રવીન્દ્રપર્વ/૧૯૫. પરનિન્દા
પરનિન્દા પૃથ્વીમાં એટલી તો પુરાણી ને એટલી તો વ્યાપક છે કે એની વિરુદ્ધમાં ગમે તે મત પ્રકટ કરવો ધૃષ્ટતા જ છે. ખારું પાણી પીવાના કામમાં આવતું નથી એ તો બાળક પણ જાણે છે, પણ જ્યારે સાતે સમુદ્રનાં પાણીને ખારાશથી ભરેલાં જોઈએ ને એ ખારાં પાણીથી આખી પૃથ્વીને ઘેરાયેલી જોઈએ ત્યારે સમુદ્રનાં પાણી ખારાં ન હોત તો ઠીક થાત એમ કહેવાની કોઈ રીતેય હંમિત કરી શકાય નહીં. એ પાણી ખારાં ન હોત તો ઠીક ન જ થાત, કદાચ ખારાં પાણીના અભાવે આખી પૃથ્વી સડી ગઈ હોત. તેવી જ રીતે પરનિન્દા સમાજના કણેકણમાં જો ના ભળી ગઈ હોત તો જરૂર બહુ ભારે અનર્થ થાત. ખારાશની જેમ એ સમસ્ત સંસારની વિકારથી રક્ષા કરે છે. વાચક કહેશે: ‘સમજી ગયા અમે. તમારે જે કહેવું છે તે તો જૂની પુરાણી વાત છે. નિન્દાના ભયથી સમાજ પ્રકૃતિસ્થ થઈને રહ્યો છે, એમ જ કહેવું છે ને તમારે? આ વાત જો પુરાણી હોય તો મારે મન એ આનન્દનો વિષય છે. હું તો કહું જ છું કે જે પુરાણું છે તે વિશ્વાસ કરવા યોગ્ય છે. ખરું જોતાં જો નિન્દા ના હોત તો પૃથ્વીમાં જીવનનું ગૌરવ શું રહ્યું હોત? એક સારું કામ હાથમાં લઈએ, એની નિન્દા કોઈ કરે નહીં, તો એ સારા કામની કંમિત શી? કશુંક સારું લખીએ ને એની નિન્દા કરનાર જ કોઈ નહીં — સારા ગ્રન્થને માટે આથી મોટા મર્માન્તિક અનાદરની વાત બીજી શી હોઈ શકે? જીવનને ધર્મચર્યામાં સમર્પી દઈએ ને જો કોઈ એની પાછળ ગૂઢ ખરાબ આશય રહેલો શોધી ન કાઢે તો તો સાધુતા સાવ સસ્તી જ થઈ પડે ને! મહત્ત્વને ડગલે ડગલે કાંટાને કચડીને ચાલવું પડે છે. એમ કરવામાં જે હાર માને છે તેને વીરની સદ્ગતિ પ્રાપ્ત થતી નથી; પૃથ્વીમાં નિન્દા દોષિતને સુધારવા માટે જ છે એવું નથી; મહત્ત્વને ગૌરવ દેવું એ પણ એક મોટું કામ છે. નિન્દા કે વિરોધની એમને કશી જ અસર થતી નથી એવું તો બહુ થોડા જ કહી શકશે. જેને હૃદય જેવું કંઈક છે તે એવું તો નહીં જ કહી શકે. જેનામાં હૃદયનો અંશ વિશેષ તેની વ્યથા પામવાની શક્તિ પણ વિશેષ. જેને હૃદય હોય છે તેવા લોકો જ સંસારમાં કરવાં જેવાં કામ હાથમાં લે છે. એવા લોકોને જોતાં જ નિન્દાની ધાર ચારગણી તીક્ષ્ણ થઈ ઊઠે છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિધાતા જેને વિશેષ અધિકાર આપે છે તેની જ, દુ:ખ દઈને, અત્યન્ત કઠિન પરીક્ષા લે છે. વિધાતાનું એ વિધાન જયી થાઓ. નિન્દા, દુ:ખ, વિરોધ સારા ને ગુણી માણસને માથે આવી પડે તે જ ઠીક. જે સાચી રીતે વ્યથા ભોગવી જાણે તે વ્યથા પામે તે જ ઠીક, અયોગ્ય શૂદ્ર વ્યક્તિના પર નિન્દાવેદનાનો અનાવશ્યક અપવ્યય કદી ન થાઓ. સરલહૃદય વાચક અહીં ફરી કહેશે, ‘નિન્દાથી પણ ઉપકાર થાય છે એ તો જાણે સમજ્યા, જે લોકો દોષ કરે તેના દોષને ઊંચે અવાજે જાહેર કરવા એ તો જાણે ઠીક, પણ જેઓ દોષ કરતા નથી તેમની નિન્દાથી સંસારમાં કશું ભલું થવાનું નથી, મિથ્યા વસ્તુને કોઈ રીતેય સારી નહીં કહી શકાય.’ જો આવું હોય તો તો નિન્દા ટકે જ નહીં, પ્રમાણ આપીને દોષિતને દોષિત ઠરાવવો એનું નામ તો ન્યાય. એ ન્યાય ચૂકવવાનો મોટો ભાર કેટલાક માથે લેવાના હતા? ને એટલો સમય પણ કોની પાસે હોય? વળી પારકાને વિશે એટલી બધી ચિન્તા કરવાની કોઈને પડી હોતી નથી; ને જો કોઈને એવી ગરજ હોય તોય જે પારકાં છે તેને માટે એ બિલકુલ અસહ્ય જ બની રહે. નિન્દુકને આપણે સહી લઈએ, કારણ કે એની નિન્દુકતાની નિન્દા કરવાનું સુખ તો આપણા હાથમાં રહ્યું જ હોય છે; પણ ન્યાય ચૂકવવા બેસનારને કોણ સહી લે? ખરું જોતાં, આપણે બહુ ઓછા પ્રમાણમાં નિન્દા કરતા હોઈએ છીએ; નિન્દાનું એ લાઘવ ન હોત તો સમાજના હાડના ક્યારનાય ચૂરેચૂરા થઈ ગયા હોત. નિન્દા કરનારનો અભિપ્રાય કાંઈ આખરી અભિપ્રાય હોતો નથી; નિન્દિત વ્યક્તિ ધારે તો એનો પ્રતિવાદ સરખો પણ ન કરે. એટલું જ નહીં, નિન્દાવચનને હસીને ઉડાવી દેવું એ બુદ્ધિમત્તાનું લક્ષણ ગણાય છે. પણ નિન્દા જો ન્યાય ચૂકવનારના ફેંસલાનું રૂપ ધારણ કરે તો બુદ્ધિશાળીનેય વકીલનું શરણ લેવું પડે. એટલે સંસારની જરૂર મુજબ નિન્દામાં લઘુત્વ ને ગુરુત્વ જોઈતા પ્રમાણમાં જ છે તે આપણે જોઈ શકીએ છીએ. જે વાચક પહેલાં મારી વાત સાંભળીને અસહિષ્ણુ બની ઊઠ્યા હતા તે હવે જરૂર કહેવાના, ‘નિન્દા તુચ્છ અનુમાનને આધારે કરવામાં આવી હોય કે પછી નિશ્ચિત પ્રમાણને આધારે; એમ કરતાં વ્યથા તો થવી જ જોઈએ. નિન્દા કરવામાં સુખ પામવું એ તો ઠીક નહીં.’ આમ કહેનાર વ્યક્તિ સહૃદય છે એટલું તો નક્કી. એથી એમના કથનને તપાસી જોઈએ તો ઠીક. નિન્દા કરવામાં નિન્દિત વ્યક્તિને તો દુ:ખ થાય જ છે, ને તેમાં વળી નિન્દુક પણ દુ:ખી થતો હોય તો તો પછી સંસારમાં દુ:ખવેદનાનું પરિણામ કેટલું વધી જાય એનો કોઈ હિસાબ જ ન રહે! તો તો પછી નિમન્ત્રિત મહેમાનોની સભામાં નિસ્તબ્ધતા જ છવાઈ જાય, મિત્રોની મંડળી વિષાદને કારણે મરવા પડી હોય એવી લાગે, સમાલોચકની આંખ આંસુથી છલકાઈ ઊઠે ને એવા વાચકોના હૃદયગહ્વરમાંથી ઉષ્ણ દીર્ઘ નિ:શ્વાસ જ નીકળ્યા કરે. શનિ ગ્રહના અધિવાસીઓની પણ આ દશા ના થાઓ એટલી જ કામના. વળી સુખ પામે નહીં ને છતાં નિન્દા કરે એવો ભયંકર નિન્દુક મનુષ્યજાતિમાં હજુ જન્મ્યો જાણ્યામાં નથી. વિધાતાએ મનુષ્યને એવો તો શોખીન બનાવ્યો છે કે એ પેટ ભરીને જીવન ટકાવી રાખવાને મથતો હોય છે ત્યારેય ક્ષુધાનિવૃત્તિ ને રુચિની પરિતૃપ્તિમાં જે આનન્દ રહ્યો છે તેને કોઈ રીતેય જતો કરવા ઇચ્છતો નથી. માણસ ટ્રામભાડું ખરચીને મિત્રને ઘેર જઈને પરનિન્દા કરી આવે ને છતાં એમાંથી આનન્દ પામે નહીં, જે ધર્મનીતિ આવી અસમ્ભવ વસ્તુની આશા રાખે તે પૂજનીય હશે, પાલનીય તો નથી જ. આવિષ્કારમાત્રમાં આનન્દનો અંશ રહેલો છે. જો મૃગ ગમે ત્યાં મળી આવતું હોત ને શિકારીને દેખીને નાસી જતું ન હોત તો શિકાર કરવામાં કશો આનન્દ રહ્યો ન હોત. મૃગે આપણું કશું બગાડ્યું છે માટે આપણે એને મારીએ છીએ એવું નથી. એ ગાઢ વનમાં રહે છે ને પલાયનપટુ છે તેથી આપણે એને મારીએ છીએ. મનુષ્યનું ચરિત્ર, ખાસ કરીને એના દોષો, અડાબીડ ઝાડીમાં જ લપાઈને રહે છે, પગરવ સંભળાતાં જ એ નાસી જવા જાય છે. તેથી જ, નિન્દામાં આટલો આનન્દ રહ્યો છે. ‘હું એનું રજેરજ જાણું છું. મારી આગળ કશું ઢાંક્યું રહેતું નથી.’ નિન્દુકને મુખે આ શબ્દ સાંભળીને આપણે તરત સમજી જઈએ છીએ કે આ માણસ અસલ શિકારી છે. એ કહે છે, ‘તમે તમારો જે અંશ બતાવવા ઇચ્છતા નથી તેને જ હું ઝટ લઈને આબાદ પકડી પાડું છું.’ માછલીને કાંટાથી વીંધીને પકડીએ, આકાશના પંખીને બાણથી મારીને પાડીએ, વનના પશુને જાળ નાખીને બાંધીએ એમાં કેટલો આનન્દ! જે સંતાયું હોય તેને બહાર કાઢવું, જે નાસે તેને પકડીને બાંધી આણવું, એને ખાતર માણસ શું શું નથી કરતો? જે દુર્લભ છે તેને માટે માણસમાં અમુક પ્રકારનો મોહ રહ્યો હોય છે. જે સુલભ છે તે અસલ ચીજ નથી, જે ઉપર છે તે તો આવરણ માત્ર છે, જે લપાઈને રહ્યું છે તે જ અસલ ચીજ છે એમ એ માને છે. તેથી જ જે ગુપ્ત છે તેની સહેજ ગન્ધ આવતાં એ કશો વિચાર કરવાને પણ થોભ્યા વિના ‘અસલ વસ્તુ પકડી પાડી’ એમ કહીને ખૂબ રાજી થઈ ઊઠે છે. ત્યારે એ એમ વિચારતો નથી કે ઉપરના