રાધે તારા ડુંગરિયા પર/લાલ નદી ભરો ડુંગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાલ નદી ભરો ડુંગર

ભોળાભાઈ પટેલ

કામરુ દેશનું કામણ * માનસના સૌન્દર્યલોકમાં
અરણ્યભ્રમણ * ભુતાનમાં * વૈષ્ણવ તીર્થ
બરપેટા * આ તે કેવી સગાઈ? * ગમછો *
લાલ નદી ભૂરો ડુંગર * યોનિરૂપા કામાખ્યા

અસમમાં આખરે ચૂંટણી થઈ. એ ચૂંટણીનાં પરિણામો પછી મેં મારા એક અસમિયા મિત્ર સુનીલકુમારને અસમની પ્રજાને અભિનંદન આપતો પત્ર લખ્યો. એ મિત્ર સાથે એકાદ વર્ષ પહેલાં જ કામરૂ દેશ ગણાતા અસમના દૂરસુદૂરના તથા અંદરના કેટલાક ભૂભાગમાં ફરવાનું થયેલું. તે પહેલાં એક વાર ૧૯૭૯ના ફેબ્રુઆરીમાં જ્યારે પૂર્વાંચલની યાત્રાએ ગયો હતો ત્યારે ત્રિપુરા, મણિપુર, નાગાલૅન્ડ અને મેઘાલયની સાથે અસમનાં મહત્ત્વપૂર્ણ સ્થળોએ કેટલાક દિવસ રહેવાનું બન્યું હતું. એ થોડાએક દિવસોમાં પણ અસમના ઘણા સાહિત્યકાર મિત્રો સાથે નજીકમાં આવવાનું બનેલું. પ્રસિદ્ધ સાહિત્યકાર વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યે તેમાં મહત્ત્વની મદદ કરી હતી. જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા તો તેઓ પછી થયા. અસમમાં રહીને અસમિયા કવિતાઓનું સંપાદન કર્યું, જે ‘સમકાલીન અસમિયા કવિતા’ નામથી પછી ગુજરાતી અનુવાદમાં ગંગોત્રી ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયું હતું.

અસમમાં પહેલી વાર ગયો ત્યારે વિદેશી નાગરિકોના પ્રશ્ને અસમનું આંદોલન શરૂ થયું નહોતું. હા, એના અણસાર હતા, અનેક બસ પર સૂત્ર જોવા મળતું – ‘જય આઈ અસમ બોલ’ એ વખતે અસમની વૈષ્ણવ સંસ્કૃતિથી પ્રભાવિત થયેલો. શિવદોલ અને જયદોલ જેવાં જૂનાં મંદિર અને અસમના પ્રાકૃતિક સૌંદર્ય ચિત્ત પર ઊંડી અસર પાડી હતી. વિરાટ નદ બ્રહ્મપુત્ર જોઈ અવાચક થઈ ગયો હતો. એ બધું તો ખરું, પણ અસમના સાહિત્યકારોની પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેની ઉત્કટ પ્રીતિ અને એક જાતની ‘ચિંતા’ જોઈ પ્રસન્નતા થયેલી. એવું લાગે કે આખી આ ઉપેક્ષિત ધરતીની અસ્મિતા ભાષાપ્રીતિ પર અવલંબિત છે. અસમની સાહિત્યસભાનું જ્યારે વાર્ષિક અધિવેશન હોય ત્યારે લાખ કરતાં વધારે પ્રતિનિધિઓ ભાગ લે અને આખા રાજ્યમાં બે દિવસની જાહેર રજા રહે.

તે વખતે છેલ્લે ગુવાહાટીમાં આઠેક દિવસ રહ્યા પછી નીકળ્યો ત્યારે સમગ્ર પૂર્વાંચલમાં ફરી જવાની આકાંક્ષા રાખી હતી, અને ખાસ તો અસમના વિરાટ બ્રહ્મપુત્રને તટે જવાની. કામરૂ દેશે સાચે જ કામણ કર્યું હતું. પછી તો એ જ વર્ષના ઑક્ટોબરથી અસમિયા પ્રજાનું અભૂતપૂર્વ આંદોલન શરૂ થયું, અને એકાએક આ ઉપેક્ષિત વિસ્તાર સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો.

અસમ સાથે એટલી પ્રીતિ બંધાઈ હતી કે રોજરોજ વર્તમાનપત્રોમાં આ આંદોલનના સમાચાર વાંચતાં સંડોવણી થઈ જતી. એ આંદોલનમાં શરીક તો ન થઈ શકાયું, પણ ઉગ્રતાના દિવસોમાં ત્યાં જવાયું પણ નહિ. ત્યાંના સાહિત્યકાર મિત્રો સાથે ક્યારેક થોડા પત્રોની આપ-લે થઈ એટલું જ. પછી તો શઈકિયા સરકાર આવી. એ કેવી રીતે આવી છે તે તો સૌ જાણે છે. અસમની પ્રજાની નૈતિક હિંમત તો જળવાઈ રહી. વાટાઘાટો ચાલતી હતી. આ સમગ્ર આંદોલનમાં વિદ્યાર્થીઓની ભૂમિકા મુખ્ય હતી, જેમાં સમગ્ર તળ અસમિયા પ્રજાનો સક્રિય ટેકો હતો.

અવસર મળતાં ફરી અસમ ગયો, ગુવાહાટીના રેલવે- સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ભારે મોટો બૉમ્બ ફૂટેલો અને અનેક લોકો ઘવાયા હતા. એ જ દિવસો હતા, કદાચ થોડાક અગાઉના. ગુવાહાટી યુનિવર્સિટીના કૅમ્પસ પર જવાની ઇચ્છા આ દિવસોમાં કોને ન થાય? આખો વિસ્તાર શાંત ઉત્તેજનાથી અન્વિત લાગે. ભૃગુકુમાર ફુકન અને પ્રફુલ્લ મહન્તના છાત્રાવાસમાં ગયા, પણ એ બંને વિદ્યાર્થી નેતાઓ તે વખતે દિલ્હી વાટાઘાટો માટે ગયેલા. એ ન મળ્યા. એમના રૂમના સાથીદાર સાથે વાત થઈ અને વિશેષ વાતો તો ગુવાહાટીના રાજનીતિશાસ્ત્રના મુખ્ય અધ્યાપક સાથે. તેઓ આ આંદોલનના એક ‘બ્રેઇન ટ્રસ્ટ’ હતા.

એટલે જ્યારે હમણાં ચૂંટણી પછી નવી સરકાર રચાઈ ત્યારે અસમિયા પ્રજાના દૃઢ અને આગ્રહી આંદોલનનાં સુફળ જોઈ રાજી થવાયું. કોઈ પક્ષમાં નથી છતાં મને થયું જાણે આપણો પક્ષ જીત્યો! મેં સુનીલને લખેલા પત્રના જવાબમાં એણે લખ્યું કે આખરે અસમની પ્રજાકીય અસ્મિતાની જીત તો થઈ છે. પણ હવે ખરી ‘પરીક્ષા’ છે. પોતાના એ પત્રમાં સુનીલે અમે સાથે છેલ્લે કરેલી અસમની યાત્રાનાં સ્મરણોનો અછડતો ઉલ્લેખ કર્યો હતો.

ફરી એક વાર જાણે અસમમાં પહોંચી ગયો. કામણ કોને કહેવાય?

ઑક્ટોબરના આખરના દિવસો હતા. પહેલાં અમે ઑક્ટોબરની શરૂઆતમાં જવાનો વિચાર કર્યો હતો, પરંતુ જે દિવસે નીકળવાનું હતું તેની આગળની રાતે રેડિયોમાં સમાચાર આવ્યા કે બ્રહ્મપુત્રમાં ભયંકર પૂર આવ્યું છે, બધે પાણી ફરી વળ્યાં છે અને અસમ આખા દેશથી અલગ પડી ગયું છે. રેલવે અને માર્ગ-વાહનવ્યવહાર બંધ છે. ન જઈ શકાયું. પછી ઑક્ટોબરના આખરી દિવસોમાં હું અને સુનીલ ફરી ઊપડ્યા. આ વખતે મારો વિચાર અસમનાં વૈષ્ણવસત્રો તથા માનસ જેવાં સૌંદર્યસ્થળો જોવાનો તો હતો, પણ તે સાથે આંદોલનના આ દિવસોમાં અસમની પ્રજાની માનસિકતાને પણ કંઈક અંશે પમાય તો પામવાનો હતો.

દાર્જિલિંગ મેલમાં અમે સવારે જલપાઈગુડીના સ્ટેશને ઊતર્યા. કોચબિહાર થઈને અસમમાં પ્રવેશવું હતું. અત્યારે તો કોચબિહાર પશ્ચિમ બંગાળમાં ગણાય છે, પણ એક વખતે તે અસમનું મુખ્ય કેન્દ્ર હતું. લાંબા કાળ સુધી અસમના રાજાઓએ ત્યાં શાસન ચલાવ્યું હતું. ભારતના નકશામાં જઈશું તો આ કોચબિહારની નાનકડી સાંકડી પટ્ટીથી આખું ઈશાન ભારત (એટલે કે અસમ, અરુણાચલ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા) મુખ્ય ભાગ સાથે જોડાયેલું છે. એ સાંકડી પટ્ટી ‘ચિકન્સ નેક’ કહેવાય છે.

અમારો વિચાર કોચબિહાર પાસે આવેલા શંકરદેવના વૈષ્ણવ તીર્થની મુલાકાત લેવાનો હતો. અત્યારે હવે એ તરફ જતી કોઈ ગાડી નહોતી એટલે સિલિગુડી જઈ કોચબિહાર જતી એક મિનિ બસમાં બેસી ગયા. કોચબિહાર પહોંચ્યા પછી જાણવા મળ્યું કે પેલું વૈષ્ણવતીર્થ દૂર છે. એટલે વિચાર ક-મને પડતો મૂક્યો.

કોચબિહારમાં એકમાત્ર દર્શનીય સ્થળ જૂની રાજવાડી. રાજવાડી એટલે રાજમહેલ. શહેરને છેવાડે આવેલો આ વિશાળ રાજમહેલ અત્યારે ત્યજાયેલો છે. એનો કેટલોક ભાગ હજી પુરાણા વૈભવનો ખ્યાલ આપે છે. પણ કેટલોક ભાગ પડું પડું છે. સુનીલે કોચ રાજાઓના પ્રતાપી શાસનનો થોડો મને ખ્યાલ આપ્યો. પછી તો અમે નગરને થોડું ‘પદગત’ કર્યું. ત્યાંથી રાતની ગાડી પકડી ન્યૂ બોગાઈગાંવ પહોંચી ગયા. ત્યાંથી આગળ માત્ર મીટરગેજ ગાડીઓ હોવાથી ત્યાં ગાડી બદલવી જ પડે. અમે એવો વિચાર કર્યો કે સીધા ગુવાહાટી પહોંચવાને બદલે બરપેટા રોડ સ્ટેશને ઊતરી અભયારણ્ય માનસ અને બરપેટાનું પ્રસિદ્ધ વૈષ્ણવ સત્ર જોઈ લઈએ.

વહેલી સવારે અસમના બરપેટા રોડ સ્ટેશને હું અને સુનીલ ઊતર્યા. ૧૯૭૯માં જ્યારે અસમ આવ્યા હતા ત્યારે એકલો હતો, પણ આ વખતે સુનીલ સાથે હોવાથી અસમના ગાઢ પરિચયમાં આવવાની સંભાવના હતી. અસમિયા સંસ્કૃતિ, અસમનો વૈષ્ણવધર્મ અને અસમિયા સાહિત્યના એ અભ્યાસી પણ હતા, પરંતુ બરપેટા રોડ ઊતર્યા પછી એ સાવચેતીપૂર્વક વાત કરવા લાગ્યા. કહે, આ વિસ્તારમાં આપણે સાવધ રહેવું પડશે. અહીં અસમિયા લોકો બાંગ્લાદેશથી પ્રવેશેલા લોકોને કારણે લગભગ લઘુમતીમાં આવી ગયા છે. વળી એ બહારથી આવેલા લોકો આક્રમક મિજાજમાં પણ છે. શઈકિયા સરકારનું એમને પીઠબળ છે. સુનીલની વાત સાંભળી મને આશ્ચર્ય થયું. એક ક્ષણે તો થયું કે પિતાની ભૂમિમાં જ સુનીલ આટલો ચિંતિત કેમ છે? પછી તો લાગ્યું કે આ વિસ્તારના તળ અસમવાસીઓ સાચે કોઈ અસલામતીના ભયમાં રહે છે.

સ્ટેશને એક ઝૂંપડા-હોટલ હજી હમણાં ખૂલી હતી. ત્યાં આજના પ્રથમ ગ્રાહક તરીકે અમે ચા પીધી. ચા પીતાં પીતાં અસમમાં હવે કેવી રીતે ભ્રમણ કરવું એનો વિચાર પણ કરી લીધો. બરપેટા સ્ટેશનથી અમે બે સ્થળોમાં પહેલાં ક્યાં જવું તેની વિમાસણમાં હતા. અહીંથી થોડે દૂર બરપેટા ગામમાં આવેલા અસમના સૌથી પ્રસિદ્ધ વૈષ્ણવતીર્થનાં દર્શને જવું કે સૌંદર્યસ્થલી અભયારણ્ય માનસનાં દર્શને?

આ માનસ એટલે ભૂતાન–ભારતની સરહદ પાસેના ગાઢ જંગલનો વિસ્તાર. ત્યાં જંગલ વચ્ચે થઈને વહેતી નદીનું નામ માનસ છે, એટલે આખો વિસ્તાર માનસના અભયારણ્ય તરીકે ઓળખાય છે. માનસ માત્ર અસમનાં જ નહિ, ભારતનાં ઉત્તમ સૌંદર્યસ્થળોમાંનું એક ગણી શકાય છે. ભારત અને ભૂતાનની સરહદરેખા માનસ નદીના પ્રવાહથી નક્કી થઈ છે. જંગલમાં નદી સુધી પહોંચો એટલે ભારત, અને જેવો નદીમાં પગ મૂકો એટલે ભૂતાન.

પરંતુ આ અભયારણ્યનો વિકાસ, સંરક્ષણ વગેરે ભારત અને ભૂતાન એ બન્ને દેશોની સરકાર સંયુક્ત રીતે કરે છે. પરરાષ્ટ્રના માણસને તમે કોઈ દેશની સરહદે અટકાવી શકો (જોકે આ વિસ્તારમાં તો એવું લગભગ નથી), પણ વન્ય પ્રાણીઓને? વાઘ, હાથી, હરણ કે જંગલી ભેંસો અને અસમના પેલા પ્રસિદ્ધ ગેંડા ઓછા સરહદના નિયમો પાળવાના હતા?

