રાધે તારા ડુંગરિયા પર/જગન્નાથનો રથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જગન્નાથનો રથ

ભોળાભાઈ પટેલ

અષાઢી બીજ * જગન્નાથનો ઉજાગરો
સૂર્યનો રથ * કોણાર્કની પ્રથમ
મુલાકાત * કામદેવતાનું કદંબ વૃક્ષ

અષાઢી બીજ એટલે રથયાત્રાનું મહા પર્વ. ગોકુળ-વૃન્દાવન છોડી કૃષ્ણ-બલરામ અક્રૂર સાથે રથમાં બેસી મથુરા સિધાવ્યા. એ મહાન ઘટનાની સ્મૃતિ આ પર્વ સાથે જોડવામાં આવે છે. અમદાવાદમાં આ વર્ષે જગન્નાથનો રથ રાજમાર્ગો પર સરકારની અનુમતિ ન મળવા છતાં નીકળ્યો. કંસ આદિ દુષ્ટોના દલન માટે વૃન્દાવનની લીલા છોડી કૃષ્ણ મથુરા ગયા હતા, ‘માથુર’ થયા હતા.

સુદૂર પૂર્વમાં ઓડિશાના સાગરકાંઠે પુરીમાં અષાઢી બીજે જગન્નાથજીની વિરાટ રથયાત્રા નીકળી હશે. એ વિરાટ રથયાત્રાની અહીં બેઠાં કલ્પના કરતાં બરાબર એક દાયકાનો સમયપટ સરી જાય છે અને હું દશ વર્ષ પહેલાંની એક અષાઢી બીજની સવારે જાણે જગન્નાથપુરી પહોંચી જાઉં છું.

યોગાનુયોગ જ, અમદાવાદથી નીકળ્યો ત્યારે અંદેશો પણ નહોતો કે અષાઢી બીજની રથયાત્રાના પવિત્ર દિવસે હું જગન્નાથ પુરીમાં હોઈશ, કેમ કે હું જવા તો નીકળ્યો હતો ભુવનેશ્વર. અષાઢને પહેલે દિવસે હું ભુવનેશ્વર પહોંચ્યો, તે પછી રથયાત્રાને દિવસે કોઈ ભુવનેશ્વર રહે? અમે મિત્રો ઊપડ્યા પુરીની દિશા ભણી. એ વખતે માત્ર ઓડિશાના જ નહિ, દેશના અનેક ભાવિકો, સંતો, સાધુઓ રથમાં બિરાજેલા પ્રભુ જગન્નાથનાં દર્શન કરવા પુરી પહોંચી જતા હોય છે. મંદિરમાં જગન્નાથ પ્રભુનાં દર્શન કરનારને પુણ્ય મળે છે જરૂર; પણ રથયાત્રાને દિવસે રથમાં એ જગન્નાથનાં દર્શન કરનારને તો મોક્ષ મળી જાય છે. એટલે આડા દિવસોમાં પણ યાત્રિકોની ભીડથી ભરેલી પુરી અષાઢી બીજને દિવસે તો રીતસરની છલકાય છે.

મોક્ષનો ચમત્કાર સાચો હશે કે નહિ તે તો જગન્નાથ જાણે; પણ મુમુક્ષુઓની આ ભીડ ખરેખરને પ્રત્યક્ષ ચમત્કાર છે. ભારતદેશમાં જ કદાચ આવો ચમત્કાર જોવા મળે – કોઈ કુંભમેળાના પર્વમાં કે આવી રથયાત્રાના પર્વમાં.

અષાઢ આવે તે પહેલાં જ વરસાદ વરસી ગયો હતો અને આકાશમાં હજી વાદળ હતાં. મેઘભીનો દિવસ રમણીય લાગતો હતો. દ્વાપર યુગમાં આવા જ એક દિવસે વૃન્દાવન આંસુભીનું હશે. ત્યારે બચપણની જમુનાકુંજોની લીલાઓ છોડી યૌવનના કઠોર કર્તવ્યના માર્ગે કૃષ્ણ-બલરામનો રથ સિધાવ્યો હશે. પાછળ ભાંભરતી ગાયો, રુદન કરતી ગોપાંગનાઓ, ઉદાસ ગોવાળિયા અને એકાકી બંસીવટ રહી ગયાં હશે. મૈયા યશોદા અને વૃન્દાવનવિહારિણી રાધાની વાત જ શી? વૃન્દાવન તો સૂનું, વૃન્દાવનવાસીઓનાં હૃદય પણ સૂનાં સૂનાં.

રથયાત્રા વિજયનું પ્રતીક છે એટલે એક રીતે જગન્નાથની રથયાત્રા ધર્મસંસ્થાપનાની વિજયયાત્રા છે.

ભીડ વચ્ચે પણ પુરીના મંદિર આગળથી શરૂ થતા ખૂબ પહોળા મુખ્ય માર્ગ [ઓડિયામાં કહે છે ‘બડ દાંડ’] પર રંગીન વસ્ત્રોથી આવૃત શિખરબંધી મંદિરઘાટના પીળા પટ્ટાવાળા, ફરફરતી ધજાવાળા વિશાળ રથ દૂરથી દેખાયા. એ મુખ્ય માર્ગની બંને બાજુનાં મકાનની ગૅલેરીઓ, બાલ્કનીઓ, અગાશીઓ દર્શન-ઉત્સુક સ્ત્રીઓ, પુરુષો, બાળકોના ચહેરાઓથી ભરેલી હતી: માઇકો પરથી વહેતા ઘોંઘાટનો પાર નહોતો. રસ્તા પર તો હૈયેહૈયું દળાય એવી ભીડ.

રથ જ્યાં ઊભા હતા, તે તરફ તો ભીડ વધારે હોય જ. નજીક પહોંચ્યા ત્યારે જોયું કે આ તે રથ કે પૈડાં પરનાં જંગમ કાષ્ઠમંદિર? ત્રણ રથ હતા. સૌથી મોટો જગન્નાથનો રથ. આ રથને લાકડાનાં સોળ પૈડાં. રથ આગળ લાકડાના ચાર ઘોડા પણ ખરા, રથ ઉપર અનેક પંડાઓ, પૂજારીઓ પૂજાની સામગ્રી લઈ, આરતીનાં ઉપકરણો લઈ ઊભા હતા. જગન્નાથનો આ રથ નન્દિઘોષ કે અરુણધ્વજ કહેવાય છે. બીજો રથ બલભદ્રનો છે. એને તાલધ્વજ કહે છે. એ રથને ચૌદ પૈડાં. ત્રીજો રથ વચ્ચે સુભદ્રાનો. બાર પૈડાંનો એ રથ પદ્મધ્વજ કહેવાય છે. ત્રણે રથ વચ્ચે ખાસ્સું અંતર. અષાઢી બીજ આવવાની થાય તે પહેલાં કેટલાય દિવસોથી રથ ઘડાવા શરૂ થઈ જાય. દર વર્ષે આ રથો લાકડામાંથી ઘડાય છે.

