રા’ ગંગાજળિયો/૨૦. કસુંબાનો કેફ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૦. કસુંબાનો કેફ

રા’ માંડળિકને નવું લગ્ન કર્યાં થોડાં વર્ષો વીતી ગયાં છે. નિત્યકર્મમાં અચૂક નિયમ રાખનાર રા’ની રસમો બદલાઈ ગઈ છે. રા’ સવારે મોડા ઊઠે છે; થાકેલા ને ઉત્સાહ વગરના દેખાય છે; નાની નાની વાતોમાં એ ચિડાય છેયે ખરા. ઉત્તર હિંદમાંથી પ્રભાતમાં વહેલું આવી પહોંચતું ગંગાજળ એકાદ પ્રહર પડ્યું પણ રહે છે. એક પ્રભાતે કુંતાદેએ, વગર પુછાવ્યે, પોતાનાં પાળેલાં, ભીલભાઈએ આપેલાં સિંહનાં બે બચ્ચાંને સાથે લઈ રા’ના સૂવાના સ્થાન પર આવીને પૂછ્યું : “છોકરીઓ, ઊઠ્યા છે રાજ?” “અરધાપરધા ઊઠ્યા છે. વરધી દઈએ?” છોકરીઓ સાવજોથી ડરતી ડરતી બોલી. “વરધી વળી શું દેવી છે!” —એમ કહેતાં સડેડાટ કુંતાદે બંને સિંહોને રસીથી દોરતાંક રા’ના ઓરડે પહોંચ્યા. કુંતાદેથી રા’એ હજુ ડરવાનું છોડ્યું નહોતું; ભલે એણે કુંતાદેનું શયનગૃહ તેમ જ કુંતાદેના હાથનું ભોજન છોડ્યું હતું. કુંતાદેની નજરે ટટ્ટાર અને સ્વસ્થ દેખાવા એણે પ્રયત્ન કર્યો, પણ કુંતાદે વરતી ગયાં. એણે કહ્યું— “ગંગોદક આવીને અક્કેક પહોર સુધી પડ્યું રહે છે.” “હમણાં નાહી લઉં છું.” રા’ બગાસું રોકવા મથ્યા. “હમણાં એટલે ક્યારે?” “કસુંબો પી લઉં.” રા’ આળસ મરડતા મરડતા અટકી ગયા. “લ્યો, હું કસુંબો પાઈ દઉં.” “એમાં કાંઈ નહીં વળે!” બોલતાં બોલતાં પાછું બગાસું. “કેમ કાંઈ નહીં વળે?” “નાગાજણ ગઢવી આવીને હમણાં પાશે.” કહીને પાછા પડ્યા પથારીમાં. “અમુક માણસ પાય ત્યારે જ કસુંબો ઊગે—એવા કેદી કેમ બન્યા છો?” “મજા આવે છે.” રા’ના મોંમાં એ બોલતાં બગાસાં ઉપર બગાસાં આવતાં હતાં. “આ મજામાં સારાવાટ નથી.” કુંતાદે હસવું છોડીને જરાક કરડું વેણ બોલ્યાં. “દેવી!” “ના, દેવી ન કહો, જે એક વાર કહેતા તે-નું તે જ તોછડું નામ દઈ બોલાવો.” કુંતાદે ઝંખતી હતી ‘દેવડી’ શબ્દનું સંબોધન સાંભળવા. “હવે જીભ ઊપડે કાંઈ?” “કેમ? હું બહુ વૃદ્ધ બની ગઈ છું?” “ના, વડીલ છો.” “મારા રા’! આ છેતરપિંડી ને આ રમત છોડી દિયો.” “છેતરપિંડી કેમ?” “રાતે રામાયણ સાંભળવા ને મને રોજેરોજની વાતો કહેવા બેસતા એ પણ હવે છોડી દીધું. ને પૂછું છું ત્યારે કહો છો કે ‘દેવી, તમને કષ્ટ દેવા નથી માગતો.’ ભલે મને છોડી દીધી, પણ હવે શું ગંગોદકનેય છોડવું છે? ગંગાજળિયાની છાપ મળી ગઈ એટલું જ બસ છે શું, રા’? એ ગંગાજળનાં પાણીને હું રોતી નથી, પણ એ ટીપે ટીપે તમારી રોમરાઈમાં પવિત્રતાની ને સંસ્કારની ખુમારી રહેતી, તે ગઈ છે એટલે રોઉં છું. ગંગાજળને તમે અફીણની પ્યાલીમાં રેડી દીધું છે.” “કોના ઘોડાની હણહણાટી થઈ?” રા’ એકાએક સ્ફૂર્તિમાં આવ્યા. “નાગાજણ ગઢવી આવી પહોંચ્યા ને?” “નથી શોભતું, રા’! આમ ભાન ભૂલવું નથી શોભતું.” આળસ મરડી રહેલા રા’ને શરીરમાં તોડ થતી હતી. સૂઈ જવું હતું. કુંતાદેનું રોકાવું એને કડવું ઝેર લાગતું હતું. “હવે મૂંઝાવા જેવું નથી, હો દેવી!” રા’એ આગલી રાતે ગુજરાતમાંથી આવેલા સમાચાર કહ્યા : “ગુજરાતના તખત પર તો એક તેર વરસના તિતાલી ભિખારી છોકરાને બેસારી દીધો છે અને ત્યાં તો પાછા ફરી વાર બખેડા ઊપડ્યા છે. એઈને આપણે તો લે’ર છે.” “રાતે નશામાં બોલતા હશો તે ઠીક છે, પણ અત્યારેય ગાંડપણમાં બોલો છો? શું હું તમને ગુજરાતના સુલતાનથી ડરાવી રહી છું?” “ના, આ તો તમને તમારા દૂધચોખાની ચિંતા હોય તો…’ “ઘણું થયું, ગંગાજળિયા! ગુજરાતનો સુલતાન આંહીં ઊતરશે તે દી હું દૂધચોખાને સાચવવા નહીં બેસું, રા’! તે દી તો મારા કોડ તમારા બખ્તરની કડીઓ બીડવાના હશે, તમને હાથમાં સમશેર આપવાના હશે.” “ના રે. એવું કાંઈ કરવાની જરૂર નહીં. એ તો ગુજરાતમાં હાલી પડી છે માંહોમાંહે મારામારી ને કાપાકાપી. અને નાગાજણ ગઢવી તો કહે છે—ને છાતી ઠોકીને કહે છે—કે આ ઘનઘોર ઝાડીએ વીંટ્યો આપણો ઉપરકોટ, અને બીજો આપણા ગરવાદેવ માથેનો ઉપરકોટ, ત્યાં સુલતાનનો બાપ પણ પોગે તેમ નથી. મારે બીજી શી ફિકર છે!” એટલામાં તો સાચેસાચ ઘોડાનો જાણીતો હણહણાટ થયો. નાગાજણ ગઢવી આવી પહોંચ્યો. રા’એ કહ્યું, “દેવી! આ સાવજથી નાગાજણભાઈ ડરશે હો! અંદર પધારશો?” સામે બારણે નિસરણી પર નાગાજણ ચડતો આવતો હતો. પાછલે બારણેથી કુંતાદે બહાર ચાલી નીકળ્યાં. કસુંબાની પ્યાલીઓ તૈયાર હતી. નાગાજણે