રવીન્દ્રપર્વ/૧૮૭. ભુવનેશ્વર
ઓરિસાનું ભુવનેશ્વરનું મન્દિર પહેલી વાર જોયું ત્યારે જાણે કોઈ નવું પુસ્તક વાંચતો હોઉં એવું લાગ્યું. એ પથ્થરોની અંદર કંઈક કથા રહેલી છે એ મને સારી પેઠે સમજાઈ ગયું. એ કથા અનેક શતાબ્દીઓથી સ્તમ્ભિત થઈ ગયેલી હોવાને કારણે, મૂક બની ગયેલી હોવાને કારણે, તો જાણે હૃદયને સવિશેષ સ્પર્શી ગઈ. ઋક્રચયિતા ઋષિ છન્દમાં મન્ત્રરચના કરી ગયા છે; આ મન્દિર પણ જાણે પથ્થરમાં રચેલો મન્ત્ર. એમાં હૃદયની વાત દૃષ્ટિગોચર થઈને આકાશને વ્યાપી લઈને જાણે ઊભી છે. મનુષ્યના હૃદયે અહી શી વાત ગૂંથી દીધી છે? ભક્તિના શા રહસ્યને પ્રકટ કર્યું છે? મનુષ્ય અનન્તમાંથી પોતાના અન્ત:કરણમાં એવી તે શી વાણી પામ્યો હશે કે જેને પ્રકટ કરવાના મહા પ્રયત્નમાં એણે આ પર્વતની તળેટીમાંના વિસ્તીર્ણ પ્રદેશને આવરી લીધો છે? આવાં શતાધિક દેવાલયો — જેમાંનાં ઘણાંખરાંમાં તો આજે સન્ધ્યાઆરતીનો દીપ પ્રકટાવાતો નથી, શંખઘણ્ટ નીરવ થઈ ગયાં છે, જેના કોતરેલા પથ્થર ખણ્ડિત થઈને ધૂળમાં અટવાઈ રહ્યા છે — એમાંનાં કોઈ પણમાં એક વ્યક્તિવિશેષની કલ્પનાને આકાર આપવાનો પ્રયત્ન થયો નથી. એ બધાં તે વેળાના અજ્ઞાત યુગની ભાષાના ભારે લદાઈને ઊભાં છે. આ દેવાલયશ્રેણીએ એની નિગૂઢનિહિત નિસ્તબ્ધ ચિત્તશકિતથી દર્શકના અન્ત:કરણને સહસા જે ભાવાન્દોલને ઉદ્બોધિત કરી મૂક્યું તેની આકસ્મિકતા ને સમગ્રતાને વ્યક્ત કરવી કઠિન છે; એનું વિશ્લેષણ કરીને, ખણ્ડ પાડીને કહેવાનો પ્રયત્ન કરવો પડશે. મનુષ્યની ભાષા અહીં પથ્થરની આગળ હાર સ્વીકારી લે છે; પથ્થરને એક પછી એક વાક્યો જોડવાં પડતાં નથી. એ સ્પષ્ટ કશું કહે નહીં, પણ જે કાંઈ કહે તે બધું એક સાથે કહી દે, પલકમાત્રમાં જ એ સમસ્ત મન પર અધિકાર પ્રાપ્ત કરી લે; આથી જ મન શું સમજ્યું, એણે શું સાંભળ્યું, એ શું પામ્યું તે પોતે ભાવરૂપે સમજતું હોવા છતાં ભાષા દ્વારા સમજવાનો અવસર પામી શકતું નથી; આખરે સ્થિર થઈને ધીમે ધીમે એને પોતાની ભાષામાં સમજી લેવું પડે છે. મન્દિરની દીવાલના સર્વાંગે મેં મૂર્તિઓ કોતરેલી જોઈ. ક્યાંય સહેજ સરખી ખાલી જગ્યા રહેવા નહોતી દીધી. જ્યાં દૃષ્ટિ પડે ત્યાં ને જ્યાં ન પડે ત્યાં સર્વત્ર શિલ્પીના નિરલસ પ્રયત્ને કારીગરી કરી હતી. મૂર્તિઓ કાંઈ ખાસ પૌરાણિક કહેવાય એવી નથી; દશઅવતારની લીલા અથવા સ્વર્ગલોકની દેવકથા જ દેવાલયની દીવાલ પર અંકાઈ છે એવું તો કહી શકાય એમ નથી. મનુષ્યની નાની-મોટી સારી-નરસી દરરોજની ઘટના એનાં રમતગમ્મત, કામકાજ, યુદ્ધ અને શાન્તિ, ઘર અને બહાર વૈચિત્ર્યપૂર્ણ આલેખ્ય દ્વારા મંદિરને ઘેરી વળ્યાં છે. આ મૂર્તિઓમાં બીજો કશો ઉદ્દેશ હું જોતો નથી, માત્ર આ સંસારને, એ જેમ ચાલી રહ્યો છે તેમનો તેમ, આંકવાનો પ્રયત્ન એમાં દેખાય છે. આથી ચિત્રશ્રેણીની અંદર એવી અનેક વસ્તુઓ નજરે ચઢે છે જેને દેવાલયમાં આંકવા જેવી ભાગ્યે જ કહી શકાય. એમાં પસંદગી જેવું કશું નથી — તુચ્છ અને મહત્, ગોપનીય અને ઘોષણીય — બધું જ, એમાં છે. કોઈ ખ્રિસ્તી દેવળની અંદર જઈને જોતાં જો એની દીવાલ પર અંગ્રેજ સમાજની દરરોજના જીવનની છબી ઝૂલતી દેખાય-કોઈ ભોજન કરતું હોય, કોઈ કૂતરાગાડી હાંકતું હોય, કોઈ સંગિનીને બાહુપાશમાં ઘેરી લઈને ‘પોલકા’ નૃત્ય કરતું દેખાતું હોય તો હતબુદ્ધિ થઈને ‘સ્વપ્ન તો નથી જોઈ રહ્યા ને?’ એવો જ પ્રશ્ન આપણાથી પૂછી દેવાય, કારણ કે દેવળ સંસારને બિલકુલ ભૂંસી નાંખીને પોતાની સ્વર્ગીયતાને જ પ્રકટ કરવાનો પ્રયત્ન કરે છે, એમાંનો મનુષ્ય જાણે દુનિયાની બહાર નીકળી ગયો હોય એવો લાગે છે. એ જાણે બની શકે ત્યાં સુધી મર્ત્યસંસ્પર્શવિહીન, દેવલોકના આદર્શરૂપ બનવાને જ મથી રહ્યો હોય એવો લાગે છે. આથી ભુવનેશ્વર મન્દિરની ચિત્રાવલિ જોતાં પ્રથમ મનને વિસ્મયનો આઘાત લાગે છે. સાચી રીતે તો લાગવો ન જોઈએ. પણ શૈશવથી જ અંગ્રેજી શિક્ષણ પામીને આપણે સ્વર્ગ અને મૃત્યુલોકને મનમાં ને મનમાં જુદા પાડી બેઠાં છીએ! રખે ને દેવના આદર્શને માનવભાવનો સહેજ સરખો સ્પર્શ થઈ જાય; રખે ને દેવમાનવોની ને આપણી વચ્ચે જે પરમ પવિત્રતાનું ને સુદૂરતાનું વ્યવધાન રહ્યું છે તેને ક્ષુદ્ર માનવી સહેજ પણ ઉલ્લંઘી જાય — આ ભયે આપણે સદા સાવધ રહીએ છીએ. અહીં તો માણસ દેવતાની બિલકુલ અડોઅડ આવીને બેસી ગયો છે, ને તેય ધૂળ ખંખેરી કરીને આવ્યો છે એવુંય નથી. ગતિશીલ, કર્મરત, ધૂળથી ખરડાયેલા સંસારની પ્રતિકૃતિ નિ:સંકોચે સમુચ્ચ થઈ ઊઠીને દેવતાની પ્રતિમૂર્તિને આચ્છન્ન કરી દેતી અહીં ઊભી રહી ગઈ છે. હું મન્દિરની અંદર ગયો, ત્યાં એક્કેય ચિત્ર નથી, પ્રકાશ નથી; અનલંકૃત