રવીન્દ્રપર્વ/૧૮૪. વર્ષશેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૪. વર્ષશેષ

આજના વર્ષશેષના દિવસને અન્તે આ જે ઉપાસના, એમાં તમે સૌ સમ્પૂર્ણ ચિત્તે સાથ દઈ શકશો ને? તમારામાંનાં ઘણાં બાળક છો. તમે જીવનના આરમ્ભમુખે જ રહ્યા છો. એ શેષ એટલે શું એ તમે હજુ બરાબર સમજી શકો એમ નથી; વરસ પછી વરસ આવીને તમને પૂર્ણ કરે છે અને અમારા જીવનમાં દરેક વરસ નવેસરથી અમને ક્ષીણ કરવાનું જ કામ કરે છે. તમે આ જીવનના ક્ષેત્રમાં વાસ કરો છો તે બદલનું ભાડું ચૂકવી દેવાનો તમારો સમય હજુ આવ્યો નથી, તમે કેવળ લો છો અને ખાઓ છો. અને અમે અત્યાર સુધી જે જીવનને ભોગવતા આવ્યા છીએ તેનું પૂરું ભાડું ચૂકવી દેવાની અમારી ઉમ્મર થઈ છે. વરસે વરસે અમે કંઈક ને કંઈક કરીને અમારું દેવું ચૂકવતા રહીએ છીએ; ઘરમાં સંચય કરીને બેઠા હતા, મનમાં હતું કે એમાંથી કદીય કશું ખરચવું નહીં પડે. પણ એ સંચય પર જ હવે તરાપ પડી છે; આજ કંઈક જાય છે, કાલ કંઈક જાય છે, આખરે એક દિવસ આ પાથિર્વ જીવનનું પૂરું ઋણ ચૂકવીને ખાતાવહી બંધ કરી દઈને વદાય લેવાની રહેશે. તમે પૂર્વાંચલના યાત્રી, સૂર્યોદયની દિશા ભણી જ તમારું મુખ, તે દિશાએથી તમને જે તમારા અભ્યુદયને પથે બોલાવી રહ્યા છે તેને તમે પૂર્વમુખ થઈને જ પ્રણામ કરો. અમે પશ્ચિમ-અસ્તાચલની દિશાએ હાથ જોડીને ઉપાસના કરીએ, અમારું આહ્વાન એ તરફથી આવે છે, એ આહ્વાન પણ સુન્દર સુગમ્ભીર અને શાન્તિમય આનન્દરસે પરિપૂર્ણ. પણ આ પૂર્વ પશ્ચિમ વચ્ચે ક્યાંય કશું વ્યવધાન નથી. આજે જ્યાં વર્ષશેષ, કાલે જ ત્યાં વર્ષારમ્ભ. એક જ પાના પર આ પૃષ્ઠે સમાપ્તિ ને બીજા પૃષ્ઠે સમારમ્ભ. કોઈ કોઈનો પરિત્યાગ કરીને રહી શકે નહીં. પૂર્વ અને પશ્ચિમ એક અખણ્ડ મણ્ડલમાં પરિપૂર્ણ થઈને રહ્યાં છે, એમની વચ્ચે કશો ભેદ નથી, વિવાદ નથી. એક બાજુથી જે શિશુના તે જ બીજી બાજુથી વૃદ્ધોના, એક બાજુથી એઓ એમનાં અનેકવિધ રૂપની દિશાએથી આપણને આશીર્વાદ દઈને અહીં મોકલી દે છે ને બીજી બાજુથી એઓ એમના એક સ્વરૂપની ભણંી આપણને આશીર્વાદ દઈને પાછા ખેંચી લે છે. આજે પૂણિર્માની રાત્રિએ વરસનો છેલ્લો દિવસ પૂરો થાય છે. કોઈ પણ શેષ શૂન્યતામાં શેષ થતો નથી, છન્દની યતિમાંય છન્દનું સૌન્દર્ય જ પૂર્ણ થઈને પ્રકટ થાય, વિરામ કેવળ કર્મનો અભાવ નહીં. કર્મ વિરામમાં જ પોતાની મધુર અને ગભીર સાર્થકતાને જોઈ શકે એ વાત આજે આ ચૈત્રપૂણિર્માની જ્યોત્સ્નામાં જાણે મૂર્તિમાન થઈને પ્રકટ થઈ ઊઠી છે. સ્પષ્ટ જ જોઈ શકું છું કે જગતમાં