રવીન્દ્રપર્વ/૧૯૬. ચિત્રનાં અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૬. ચિત્રનાં અંગ

એકે કહ્યું: બહુ થાઉં, એમ કરતાં સૃષ્ટિ થઈ — આપણી સૃષ્ટિની ઉત્પત્તિની કથામાં આમ કહ્યું છે. એકમાં ભેદ થયો ત્યારે રૂપ આવી ચઢ્યું. તો રૂપમાં બેનો પરિચય રહ્યો હોવો જોઈએ: જ્યાં ભેદ ત્યાં બહુનો પરિચય; જ્યાં મેળ ત્યાં એકનો પરિચય. જગતમાં રૂપની અંદર આપણે કેવળ સીમા નહિ, સંયમ પણ જોઈએ છીએ. સીમા અન્ય સકળથી પોતાને જુદા પાડવાને, અને સંયમ અન્ય સમસ્ત સાથે પોતાનો મેળ બેસાડવાને. એક તરફથી રૂપ પોતાનો સ્વીકાર કરે છે, તો બીજી બાજુથી એ સમસ્તને સ્વીકારીને જ ટકી રહી શકે છે. તેથી ઉપનિષદ્માં કહ્યું છે: સૂર્ય અને ચન્દ્ર, દ્યુલોક અને ભૂલોક એકના જ શાસને વિધૃત થઈને રહ્યાં છે. સૂર્ય-ચન્દ્ર, દ્યુલોક-ભૂલોક પોતપોતાની સીમામાં ખણ્ડિત અને બહુ, પણ તોય એ બધામાં એકનાં દર્શન ક્યાંય થાય છે ખરાં? જ્યાં દરેક પોતપોતાનું વજન જાળવીને ચાલે છે; જ્યાં દરેક સંયમના શાસને નિયન્વિત છે. ભેદથી બહુનો જન્મ થાય છે, પણ સંયમથી બહુની રક્ષા થાય છે. જ્યાં અનેકને ટકીને રહેવાનું હોય ત્યાં સૌને પોતપોતાનું પરિમાણ જાળવીને વજન સંભાળીને ચાલવું પડે. આ સૃષ્ટિમાં સમસ્ત રૂપમાં; એટલે કે સીમામાં, પરિમાણનો જે સંયમ તે સંયમ જ મંગળ, તે સંયમ જ સુન્દર. શિવ પોતે જ છે યતી. આપણે જ્યારે સૈન્યદળને ચાલતું જોઈએ છીએ ત્યારે એક બાજુથી જોઈએ તો સૌ પોતપોતાની સીમા દ્વારા સ્વતન્ત્ર લાગે છે તો બીજી બાજુથી જોતાં સૌ એક નિદિર્ષ્ટ માપ રાખીને, પોતાની મર્યાદા જાળવીને ચાલતા દેખાય છે. એ પરિમાણની સુષમાને કારણે જ આપણે જાણીએ છીએ કે એમના ભેદમાં કોઈ એક પ્રકટ થાય છે. એ એક જેટલો વધુ પરિસ્ફુટ તેટલે અંશે એ સૈન્યદળ વધુ સત્ય. બહુ જ્યારે અસ્તવ્યસ્ત થઈને ટોળે વળીને પરસ્પરને ઠેલંઠેલા કરે અને આખરે એકબીજાને પગ નીચે કચડી નાંખે ત્યારે આપણે બહુને જ જોઈએ, એકને જોઈ શકીએ નહીં; એટલે કે ત્યારે સીમાને જ જોઈએ, ભૂમાને નહીં, ને છતાં આ ભૂમાનું રૂપ જ કલ્યાણરૂપ, આનન્દરૂપ. નર્યું બહુ શું જ્ઞાનમાં, શું પ્રેમમાં કે શું કર્મમાં મનુષ્યને ક્લેશકર જ નીવડે છે, ક્લાન્તિ જ કરાવે છે. આથી મનુષ્ય પોતાનાં સમસ્ત જ્ઞાન, પ્રેમ, પ્રાપ્તિ અને કર્મ દ્વારા બહુની ભીતર રહેલા એકને જ શોધતો હોય છે, નહીં તો એ કશાથી એનું મન માનતું નથી, એને સુખ થતું નથી ને એના પ્રાણ ટકી રહી શકતા નથી. મનુષ્ય એના વિજ્ઞાનમાં બહુમાંથી જ્યારે એકને પામે છે ત્યારે નિયમને પામે છે, દર્શનમાં બહુમાંથી જ્યારે એ એકને પામે છે, ત્યારે તત્ત્વને પામે છે, સાહિત્યમાં અને કળામાં એ બહુમાંથી એકને પામે છે ત્યારે સૌન્દર્યને પામે છે, સમાજમાં બહુમાંથી એ એકને પામે છે ત્યારે કલ્યાણને પામે છે. આમ કરતાં કરતાં મનુષ્ય બહુને સ્વીકારીને તપસ્યા કરે છે એકને પામવાની. આ થઈ આપણી ભૂમિકા. હવે આપણા શિલ્પશાસ્ત્રમાં ચિત્રકળા વિશે શું કહ્યું છે તે જોઈએ. એ શાસ્ત્રમાં કહ્યું છે કે ચિત્રનાં છ અંગ છે: રૂપભેદ, પ્રમાણ, ભાવ, લાવણ્ય, સાદૃશ્ય અને વણિર્કાભંગ. ‘રૂપભેદ’: શરૂઆત થાય છે ભેદથી. પ્રારમ્ભમાં જ મેં ક્હ્યું કે ભેદથી જ રૂપ અસ્તિત્વમાં આવે છે. સૌ પ્રથમ રૂપ પોતાના અનેકવિધ વૈચિત્ર્યથી આપણી નજરે પડે છે. તેથી ચિત્રનો પ્રારમ્ભ રૂપના ભેદથી થાય છે, એકની સીમાથી બીજાની સીમાને જુદી પાડવાથી. પણ કેવળ ભેદમાં તો વૈષમ્ય જ દેખાય. એની સાથે જો સુષમાને નહીં બતાવીએ તો ચિત્રકળા ભૂતનું કીર્તન બની રહે. જગતના સર્જનમાં વૈષમ્ય અને સૌષમ્ય રૂપે રૂપે એકબીજાને સાવ વળગીને રહ્યાં છે; આપણા સર્જનમાં પણ જો એથી જુદું બને તો સૃષ્ટિ રચાય જ નહીં, અનાસૃષ્ટિ થાય. પવન જ્યારે સ્તબ્ધ હોય છે ત્યારે એ સમૂળગો એક હોય છે. એ એકને વીણાના આઘાત કરતાં એ ભાંગીને બહુ થઈ જશે. એ બહુમાં ધ્વનિ જ્યારે પોતપોતાની મર્યાદા જાળવીને રહે ત્યારે સંગીત ઉદ્ભવે, ત્યારે એકની સાથેનો બીજાનો યોગ સુનિયત — ત્યારે જ સમસ્ત બહુ એના વૈચિત્ર્ય દ્વારા એક જ સંગીતને પ્રકટ કરે છે. ધ્વનિ અહીં રૂપ, અને ધ્વનિની સુષમા તે સૂર, એ જ એનું પ્રમાણ. ધ્વનિમાં ભેદ, સૂરમાં એકતા. તેથી જ શાસ્ત્રમાં ચિત્રનાં છ અંગ વિશે વાત કરતાં શરૂઆતમાં ‘રૂપભેદ‘ કહ્યું છે તેની સાથે સાથે જ ‘પ્રમાણાનિ’ એટલે કે પરિમાણને યમકની જેમ રજૂ કર્યાં છે. એથી આપણને સમજાય છે કે ભેદ નહીં હોય તો મેળ થાય નહીં, એટલા સારુ જ ભેદ, ભેદને ખાતર ભેદ નથી; સીમા નહીં હોય તો સુન્દરનો સમ્ભવ નહીં, આથી જ સીમા, નહિ તો સીમાની સાર્થકતા સીમા બની રહેવામાં નથી. ચિત્રમાં આ વાત જાણી લેવી જોઈએ. રૂપને એના પરિમાણ વચ્ચે ખડું કરવું જોઈએ, કારણ કે જે પોતાના સાચા માપથી ચાલવા છતાં આજુબાજુનાં બીજાં સાથે મેળ જાળવી શકે તે જ સુન્દર. જે રૂપ પ્રમાણને સ્વીકારતું નથી તે કુરૂપ, તે સમગ્રનું વિરોધી. જેવું રૂપના રાજ્યમાં તેવું જ જ્ઞાનના રાજ્યમાં. જે યુક્તિ પ્રમાણને સ્વીકારે નહીં તે યુક્તિ જ કુયુક્તિ. એટલે કે સમસ્તની માપપટ્ટીએ જેના માપમાં ઓછુંવત્તું થાય, સમસ્તને ત્રાજવે જેના વજનમાં વધઘટ થાય તે મિથ્યા તરીકે ઉઘાડું પડી ગયા વિના રહે નહિ. કેવળ પોતાનામાં જ પુરાઈ રહીને તો કોઈ સત્ય બની શકે નહીં, તેથી તર્કશાસ્ત્રમાં પ્રમાણ આપવું એટલે એકના માપે બીજાને ચકાસી જોવું. આથી જ આપણે જાણીએ છીએ કે સત્ય અને સુન્દરનો ધર્મ એક જ છે. એક