રવીન્દ્રપર્વ/૧૮૮. પંદર આના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૮. પંદર આના

જે લોકો ધનવાન, તેમનો બાગ તેમના ઘર કરતાં મોટો. ઘર અત્યાવશ્યક; બાગ વધારાનો, નહીં હોય તોય ચાલે. સમ્પત્તિની ઉદારતા અનાવશ્યક દ્વારા જ પોતાને પ્રમાણિત કરે, બકરીને જેટલાં શિંગડાં છે તેનાથી એનું કામ ચાલી જાય છે, પણ હરણનાં શિંગડાંની પંદર આના અનાવશ્યકતા જોઈને આપણે મુગ્ધ થઈ જઈએ છીએ. મોરની પૂંછડી કેવળ એનાં રંગચંગથી આપણું મન જીતી લે છે એવું નથી, એના બાહુલ્ય-ગૌરવે મેના, ખંજન વગેરે શરમનાં માર્યાં પૂંછડી પટપટાવ્યા જ કરે છે. જેણે પોતાના જીવનને નર્યું અત્યાવશ્યક બનાવી દીધું છે તે આદર્શ પુરુષ છે એ વિશે સંદેહ નથી. પણ સદ્ભાગ્યે એના આદર્શનું ઝાઝાં માણસો અનુસરણ કરતાં નથી; જો કરતાં હોત તો માનવસમાજ, નર્યા ગોટલાથી ભરેલા ગર્ભ વિનાના, ફળ જેવો બની ગયો હોત. જે લોકો કેવળ ઉપકાર કર્યે જાય છે તેમને સારા માણસ કહ્યા વિના નહીં ચાલે. પણ જે લોકો વધારાના, તેમને જ માણસ તો ચાહે. એનું કારણ એ કે એ વધારાના માણસ જ પોતાને પૂરેપૂરા સમર્પી દઈ શકે. પૃથ્વીને ઉપકારી માણસ માત્ર ઉપકારના સંકીર્ણ ક્ષેત્રમાં રહીને આપણા એકાદ અંશને જ સ્પર્શી શકે; જે પોતાની ઉપકારકતાની મોટી દીવાલથી બીજી બધી બાજુએથી ઘેરાયેલો છે તેનું તો એક જ બારણું ખુલ્લું હોય છે — ત્યાં આપણે હાથ પસારીએ ને એ આપણને ભિક્ષા આપે. ત્યારે, આપણો પેલો વધારાનો માણસ તો કશા કામનો નહીં એટલે જ તો એને દીવાલની કશી આળપંપાળ સુધ્ધાં નહીં. એ આપણો સહાયક નહીં, માત્ર સંગાથી. ઉપકારી માણસો પાસેથી આપણે કશુંક ગાંઠે બાંધીએ, ત્યારે આ વધારાના માણસની સાથે મળીને આપણે કશુંક ખરચી નાખીએ. ખરચ કરવામાં જે આપણો સાથી એ જ આપણો મિત્ર. વિધાતાની કૃપાથી હરણનાં શિંગડાં ને મોરની પૂંછડીની જેમ દુનિયાના મોટા ભાગના આપણે વધારાના છીએ, આપણામાંના મોટા ભાગના લોકોનું જીવન જીવનચરિત્ર લખવાને લાયક નથી. અને સદ્ભાગ્યે આપણામાંના મોટા ભાગના મરણ પછી પથ્થરનાં પૂતળાં ઘડાવવાના નિષ્ફળ પ્રયાસમાં ફંડફાળો બારણે-બારણે ભટકીને ઉઘરાવતા ફરવાના નથી. મર્યા પછી બહુ થોડા જ અમર રહી શકે છે, તેથી જ તો આ પૃથ્વી રહેવાલાયક રહી છે. ગાડીના બધા જ ડબ્બા જો રિઝર્વ કરેલા હોય તો સાધારણ પેસેન્જરની શી દશા થાય? એક તો, મોટા માણસો એક હોવાં છતાં એકસો બરાબર, કારણ કે