રા’ ગંગાજળિયો/૨૧. નરસૈંયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧. નરસૈંયો

હાથમાં નાની એક તપેલી લઈને જૂનાગઢની પંચહાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો. ભાદરવા મહિનામાં વાદળાં આકાશમાં મોટાં વહાણો જેવાં ચાલ્યાં જતાં હતાં, ને ખોરડાંનાં છાપરાં પર કાગડાનાં ઝુંડની કાગારોળ મચી હતી. આંગણામાં અને અગાશી ઉપર ઊભા ઊભા ઘરઘરના લોકો ‘કાગ! કાગ! કાગ!’ એવા પુકાર કરતા કરતા, ખીર અને પોળીની કાગવાશ નાખતા હતા. તપેલી લઈને ચાલ્યો જતો માણસ ખૂબ શરમાતો હતો. એ ઊંચું જોઈ શકતો નહોતો. ક્યાં જવું છે તેની જાણે એને ખબર નહોતી પડતી. એના માથા પર વેરાગીઓ પહેરે છે તેવી કાનટોપી હતી. ટૂંકું ધોતિયું હતું. કંઠે તુળસીની માળા હતી. એક બંડી પહેરેલી. એ ચાળીસેક વર્ષનો છતાં પચીસથી વધુ લાગતો નહોતો. એના હોઠ કશુંક ગાવા તલખતા તલખતા જોરાવરીથી ચૂપ રહેતા હોય તેવા જણાતા હતા. પંચહાટડીના દુકાનદારો સામસામા આંખમિચકારા મારી વિનોદ કરતા હતા : “નીકળ્યા છે! ભક્તરાજ ઘી લેવા નીકળ્યા લાગે છે.” “તે બોલાવોને!” “તે તમારી હાટડીમાં ક્યાં ઘી નથી?” “પણ ભક્તરાજને લાયક નથી.” “કાં?” “રોકડા પૈસા થોડા મળે તેમ છે ભક્તરાજની પાસે? એ તો કહેશે કે, લ્યો બાપલા, બે કીર્તન ગાઈ દઉં!” “તો તો જૂનાગઢમાં કોરીને બદલે વહેલુંમોડું કીર્તનોનું ચલણ થવાનું, ખરું?” “થાય—જો ભક્તરાજનો પંથ જોર પકડે તો કેમ ન થાય?” “મહારાણી કુંતાદેનું ચાલત તો ચોક્કસ એમ જ કરત, પણ રા’ની લગની ભક્તરાજ પ્રત્યે હવે ઘટી લાગે છે.” “પણ આજ ભક્તરાજને ઘીનો શોખ ક્યાંથી થયો?” “બાપનું શ્રાદ્ધ સારવું હશે.” “આજ—રહી રહીને?” “કાં—એના મોટાભાઈએ ઘરમાંથી કાઢ્યો ખરોને, એટલે હવે જુદું કરવું પડે.” ઘીના વેપારીઓનો વિનોદ જેના કાનનાં કાણાં સુધી પણ પહોંચતો નહોતો, તે તપેલીવાળો પુરુષ એક છેવાડી, સાવ નાની હાટડી પાસે થંભ્યો ને ઓશિયાળાની માફક ઊભો રહ્યો. રડ્યુંખડ્યું ઘરાક જ્યારે એ હાટડીએથી દૂર થઈ ગયું ત્યારે પોતે હાટડીના પાટિયા પાસે ગયો. વેપારી પણ નાનો હતો. એણે આદર આપ્યો : “રાધેકૃષ્ણ, નરસૈંયાજી!” “રાધેકૃષ્ણ.” એ સામા જવાબમાં તાજા ફૂલની સૌરભ હતી ને ગીતનો ઝંકાર હતો. એવી મીઠાશ કોઈક કોઈક, બહુ જુક્તિભેર સાચવેલા ગળામાંથી જ મળે છે. “કેમ કોઈ દિવસ નહીં ને આજે ઘી લેવા નીકળવું પડ્યું?” પૂછનાર વેપારીને ખબર હતી કે આ ઘરાકના ઘરનો રોટલો ભાગ્યે જ કદી ઘીએ ચોપડાતો