બાજુથી જોતાં એ રૂપની વિશિષ્ટતાએ ચારે બાજુથી પૃથક્ અને પોતામાં વૈચિત્ર્યપૂર્ણ, તો બીજી બાજુથી જોતાં એ પ્રમાણની સુષમાએ ચારે બાજુની સાથે અને પોતામાં સામંજસ્યથી સંકળાયેલું હોય છે. આથી જેમણે ઊંડો પરામર્શ કર્યો છે તેમણે કહ્યું છે કે સત્ય જ સુન્દર છે, સુન્દર જ સત્ય છે. ચિત્રનાં છ અંગની ગણનાની શરૂઆતમાં કહ્યું: રૂપભેદા: પ્રમાણાનિ. પણ આ તો બહિરંગની વાત થઈ. એનું અંતરંગ પણ છે, કારણ કે માણસ કાંઇ આંખથી માત્ર જુએ છે એવું નથી, એ આંખની પાછળ એનું મન રહ્યું હોય છે. આંખ જે જુએ છે તેનું પ્રતિબિમ્બ માત્ર મન જુએ છે એવું નથી. આંખનું ઉચ્છિષ્ટ ખાઈને જ મન ઊછરે છે એવું નહીં કહી શકાય, આંખની છબિ સાથે મન પોતાની છબિ જોડી દે ત્યારે જ એ છબિ મનુષ્યને માટે પૂર્ણતા ધારણ કરે. તેથી જ શાસ્ત્ર ‘રૂપભેદા: પ્રમાણાનિ’ કહીને ષડંગ પૈકીના બહિરંગની વાત પતાવી દઈને અન્તરંગની વાત માંડતાં કહે છે: ‘ભાવલાવણ્યયોજનમ્’, ચહેરાની સાથે ભાવ અને લાવણ્યને યોજવાં જોઈએ, આંખના કામ ઉપર મનના કામને પરિસ્ફુટ કરવાનું રહે છે, કારણ કે નરી કારીગરી સામાન્ય વસ્તુ છે, ચિત્રનું સર્જન થવું જોઈએ, ચિત્રનું મુખ્ય કામ જ ચિત્ત સાથે. ભાવ એટલે શું તે આપણે સહજ જ સમજતા હોઈએ છીએ. તેથી જ એને સમજાવવા જતાં જે કહીશું તે ઊલટાનું સમજવું અઘરું થઈ પડશે. સ્ફટિક જેમ અનેક કોણથી બંધાઈને રૂપ પામે છે તેમ ‘ભાવ’ પણ અનેક અર્થોને પોતાનામાં સમાવીને ઘડાય છે. એમાં મુશ્કેલી એટલી જ કે એના બધા અર્થોને આપણે બધી વાર પૂરેપૂરા ઉપયોગમાં લેતા નથી. ખપ પડે તે પ્રમાણે જરૂરી અર્થચ્છટાને ભિન્ન પર્યાયો સજાવીને, એમાં ઘટતી કાંટછાંટ કરીને અનેક કામે લગાડીએ છીએ. ભાવ એટલે feeling, ભાવ એટલે characteristics, ભાવ એટલે suggestion — એવા કેટલાય અર્થો એમાં રહ્યા છે. અહીં ભાવ એટલે અન્તરનું રૂપ એ અર્થ સમજવાનો છે. તમારો ભાવ જુદો, મારો ભાવ જુદો; એ ભાવને કારણે હું મારા જેવો, તમે તમારા જેવા. રૂપનો ભેદ જેમ બહારનો ભેદ છે, તેમ ભાવ તે અન્તરનો ભેદ છે. રૂપના ભેદ વિશે જે કહ્યું તે જ ભાવના ભેદ પરત્વે પણ સાચું છે. એટલે કે જો એ જિદ્દી બનીને ભેદને જ પ્રકટ કરી રહે તો એ બીભત્સ બની જાય. એના વડે સર્જન નહીં થાય, પ્રલય થાય. ભાવ જ્યારે પોતાની સાચી મર્યાદાને સ્વીકારે, એટલે કે પોતાની ચારે બાજુ જે છે તેને સ્વીકારે, વિશ્વને સ્વીકારે ત્યારે જ મધુર થઈ શકે. રૂપની મર્યાદા જેમ એનું પ્રમાણ, તેમ ભાવની મર્યાદા જ એનું લાવણ્ય. આથી કોઈ રખે એમ માને કે ભાવ કેવળ માનવી પૂરતો જ સાચો છે. મનુષ્યનું મન અચેતન પદાર્થમાં પણ એક અન્તરના પદાર્થને જુએ છે. એ પદાર્થ એ અચેતન વસ્તુમાં ખરેખર છે