અમે પહેલાં આ માનસના અરણ્યમાં જવાનો નિર્ણય લીધો પણ ત્યાં જવું કેવી રીતે? અહીંથી ૪૦-૪૫ કિલોમીટર જવું પડે. વળી સરકારે આ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કર્યો હોવાથી જંગલખાતાના અધિકારીની ત્યાં જવા માટે રજા પણ લેવી પડે. આ સવારે જંગલખાતાની ઑફિસ ક્યાંથી ખૂલી હોય? અમે વિમાસણમાં પડ્યા.

પરંતુ અહીંના માણસો બહુ ભલા લાગ્યા. એક સજ્જનને અમારી મુશ્કેલીની વાત કરી. તો કહે, તમે જંગલખાતાના અધિકારીને ઘેર પહોંચી જાઓ. એ તમને માર્ગદર્શન આપશે. અમને સંકોચ હતો, કોઈ અધિકારીને ઘેર સવારે સવારે જવાનો. વળી અમે હતા, ‘પ્રવાસી’ વેશમાં બૅગબિસ્તર સાથે. પણ સંકોચ કર્યે કેમ ચાલે? રિક્ષા કરીને અમે તો પહોંચી ગયા અધિકારીને ત્યાં. હવે એ જંગલખાતાના અધિકારી નથી કહેવાતા. પ્રૉજેક્ટ ટાઇગરના ફિલ્ડ ડિરેક્ટર કહેવાય છે. ભારત સરકારે વાઘની હિફાજત માટે આખા દેશમાં જ્યાં જ્યાં થોડા વાઘ હવે રહ્યા છે, ત્યાં ‘વાઘ પરિયોજના’-પ્રૉજેક્ટ ટાઇગરની યોજના ઘડી છે. માનસના અરણ્યમાં ઘણા વાઘ છે એટલે અહીં એના ફિલ્ડ ડિરેક્ટર અભયારણ્યની દેખરેખ રાખે છે.

ફિલ્ડ ડિરેક્ટરનું નામ હતું સંજય દેવરાય. હજી તો સવારના સાડા સાત થયા હતા. સસંકોચ એમના ઘરના પ્રાંગણમાં રિક્ષા ઊભી રાખી. ઘંટડી વગાડી. અમને બેસવાનું કહેવામાં આવ્યું. દીવાનખાનું જંગલખાતાના અધિકારીની ઓળખ આપી રહે. હાથીના પગ ટફ કરીને બેસવાનાં સ્ટૂલ હતાં, કાળિયારનાં શીંગડાં ઉલટાવીને બનાવેલું ટી-ટેબલ હતું. દીવાલ પર પણ શીંગડાં સાથે સ્ટફ હરણનાં મસ્તક હતાં. પરંતુ તે સાથે રમ્ય સુશોભનોય હતાં.

અમે ઉભડક રીતે જ બેઠા હતા, ત્યાં સંજય દેવરાય આવ્યા. અમે નમસ્કાર કરી અવેળાએ આવવા બદલ માફી માગી, અને અમારા આવવાનું પ્રયોજન જણાવ્યું. તેમણે નિર્લિપ્ત ભાવે પૂછ્યું – ક્યારે જવું છે? કેટલા દિવસ રહેશો? અહીંથી ૪૫ કિલોમીટર થશે. વાહનનું શું કરશો? તમારે સીધું-સામાન પણ લઈ જવાં પડશે. ટૂરિસ્ટ બંગલામાં રહેવાની અનુમતિ તમને લખી દઉં છું – એમ કહી ફૉર્મ કાઢ્યાં. અમારાં નામ-સરનામાં પૂછ્યાં. કહ્યું કે હું ગુજરાતથી આવું છું અને આ સુનીલકુમાર તો અસમના શિવસાગર જિલ્લાના છે. હાલ શાંતિનિકેતનમાં અમે બંને અધ્યાપક છીએ.

અત્યારે અમે શાંતિનિકેતનથી આવીએ છીએ એ જાણી એમના નિર્લપ્ત ચહેરાની રેખાઓ એકાએક બદલાઈ, તેમણે ‘મંજુ મંજુ’ કહી તેમની પત્નીને બૂમ પાડી. તેમનાં પત્ની બહાર આવ્યાં. કહે – આ તો શાંતિનિકેતનથી આવ્યા છે. મંજુદી હતાં શાંતિનિકેતનનાં છાત્રા. બસ, પછી તો અમે પ્રૉજેક્ટ ટાઇગરના ડિરેક્ટરના એક ક્ષણમાં મહેમાન બની ગયા. ભરપૂર ચા-નાસ્તો.

સંજય દેવરાયે કહ્યું, તમે હવે બજારમાં જઈ બે દિવસનું સીધુંસામાન લઈ આવો. ત્યાં ખાનસામા છે. રાંધી દેશે. દરમિયાનમાં વાહનની વ્યવસ્થા હું વિચારું છું. મંજુદીએ થેલો આપ્યો. અમે બે દિવસનું સીધું લઈને આવ્યા, ત્યાં દેવરાય અમને એમની ઑફિસમાં લઈ ગયા. જંગલનો નકશો કાઢી બધી વિગત આપી. કેવાં કેવાં પ્રાણીઓ છે, કેટલી સંખ્યામાં છે, તેમની હિફાજત કેવી રીતે થાય છે – એ બધું સમજાયું. વાઘ અને હાથીની વાત અત્યંત રસથી કરી. વાઘ સાથે તો જાણે એમને દોસ્તી ન હોય! જંગલમાં પહોંચીએ તે પહેલાં માનસનું જંગલ અમારી સામે જીવતુંજાગતું થઈ ગયું.

પછી તો અમારા આશ્ચર્ય વચ્ચે એમણે એમના ડ્રાઇવરને કહ્યું કે આ બંનેને મથનગુરી ફોરેસ્ટ બીટ સુધી પહોંચાડી આવો, ત્યાંથી જંગલની અંદર જંગલખાતાની જીપ લઈ જશે. કયા શબ્દોમાં દેવરાયનો આભાર માનવો? કહે, ના, એવી જરૂર નથી. તમે આ વિશે લખશો, એટલે અમારા જંગલખાતા માટે, વન્યજીવન માટે કેટલી ગુડવિલ ઊભી થશે! દૂરસુદૂર ગુજરાતના લોકો આ અતિ સુંદર એવા માનસ વિશે પણ જાણશે.

એમની મોટરગાડી સ્ટેશન વટાવી ઉત્તર તરફ દોડવા લાગી. થોડી વારમાં જ ચાના બગીચા શરૂ થઈ ગયા. અસમનું ચિરપરિચિત દૃશ્ય – બરડે ટોપલી રાખી ચાનાં પાંદડાં વીણતી સ્ત્રીઓનું દૃશ્ય દેખાયું. ચાના બગીચા અસમની એક સમૃદ્ધિ છે, પણ એ બગીચા દ્વારા અસમનું તો શોષણ થતું રહ્યું છે. મજૂરો બધા બહારથી લાવીને વસાવ્યા છે, અને કંપનીઓની મોટા ભાગની ઑફિસો કલકત્તામાં. અસમને લાભ ઓછો મળે. વસાહતી મજૂરો તળ અસમના લોકો માટે ચિંતાના એક કારણરૂપ નથી એવું નથી. ફોટોજિનિક એ દૃશ્ય આ આંદોલનના દિવસોમાં અનેક પ્રતિક્રિયાઓ જગાવી ગયું.

અમે જેવા જંગલના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા કે ત્યાં જંગલખાતાની જીપ તૈયાર ઊભી હતી. શ્રી દેવરાયે વાયરલેસથી સંદેશો આપ્યો હતો, જીપમાં બેસી અમે અભયારણ્યમાં પ્રવેશ કર્યો. ચોમાસાના જ દિવસો હતા, ભલે ઊતરતા, પણ એથી જંગલ તો લીલુંછમ હતું. રસ્તાની બંને બાજુ ઊંચું ઊંચું ઘાસ હતું. એ એટલું ઊંચું હતું કે તેમાં હાથી ચાલતો હોય તોય ન દેખાય. એટલે એ ઘાસને ‘હાથીઘાસ’ કહે છે. પવનમાં આ હાથીઘાસને સમુદ્ર જાણે લહેરાતો હતો. પણ હાથી ક્યાં?

ને હાથી પણ દેખાયા. અમારી સલામતી હતી, કેમ કે એ જંગલી (વનરિયા) હાથી ન હતા. પછી તો ગાઢ ઊંચાં વૃક્ષોનો વિસ્તાર શરૂ થયો. વૃક્ષો વેલીઓથી વીંટળાયેલાં. અત્યારે તો બીજા છોડવા પણ ઊગી નીકળ્યા છે. જમીન દેખાય નહિ. અમે ખરેખરના અરણ્ય વચ્ચે જતા હતા, પણ જીપનો અવાજ જાણે અંતરાયરૂ૫ હતો.

ત્યાં સાઇનબૉર્ડ દેખાયાં. આ અભયારણ્ય હતું અને એટલે એક ખાસ વાત લખી હતી કે અહીં પ્રથમ નાગરિકો છે જંગલનાં પ્રાણીઓ. માણસો બીજા નંબરના નાગરિકો છે, કારણ કે તેઓ આગંતુક છે (વિદેશી નાગરિકોના પ્રશ્ને ચાલતા અસમના સંદર્ભે આવી સૂચના પણ અસમના પ્રાણપ્રશ્ન વિશે સભાન કરી દેતી હતી. અસમના લોકો પોતાની ભૂમિમાં ‘અભય’ ક્યારે બનશે?)

અમારી જીપ એક ઊંચે વૃક્ષાચ્છાદિત ટેકરીના રસ્તે ચઢી, એક-બે માળની ઇમારત આગળ આવી ઊભી. જીપ ઊભી રહી કે તરત ખાનસામો આવી ઊભો. અહીં પણ વાયરલેસથી અમારા આવવાના સમાચાર પહોંચી ગયા હતા. ખાનસામાનું નામ અબ્દુલ અમીન. ટૂરિસ્ટ બંગલાના પહેલે માળે એક સુસજ્જિત ઓરડો એણે તરત ખોલી આપ્યો. તેને સીધું-સામાન આપી કહ્યું, હમણાં ચા, પછી ભોજન.

બંગલાની ઉત્તર તરફની ગૅલરીમાં આવીને ઊભા તો સામે એકદમ ગાઢ વનરાજિથી આચ્છાદિત પૂર્વી હિમાલયની ગિરિમાળા, નીચે અરણ્ય અને અરણ્ય વચ્ચે વહી જતી માનસ નદી! માનસના સૌન્દર્યલોકનું એક અદ્ભુત સંમોહક દૃશ્ય. અમે જોતાં જ રહી ગયા! સૌન્દર્યદર્શનની ‘એક્સ્ટસીની’ ક્ષણો જીવનમાં આવી ઓછી જ આવતી હોય છે. અહીં માત્ર શેક્સપિયરના શબ્દો જ કામે લાગશે – વંડરફુલ! વંડરફુલ! ઍન્ડ યેટ વન્ડરફુલ! સુનીલ બોલી ઊઠ્યા – ઓ મોર ચિકુણી દેશ અસમ – ઓ મારા સુંદર વતન અસમ!

અસમના આ અભયારણ્ય માનસના વન્ય સૌંદર્યથી અમે અભિભૂત થયા હતા અને આ જનવિરલ એકાન્તથી અંતર્મુખ થયા હતા. અમે બન્ને જણા ભાગ્યે જ થોડા શબ્દો વચ્ચે વચ્ચે બોલતા હોઈશું, બાકી ભોજન પછી પણ પાછા વિરાટની અટારીએ બેઠા હોઈએ તેમ ઊંચાઈએ આવેલાં ફોરેસ્ટ બંગલાની બાલ્કનીમાંથી ચૂપચાપ સામે તડકામાં ફીણ ફીણ થઈ વહેતી માનસના કામ્ય વળાંકો જોતા હતા. જોતા હતા નદીપારના જંગલછાયા પહાડો. અસમનું જનજીવન કેટલું ક્ષુબ્ધ છે આજે! અમે અસમનું માત્ર સૌન્દર્ય જોતા હતા!

બાલ્કનીમાંથી નીચે જોયું. ઇક્ઝોરાના લાલ ફૂલ પર એક કાળા રંગનું અને એક પીળા રંગનું પતંગિયું ઝૂમતું હતું. પતંગિયાં પ્રદક્ષિણા કરી પોતાનો હળવો ભાર લાલ ઇક્ઝોરા પર તોળી ઊડાઊડ કરતાં હતાં. એવું થતું હતું કે જાણે એ છોડ પરથી ત્રણ રંગનાં ફૂલો ડાળીથી હટી છૂટી પાછાં ડાળી પર આવી જાય છે.

થોડી વાર પછી નીચે ઊતરી અમે નદીના પ્રવાહ ભણી ચાલ્યા. નદીકાંઠે સફેદ કાશ શરદના સૌન્દર્યને પ્રકટ કરતાં હતાં. અમે જોયું કે એક હાથી નદીમાં આડો પડી સ્નાન કરી રહ્યો છે. બાજુમાં મહાવત પણ હતો. મહાવત હાથીની પીઠ ઘસી રહ્યો હતો. નદીનો આ તટ પથરાળ છે, રેતી છે જ નહિ. મહેશ્વરની નર્મદા યાદ આવી.

ફરતાં ફરતાં અમે એક સૂચનાફલક જોયું. અસમિયા ભાષામાં લખ્યું હતું : ‘વાહત જીવજંતુ દેખિલે અનુગ્રહ કરિરબ. ઈયાત યાતાયાતેર અગ્રાધિકાર જીવજંતુ ઈહે પાબ લાગે.’ એટલે કે રસ્તે જતાં કોઈ વન્ય પ્રાણી દેખાય તો એમને રસ્તો કરી આપવો. અહીં ચાલવાનો પહેલો અધિકાર જંગલનાં આ પ્રાણીઓને છે.