બીજની રથયાત્રા પહેલાં જેઠ પૂર્ણિમાએ જગન્નાથનો સ્નાન સમારોહ હોય છે. તે પછી જગનાથનાં દર્શન રથયાત્રાની એ સાંજે થાય. એ દર્શનનું ભક્તોને ઘણું બધું માહાત્મ્ય.

હિન્દુધર્મનાં ચાર પવિત્રધામમાં આપણે જગન્નાથપુરીને ગણીએ છીએ. પણ ઓડિશાના લોકો માટે તો જાણે જગન્નાથ એકમાત્ર દેવતા. એડિસાના ધર્મ, ઇતિહાસ, સંસ્કૃતિ – અરે, ઓડિશાની અસ્મિતા – એનું કેન્દ્ર છે આ ભગવાન જગન્નાથ.

માનવભીડ વચ્ચે રથ ઊભા હતા. એ રથ ખેંચવાનાં જાડાં મજબૂત અને લાંબાં દોરડાં પકડીને અનેકો આતુર ઊભા હતા. હવે તો રાજાઓ ક્યાં રહ્યા? પણ પુરીના ગજપતિ રાજાઓનું જગન્નાથના મંદિર સંદર્ભે હજી પણ સૌ સમ્માન કરે છે. ગજપતિ રાજાઓ જગન્નાથના અનન્ય ઉપસકો રહ્યા છે. એ ‘છેરા પહરા’ કરે એટલે કે સોનાની સાવરણીથી પ્રભુના રથને સાફ કરે, પ્રભુને ચંદનલેપ કરે, પછી રથ ઊપડે. અવશ્ય એ વિધિ તો પ્રતીકાત્મક જ. ભીડમાં એ વિધિ જોવા ન મળી.

એટલામાં તો યાત્રીઓના કોલાહલ, માઇકોના ઘોંઘાટ આદિને દબાવી દેતો એકસાથે ઘંટનાદ શરૂ થયો. એની સાથે ઢોલ, ઝાંઝ, પખવાજ બજી ઊઠ્યાં. ‘હરિઓમ્’ ગગનભેદી જયઘોષ ઊઠ્યો. આ એકાએક ઊઠેલા તુમુલ નાદથી મારી રગોમાં વેગથી લોહી ધસવા લાગ્યું. સમગ્ર અસ્તિત્વમાં ઝણઝણાટી અનુભવી. રથનાં દોરડાં, જે યાત્રીઓના હાથમાં ઢીલાં હતાં, તે તંગ થયાં, ખેંચાવા લાગ્યાં અને સોળ પૈડાંનો વિરાટ રથ ‘બડ દાંડ’ પર જયઘોષો સાથે સરવા લાગ્યો. પાછળ બીજા બે રથ પણ. એકએક રથ પર શતાધિક પૂજારી પંડાઓ છૂટા ફેંકાતા દ્રવ્યનો મધુર પ્રહાર ઝીલતા, કીર્તન કરતા, વાજિંત્રો વગાડતા નાચતા હતા.

દર્શનાર્થી યાત્રીઓ રથ ખેંચવા ધસવા લાગ્યા. પોલીસની કઠોર વ્યવસ્થાના નિયંત્રણમાં રહીને પણ આવો અવસર જવા દેવાય? રથમાં જગન્નાથ પ્રભુની મૂર્તિનાં અલપઝલપ જ દર્શન પમાયાં, ભીડમાં ભીડ બની હુંય એક દોરડા ભણી ધસ્યો, અને દોરડું હાથમાં લીધું, પણ આ શું? મને એવું લાગ્યું કે મેં તો માત્ર દોરડાને સ્પર્શ જ કર્યો છે, એને ખેંચતો નથી; પણ દોરડું પકડીને ચાલું છું, અને રથ તો ખેંચાયે જાય છે. એ થોડી ક્ષણો મારી ચેતના જગન્નાથનાં દર્શનઘેલી ભીડમાં એકરૂપ હતી. હું રોમહર્ષિત હતો. એ અનુભૂતિ એ જ કદાચ ચમત્કાર. આ યાત્રિકસમૂહ ભાવનાના એક વિરાટ મોજા પર તરંગિત લાગે. લાખ્ખો હૃદય એકતાર થઈ ગયાં લાગે.

રથ ગુંડિચામંદિર તરફ સરકવા લાગ્યા, એની સાથે ભીડ પણ. અષાઢી એકાદશી સુધી પ્રભુ ત્યાં રહેશે, દશ દિવસ પછી પુનઃ મંદિરમાં પ્રતિષ્ઠિત થશે. મને થયું, મૂર્તિઓ વિનાનું મંદિર કેવું લાગતું હશે? એટલે ભીડથી અળગા થઈ મેં ત્યાં જ મંદિરમાં જવાનું વિચાર્યું. વિશાળ પ્રાંગણ. આજે લગભગ ખાલી. મંદિરની અંદર ગયા; પણ બધું ખાલી ખાલી. જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણે ઉપાસ્ય દેવતા તો રથમાં બિરાજેલા હતા. અહીં સૂનું સૂનું લાગતું હતું. જાણે ખરે જ કોઈ અહીંથી હમણાં ગયું છે! કૃષ્ણ-બલરામ જ્યારે વૃન્દાવનથી મથુરા જવા રથમાં બેસી નીકળી પડ્યા હશે ત્યારે જશોદાનું ઘર આમ જ સૂનું બની ગયું હશે. એક જુદી જ લાગણી મૂર્તિઓ વિનાના સૂના ગર્ભગૃહને જોતાં થઈ.

આ મૂર્તિઓની, આ મંદિરની વાતો તો અદ્ભૂત છે. એ બધાનો વિચાર કરતો હું એક સાંકડી ગલીને માર્ગે સમુદ્ર પાસે પહોંચી ગયો. આ ક્ષિતિજ વિસ્તીર્ણ સમુદ્રને જોતાં થયું કે જગન્નાથનો રથ ખેંચતી પેલી ધર્મઘેલી જયઘોષ કરતી ભીડનું પ્રતિરૂ૫ આ ઊછળતો ગર્જતો સાગર છે કે આ સાગરનું પ્રતિરૂપ પેલી ભીડ? જગન્નાથના આ સાગરમાં રથયાત્રાના પર્વટાણે સ્નાન કર્યા વિના કેવી રીતે રહી શકાય?

જગન્નાથજીના મંદિરમાં પરંપરામાં ગવાતા ગીતગોવિંદનું ગાન સાંભળવાની એક ઇચ્છા હતી. કવિ જયદેવે બારમી સદીમાં ગીતગોવિંદની રચના કરી ભક્તિ અને શૃંગારનો અદ્ભુત સમન્વય એ અમર રચનામાં સિદ્ધ કર્યો છે. સ્વયં કવિએ કહ્યું છે કે જો હરિસ્મરણમાં મન રસવાળું હોય અને જો વિલાસકલામાં કુતૂહલ હોય તો મધુર કોમલ કાંત પદાવલિવાળી કવિ જયદેવની એ વાણી સાંભળો. કવિ જયદેવની વાણી અનેક વખત સાંભળી છે, તેનાથીય વધારે વખત વાંચી છે, એ વાણીને ઓડીસી નૃત્યને તાલે મનોહર દેહભંગિમામાં જોઈ છે, રંગરેખામાં અને પથ્થરનાં શિલ્પોમાં આકૃત થયેલી જોઈ છે.

