળ પણ એ આપણને આપે છે. તેથી અનેકવિધ શકિતના યોગે જે આપણાં પ્રયોજનોને સિદ્ધ કરે છે તેની આગળ જ ઋષિએ પ્રાર્થના કરી છે: સ નો બુદ્ધયા શુભયા સંયુનક્તુ એ આપણા સૌથી મોટા પ્રયોજનને સિદ્ધ કરે, આપણી સાથે શુભ દૃષ્ટિનો યોગ સ્થાપી આપે. એના શક્તિયોગે એ કેવળ પોતે કર્મ કરીને આપણા અભાવનું મોચન કરે એટલા માત્રથી જ ચાલવાનું નથી, અમને પણ શુભ બુદ્ધિ મળો કે જેથી અમે પણ એની સાથે મળીને કામ કરવા કટિબદ્ધ થઈએ. આમ બને તો જ એની સાથેનો આપણો યોગ સમ્પૂર્ણ થાય. સૌ કોઈના સ્વાર્થને આપણા જ નિહિતાર્થ તરીકે જાણવા, સૌ કોઈના કર્મને અર્થે આપણી બહુધા શક્તિને પ્રયોજવામાં આનન્દ માણવો એનું નામ જ શુભ બુદ્ધિ. આવી શુભ બુદ્ધિથી આપણે જ્યારે કામ કરીએ ત્યારે આપણાં કર્મ નિયમબદ્ધ હોવા છતાં યન્ત્રચાલિત કર્મ બની રહેતાં નથી. આત્માને તૃપ્ત કરનાર કર્મ હોવા છતાં કેવળ અભાવના માર્યા કરાયેલાં કર્મ બની રહેતાં નથી. ત્યારે, જેમ આપણે જોઈએ છીએ કે વિચૈતિ ચાન્તે વિશ્વમાદૌ, વિશ્વના સમસ્ત કર્મનો એનામાં જ આરમ્ભ થાય છે અને એનામાં લય પામીને જ એ સમાપ્ત થાય છે. તેવી જ રીતે એ પણ જોઈ શકીશું કે આપણા સમસ્ત કર્મના આરમ્ભમાં એ છે તેમ જ પરિણામમાં પણ એ છે, તેથી આપણાં સકળ કર્મો શાન્તિમય કલ્યાણમય આનન્દમય છે. ઉપનિષદ કહે છે સ્વાભાવિકી જ્ઞાનબલક્રિયા ચ એનાં જ્ઞાન, શક્તિ અને કર્મ સ્વાભાવિક છે. એની પરમા શકિત પોતાના સ્વભાવાનુસાર જ કાર્ય કરે છે. આનન્દ જ એનું કાર્ય, કાર્ય જ એનો આનન્દ, બ્રહ્માણ્ડની અસંખ્ય ક્રિયામાં જ એના આનન્દની ગતિ. પણ એ સ્વાભાવિકતા આપણામાં ઉદ્ભવી નથી હોતી તેથી જ કાર્યને ને આનન્દને આપણે વિખૂટાં પાડી બેસીએ છીએ. કાર્યનો દિવસ આપણે મન આનન્દનો દિવસ નથી, જે દિવસે આનન્દ કરવા ઇચ્છીએ તે દિવસે આપણને રજા લેવી પડે. આપણે એવા હતભાગી કે કાર્યમાં જ આપણે મુક્તિ પામીએ નહીં. પ્રવાહિત થવાની ક્રિયામાં જ નદી મુક્તિ પામે, શિખા રૂપે પ્રજ્વલિત થઈ ઊઠવામાં જ અગ્નિ મુક્તિ પામે. પવનમાં વિખેરાઈને વ્યાપી જવામાં જ ફૂલની સુવાસ મુક્તિ પામે. આપણાં સમસ્ત કર્મમાં આપણે એ રીતે મુક્તિ પામતાં નથી. કર્મ દ્વારા આપણે આપણને મુક્ત કરી દેતા નથી. આપણું દાન કરી દેતા નથી. તેથી જ કર્મ આપણને કચડી નાખે છે. પણ હે આત્મદા, વિશ્વના કર્મમાં તારી આનન્દમૂર્તિને પ્રત્યક્ષ કરીને કર્મ દ્વારા અમારો આત્મા અગ્નિની જેમ તારા ભણી જ પ્રજ્વલિત થઈ ઊઠો, નદીની જેમ તારી અભિમુખ થઈને જ વહી રહો. ફૂલની સુવાસની જેમ તારામાં જ વ્યાપી રહો. જીવનને એનાં સમસ્ત સુખદુ:ખ, સમસ્ત ક્ષય-પુષ્ટિ, સમસ્ત ઉત્થાનપતન સહિત સ્વીકારીને પરિપૂર્ણ કરીને ચાહી શકું એવું વીર્ય તું અમને આપ. તારાં આ વિશ્વને પૂર્ણ શક્તિથી જોઉં, પૂર્ણ શક્તિથી સાંભળું, પૂર્ણ શક્તિથી અહીં કાર્ય કરું. જીવનમાં સુખ નથી એમ કહીને, હે જીવિતેશ્વર, તને દોષ ન દઉં, જે જીવન તેં મને દીધું છે તે જીવનને પરિપૂર્ણ કરીને જ હું જીવું. વીરની જેમ હું એને ગ્રહણ કરી શકું ને દાન કરી શકું એટલું જ તારી આગળ પ્રાર્થું છું. જે કલ્પના સમસ્ત કર્મથી વિયુક્ત એવા એક આધારહીન આકારહીન અવાસ્તવિક પદાર્થને બ્રહ્માનન્દ કહીને ઓળખાવે છે તે દુર્બળ ચિત્તની કલ્પનાને સમૂળગી દૂર કરી દઉં. કર્મક્ષેત્રમાં મધ્યાહ્નના સૂર્યના પ્રકાશમાં તારા આનન્દસ્વરૂપને પ્રકાશતંુ જોઈને હાટે ઘાટે ખેતરમાં ને બજારમાં સર્વત્ર તારો જયધ્વનિ કરી શકું; કઠોર પરિશ્રમે કઠિન માટી ભાંગીને જ્યાં ખેડૂત ખેડતો હોય છે ત્યાં તારો આનન્દ શ્યામલ શસ્યે ઉચ્છ્વસિત થઈ ઊઠે છે, જ્યાં મનુષ્ય કાદવિયા જમીન અને જંગલને, ખાડાટેકરાને સરખા કરીને પોતાના વસવાટને યોગ્ય બનાવે છે ત્યાં એ નિપુણતામાં થઈને તારો આનન્દ જ પ્રકટ થઈ રહે છે; જ્યાં સ્વદેશનો અભાવ દૂર કરવાને માટે મનુષ્ય અશ્રાન્ત કર્મ દ્વારા પોતાનું અજ દાન કરે છે ત્યાં શ્રીસમ્પદે તારો જ આનન્દ વિસ્તીર્ણ થઈને રહ્યો છે. જ્યાં મનુષ્યના જીવનનો આનન્દ, ચિત્તનો આનન્દ માત્ર કર્મનું રૂપ ધારણ કરવા મથે છે, ત્યાં એ મહત્ છે, પ્રભુ છે, ત્યાં એ દુ:ખકષ્ટના ભયથી દુર્બળ ક્રન્દનના સૂરે પોતાના અસ્તિત્વને અભિશાપ દેતો નથી. જ્યાં જીવનમાં મનુષ્યને આનન્દ મળતો નથી, કર્મમાં મનુષ્યની આસ્થા હોતી નથી ત્યાં જ તારું સર્જન બાધા પામીને પ્રતિહત થાય છે. ત્યાં જ નિખિલનું પ્રવેશદ્વાર સાંકડું થઈ જાય છે, જે કાંઈ સંકોચ, જે કાંઈ અન્ધ સંસ્કાર, જે કાંઈ અમૂલક વિભીષિકા, જે કાંઈ આધિવ્યાધિ અને પરસ્પરવિચ્છિન્નતા