પરંતુ હજુ સુધી ખાસ કોઈ પ્રાણીનો ભેટો થયો ન હતો. આસપાસ ફરતાં ફરતાં અમે આ ઈશાન ભારતમાં થતાં ઑર્કિડનાં ફૂલ જોયાં. ઑર્કિડ જમીનમાં ઊગતાં નથી. એ ઝાડ પર અમર વેલની જેમ ઊગે છે. મૂળિયાં અવકાશમાંથી પ્રાણ શ્વસે. સુનીલને ફૂલ પંખીની ઘણી પ્રીતિ.

ખાનસામા અબ્દુલ અમીને આવીને અમને કહ્યું કે જંગલમાં ઊંડે સુધી જવા આપને માટે હાથી તૈયાર છે. અંધાર થાય તે પહેલાં પાછા આવી જવું જરૂરી છે. માટે હમણાં જ નીકળવું જોઈએ.

જે પેલા હાથીને સ્નાન કરાવાતું હતું, એ જ હાથી પર અમારે સવારી કરવાની હતી. હાથી પર ચડવા માટે ખાસ સ્ટૅન્ડ બનાવવામાં આવ્યું હતું. ત્રણ માણસો બેસી શકે એવી અંબાડી હતી. સુનીલ અને હું સવાર થયા. હાથી પર સવારી કરવાનો આ પહેલો અનુભવ. જુદા જ પ્રકારનો રોમાંચ અને કૌતુક થતાં હતાં. ત્રીજી બેઠક ખાલી હતી, પણ થયું કે જાણે કોઈ બેઠું છે.

હાથીએ જંગલ વચ્ચે ચાલવાનું શરૂ કર્યું. થોડી વારમાં તો ગાઢ અરણ્યની વચ્ચે જાણે પહોંચી ગયા. શરદનો ઉજ્જ્વળ તડકો ક્યાંય જતો રહ્યો અને તરુવરોની અડાબીડમાંથી પસાર થતા હતા. વૃક્ષ, વેલી અને ઘાસ. ઊંચા ઊંચા ઘાસ માટે તો આ અરણ્ય પ્રસિદ્ધ છે. એ અસમનું હાથીઘાસ. હાથી તો એ ઘાસ વચ્ચે ન દેખાય, પણ હાથી પર બેઠેલા અમે પણ એ ઘાસની બહારથી ન દેખાઈએ. ક્યાંક ઝાડની માથે અડી જતી ડાળીઓ હટાવવી પડે, ક્યાંક ઝૂકી જવું પડે.

આ હું હાથી લખું છું, પણ અમે જેની પર બેઠા હતા તે હાથણી છે, એ તે મહાવત સાથેની વાત પરથી ખબર પડી. હાથણીનું નામ રત્નમાલા. એ નામ સાંભળતાં જંગલની દુનિયામાંથી ક્ષણેક તો પ્રાચીન મધ્યકાલની લોકવાર્તાઓમાં સરકી ગયા. હાં, તો રત્નમાલા પોતાના પરિચિત માર્ગે જતી હતી, પણ અમારે માટે તો અપરિચિત સાથેના ‘પ્રથમ’ રોમાંચ હતો. જંગલનું પહેલું દર્શન ‘વૈદર્ભી વનમાં વલવલે…’ એ પ્રેમાનંદની પંક્તિઓમાં કલ્પનાની આંખોએ કરેલું તે યાદ આવતું હતું.

અમને હતું કે કદાચ વાઘ જોવા મળી જાય, કદાચ એકશૃંગી ગેંડા જોવા મળી જાય, કદાચ વન્ય હાથીઓનું ઝુંડ. પણ મહાવતે કહ્યું કે વાઘ તો બહુ શરમાળ પ્રાણી છે. એ તો ભાગ્યે જ આમ હાથી પર બેસીને જતાં દેખાય. નીચે પડેલાં પાંદડાંના ઢગલા પરથી પસાર થતાં થતો અવાજ, તથા આજુબાજુની હાથીને અડી જતી ઘસાતી ડાળીઓના અવાજ સાંભળી નજીક હોય તોય સરકી જાય. આ બાજુ ખાસ વાઘ આવતા નથી.

પ્રૉજેક્ટ ટાઇગરના ડિરેક્ટર શ્રી સંજય દેવરાયે અમને એક માણસખાઉ વાઘની વાત કરી હતી. એ વાઘને તો પછી એમને હણવો પડ્યો હતો. ફોરેસ્ટ બંગલામાં એની સ્ટફ કરેલી વિકરાળ કાયા જોઈને પણ થરથરાટી થઈ હતી. બીજા એક વાઘની વાત કરી હતી. એ ક્યાંક ઘવાયો હતો અને યુક્તિપૂર્વક એને પકડીને એની સારવાર કરાતી હતી. બહુ બહુ તો કદાચ એ વાઘ જોવા મળે.

પણ સૌથી પહેલાં દર્શન થયાં તે અસમની વન્ય મહિષીઓનાં. મહિષી એટલે રાણી એવો અર્થ પણ થાય. આ મોટાં શીંગડાંવાળી નાની હાથણી જેવી ભેંસો જે મુક્ત રીતે વિચરતી હતી, તે જોતાં ‘મહિષી’ નામ પણ સાર્થક લાગે. અમને જોતાં આખું ઝુંડ વિરુદ્ધ દિશામાં અરણ્યના ઊંડાણમાં પલાયન કરી ગયું. અમારા ભણી આવી હોત તો તેમનો અગ્રાધિકાર માન્ય રાખી રસ્તો દીધો જ હોત.

રત્નમાલા જંગલનો આ ભાગ પાર કરી નદીકાંઠા ભણી વળી. ત્યાં જ હરણનાં ઝુંડ જોયાં. ખુલ્લા અરણ્યમાં ફરતાં આ હરણ! એ જ મુગ્ધ આંખો! સુંદર, વિસ્મિત આંખોને કવિઓ અમસ્તા જ હરણની આંખો સાથે સરખાવતા નથી હરિણનેત્રી, મૃગાક્ષી કે મૃગનયની એ બધાં વિશેષણો અમારી તરફ એકીટસે જોઈ રહેલાં હરણને જોતાં સાર્થક લાગે. પણ કેટલી વાર? તરત એમના પગમાં જોર આવ્યું અને નદીકાંઠેથી, અરણ્યમાં એ ઝુંડ ભાગી ગયું.

આ જંગલ વચ્ચે માનસ એના પૂરા વૈભવથી વહેતી હતી. અરણ્યમાં ચૂપચાપ નહિ, કલકલ સ્વ સાથે વહેતી એકાકી નદીનું સૌન્દર્ય કંઈક જુદું જ હોય છે. નદીના વહેણમાં પથ્થર ઘણા હતા. રત્નમાલાએ જેની નીચે પથ્થર દેખાતા હતા એવા નદીના પારદર્શી જળમાં પ્રવેશ કર્યો. જંગલમાં તેના પગ નીચે કચડાતાં સૂકાં પાંદડાંનો અવાજ આવતો હતો, અહીં હવે પાણીના છપ્ છપ્‌નો.

નદી પાર કરી જંગલના બીજા ભાગમાં અમે આવ્યા, આ ભૂતાનનું જંગલ. ત્યાં કિનારા પરની ભીની માટીમાં મહાવતે ગેંડાનાં ભારે પગલાંની છાપ બતાવી. ગેંડાનાં દર્શન તો ન થયાં, એનાં ‘પગલાં’નાં દર્શનથી સંતોષ માન્યો. છતાં અમે છેક આશા છોડી ન હતી. નદીના પટમાં આવ્યા ત્યારે ફરી તડકો દેખાતો હતો. એટલે થયું કે હજી તો આ વન્યસૃષ્ટિને ખુલ્લામાં બહાર આવવાની વેળા થઈ નથી. નહિતર નદીકાંઠે પાણી પીવા તો આવે ને!

નદીના પ્રવાહને કાંઠે તણાઈને આવેલાં લાકડાં પડ્યાં હતાં. પૂર આવતાં એ કેવો વિકરાળ પ્રવાહ બનતો હશે, તે કલ્પી શકાય, માનસ પણ આ જંગલની મોઝાર જંગલી બની જતી હશે. ફરી એક વાર જંગલી ભેંસોનાં દર્શન થયાં, પણ વાઘ, હાથી? જંગલના આ વિસ્તારમાં વૃક્ષો-વેલીઓનો જુદો દીદાર હતો. શું ભૂતાનનું જંગલ હતું એટલે?

સાંજ ઢળી રહી હતી. રમણીયતાથી આખી અરણ્યાની ભરાઈ ગઈ. તેમાંય શરદના આ સ્વચ્છ દિવસો. થોડી વારમાં જ જંગલનું પ્રકૃત રૂપ પ્રકટતું લાગ્યું. માનસનું રૂપ પણ બદલાતું લાગ્યું. પર્વતની પશ્ચાદ્ભૂમાં એના કામ્ય વળાંક ભૂરાં જળથી આકૃષ્ટ કરતા હતા. થયું કે રત્નમાલાની પીઠેથી થોડી વાર નીચે ઊતરી એ ભૂરાં જળમાં કંઈ નહિ તે આપણું પ્રતિબિંબ તો જોઈએ! સમગ્ર પ્રકૃતિનું રૂપ હવે ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરતું લાગ્યું. પવનનો વેગ પણ એટલો વધ્યો હતો કે એનો અવાજ નદીના અવાજને છાઈ જવા લાગ્યો.

રત્નમાલા માનસને કાંઠે કાંઠે ચાલતી હતી. રત્નમાલાની પીઠ પર બેસી એ દિવસનો સૂર્યાસ્ત જોયો. ત્યાં તો અમારું વાસસ્થાન દેખાયું. રત્નમાલાને વિદાય કરી ફોરેસ્ટ બંગલાના કઠેરામાં આવી ઊભા અને લાંબા વખત સુધી લાલ રહેલી ક્ષિતિજ ભણી જોયા કર્યું. આ સાંજ, આ પવન, આ નદી, આ પહાડ, આ અરણ્ય, આ આકાશ, આ નિર્જનતા! ધીરે ધીરે તેમાં અંધકાર ભળી ગયો. અરણ્યનો આદિમ અંધકાર.

એ આદિમ અંધકારમાં આ પુરાણાં જંગલો વચ્ચેથી પસાર થતા પવનનો અવાજ, એ પણ આદિમ. એ અવાજ વધતો ગયો. માનસનો ઘુઘવાટ પણ વધતો ગયો. સમુદ્રના ઘુઘવાટ સાથે એને સરખાવી શકાય. જળ-પવનની આ નાદલીલા અરણ્યની સાથે અમે શ્રવણગોચર કરી રહ્યા હતા. અમે ક્યાં છીએ? અમે કોણ છીએ?

…આજે મોડી રાત સુધી જાગી અરણ્યની રાત્રિનો સ્પંદ અનુભવવો હતો. અમને થતું હતું કે આ અરણ્યમાં અમે બન્ને જણ રહી ગયા છીએ, અમે નક્કી કર્યું હતું કે ચંદ્ર બહાર આવે અને ચાંદનીમાં અરણ્ય રસાઈ જાય, પછી જ સૂવું. અંધારામાં વહી જતી માનસ તરફ જોતાં અમે બેઠા હતા. વચ્ચે વચ્ચે અમે થોડાક શબ્દોની આપ-લે કરી અમારા મનના અરણ્યમાં જાણે ખવાઈ જતા હતા. ત્યાં પણ કોઈ ‘માનસ’ વહેતી હતી?

આકાશ એકદમ હીરે મઢ્યું. ત્યાં પર્વતોની દિશામાં પૂર્વમાં ક્ષીણ ચંદ્રલોકનો ભાસ થયો. થોડી વારમાં ચંદ્ર બહાર આવ્યો, પહાડની ચુડા ઉપર. નીચે માનસનું રમ્ય ભીષણ રૂપ પ્રકટ થઈ ઊઠ્યું. પથ્થરો પરથી વહેતો એનો પ્રવાહ ચાંદનીમાં ચળકી ઊઠ્યો હતો. હવેની ક્ષણો વળી અનિર્વચનીય.

માનસના અરણ્યમાં ચાંદની રાત વિહરતી હતી. એકાકી ફોરેસ્ટ ગેસ્ટ હાઉસનાં બારી-બારણાં બંધ હતાં, છતાં વૃક્ષો વચ્ચેથી વેગથી પસાર થતા પવનો અને નદીનાં વહેતાં જળનો અવાજ બારીઓના કાચ પર પછડાટો ખાતો રહ્યો; રાત વધવા સાથે એ વેગ વધતો રહ્યો, અવાજથી જ વૃક્ષોનો અમળાટ કળી શકાતો હતો.

આવામાં ઊંઘ કેવી રીતે આવે? મધરાતે ફરી એક વાર બહાર નીકળી કઠેડામાં જઈ ઊભો રહ્યો. વદ છઠની ચાંદનીનું તેજ પણ ઓછું નથી. નદીનો અવાજ અને પવનનો અવાજ બન્ને સામટા ભળી જઈ આખા જંગલને ગજાવતા હતા.

વાઘ તો જોવા ન મળ્યો, પણ હતું કે રાતમાં વાઘની ગર્જનાઓ સાંભળવા મળશે. પણ આ પવન અને નદીની ગર્જનાઓમાં વાઘની ગર્જના ક્યાં સંભળાય? મને થયું કે આખું અરણ્ય અત્યારે તો જીવંત થઈ ગયું હશે. ક્યાંક કોઈ વાઘે હરણ પર તરાપ મારી હશે, કોઈ વાઘ અત્યારે માનસના પટમાં પાણી પીવા ઊતર્યો હશે. પેલી વન્ય મહિષીઓ અને હરણવૃંદ અત્યારે ક્યાં હશે? ચાંદનીમાં બધું જાણે ભર્યું ભર્યું અને રહસ્યમય લાગતું હતું. રાતનું અરણ્ય ચિત્તમાં ભરી સૂઈ ગયો.

સવારના પાંચ વાગ્યે તો ઉજાસ પથરાવો શરૂ થઈ ગયો હતો. પહેલો તડકો દેખાયો તે તો પશ્ચિમ તરફની પહાડી અરણ્યાની પર. તે પછી વિસ્તર્યો ઉત્તર તરફના પહાડ પર. પૂર્વ દિશાના પહાડોનો પશ્ચિમાભિમુખ લીલો ઢળાવ હજી તો છાયામાં હતો. ધીરે ધીરે નદીના પ્રવાહ પર પણ તડકો પથરાવા લાગ્યો. પવન હવે થાકી ગયો હતો, પણ મમત મૂકતો નહોતો.