એ વાણીએ ભક્તો, રસિકો, કવિઓ અને કલાકારોને જ મોહિત કર્યા છે એટલું જ નથી, સ્વયં કૃષ્ણ એટલે કે ભગવાન જગન્નાથ જયદેવનું ગીતગોવિંદ સાંભળીને મોહિત થઈ, ગાનારની પાછળ પાછળ ભમ્યા હતા.

વાયકા એવી છે કે બંગાળમાં અજય નદીને કિનારે વસેલા કેન્દ્રુલીમાં જયદેવે ગીતગોવિંદનું ગાન રચ્યું હતું. એની રચના કરતાં કરતાં એક સ્થળ એવું આવ્યું, જ્યાં કૃષ્ણ રિસાઈ ગયેલી રાધાને અનુનય કરે છે, મધુર વચનથી મનાવે છે. કવિએ એવા ભાવની પંક્તિ રચી કે ‘કામદેવતાના વિષને ઉતારનાર’ (સ્મરગરલખંડનમ્) પછી એકાએક અટકી ગયા, ને અજય નદીમાં સ્નાન કરવા ગયા. આવીને જુએ છે તો પછીની પંક્તિ સ્વયં ગોવિંદ કવિવેશે આવીને પૂરી કરી ગયા હતા. ભાવ હવે એમ થયો કે ‘હે રાધા, કામદેવતાના વિષને ઉતારનાર તારો પદ-પલ્લવ મારે માથે આપ.’ દેહિ મે શિરસિ પદપલ્લવમુદારમ્ (બંગાળના વૈષ્ણવોમાં તે આ પંક્તિ ધ્યાનમંત્ર જેવી બની ગઈ છે કેમ કે ત્યાં રાધાભાવ મુખ્ય છે.)

જયદેવનું ગીતગોવિંદ રાગરાગિણીઓમાં બંધાયેલું હતું. જોતાજોતામાં તે અતિ લોકપ્રિય બની કંઠોપકંઠે ગવાવા લાગ્યું. જગન્નાથપુરીમાં નીલશૈલ પર પ્રતિષ્ઠિત ભગવાનને હાર ચઢાવવા ફૂલ વીણતી માલણને કંઠે આ ગાન જગન્નાથે સાંભળ્યું. પોતાની જ પ્રીતિનું ગાન સાંભળી ભગવાન જગન્નાથ મુગ્ધ થઈ ગયા. એ સાંભળવા માલણ જ્યાં જ્યાં ફૂલ વીણવા જતી તેની પાછળ પાછળ પુષ્પકુંજોમાં સંતાતા ભટકતા રહ્યા. સવારે પૂજારીઓએ જોયું કે શ્રી પ્રભુનાં વસ્ત્રો ધૂલિધૂસરિત અને કાંટા ભરાવાથી ફાટેલાં છે. સ્વયં પ્રભુને મુખે ઉઝરડા છે. ખબર પડી કે ભગવાન ગીતગોવિંદના ગાન પાછળ ઘેલા થયા છે.

એ પછી જગન્નાથનાં મંદિરોમાં રોજ ગીતગોવિંદના ગાનની વ્યવસ્થા થઈ. એ ગાનની સાથે નટમંડળમાં દેવદાસીઓનાં મનોહર નૃત્યો થવા લાગ્યાં. કવિતા, સંગીત અને નૃત્ય એ ત્રણેનો અપૂર્વ સંગમ થતો. એ જોયા-સાંભળ્યા પછી ભગવાન જગન્નાથ શયનમંડપમાં જતા, અને ત્યારે તેમને ઊંઘ આવતી.

દેવ બનીને દેવતાની આરાધના કરવી જોઈએ એવી ઋષિવાણી છે; પણ આપણે તો દેવતાને માણસ બનાવ્યા, અને માણસના ભાવોનું તેમના પર આરોપણ કરીને પૂજા શરૂ કરી. મંગળાનાં દર્શનથી શયન સુધીની બધી દૈનંદિન પૂજનક્રિયાઓમાં એ જોઈ શકાય. જગન્નાથના મંદિરોમાં પણ એ વૈષ્ણવ પરંપરામાં પૂજન-અર્ચન થાય છે.

ગયા એપ્રિલમાં વિષુવ મિલન પ્રસંગે ભરાતા ઓડિસાના લેખક સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે કટક જવાનો સુયોગ સાંપડ્યો. જગન્નાથપુરીની વાત નીકળતાં કવિ સીતાકાન્ત મહાપાત્રે કહ્યું કે તમારે જગન્નાથના મંદિરમાં શયન વખતનાં દર્શન કરવાં જોઈએ. એ વખતની પૂજાવિધિને ‘બડશૃંગાર’ કહે છે. ભગવાન બરાબર સજીને શયન મંદિરે પધારે છે. એ વખતે મંદિરમાં બહુ જ ઓછા લોકો હોય છે. વિશાળ મંદિર પ્રાયઃ શાન્ત હોય છે. શયન આરતી વખતે ગીતગોવિંદનું પરંપરાગત રીતે ગાન થાય છે. આ સમયે ત્યાં હોવું એ એક અનુભવ બની રહે છે. એમની વાત સાંભળતાં જ સમગ્ર દેહે રોમાંચ થઈ આવ્યો.

રાજ્ય સરકારના અતિથિ હોવાથી ત્યાં પહોંચવાની બધી સગવડ થઈ ગઈ. સાગરકિનારે સર્કિટ હાઉસમાં પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. મહાપ્રસાદનું ભોજન લઈ અમે રાતે નવ વાગ્યે મંદિરે પહોંચ્યા. મારી સાથે વસંત પાંડા કરીને પુરીના જ એક અધ્યાપક હતા અને બીજા હતા અસમિયા મિત્ર સુનીલકુમાર. એક ગુજરાતી, એક ઓડિયા અને એક અસમિયા. મને ને સુનીલને બહુ જ ઉત્સુકતા હતી. અમે ગીતગોવિંદની પંક્તિઓ ગણગણતા હતા. ન જાણે આજે કઈ અષ્ટપદી ગવાશે!

જગન્નાથના મંદિરના પ્રાંગણને ભીડમાં ઊભરાતું જોયું છે; પણ આ સમયે બહુ ઓછી અવરજવર હતી. શયન આરતીને હજુ કલાકની વાર હતી. અમે પ્રાંગણમાં એક સ્થળે નાની મંડળીમાં ભાગવતપાઠ થતો હતો ત્યાં જઈ બેઠા. ઓડિસામાં ભક્તકવિ જગન્નાથદાસનું ભાગવત અતિ પ્રિય અને પ્રચલિત છે. બીજે એક સ્થળે એક મંડળી કીર્તન કરતી હતી. ધીમે ધીમે મંદિર વધારે શાંત થતું જતું હતું. કીર્તિગાન અને ભાગવતપાઠ પણ શમી ગયાં.

