રવીન્દ્રપર્વ/૧૮૫. નામકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૫. નામકરણ

આ આનન્દરૂપિણી કન્યાએ એક દિવસ કોણ જાણે, ક્યાંથી આવી ચઢીને માતાના ખોળામાં બેસીને એની આંખો ખોલી, ત્યારે એને અંગે વસ્ત્ર નહોતું, શરીરમાં બળ નહોતું, હોઠે શબ્દ નહોતો, ને છતાં પૃથ્વી પર પગ મૂકતાંની સાથે જ એક પળમાં સમસ્ત વિશ્વબ્રહ્માણ્ડ પરનો પોતાનો પ્રબળ અધિકાર એણે જાહેર કરી દીધો. એણે કહી દીધું: આ જળ મારું, આ ભૂમિ મારી, આ ચાંદોસૂરજ ને ગ્રહતારકો પણ મારા. આટલા મોટા ચરાચર જગતમાં આટલી નાનકડી માનવક્ન્યા હજુ તો હમણાં જ આવી છે, તેમ છતાં એને કશી દ્વિધા કે સંકોચ નથી. આ જગતના પર તો એને જાણે સદાનો અધિકાર છે, જગત સાથે એનો તો જાણે સદાનો પરિચય છે. મોટા માણસો પાસેથી સારા સારા પરિચયપત્ર એકઠા કરીને જો લાવી શકીએ તો નવી જગાના રાજપ્રાસાદે આદર-અભ્યર્થના પામવાનો માર્ગ નિવિર્ઘ્ન બની જાય. આ કન્યા પણ જ્યારે પૃથ્વી પર પ્રથમ આવી ત્યારે એની નાનકડી મૂઠીમાં એક અદૃશ્ય પરિચયપત્ર લઈને આવી હતી. જે સૌથી મોટા છે તેમણે જ પોતાના નામની સહીવાળી એક ચિઠ્ઠી એના હાથમાં મૂકી દીધી હતી; એમાં લખ્યું હતું: ‘આ વ્યકિતની સાથેનો મારો પરિચય ગાઢ છે, એનો આદરસત્કાર કરશો તો મને આનન્દ થશે.’ આમ હોય પછી કોની હિમ્મત છે કે એને આવતાં રોકે? આખી પૃથ્વી તરત જ બોલી ઊઠી : ‘આવ, હું તને છાતીસરસી ચાંપીને રાખીશ.’ દૂરદૂરના આકાશના તારાઓએ સુધ્ધાં હસીને એને સત્કારતાં ક્હ્યું: ‘તું અમારામાંની જ એક છે.’ વર્ષાના મેઘે કહ્યું: ‘તારે માટેના અભિષેકનું જળ મેં નિર્મળ કરી રાખ્યું છે.’ આમ જીવનના આરમ્ભથી જ પ્રકૃતિના વિશ્વદરબારનો દરવાજો એને માટે ખૂલી ગયો છે. માબાપના વાત્સલ્યને પણ પ્રકૃતિએ તૈયાર કરી રાખ્યું છે. શિશુના ક્રન્દને પોતાની ઘોષણા કરી કે તરત જ, તે જ ક્ષણે, જળસ્થળ આકાશમાંથી માતાપિતાના પ્રાણે પ્રત્યુત્તર દીધો; શિશુને એની રાહ જોેવી પડી નહીં. પણ હજુય એનો એક જન્મ બાકી છે, હવે એને માનવસમાજમાં જન્મ લેવાનો છે. નામકરણનો દિવસ તે જ એ જન્મનો દિવસ, એક દિવસ રૂપનો દેહ ધારણ કરીને આ કન્યા પ્રકૃતિના ક્ષેત્રે આવી હતી, આજે નામનો દેહ ધારણ કરીને આ કન્યા સમાજને ક્ષેત્રે પ્રથમ પગલું માંડે છે. જન્મતાંની સાથે જ પિતામાતાએ આ શિશુનો સ્વીકાર કર્યો હતો, પણ એ જો કેવળ પિતામાતાનું જ હોત તો એને નામની કશી જરૂર ન રહેત, તો એને નિત્ય નવે નવે નામે બોલાવવાથી કોઈનું કશું જાત નહીં. પણ આ કન્યા કાંઈ કેવળ એના માતાપિતાની નથી, એ તો સમસ્ત માનવસમાજની છે, સમસ્ત મનુષ્યનાં જ્ઞાન, પ્રેમ, કર્મનો વિપુલ ભંડાર એને માટે હાજર છે, તેથી જ માનવસમાજ એને એક નામદેહ દઈને પોતાની કરી લેવા ઇચ્છે છે. મનુષ્યનું જે શ્રેષ્ઠ ને મંગળ રૂપ છે તે આ નામદેહ દ્વારા જ પોતાને સૂચવે છે. આ નામકરણની પાછળ સમસ્ત માનવસમાજની એક આશા રહી છે. એક આશીર્વાદ રહ્યો છે: આ નામ નષ્ટ ના થાઓ, મ્લાન ના થાઓ, આ નામ ધન્ય થાઓ, આ નામ માધુર્ય અને પાવિત્ર્યથી મનુષ્યના હૃદયમાં અમરતા પામી રહો. જ્યારે એનો રૂપનો દેહ એક દિવસ વિદાય લે ત્યારેય એનો નામનો દેહ માનવસમાજના મર્મસ્થાને ઉજ્જ્વળ બનીને વિરાજી રહો. આપણે બધાંએ મળીને આજે કન્યાનું નામ પાડયું છે અમિતા, અમિતા એટલે જેને સીમા નથી તે. આ નામ કાંઈ અર્થ વગરનું નથી. આપણે જ્યાં મનુષ્યની સીમાને જોઈએ છીએ ત્યાં એની સીમા હોતી નથી. આ કલભાષિણી કન્યાને ખબર નથી કે આપણે એને લઈને આટલો આનન્દ કરીએ છીએ, એને ખબર નથી કે બહાર શું થઈ રહ્યું છે, એના પોતાનામાં શું છે તેનીય એને ખબર નથી. આ અપરિસ્ફુટતામાં તો એની સીમા નથી. આ કન્યા એક દિવસ જ્યારે રમણીરૂપે વિકસિત થઈ ઊઠશે ત્યારેય શું એના ચરમને એ પામશે? ત્યારેય આ કન્યા પોતાને જેટલે અંશે જાણશે તેનાથી વિશેષ શું નહીં હશે? મનુષ્યની અંદર આ જે એક પ્રકારની અપરિમેયતા રહી છે, જે એની સીમાને સદા અતિક્રમી જાય છે તેમાં જ એનો શ્રેષ્ઠ પરિચય શું નથી પ્રાપ્ત થતો? માણસને જે દિવસે પોતાનામાં આ સાચો પરિચય પ્રાપ્ત થશે તે દિવસે એ ક્ષુદ્રતાની જાળને છેદવાની શક્તિ પામશે, તે દિવસે એ ચિરન્તન મંગલને જ પોતાનું ગણીને વરી લેશે. જે મહાપુરુષોએ મનુષ્યને સાચી રીતે ઓળખ્યો છે તેઓએ તો આપણને મર્ત્ય ગણ્યા નથી, તેઓએ આપણને સમ્બોધીને ક્હ્યું છે કે તમે તો છો ‘અમૃતસ્ય પુત્રા:’. આપણે અમિતા નામથી એ અમૃતની પુત્રીને જ આપણા સમાજમાં આવકારી છે. એ નામ જ એને એના માનવસમાજના મહત્ત્વનું સદાકાળ સ્મરણ કરાવી રહો એવો આપણે એને આશીર્વાદ આપીએ. આપણા દેશમાં નામકરણની સાથે એક બીજો પણ સંસ્કાર રહેલો છે. એ સંસ્કાર છે અન્નપ્રાશનનો. એ બે સંસ્કારની વચ્ચે સમ્બન્ધ રહ્યો છે. શિશુ જ્યાં સુધી માત્ર માતાના ખોળામાં જ હતું ત્યાં સુધી એનું અન્ન હતું માતૃસ્તન્ય. એ અન્ન કોઈને તૈયાર કરીને આપવું પડતું નહીં — એ કેવળ શિશુને જ માટે, એમાં બીજા કોઈનો ભાગ નહીં. આજે એ નામદેહ ધારણ કરીને મનુષ્યસમાજમાં આવ્યું છે તેથી આજે એના મુખમાં માનવસાધારણને માટેના અન્નનો કણ મૂકવામાં આવ્યો છે. આખીય પૃથ્વીમાં મનુષ્યમાત્રની થાળીમાં જે અન્ન પીરસાઈ રહ્યું છે તેનો જ પ્રથમ અંશ આ કન્યાને આજે પ્રાપ્ત થયો છે. એ અન્ન આખા સમાજે મળીને તૈયાર કર્યું છે — કોઈક દેશના કોઈક ખેડૂતે ટાઢતડકો માથે ઝીલીને ખેતી કરી, કોઈક મજૂર એ અનાજનો ભાર વહી લાવ્યો, કોઈ વેપારીએ એ અનાજને બજારમાં આણ્યું, બીજા કોઈકે એને ખરીદ્યુંં, કોઈકે એને રાંધ્યું ત્યારે એ આ કન્યાના મુખમાં આવ્યું. આ કન્યા આજે માનવસમાજનું પ્રથમ વાર આતિથ્ય ગ્રહણ કરવા આપી છે, તેથી જ સમાજે એના અન્નને કન્યાના મુખમાં મૂકીને એનો અતિથિસત્કાર કર્યો. એ અન્ન એના મુખમાં મૂકવાની પાછળ એક મોટી વસ્તુ રહેલી છે. મનુષ્યે એ ક્રિયા દ્વારા જ જણાવ્યું કે અમારું જે કાંઈ છે તેમાં તારો ભાગ અમે સ્વીકારીએ છીએ. અમારા જ્ઞાનીઓએ જે કાંઈ જાણ્યું છે તે તુંય જાણશે, અમારા મહાપુરુષોએ જે તપસ્યા કરી છે તેનું ફળ તું પણ પામશે, અમારા વીરોએ પ્રાણ દીધા છે તેથી તારું જીવન પણ પૂર્ણ થઈ ઊઠશે, અમારા કર્મીઓએ જે માર્ગ રચ્યો છે તેનાથી તારી જીવનયાત્રા પણ નિવિર્ઘ્ન બની રહેશે. આ શિશુએ કશુંય ભણ્યા વિના આજે એક મોટો અધિકાર પ્રાપ્ત કર્યો છે — આજનો આ શુભ દિન એના સમસ્ત જીવનમાં સદા સાર્થક થઈ રહો. મનુષ્યનું જન્મક્ષેત્ર માત્ર એક જ નથી એ આજે આપણને સમજાય છે. એ કેવળ પ્રકૃતિનું ક્ષેત્ર નથી, એ મંગલનું ક્ષેત્ર પણ છે. એ કેવળ જીવલોક નથી, એ સ્નેહલોક છે, આનન્દલોક છે. પ્રકૃતિનું ક્ષેત્ર આંખે જોઈ શકીએ છીએ, એનાં જલસ્થલ, ફળ-ફૂલ બધું જ પ્રત્યક્ષ છે, છતાં એ જ મનુષ્યને માટે સૌથી સાચો આશ્રય નથી. જે જ્ઞાન, જે પ્રેમ, જે કલ્યાણ અદૃશ્ય રહીને પોતાની વિપુલ સૃષ્ટિને વિસ્તારી રહે છે તે જ્ઞાન, પ્રેમ અને કલ્યાણનું ચિન્મય આનન્દમય જગત જ મનુષ્યનું સાચું જગત છે. એ જગતમાં જ મનુષ્ય સાચો જન્મ પામે છે. તેથી જ એ એક આશ્ચર્યપૂર્ણ સત્તાને પોતાના પિતા તરીકે અનુભવે છે: એ સત્તા અનિર્વચનીય છે. મનુષ્ય એવા એક સત્યને પરમ સત્ય ગણે છે જેનો વિચાર કરતાં મન પાછું પડે છે. તેથી જ આ શિશુના જન્મદિને મનુષ્ય જલસ્થલ અગ્નિવાયુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરતો નથી, જલસ્થલ અગ્નિવાયુના અન્તરમાં શકિત રૂપે જે અદૃશ્ય રહીને વિરાજે છે તેને એ પ્રણામ કરે છે. તેથી જ આજે, આ શિશુના નામકરણના દિવસે, મનુષ્ય માનવસમાજને અર્ઘ્ય અર્પીને એની પૂજા કરતો નથી, પણ જે માનવસમાજના અન્તરમાં પ્રીતિરૂપે, ક્લ્યાણરૂપે અધિષ્ઠિત થઈને રહ્યા છે તેના જ આશીર્વાદને પ્રાર્થે છે. મનુષ્યની આ ઉપલબ્ધિ ને આ પૂજા, મનુષ્યનો અધ્યાત્મલોકમાં થતો આ જન્મ ને મનુષ્યનંુ આ દૃશ્ય જગતની પાછળ રહેલું અદૃશ્ય નિકેતન ખરે જ અદ્ભુત છે. મનુષ્યની ક્ષુધાતૃષ્ણામાં કશું આશ્ચર્ય નથી, મનુષ્ય ધનમાનને માટે પડાપડી કરે છે એમાંય કાંઈ નવાઈ પમાડે એવું નથી, પણ તેનાથી તે મૃત્યુ સુધી જીવનના પર્વે પર્વે મનુષ્ય એ અદૃશ્યને પૂજ્ય કહીને પ્રણામ કરે છે, અનન્તને પોતાનું ગણીને આવકારે છે એ ખરે જ આશ્ચર્યકર છે. આજે આ શિશુનું નામ પાડતી વેળાએ મનુષ્ય બધાં નામસ્વરૂપના આધાર અને બધાં નામરૂપથી અતીત રહેલા તત્ત્વને પોતાના ઘરના કાર્યમાં આવી રીતે નિમન્ત્રણ આપી શક્યો એથી જ મનુષ્ય સમસ્ત જીવસમાજમાં કૃતાર્થ થયો, — ધન્ય થઈ આ કન્યા, ને ધન્ય થયાં આપણે સહુ. (સંચય)