રા’ને પાતાં પાતાં ખબર આપ્યાં કે, “અન્નદાતા! વિકાજીકાકાએ બહારવટે નીકળવાની તૈયારી કરી છે.” વિકાજી સરવૈયા રા’ના ભાયાત થતા હતા. “બાપડો વિકોજીકાકો!” રા’એ કસુંબાના ચડતા તોરમાં કહ્યું, “એની સરવા ગામની ચોવીસી મારે ઝૂંટવી લેવી પડી છે, કેમ કે એને લૂંટફાટ કરવી છે. એને ખબર નથી કે દુદાજીને રોળી નાખનાર રા’ની ભુજાઓ હજી તો લાંબી છે.” એમ કહેતે કહેતે રા’એ ભુજાઓ લાંબી કરી. પણ તે ભુજાઓ હવે ભરાવદાર નહોતી રહી. એ હાથ ધ્રૂજતા હતા. “એ તો ભલે બહારવટું કરે. પણ હેં નાગાજણભાઈ! તમે કાલે જે વાત કરી, કે અપ્સરાઓ મૃત્યુલોકમાં પણ હોય છે, તો તેની એંધાણી શી?” “એક એંધાણી તો એ બાપા, કે અપ્સરાના હાથપગના નખ ઉતારીને જો તમે તડકામાં રાખોને, તો એ ઘી ઓગળે તેમ ઓગળી જાય.” “ઓગળી જાય? પાણી થઈ જાય?” “હા, અન્નદાતા!” “એવાં સુકોમળ રૂપ મરતલોકમાં પડ્યાં છે, હેં? ખરું કહો છો?” “હા બાપ! પૃથ્વી ક્યાં વાંઝણી છે?” “આહાહા! એવી અપ્સરા કોઈ દીઠામાં કે સાંભળવામાં ન આવી.” રા’એ અફસોસ બતાવ્યો. “પણ હું કહું છું તેમાં અંદેશો ન રાખજો, અન્નદાતા! અપ્સરાઉં મરતલોકમાં પડી છે.” “વાહ! ધન ભાગ્ય છે એનું, જેને ઘેર અપ્સરાઓ હશે.” નાગાજણ ચૂપ રહ્યો. છતાં એના મોં ઉપર એક છૂપા ગર્વની લાગણી હતી. “તમને ખબર છે ખરી?” રા’ રાંકડો બની પૂછતો હતો. “હવે એ વાત જવા દઈએ. બાપા! જેટલી ખબર હોય છે એટલી બધી કાંઈ કહી નથી શકાતી. ને કેટલીક વાતોનું તો અજ્ઞાન પણ ભલું છે.” નાગાજણે કાંઈક છુપાવી દીધું. “તમેય, નાગાજણભાઈ! મારાથી ચોરી રાખશો?” “ચોરી નહીં, રા’! બધું જ્ઞાન બતાવવું ઠીક ન કહેવાય. હું પગે હાથ મૂકીને કહું છું કે વાતને જાતી કરો.” “ના, મારે કાંઈ બીજું કામ નથી. પણ સંસારમાં જેટલું જ્ઞાન છે, તેટલું મેળવવાની મને ભૂખ છે. તમારી પાસેથી મને તો જ્ઞાનના ખજાના મળ્યા છે.” વાતો ચાલતી હતી તેની સાથોસાથ નાગાજણ પોતાની અંજલિઓ પછી અંજલિઓ કસુંબાથી ભરતો જતો હતો. રા’ અંજલિઓ પીધે જતા હતા અને નાગાજણ રંગ દેતો દેતો બોલતો હતો :

બિલ્લી જો પીવે તો બાઘહીકું માર દેવે,
 ગધ્ધા જો પીવે તો મારે ગજરાજકું.

