રસસિદ્ધાંત—એક પરિચય/કૃતિ-પરિચય
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને માર્ગદર્શક પણ અધિકૃત અભ્યાસ-સામગ્રી સુલભ કરી આપવાના ઉદ્દેશથી તે તે વિષયના અધિકારી વિદ્વાનો પાસે ગ્રંથો તૈયાર કરાવવાની ઉત્તમ પ્રણાલી ઊભી કરી હતી. એ પ્રકલ્પમાં પ્રમોદકુમાર પટેલનો આ લઘુગ્રંથ રસસિદ્ધાંત જેવા સંકુલ વિષયને વિશદ રીતે રજૂ કરવાનો એક પ્રશસ્ય પ્રયત્ન છે. આચાર્ય ભરતથી લઈને ઘણા વિદ્વાનો સુધી વિસ્તરેલી ‘રસ’-મીમાસાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું એક અત્યંત ઉજ્જ્વલ પ્રકરણ છે. પૂર્વપક્ષ–ઉત્તરપક્ષની, સંસ્કૃત વિવેચનાની, ઉદાહરણીય તત્ત્વવિચારણાને એ આલેખે છે. પ્રમોદકુમાર પટેલે ગ્રંથના પહેલા પ્રકરણમાં રસવિચારની ‘ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિ’ તરીકે માંડણી કરી છે ને પછી અલંકારશાસ્ત્રના સંદર્ભે રસમીમાંસા આદિની પહેલાં ચાર પ્રકરણોમાં સ્પષ્ટરેખ સમજૂતી આપી છે. ‘રસ’–ચર્ચાના કેન્દ્રમાં રહેલા ભરતમુનિના જાણીતા રસસૂત્રને ને એની વિચારણાને આલેખીને પછી, છેલ્લા પ્રકરણમાં પ્રમોદભાઈએ ક્રમશઃ ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ તૌત, આનંદવર્ધન, ભટ્ટનાયક અને અભિનવગુપ્તની ચિકિત્સક વિચારણાઓને એની સંકુલ દાર્શનિક ભૂમિકા સાથે, પૂરાં સમજ અને સ્પષ્ટતાથી આલેખીને એક સંગીન માર્ગદર્શક રેખા એના નવ-અભ્યાસીઓ માટે આંકી છે. નાનકડો લઘુગ્રંથ તૈયાર કરવા માટે પણ એમણે ૨૫–૩૦ સંદર્ભગ્રંથો અને સંદર્ભલેખોને તપાસ્યા છે એ આ વિવેચકની અભ્યાસનિષ્ઠાનો પરિચય આપે છે. સર્વસામાન્ય જિજ્ઞાસુઓને પણ આ લઘુગ્રંથમાંથી પસાર થવાનું ગમશે.
– રમણ સોની