હતો. “પિતાજીનું શ્રાદ્ધ છે.” ભક્ત નિર્મળ હાસ્ય હસતા પાટિયા પર બેઠા. “તે તો મોટાભાઈ કરે છે ને? એમણે તો ન્યાતમાં જમવાનાં નોતરાં પણ દીધાં છે.” “હા, મને ખબર છે. હું પૂછવા ગયેલો. એમણે તો કહી દીધું કે અમે અમારે ફાવે તેમ કરી લેશું. તારે કરવું હોય તો કરજે.” “ત્યારે શું તમને નોતરું નથી?” “નથી. ઉપરાંત મને તો આ બધી કડાકૂટ ક્યાં ફાવે છે? પણ કુંવરબાઈનાં મા માનતાં નથી. એના પિતાની વાત તો દૂર રહી, આ તો મારા પિતાનું શ્રાદ્ધ કરવાની હઠ લઈને જ બેઠાં છે. પરાણે તપેલી પકડાવીને ધકેલ્યો છે. આવવું જ જોઈએ ને! શામળની માતામાં પણ મારો છબીલોજી દામોદરરાય જ વસેલો છે ને!” “શામળશા જીવ્યો હોત તો તમારે આ ખટપટ ન કરવી પડત.” “એ તો વા’લાજીની—દામોદરરાયજીની ઇચ્છાની વાત છે.” એમ કહીને આ ચાળીસેક વર્ષના ભક્ત—જેનું નામ નરસૈં મહેતો હતું—તેણે એવું ને એવું નિર્મળ હાસ્ય કર્યું. “તમે પણ, ભક્તજી, ભારી કઠણ છો!” “કઠણ રાખવાવાળો તો મારો વા’લોજી છે; હું તો કાંઈ નથી. લ્યો ભાઈ, લાવો, હજુ ઘેર જઈશ ત્યારે એ રસોઈ માંડશે ને નોતરાંય હજુ હવે દેવા જવું છે.” “કેટલાનું આપું?” “આનું જેટલું આવી શકે તેટલું.” એમ કહેતે કહેતે એ અર્ધનિદ્રિત જેવા જણાતા નરસૈંયાએ પોતાના દુપટ્ટાના છેડાની કોરેથી ચીંથરી છોડીને એક ચીજ દુકાનદારના હાથમાં મૂકી. “આ શું? આ તો સોનાની વાળી છે.” “એ જે હોય તે. મને તો કુંવરબાઈની બાએ આપી છે.” “ઘરમાં બીજું કાંઈ રોકડ નથી?” “મને કશી ખબર નથી.” “ભક્તજી, આ તો તમારાં વહુના કાનની વાળી છે.” “એ જે હોય તે. વારંવાર જ્યારે જ્યારે કાંઈ ખરીદી લાવવું હોય ત્યારે એ પોતાના શરીર પરથી ઉતારી ઉતારીને નાનું કે મોટું ઘરેણું મને આપે છે. હવે કાંઈ બાકી રહ્યું જણાતું નથી. એટલે મારે પણ કાયમની કડાકૂટ મટી જશે.” બોલતા બોલતા ભક્ત નરસૈંયો મોં પર મોટી રાહત ને મોકળાશ અનુભવી રહ્યો. નરસૈંયાને માટે જે સહેલ હતું તે હાટડીદારને માટે મુશ્કેલ બન્યું. એણે એ એક વાળી પરથી નરસૈંયાના ઘરની કલ્પના કરી : એ સ્ત્રીના શરીર પર હવે વાલની વાળી પણ નહીં રહી હોય! “ભક્તજી, આ લો.” એણે નરસૈંયાને એ વાળી પાછી આપીને કહ્યું, “તમારે જોઈએ છે તે ઘી હું જોખી આપું છું. એની કિંમતમાં વાળી નહીં રાખું.” “ત્યારે? મફત તો હું કેમ લઈ જાઉં?” “મફત નહીં, ભક્તજી, પ્રભુનાં એક-બે પદ મને સંભળાવો. ઘીની એટલી કિંમત પૂરતી છે.” “સાચું કહો છો?” નરસૈંયાને મશ્કરી લાગી. “મારા છબીલાજીનાં