અમે ફરી મંદિરમાં ગયા. દીવાઓની જ્યોતમાં જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ઊજળા રંગમાં ચમકતી કાષ્ઠ મૂર્તિઓનાં ફરી દર્શન કર્યાં. એવું લાગ્યું કે જગન્નાથ એમની ચક્ર-આંખોથી જોઈ રહ્યા છે. ત્રણ મૂર્તિઓમાં જગન્નાથની આંખો ચક્ર જેવી ગોળ છે. ઓડિયામાં તેમને ‘ચકુઆખિ’ કહે છે. આ ચક્ર એટલે સૂર્ય-ચંદ્ર. ભગવાનની બે આંખો તે સૂર્ય અને ચંદ્ર. વિરાટ કાવ્યકલ્પના છે! અમે બડશૃંગારની રાહ જોતા હતા. ક્યારે શરૂ થશે ભગવાનનું વેશપરિવર્તન? ક્યારે ગીતગોવિંદ સાંભળીને એ સૂવા જશે? ભગવાન તો બસ સૂર્યચંદ્રની આંખોથી મટકુંય માર્યા વિના અમને જોઈ રહ્યા હતા.

ત્યાં વસંત પાંડા ખબર લાવ્યા. ભગવાનને તો હજી ભોજન બાકી છે. એ થશે પછી બડશૃંગાર. પૂજારીઓની હલચલ હતી માત્ર. અહીં દરેક પૂજાવિધિમાં જુદા જુદા દલના પૂજારીઓ આવે. એક મંડળી જાય, બીજી આવે. એમાં કંઈક વાંધો પડ્યો હતો અને પૂજાની બધી દૈનંદિન વિધિઓ પાછી ઠેલાતી જતી હતી. હજી ભગવાન ભૂખ્યા હતા!

અમે ગરુડસ્તંભ આગળથી તેમનાં દર્શન કરી રહ્યા. અહીં ચૈતન્ય મહાપ્રભુ કલાકો સુધી ઊભા રહી અવિરત અશ્રુધારે જગન્નાથને જોયા કરતા. તેમની ઉત્તેજનાથી જે પથ્થરે આંગળીઓ ટેકવી હતી, તે પીગળતાં ત્યાં આંગળાંની છાપ બની રહી છે. અમે ત્યાં અમારી આંગળીઓ મૂકી ચૈતન્યની મુદ્રામાં જગન્નાથનાં દર્શન કરવા લાગ્યા, પણ ચૈતન્યનું હૃદય, આંખ ક્યાંથી લાવવાં?

ખબર આવ્યા, હવે બડશૃંગાર રાત્રે બે વાગ્યે થશે. અમારો સંકલ્પ હતો કે બે વાગ્યે તે બે વાગ્યે, ગીતગોવિંદનું ગાન તો સાંભળવું જ. ચાંદની રાત હતી. અમે સ્તબ્ધ શેરીઓ વટાવી સાગરકિનારે ગયા. મધરાતે આ સાગર પણ એકાકી હતા. એકલો ઊછળતો ગાન ગાતો હતો. એ વિરાટ સાગરસંગીત હતું. અમારે ગીતગોવિંદનું કે કોમલકાન્ત સંગીત સાંભળવું હતું. એ માટે અમે ઉત્કર્ણ હતા. અમે મંદિરે આવ્યા. જગન્નાથની આંખે અમને જઈ રહી હતી. એ આંખમાં હજી ઊંઘ દેખાતી નહોતી.

પછી તો, પ્રાતઃકાલના ચાર વાગી ગયા. હવે બડશૃંગાર નહિ થાય. ભગવાન શયનખંડમાં નહિ પધારે. તો શું ગીત- ગોવિંદનું ગાન નહિ ગવાય? ભગવાનની આંખો સામે જોયું. એ જ ટગર ટગર સૂર્ય-ચંદ્ર જગન્નાથને પણ આજે તો ઉજાગરો થયો કેમ કે હવે તો પ્રભાતની પૂજાવિધિઓ શરૂ થશે. આજે ભગવાન જગન્નાથને પણ ગીતગોવિંદનું ગાન સાંભળવા મળ્યું નહિ, અમને ક્યાંથી મળે?

આખી રાત આંખમાં ભરી વહેલી સવારે સર્કિટ હાઉસમાં પાછા આવ્યા, ત્યારે ઝાઉના વનની પેલી પાર સંભળાતું હતું ગંભીર સાગરસંગીત. ગીતગોવિંદની મૃદુ વેણુનું વ્યાકુળ સંગીત એમાં સંભળાય?

મંદિરોના કલાત્મક શિલ્પ-સ્થાપત્યની આપણા ધર્મપ્રવણ દેશમાં અદ્ભુત પરંપરા રહી છે. અહીં બધી કળાઓ અંતે જતાં જાણે ધર્મને ચરણે સમર્પિત રહી છે. દેશનો કોઈ ભાગ એવો નહિ હોય જ્યાં ધર્મ અને કળાના સમન્વિત રૂપનો આવિષ્કાર ઉપાસના-સ્થળો રૂપે જોવા ન મળતા હોય. ધર્મસંવેદન પણ જ્યારે સૌંદર્યાનુભૂતિજડિત હોય છે ત્યારે ઉપાસકના રુચિતંત્રને વિશિષ્ટ રીતે ઝંકૃત કરે છે. એટલે તો માત્ર આપણે ત્યાં જ નહિ, સંસારમાં સઘળે સ્થળે સૌ ધર્મોએ કળાઓનો આધાર લીધો છે. અને કળાઓ પણ ધર્મનો પ્રશ્રય પામી માનવની સર્જનશક્તિની ચરમ સીમાઓને અડકી આવી છે. અનેક કલાકારોની ઉત્કૃષ્ટ કલ્પનાશક્તિને ધર્મના પ્રાંગણમાં કલા રૂપે મૂર્ત થવાની મોકળાશ મળી છે. કદાચ આવા પ્રશ્રયને લીધે કલાકારોની સૃજન-કલ્પનાએ પણ અદ્ભુત ઉડાન ભરી છે.

આવો વિચાર ઇલોરાનું કૈલાસમંદિર કે કોણાર્કનું સૂર્યમંદિર જોઈએ, એટલે આપણા મનમાં અવશ્ય ક્યારેક જાગવાનો. એમ કહેવાય છે કે કલાકાર પથ્થરમાં કોઈ મૂર્તિ ઘડે છે, તે પહેલાં તેણે મૂર્તિ કલ્પી લીધેલી છે; તેનું કામ તો મૂર્તિની આસપાસનો વધારાનો ભાગ જ ટાંકણાથી દૂર કરવાનો છે! મૂતિ કંડારવાની વાત જ્યારે એક આખા ને આખા મંદિર કંડારવા રૂપે આવે ત્યારે તો માનવીય સીમાઓને અતિક્રમી જવા જેવું લાગે. ઈલોરાનું કૈલાસમંદિર એક વિરાટ ખડકમાં એના સ્થપતિ કલાકારે પ્રથમ કલ્પ્યું છે, અને પછી એ કલ્પિત મંદિરની આસપાસના વધારાના ભાગને દૂર કરવામાં આવ્યો છે.

