રાજેન્દ્ર પટેલની કવિતા/બાપુજીનું પહેરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. બાપુજીનું પહેરણ

આ ધુળેટીએ
રંગાઈ જવાના ડરે
બાપુજીનું જૂનું પહેરણ પહેર્યું.

અને એમના શબ્દો યાદ આવ્યા
દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય,
પણ ચોખ્ખું રાખજે.

દિવસભર રંગાઈ ગયા પછીયે
પહેરણ ખરે જ ચોખ્ખું,
કપાસના ફૂલ જેવું હળવું લાગતું હતું.

સાંજ પડ્યે સમજાયું
આ પહેરણ તો
ના પહેરીનેય પહેરાય એવું,
અને એક વાર પહેર્યા પછી
ક્યારેય ના ઊતરે એવું હતું.

સવારે રોજની જેમ
ઇસ્ત્રીબંધ નવું ખમીસ પહેર્યું
તોય લાગતું રહ્યું
પેલું પહેરણ તો જાણે
હાડમાં હાજરાહજૂર છે!