રવીન્દ્રપર્વ/૭૧. ઓ આમાર દેશેર માટિ
Jump to navigation
Jump to search
૭૧. ઓ આમાર દેશેર માટિ
હે મારા દેશની માટી, હું તારા પર મારું મસ્તક અડાડું છું. તારા પર જ વિશ્વમયીનો, વિશ્વમાતાનો ખોળો પાથરેલો છે. તું મારા દેહ જોડે ભળી ગઈ છે, તું મારા પ્રાણ મન જોડે એકાકાર થઈ ગઈ છે. તારી આ શ્યામવર્ણ કોમળ છબી મારા મનમાં ગુંથાઈ ગઈ છે. તારે ખોળે મારો જન્મ થયો, તારી છાતી પર જ મારું મરણ થશે. તારા પર જ હું સુખેદુ:ખે રમતો રહીશ. તેં મારા મોઢામાં અન્ન મૂક્યું, તેં શીતળ જળથી મને શાતા આપી. તું બધું જ સહેનારી, બધો જ (ભાર) વહેનારી માતાની પણ માતા. તારું મેં ઘણું બધું ખાધું છે, તારું મેં ઘણું બધું લીધું છે. તોય મેં તને શું દીધું છે તે હું જાણું નહીં. મારો જન્મ તો મિથ્યા કામકાજમાં ગયો. મેં તો ઘરમાં જ દિવસો ગાળ્યા. હે શક્તિદાતા, તેં મને નાહક શક્તિ આપી. (ગીત-પંચશતી)