કે પછી આપણું મન એના પર એનો આરોપ કરતું હોય છે એ તો તત્ત્વજ્ઞાનની ચર્ચાનો વિષય થયો, આપણને એનું કામ નથી. એટલું સ્વીકારી લેવું ઘટે કે સ્વભાવથી જ મનુષ્યનું મન સર્વ વસ્તુને મનની વસ્તુ બનાવી લે છે. તેથી આપણે ચિત્ર જોઈએ છીએ ત્યારે પ્રશ્ન પૂછીએ છીએ: આનો ભાવ શો છે? એટલે કે એમાં હાથની કારીગરીનું નૈપુણ્ય જોયું, આંખે જોવા જેવું વૈચિત્ર્ય પણ જોયું, પણ એમાં ચિત્તનું કયું રૂપ પ્રગટ થાય છે? એક વૃક્ષનું ચિત્ર જોયું, પણ વૃક્ષ તો ઘણાં જોયાં છે. આ વૃક્ષના અન્તરની વાત શી છે? અથવા જેણે એ આંક્યું છે તેના અન્તરની વાત શી છે? આ જો નહીં પામી શકીએ તો વૃક્ષ દોરવાનો ફાયદો શો? અલબત્ત, વનસ્પતિશાસ્ત્રના પુસ્તકના વૃક્ષનો નમૂનો બતાવવો હોય તો વાત જુદી, કારણ કે ત્યાં એ ચિત્ર નથી હોતું, દૃષ્ટાન્ત હોય છે. માત્ર રૂપ કે માત્ર ભાવ આપણને ગોચર થાય છે એટલું જ.‘મને જુઓ’ ‘મને ઓળખો’ એમનો દાવો એટલે સુધી જ પહોંચે. પણ ‘મને રાખો’ એવું કહેવાનો અધિકાર પામવો હોય તો બીજા કશાક વિશેષની પણ અપેક્ષા રહે. મનના દરબારે આમમાં સૌ પોતપોતાનાં રૂપ ને ભાવ લઈને હાજર થાય છે; મન એ પૈકીના કેટલાકને ‘બેસો’ એમ કહે છે; કેટલાકને એ ‘વારુ જાઓ’ કહીને વિદાય કરી દે છે. જેઓ આટિર્સ્ટ(કળાકાર) છે તેમનું લક્ષ્ય એ છે કે એમનો સર્જેલો પદાર્થ મનના દરબારમાં નિત્ય-આસનનો અધિકારી બને. જે કળાકારના સર્જનમાં રૂપ એનાં પ્રમાણથી, ભાવ એનાં લાવણ્યથી પ્રતિષ્ઠિત થઈને આવે છે તે જ ક્લાસિક બની શકે છે, નિત્ય-આસન પામી શકે છે. આથી ચિત્રકળામાં કળાકારનું નૈપુણ્ય રૂપમાં કે ભાવમાં જેટલું નહીં તેટલું પ્રમાણ અને લાવણ્યમાં દેખાય છે. આ સત્ય-મર્યાદાનો અંદાજ પોથીની વિદ્યામાંથી પામી શકાય નહિ. એને સ્વાભાવિક પ્રતિભાની અપેક્ષા રહે છે. દૈહિક મર્યાદાબોધ સહજ થઈ રહે ત્યારે જ ચાલવાનું પણ સહજ બને; ત્યારે જ નવા નવા અન્તરાય હોવા છતાં, રસ્તાની નવી નવી આંટીઘૂંટી છતાં આપણે દેહની ગતિનો અનાયાસે બહારની અવસ્થા સાથે તાલ મેળવીને ચાલી શકીએ છીએ. આ મર્યાદાબોધ જો નરી અન્તરની વસ્તુ ના હોત તો રેલગાડીની જેમ બાંધેલે રસ્તે યન્ત્રની જેમ ચાલવું પડ્યું હોત, એક તસુ પણ આમ કે તેમ ખસીએ તો સર્વનાશ જ વહોરી લેવો પડે. એ રીતે રૂપ અને ભાવ પરત્વેનો જેનો મર્યાદાબોધ અન્તરની વસ્તુ છે, તે જ ‘નવનવોન્મેષશાલિની બુદ્ધિ’ને માર્ગે કળાસૃષ્ટિને ચલાવી જઈ શકે. બાંધેલા રસ્તે એક જ રેખાએ ચાલીને કારીગર બની શકે; એ સીમાની સાથે સીમાનો નવો સમ્બન્ધ કેળવી શકે નહીં. તેથી નવા સમ્બન્ધમાત્રને એ વાઘની જેમ જુએ. એ જે હોય તે, અત્યાર સુધીમાં આપણે ચિત્રનાં છ અંગ પૈકીનાં બે અંગ જોયાં: બહિરંગ અને