રાજેન્દ્ર પટેલની કવિતા/વસ્તુઓનું તૂટવું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯. વસ્તુઓનું તૂટવું

ક્યારેક આપણાથી
વસ્તુઓ તૂટતી હોય છે
તૂટ્યા વગર.
વૃદ્ધ ‘મા’ના મોંની કરચલીઓ તેની ચાડી ખાય,
સવારના પ્હોરમાં વેરાયેલાં પાંદડાં
વાત વહેતી મૂકે,
દીવાલમાં પડેલી તિરાડ આંખ બની તગતગે,
કોઈને હુલાવેલા શબ્દો
લોહીલુહાણ થઈ કણસ્યા કરે... અને આમ,
કોઈ પણ પગરવ વગર વસ્તુઓ
અગણિત રજકણો બની
ઘૂમરાયા કરે, આપણી આસપાસ.
અને
વધતી ઉંમરની જેમ,
પડતર જમીનની જેમ,
બરડ હાડકાંની જેમ,
વસ્તુઓ તૂટી તૂટીને પડઘાતી રહે અવિરત.
પૃથ્વીમાં પડતી તરડથી
પ્લાસ્ટિક તરડાઈ જવા સુધી
બધુંય તૂટતું હોય છે,
ફરી ફરીને
તૂટી તૂટીને
અથવા
તૂટ્યા વગર.
પછી તિરાડમાં
હવા, ભેજ ને અજવાળું નૃત્ય કરે.
અવકાશ લીલા કરે
એકમાંથી અનેક
અને અનેક બની જાય એકાકી
ને પાછું કશુંક તૂટે
તડાક... તડ... તડ... કરતું.

વળી, તે વેરવિખેર થઈ
શ્વાસ ઉચ્છ્‌વાસમાં વહેવા માંડે.
ધીરે ધીરે ધરતીના કણ કણમાં ભળવા માંડે.
અજાણી ઉલ્કા પડ્યે જાય.
ફળ સડ્યે જાય.
ફૂલ કરમાઈને નીચે પડ્યે જાય,
ઉપરથી નીચે ને
નીચેથી અંદર
બધુંય તૂટે, ચુપચાપ.
વસ્તુઓ તૂટતી હોય છે આપોઆપ
અથવા
ફરી ફરીને તોડતું હોય છે કશુંક ને કશુંક.
તે બે-લગામ ઘોડાની જેમ
ધસી જાય એકમેક પર,
મૃતાત્મા બની લુપ્ત થાય,
પોતાની અંદર
પોતાની વડે.
ઘણી વાર
વસ્તુઓ આમ સમજતાં સમજતાં
તૂટી જતી હોય છે
કશું જ કર્યા વગર.
પણ વસ્તુ એ વસ્તુ છે.
તે રહે છે અકબંધ
આપણા અવાજમાં
અવાજ વસ્તુઓને વિસ્તારે છે
તેથી સ્તો, વસ્તુઓ તૂટતી નથી
અવાજના ઉજાસમાં.

વસ્તુઓ હમેશાં તૂટીને
અવાજ રૂપે, ઉજાસ વેરે છે
આપણા ખ્યાલ બહાર.