જે કાંઈ ચાલ્યું જાય છે, જે કાંઈ ક્ષય થાય છે તેની દ્વારા એ અક્ષય પૂર્ણતા જ પ્રકટ થતી હોય છે. આપણા જીવન ભણી જોઈશું તો પણ એવું જ જણાશે. મેં હમણાં જ કહ્યું કે તમારી વયે તમે જેમ દરરોજ નવું નવું પામતા જાઓ છો તેમ અમારી વયે અમે કેવળ દેતા જ જઈએ છીએ. અમારું બધું ચાલ્યું જ જાય છે. આ વાત જો સમ્પૂર્ણ સત્ય હોત તો અમે શા સારું અહીં ઉપાસના કરવા આવ્યા છીએ, કઈ ભયંકર શૂન્યતાને આજે પ્રણામ કરવા બેઠા છીએ? એવું હોત તો તો વિષાદને કારણે અમારે મોઢેથી એક અક્ષર સરખો ન નીકળી શક્યો હોત, ભયથી અમે મરી જ પરવાર્યા હોત. પણ સ્પષ્ટ જ જોઈ શકું છું કે જીવનમાંથી જે કાંઈ ચાલ્યું જાય છે તે આખરે બધું એક પ્રાપ્તિમાં પાછું આવી મળે છે. જ્યાં બધાંનો અન્ત આવી જતો દેખાય છે ત્યાંથી અનન્તનો આવિર્ભાવ થાય છે. આ જ એક મોટી આશ્ચર્યપૂર્ણ પ્રાપ્તિ. દરરોજ નવી નવી પ્રાપ્તિમાં જે પામીએ તેમાં પરિપૂર્ણ પ્રાપ્તિનું રૂપ દેખાય નહીં. તેથી પ્રત્યેક પ્રાપ્તિમાં ‘પામ્યો નહીં, પામ્યો નહીં’ એવું ક્રન્દન રહી જાય છે, અન્તરનું એ ક્રન્દન આપણે બધી વખત સાંભળી શકતા નથી, કારણ કે આશા ત્યારે આપણને ખેંચીને દોડાવી લઈ જતી હોય છે. કોઈ એક સ્થળે ક્ષણેક થોભી જઈને આ અપ્રાપ્તિના ક્રન્દનને એ કાન માંડીને સાંભળવા દેતી નથી. પણ ધીમે ધીમે કરતાં ખાલી થતો થતો અન્તરાત્મા જે પ્રાપ્તિમાં આવી પહોંચે તે કેવી ગભીર પ્રાપ્તિ, કેવી વિરાટ પ્રાપ્તિ! એ પ્રાપ્તિનો યથાર્થ સ્વાદ પામવા માત્રથી મૃત્યુભય ચાલ્યો જાય, પછી એ ભય રહે નહીં. જે જે કાંઈ ચાલ્યું જાય છે તેથી આત્માની કેવળ ક્ષતિ જ થાય છે. બધી ક્ષતિને અન્તે જે અક્ષયને જોઈ શકાય તેને પામવા તે જ આપણી સાચી પ્રાપ્તિ. નદી પોતાના પ્રવાહને માર્ગે બન્ને કાંઠે દિવસરાત નવાં નવાં ક્ષેત્રોને પામતી પામતી વહેતી જાય છે, સમુદ્રને એ જઈ મળે ત્યાર પછી કશું નવું નવું પામે નહીં ત્યારે એનો આપવાનો વારો આવે. ત્યારે એ પોતાને નિ:શેષ કરી દઈને જ રહી શકે. પણ પોતાનાં સમસ્તને દેતાં દેતાં એ જે અન્તહીન પ્રાપ્તિ મેળવે તે જ પરિપૂર્ણ પ્રાપ્તિ. ત્યારે એ જુએ કે પોતાને દરરોજ ખાલી કરી દેવા છતાં એને કશું નુકસાન થયું નથી. વસ્તુત: પોતાનો ક્ષય કર્યે જવો એ જ અક્ષયને સત્ય રૂપે જાણવાનો મુખ્ય ઉપાય છે. જ્યારે આપણી પાસે અનેક વસ્તુઓ હોય ત્યારે આપણા મનમાં એમ થાય કે એ છે તેમાં જ બધું રહ્યું છે. એ બધી નષ્ટ થતાં બધું બિલકુલ શૂન્યમય થઈ જશે. તેથી જ પોતાને બિલકુલ ખાલી કરી નાંખીને