અન્તરંગ. પાંચમા અંગમાં બાહ્ય અને આંતરિક એક કોઠામાં ભેગાં થઈને રહે છે. તેની હવે આલોચના કરીએ. એનું નામ ‘સાદૃશ્યમ્’. નકલ કરવાથી જે સાદૃશ્ય આવે છે તેની જ હવે વાત આવી એમ કોઈ માને તો એને આ બધી શાસ્ત્રચર્ચા ઠાલી લાગશે. ગાયઘોડાને ગાય અને ઘોડાને રૂપે આંકવાને રેખા-પ્રમાણ-ભાવ-લાવણ્યનું આટલું મોટું ઉદ્યોગપર્વ શા માટે? જો એમ જ હોય તો કોઈ કદાચ એમ પણ માને કે ઉત્તર-ગોગૃહમાંથી ગાયની ચોરીના પ્રસંગને માટે જ ઉદ્યોગપર્વ રચાયું છે, કુરુક્ષેત્રના યુદ્ધને માટે નહીં. સાદૃશ્ય બે પ્રકારનું: એક રૂપની સાથેનું સાદૃશ્ય, અને બીજું ભાવ સાથેનું સાદૃશ્ય. એક બાહ્ય ને બીજું આન્તરિક. બંને એકસરખાં આવશ્યક પણ સાદૃશ્યને મુખ્યતયા બાહ્ય ગણી લઈએ તે નહીં ચાલે. રેખા અને પ્રમાણની વાત બાજુએ રાખીને ભાવ-લાવણ્યની વાત ઉપાડી ત્યારે જ એટલું તો સમજાઈ ગયું કે કળાકારના મનમાં જે ચિત્ર છે તે મુખ્યત્વે રેખાનું ચિત્ર નથી, રસનું ચિત્ર છે. એમાં એવી કશીક અનિર્વચનીયતા રહેલી છે જે પ્રકૃતિમાં નથી. અન્તરના એ અમૃતરસથી ભાવચ્છબિને બહાર દૃશ્યમાન બનાવી શકીએ ત્યારે જ રસ સાથે રૂપનું સાદૃશ્ય પામી શકાય, ત્યારે જ અન્તર સાથે બહારનો મેળ મળે. ત્યારે જ અદૃશ્ય દૃશ્યમાં પોતાનું પ્રતિરૂપ જુએ. ઘણું બધું ચિત્રવિચિત્ર કરવામાં આવે, નૈપુણ્યની સીમા રહે નહીં, પણ અન્તરના રસની છબિની સાથે બહારના રૂપની છબિનું સાદૃશ્ય જળવાય નહીં કાં તો રેખાની ત્રુટિ રહી જાય, કાં તો ભાવની, પરિણામે બંને એકબીજાને સદૃશ થઈ શકે નહીં. વર પણ આવ્યો, કન્યા પણ આવી, પણ અશુભ મુહૂર્તે મિલનનો મન્ત્ર વ્યર્થ બની ગયો, ‘મિષ્ટાન્નમિતરે જના:’, બહારના લોકો તો પેટ ભરીને મિષ્ટાન્ન આરોગીને જયજયકાર બોલાવે, પણ અન્તરના સમાચાર જે જાણે છે તેને તો ખબર પડી જ ગઈ હોય છે કે બધું ધૂળભેગું થઈ ગયું. આંખને ભોળવી નાંખનારી ચાતુરી પર જ ઘણા લોકો વારી જાય છે, પણ રૂપને સાથેના રસના સાદૃશ્યનો બોધ જેને છે, દૃષ્ટિપાત કરતાં જ જે સમજી જઈ શકે છે રસનું રૂપ ઠીક પોતાને પ્રકટ કરી શક્યું છે કે નહીં તે જ રસિક. પવન જેમ સૂર્યનાં કિરણને ચારે બાજુ વિખેરી દેવાનું કામ કરે છે તેમ કળાકારનાં સર્જેલાં કળાસૌન્દર્યને સમાજમાં સર્વત્ર પ્રસારી દેવાનો ભાર આ રસિકો પર રહ્યો હોય છે; કારણ કે જે ભરપૂર પામે છે તે સ્વાભાવિક રીતે જ આપ્યા વિના રહી શકતો નથી. એ સમજે છે: તન્નષ્ટમ્ યન્ન દીયતે. સર્વત્ર અને સર્વ યુગમાં મનુષ્યે આ મધ્યસ્થોને સ્વીકાર્યા છે. એઓ ભાવલોકના શરાફ છે; એઓ અનેક બાજુએથી ડિપોઝીટ સ્વીકારે છે. પણ એ દ્રવ્ય બંધ તિજોરીમાં પૂરી રાખવા માટે એમને આપ્યું નથી હોતું. સંસારમાં અનેક કારભારમાં ઘણા લોકો