મંદિરનો શીર્ષભાગ, એનું ગર્ભગૃહ, ગર્ભગૃહમાં ઉપાસ્ય દેવતા, ઉપાસના મંડળ, દીવાલો, સ્તંભો, પ્રાંગણના હસ્તીઓ આ બધું એક ખડકમાંથી આવિર્ભાવ પામ્યું છે. સ્થપતિના વાસ્તુ દર્શનની આ એક એવી ઊંચાઈ છે, જ્યાં ઘણા ઓછા સ્થપતિઓની કલ્પના પહોંચી શકે. કલાકારની કલ્પનાશક્તિએ એક ખડકમાં મંદિર જોયું અને એને અખંડ રીતે આકૃત કર્યું. જાણે કોઈએ કોતરીને સંતાડી ન રાખ્યું હોય! એટલે તો એનું કર્તૃત્વ દેવતાઓના સ્થપતિ વિશ્વકર્માને નામે ચઢાવ્યું. એમ કરીને તો પેલા મહાન અનામી સ્થપતિની કલ્પનાશક્તિને અંજલિ આપીએ છીએ.

કોણાર્કનું સૂર્યમંદિર જોઈને પણ આનો વિચાર આવે છે. આ મંદિર એ કોનું સ્વપ્ન હતું? રાજા નરસિંહદેવનું, જેણે એ બંધાવ્યું કે શિબેઈ સાંતરાં નામના સ્થપતિનું જેણે આ સૂર્યમંદિરની એક વિરાટ રથ રૂપે કલ્પના કરી છે!

ભગવાન જગન્નાથનો સોળ મોટાં પૈડાંવાળો, ચાર અશ્વોવાળો, લાંબી-પહોળી પીઠિકાવાળો ભક્તોથી ખેંચાતો સુશોભિત કાષ્ઠરથ જોયો હતો. પરંતુ એ રથ તો શ્રીમંદિરથી ગુડીચામંદિર સુધી પહોંચવા માટે હતો. અંતે તો ભગવાન શ્રીમંદિરમાં જ પ્રતિષ્ઠિત થવાના.

જ્યારે કોણાર્કમાં તો આ રથ એ જ મંદિર. પાષાણનો વિરાટ રથ, જેની ઊંચાઈ ૨૦૦ ફૂટ કરતાંય વધારે હોય. એ રથને પોણા દશ ફૂટના વ્યાસવાળા ચોવીસ પૈડાં હોય. સૂર્યદેવતાના પુરાણકથિત સાત અશ્વો એને ખેંચી રહ્યા હોય. આમ, આ મંદિર જ્યારે અખંડ ઊભું હશે, ત્યારે જોનારને અવશ્ય થતું હશે કે આ અશ્વો હમણાં જ ધરતી પર ઊભેલા આ રથને લઈ નજીકમાં જ ઉચ્છલિત સાગર ભણી ધસી જશે!

આજે જર્જર અને ખંડિત એ સૂર્યમંદિરને જોતાં આપણી કલ્પના એને આખું ને અખંડિત જોવા મથે છે; પણ જાણે રેતના ઢગલાઓમાં ધરબાયેલા એ ભગ્ન રથને બહાર કાઢી શકતી નથી. પેલા સાત અશ્વો પણ ક્યાં? બેનમૂન ચક્રો હજી રથને જોડાયેલાં છે. અભિભૂત થઈને જ્યારે આપણે જોતાં હોઈએ, ત્યારે ગાઇડ સૂર્યમંદિરના નિર્માણનો ઇતિહાસ અને તે સાથે આ રથના અશ્વોનું, આ ચક્રોનું અર્થઘટન કરી સૂર્યમંદિરને જોવાનું એક નવું પરિમાણ આપણને આપે છે.

સૂર્યમંદિરને જોડેલા આ સાત અશ્વો એટલે સપ્તાહના સાત વાર. આ ચોવીસ પૈડાં એટલે વર્ષનાં ચોવીસ પક્ષ-પખવાડિયાં. દરેક પૈડામાં આઠ આરા છે. આપણે તે આઠ આરામાં કોતરાયેલ બારીક શિલ્પકામ જોવામાં લાગી જઈએ. પણ ગાઇડની વાણી તો વહેતી રહે. એ કહેશે કે આ આઠ આરા એટલે આઠ પ્રહર; ચાર દિવસના પ્રહર, ચાર રાત્રિના.

રથ રૂપે સૂર્યદેવતાના મંદિરની આવી કલ્પના કરનાર કલાકારને મનોમન ફરીથી એક વાર નમન કરી દેવાય. રથ ગતિનો સૂચક તો છે જ, પણ કાળને ગતિ સાથે જોડીને આ કલાકારે પોતાની કલ્પનાને એક દાર્શનિક ગહનતા પણ આપી છે. સૂર્યમંદિરનો આ મહારથ એટલે પ્રહર, દિવસ, પક્ષ અને વર્ષમાં વિભાજિત થઈ વહેતા કાળની જાણે ગતિ.

પરંતુ સૂર્યદેવતાનો આ વિજયરથ આજે ભગ્ન છે, ખંડિત છે. આશ્ચર્ય એ છે કે આ પણ ‘કાળની ગતિ’ છે. આજે આ સૂર્યદેવતાની ધર્મપૂજા થતી નથી, પણ હજારો કલાપ્રેમીઓની આ તીર્થભૂમિ છે. લાખો કંઠમાંથી નિસૃત ‘હરિબોલ’ના જયઘોષથી ગુંજરિત જગન્નાથનો રથ જોયા પછી કોણાર્કના સૂર્યદેવતાનો આ ભગ્ન પણ શિલ્પખચિત રથ જોવાનો એક જુદો જ અનુભવ છે.

કોણાર્ક વારંવાર જવાનું થયું છે. ગણતરી કરીને કહું તો પાંચ વખત. દરેક વખતની છાપ થોડી થોડી તો જુદી હોવાની; પરંતુ આ ભગ્ન પણ ભવ્ય મંદિરની પહેલી મુલાકાતની છાપ તો અમીટ છે. એ વાતને આજે પચીસ વર્ષ થયાં છે.

તે દિવસે બપોરની વેળા હતી. હેમંત ઋતુ હોવા છતાં તડકો જરા લાગતો હતો. ઓડિશાની છીછરી રેતાળ પટવાળી નદીઓમાં પાણી હતું. ચલતી કા નામ ગાડી જેવી અમારી ભાડે લીધેલી મોટરમાંથી આવી નદીઓ આવતાં ઊતરી જવું પડતું; પણ એ તો અમને ગમતું. પાણી ઉછાળતા અમે સામે કાંઠે પહોંચી જતા, અમારા પછી મોટર પહોંચતી. એનું ગિયર એટલું ઢીલું હતું કે ડ્રાઇવરે કંઈક ડંડા જેવું આડું મૂકેલું! વારંવાર ખોટકાઈ જતી આ મોટરગાડીએ અમને ઘણો આનંદ આપ્યો હતો. એ ડ્રાઇવર પણ પછી તો હસવામાં ભળતો.