અમે બાલ્કનીમાં આવીને બેઠા હતા. જંગલનો રાતનો વેશ જાણે બદલાઈ ગયો હતો. સવારમાં આખુંય આ પરિદૃશ્ય પ્રસન્નકર હતું, આ બધું જોતાં જોતાં ચા પીવાનો આનંદ ભરપૂર હોય છે.

સાત વાગતાં તો ખાનસામા અબ્દુલ અમીને કહ્યું કે, ભૂતાન વિસ્તારમાં જવા નૌકા તૈયાર છે. ઉત્તર તરફની માનસ પાર કરીને એ પ્રદેશમાં જવાનું હતું. અમે હોડીમાં જઈને બેઠા. માત્ર હું અને સુનીલ. જ્યાંથી હોડી ઊપડે છે, તે ખેયાઘાટ આગળ માનસનો પ્રવાહ અત્યંત જોરદાર હતો. સામી બાજુએ તડકામાં પથરા તગતગતા હતા. નદીને આ કાંઠે સફેદ કાશ ખીલેલાં હતાં.

નાવમાં અમે ઉપરવાસ ભણી જઈ રહ્યા હતા. પહેલાં નાવ ઊંડા જળવાળા કાંઠે ધીરે ધીરે ચાલી, પછી અમે પ્રવાહની મધ્યમાં પહોંચ્યા. હવે અમે તડકાનો અભિષેક પામતા હતા. અહીં પહાડોની વચ્ચે વળાંક લેતી નદી કેવી તો શોભતી હતી! હોડી સામે કિનારે જઈ ઊભી, એક નાવિક અમારી સાથે ભુતાન બાજુના જંગલમાં ઊતર્યો. જંગલમાં પ્રવેશીએ કે પંખીઓનું ગાન સંભળાવા લાગ્યું. થયું, આ બધાં અત્યાર સુધી ક્યાં હતાં? ભુતાન વિસ્તારના જંગલમાં કદાચ વધારે પુરાણાં ઝાડ છે. એ ઝાડની ટોચો પવન સાથે ઝૂમી રહી હતી. ત્યાં એક સૂકા ઝાડની ડાળી પર ગોલ્ડન લેંગુર જોયું. છાતીનો રંગ સોનેરી એટલે એવું નામ હશે. નાવિકે અમને અગરુનાં વૃક્ષ બતાવ્યાં.

ચાલતાં ચાલતાં એક ઝમકદાર બેઠા ઘાટની ઇમારત દેખાઈ. એ હતી ભુતાન રૉયલ કૉટેજ. કૉટેજના વરંડામાં ઊભેલી ગોરી ગોરી ભુટિયા કન્યા બરબસ ધ્યાન ખેંચી રહી. કૉટેજના પ્રાંગણમાં થઈ જેવા તેની પછવાડે આવીને ઊભા કે વળી રમ્યરૂપા માનસ.

અહીં પ્રવાહ એકદમ પૂર્વપશ્ચિમ હતો. ત્યાંથી પછી વળી જતો હતો દક્ષિણ તરફ. પહાડો એવી રીતે ગોઠવાયા હતા કે નદીને એમ વળવું પડે. વળાંકવાળા ભાગમાં નદીની અને એ પહાડોની શોભા મારાત્મક હતી. શું નદી કે શું નારી, વળાંકોમાં તેમના નમનીય રૂપનો આવિર્ભાવ સહેજે થતો હોય છે. આ રૉયલ કૉટેજ, આ વળાંક લેતી નદી, નદીમાં પ્રતિબિંબ પાડતા પહાડો – આ બધું ચિત્રાત્મક લાગતું હતું. ઢાળ ઉપર બે-એક સરખાં નાહરનાં ઝાડ. અસમનાં બિહુગીતોમાં અસમિયા નારીને પ્રિય એવાં આ નાહરનો ઉલ્લેખ આવે.

પગથિયાં નદી સુધી જતાં હતાં. અમે સાંકડાં પગથિયાં ઊતરી નીચે વહેતી નદી સુધી ગયા. પહાડો વચ્ચે પથ્થરિયા ૫ટ પર વહેતી માનસ. આટલું બધું સૌંદર્ય! એનાં જળમાં ડૂબકી મારવાની ઇચ્છા થઈ આવી. નદીમાં ડૂબકી માર્યા વિના એ નદીને પૂરેપૂરી કેવી રીતે પમાય? પાણી તો જાણે ઓગળીને વહી આવતો બરફ. પણ એક ડૂબકી લગાવતાં જ ગરમી પ્રકટી. પછી તો સ્નાનની જે મઝા માણી છે!

પછી નદીને કાંઠે કાંઠે પથ્થરોમાં ચાલતા ચાલતા વળાંક પછીના કિનારે જ્યાં અમારી નાવ હતી, તે તરફ જવા લાગ્યા. પથ્થરો લપસણા હતા અને લપસાવીને રહ્યા! હોડીમાં બેસી માનસના પ્રવાહની સાથે ઉતારે આવી ગયા.

બપોરના પવન એકદમ પડી ગયો. આખી રાત અને સવાર જે વૃક્ષો આમૂલ હચમચી ઊઠતાં હતાં, તે વૃક્ષોનાં પાન સુધ્ધાં સ્તબ્ધ હતાં. એ સ્તબ્ધતામાં તમરાંના સ્વર અને માનસના પ્રવાહનો કલકલ અવાજ સાંભળી શકાતો હતો. સાંજે હેઠવાસમાં ફરી નૌકાવિહાર કર્યો. હવે અમને આ જંગલ ચઢતું જતું હતું. વધારે નશો ખતરનાક તો નહિ નીવડે ને? પાછા વળતાં સૂર્યાસ્ત થઈ ગયો.

હવે આ રાત્રિની વેળાએ ૨૦ કિલોમીટર જંગલનો માર્ગ કાપીને પાછા બરપેટા રોડ પર જવું કે ન જવું? સામાન્ય યાત્રીઓને જલદી અનુમતિ નથી મળતી, પણ અમે પ્રોજેકટ ટાઇગરના અતિથિ હતા. ખાનસામા અબ્દુલ અમીને શ્રી દેવરાય સાથે વાયરલેસથી વાત કરી. ભલે આવે. જંગલ ખાતાની જીપ અમને બંનેને બરપેટા રોડ પર મૂકવા આવી.

શ્રી દેવરાયનો આભાર માનવા અમે તેમને ત્યાં ગયા. શ્રી દેવરાયે કહ્યું, બાજુમાં જ ઇન્સ્પેક્શન બંગલો છે, ત્યાં તમારા ઉતારાની વ્યવસ્થા છે. પછી તો તેમનાં પત્ની મંજુદીએ પણ ઉષ્માથી સ્વાગત કર્યું. શ્રી દેવરાયે વાઘ અને હાથીની વાતો કાઢી. એક માણસખાઉ વાઘનો શિકાર કેવી રીતે કર્યો હતો, તેની રોમાંચક વાત દીવાનખાનામાં બેસીને સાંભળવી સલામતીભરી હોય છે.

પછી તેમણે યાદગાર વાત તો હરિ નામના એક હાથી પકડનારની કહી. અસમના અભયારણ્યના જંગલી હાથીઓને કેવી રીતે ચાલાકીથી અરણ્યની બહાર લઈ જવાય છે અને વેચી દેવાય છે, અને એમાં પકડનારને તો કેટલું મામૂલી વળતર અપાતું હોય છે – એ સંદર્ભે હરિની વાત હતી. હાથી પકડવામાં એ માણસ એક્કો હતો, પણ પછી જંગલ ખાતાએ એને જ નોકરી આપી, હાથીઓની ચોરી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી. વાઘ, હાથી, હરણ, ગેંડા, જંગલી ભેંસો, એ બધી વાતો નીકળતી રહી. અમે શું પાછા અરણ્યમાં હતા?

બે દિવસમાં તો એવું લાગ્યું કે અમે ખરે જ અરણ્યવાસી બની ગયા છીએ. કદાચ અસમના આ અરણ્યનો આસવ અમને ચઢી ગયો હતો.

બરપેટા રોડના ઇન્સ્પેક્શન બંગલામાં અમે રાત પસાર કરી, પણ જાણે રાત આખી માનસના અરણ્યમાં ચિત્ત રઝળતું હતું. વહેલી સવારના જાગી ગયો. પાંચ વાગ્યા હતા, પણ અજવાળું થઈ ગયું હતું. ઊઠ્યો. બારણું ઉઘાડી બહાર આવ્યો. પ્રાંગણમાં આથમણી બાજુએ કદંબનાં ઊંચાં વૃક્ષોની હાર હતી. વરંડામાં થાંભલે ગુલાબલતા ચઢાવેલી હતી. આંગણામાં જવા જતાં તેમાં વસ્ત્ર ભરાયું. અહીં વળી પાછા વાળી કોને જોવાનું બહાનું એ સકંટક ગુલાબલતા પૂરું પાડતી હતી?

શરદ ઋતુ અને તેમાંય આસો માસ. બંગલાના આંગણાના ઘાસ પર ઝાકળની પારદર્શી ચાદર પથરાઈ ગઈ હતી, પવન- લહરીઓ સકંપ હતી, બરપેટા રોડ ખુલ્લું ખુલ્લું વસેલું લાગ્યું. સવારના સમયમાં રસ્તા પર ગતિ છે, પણ ધમાલ નથી.

ગઈ કાલે સાંજે એક બંગાળી કીર્તનદલ હરિનામ ગાતું ગાતું પસાર થતું જોયું હતું અને આજે સવારે પણ. સુનીલે કહ્યું કે આ કીર્તનદલ ભક્તિભાવથી નહિ, અસ્મિતા ટકાવી રાખવાની ભાવનાથી પ્રેરિત છે. અહીંના મુસલમાનો મસ્જિદોમાં માઇક બેસાડી દિવસમાં પાંચ વાર નમાજ પઢે છે. તેમને જાણે રિટાલિયેટ કરવા આ કીર્તનદલ પણ માઇક ફિટ કરી આમ નીકળે છે. અસમિયા વૈષ્ણવો નામઘરની બહાર કીર્તન કરતા નથી. આ બંગાળી કીર્તનદલ છે.

આજે અમારે બરપેટાના પ્રસિદ્ધ વૈષ્ણવ સત્રની મુલાકાત લેવાની હતી. અસમના અરણ્યક સૌન્દર્યનાં દર્શન પછી, હવે અસમના ધાર્મિક-સાંસ્કૃતિક ઐશ્વર્યનું દર્શન કરવાનું હતું. અસમનો મુખ્ય ધર્મ તે વૈષ્ણવધર્મ. મહાપુરુષ શંકરદેવે સોળમી સદીમાં તેની સ્થાપના કરેલી. તેમના પરમશિષ્ય માધવદેવે એ વૈષ્ણવ- ધર્મને સંઘબદ્ધ કરી ચિરસ્થાયી વ્યવસ્થા આપી. શંકરદેવ અને માધવદેવે અસમના માત્ર ધાર્મિક જીવનમાં જ નહિ, એ દ્વારા સાંસ્કૃતિક, સાહિત્યિક જીવનમાં આજ સુધી જબરદસ્ત શક્તિ અને પ્રેરણા પૂરી પાડી છે.

શંકરદેવના વૈષ્ણવધર્મમાં મૂર્તિપૂજા નથી. અલબત્ત તેમનાથી અલગ પડી તેમના એક શિષ્ય દામોદરદેવે મૂર્તિપૂજા દાખલ કરેલી. શંકરદેવનો વૈષ્ણવધર્મ ‘મહાપુરુષિયા’ કહેવાય છે. તેમાં મૂર્તિને સ્થાને ભાગવતની એટલે કે ભગવાનના વાઙ્‌મય સ્વરૂપની પૂજા થાય છે. બીજી વિશેષતા એ છે કે તેમની કૃષ્ણોપાસનામાં રાધા નથી.

શંકરદેવ અને ખાસ તો તેમના શિષ્ય માધવદેવે અનેક વૈષ્ણવસત્રોની સ્થાપના કરી. આ સત્રો એટલે એક રીતે મંદિર સાથેના આશ્રમો. મંદિરને કહેવામાં આવે નામઘર. આ નામઘર સાથે જોડાયેલું હોય ‘મણિકૂટ’. તેમાં ભાગવત, મહાભારત આદિ પોથીઓ રાખવામાં આવે. પરંપરાગત મંદિરનું એને ગર્ભગૃહ કહી શકાય. અસમના નાનામોટા દરેક ગામમાં એક નામઘર હોય જ. પૂજા-પ્રાર્થના ઉપરાંત બધાં સાંસ્કૃતિક-સામાજિક અનુષ્ઠાનોનું તે કેન્દ્ર હોય. આ સત્રો અને નામઘરોની વ્યવસ્થાએ વૈષ્ણવધર્મને આજ સુધી જીવંત રાખ્યો છે. બરપેટાનું સત્ર એક મહત્ત્વનું વૈષ્ણવસત્ર કહેવાય છે.

શ્રી દેવરાયની વિદાય માગી અમે બસમાં બરપેટા જવા નીકળ્યા. અસમના આ વિસ્તારમાં વિદેશી નાગરિકોનો પ્રશ્ન વધારે સંવેદનશીલ હતો, કેમ કે અહીં એમનું પ્રમાણ વધી ગયું હતું, બાંગ્લાદેશની સરહદ બહુ દૂર નથી.

બસમાં સુનીલ મને અસમિયા ઘર અને ગામ કેવી રીતે વસેલાં છે, તે બતાવે. દરેક ઘર સ્વતંત્ર એકમ હોય, હારબંધ ઘરોની રચના ખાસ નથી હોતી. એક ઘર હોય એને સ્વતંત્ર આંગણું હોય, જે ઘણુંખરું વાંસની ચીપોની વાડથી ઘેરાયેલું હોય. આંગણામાં સોપારીનાં ઝાડ હોય, એ ઝાડને પાનને વેલો ચઢાવેલો હોય. (તામોલ એટલે કે પાન-સોપારી અસમના સામાજિક જીવનનું આગવું અંગ.) નાળિયેરી પણ હોય, કેળ તો હોય જ હોય. આંગણામાં ‘ધાનભરાલ’ એટલે કે ડાંગર ભરી રાખવાનો કોઠાર હોય, પછી ઢોર બાંધવા માટે કોઢારું હોય, નાનકડું પુકુર–તળાવડું હોય, જેમાં માછલાં હોય. ઘરમાં બેસવાના, સૂવાના ઓરડા જુદા જુદા. વળી હાથસાળ માટે જુદો ઓરડો હોય. અસમના દરેક ઘરમાં વસ્ત્ર વણવાનું સૌ જાતે કરે. મા દીકરીને જેમ અનેક સંસ્કારો સાથે રસોઈ કરતાં શીખવે તેમ હાથસાળ પર વણતાં પણ શીખવે. વસ્ત્ર વણતાં ન આવડે તે કન્યાની કેળવણી અધૂરી. આ ઘર મુખ્ય રસ્તા સાથે એક સ્વતંત્ર નાના રસ્તાથી જોડાયેલું હોય, એને કહે પદુલી. ઘર હોય નાનાં, એક માળનાં, પણ આમ ખુલ્લાં, મોકળાશવાળાં. ક્યાંક તો રેશમના કીડા ઉછેરવાનો વાડો પણ વધારાનો હોય.

