રાજેન્દ્ર પટેલની કવિતા/સાદરાનો નદીકાંઠો- ૨૦૦૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૫. સાદરાનો નદીકાંઠો-૨૦૦૮

[વસંતતિલકા]

જુઓ અહીં, વહી રહી નદી રિક્તકાંઠે,
કાલે હતી સભર, આજ ઊભી અભાવે.
કોઈ નથી વિહગ, કોઈ નથી જ બાળા
પાણી ભરી ઘરભણી જતી ધીમી ચાલે,
ઊભી નથી રમણી કોઈની રાહ જોતી.
વાગોળતી ગતપળો શિશુના ધુબાકા,
જાણે સરે ફક્ત રેતી બની તરાપો,
કાંઠો હવે અકળનાં પગલાં ઉકેલે.

જોઈ નદી જળવિહીન અવાક ચિત્તે
યાદે ચડી નગરની રમણી ભિખારી,
રસ્તે જતાં પડી હતી નજરે બીચારી,
જોતી હતી ઉસર જીવન નિજ કાંઠે.

સૂતાં અદીઠ જળને પળમાં હલાવી
બંને વહે અચલ અંત ભણી અકાળે.