મોટરગાડી વૃક્ષોથી ઘેરાયેલા એક સ્થળે આવીને ઊભી. બધે રેત રેત હતી, સમુદ્રની કે હંમેશને માટે સુકાઈ ગયેલી ચંદ્રભાગા નદીની? પણ અમારી નજર તો રેતમાં ધરબાયેલી દીવાલોવાળા એક ભગ્ન મહાલય પર ચોંટી ગઈ. એ જ કોણાર્કનું પ્રસિદ્ધ સૂર્યમંદિર!

નાળિયેરનું પાણી પી અમે તરત એ ઇમારત ભણી ધસ્યા. કોણાર્કના આ મંદિર વિશે કેટલું બધું સાંભળ્યું હતું. ખાસ તો એનાં મિથુનશિલ્પોની ચર્ચા; પણ એ વખતે એ શિલ્પો જોવાની દૃષ્ટિ, ખરું કહું તો, મારી પાસે ન હતી. અમે એ મંદિરનો નટમંડપ જોયો. શિલ્પોથી ખચિત; પણ જે વસ્તુ સૌથી વધારે મનમાં અંકિત થઈ ગઈ, તે તો કોણાર્કના એ સૂર્યદેવતાના રથનાં ચક્રો.

પછી તો અમારી નજરને બળપૂર્વક ખેંચી રહ્યાં મંદિરનાં શૃંગારશિલ્પો. અમે જુવાન હતા, અમારી દૃષ્ટિ પણ જુવાન હતી. એક અનન્ય કૌતુકથી એ બધાં શિલ્પો જોયાં હતાં. એ વખતે મંદિરનો મુખ્ય અવશિષ્ટ ભાગ, જેને જગમોહન કહે છે, તેના પર ચઢવાની છૂટ હતી. મોટા ભાગની શૃંગારરત મિથુનમૂર્તિઓ આ જગમોહન પર ચઢીને નિરાંતે અને નજીકથી જોઈ. ત્યાં એકાએક નજર દૂર તડકામાં ચમકતા સાગરના દિગંતવ્યાપી ભૂરાં પાણી પર પડી. અદ્ભુત હતી એ નીલરેખા. આજે પણ આંખમાં છે.

આ ભગ્ન મંદિર જ્યારે આખું ઊભું હશે ત્યારે? કેવા હશે એ દિવસો? હા, એ પણ સંઘર્ષના દિવસો હતા. હિન્દી નાટકકાર જગદીશચંદ્ર માથુરનું ‘કોણાર્ક’ નાટક વાંચેલું હતું. એ નાટકમાં આ મંદિરનાં નિર્માણ અને ધ્વંસનો ઇતિહાસ ગૂંથી લેવામાં આવ્યો છે. ઇતિહાસ કહો કે દંતકથા પણ એ વાત મનમાં ઊંડે સુધી પ્રભાવિત કરી ગઈ હતી. એ કથામાં કલાકારોનો પોતાની અસ્મિતા માટેનો વિદ્રોહ હતો.

બારસો કારીગરોથી, બાર બાર વર્ષથી બંધાતું મંદિર પૂરું થતું નહોતું. મંદિરના કલશનો પથ્થર કેમે ય ગોઠવાતો નહોતો. આ બાજુ ભલા મહારાજાના આપખુદ અમાત્યે સમયની મહેતલ આપી હતી. અમુક સમયમાં મંદિર પૂરું ન થાય તો પ્રાણદંડ. મુખ્ય સ્થપતિ વિશુને મદદ કરે છે એક બાર વર્ષનો અજાણ્યો કિશોર. એ ધર્મપદ. પછી ખબર પડે છે એ વિશુનો જ પુત્ર હતો. કલાકારો અને અમાત્યના સૈનિકો વચ્ચે સંઘર્ષ થાય છે.

પોતાને જ હાથે નિર્માણ પામેલા મંદિરનો આધારરૂપ પથ્થર ખેસવી વિશુ જુલમી અમાત્યને તૂટી પડતા મંદિરમાં ધરબી દે છે. પોતે પણ વિલય પામે છે.

તો આ મંદિર પૂરું થયું તે જ દિવસે આમ તૂટી પડ્યું છે! આમ વિચારતો હું જ્યાં આથમતા સૂર્યદેવતાની સુંદર મૂર્તિ છે, તે તરફ ગયો. ત્યાંથી ઊતરી આ મંદિરના પ્રાંગણમાં જ રહેલા એક બીજા ભગ્ન મંદિર ભણી જતો હતો. ત્યાં બે- ત્રણ કિશોરીઓને આ તરફ આવતી જોઈ. એક કિશોરીએ જાણે મને ઓળખતી હોય એમ મારા ભણી જોયું. તત્‌ક્ષણે મને પણ થયું કે આ ચહેરો પરિચિત છે. એટલે થંભી જઈ મેં પૂછ્યું : ‘તું અહીં?’ એણે આશ્ચર્યથી મારા તરફ જોયું, પછી પોતાની બહેનપણીઓ તરફ જોયું. કશી મૂંઝવણ લાગી; પણ પછી આછું સ્મિત કરી એ પસાર થઈ ગઈ.

હું જડ, ચિત્રવત્ ઊભો રહી ગયો. કશુંક અંદરથી કેમ હલબલી ગયું! છતાં મનમાં બહુ શરમ ઊપજી. એ કિશોરી પરિચિત નહોતી. શું એના ચહેરામાં બીજા કોઈ મને પરિચિત એવા ચહેરાની રેખાઓ હતી કે એ પણ મારી ભ્રાંતિ હતી? મંદિરની દીવાલમાં કંડારાયેલી રમણીય નારીમૂર્તિઓ જોઈને તો એવી ભ્રાંતિ નહિ થઈ હોય? એ કિશોરીઓ દીવાલ પરથી તો સજીવન થઈ નહિ ઊતરી આવી હોય? કશી ખબર નથી, પણ એ પળચોઘડિયું બજી ગયું. આશ્ચર્યદર્શનની એ ક્ષણ શાશ્વતી બનીને ચેતનામાં ટકી ગઈ છે.

પછી તો, પેલું મંદિર જોયા વિના અને આ મંદિરના પ્રાંગણમાં વેરાયેલાં ખંડશિલ્પો જોયા વિના હું અમારી પેલી મોટરગાડી તરફ વળી ગયો. મિત્રો આવી ગયા હતા. બધાની સાથે હું વાતોમાં ભળી ગયો. બેત્રણ વાર ધક્કા માર્યા પછી, અમારી મોટરગાડી ઊપડી. પેલી કિશોરી સાથેના સાક્ષાત્કારની વાત કોઈ મિત્રને કરી નહિ, સૌ મૂરખ જ કહે.