જ્યારે એમને પૂર્ણ રૂપે જોઈ શકીએ ત્યારે તે દર્શન તે જ અભય દર્શન. તે દર્શન તે જ સત્ય દર્શન. આથી જ સંસારમાં ક્ષય છે, મૃત્યુ છે. એ જો ન હોત તો અક્ષયને અમૃતને આપણે ક્યાંથી જોઈ શક્યા હોત? વસ્તુ પર વસ્તુના વિષયનો ખડકલો કરીને આપણે એને જ જોયા કર્યો હોત. સત્યને જોયું ના હોત. પણ વિષય કેવળ મેઘની જેમ સરી જાય છે. ધુમ્મસની જેમ નષ્ટ થઈ જાય છે. તેથી જ જે સરી જતા નથી, નષ્ટ થઈ જતા નથી તેમને આપણે જોઈ શકીએ છીએ. તેથી જ કહું છું કે આજે વર્ષશેષની આ રાતે તમારા બંધ ઘરની બારીમાંથી જગતના એ ચાલ્યા જવાના માર્ગ ભણી દૃષ્ટિ ઠેરવીને એક વાર જોઈ જુઓ. કશું રહેતું નથી. બધું જ ચાલ્યું જાય છે એ વાત લક્ષમાં લાવો. મનને શાન્ત કરીને, હૃદયને શુદ્ધ કરીને એ દિશાભણી જોતાં તમને દેખાશે કે એ સમસ્ત ગતિને સાર્થક કરનાર એવું કશુંક સ્થિર થઈને રહ્યું છે. તમને દેખાશે વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેક: | એ એક અન્તરીક્ષમાં વૃક્ષની જેમ સ્તબ્ધ ઊભો છે. જીવન જેમ જેમ વીતતું જાય છે તેમ તેમ જોતા જઈએ છીએ કે ત્યાંય એ જ એક એ સમસ્ત આવજાની વચ્ચે સ્તબ્ધ થઈને ઊભો છે. નિમિષે નિમિષે જે સરી જાય છે, જે દેવું પડે છે તેનો હિસાબ કોણ રાખી શકે? એ તો ઘણું, અસંખ્ય; પણ એ બધું જતાં, દેતાં જેને પામીએ તે એ એક. ‘ગયું, ગયું’ એમ ભલે ને ગમે તેટલું રડીને કહીએ. ‘એ છે.’ એ વાત જ સર્વ ક્રન્દનને ઢાંકી દઈને બહાર આવશે. ‘બધું ગયું’ એનો શોક જ્યાંથી જાગે છે ત્યાં જ જરા દૃષ્ટિને સ્થિર કરીને જુઓ, એ છે એનો અચલ આનન્દ પણ ત્યાં જ વિરાજે છે. જ્યાં જે કાંઈ છે તે સમસ્તનો અન્ત આવી જાય છે તે ગભીર નિ:શેષતામાં આજે વર્ષશેષને દિવસે દૃષ્ટિ કરી જુઓ વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેક:| ચિત્તને નિસ્તબ્ધ કરો. બ્રહ્માણ્ડની સમસ્ત ગતિ નિસ્તબ્ધ થઈ જશે. આકાશના ચન્દ્રતારા સ્થિર થઈને ઊભા રહી જશે. અણુપરમાણુનું અવિરામ નૃત્ય બિલકુલ થંભી જશે, ને વિશ્વવ્યાપી ક્ષયમૃત્યુ એક જગાએ સમાપ્ત થઈ ગયેલાં દેખાશે. નહીં કલશબ્દ, નહીં ચાંચલ્ય, ત્યાં જન્મમરણ એ નિ:શબ્દ સંગીતમાં વિલીન થઈ ગયાં છે. વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેક:| આજે હું મારા જીવનની ક્ષતિ અને પ્રાપ્તિની વચ્ચે આસન માંડીને એની ઉપાસના કરવા આવ્યો છું. એ જગાએ એણે મને આજે બેસવા દીધો છે તેથી હું મારા માનવજીવનને ધન્ય લેખું છું. એનો જે બાહુ ગ્રહણ કરે અને એનો જે બાહુ દાન કરે તે બેની વચ્ચે રહેલું