પદ સંભળાવ્યે શું ઘી મળશે?” પોતાની પત્નીના અંગ પરની છેલ્લી વાળી આપતાં જે નરસૈંયો હસતો હતો તેણે પોતાના વા’લાજીનાં કીર્તનની આટલી કિંમત થતી જોઈને અંતરમાં રુદન અનુભવ્યું. એણે પોતાની કરતાલો ગજવામાંથી બહાર કાઢી. ને એના કંઠમાં તલપાપડ થઈ રહેલા કેદારના સૂર, કેદીઓ છૂટે તેટલા હર્ષથી, બહાર નીકળ્યા. એક વાર શરૂ કર્યા પછી એ તો ગાનમાં ડૂબી ગયો. પ્રભાતનો પહોર હતો. પ્રભાતીના કેદાર-સૂરોએ એ નાની હાટડી પર હવાને બાંધી દીધી. કેદારના સૂર આસપાસનાં આંગણે આંગણે પહોંચી ગયા. કેદારના સૂર નજીકના નાગરવાડાને અસ્વસ્થ બનાવવા લાગ્યા. કેદારના સૂરે પૃથ્વી અને ગગનના પડદાને ટાંકા દઈને તૂની લીધા. પછી તો હાટડીદારે વારંવાર કહ્યું : “હાંઉં ભક્તજી, મારાં નાણાં વસૂલ થઈ ગયાં.” પણ નરસૈંયાનો કંઠ વધુ ને વધુ ઊઘડવા લાગ્યો. વાણી સૂરની પાછળ પાછળ ચાલી આવી, ને સૂરો વાણીને પગલે પગલે લીલી કેડી ઉગાડતા ગયા. શ્રાદ્ધ શ્રાદ્ધને ઠેકાણે રહ્યું ને લોકોની ત્યાં ઠઠ જામી. “અરે ભક્તજી!” પ્રભુનાં પદોમાં ભાન ગુમાવી બેઠેલ ભાવિક હાટડીદારે, પછી તો બપોર થઈ ગયા ત્યારે યાદ આવતાં, નરસૈંયાને કહ્યું, “અરે મહેતાજી, તમારું શ્રાદ્ધ તો ઠઠ્યું રહ્યું!” “એક ગાઈ લઉં ને પછી જાઉં. એક તો ગાવું જ જોવે ને! તમે મને ઘી આપ્યું, ને કુંવરબાઈની માની વાળી બચાવી, તો હું વધુ એક કેમ ન ગાઉં?” લાખ માનવીઓમાં એકે પણ પોતાના વા’લાજીનાં ગુણ-કીર્તનની જે કદર કરી, તેના આભારભીના આનંદરસે ખેંચાતો નરસૈંયો હરિનાં ગાન ન થંભાવી શક્યો. એને કંઠે શોષ પડ્યો હતો. એની આંખો ક્યારની બિડાઈ ગઈ હતી. એવામાં લોકોના વૃંદમાં પોતાનો માર્ગ કરતી એક સ્ત્રી દાખલ થઈ, ને તેણે ગાયકના સુકાતા હોઠે પાણીની ટબૂડી ધરી. આંખો ખોલ્યા વગર જ નરસૈંયાએ જળપાન કર્યું ને એનો ઉદ્વેગ વિરમી ગયો. આંખો ખોલતે ખોલતે એણે કહ્યું : “મામી! રતનમામી! તમે અત્યારેય પહોંચી ગયાં?” “ભાઈ!” રતનમામી નામે સંબોધાયેલ એ સ્ત્રીએ જવાબ વાળ્યો : “તમે આંહીં ક્યારે, હમણાં આવ્યા?” “અરે ના ના!” નરસૈં મહેતાને યાદ આવ્યું : “કેટલો દા’ડો ચડી ગયો! હજુ તો ઘેર ઘી પહોંચાડવું છે. કુંવરબાઈની બા બાપડી વાટ જોતી હશે. રાંધશે ક્યારે? નોતરાં ક્યારે દેવા જઈશ? શ્રાદ્ધની વેળા વીતી ગઈ કે શું?” એને સમયની સાન નહોતી. ગાન સાંભળતા ટોળામાં પાંચ-પંદર મુગટધારી નાગર બ્રાહ્મણો હાથમાં થાળી-વાટકા ને સુંદર લોટા લઈને ઊભેલા હતા. તેમણે કહ્યું : “મહેતાજી, શ્રાદ્ધ તો અમે સૌ તમારા ઘેર જમીને આવીએ છીએ.” “મશ્કરી શીદ કરો છો, મારા ભાઈલાઓ! મારે ઘેર તો હજુ મેં ઘીયે પહોંચાડ્યું નથી.” રતનબાઈએ ખુલાસો કર્યો : “ભાઈ, ઘેરે ચાલો. સર્વ બાબત પતી ગઈ છે, સૌ રંગેચંગે શ્રાદ્ધ જમી ગયા છે!” “પણ ક્યાંથી?” “તમારું નામ દઈને એક સંત-સેવક સીધું-સામાન ને થાળીઓ-લોટા પણ આપી ગયા. કહે કે મહેતાજીએ મોકલાવેલ છે. એ થાળી-લોટા આપણે જમવા આવનારાઓને જ અર્પણ કરી વાળેલ છે.” “એમ થયું? ઊકલી ગયું? ઠીક મામી, મને તો કાંઈ ખબર નથી! પણ મારા છબીલાજી વગર તે બીજું કોણ ઉકેલી જાય?” ભક્ત નરસૈંયો ઊઠીને ચાલવા લાગ્યો, “ભક્તજી, આ ઘી લેતા જાવ!” હાટડીદારે બૂમ પાડી. “હવે શો ખપ છે ઘીનો? મને તો મારાં કીર્તનો બદલ તમે પરભારું ઘેર જ ઘણું બધું પહોંચાડી દીધુંને, વા’લાજી? વાહ, મારા વા’લાજી દામોદરરાય, વાહ! કીર્તનોનેય નાણારૂપે સ્વીકાર્યાં. વાહ!” એમ બોલતે બોલતે એણે તો હાટડીવાળાના જ પગમાં મસ્તક ઝુકાવી ઝુકાવી વંદન કર્યાં, ને પોતે પિત્તળની ખાલી તપેલી બગલમાં મારી ચાલતો થયો. ખીરપોળીનું ફળફળતું ભોજન અને તે ઉપરાંત અક્કેક પીળો મુગટો, અક્કેક થાળી, વાડકો ને લોટો—એટલાં એટલાં વાનાં મેળવીને નરસૈંયાને ઘેરથી પાછા વળેલા શુક્લજીઓએ ઘેર જતે જતે શંકાઓની ચર્ચા કરવા માંડી : “આ નટખટ ભગતડો બધું કાઢે છે ક્યાંથી? એનો વા’લોજી તે એવો કોણ રોજ નવરો બેઠો છે? માળે નાગરડે ચલાવી છે પણ ભારી ચાલાકી : મંતરતંતર જાણતો લાગે છે, કે પછી પ્રેતની સાધના કરતો હોય!” “મહારાણી કુંતાદે એને બધું પહોંચતું કરે છે એ ખોટું?” “મને તો લાગે છે કે શૈવ ધર્મનો નાશ કરવા માટે અમદાવાદના સુલતાનોએ જ આ શઠને ઊભો કરેલ છે. તેની જ આ બધી ગોઠવણ છે.” “આ બધી વસ્તુઓ માયાવી તો નહીં હોય ને! જોઈએ, બે-પાંચ દિવસમાં અદૃશ્ય થઈ જાય છે કે કેમ?” “બાકી એની મામીનો પ્રતાપ પણ ક્યાં ઓછો છે?” “મામી—રતનમામી—અહહ! શંભો! આવી રતનમામી તો સૌને અક્કેક હોજો!” “પણ એને તો ચાર છે. રતનમામી, કાનબાઈ, માનબાઈ અને સૂરસેના.” “આ બધું બોલવાની હિંમત આપણને પાછળથી જ આવે છે. એ ગાતો હોય ત્યારે એની સન્મુખમાં તો આપણી અક્કલને ઊંઘ જ આવી જાય છે.” “વશીકરણની મેલી વિદ્યા વગર એમ ન જ બને તો.” “વાહ, શંભો! વાહ રે રતનમામી, વાહ! અરે, આપણને પાણી પાનારી અક્કેક રતનમામી મળે તો આપણેય આખી રાત કાં ન આરડ્યા કરીએ!” ઘેર પહોંચવા પાછા વળતા મહેતાનો માર્ગમાં કોઈકે હાથ ઝાલ્યો. એણે