એઓ જીવે ત્યાં સુધી કાંઈ નહીં તો એમના ભક્ત અને નિન્દુકોના હૃદયક્ષેત્રે શતાધિક લોકોની જગ્યા રોકીને બેઠા હોય, તેમાં વળી જો મર્યા પછીય એઓ પોતાનું સ્થાન નહીં છોડે તો થાય શું? સ્થાન છોડવાની વાત તો દૂર રહી, ઘણા તો મરવાની તક ઝડપીને પોતાનો અધિકાર સ્થાપવા મથે. આપણે માટે આશ્વાસન એટલું કે એવા લોકોની સંખ્યા સાવ અલ્પ. નહીં તો સમાધિસ્તમ્ભોની ભીડમાં સામાન્ય માણસની ઝૂંપડીની જગ્યા જ ન રહી હોત. પૃથ્વી જ એટલી સાંકડી છે કે જીવનારાઓને જીવનારાઓ સાથે જ જગ્યા માટે ઝઘડવું પડે છે. ભૂમિ હો કે હૃદય હો, બીજા પાંચ જણના કરતાં વિશેષ અધિકાર મેળવનારાને માટે લોકો બનાવટી દસ્તાવેજ સુધ્ધાં રજૂ કરીને ઇહલોક અને પરલોક ખોવા તૈયાર થઈ જાય છે. જીવનારાઓની જીવનારાઓ સાથેની આ લડાઈ તે તો સમકક્ષોની લડાઈ થઈ, પણ મરેલાઓની સાથે જીવનારાઓને લડવાનું આવે તે ભારે કપરું! મરેલાઓ તો બધી દુર્બળતા અને ખણ્ડિતતાને ઉલ્લંઘી ગયા હોય છે — આપણે તો ગુરુત્વાકર્ષણ, કૈશિકાકર્ષણ અને એવાં બીજાં અનેક પ્રકારનાં આકર્ષણ-વિકર્ષણોથી પીડાનારાં મરણશીલ માણસ! આપણે એમને શી રીતે પહોંચી વળીએ? આથી જ વિધાતા મોટા ભાગના મૃતકોને વિસ્મૃતિલોકમાં હદપાર કરી દે છે — ત્યાં કોઈનેય સ્થાનાભાવ નડતો નથી. વિધાતા જો મોટા મોટા મૃત માનવીઓની છાયામાં આપણા જેવા નાના નાના જીવતા માણસોને સાવ વિમર્ષમલિન અને ભીડમાં ભીંસાતા રાખીને જિવાડવાના હતા તો પૃથ્વીને આવી ઉજ્જ્વળ ને સુન્દર શા માટે કરી? મનુષ્યના હૃદયને મનુષ્ય માટે આટલું બધું લોભી કેમ બનાવ્યું? નીતિજ્ઞો અમને નિન્દે છે, કહે છે: ‘તમારું જીવન વ્યર્થ ગયું.’ એઓ અમને ઠપકો આપીને કહે છે: ‘ઊઠો, જાગો, કામ કરો, સમય નષ્ટ નહીં કરો.’ કામ ન કરવાથી ઘણો સમય નષ્ટ થાય છે એમાં સંદેહ નહીં, પણ કામ કરીને જેઓ સમય નષ્ટ કરે છે તેઓ કામનેય નષ્ટ કરે છે ને સમયનેય નષ્ટ કરે છે. એમના જ પદભારથી પૃથ્વી ધ્રૂજી રહી છે; એમના જ હાથમાંથી અસહાય સંસારને બચાવી લેવા ભગવાને વચન આપ્યું છે: સમ્ભવામિ યુગે યુગે| જીવન વ્યર્થ ગયું તો ભલે ગયું. મોટા ભાગનું જીવન વ્યર્થ જવા જ નિર્માયું છે. આ પંદર આની અનાવશ્યક જીવન જ વિધાતાના ઐશ્વર્યનું પ્રમાણ છે. એમના જીવનભંડારમાં દૈન્ય નથી, અમે વ્યર્થપ્રાણ લોકો જ એના અગણ્ય સાક્ષી છીએ. અમારી અણખૂટ અજતા, અમારું અહેતુક બાહુલ્ય જોઈને વિધાતાના મહિમાનું સ્મરણ કરો. વાંસળી જેમ પોતાની શૂન્યતામાં થઈને સંગીતનો પ્રચાર કરે છે તેમ અમે સંસારના પંદર આની લોક અમારી વ્યર્થતા દ્વારા વિધાતાના ગૌરવની ઘોષણા કરીએ છીએ. બુદ્ધે અમારે કાજે જ સંસારત્યાગ કર્યો છે, ઈસુએ અમારે જ કાજે પ્રાણ આપ્યા છે, ઋષિઓએ અમારે કાજે જ તપસ્યા જ કરી છે અને સાધુઓ અમારે જ કાજે સદા જાગ્રત રહ્યા છે. જીવન એળે ગયું તો ભલે ગયું, કારણ કે એ એળે જ જવું જોઈએ. જવામાં જ એક પ્રકારની સાર્થકતા છે. નદી વહે છે — એનું બધું જ પાણી આપણાં સ્નાનપાનમાં કે ધાન્યનાં ખેતરમાં વપરાઈ જતું નથી. એનો મોટો ભાગ માત્ર વહેતો રહે છે. બીજું કશું કામ કર્યા વિના કેવળ પ્રવાહની રક્ષા કરવામાંય મોટી સાર્થકતા રહી છે. એનું જેટલું પાણી આપણી તળાવડીમાં વાળીએ તેમાં સ્નાન કરી શકાય, એનું પાન નહીં કરી શકાય, ઘડામાં એનું જે પાણી ભરી લાવીએ તેનું આપણે પાન કરી શકીએ. પણ એની ઉપર પ્રકાશછાયાનો ઉત્સવ ચાલે નહીં. ઉપકારને જ એકમાત્ર સાફલ્ય ગણવામાં કૃપણતા રહેલી છે, ઉદ્દેશને જ એકમાત્ર પરિણામ માનવામાં દીનતા રહેલી છે. આપણે પંદર આની સાધારણ માણસો આપણી જાતને હેય ન ગણીએ તે જ ઠીક. આપણે જ તો સંસારની ગતિ છીએ. પૃથ્વીમાં મનુષ્યના હૃદયમાં જ આપણું જીવનસ્વત્વ. આપણે કશા પર દાવો કરતા નથી, કશાંને મૂઠીની પકડમાં જકડી રાખતાં નથી, આપણે ચાલ્યે જ જઈએ છીએ. સંસારનાં બધાં કલગાન આપણામાંથી જ ધ્વનિત થાય છે, સમસ્ત પ્રકાશછાયા આપણી ઉપર સ્પન્દમાન થયા કરે છે. આપણે હસીએ, રડીએ, પ્રેમ કરીએ, મિત્રો સાથે અકારણે ક્રીડા કરીએ, સ્વજનો સાથે અનાવશ્યક વાર્તાલાપ કરીએ, દિવસનો મોટો ભાગ ચારે બાજુના લોકો સાથે કશા ઉદ્દેશ વિના ગાળીએ, પછી ધામધૂમથી દીકરાનાં લગન કરીને ઓફિસમાં દાખલ કરાવીને આ પૃથ્વીમાં કશી ખ્યાતિ મૂક્યા વિના મરીને રાખ થઈ જઈએ — આવા આપણે સંસારની જ વિચિત્ર તરંગલીલાનાં અંગ છીએ, આપણાં નાનાં નાનાં હાસ્યકૌતુકથી જ આખો જનપ્રવાહ ચળકચળક થાય છે. આપણા નજીવા આલાપવિલાપથી જ સમાજ મુખરિત થઈ રહે છે. આપણે જેને વ્યર્થ કહીએ છીએ તે જ પ્રકૃતિનો અધિકાંશ. મોટા ભાગનાં સૂર્યકિરણ શૂન્યમાં વિખરાઈ જાય, ઘણી થોડી કળી ફળ થતાં સુધી ટકી રહે, પણ જે જેનું ધન તેને તે જ ઓળખે. એ વ્યય કહેવાય કે અપવ્યય તેનો નિર્ણય તો વિશ્વકર્માની ખાતાવહી જોયા વિના કરી શકાય નહીં. આપણેય એવી જ રીતે, પરસ્પરને સંગદાન અને ગતિદાન કરવા