પરંતુ એ પછી જેટલી વાર કોણાર્ક જવાનું થયું છે, હું અવશ્ય એ સ્થળે જઈ એકાદ ક્ષણ ઊભો રહું છું; પણ પેલી વાત કોઈને કહેતો નથી. એ મારું એકલાનું ગુપ્ત ધન છે. એક વખત તો મારાં પત્ની અને નાનો પુત્ર બકુલ સાથે હતાં. પત્નીને પણ આ વાત કહી નથી.

કોણાર્કનો ઇતિહાસ પછી તો વાંચ્યો છે, એની શિલ્પકલાનાં પુસ્તકો પણ વાંચ્યાં. બીજી-ત્રીજી વાર ગયો ત્યારે તો જાણકાર ગાઇડની મદદથી મંદિરના સ્થાપત્યને અને શિલ્પને પામવાનો પ્રયત્ન કર્યો છે. એની વાતો સહૃદયોને કરવી ગમે એવી છે.

જગન્નાથપુરી, કોણાર્ક અને ભુવનેશ્વરને જોડતી રેખાઓ દોરીએ તો એક સમદ્વિબાજુ ત્રિકોણ રચાય. બંગાળના ઉપસાગરના તટે આવેલાં જગન્નાથપુરી અને કોણાર્ક એ ત્રિકોણના પાયાનાં જાણે અંત્ય બિન્દુઓ છે. વિદેશી સાગરખેડુઓ જગન્નાથપુરીના મંદિરને ‘વ્હાઇટ પૅગોડા’ અને કોણાર્કના સૂર્યમંદિરને ‘બ્લેક પૅગોડા’ તરીકે હમણાં સુધી ઓળખતા. નજીકમાં સાગર ન હોય તો આ બંને સ્થળોનો મહિમા ઘણો ઓછો થઈ જાય. એટલી જીવંત હસ્તી સાગરની આ બંને સ્થળોએ અનુભવાય છે. હિમાલયની. વિરાટ સન્નિધિમાં જેમ બદરીવિશાલ કે કેદારનાથની ઉદાત્તતા સહજ રીતે આપણે અનુભવીએ છીએ, તેમ અહીં અસીમ સાગરની સન્નિધિમાં ભગવાન જગન્નાથ કે સૂર્યનારાયણની વિશાળ વ્યાપ્તિનો આપમેળે બોધ થઈ રહે.

સૂર્યમંદિર માટે તો સાગરના આ પૂર્વકિનારાના સ્થળ જેવી બીજી ઉત્તમ પસંદગી ભાગ્યે જ હોય. સ્થળની પસંદગીમાં પણ એના સ્થપતિની કલ્પનાદૃષ્ટિ અભિનંદનીય છે. પ્રત્યેક પ્રભાતે જ્યારે સાગરમાંથી સૂરજ બહાર નીકળે ત્યારે એમનું આ ભૌતિક અધિષ્ઠાન તેમનાં જ પહેલાં કિરણેથી ઉદ્ભાસિત થઈ ઊઠે. એ દૃશ્ય જ ભાવિકના અંતરને આલોકિત કરી દે. આજે એ અધિષ્ઠાન ભલે ખંડિયેર રૂપે હોય; પણ સમુદ્રમાંથી નીકળતાં દેવતાનાં પ્રથમ કિરણોનો અભિષેક પામે છે. અહીં સાગર ના હોત તો?

વળી હમણાં ઓડિશાની સરકારે પુરી-કોણાર્કનો સાગરની લગોલગ જતો નવો માર્ગ બનાવ્યો છે. એ માર્ગે જતાં ઘૂઘવતા સાગરનાં ફીણની સફેદ ઝાલરવાળાં ભૂરાં પાણી આપણી નજરને ખેંચી રાખે છે. વચ્ચે વચ્ચે દરિયાકાંઠાની રેતી પર ઝાઉ વૃક્ષોની પવનમાં કંપતી હારમાળા શોભતી હોય છે.

ચંદ્રભાગા નદી જ્યાં સમુદ્રને મળતી, દરિયાનો એ તટ તો ભવ્ય અને સુંદર છે. ચંદ્રભાગા આજે તો લુપ્ત છે. એક વેળા તે વહેતી હશે એવું અનુમાન નદીના રેતના પાત્ર પરથી કરી શકાય. ચંદ્રભાગા સાગરતટનાં પાણી સાથે છબછબિયાં કરી, થોડો આગળ માર્ગ કાપીએ એટલે મૈત્રવનના કોણાર્કના પરિસરમાં આવી પહોંચીએ. આખો વિસ્તાર વડ જેવા છાયાઘન વૃક્ષોથી ઘેરાયેલો છે. તાજમહાલની જેમ આ સૂર્યમંદિરનો આ પ્રકલ્પ સુકલ્પિત છે. મંદિરના પ્રાંગણને આવૃત કરતો કોટ બહારથી તો હવે રેતથી ધરબાઈ ગયા જેવો છે. એ કોટને દરેક દિશામાંથી પ્રવેશદ્વાર હતાં.

પૂર્વના પ્રવેશદ્વારેથી અંદર જતાં સિંહની દર્પભરી મૂર્તિઓ સ્વાગત કરે. દક્ષિણને પ્રવેશદ્વારે અશ્વો છે અને ઉત્તરના પ્રવેશદ્વારે હાથી. કોણાર્કના અશ્વ અને હાથી કલામીમાંસકોની અત્યંત પ્રશંસા પામ્યા છે. એક મોટા પથ્થરમાંથી ઘડેલો હાથી અભિભૂત કરે છે. હાથીનાં બીજાં શિલ્પો પણ પછી ઘણાં જોવા મળે છે. પુરી-કોણાર્કના રાજાઓ ગજપતિ કહેવાતા. ગજોનું પ્રાધાન્ય હોય. કોણાર્કના મંદિરમાં નાનામોટા ૧૪૫૦૦ હાથીઓ કોતરેલા છે, એવી ગણતરી મૂકવામાં આવી છે. કોણાર્કનો સવાર સાથેનો અશ્વ વીરોચિત રેખાઓથી ઑ પાડે છે.

કોણાર્કના મંદિરનો ઊંચો વિમાન ભાગ તો ઢગલા રૂપે અવશિષ્ટ છે. ઘણાનું માનવું એવું છે કે કદાચ એ શિખર સુધી પૂરો રચાયો નથી. એ પહેલાં જ પોતાના ભારથી ઝૂકી પડ્યો. આ ભાગમાં ઊગતા, અસ્ત થતા અને મધ્યાહ્નના સૂર્યદેવતાની ખંડમૂતિઓ પણ પ્રભાવિત કરે છે. ગર્ભગૃહ તો ખાલી છે. આ બધાં સ્થળોએ ફરવાનું માત્ર ખંડેરોમાં ફરવાનું નથી. આપણે આ ધરાશાયી વિમાનને કલ્પનાથી ઊભું કરી આખા મંદિરને અખંડિત કલ્પીએ છીએ.