દ્રવ્ય વાપરવા ઇચ્છતા હોય છે, પણ એમની પાસે પોતાની મૂડી પૂરતી હોતી નથી, જો આ શરાફો નહીં હોય તો એમનો કારભાર અટકી પડે. આ રીતે રૂપનો ભેદ પ્રમાણમાં બંધાઈ ગયો, ભાવનો વેગ લાવણ્યમાં સંયત થયો ને ભાવની સાથે રૂપનું સાદૃશ્ય ફલક ઉપર સુસમ્પૂર્ણ થતાં બહિરંગ-અન્તરંગનો પૂરો મેળ પણ સધાયો, આ તો બધું બની ચૂક્યું. આ પછી કશું બાકી રહ્યું ખરું? પણ આપણા શિલ્પશાસ્ત્રની વ્યાખ્યા હજી પૂરી થઈ નથી. દ્રૌપદીને સુધ્ધાં એ વટાવી ગઈ. પાંચને પાર કરી એ છઠ્ઠા અંગ આગળ આવી. એ છે ‘વણિર્કાભંગમ્’- રંગનો મહિમા. અહીં જ ભારે ખટકો લાગ્યો. મારી પાસે એક કળાકાર બેઠા છે. એમની પાસેથી જ મેં આ શ્લોક મેળવ્યો છે. મેં એમને પૂછ્યું કે રૂપ એટલે કે ષડંગની શરૂઆતમાં જે રેખાનો કારભાર છે તે અને રંગની ભંગી જેને અન્તમાં સ્થાન મળ્યું છે તે — ચિત્રકળામાં આ બેમાં કોનું પ્રાધાન્ય? એમણે કહ્યું: ‘એ તો કહેવું સહેલું નથી.’ એમને માટે તો એ અઘરું જ કહેવાય. એ બંને પ્રત્યે એમના હૃદયનું એકસરખું આકર્ષણ, તો આવે પ્રસંગે નિરાસક્ત મનથી વિચાર કરવા બેસી શકાય નહીં. હું અવ્યવસાયી છું, આથી બહારથી જોઈને વસ્તુનો નિર્ણય કરવાનું મારે માટે સહેલું છે. રંગ અને રેખા વડે જ આ સૃષ્ટિનાં સકળ રૂપ આપણી નજરે ચડે છે. એમાં રેખા રૂપની સીમા આંકી આપે છે. એ સીમાનો નિર્દેશ જ ચિત્રની પ્રધાન વસ્તુ છે. અનિદિર્ષ્ટતા ગીતમાં છે, ગન્ધમાં છે, પણ ચિત્રમાં એ ટકી શકે નહીં. તેથી જ માત્ર રેખાપાતથી ચિત્ર આંકી શકાય, પણ કેવળ વર્ણપાતથી ચિત્ર થઈ શકે નહીં, વર્ણ રેખાનો આનુષંગિક છે. ધોળા ઉપર કાળું ટપકું, આ થઈ ચિત્રની શરૂઆત. આપણે સૃષ્ટિમાં જે આંખે જોઈએ છીએ તે અસીમ પ્રકાશના શ્વેત ઉપરનો સસીમનો ડાઘ છે. આ ડાઘ પ્રકાશની વિરુદ્ધ છે તેથી એ એની ઉપર ફૂટી ઊઠે છે. તેજનું ઊંધું તે કાળાશ, તેજના વક્ષ ઉપર એ વિહાર કરે છે. કાળાશ પોતે પોતાને બતાવી શકતી નથી. એ પોતે તો માત્ર અન્ધકાર છે. ખડિયામાંની શાહીની જેમ. શ્વેત ઉપર એ ડાઘ પડતાંની સાથે જ મિલનની રેખા દેખાવા માંડે. શ્વેત પ્રકાશનો પટ વૈચિત્ર્યહીન અને સ્થિર, એની ઉપર કાળી રેખાનું વૈવિધ્યપૂર્ણ નૃત્ય છન્દે છન્દે ચિત્રરૂપે પ્રકટ થતું જાય છે. શુભ્ર અને નિ:સ્તબ્ધ અસીમ રજતગિરિના જેવું હોય છે, એના વક્ષ ઉપર કાલીનો પદક્ષેપ ચંચલ થઈ ઊઠીને સીમાએ સીમાએ રેખાએ રેખાએ એક પછી એક ચિત્રની છાપ ઉપસાવ્યે જાય છે. કાળી રેખાના આ નૃત્યનો છન્દ જોડે જ ‘રૂપભેદા: પ્રમાણાનિ’નો સમ્બન્ધ. નૃત્યના વૈવિધ્યપૂર્ણ પદક્ષેપ તે રૂપનો ભેદ, અને એના છન્દનો તાલ એ પ્રમાણ. તેજ અને છાયા અથવા તેજ અને તેજનો અભાવ: આ બેનું નિતાન્ત દ્વન્દ્વ. રંગો એમાં મધ્યસ્થનું