રા’ ગંગાજળિયો/૧૧. અનાદર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. અનાદર

એકાએક વીણા, સતાર અને સારંગી-સુંદરીના ઝંકાર બોલ્યા. મૃદંગો પર ધીરી થપાટો પડી. અને ભીલ બાળક જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં સરી પડ્યો. એના કાને કોયલકંઠી ઘૂઘરીઓના ઘમકાર પડ્યા; ને એક મહારવ ઊઠ્યો. એણે દક્ષિણ બાજુના ગોખમાંથી દેવાલયની અંદર નજર કરી. એ તો બાઘો બની ગયો : આ કોણ? આ શિલાઓ પર કંડારેલી પૂતળીઓ તો પાષાણમાંથી રમવા ઊતરી નથી ને?—એમ ધારતો એ દેવાલયના સ્તંભોના ટુકડા પર કોતરેલી આકૃતિઓ જોવા લાગ્યો. એ તો પથ્થરમાં મોજૂદ હતી. ત્યારે આ બધી કોણ હતી? કાળી કાળી ફરસબંધી ઉપર ત્રણસો જેટલી અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. સોમનાથ દેવની એ નૃત્યદાસીઓ હતી. મહાદેવને એ રીઝવતી હતી. મહાદેવનું કાજળકાળું લિંગ ફૂલો અને દીપકોની વચ્ચે બેઠું બેઠું જાણે આ નૃત્યસંગીતમાં ધ્યાનમગ્ન હતું. બે હજાર બ્રાહ્મણો બેઠા બેઠા ને ઊભા ઊભા માથાં ડોલાવતા હતા. દેરું તૂટ્યું હતું; ત્રણ-ત્રણ વાર તેના ઉપર વિધર્મી પરદેશીઓના પંજા પડ્યા હતા; તોપણ પુરાતન પરંપરા તૂટી નહોતી! કોઈ ગૌડ બંગાળાની, તો કોઈ મલબારની, કનોજ ને કાશ્મીરની, જયપુરની ને નેપાલની આ ચિરકુમારિકાઓના રૂપરૂપના રાશિઓને પોતાના ઉરમાં સંઘરી રહેલું સોમ-મંદિર સાગરને ખોળે માથું ઢાળીને સૂતેલી વસુંધરાને લાધેલા દૈવી સોણલા સમું બની રહ્યું હતું. કોણ જાતની ને કોણ નાતની, કયાં માબાપની ને કયા કુળની આ કુમારિકાઓ હતી?—એ જાણવાની કોઈને જરૂર નહોતી. દેવને વરેલી એ માનવ દુહિતાઓ હતી. કલાની એ પુત્રીઓ હતી. જટાળા જોગંદરો અને વેદ રટતા પુરોહિતોની ઊર્મિઓને ડુબાવનારી એ દરિયાઈ વમળો હતી. અસલ તો દશ હજાર જેટલાં ને અત્યારે ઓછામાં ઓછાં બે હજાર ગુર્જર ગામડાંની ખંડણી ધરાવતા આ દેવાલયમાં તેમનાં જઠરની ભૂખ ઓલવવાનું રોજ રોજનું જમણ હતું; ને મંદિરના સેવકોની રૂપ-રસ-ગંધ-સ્પર્શની તૃપ્તિ માટે તેમનું યૌવન હતું. સાગરનો સુવિશાળ ઘાટ તેમના નૃત્યગીત પછીના શ્રમને ઉતારવા અગાધ, અખૂટ, નીલાં પાણીની ઝાલકો મારતો હતો, તેમ આ ત્રણસો રૂપની ઝાલકો શંભુનાં સેંકડો સેવકોનાં અંત:કરણોમાંથી જ્ઞાન, તપ, સંયમતેજના શ્રમને પણ ધીરે ધીરે ધોતી જતી હતી. દુર્ગને દરવાજેથી નકીબો પુકારાઈ : “ખમ્મા ગંગાજળિયાને! ઘણી ખમ્મા ચંદ્રચૂડના કુળદિપાવણ રા’ માંડળિકને! ઝાઝી ખમ્મા ગોહિલકુમારી સોરઠ-રાણી કુંતાદેને.” છત્ર દેખાયું, છડીઓ દેખાઈ, ચામરે ઢોળાતી એ રાજજોડલી મલપતી ચાલે આવતી હતી. “બેટા! બેટા!” ભીલ માતાએ હર્ષવ્યાકુળ બનીને પુત્રને કાનમાં કહ્યું : “આવ આવ, તારી બેનને જોવી હોય તો.” બંનેએ લપાઈ લપાઈને નિહાળ્યાં—રાણી કુંતાદેને. રા’ની છાયા સમોવડી, જરાક પાછળ, છતાં પડખોપડખ એ ચાલી આવતી હતી. જાત્રા જુવારવા આવી હતી ખરી ને, એટલે શુભ્ર સાદા પોશાકે વધુ સોહામણી લાગતી હતી. ને જોનારાઓમાંથી કોણ કહી શકે કે, એ નર અને નારીમાંથી વધુ સોહાગ કોના મોં પર હતો? ખરી વાત એ હતી કે, નિશા અને શશીની માફક બંને જણાં એકબીજાને સોહાવતાં હતાં. સોહાગનાં નીરની એ દેગ ચડતી હતી—પાણીના પરસ્પર દોલ-હીંડોળ લાગતે લાગતે નવાણમાં ચડે છે તેવી દેગ. માંડળિક અને કુંતાદેએ મંદિરમાં પ્રવેશ કર્યો, પણ બે હજાર બ્રાહ્મણોની મેદનીના મોં પર એણે તે દિવસ આગલા આદરભાવની નિસ્તેજ રેખાઓ નિહાળી. મારી આંખોનો જ કદાચ દોષ હશે, બ્રાહ્મણો સ્તુતિગાનમાં તલ્લીન છે તેથી કદાચ તેમણે પૂરું ધ્યાન નહીં આપ્યું હોય, એવું ભાવતો રા’ સડેડાટ સોમનાથજીની પ્રતિમા પાસે પહોંચી સાષ્ટાંગ કરી, પોતાને માટે અલાયદું રખાવેલું આસન શોધવા લાગ્યો. આસપાસ આસન હતું નહીં. એણે ફરસબંધી પર બેસી જવામાં કશી નાનપ ન માની. થોડી વારે એને કાને બારણે ધક્કામુક્કી ને હોંસાતોંસી થતી હોવાના અવાજ પડ્યા. એણે દ્વાર તરફ નજર કરી : પ્રતિહારીઓ કોઈક આદમીને અંદર આવતો અટકાવીને બહાર ધકાવી રહ્યા હોય તેમ લાગ્યું. એણે ઊકળતા અવાજની શબ્દ-ટપાટપી સાંભળી : “તું શૂદ્ર છે.” “હું રાજપૂત છું.” “ક્યાંનો રાજપૂત! જનોઈ ક્યાં છે?” “જનોઈ પહેરવા જ આવ્યો છું. ક્ષત્રિયનો બાળ છું, મને શીદ અટકાવો છો?” વીણાના સૂર અને દેવસેવિકાઓના રુમઝુમાટ થંભી ગયા. કોલાહલ વધી પડ્યો. માંડળિક પણ ઊઠીને દ્વાર પર પહોંચ્યા. સો-બસો બ્રાહ્મણોએ ઘેરી લીધેલો, પોતાના કામઠા પર તીર ચડાવી એ ભીલ જુવાન ચોગાનમાં ઊભો હતો. એના શરીર પર ધૂળ હતી. એનાં અંગો છોલાયાં હતાં. એના શામળા વર્ણ પર ઠેર ઠેર રાતાચોળ લોહીના ટશિયા આવી રહ્યા હતા. એની ખુલ્લી પહોળી છાતી જરી જરી હાંફતી હતી. ને આંખોના ડોળા ઘૂમાઘૂમ કરતા હતા. એ કહેતો હતો : “હું રાજપૂત છું.” “કોણ છે? શું કરો છો બધા?” રા’એ કડક સૂરે પૂછ્યું. ટોળામાંથી એક અવાજ આવ્યો : “શૂદ્રોને ફટવી મૂક્યા છે.” “હું શૂદ્ર નથી, ક્ષત્રિય છું.” જુવાનને એ એક જ બોલ આવડતો હતો; અથવા એ બીજું બોલવાનું વીસર્યો હતો. “જુવાન! જુવાન!” રા’ મંદિરમાં ઓટા પર ઊભા ઊભા એને ટાઢો પાડતા હતા : “અધીરો થા મા.” ટોળાના કૂંડાળા બહાર ઊભી ઊભી અંદર જવા મારગ માગતી એક બાઈ કહેતી હતી : “એ ભાઈ! મારા દીકરાને અકળાવો મા! એના બોલ્યા સામું જુઓ મા! હું તમારે પગે પડું. સાચું છે, એ શૂદ્ર છે. એને મૂકી દિયો.” બ્રાહ્મણોના શોરબકોર અને ધક્કામુક્કી સામે રા’નો પંજો ઊંચો થયો. શોર અટકી ગયો. “એને છોડી દો ને મારી સામે ઊભો રહેવો