નિભૃત અસ્ફુટતા વચ્ચે દેવમૂર્તિ નિ:સ્તબ્ધ બિરાજી રહી છે. આનો એક બૃહત્ અર્થ મનમાં ઊગી આવ્યા વિના રહેતો નથી. મનુષ્ય આ પ્રસ્તરની ભાષાએ જેને ઉચ્ચારવાને મથ્યો છે તે સૂદૂરના સમયની વાણી મારા મનમાં ધ્વનિત થઈ ઊઠી. એ વાણી તે આ — દેવતા દૂર નથી. દેવાલયમાં નથી, એ આપણામાં રહ્યા છે. એ જન્મમૃત્યુ, સુખદુ:ખ, પાપપુણ્ય, મિલનવિચ્છેદની અંદર સ્તબ્ધ ભાવે બિરાજી રહ્યા છે. આ સંસાર જ એમનું ચિરન્તન મન્દિર છે. આ સજીવ સચેતન વિપુલ દેવાલય અહરહ અનેકવિધ રૂપે રચાતું જ જાય છે. એ કોઈ કાળે નૂતન નથી, કોઈ કાળે પુરાતન નથી; એનું કશું સ્થિર નથી. સમસ્ત જ સદા પરિવર્તમાન છે; છતાં એનું મહત્ ઐક્ય એની સત્યતા, એની નિત્યતા નષ્ટ થતી નથી — કારણ કે, આ ચંચલ વૈચિત્ર્ય દ્વારા એક નિત્ય સત્ય સદા પ્રકટ થઈ રહ્યું છે. ભારતવર્ષમાં બુદ્ધદેવે માનવને મોટો બનાવ્યો. એમણે જાતિ માની નહીં. યાગયજ્ઞના અવલમ્બનમાંથી માનવને મુક્તિ આપી, દેવતાને મનુષ્યના લક્ષ્યથી અપસૃત કર્યો. એમણે મનુષ્યની આત્મશક્તિનો પ્રચાર કર્યો. દયા અને કલ્યાણ એમણે સ્વર્ગ પાસેથી પ્રાર્થ્યાં નહીં, મનુષ્યના અન્તરમાંથી જ એમણે એને પ્રકટ થવાને સાદ દીધો. આવી રીતે શ્રદ્ધા દ્વારા, ભક્તિ દ્વારા, મનુષ્યના અન્તરનાં જ્ઞાન, શક્તિ અને ઉદ્યમને એમણે મહીયાન કરી દીધાં, મનુષ્ય દીન, દૈવાધીન હીન પદાર્થ નથી એ વાતની એમણે ઘોષણા કરી. એવે વખતે હિન્દુના ચિત્તે જાગી ઊઠીને કહ્યું: ‘એ વાત તો તમારી સાચી કે મનુષ્ય દીન નથી, હીન નથી કારણ કે મનુષ્યની જે શક્તિએ મનુષ્યના મુખમાં ભાષા મૂકી, મનમાં બુદ્ધિ મૂકી, બાહુમાં નૈપુણ્ય મૂક્યું, જે સમાજને ઘડી રહી છે, સંસારને ચલાવી રહી છે તે દૈવી શકિત જ છે.’ બુદ્ધદેવે જે અભ્રભેદી મન્દિર રચ્યું, તેમાંથી જ હિન્દુઓ તેમના દેવતાને પામ્યા, બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મમાં સમાઈ ગયો. માનવમાં દેવતાનું પ્રાકટ્ય, સંસારમાં દેવતાની પ્રતિષ્ઠા, આપણાં પળપળનાં સુખદુ:ખમાં દેવતાનો સંચાર — આ જ નવા હિન્દુ ધર્મની મર્મકથા બની રહી. શાક્તની શક્તિ, વૈષ્ણવનો પ્રેમ ઘરઘરમાં છલકાઈ ઊઠ્યાં — મનુષ્યના ક્ષુદ્ર કામકાજમાં શક્તિનો પ્રત્યક્ષ હાથ, મનુષ્યની સ્નેહપ્રીતિના સમ્બન્ધોમાં દિવ્ય પ્રેમની પ્રત્યક્ષ લીલા અત્યન્ત નિકટવર્તી બનીને દેખાવાં લાગ્યાં. આ દેવતાના આવિર્ભાવથી નાનામોટા વચ્ચેનો ભેદ ભુંસાઈ જવાને મથવા લાગ્યો. સમાજમાં જેઓ ઘૃણિત હતા તેઓ પણ પોતાને દૈવી શક્તિના અધિકારી ગણીને ગૌરવ અનુભવવા લાગ્યા; પ્રાકૃત પુરાણોમાં આનો ઇતિહાસ સચવાઈ રહ્યો છે. ઉપનિષદ્માં એક મન્ત્ર છે:
વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેક:|
જેઓ એક છે તેઓ આકાશમાં વૃક્ષની જેમ સ્તબ્ધ થઈને રહ્યા છે. ભુવનેશ્વરનું મન્દિર એ જ મન્ત્રને જાણે એક વિશેષ ભાવે ઉચ્ચારી રહ્યું છે — જેઓ એક છે તેઓ આ માનવસંસારમાં સ્તબ્ધ થઈને રહ્યા છે. જન્મ-મૃત્યુની આવજાવના આવર્તો માત્ર આપણી આંખ ઉપર થઈને પસાર થઈ જાય છે; પાપપુણ્ય પ્રકાશ અને છાયાથી સંસારની દીવાલને ખચિત કરી દે છે, સમસ્ત વિચિત્ર, સમસ્ત ચંચલના અંતરમાં જ નિરલંકાર નિભૃત રહ્યું છે, ત્યાં જે એક છે તે જ એક બિરાજી રહ્યા છે. આ અસ્થિર સમુદાય જે સ્થિર છે તેનું જ શાન્તિનિકેતન છે, તેનો જ ચિર આવિષ્કાર છે, આ પરિવર્તનપરમ્પરા જે નિત્ય છે તેનો જ ચિર આવિષ્કાર છે. દેવ-માનવ, સ્વર્ગ-મર્ત્ય બન્ધન અને મુક્તિનું આ અનન્ત સામંજસ્ય જ પ્રસ્તરની ભાષામાં ધ્વનિત થઈ ઊઠ્યું છે. ઉપનિષદે આ જ પ્રકારની વાત ઉપમા દ્વારા વ્યક્ત કરી છે:
દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનં વૃક્ષં પરિષસ્વજાતે| તયોરન્ય: પિપ્પલં સ્વાદુ અત્તિ અનશ્નન્ અન્યો અભિચાકશીતિ||
બે સુન્દર પક્ષી એક સાથે એક વૃક્ષ પર વાસ કરે છે. એમાંનું એક સ્વાદુ પિપ્પલનું ભક્ષણ કરે છે, બીજું ખાધા વિના એને જોઈ રહ્યું છે. જીવાત્મા પરમાત્માનું આ પ્રકારનું સાયુજ્ય ને સાલોક્ય આટલું અનાયાસ, આટલી સહજ ઉપમાથી, આટલી સરળતાથી ને નિર્ભીકતાથી બીજે ક્યાંય વર્ણવવામાં આવ્યું છે? જીવની સાથેનું ભગવાનનું સુન્દર સામ્ય જાણે કોઈક નજરોનજર જોઈને આ બોલી ઊઠ્યું છે. તેથી જ એને ઉપમાની શોધમાં આકાશપાતાળ એક કરવાં પડ્યાં નથી. અરણ્યચારી કવિએ વનનાં બે સુન્દર પાંખવાળાં પંખીની જેમ સસીમ અને અસીમને અડોઅડ બેઠેલાં જોયાં છે; કોઈ મહાન ઉપમાના આડમ્બર વડે આ નિગૂઢ તત્ત્વને બૃહત્ કરી મૂકવાનો પ્રયત્ન સરખો કર્યો નથી. બે નાનાં પંખી કેવાં સ્પષ્ટ રૂપે ગોચર બની રહે છે, એ કેવાં સુન્દર લાગે છે, એમનામાં