“આહોહો!” રા’ રંગમાં આવ્યા હતા. “સંસારમાં જાણે આ પીધા પછી દુ:ખ કે વેદનાનો છાંટો નથી રહેતો. ફિકર બધી ઓગળીને આ અંજલિમાં ડૂબી જાય છે. મે’ણાં ને ટોણાં, અપમાનની ઝડીઓ અને ઠપકા… એ તમામનો બોજ શેં સહ્યો જાત, જો નાગાજણભાઈ, તમે ન હોત તો!” રા’ની આંખો ચકચૂર છતાં એના અવાજમાં દર્દ હતું. નાગાજણે પૂછ્યું : “બાપ, કેમ આજ આમ બોલી રહ્યા છો?” “કાંઈ ગમતું નથી. કુંતાદે ઠપકો દઈ ગયાં, પણ મને બીજું કાંઈ સૂઝતું નથી. તમારો શો વાંક! મને જ કોઈ અદૃશ્ય હાથ ખેંચી રહ્યો છે. અશ્વોના હણહણાટ, નગારે ધ્રાંસા, સમશેરની સબાસબી, બખ્તરની કડીઓના ઝંકાર, પ્રભાતની લશ્કરી કવાયતો, આ ડુંગરમાળ ઉપર ગેડીદડા જેવી ગાજતી ઘોડાંની દોટમદોટ… એ બધું મને હવે ખારું ખારું લાગે છે. ડૂબી જ રહું જાણે, તમારી આ એક અંજલિમાં ડૂબીને પડ્યો રહું, એક જુગ જેવડી રાત લંબાય, સમુદ્રના તળિયા સુધી નીંદરનાં ઊંડાણ ખોદાય, ને વાર્તાઓ સુણું ફક્ત એક અપ્સરાઓની…” રા’ બોલતા હતા તે વાણીમાં શરાબની લવારી નહોતી. અફીણના મદનો એક પછી એક ચોખ્ખો બોલ હતો. બોલ સાંભળી સાંભળી નાગાજણ બીતો બીતો રાજી થતો હતો. રા’ના હૃદયમાં કાંઈક શૂળ છે. કોઈ બારીક કાંટો કલેજાને ત્રોફી રહ્યો છે. રા’ કાંઈક ન ભૂલી શકાય તેવું ભૂલવા મથે છે. રા’નો જીવ કોઈક ગિરિ-ટોચેથી ઊતરીને થાક્યોપાક્યો એકાએક અતલ ખીણમાં લસરવા ચાહે છે. ઊંચાણો પર ઊભેલા રા’ને જાણે તમ્મર આવે છે. “અન્નદાતા! મારા હાડચામડીના ખાળુ! તમને શું મૂંઝારો છે?” “નાગાજણભાઈ!” રા’નો સાદ સાવ ધીરો બન્યો, “કોઈને કહેતા નહીં હો! કહું? સાંભળો એ હમીરજી ગોહિલનો બેટો ક્યાં છે? આંહીં નથી ને? આંહીં હવે આવતો નથી ને? તમે તપાસ કરાવજો હો! એની પાસે એક ચંદનઘો છે.” “અરે, પણ શું છે! ડરો છો કેમ, રા’? દાંત કેમ કચકચાવો છો?” “એ ચંદનઘોને ભીલનો છોકરો ક્યાં ચડાવે છે, જાણો છો? હું જાણું છું, બીજું કોઈ નથી જાણતું. ઉપરકોટની પાછલી રાંગે, આ પાતાળી ખોપનાં ઝાડવાં ટપતો ટપતો એ કાળી રાતે આવે છે. એ રાંગની હેઠ ઊભો રહે છે. ચંદનઘોને રાંગની ટોચે ચડાવે છે. ને પછી એ પોતે એ રસી પકડીને ચડે છે, ચડે છે, ચડે છે, ને—ને આવે છે ક્યાં, કહું? ના, નહીં કહું. કોઈને કહેવા જેવી વાત નથી. કુંતાદે જો જાણે તો મને મારી નાખે, મને ઝેર આપે. માટે તો હું એને મહેલે થાળી જમતો નથી.” “અરે, પણ આ શું છે? મારી એકની આગળ તો હૈયું ઠાલવો? ભાર ઓછો થશે.” “એ ચડીને આવે છે કુંતાદેના ગોખમાં. ને—ને એ જુવાન ભીલડો કુંતાદે સાથે વાતો કરે છે.” રા’ના સ્વરોમાં રુદન હતું. નાગાજણના મોંમાં શબ્દ નહોતો. ચુપકીદી ઠીક ઠીક સમય ચાલુ રહી. નાગાજણે રા’ને ચાર વધુ અંજલિ કસુંબો લેવરાવ્યો. રા’ ગુલતાનમાં આવી ગયા ને બોલ્યા, “કૂવામાં પડે બીજી બધી વાતો, નાગાજણભાઈ, અપ્સરાઓની વાતો કરો. તરેહતરેહની અપ્સરાઓ વર્ણવો. તમામ વાતોમાં મીઠામાં મીઠી તો બસ, અપ્સરાઓની જ વાતો છે. અપ્સરાની ને રાજકુંવરની વાતો.”