શરદ હતી, એટલે ખેતરો સોનેરી ડાંગરથી લહેરાતાં હતાં. દેવીપૂજાના પ્રતીક તરીકે બસમાં ડાંગરનું કલગી-ગુચ્છ ભરાવ્યું હતું. અમે નવ વાગ્યે બરપેટા શહેરમાં પ્રવેશ કર્યો. મારું ધ્યાન એક ઇમારત તરફ ગયું. બરપેટા સાહિત્ય ભવન. આપણી સાહિત્ય પરિષદ જેવું. ત્યાં ભવનના નામ સાથે સરાય પર ભાગવત, દીપક અને ધૂપદાનીના પ્રતીક સાથે ભવનનો ધ્યાનમંત્ર પણ લખ્યો હતો : ‘ચિર ચેનેહિ મોર ભાષા જનની’ — ચિરપ્રિય મારી ભાષા જનની. મને થયું કેટલો બધો સ્વ-ભાષાપ્રેમ છે આ લોકોને! પણ પોતાની ભાષાને ‘જનની’ કહેવામાં તેઓ માત્ર તેમનું ગૌરવ કરે છે એટલું જ નથી, એને આધારે ‘અસમિયા’ તરીકેની પોતાની ‘અસ્મિતા’ ટકાવવાની મથામણ પણ છે. અસમમાં જ અસમિયાભાષીઓ લઘુમતીમાં આવી જાય, એવી સ્થિતિ એમને દૂર લાગતી નથી. પછી ભાષાને ‘મા’ કહી શક્તિ ન મેળવે તો ટકાય કેમ?

અમે બસમાંથી ઊતરી પગરિક્ષા કરી સીધા વૈષ્ણવસત્ર તરફ જવા નીકળ્યા. વચ્ચે નદીનો પુલ વટાવ્યો. નદીમાં હોડીઓ ફરતી હતી અને માછીમારો જાળ ફેંકતા હતા. અસમની નદીઓ પાણીથી ભરપૂર રહે છે અને તેથી માછલીઓથી પણ. બરપેટા તો આ વિસ્તારનું મોટું શહેર છે. શહેરમાં ભ્રામ્યમાન–એક શહેરથી બીજે શહેર જતી નાટક મંડળી આવી હતી. આજે શેક્સપિયરનું ‘ઑથેલો’ નાટક અસમિયામાં ભજવવાની જાહેરાત થતી હતી.

વૈષ્ણવસત્રના પ્રવેશદ્વારે જઈ અમે ઊભા. લગભગ ચારસો વરસ જૂનું ધર્મસ્થલ. અમે વિચાર્યું હતું કે સત્રમાં એકાદ ઓરડી મળી જાય, તો તેમાં જ પડાવ નાખવો કે જેથી સત્રની પ્રવૃત્તિઓનો બરાબર પરિચય મળી રહે. સુનીલ એવી વ્યવસ્થા કરી લાવ્યા. અમને અંદર એક બાજુએ ન વપરાતી ઓરડી મળી. ઓરડી ભેજવાળી હતી, પણ વિપુલ વરસાદના પ્રદેશમાં તો ભેજ હોવાનો. સત્રના પ્રાંગણમાં અનેક ભક્તો હતા. સત્રની બધી દેખરેખ તેઓ રાખતા, જુદા જુદા કામમાં વ્યસ્ત હતા. નામઘર તો કદાચ અસમમાં સૌથી મોટું હશે. બે બાજુ ઢળતાં છાપરાંવાળો વિશાળ મંડપ. છેડે મણિકૂટ.

અમે આ વૈષ્ણવસત્રના મુખ્ય ગોસાંઈજીને મળવા ઇચ્છતા હતા. સત્રના ગોસાંઈજીને ‘સત્રાધિકાર’ કહે છે. એક ભગતે કહ્યું, હું એમને ત્યાં લઈ જાઉં છું. અમે સાંભળ્યું હતું કે ગોસાંઈજી પણ સત્રના પ્રાંગણમાં જ રહેતા હોય છે, પરંતુ બરપેટાના ગોસાંઈજી તો ગૃહસ્થ છે અને સત્રથી થોડે દૂર ગામમાં પરિવાર સાથે રહે છે.

જવું કે ન જવું એવો સંકોચ જાગ્યો, પણ આવું થાય ત્યારે ‘જવું’ એવો ઉપક્રમ રાખું છું. અમે તો પહોંચી ગયા. સત્રાધિકારનું નામ હતું ચંદ્રકાંતજી મિશ્ર. વયોવૃદ્ધ મિશ્રજીને જઈને અમે નમસ્કાર કર્યા. અમારે તો અસમના વૈષ્ણવધર્મ વિશે, બરપેટાના વૈષ્ણવસત્ર વિશે ચર્ચા કરવી હતી. તેમના નાનાભાઈ જે બરપેટા વિદ્યાપીઠમાં અધ્યાપક હતા, તે પણ આવી પહોંચ્યા. મૂર્તિપૂજાની વાત નીકળી. અસમિયા વૈષ્ણવધર્મમાં મૂર્તિપૂજાની શંકરદેવે હિમાયત કરી નથી, એ ખરું કે? એમણે કહ્યું કે મૂર્તિપૂજાનો વિરોધ પણ નથી. એ પ્રમાણો આપવા લાગ્યા. શંકરદેવના બ્રાહ્મણ શિષ્યોએ મૂર્તિપૂજાનો સ્વીકાર કર્યો છે…વગેરે.

સૌથી ધ્યાન ખેંચે એવી વાત અસમના આ બરપેટા વૈષ્ણવસત્ર વિશે એમણે એ કહી કે આ સત્રના મુખ્ય સત્રાધિકાર અને ડેકા સત્રાધિકારની ચૂંટણી થાય છે. ચૂંટણીમાં મત આપનારા ‘ભક્તો’ હોય છે. મતદાતા ભક્તોની સૂચિ પણ વ્યવસ્થિત હોય છે. બરપેટાના મુખ્ય સત્રાધિકાર મિશ્રજી બ્રાહ્મણ છે, જ્યારે ડેકા સત્રાધિકાર અ-બ્રાહ્મણ છે. સત્રની વ્યવસ્થા લોકતાંત્રિક પદ્ધતિએ ચાલે છે. તેમણે અસમના વૈષ્ણવધર્મીઓ માટે બરપેટાનું તીર્થ સૌથી પવિત્ર છે, એ મતલબની પંક્તિઓ કહી :

અસમર કાશીપુરી, દ્વારકા
મથુરાપુરી અસમર બરપેટા ધામ.

અમારી વાતો સાંભળવા ગોસાંઈજીનો આખો પરિવાર બેઠકખંડમાં આવી ગયો હતો. તેમાં મિશ્રજી અને તેમના ભાઈની કૉલેજમાં ભણતાં સંતાનો પણ. એક કૃષ્ણા તે ગુવાહાટી યુનિવર્સિટીની રાજ્યશાસ્ત્રની વિદ્યાર્થિની હતી. તે ત્યાં હતી. સુનીલ પણ ગુવાહાટી યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. વાત એ પણ ચાલી. એક બીજી કિશોરી પણ હતી. નામ રૂપા, એટલે કે રૂપાલી દેવી. નામ પ્રમાણે ગુણ. પ્રિ-યુનિવર્સિટીમાં ભણતી હતી. ત્યાં એક બીજી વયસ્ક કન્યાએ પ્રવેશ કર્યો. હાથમાં ચોપડીઓ હતી, એ બહારથી આવી હતી. સુનીલ અને એ બન્ને એક ક્ષણ તો એકબીજાને જોઈ રહ્યાં — પછી તરત ઓળખી ગયાં! એ કન્યા મલયાદેવી સુનીલની ગુવાહાટીમાં સહાધ્યાયિની હતી. એ અહીં મળશે એવી સુનીલને ક્યાંથી કલ્પના? એને પણ ક્યાંથી કલ્પના કે સુનીલ અહીં આ ઘેર આટલે વર્ષે આવે? એકદમ આશ્ચર્યભર્યા આનંદનું વાતાવરણ થઈ ગયું.

પછી તો, અમે સમગ્ર ગોસાંઈ પરિવારના માનવંતા અતિથિઓ બની ગયા! પેલી ભેજવાળી ઓરડીમાંથી અમારો સામાન ગોસાંઈજીના ઘેર આવી ગયો. કહે, હવે તો તમારે અમારે ત્યાં જ રહેવાનું. મારે માટે તો આ મોટું આશ્ચર્ય બની ગયું. આવું થાય, એટલે મને તો રવીન્દ્રનાથની પેલી પંક્તિઓ યાદ આવે કે, હે પ્રભુ, તેં કેટલાં અજાણ્યાંને ઓળખીતાં બનાવ્યાં, કેટલાં અજાણ્યાં ઘરોમાં સ્થાન અપાવ્યું, કેટલાં દૂરનાંને નિકટનાં કર્યાં અને પારકાંને આત્મીય?

કત અજાનારે જાનાઇલે, તુમિ
કત ઘરે દિલે ઠાંઈ
દૂરકે કરિલે નિકટ બંધુ
પરકે કરિલે ભાઈ.

પ્રભુદર્શન માટે મંદિરમાં જવાની હંમેશાં ક્યાં જરૂર હોય છે?

થોડી વારમાં જ વૈષ્ણવ સત્રાધિકારના પરિવારના સૌ સભ્યો બેઠક-ખંડમાં ભેગાં થયાં. મુખ્ય સત્રાધિકારના નાનાભાઈ હરેકૃષ્ણ તો બરપેટાની વિદ્યાપીઠમાં અધ્યાપક હતા. અસમના વૈષ્ણવધર્મની ચર્ચા કરવામાં જેટલો તેમને રસ હતો, તેટલો જ વિદેશી નાગરિકોના પ્રશ્ને અસમમાં ચાલતા આંદોલનની વાત કરવામાં પણ હતો. બ્રહ્મપુત્રની ખીણના આ વિસ્તાર માટે તો તે પ્રાણપ્રશ્ન હોય એમ લાગ્યું. અમે તો ચર્ચા કરતાં હતાં અને ગોસાંઈની અને તેમની દીકરીઓ એમ નવ-અભ્યાગતોના સ્વાગતની તૈયારીમાં લાગી ગયાં હતાં.

એ સૌને એ વાતનો આનંદ હતો કે ‘ઉપેક્ષિત’ અસમની ધરતી પર ભારતને પશ્ચિમ છેડેથી પણ કોઈ આવી તેમના ધર્મની, સંસ્કૃતિની, સાહિત્યની અને આ દિવસોમાં વિશેષ તો આંદોલનની પ્રવૃત્તિને એક તરંગદૈર્ધ્યે (વેવલેન્થ પર) રહી સમજવા ઇચ્છુક છે. આ વૈષ્ણવ પરિવારની રાજકીય ચેતના એમની ધર્મચેતનાથી જરાય ઊતરતી ન લાગી. પછી તો જેમ જેમ અસમમાં ફરવાનું થયું, તેમ તેમ સમજાતું ગયું કે આ આંદોલને અસમનાં ઊંડાણનાં ગામોમાં પણ રાજકીય ચેતના લાવી દીધી છે.

વાતોવાતોમાં એવું લાગ્યું કે ઘણા વખતથી જાણે અમે અહીં છીએ. અમારે માટે ‘ભાત’ તૈયાર થઈ ગયા. અમને પ્રેમથી જમાડ્યા. પણ એ વાતનો એમને વસવસો રહ્યો કે મહેમાને માછલી ન ખાધી!

બપોરની વિશ્રાંતિ પછી વળી સૌ ભેગાં થયાં. અમારી ઇચ્છા પરંપરાગત રીતે ગવાતાં વૈષ્ણવ બરગીત સાંભળવાની હતી. બરગીત એટલે બડગીત–ભજન. શંકરદેવ અને માધવદેવનાં બરગીતો ચારસો વરસ થયાં, પરંપરાગત રીતે ગવાય છે, આપણે ત્યાં પ્રચલિત હવેલીસંગીતની જેમ.

હારમોનિયમ આવી ગયું, તબલાં પણ આવી ગયાં અને ગાનાર પણ, પરંતુ એ બધાં જ આ વૈષ્ણવ પરિવારના સભ્યોમાંથી જ, આપણને આનંદ થાય. મને થયું આ પરિવારનાં સભ્યો ધર્મે જ વૈષ્ણવ નથી, સ્વભાવે પણ વૈષ્ણવ – મૃદુ, નમ્ર પ્રકૃતિનાં છે.

ગાવામાં હતાં રૂપાલી (દેવી) અને કૃષ્ણ (કુમારી). મુખ્ય સત્રાધિકારની બધી કન્યાઓનાં નામ પાછળ ‘દેવી’ પદ લાગતું. કૃષ્ણ એમના ભાઈની દીકરી હતી. પહેલાં શંકરદેવનું પદ — એક બરગીત ગાયું અને પછી માધવદેવનું. શંકરદેવનું પદ સાંભળીને તુલસીદાસની વિનયપત્રિકાનાં દૈન્યનાં પદોનું સ્મરણ થયું, પણ માધવદેવનાં પદ સાંભળતાં તો સુરદાસની માધુરિમા વરસી રહી :

કમલનયનકુ આજુ પેખલુ માઈ,
ગોવિંદ પેખિતે નયન જુડાઈ…
સબ જગવન્દન નન્દકુ નંદન
કહ્યા માધવ ગતિ મોહ.

{Poem2Open}} માધવદેવના બરગીતનો રણકાર કાનમાં ગુંજી રહ્યો. પછી તો બીજું પદ, ત્રીજું પદ… એક બેઠક જામી ગઈ.