સત્ય કરતાં નીચેનું સત્ય કાંઈ વધારે સાચું હોય છે એવું નથી. સત્ય બહાર રહ્યું હોય તોય સત્ય રહે છે ને જે અંદર રહ્યું હોય તે અસત્ય હોય તો માત્ર અંદર રહ્યું હોવાને કારણે જ એને સત્ય ન કહેવાય, એ વાત એને સમજાવવી અઘરી છે. આવા મોહને વશ થઈને જ કાવ્યના સરલ સૌન્દર્યના કરતાં એના ગભીર તત્ત્વને વાચક વધારે સાચું ગણવા ઇચ્છે છે ને વિજ્ઞ લોકો નિશાચર પાપને પ્રકાશચર સાધુતાના કરતાં વધારે સાચું ગણીને એનું ગુરુત્વ અનુભવે છે. આથી માણસની નિન્દા થતી સાંભળીએ ત્યારે એનો સાચો પરિચય જાણવા મળ્યો એવું આપણને લાગે છે. આ પૃથ્વી પર ઘણા થોડા માણસો સાથે આપણો ઘરવ્યવહારનો સમ્બન્ધ હોય છે, તો પછી આટલા બધા લોકોનો સાચો પરિચય પામવાથી આપણને લાભ શો? પણ સાચા પરિચયને માટેની વ્યગ્રતા એ મનુષ્યનો સ્વભાવસિદ્ધ ધર્મ છે, એ મનુષ્યત્વનું પ્રધાન અંગ છે. આથી જ એ સમ્બન્ધમાં વિવાદ ટકી શકે એમ નથી. માત્ર જ્યારે દુ:ખ પામવાને દીર્ઘ અવકાશ પ્રાપ્ત થાય ત્યારે જ આપણે વિચારીએ કે જે સુન્દર છે, સમ્પૂર્ણ છે, જે ફૂલની જેમ બહાર વિકસિત થઈને દેખાય છે, તે બહાર આવે છે માટે જ બુદ્ધિમાન માણસ ઠગાઈ જવાના ભયે એના પર વિશ્વાસ મૂકીને એના સમ્પૂર્ણ આનન્દને ભોગવવાનું સાહસ કરી શકતો નથી. નહીં ઠગાવું એ જ શું મોટો લાભ છે? પણ એ બધા વિષયનો ભાર મારે માથે નથી; હું જન્મ્યો તેની બહુ પહેલાં મનુષ્યસ્વભાવ ઘડાઈ ચૂક્યો હતો. સામાન્ય રીતે મનુષ્ય નિન્દા કરીને જે આનન્દ પામે છે તે વિદ્વેષનો આનન્દ હોતો નથી એટલું જ સમજવાસમજાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો. સાધારણ રીતે વિદ્વેષ કદી પણ આનન્દદાયક થઈ શકે નહીં ને વિદ્વેષ સમાજના સ્તરેસ્તરમાં વ્યાપી જાય તો એનું વિષ જીરવવું સમાજને માટે અસહ્ય થઈ પડે. આપણે ઘણા સારા ને નિરુપદ્રવી લોકોને પણ નિન્દા કરતાં સાંભળીએ છીએ. એનો અર્થ એ નહીં કે સંસારમાં ભલા ને નિરુપદ્રવી માણસો છે જ નહીં એનું એક કારણ એ કે સાધારણ રીતે નિન્દાના મૂળમાં ખરાબ ભાવ રહ્યો નથી હોતો. પણ વિદ્વેષમૂલક નિન્દા સંસારમાં બિલકુલ છે જ નહીં એવી વાત જો લખવી હોય તો સત્યયુગની રાહ જોવી પડે. એ નિન્દા વિશે કાંઈ વિશેષ કહેવાનું નથી. માત્ર એટલી જ પ્રાર્થના કે એ પ્રકારની નિન્દા જેમને સ્વભાવસિદ્ધ થઈ ચૂકી હોય તેવા દુર્ભાગીઓની હું દયા ખાઈ શકું. (સંચય)