નિત્ય પરિચયની કેવી નરી સરળતા રહી હોય છે. તેને કોઈ મોટી ઉપમા વડે આવી રીતે રજૂ કરી શકાયું ન હોત. ઉપમા ક્ષુદ્ર બની જઈને જ સત્યને બૃહત્ બનાવીને પ્રકટ કરે છે. બૃહત્ સત્યદ્રષ્ટાનું નિશ્ચિન્ત સાહસ ક્ષુદ્ર સરલ ઉપમાથી જ યથાર્થ ભાવે વ્યક્ત થયું છે. આ બન્ને પંખીઓ પાંખ સાથે પાંખ જોડીને બેઠાં છે. એઓ બન્ને સખા છે. એઓ એક જ વૃક્ષ ઉપર બેઠાં છે. એમાંનું એક ભોક્તા છે, બીજું સાક્ષી; એક ચંચલ છે; બીજું સ્તબ્ધ. ભુવનેશ્વરનું મન્દિર પણ જાણે આ મન્ત્રને જ પ્રકટ કરી રહ્યું છે; એ લોકોએ દેવાલયમાંથી માનવત્વને ભૂંસી નાંખ્યું નથી, એઓએ બન્ને પંખીને એક સાથે પ્રતિષ્ઠિત કરીને ઘોષણા કરી છે. પણ ભુવનેશ્વરના મન્દિરમાં બીજીય એક વિશેષતા રહી છે. ઋષિકવિની ઉપમામાં નિભૃત અરણ્યની એકાન્ત નિર્જનતાનો ભાવ રહ્યો છે. એ ઉપમાની દૃષ્ટિએ પ્રત્યેક જીવાત્મા જાણે એકાકીરૂપે પરમાત્મા સાથે સંયુક્ત હોય એવું લાગે છે. એ ઉપમા જે ધ્યાનચ્છવિ મનમાં આંકે છે તેને જોઈએ છીએ ત્યારે દેખાય છે કે જે હું ભોગ કરી રહ્યો છે, ભ્રમણ કરી રહ્યો છે, શોધ કરી રહ્યો છે તે હુંંમાં જ શાન્તં શિવમદ્વૈતમ્ સ્તબ્ધભાવે આવિર્ભૂત થઈ રહ્યા છે. પણ આ પ્રકારનો એકની સાથેનો એકનો સંયોગ ભુવનેશ્વરના મન્દિરમાં આલેખાયો નથી, ત્યાં બધા જ મનુષ્યો એમના સમસ્ત કર્મ અને ભોગ સાથે, સમસ્ત તુચ્છબૃહત્ સાથે, એમના સમસ્ત ઇતિહાસને વહન કરીને, સમગ્રભાવે એક થઈને પોતાની અંદર અન્તરતરરૂપે, સાક્ષીરૂપે ભગવાનને પ્રકટ કરી રહ્યા છે. નિર્જનમાં નહીં, યોગમાં નહીં, લોકો વચ્ચે, કર્મ દ્વારા પ્રકટ કરી રહ્યા છે. એઓએ સંસારને, લોકાલયને, દેવાલય બનાવીને પ્રકટ કર્યું છે, એઓએ સમષ્ટિરૂપે માનવનો દેવત્વના પદ ઉપર અભિષેક કર્યો છે. એઓએ પહેલાં નાનામોટા સમસ્ત માનવોને પ્રસ્તરપટ પર એક સાથે સજાવ્યા છે; ત્યાર પછી પરમ ઐક્ય ક્યાં છે ને શું છે તે બતાવ્યું છે. એ ભૂમા-ઐક્યના અન્તરસ્તર આવિર્ભાવે પ્રત્યેક માનવ સમગ્ર માનવની સાથે ભળી જઈને મહાન બની રહે છે. પિતાની સાથે પુત્ર, ભાઈની સાથે ભાઈ, પુરુષની સાથે સ્ત્રી, પડોશીની સાથે પડોશી, એક જાતિની સાથે બીજી જાતિ, એક કાળની સાથે બીજો કાળ, એક ઇતિહાસની સાથે બીજો ઇતિહાસ દેવતાત્મા દ્વારા એકાત્મ થઈ રહ્યા છે. (સંચય)