સાંજે અમે બરપેટા શહેરમાં આંટો લગાવવા નીકળ્યા, અજાણ્યાં નગરોમાં, એક અજાણ્યા તરીકે માત્ર રઝળપાટ માટે. રઝળપાટ કરવાનો એક આનંદ હોય છે. શહેરની શેરીઓમાં ભમી અમે મંદિર જઈ પહોંચ્યા. મંદિરમાં સાંજે ૫-૩૦ વાગ્યે રોજ ભાગવતકથા થતી હોય છે. સત્રાધિકારે અમને એ કથામાં શ્રોતા થવા નિમંત્રણ આપ્યું હતું. અમે પહોંચ્યા ત્યારે તો કથા શરૂ થઈ ગઈ હતી. નામઘરની બાજુમાં અડીને જ વિશાળ સભાખંડ હતો. સભાખંડમાં સૌ સૌની એટલે કે મુખ્ય સત્રાધિકારની, ડેકા સત્રાધિકારની, ભાગવતીની બેઠકો મુકરર રહેતી. આવનાર શ્રોતા ભગવતીની પાસે બેઠેલા સેવક પાસે પ્રણામી મૂકી પ્રસાદ ગ્રહણ કરે.

શંકરદેવસ્થાપિત વૈષ્ણવધર્મમાં ભાગવતનું ઘણું મહત્ત્વ છે. આપણે જોયું તેમ પૂજા કૃષ્ણની મૂર્તિની નહિ, ભાગવતની થાય છે. લોકો સુધી ભાગવત પહોંચે એટલે શંકરદેવે ભાગવતને સંસ્કૃતમાંથી અસમિયામાં ઉતાર્યું. મોટાભાગનું ભાષાંતર એમણે જાતે કર્યું, કેટલાક સ્કંધોના ભાષાંતરમાં અન્ય વિદ્વાનોની પણ મદદ લીધી. અસમિયા વિદ્વાનોના મત પ્રમાણે ભાગવતનું આ ભાષાંતર અસમિયા સાહિત્યમાં પુનરુત્થાનનો સીમાસ્તંભ છે.

અસમના નામઘરોમાં અસમિયા ભાગવતનો પાઠ થતો હોય છે અને તે પણ સ-રાગ. સભાખંડમાં અમે ચુપચાપ શ્રોતાઓ વચ્ચે બેસી જવા જતા હતા, ત્યાં સત્રાધિકારનું અમારા તરફ ધ્યાન ગયું અને અમને છેક આગળ આવવા તેમના સેવક દ્વારા જણાવ્યું. બધા શ્રોતાઓના ધ્યાનનું કેન્દ્ર બનતાં અમને ક્ષોભ થયો.

ભાગવતીનો કંઠ મધુર હતો અને વ્યાખ્યા કરવાની રીતિ આકર્ષક, શ્રોતાઓમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો જેટલી. છસો-સાતસો જણ હશે. આખું વાતાવરણ પ્રસન્નકર હતું. લગભગ ચારસો વરસ પહેલાં શંકરદેવે બરપેટાના સત્રમાં તેમના જીવનનાં અનેક સૃજનશીલ વરસો ગાળ્યાં હતાં. કદાચ આ ભૂમિ પર ભાગવતનો અસમિયા અવતાર સૌપ્રથમ થયો હશે. એના પાઠની આ અક્ષુણ્ણ પરંપરા વૈષ્ણવધર્મની જીવંતતાના નિર્દેશરૂપ માની શકાય.

નામઘરમાં રાત્રિની આરતી વખતે નામકીર્તન આદિ થાય છે. તેમાં હાજરી ભાગવતપાઠ જેટલી નથી હોતી. મોટાભાગના તો વૈષ્ણવ કેવલિયા ભક્તો હોય છે. બરપેટા સત્રના મહિમા વિશે આ ભક્તોએ બીજી પણ એક વાત કરી. તેમણે નામઘરમાં એક સ્થળ બતાવ્યું. પાતાલગંગા કે એવું કશુંક, શ્રીકૃષ્ણ જ્યારે રુક્મિણીનું હરણ કરવા આવ્યા હતા (અસમિયા પરંપરા પ્રમાણે રુક્મિણી અસમ વિસ્તારની હતી.) ત્યારે તેમના ઘોડા તરસ્યા થયા હતા. આ સ્થળે પાતાળ ફોડીને પાણી બહાર કાઢ્યું હતું.

અંધારું થયે અમે ગોસાંઈજીને ત્યાં પાછા આવ્યા. અમારો રાત્રિમુકામ તેમને ત્યાં હતો. અમે ઘેર પહોંચ્યા કે આ પરિવાર જાણે સેવામાં પ્રવૃત્ત થઈ ગયો. રૂપાલીદેવી તો સેવાભાવનો મૂર્તિમંત અવતાર. સ્ફૂર્તિ અને ચપળતા પણ એટલી, એને જાણે ખબર પડી જતી કે ‘અતિથિઓ’ને શું જોઈએ છે. એની મોટી ભૂરી આંખોમાં સતત જિજ્ઞાસાભાવ જોઈ શકાય.

રાત્રે ફરી બેઠક જામી. માધવદેવની ‘નામઘોષા’ની વાત નીકળી. ભૂદાનયજ્ઞ વખતે વિનોબા અહીં આવ્યા ત્યારે તેમણે ‘નામઘોષા’નું અધ્યયન કરી, તે વિશે એક ગ્રંથ લખ્યો. વિનોબાએ લખ્યું છે કે ‘નામઘોષા’ની સંગતિમાં મને મિત્રસંગતિનો આનંદ મળ્યો છે. ગુજરાતીમાં એ પુસ્તક ‘નામઘોષા-સાર’ નામથી યજ્ઞ પ્રકાશને પ્રકટ કરેલું છે, તે મેં જોયેલું. ‘નામઘોષા’નું નામ એક પરપ્રાન્તીયને મોંએ સાંભળી એ સૌને આનંદ થયેલો જોયો. ‘નામઘોષા’ ભક્તિનો ગ્રંથ છે અને વિનોબાના શબ્દોમાં ‘એ ભક્તિનું સ્વરૂપ ઈશ્વર-શરણતા’નું છે.

સંગીતની મજલિસ શરૂ થઈ. સંગીત એટલે આ ભક્તિ-સંગીત. આ વખતે ‘ગાયનબાયન’ એટલે ગાનાર અને બજાવનારની સંખ્યા વધી હતી. ઉત્સાહ પણ. અમને થયું કે રાત આખી આમ ભજનમાં વીતી જાય. અને રાત એમ વીતી પણ જાત ત્યાં કદાચ અમને થોડા ક્લાન્ત જોઈ, અતિથિસેવા- પરાયણ રૂપાલીદેવીએ કહ્યું કે આપને સૂવાની વ્યવસ્થા સામેના ઓરડામાં કરવામાં આવી છે. આપનો સામાન પણ એ જ ઓરડામાં છે. અમે સૌ ઊઠ્યા. અમારે માટેના ઓરડામાં જઈને જોયું તો એ ઓરડાને સેવાપરાયણ હાથ અને દૃષ્ટિનો સંસ્પર્શ થયો હતો. છતાં એક વાર કૃષ્ણા સાથે રૂપાલી આવીને જોઈ ગઈ અમારે કંઈ જોઈએ છે, એમ પૂછી ગઈ.

સૂતાં સૂતાં મને વિચાર આવતો હતો કે, ‘આ તે કેવી સગાઈ!’

સવારમાં ગોસાંઈજીના નિવાસમાં આંખો ઊઘડી. ઊઠતાં જ કૃષ્ણા અને રૂપાનાં દર્શન થયાં. રૂપા જેટલી સેવાતત્પર, કૃષ્ણા એટલી વાતતત્પર. બ્રશ, સ્નાન આદિની વ્યવસ્થાનો તેઓ નિર્દેશ કરી ગયાં. સ્નાનાદિથી પરવાર્યા ત્યાં ચા તૈયાર હતી. અમને તો એવું લાગ્યું કે જાણે આખો પરિવાર અમારી સેવામાં છે. ગોસાંઈજી સ્વયં તો નામઘરમાં પ્રાતઃ અનુષ્ઠાન માટે પહોંચી ગયા હતા.

પછી તો આખા પરિવારની પ્રવૃત્તિઓ જોઈ શકાઈ. દરેક જણ કોઈ ને કોઈ કામમાં લાગી ગયું હતું. કોઈ આંગણું સાફ કરતું હતું. કોઈ નાનકડા બાગના ફૂલછોડને પાણી પાતું હતું, કોઈ રસોડામાં હતું, કોઈ બાળકોની સંભાળમાં હતું. ચાર ભાઈઓનો પરિવાર આ આખા વિસ્તારમાં રહેતો હતો. દરેકનાં અલગ અલગ ઘર હતાં.

આંગણાની બાજુના એક ઓરડામાં હાથસાળો હતી. બધી પર વણાટકામ ચાલુ હતું. અત્યારે અવશ્ય કોઈ વણવા બેઠું નહોતું, પણ મારી ઇચ્છા હતી કે કોઈ વણવા બેસે. બધાંને જ વણતાં આવડે. સુનીલ મને સાળના જુદા જુદા ભાગને અસમિયામાં શું કહે છે, તે સમજાવતો હતો. ઘણી વાર અસમિયા કવિતામાં, ખાસ તો લોકગીત ‘બિહુ’ગાનમાં ઉલ્લેખ આવે. જે તાર વણતા હતા, તે મુગા રેશમના હતા. અસમનું મુગા રેશમ જાણીતું છે. સુનીલે કહ્યું, આ ‘મહુરા’ અને આ ‘માકો.’ અસમિયા નારીને પ્રિય છે મુગા, મુહુરા અને માકો; પણ એથી ય પ્રિય છે, વૈશાખના બિહુ. મને બિહુગાનની લીટીઓ બોલવાનું મન થયું:

અતિ ચેનેહરે મુગારે મહુરા અતિ
ચેનેહરે માકો.

‘ચેનેહર’ એટલે પ્રિય. બિહુની આ લીટીઓ અધૂરી ન રહી. રૂપાએ પૂરી કરી:

તાતોકૈ ચેનેહર બહાગર બિહુટિ
નેપાતિ કેનેકૈ થાકો.

બિહુગીતની પંક્તિઓ હું બોલ્યો, એનું એ બધાંને આશ્ચર્ય હતું, પણ મેં અધૂરી મૂકેલી કડીને રૂપાએ પૂરી કરી એનું મનેય આશ્ચર્ય હતું. એક સાળ ઉપર ‘ગમછો’ વણાતો હતો. ગમછો એટલે પાતળો ટુવાલ, આ ગમછો આખી તળ અસમિયા સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલ છે. રોજબરોજના જીવનમાં તો તેનો ઉપયોગ થાય, પણ ઉત્સવ-અનુષ્ઠાનમાં પણ એની જરૂર પડે. કોઈ અતિથિ આવ્યો હોય તો તેના પ્રત્યે સ્નેહ અને સન્માન બતાવવા માટે ગળામાં ગમછો ઓઢાડે. કોઈ કન્યા પ્રેમમાં હોય તો પોતાના પ્રિય પાત્રને જાતે જ સાળ પર ગમછો વણી ક્યારેક એનું નામ ગૂંથી એને ભેટ ધરે.

આંગણામાં પરિજાતનાં ફૂલો પથરાયાં હતાં. બાજુમાં ‘ઢેંકી’ હતી. ઢેંકી એટલે ચોખા ખાંડવા માટેની લાકડાની લુહારની ધમણ આકારની ખાંડણી. ઊભા રહી એક બાજુએ પગથી દબાવીએ એટલે સામે છેડે સાંબેલું આપોઆપ ઊંચું થઈ પડે. ત્યાં એક જણ ડાંગર સંકોરતું બેસે. અસમ-બંગાળના વિસ્તારમાં ઢેંકી જોવા મળે. રૂપાએ ઢેંકી પર પગ મૂકી તે ચલાવી બતાવી. આ ઢેંકી જોતાં અસમિયા લોકકથા તેજીમલાનું સ્મરણ થયું. એની જાણીતી લીટી હું બોલ્યો, ‘હાથ ન મેલિલિ.’ હાથ ન મૂકશો… વગેરે. ‘કોણ હલાવે ડાળખી’વાળી આપણી સોનબાઈને મળતી કથા છે, સોનબાઈમાં ભાઈ-ભાભીઓ પિતાની ગેરહાજરીમાં એને કષ્ટ આપે છે, મારી નાખે છે, અને એ વૃક્ષ રૂપે ઊગે છે. તેજીમલામાં પણ. પણ અહીં સાવકી મા છે. ઢેંકી નીચે એ તેજીમલાનું માથું રાખી તેને મારી નાખે છે, એવી વાત આવે છે; પણ પછી તે ઝાડ રૂપે ઊગે છે, કમળરૂપે ઊગે છે…અપર માને કહે છે માશી. માશીએ તેજીમલાને ઢેંકીથી કેવી રીતે મારી હશે, તેનું નિર્દેશન કરી બતાવ્યું. હું એમની તેજીમલાની વાત જાણું છું, તેથી બધાંનો મારા માટે સદ્ભાવ વધી ગયો.

ઘરનું પ્રાંગણ વટાવી અમે નામઘર પહોંચ્યા, ત્યાં સવારની પૂજાવિધિનો પ્રસંગ ચાલતો હતો. આજે ‘નામતી’ મુખ્ય પૂજારી વૃદ્ધ હતા. તેમને સહાયકની જરૂર પડતી હતી. માધવદેવની ‘નામઘોષા’માંથી પાઠ થતો હતો. અમે પણ અદબથી બેસી ગયા. સવારની વેળાએ ભીડ ખાસી હતી. તે પ્રસંગ પૂરો થયા પછી સત્રાધિકાર ભાગવતપાઠ કરે, પણ સાંજની ભાગવતકથાની જેમ નહિ. આ માત્ર અમુક અંશનો પાઠ.

પાઠ કરતા સત્રાધિકારને પ્રણામ કરી મંદિરના પ્રાંગણમાં આવ્યા. ભક્તો મંદિરનાં નાનાંમોટાં કામમાં લાગેલા હતા. સત્રમાં જઈ આવ્યા પછી ગોસાંઈજીને ઘરે ફરી ચા માટેનો આગ્રહ થયો. આગ્રહ તો આજે રહી જવાનો પણ કર્યો, પરંતુ અમારે નીકળવાનું હતું. ગોસાંઈ પરિવારનો સ્નેહ જોઈને એક વાર મનમાં થઈ ગયું કે આજે તો રહી પડીએ. પણ અમે છેવટે અમારા આગ્રહ પર દૃઢ રહ્યા.