એમનું વક્ષ. એમનો ખોળો, એમાં હું આજે મારા જીવનને અનુભવું છું. એક બાજુથી અનેકને ખોઈને બીજી બાજુથી એકને પામી શકાય એ વાત જાણવાનો સુયોગ એણે ઘટાવ્યો છે. જીવનમાં જે ચાહ્યું છે ને પામ્યો નથી, જે પામ્યો છું ને ચાહ્યું નથી, જે દઈને પાછું લીધું છે તે સમસ્તને આજે જીવનની સન્ધ્યાવેળાના પરમ માધુર્યમાં જ્યારે જોઈ શકું છું ત્યારે એવું દુ:ખવેદનાનું રૂપ ક્યાંનું ક્યાં ચાલ્યું ગયું છે! મારું સમસ્ત લુપ્ત આજે આનન્દથી સભર થઈ ઊઠ્યું છે. કારણ કે હું જોઈ શક્યો છું કે એ છે. એના વિના કશુંય સમ્ભવે નહીં, મારું જે કાંઈ ગયું છે તે એનામાં કશી ન્યૂનતા લાવી શક્યું નથી. બધું જ પોતાને અળગું કરીને એને જ દેખાડે છે. સંસાર મારું કશું લઈ શકે નહીં, મૃત્યુ મારું કશું લઈ શકે નહીં, મહાશૂન્ય મારું કશું લઈ શકે નહીં, એક અણુ નહીં, પરમાણુય નહીં. એ બધું હતું ત્યારે જે હતા તે એ બધું ગયું છે ત્યારે પણ છે. આના જેવો આનન્દ બીજો એક્કેય નથી અને આથી બીજો અભય પણ શો હોઈ શકે? આજે મારું મન એને કહે છે, ‘વારે વારે ક્રીડા પૂરી થાય, પણ હે મારા જીવનક્રીડાના સાથી, તારો તો કાંઈ અન્ત આવે નહીં. ધૂળનું ઘર ધૂળભેગું થાય, માટીનાં રમકડાં એકએક કરતાં બધાં ભાંગી જાય, પણ મને આ ક્રીડા કરાવનાર તું આ ક્રીડાને મારે મન પ્રિય બનાવનાર તું તો જેમ એ ક્રીડાના આરમ્ભમાં રહ્યો હતો, અન્તમાંય તેવી જ રીતે રહ્યો છે. જ્યારે ક્રીડામાં ખૂબ મત્ત બની ગયો હતો ત્યારે ક્રીડાના સાથી કરતાં ક્રીડા જ મારે મન મોટી બની ગઈ હતી. ત્યારે તને તે રૂપે મારાથી જોવાયો જ નહીં. આજે જ્યારે એક દાવ પૂરો થવા આવ્યો છે ત્યારે તને વળી પકડી પાડ્યો છે, ઓળખી કાઢ્યો છે. આજે હું તને કહી શકું છું કે મારી ક્રીડા પૂરી થતી નથી, બધું તારામાં ભળી જાય છે; જોઉં છું કે ઘરને અંધારું કરી દઈને તું ફરી વાર ગુપચુપ નવી તૈયારીઓ કરી રહ્યો છે, એ તૈયારીને હું અન્ધકારમાંથીય મારા અન્તરમાં અનુભવું છું. તો આ વેળાની આ ક્રીડાના ઘરને ધોઈ લૂછીને સાફ કરી દે. ભાંગીતૂટી વસ્તુના ખડકલાને પદે પદે આઘાત સહીને ધૂળભેગા થવું પડે, આ વેળાએ તું બધું જ પૂરેપૂરું ચૂકવી લે, કશુંય બાકી રાખીશ નહીં. આ બધી ભાંગેલા રમકડાને સાંધીસંુધીને રમવાની રમત હવે મને ફાવતી નથી. તું લઈ લે, લઈ લે. બધું ઝૂંટવી લે. જે કાંઈ વિઘ્ન તે દૂર કર. જે કાંઈ ભગ્ન તે ફેંકી દે, જે કાંઈ ક્ષયિષ્ણુ તેનો લય કરી દે. હે પરિપૂર્ણ આનન્દ, પરિપૂર્ણ નૂતનને માટે મને યોગ્ય બનાવ. (પંચામૃત)