કામ કરે. એઓ જાણે વીણાના આલાપની મીંડ. એ મીંડથી સૂર જાણે સૂરથી અતીત જે રહ્યું છે તેને ક્રમેક્રમે ઇશારાથી ચીંધતું જાય છે, ભંગીએ ભંગીએ સૂર પોતાને અતિક્રમીને આગળ વધે છે. એવી જ રીતે રંગની ભંગીથી રેખા પોતાને અતિક્રમી જાય છે; રેખા જાણે અ-રેખાની દિશામાં ઇશારો કરતી હોય એમ લાગે છે. રેખા સુનિદિર્ષ્ટ વસ્તુ છે, અને રંગ નિદિર્ષ્ટ-અનિદિર્ષ્ટ વચ્ચેનો સેતુ છે, સફેદ અને કાળાની વચ્ચેના અનેકવિધ આલાપની મીંડ છે. સીમાના બન્ધનમાં બંધાયેલી કાળી રેખાના તારને સફેદ જાણે ખૂબ તીવ્ર કરીને પોતાના તરફ ખેંચે છે, આથી કાળો રંગ કઠોરતામાંથી અત્યન્ત કોમળતામાં થઈને રંગેરંગે અસીમને સ્પર્શ કરતો જાય છે. તેથી કહું છું કે રંગ, રેખા અને અ-રેખા વચ્ચેની સમસ્ત ભંગી છે. રેખા અને અ-રેખાનું મિલન થતાં જે ચિત્ર સર્જાય છે તે ચિત્રમાં આ મધ્યસ્થની આવશ્યકતા રહે છે. અ-રેખ શ્વેતના વૃક્ષ ઉપર જ્યાં રેખા-કાલીનું નૃત્ય થાય છે ત્યાં રંગ યોગિની બની રહે છે. શાસ્ત્રમાં ભલે ને એની વાત સૌથી છેવટે કરી હોય, તેથી કાંઈ એનું મહત્ત્વ જરાય ઓછું થઈ જતું નથી. પહેલાં કહી ગયો કે સફેદની ઉપર માત્ર રેખા આંકવાથી ચિત્ર થાય, પણ સફેદની ઉપર માત્ર રંગથી ચિત્ર થાય નહીં. એનું કારણ રંગની મધ્યસ્થતા છે; બે પક્ષની વચ્ચે નહિ હોય તો કોઈ સ્વતંત્ર જગ્યાએ એને કશો અર્થ જ હોતો નથી. તો આ થઈ વણિર્કાભંગની વાત. ચિત્રનાં આ છ અંગ સાથે કવિતાનો કેવી રીતે મેળ ખાય છે તે બતાવતાં આ વાત કદાચ સમજવી સહજ થઈ પડશે. ચિત્રનું સ્થૂલ ઉપાદાન જેમ રેખા છે તેમ કવિતાનું સ્થૂલ ઉપાદાન વાણી છે. સૈન્યદળની ચાલની જેમ આ વાણીની ચાલને એની આગવી મર્યાદા છે, એનું આગવું પ્રમાણ છે, ને એ છે એનો છન્દ. એ વાણી અને વાણીનું પ્રમાણ તે બહારનાં અંગ, એના અન્તરંગ તે ભાવ અને માધુુર્ય. આ બહિરંગ અને અન્તરંગનો મેળ સાધવો જોઈએ. બહારની વાત અંદરના ભાવની સદૃશ થવી જોઈએ; એમ થાય તો જ સમસ્ત મળીને કવિનું કાવ્ય કવિની કલ્પનાનું સાદૃશ્ય પ્રાપ્ત કરી શકે. બહારનું સાદૃશ્ય અથવા રૂપ સાથેનું રૂપનું સાદૃશ્ય, જે કાંઈ દેખી શકાય છે તેટલાનું જ ગોઠવીમઠારીને વર્ણન કરવું તે કવિતાનું પ્રધાન કર્તવ્ય નથી. એ કવિતાનું લક્ષ્ય નથી, ઉપલક્ષ્ય માત્ર છે. આથી વર્ણના માત્ર જ જે કવિતાનું પરિણામ હોય તેને રસિકો ઊંચા પ્રકારની કવિતા ગણતા નથી. બહારને અંદરનું બનાવીને જોવું અને અંદરનાને બહારનાં રૂપે વ્યક્ત કરવું એ જ કવિતા અને સમસ્ત કળાનું લક્ષ્ય છે. સર્જક પોતાની પરિપૂર્ણતાને આધારે જ સર્જન કરતો હોય છે, એ સિવાય બીજો કશો ઉપસર્ગ એને હોતો નથી. પણ બહારની સૃષ્ટિ મનુષ્યની અંદરના તારને હલાવીને જે એક માનસ પદાર્થને