આજે જે સૌથી વધારે આપણને આ ભવ્યમંદિરની શિલ્પસમૃદ્ધિનો પરિચય કરાવે છે, તે તો જગમોહન. આ મુખ્ય મંડપ તે રથનો અગ્રભાગ. તેની એક બાજુ ચાર ઘોડા, બીજી બાજુ ત્રણ ઘોડા, પેલાં સાત વારનો સંકેત કરતાં સાત આરાવાળાં ચોવીસ ચક્રો, એ બધું જોતાં અચરજમાં ડૂબી જવાય છે. અહીં જાણે ઇંચેઇંચ શિલ્પોથી ખચિત છે.

આ શિલ્પીઓએ મંદિરમાં આરાધ્યદેવતાની સ્થાપના માટે ગર્ભગૃહ તૈયાર કર્યું હશે, પણ મંદિરની બહાર તો આખો સંસાર કંડાર્યો છે. સંસારનો અહીં ભર્યોભર્યો સ્વીકાર છે. અહીં પશુઓ છે, પક્ષીઓ છે, મનુષ્યો છે, યક્ષો છે, દેવો છે, અપ્સરાઓ છે. શાલભંજિકાઓ છે. સ્થિર ઠંડા પથ્થરોમાં આ સંસાર ગતિશીલ રેખાઓથી કંપમાન છે. આ બધાં શિલ્પો સૂર્યદેવતાની ઉર્વરતા અને સર્જનશક્તિને પ્રતીકિત કરતાં શિલ્પો છે. તેમાં સૌન્દર્ય છે, સ્વાસ્થ્ય છે, સામર્થ્ય છે.

ખજુરાહોની જેમ કોણાર્કની પ્રેમમગ્ન મિથુનમૂર્તિઓ પ્રવાસી નજરોને આકૃષ્ટ કરે છે. વાત્સ્યાયનના ‘કામસૂત્ર’ કે ‘રતિ-રહસ્ય’ને અહીં પથ્થરની મૂર્તિઓમાં અવતારવામાં આવ્યાં છે. પણ આ મૂર્તિઓને પથ્થરની મૂર્તિઓ કોણ કહેશે, જ્યાં પથ્થર અશિથિલ આલિંગન-ચુંબન અને સંભોગથી થરથરતા ઉષ્ણ આવેગમાં પીગળી જવા કરતો હોય! આ શિલ્પોની કોણાર્કના મંદિરની દીવાલો પર બહુતાયત છે. એને અનુલક્ષીને કદાચ કલા ગુરુ અવનીન્દ્રનાથ ઠાકુર કોણાર્કને ‘કામદેવનું કદંબવૃક્ષ’ કહે છે.

ધર્મમંદિરો પર કામશિલ્પો કંડારવાની ભારતીય સ્થાપત્ય- કલાની પરંપરા રહી છે. મધ્યકાળનાં મોટા ભાગનાં મંદિરોની ભીંતો પર તે અંકિત છે. હિન્દુ મંદિરો જ નહિ, જૈન મંદિરોની ભીંતો પર પણ તે જોવા મળે છે. કલામીમાંસકોએ તે માટેનાં તર્કસંગત કારણો શોધવા પ્રયત્ન ભલે કર્યો હોય; પણ તે છે, તે છે. કદાચ આપણી તંત્રસાધના જેવી પરંપરામાં રહેલો કામ અને અધ્યાત્મનો અવિરોધ, બલ્કે સંવાદ એક પરિબળ હોય. કોણાર્કનાં શૃંગારશિલ્પો આપણી ચેતનામાં પ્રફુલ્લિત કદંબનો સમાંતર રોમાંચભાવ જગાડે છે.

આ મંદિરના ૧૨૦૦ કલાકારો-કારીગરોમાં કોઈ વિનોદવૃત્તિવાળો કલાકાર ન હોય એવું કેમ બને? એક સ્થળે સાસુ-વહુની સનાતન લડાઈ છે. પણ એક સ્થળે મચ્છરદાનીની અંદર એક યુગલ પ્રેમ કરે છે અને મચ્છરદાનીની ઉપર ઉંદર એ જુએ છે! કોણાર્કના જગમોહનના ઊંચા ભાગમાં માનવીય કદથી અદકેરી નારીમૂર્તિઓ દૂરથી ધ્યાન ખેંચે છે, કદાચ ઊંચાઈને ખ્યાલમાં રાખીને જ શિલ્પીઓએ આ ઊંચી નારીઓ કંડારી છે. આ મૂર્તિઓ વાદક મૂર્તિઓ છે. કોઈ મૃદંગ બજાવે છે, કોઈ કરતાલ બજાવે છે, કોઈ વાંસળી બજાવે છે, કોઈ મંજીરા વગાડે છે. ગતિની પ્રસ્તરીભૂત ક્ષણો અહીં છે.

પીનપયોધરા અને પૃથુલજઘના આ નારીમૂર્તિઓ એક એક જાણે મોહિનીરૂપ ધરીને ઊભી છે. એ સંગીતના સૂરોમાં અને એ સૂરો સાથે તાલ મિલાવવાની ક્રિયામાં અર્ધનિમીલિત આંખો જાણે ડૂબેલી છે. સંગીત અને નૃત્ય દ્વારા એ મંદિરના અધિષ્ઠાતા સૂર્યદેવનું સ્તવન ગાઈ રહી છે. મંદિરમાં ભલે નહિ, પણ આ સાગરમાંથી તો એ દેવ હાજરાહજૂર રોજ પ્રકટ થાય છે ને! એ મૂર્તિઓનાં દેહ પરનાં અલંકરણો કેટલાં તો બારીક છે! પહેલી વખતની કોણાર્કની મુલાકાત વખતે છેક નજીકથી એ મૂર્તિઓ જોઈ હતી. કલાકારોએ આ નારીદેહ ઘડવામાં પોતાની કલાની સાર્થકતા જોઈ હશે. પથ્થરનાં વાજિંત્રો બજતાં જોઈ શકો એટલી મુલાયમતા છે. જાણે પથ્થર વાંસ બની અનુરણે છે, કાંસુ બની રણઝણે છે, ચર્મ બની ગુંજરિત થાય છે.

ભૂરા આકાશ નીચે, ભૂરા સમુદ્રજળની સન્નિધિમાં પ્રણયમગ્ન યુગલો અને આ સંગીતસુંદરીઓ નિજમાં નિમગ્ન હોય તેમ સદીઓથી ઊભાં છે. એમને એક જ વય છે, અને તે યૌવન.

આ મંદિરને એના પૂરા રૂપમાં કલ્પો ત્યારે જગન્નાથપુરીના મંદિરના પ્રવેશદ્વારે રોપેલો વિજયસ્તંભ કોણાર્કના પ્રાંગણમાં રોપશો, કારણ કે એ મૂળે ત્યાં હતો; અને પછી ઝાઉનાં વૃક્ષો વટાવી નજીક આમંત્રણ આપતા સાગરકાંઠે ઊભા રહી, કંઈ નહિ તો એનાં ઊછળતાં મોજાંથી અવશ્ય ભીના થશો.