અહીંથી બસમાર્ગે ગુવાહાટી જવાનું હતું. વચ્ચે પ્રસિદ્ધ યાત્રાતીર્થ હાજો આવશે, ત્યાં હયગ્રીવનું મંદિર છે. બસમાર્ગે જવાથી માર્ગમાં અનેક ગામ આવશે, અને એ રીતે અસમનો વધારે પરિચય થાય – એવો લોભ મનમાં હતો. બરપેટા વિસ્તારમાં પરદેશી નાગરિકોનો પ્રશ્ન વધારે નાજુક હતો, અહીં એમની સંખ્યા કદાચ વધારે હતી. અમને કહેવામાં આવ્યું કે કેટલાંક ગામો તો એવાં છે કે અસમવાસીઓને પણ ત્યાં જવું સલામતીભર્યું નથી!

સત્રાધિકાર અને એમના ભાઈએ તથા તેમના મોટા દીકરા, જે શિક્ષક હતા, તેમણે ધર્મ સિવાયની પણ ઘણીબધી વાતો કરી. અસમના નાગરિકોની ચિંતા શી છે, તે તરત ધ્યાનમાં આવે.

છેવટે અમે તૈયાર થઈ વિદાય માગી. એટલામાં એકાએક રૂપા આવી અને તેણે મારા અને સુનીલને ગળામાં ત્વરાથી ગમછો વીંટાળી પ્રણામ કર્યા હતા. જોયું કે મેખેલા ચાદરના અસમિયા પોશાકમાં તે શોભતી હતી. અમે આ સ્નેહ અને સમ્માનના ઉપચારથી અવાક્ હતા. સાચે જ ગોસાંઈ પરિવારે અમને એમના આત્મીય માન્યા હતા. આ ગમછો એનું પ્રતીક હતો.

આખો પરિવારે અમને વળાવવા આવ્યો. જાણે કેટલાય દિવસથી અહીં આવ્યા હોઈએ અને અતિ નિકટનાં સગાં હોઈએ તેમ સૌ ભાવભીનાં હતાં. સત્રાધિકારે ફરી બરપેટા આવવાનું અને એમને ત્યાં ઊતરવાનું આમંત્રણ આપ્યું. આંગણામાંના પારિજાત નીચે ઊભા રહ્યા, વળી સ્નેહોપચાર થયા. અમે પગરિક્ષામાં બેઠા, સૌની વિદાય આપતી આંખોના ભાવસાગરમાં નિમજ્જન પામી ‘વૈષ્ણવતા’ શું એ જાણે અમે અનુભવી રહ્યા.

અમારી પગરિક્ષા પ્રવેશદ્વાર વટાવી બહારના માર્ગ પર આવી. એ વૈષ્ણવ પરિવાર પારિજાતના વૃક્ષ નીચે આંગણામાં ઊભો રહી ગયો હતો. એ વિદાયછબિ આજે પણ એ વેળાની ક્ષણોના તાજા રંગે રંગાયેલી છે.

નીલાચલ નામે ઓળખાતી પ્રસિદ્ધ પહાડીના શિખર પર ઊગેલા એક વટવૃક્ષ નીચેના પથ્થર પર બેસી વિરાટનદ બ્રહ્મપુત્રનાં દર્શન એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે. ત્યાં બેસીને અસમની લાંબી સાંસ્કૃતિક પરંપરા અને આજના અસમની વિપન્ન અવસ્થા વિશે વિચાર આવ્યા વિના ન રહે. એક દિવસ પહેલાં બરપેટાથી હાજો થઈ ગુવાહાટી આવતાં સુધીમાં તો વિદેશી નાગરિકોના પ્રશ્ને વ્યગ્ર અસમનો ચહેરો જોવા મળ્યો.

બરપેટાથી ગુવાહાટી આવવા માટે અમને લોકલ બસ મળેલી. ગામેગામ બસ ઊભી રહે. બસ ક્યારેક ગામને પાદરથી પસાર થાય. ક્યારેક ગામ ચીરીને પસાર થાય. રસ્તે નવી મસ્જિદો બની ગઈ છે. કેટલીક મસ્જિદો તો સાવ રસ્તાની ધારે. એના પ્રાંગણમાં મોટા પછેડા બાંધેલા હોય. બસમાં બેઠેલા મુસાફરોમાંથી ઘણા એમાં છૂટા સિક્કા નાખતા જોવા મળ્યા. રેલવેના પુલ પરથી ગાડી પસાર થાય ત્યારે નદીમાં સિક્કા નાખતા મુસાફરો જોયેલા. અહીં વધારે તો લીલા રંગનું પ્રાબલ્ય લાગ્યું. સુનીલે મને કહેલું – આ વિસ્તાર ઘણો ‘સંવેદનશીલ’ છે.

ત્રણેક કલાક પછી હાજો પહોંચ્યા. હાજો કામરૂપ જિલ્લામાં છે. આ કામરૂપ ઉપરથી કામરૂદેશ નામ પડ્યું છે. અસમને આપણી લોકકથાઓના કામરૂદેશ તરીકે ઓળખીએ છીએ. હાજો હિન્દુ, બૌદ્ધ અને ઇસ્લામ – ત્રણે ધર્મોનું તીર્થસ્થાન છે. હાજોમાં હયગ્રીવ માધવના મંદિરે પહોંચવા અનેક પગથિયાં ચઢવાં પડે છે. નેપાળ-તિબેટ બાજુના બૌદ્ધોમાં એવી માન્યતા છે કે આ સ્થળે ગૌતમ બુદ્ધનો દેહવિલય થયો હતો. અહીંની ગરુડાચલ પહાડી પર પોડામક્કા તરીકે ઓળખાતું થાનક મુસલમાનોનું તીર્થ છે.

હયગ્રીવ માધવના મંદિરના પ્રાંગણમાં કલાત્મક આકાશદીપની રચના જોઈ. રાત્રે તે પ્રકટશે. પગથિયાં ઊતરતાં જ વિશાળ બાંધેલા ઓવારાવાળું પવિત્ર સરોવર છે. હાજોથી ગુવાહાટી સાંજના ચાર વાગ્યે પહોંચી ગયા. ચારેક વર્ષ પહેલાં ગુવાહાટીમાં આઠ-દસ દિવસ બ્રહ્મપુત્રને કાંઠે જ રહ્યો હતો. તે વખતે બ્રહ્મપુત્રની વિદાય લેતાં પ્રતિશ્રુતિ આપી હતી કે ‘ફરીથી તારે કાંઠે આવીશ’.

એ બ્રહ્મપુત્રને નીલાચલની પહાડી પરથી અભિવાદન કર્યું.

કોઈ બે સંજ્ઞાઓથી જ અસમની ઓળખાણ આપવી હોય તો તે બે શબ્દો છે – લુઈત અને નીલાચલ. આ લુઈત એટલે કે ‘લાલ નદી’ તે બ્રહ્મપુત્રનું એક અસલ નામ છે. નીલાચલ એટલે પુરાણપ્રસિદ્ધ કામાખ્યા દેવીનું મંદિર જેના પર આવેલું છે, તે ડુંગર. અસમિયા લેખક અને રાજપુરુષ હેમ બરુવાએ અસમ વિશે અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે ‘ધ રેડ રિવર ઍન્ડ ધ બ્લ્યુ હિલ’ઃ લાલ નદી, ભૂરો ડુંગર.

એ ભૂરા ડુંગર પર બેસીને લાલ નદીને જોતો હતો, એટલે કે અસમનું ચૈતન્ય રૂપ જોતો હતો. અગાઉ બ્રહ્મપુત્રનાં દર્શન મેં માર્ચ મહિનામાં કર્યાં હતાં. ઑક્ટોબરમાં તો જાણે વહોતો મહાસાગર. ચોમાસામાં એના પ્રલયંકારી જળપ્રવાહમાં હજાર એકર પાક ડૂબી ગયાનાં કે ગામોના ગામ તણાઈ જવાના સમાચાર વાંચીએ છીએ.

કોઈ વિપ્રના દેહ પરના ઉપનયનની જેમ બ્રહ્મપુત્ર બરાબર અસમની વચ્ચે થઈને ત્રાંસમાં પસાર થાય છે, પછી પ્રવેશે છે બાંગ્લાદેશમાં. ત્યાં તેનાં નામ ફરી જાય છે. ફરી જ જાય ને ગંગાની એક મુખ્ય ધારા આવીને મળ્યા પછી! નામ થઈ જાય પદ્મા. દરિયામાં પડે તે પહેલાં નામ ધારણ કરે મેઘના.

પરંતુ અસમમાં એનું લાડકું નામ લુઈત છે. પ્રાચીન સંસ્કૃત લોહિત–લૌહિત્ય. પેલી ‘રેડ રિવર’ તે જ આ લુઈત–લાલ નદી. લાલ એટલા માટે કે પરશુરામે ક્ષત્રિયોના વધ પછી પોતાનો રક્તાક્ત કુઠાર આ નદીના જળમાં ધોયો હતો, કોઈ કહે છે કે માતૃવધના ડાઘ અહીં ધોયા હતા. ગમે તેમ પણ પરશુરામ સાથે એનો સંબંધ તો છે. અહીંથી ઉગમણે જતાં અરુણાચલના સદિયા પાસે આ નદીમાં પરશુરામ કુંડ નામે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ તીર્થ છે. એ કુંડ તો કેટલાંક વર્ષો પૂર્વ બ્રહ્મપુત્રે વહાવી દીધો છે.

સંભવ છે કે ચીનની હોઆંગહો પીળી માટીનો રંગ ધારણ કરતાં પીળી નદી કહેવાય છે. આપણે ત્યાં જમુનાને કાળી કાલિન્દી કહીએ છીએ, તેમ બ્રહ્મપુત્ર ચોમાસામાં ખેંચી લાવતી લાલ આભાવાળી માટીને લીધે લુઈત થઈ હોય. રૂપકાત્મક ભાષામાં કહીએ તો આજે એ ખરેખર ‘લાલ’ છે.

અસમિયા લોકજીવનમાં, કવિતામાં આ લુઈત કેટલી બધી આવે છે. કહે છે કે બ્રહ્મપુત્ર એનું ખરું નામ નથી. હેમ બરુવાએ લખ્યું છે કે મૂળ એ શબ્દ બોડો ભાષાનો છે. બોડો કહેતાં જ આ વિસ્તારમાં આવીને સ્થિર થયેલી એક પ્રતાપી જનજાતિનો આખો ઇતિહાસ સળવળે. આજના નાગાલૅન્ડમાં આવેલા દિમાપુરમાં તેમણે સામ્રાજ્ય સ્થાપેલું. એ ભાષાના ઘણા શબ્દો અસમિયામાં છે. બ્રહ્મપુત્રનું બોડો ભાષામાં નામ છે – ‘બુલ્લંબુધુર’. એનો અર્થ થાય ખળખળ વહેતા પાણીવાળી નદી. એ નામનું સંસ્કૃતીકરણ થયું અને ‘બુલ્લંબુધુર’ થયું બ્રહ્મપુત્ર અને અંગ્રેજી જોડણીના આધારે આપણે કર્યું, બ્રહ્મપુત્રા. અસમનું જેમ આસામ કર્યું તેમ. બર્મા તરફથી અહોમો આવ્યા તેઓ આ નદીને કહેતા ‘નામ-દાઓ-ફી’ એટલે કે તારક દેવતાની નદી. તિબેટમાં લ્હાસા પાસે થઈને આવે છે. હવે વિગત થવા બેઠેલી લામા સંસ્કૃતિના અધ્યાસ જગાડે. ત્યાં એનું નામ ત્સાંગ પો. મૂળ નીકળે છે કૈલાસ પર્વતની તળેટીમાંથી. પાસ-પડોશમાં જ સિંધુ-સતલજનું મૂળ છે. પણ તેમની દિશામાં જુદી જુદી થઈ ગઈ. સિંધુ-સતલજની સંસ્કૃતિ અને બ્રહ્મપુત્રની સંસ્કૃતિ, એક આર્યોની (મોંએ-જો-દડોની સંસ્કૃતિ પછી) અને બીજી કિરાતોની, પણ તેય પછી તો એકબીજાને બાદ કરતી નથી. અસમમાં મુખ્ય પ્રવાહ આર્ય સંસ્કૃતિનો જોવા મળે; પણ કેટલા બધા કિરાત સંસકારો એમાં જીવંત છે!

અસમ આમેય નદીઓનો પ્રદેશ છે. અસમની નદીઓ સાંકડી પણ ઊંડી હોય છે. બન્ને કાંઠા એકદમ સીધા જળપ્રવાહને ઘેરી લેતા હોય. એના પર વાંસના પુલ ‘સાંકો’ ઠેર ઠેર જોવા મળે. ત્યાંના લોકો સડસડાટ પાર કરી જાય. અનભ્યસ્ત એવા આપણને તો ચક્કર આવી જાય; પરંતુ બ્રહ્મપુત્ર પર પુલ બાંધવાનું દુષ્કર છે. બ્રહ્મપુત્ર પર હમણાં સુધી એકમાત્ર સરાઈઘાટ પુલ ગુવાહાટીની પશ્ચિમે હતો. હવે પૂર્વ તરફ એક બીજો બંધાયો છે. અસમની સંસ્કૃતિને નદી સંસ્કૃતિ કહી શકાય. એમાંય કહેવી હોય તે બ્રહ્મપુત્રની સંસ્કૃતિ. અસમની એ ક્યારેક વેદના જરૂર બનતી હોય, પણ સમગ્રપણે એ વરદાન છે.

જુદે જુદે સ્થળેથી એનું રૂપ જુદું જુદું દેખાય છે. અસમના પ્રસિદ્ધ સાહિત્યકાર જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યનું ઘર જેના પર નવગ્રહોનું જૂનું મંદિર આવેલું છે, તે ગુવાહાટીની ખરગુલી પહાડી પરના ઢોળાવ પર છે. ત્યાંથી બ્રહ્મપુત્ર પર થતો સૂર્યાસ્ત જોયો છે. એક વાર એમના ઘરની બાલ્કનીમાં અમે બેઠા હતા. બ્રહ્મપુત્ર ખરેખર ‘લુઈત’ એટલે કે લાલ અસ્તમિત થતાં સૂર્યનાં કિરણોથી જોઈ, બીરેન્દ્રકુમાર પોતાની રચેલી એક કવિતા ગણગણી ઊઠ્યા હતા.