દો.” પછી એ ઉન્નત મસ્તકે ટટ્ટાર ઊભેલા, સોટા સમા સીધા ને ચળકાટ મારતી ચામડીવાળા જુવાનને રા’એ પૂછ્યું : “તું કોણ છો, જુવાન?” “રાજપૂત છું.” જુવાને છાતીએ પંજો થાબડ્યો. “ક્યાં રે’ છે?” “ગીરમાં : દોંણ-ગઢડાના નેસમાં.” “તારા બાપનું નામ?” “હમીરજી ગોહિલ, હાથીલાના રાજપુતર : આ જુઓ ઉપર, આ દેરું તૂટવાનું હતું ત્યારે બચાવવા આવ્યા હતા મારા બાપુ, ગોહિલ રાણા હમીરજી.” એણે કહ્યું, ને સેંકડો આંખો એ મંદિરના ખાંગા શિખર પર બંધાઈ ગઈ. એ નામ ને એ શબ્દો સાંભળીને ખડ-ખડ-ખડ ખી-ખી-ખી-ખી આખી મેદની હસી પડી; ન હસ્યા એક ફક્ત રા’. સૌ હસ્યા ત્યારે જુવાનનું મોરપિચ્છના મોડવાળું મસ્તક નીચે ઢળી ગયું. કૂંડાળા બહાર ઊભેલી સ્ત્રી પણ શરમથી બીજી બાજુ જોઈ ગઈ. “હમીરજી! હાથીલાવાળા ગોહિલ હમીરજી? એનો તું દીકરો? જુવાન, તું આ શું બોલછ તેનું તને ભાન છે?” જુવાન ચૂપ રહ્યો. રા’એ પોતાની બાજુમાં ઊભેલ કુંતાદે સામે સહેજ નજર નાખી લીધી. કુંતાદેનું ધ્યાન નીચે ઊભેલા જુવાન પર ઠર્યું હતું. એના મોં પર હાસ્ય નહોતું. “તારું મોસાળ?” રા’એ પ્રશ્ન પૂછ્યો. “દોંણ-ગઢડાના વેગડાજી. એણે પણ આ દેરાની રક્ષા માટે પ્રાણ દીધા છે. જુદ્ધ થયું ત્યારે બીજાની જેમ પાછલી બારીએથી ગઢમાં ગરી નહોતા ગયા. એનાં શૂરાતનનાં શિંગ આડાં આવ્યાં હતાં.” મેદનીને એક વિશેષ રોનક મળ્યું. સામટા પાંચસો-હજાર ઘૂઘરા ખખડતા હોય તેવા ખિખિયાટા થયા. “વેગડાજી કોણ?” રા’એ ગંભીર બની પૂછ્યું. “મારો ડાડો.” “ન્યાતે?” “ભીલ.” જુવાન આ બધો શો બકવાદ કરતો હતો?—રા’ની પણ મતિ મૂંઝાઈ ગઈ. કુંતાદે તો કાંઈ રહસ્ય સમજતાં જ નહોતાં. “બે હજાર તીરકામઠાંવાળા ભીલો આંહીં કપાણા’તા તે દી.” ભીલ જુવાન ફરી વાર ઉન્નત મસ્તકે ને ટટ્ટાર ઢાલ જેવી છાતીએ બોલ્યો. “હાથીલાના હમીરજી તો જુવાન, કુંવારા જ જુદ્ધે ચાલ્યા હતા.” “રસ્તામાં—રસ્તામાં—” “રસ્તામાં એની મા મળી હતી.” મેદનીમાંથી કોઈકે વ્યંગ કર્યો, ને મેદની ફરી વાર હસી પડી. “આ જુવાનને અમારા પડાવ માથે લઈ જાવ, ને તપાસ રાખો, એને કોઈ સતાવે નહીં.” રા’ની એ આજ્ઞા મળી એટલે ચોકીદારોએ જુવાનનો કબજો લીધો. “એને હાથ ન લગાડતા. જા જુવાન, નિરાંતે બેસજે. રાજપૂત છો ને, તો પછી મિજાજ ખોઈ બેસતો નહીં—રાજપૂતનું એ મોટામાં મોટું લક્ષણ કહેવાય.” “હું પણ ચાલી જાઉં છું આપણા મુકામ પર.” કુંતાદેએ રા’ને છાનાંમાનાં કહ્યું. “હા, આ ઠઠ્ઠામશ્કરી ને છોકરમતમાં હું તમને ક્યાંથી લાવ્યો? તમે પધારો એ જ બહેતર છે.” કુંતાદે બહાર નીકળીને મ્યાનામાં બેઠાં. મ્યાનાની પાછલી બારીમાંથી એ પોતાની પાછળ પાછળ આવનારા એ જુવાનને નિહાળતાં હતાં. ને એણે જોયું કે જુવાનની નજીક એક પ્રૌઢ સ્ત્રી ચાલી આવતી હતી.