તે બધાં ત્યાં જ રહ્યાં હોય છે. હે વિશ્વકર્મન્, આજે અમે તારા સંહાિસન સમ્મુખ ઊભા રહીને આટલું જ જણાવવા આવ્યા છીએ જે અમારો આ સંસાર આનન્દનો સંસાર છે. અમારું આ જીવન આનન્દનું જીવન છે. તારા આ જગતમાં તારી આ અનેકવિધ શક્તિના અસીમ લીલાક્ષેત્રમાં ક્ષુધાતૃષ્ણાના આઘાતથી તેં અમને જાગ્રત રાખ્યા એ તો ઠીક જ થયું. દુ:ખ દઈને તેં અમારું સન્માન કર્યું એય ઠીક જ થયું. સમસ્ત સંસારમાં અસંખ્ય જીવના ચિત્તમાં દુ:ખતાપના દાહે કે અગ્નિમયી પરમા સૃષ્ટિ ચાલી રહી છે તેની સાથે અમને યુક્ત કરીને ગૌરવાન્વિત કર્યાં એય સારું જ થયું. એની સાથે જ પ્રાર્થના કરવા આવ્યો છું જે આજે તારી વિશ્વશક્તિનો પ્રબળ વેગ વસન્તના ઉદ્દામ દક્ષિણાનિલની જેમ ભલે વહી આવો. માનવના વિશાળ ઇતિહાસના મહાક્ષેત્ર પર થઈને ભલે ધસી આવો, એનાં અનેકવિધ ફૂલની સુવાસ, અનેક વનના મર્મરધ્વનિને ભલે અહીં વહી લાવો, આપણા દેશના આ શબ્દહીન પ્રાણહીન શુષ્કપ્રાય ચિત્તઅરણ્યના સમસ્ત શાખાપુષ્પવનને ભલે મુખરિત કરી દો, આપણા અન્તરની નિદ્રોત્થિત શક્તિ ભલે ફૂલે ફળે કિસલયે અપર્યાપ્તરૂપે સાર્થક થવાને માટે ભલે ક્રન્દી રહો. અમારા દેશની બ્રહ્મોપાસના જોતજોતાંમાં શતસહ કર્મ દ્વારા આકાર ધારણ કરીને તારી અસીમતા ભણી અભિમુખ થઈને હાથ ઊંચા કરી એક વાર દિશાએ દિશાને ઘોષણાથી ગજાવી મૂકો. મોહના આવરણને અળગું કરો. ઉદાસીનતાની નિદ્રાને દૂર કરી દો, હમણાં આ ઘડીએ જ અનન્ત દેશે કાળે દોડ્યે જતા, ઘૂમરી ખાતા ચિરચાંચલ્યમાં તારા નિત્યવિલસિત આનન્દરૂપને અમે જોઈ લઈએ. ત્યાર પછી સમસ્ત જીવન દઈને તને પ્રણામ કરી સંસારમાં માનવાત્માના સર્જનક્ષેત્રમાં પ્રવેશ કરીએ. ત્યાંથી અનેક બાજુથી અનેક પ્રકારના અભાવને ટાળવાની પ્રાર્થના, દુ:ખનું ક્રન્દન, મિલનની આકાંક્ષા અને સૌન્દર્યનું નિમન્ત્રણ અમને આહ્વાન દઈ રહ્યાં છે. ત્યાં અમારી નાનાભિમુખી શક્તિની એક માત્ર સાર્થકતા કેટલાય સમયથી પ્રતીક્ષા કરતી બેઠી છે. ત્યાં વિશ્વમાનવના મહાયજ્ઞમાં આનન્દના હોમહુતાશને અમારાં જીવનનાં સમસ્ત સુખદુ:ખ લાભક્ષતિ ને પુણ્ય આહુતિની જેમ સમર્પી દેવાને માટે અમારા અન્તરમાં રહેલી કોઈક તપસ્વિની મહાભિનિષ્ક્રમણનું દ્વાર શોધી રહી છે. (પંચામૃત)