સિવાય બીજા કશા કામમાં આવતા નથી. આથી પોતાને કે બીજાને કશો દોષ દીધા વિના, આકળા થયા વિના, પ્રફુલ્લ હાસ્યે અને પ્રસન્ન ગાને, સહજ જ યથાર્થ રીતે જીવનના ઉદ્દેશને સિદ્ધ ક્રી શકીએ. વિધાતા મને નર્યો વ્યર્થ બનાવીને જ સરજે તો હું મારી જાતને ધન્ય ગણું; પણ ઉપદેષ્ટાની ધાકધમકીથી જો હું એમ માનું કે મારે ઉપકાર કરવો જોઈએ, મારે કશાક ખપમાં આવવું જોેઈએ તો જે ઉત્કટ વ્યર્થતા ઉપજાવી બેસું તેની જવાબદારી કેવળ મારી. પારકાના પર ઉપકાર કરવા બધા જન્મ્યા નથી, આથી ઉપકાર ન કરી શકીએ તેથી કશું શરમાવાનું નથી, મિશનરી થઈને ચીનનો ઉદ્ધાર કરવા નહીં ગયા તો શું છૂટી પડ્યું? દેશમાં રહીને શિયાળનો શિકાર કરવામાં કે ઘોડદોડમાં કે જુગાર રમવામાં સમય ગાળવાને જો વ્યર્થતા કહેતા હો તો ચીનના ઉદ્ધારના પ્રયત્નના જેવી એ લોમહર્ષક નિદારુણ વ્યર્થતા તો નથી જ. ઘાસ નામે ધાન્ય હોતું નથી. પૃથ્વીમાં ઝાઝું તો ઘાસ જ હોય છે, ધાન્ય તો અલ્પ જ હોય છે. પણ ઘાસને પોતાની સ્વાભાવિક નિષ્ફળતા બદલ વિલાપ કરવાની જરૂર નથી. એને બદલે એ એટલું જ યાદ રાખે કે પૃથ્વીની શુષ્ક ધૂળને એ શ્યામલતાથી છાઈ દે છે, આકરા તાપને એ ચિરપ્રસન્ન સ્નિગ્ધતા દ્વારા કોમળ બનાવી દે છે. મને લાગે છે કે ઘાસજાતિમાં કુશતૃણે પરાણે ધાન્ય થવાની ચેષ્ટા કરી હશે. કદાચ એને સામાન્ય ઘાસ થઈને રહેવું નહીં રુચ્યું હોય, બીજાનામાં મનને પરોવીને જીવનને સાર્થક કરવાનો એને ભારે ઉત્સાહ હશે; તોય એ ધાન્ય થઈ શક્યું નહીં, પણ સદા બીજાં પ્રત્યે લક્ષનિવિષ્ટ કરવાની એની તીક્ષ્ણ એકાગ્ર ચેષ્ટાનું શું ફળ આવે તે એને પાછળથી સમજાયું લાગે છે. સારાંશરૂપે એટલું જરૂર કહી શકાય કે એવી ઉગ્ર પરપરાયણતા વિધાતાને અભિપ્રેત નથી. એના કરતાં સામાન્ય ઘાસની ખ્યાતિવિહીન વિનમ્ર-કોમળ નિષ્ફળતા જ વધુ સારી. ટૂંકમાં કહીએ તો મનુષ્ય બે શ્રેણીમાં વહેંચાયેલો છે: પંદર આની શાન્ત અને એક આની અશાન્ત. પંદર આની અનાવશ્યક અને એક આની આવશ્યક. પવનમાં ચલનશીલ દાહક પ્રાણવાયુનું પ્રમાણ થોડું હોય છે. સ્થિર શાન્ત નાઇટ્રોજન જ વધારે હોય છે. જો તેથી ઊલટું બને તો પૃથ્વી રાખ થઈ જાય. તેવી જ રીતે સંસારમાં જ્યારે કોઈ એક પંદર આની ટોળું એક આનીની જેમ જ અશાંત અને આવશ્યક થવાનો ઉપક્રમ કરે ત્યારે જગતમાં કલ્યાણ રહે નહીં, ત્યારે જેના નસીબમાં મરણ છે તેમણે મરવાને તૈયાર રહેવું પડે. (સંચય)