ઉપજાવે છે, એક રસના સૂરને ઝંકૃત કરે છે ત્યારે એનાથી રહી શકાતું નથી, એને બહારનું રૂપ આપીને સર્જવાની એને ઇચ્છા થઈ આવે છે. મનુષ્યના સમસ્ત સર્જનના પ્રારમ્ભમાં આ જ વાત રહેલી છે. તેથી જ મનુષ્યના સમસ્ત સર્જનમાં અંદર અને બહાર વચ્ચેના ઘાતપ્રતિઘાત રહ્યા હોય છે. તેથી જ મનુષ્યના સર્જનમાં બહારના જગતનું આધિપત્ય રહ્યું હોય છે. પણ એનું જો એકાધિપત્ય હોય, પ્રકૃતિનો પાલવ ઝાલીને ચાલવું એ જ કળાકારનું કર્તવ્ય બની રહેતું હોય તો એનાથી કશું સર્જન થાય જ નહીં. શરીર બહારનું ખાદ્ય ખાય છે ખરું, પણ તેનું અવિકૃત વમન કરવાને નહીં, પોતામાં એનું રૂપાન્તર કરીને એને આત્મસાત્ કરી લેવાને. ત્યારે એ જ ખાદ્ય એક તરફથી રસરક્તરૂપે બાહ્ય આકાર અને બીજી તરફથી શક્તિસ્વાસ્થ્ય સૌંદર્યરૂપે આંતર આકાર ધારણ કરે છે. આ જ શરીરનું સર્જનકાર્ય છે. મનનું સર્જનકાર્ય પણ એવું જ હોય છે. એ બહારના વિશ્વને રૂપાંતર દ્વારા જ્યારે પોતાનું કરી લે છે ત્યારે એ માનસપદાર્થ એક તરફથી વાક્ય રેખા સૂર વગેરે બાહ્ય આકાર ધારણ કરે છે ને બીજી તરફથી સૌન્દર્ય શક્તિ વગેરે આંતર આકારને ધારણ કરે છે. આ જ મનનું સર્જન, જે જોયું તેને જ અવિકલ રજૂ કરવું તેનું નામ સર્જન નહીં. ત્યાર પછી ચિત્રમાં જેમ ‘વણિર્કાભંગમ્’ તેમ કવિતામાં વ્યંજના suggestiveness. આ વ્યંજના દ્વારા વકતવ્ય પોતાના અર્થને ઉલ્લંઘી જાય છે. એ જે કહે છે તેનાથી એ વધુ કહેતું હોય છે. આ વ્યંજના વ્યક્ત અને અવ્યક્તની વચ્ચેના આલાપની મીંડ છે. કવિના કાવ્યમાં આ વ્યંજના વાણીના નિદિર્ષ્ટ અર્થ દ્વારા નહીં પણ વાણીની અનિદિર્ષ્ટ ભંગી દ્વારા, એટલે કે વાણીની રેખા દ્વારા નહીં, એના રંગ દ્વારા સર્જાય છે. મુદ્દાની વાત એ કે સાચા અર્થમાં જે કળા છે તે સમસ્તમાં એક બહારનું ઉપકરણ અને એક ચિત્તનું ઉપકરણ: આ બે હોવાં જ જોઈએ. એક રૂપ અને બીજો ભાવ. આ ઉપકરણને સંયમથી બાંધીને આકાર આપવાનો રહે; બહારનું બંધન તે પ્રમાણ, અંદરનું બંધન એ લાવણ્ય. અંદરબહારનાં આ ઉપકરણોને આપણે શા માટે એક કહીએ છીએ? સાદૃશ્ય માટે. કશાકની સાથેનું સાદૃશ્ય? ના, ધ્યાનરૂપ સાથે કલ્પવૃક્ષનું સાદૃશ્ય. બહારના રૂપ સાથેનું સાદૃશ્ય જો મુખ્ય લક્ષ્ય હોય તો ભાવ અને લાવણ્યની જરૂર ન રહે એટલું જ નહિ, ઊલટાનાં એ વિરોધી બનીને ઊભાં રહે. આ સાદૃશ્યને વ્યંજનાના રંગે રંગી શકીએ તો સોનામાં સોહાગ, કારણ કે ત્યારે એ સાદૃશ્યથી મહાન બની રહે ત્યારે એ કેટલું કહે છે તેની સ્વયં રચયિતાને પણ ખબર હોતી નથી, ત્યારે સર્જકનું સર્જન તેના સંકલ્પને ઉલ્લંઘી જાય છે. આમ ચિત્રનાં છ અંગ તે કળામાત્રના અથવા આનન્દરૂપનાં પણ છ અંગ છે તે આપણે જોઈ શકીએ છીએ. (સંચય)