એઇ નદી કાલ
એઇ નદી કાલર સાત
એઇ નદી સ્મૃતિર મૃણ્મય મૂર્તિ
એઈ નદી પ્રાકૃતિક અજન્તા
એઈ નદી બીરા, માનુ હૈ યાક
પુહિબ ખોજે શક્તિર બાબે
એઈ નદી શાન્તિ
એઈ નદી પથ
એઇ નદી મોર લગરી.

આ નદી કાળ છે, આ નદી કાળનો પ્રવાહ છે, આ નદી સ્મૃતિની મૃણ્યમય મૂર્તિ છે, આ નદી પ્રાકૃતિક અજન્મા છે, આ નદી અસુર છે, જે માણસને પોતાની શક્તિથી મહાત કરી દે છે. આ નદી શાન્તિ છે, આ નદી પથ છે, આ નદી મારી પ્રિય સખી છે.

ઉપર ભૂરું આકાશ, નીચે વિશાળ પટમાં વહી જતાં લુઈતનાં જળ અને આ ભૂરા ડુંગર – પરમ આત્મીયતાની આ ચિરંજીવ ક્ષણો હતી. હું પણ બોલ્યો – એઇ નદી, મોર લગરી…

ભૂરા ડુંગરની ટોચ પર બેસી લાલ નદી બ્રહ્મપુત્રના વિરાટ રૂપને જોતાં જોતાં જેમ અસમની વર્તમાન વિષમ સ્થિતિના વિચારો આવતા હતા, તે સાથે ઈશાન ભારતની વિમિશ્ર સંસ્કૃતિના વિચારો પણ. આજે ડુંગર પર બેઠો છું, એ ડુંગર અને એના પર વસેલાં કામાખ્યા દેવી વિશે પણ કેટલું બધું સાંભળેલું છે; વાંચેલું છે!

કામાખ્યાનું આ થાનક પ્રાચીનકાળથી એક શક્તિપીઠ તરીકે વિખ્યાત છે. તાંત્રિક માટે તે મહત્ત્વનું સ્થાન ગણાય છે. મંત્રતંત્રના દેશ તરીકે કામરૂપ — પ્રાચીન અસમની જે પ્રસિદ્ધિ છે, તેમાં આ કામાખ્યા દેવીનો મહિમા રહેલો છે. આ પહાડી પર આવતાં લોકો ગભરાતાં. ઘેટું-બકરું થઈ જવાની બીક રહેતી. તંત્રમંત્રની, વામાચારની એક જમાનામાં બોલબાલા હતી. પંચમકારની ઉપાસનાઓનાં વિવરણ યાદ આવે. એ પણ જમાનો હતો, કામરૂ દેશનો જમાનો.

આ કામરૂ દેશની સ્ત્રીઓ કહેવાય છે કે બહારથી કોઈ પુરુષ આવે તો તેને બકરો બનાવી દેતી. પછી પોતાની પાસે રાખી યથેચ્છ કામવિહાર કરતી. હોમરના ‘ઓડિસિ’ મહાકાવ્યમાં જાદુગરણી સર્સી આવે છે. તે પણ ત્યાં જતા પુરુષો સાથે આવો વ્યવહાર કરતી. એણે ઓડિસિયસને દસ વર્ષ સુધી મોહમાં બાંધી રાખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથ વિશે કામરૂ દેશમાં આવું જ થયેલું. ‘ચેત મછંદર ગોરખ આયા’ એ કહેતી પાછળ જે કથા છે તેનો સંબંધ આ વિસ્તાર સાથે છે. મત્સ્યેન્દ્રનાથ કહેતાં મીનનાથ આ મુલકમાં આવેલા અને અહીંની નારીઓની મોહજાળમાં ફસાઈ ગયેલા. તેમના ચેલા ગોરખનાથને એની ખબર પડી. આ વિસ્તારમાં માત્ર સ્ત્રીઓ જ પ્રવેશી શકતી. ગોરખનાથે નર્તકીના વેશે જઈ પછી ગુરુને છોડાવેલા!

કામાખ્યા દેવીના મંદિરમાં દર્શન માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશતાં જ પંડાઓનાં ટોળાં ઘેરી વળે; પણ દર્શનાર્થીઓમાં મુખ્યત્વે તો બંગાળીઓ જ હોય. સ્થાનિક અસમિયા લોકો ઓછા.

પુરાણોમાં આ પીઠના ઉલ્લેખો છે, પણ આજે જે મંદિર છે, તે તો રાજા નરનારાયણદેવે ફરી બંધાવેલું છે. સોળમી સદીની શરૂઆતમાં કાળા પહાડે તેને તોડી નાખ્યું હતું. જોકે તેણે જે તોડ્યું તે પણ કંઈ બહુ પુરાણું નહોતું. પંદરમી સદીમાં કુચબિહારના રાજા વિશ્વસિંહે બંધાવેલું; એટલે મૂળ મંદિર કેવું હશે, તે કહેવાનો કોઈ આધાર નથી. પણ હા, આજના મંદિરમાં જે દેવીમૂર્તિ પ્રતિષ્ઠિત છે, તે અસલની હશે એવું માનવામાં આવે છે. એ દેવીમૂર્તિ માત્ર યોનિરૂપા છે. એક કાળા ખડકમાંથી તે કોતરવામાં આવેલી છે. કામાખ્યાની પૂજા યોનિરૂપા તરીકે થાય છે. એ મૂર્તિ પાસેથી એક ઝરણું પ્રસ્રવિત થાય છે. મૂર્તિને તે સતત અભિષિક્ત કર્યા કરે છે.

યોનિરૂપ કામાખ્યાની આરાધનાનાં મૂળ આદિમ ઉર્વરતા સંપ્રદાય (ફર્ટિલિટી કલ્ટ)માં રહેલાં માનવામાં આવે છે. આદિ માનવને જેમ બાળકના ‘જન્મ’ વિશે વિસ્મય થતું તેમ પ્રત્યેક વર્ષે શસ્યવતી થતી ધરતી વિશે પણ; એટલે આ દેવી ભૂદેવી પણ હોય. તેની આજ સુધી ચાલી આવેલી પૂજા-પરંપરામાં કામાખ્યાનો અષાઢ સુદ છઠથી દશમ સુધી ભરાતો ‘અંબુવાચી’ પ્રસંગનો મેળો છે. અંબુવાસી એટલે રજોદર્શન. એવું માનવામાં આવે છે કે દેવીનો આ રજસ્વલા સમય છે અને તે વખતે મંદિરનાં બારણાં બંધ રાખવામાં આવે છે. ભક્તો કહે છે કે ત્યારે પેલા ઝરણાનું પાણી પણ લાલ રંગનું બને છે. ચાર દિવસ પછી સ્નાન-પૂજાવિધિ પછી બારણાં ખૂલે છે અને દેવીનાં દર્શન થાય છે. અને તે વખતે દર્શન માટે ઊમટતી માનવ-મેદનીને રજોરંજિત વસ્ત્રપ્રસાદના પ્રતીક રૂપે લાલ વસ્ત્રનો ખંડ આપવામાં આવે છે.

આ અંબુવાચીનો ઉલ્લેખ પ્રાચીન કૃષિશાસ્ત્રોમાં પૃથ્વીને માટે મળે છે. પૃથ્વી પણ રજસ્વલા થાય છે અને તે દિવસોમાં તેમાં ખેડણી કે વાવણી નિષેધ ગણાય છે. ખરેખર તો તેમાં પૃથ્વી પણ ફલવતી કે શસ્યવતી બને તે પહેલાં તેય રજસ્વલા થાય છે તેવી આદિમ માન્યતા રહેલી છે. સ્ત્રીના દેહધર્મને પૃથ્વીની સર્જનશીલતા સાથે જોડવાની વાત જગતની ઘણી પ્રજાઓમાં પ્રાચીનકાળથી મળે છે. આ ‘અંબુ’ અર્થાત્ પાણી તે સ્ત્રીતત્વનું પ્રતીક છે. એટલે કામાખ્યા દેવી મૂળે આ પૃથ્વીદેવી-ભૂદેવીની પૂજાવિધિમાંથી ઊતરી આવ્યાં હોય. એટલે પરવર્તી કાળમાં કામાખ્યા ‘પુષ્પવતી અપિ પવિત્રા’ એમ માનનારા તાંત્રિકોનો અડ્ડો બન્યું હશે. ધીમે ધીમે તે શક્તિપીઠ તરીકે પરિણમતું ગયું.

પણ એથીય રસપ્રદ વાત આ શક્તિપીઠ સંદર્ભે પુરાણોમાં મળે છે. એ વાત શિવ-સતીની છે. દક્ષયજ્ઞમાં અનાહૂત સતીએ પિતાના મુખે પતિની અવમાનના સાંભળીને પ્રાણનો ત્યાગ કર્યો. દુઃખથી ક્રુદ્ધ થયેલા શિવ, દક્ષયજ્ઞનો ભંગ કરી, સતીના મૃતદેહને ખભે ઉઠાવી ચારેબાજુ ઉન્મત્તની જેમ ઘૂમવા લાગ્યા. શિવનો મોહભંગ કરવા વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના મૃતદેહના ટુકડા કરી નાખ્યા. એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા તે તે સ્થળો શક્તિપીઠો બન્યાં. આમ એકાવન પીઠ અસ્તિત્વમાં આવ્યાં. જે સ્થળે સતીનું યોનિમંડલ પડ્યું, કહેવાય છે કે તે સ્થળ નીલ ભૂરું બની ગયું. એ જ આ નીલાચલ. ત્યાં કામાખ્યા દેવીની સ્થાપના થઈ. પ્રચલિત કથા છે એ પ્રમાણે તેની સ્થાપના રતિ અને કામદેવે કરેલી, એ રીતે કામરૂપ, કામાખ્યા વગેરે સંજ્ઞાઓનો સંબંધ જોઈ શકાય.

બીજી એક કથા નરકાસુર સંદર્ભે છે. અહીંના કિરાતોને હરાવીને પ્રાગ્ જ્યોતિષપુરની સ્થાપના કરનાર નરકાસુરની નજરે એક વાર દેવી મોહક રૂપે પ્રકટ થયાં કે અસુરે દેવી સાથે લગ્નની માગણી કરી. દેવીએ શરત મૂકી કે સવાર સુધીમાં નીલાચલની તળેટીથી ઉપરના મંદિર સુધીનો માર્ગ જો તું બનાવી દે, તો તારી સાથે લગ્ન કરીશ. નરકે કામ શરૂ કર્યું. સવારમાં, પૂરું થવાની અણીએ (દેવીનો બોલાવ્યો) કૂકડો બોલ્યો અને નરક હારી ગયો! ગુવાહાટીનો એક ડુંગર આજે નરકાસુર નામથી ઓળખાય છે.

આ અને આવી બધી વાતો આપણને ક્યાંની ક્યાં લઈ જાય. પાર જ ન આવે. નૃતત્ત્વશાસ્ત્રીઓને તો ખજાનો મળી જાય. એ જે હોય તે; પણ કામાખ્યા આદિમ દેવતા છે, એટલું જ નહીં, અસમના અધિષ્ઠાતા દેવતા છે. લાલ નદી જેટલું મહત્ત્વ આ ભૂરા ડુંગરનું છે.

કામાખ્યાનાં દર્શને નરકાસુરના બનાવેલા પગથિયાંવાળા માર્ગે ચઢીને નહિ, પણ ડામરની સડકના માર્ગે મોટર દ્વારા પણ જઈ શકાય છે. મંદિર પુરાણા ઢંગનું, આ તરફનાં મંદિરો જેવું બેઠી શૈલીનું છે. મંદિર આગળ વધસ્થાન છે, જ્યાં બકરાંને બલિ ચઢતો હોય છે. બલિ ચઢેલાં બકરાંના થીજી ગયેલા લોહીના ડાઘ આપણા મનમાં તો કરુણા ઉપજાવે છે; પણ આ બાજુ તો જેટલી સરળતાથી આપણે નાળિયેર ફોડીએ એટલી સરળતાથી બકરાનો વધ કરે છે. એટલી સહજતાથી એની ‘પ્રસાદી’ લે છે! શંકરદેવના વૈષ્ણવ ધર્મની સ્થાપના પછી અસમિયા પ્રજામાં તો એનો મહિમા ઘટ્યો છે; પરંતુ આ વિસ્તારમાં શક્તિના ઉપાસકોય ઘણા છે.

સાંજ પડી ગઈ હતી. કામાખ્યાના મંદિરની પ્રદક્ષિણા કરીને જ આ અહીં નીલાચલની ટોચે આવેલા ભુવનેશ્વરીના મંદિરના પાછલા બાગમાં એક વટવૃક્ષ નીચે બેઠા હતા. ગઈ કાલે સવારે પણ આવ્યો હતો, પણ ત્યારે ગાઢ ધુમ્મસ હતું. નીચે વહેતી બ્રહ્મપુત્ર પણ દેખાતી નહોતી. આજે આ સાંજ વેળાએ બધું સ્વચ્છ છે અને સ્તબ્ધ પણ લાગે. ત્યાંથી દક્ષિણે એક બીજી ડુંગરમાળ દેખાતી હતી. દૂર ગુવાહાટીનગર દેખાતું હતું. બ્રહ્મપુત્ર વચ્ચે આવેલો હોડીના આકારનો ઉમાનંદ દ્વીપ દેખાતો હતો. અને ઉર્વશીકુંડની પણ ઝાંખી થતી હતી. આકાશમાં પાંખો ફેલાવી સમડીઓ તરતી હતી અને બ્રહ્મપુત્રના પ્રવાહ પર શઢ ચઢાવેલી હોડીઓ. નદીના પહોળા પ્રવાહમાં વચ્ચે વચ્ચે રેતીના ટાપુઓ ઊપસી આવ્યા હતા. એક લીલોછમ ડુંગર તો જાણે હમણાં જ બ્રહ્મપુત્રના જળમાં ડૂબકી મારીને બહાર નીકળી તડકો ખાઈ રહ્યો ન હોય! ક્યાંકથી બોલતો હોલો સ્તબ્ધતાને વધારે ગાઢ બનાવતો હતો. જાણે અહીં કોઈ નહોતું. માત્ર હું અને બ્રહ્મપુત્ર હતા અને ત્યાં દૂર સરાઈઘાટના પુલ પર આથમવા કરતો ઈષત્ લાલ સૂર્ય.