સામે જોયું. “ઓહ! મુકુન્દ સરસ્વતી! બાપા રાધેશ્યામ!” એમ કહી પોતે હાથ જોડ્યા. “આવો મહેતાજી! અંદર આવો.” સંન્યાસીએ જ્યાં આવવા કહ્યું તે રામાનંદી મંદિર હતું. “ભીમ સંન્યાસી ચર્ચા કરવા માગે છે.” “ચર્ચા! મને ક્યાં ચર્ચા આવડે છે, વા’લાજી? કહો તો ગોવિંદના ગુણ ગાઉં.” “એમ કરજો. આવો.” અંદર પંદર-સત્તર રામાનંદી સંન્યાસીઓનું વૃંદ બેઠું હતું. મહેતાજીએ પ્રત્યેકને ચરણે સ્પર્શ કરી રજ લીધી. “અરે, નરસૈંયા!” ભીમ સંન્યાસીએ કહ્યું, “બેસ બેસ, તારા હિતની બાબત કહેવી છે. તું આ ગાંડપણ ક્યાં સુધી ચલાવ્યે રાખીશ?” “કમોત થશે ત્યાં સુધી.” એક બીજા સંન્યાસી ઊકળી ઊઠ્યા. ભીમ સંન્યાસી ભલા હતા. એણે જમાતને વારીને કહ્યું કે, “ભાઈઓ, જબરદસ્તીથી અને દબાવી-ડરાવી વિધર્મ નહીં ત્યજાવી શકાય. એના હૃદયને વિશે પરિવર્તન કરવું જોશે. તમે સૌ શાંત બેસો. હું નરસૈંયાને વાદમાં બેસારું છું. બેસો, મહેતા! બેસો. આપણે જ્ઞાનચર્ચા કરીએ. થોડી ઘડી આ ધમપછાડા વેગળા મેલો.” મહેતાજી તો નિમીલિત નયને, કોઈ કેફમાં ચકચૂર હોય તેમ ગાતા રહ્યા—“બાઈઓ, બેનો! બાઈ મુંને હરિ જોવાની ટેવ પડી, મારા નાથને મૂકું નહીં એક ઘડી; વેગળું મન અળગું ન રહે, એવી હરિથી શું પ્રીતિ જડી. બાઈ! મુંને હરિ જોવાની ટેવ પડી.” “લ્યો, જુઓ ભીમ મહારાજ!” બીજા સંન્યાસીએ કહ્યું, “આ તો આપણને પણ બાઈઓ ને બેનો જ સમજે છે.” “સાંભળો તો ખરા!” મહેતાજી તો પ્રભુએ કીધેલી સહાયો જ ગણાવતા ગાતા રહ્યા— “એ છબીલાજીને ઘડીયે કેમ અળગા છોડું? ભાભીએ પાણી ટાઢું કરવા ના પાડી, તો છબીલોજી આવીને કરી ગયા; અરે, નામા ભગતનું છાપરું ચાળી આપ્યું તે કરતાંય છબીલાજીએ મારું વિશેષ કાર્ય સાર્યું,— ધન્ય વૃન્દાવન, ધન્ય એ ભાભી, ધન્ય યમુનાનું પાણી; ધન્ય નરસૈંયાની જીભલડી, પછી છબીલાજીની વાણી.” ભીમ સંન્યાસીએ હાંસી કરી : “કોણ છબીલો! કોની કૃપા? ગાંડા, વિષયશૃંગારમાં તરબોળ રહેવું, એ હરિ મળવાનો મારગ? લંપટપણું મૂકી દે. અધ્યાત્મને ગ્રહણ કર. અમે સંન્યાસીઓ આજે તને ચેતવીએ છીએ. પછી કહીશ કે મને કોઈએ વાર્યો નહીં!” નરસિંહ મહેતાના ચહેરાએ સવિશેષ સુંદરતા ધારણ કરી. કોઈ સત્યસૃષ્ટિની વાત કથતા હોય એવા તોરથી એ બોલ્યા— “પછી તો બાઈઓ! બેનો! ગોપેશ્વરે મને વનમાં તપ કરતાં કરતાં સ્વપ્નમાં આવી કહ્યું કે, નરસૈં! તું માગે તે આપું. મેં કહ્યું કે, હે સ્વામી! બીજું વળી શીદને માગું? તમને પોતાને જ જે સૌથી છેક વહાલું હોય, તે જ દેજો મુંને, કૃપાળુ! એમ છબીલોજી તો બોલે બંધાઈ ગયા, ભોળા એટલે ફસાઈ ગયા, ને મને વૈકુંઠ લઈ જઈ પોતાનો પ્રાણથી પ્રિય એવો ગોપીવૃંદનો રાસ દેખાડ્યો. એવા ભોળા છે વહાલો! સહેજે છેતરાઈ જાય.” “સાચું,” ભીમ સંન્યાસી ટાઢા પડ્યા, “પણ નરસિંહ! કૃષ્ણે કીધું તે આપણે કરી શકીએ? કૃષ્ણ કાંઈ રાસ જ રમ્યા નથી, ગોવર્ધન પણ તોળ્યો છે; આપણાથી તોળાશે? એણે તો કાળીનાગ નાથ્યો; આપણાથી નથાશે? એણે તો દાવાનળ પીધો; આપણાથી પિવાશે? માટે ભાઈ, આપણો પામર માનવીઓનો તો સાચો ઉદ્ધારક રામનામ છે.” “રામ તો, મહારાજ, ગરઢો થઈશ ત્યારે કહીશ. આજે તો ખપ નથી. છેલછબીલા વિના બીજો ભજવો નથી. થડ મૂકીને ડાળું ઝાલવું નથી. વંદો કે નિંદો મને, ચહાય તે કરો. ગોવિંદજીને નથી છોડવા. હે ભીમ! હે સંન્યાસી! તું પણ ‘કૃષ્ણ, કૃષ્ણ’ એવી ગર્જના કર.” જવાબમાં ભીમ સંન્યાસી બે હાથ જોડી રામની સ્તુતિ બોલતા રહ્યા. “નિહાળો, સંન્યાસીજી!” નરસિંહ મહેતાએ કહ્યું : “પોતે જેને ભજો છો તેમાં કેવા તલ્લીન બની ગયા! અદેખાં લોક તે અલગ બોલે, મૂરખ ન જાણે કાંય રે, જેહનાં મન જેહ શું બંધાણાં, તે ક્યમ મૂક્યાં જાય રે? સ્નેહનું કારણ કો નવ જાણે, નયણાં અલગ જણાય રે, વહાલા શું એકાંત રમીએ, કો આગળ નવ કહીએ રે. મુજને પ્રેમ ઘણેરો બહેની, જે બોલે તે સહીએ રે, સુંદરી બોલે, સુણો સાહેલી, હરિ વસ્યા મન માંહે રે, નરસૈંયાના સ્વામી, કહું તુંને, વૃંદાવન લઈ જાય રે. “તમે રહો, ભીમ સંન્યાસી,” જમાતમાંથી બીજા સંન્યાસી નરસિંહાશ્રમ ઊઠ્યા, “મને થોડું કહેવા દો. અલ્યા મહેતા, મારી સામે નજર કર. ખટ બાવન માસ તો મેં તપમાં કાઢ્યા, આતમવિદ્યા ભણ્યો, મથુરામાં રહ્યો, નિમિષારણ્યમાં જઈને બેઠો, તપ કરવામાં બાકી નથી રાખી, તોય અમારી ઢૂંકડોયે ગોવિંદજી ન આવ્યો, અને તું આ ચારેય બાઈઓને ભેળો ફેરવી ગાણાં ગાનાર પ્રભુને પામ્યો! એ ચારેયને એને સાસરે વળાવી દે ઝટ, નહીંતર ફજેતીના ફાળકા કરી મેલશું.” “એમ અદેખાઈ કર્યે શું વળશે, સંન્યાસીજી? ઇચ્છો તો હજીયે ટાઢી ભાખર ખાવ, ટેટા ખાઈને પણ તપ કરો. ને ઈર્ષ્યા આવતી હોય તો છબીલાજીને ગાવની! પહેરોની વૈષ્ણવી માલા! હું ક્યાં આડો ફરું છું?” “એમાં કશું નહીં વળે, સંન્યાસી મહાશયો!” સ્વામી મુકુંદાશ્રમે વાતને ટૂંકી પતાવી : “આપણો રાજા ઘેલો છે, રાણી ઘેલી છે, એટલે આનાં ઘેલાં ચાલવા દે છે.” “તો પછી ચાલો સૌ, રાજાજીને જ કહીએ; તે વગર આ પાખંડનો આરો નહીં આવે.” “ઠીક પધારો, છબીલાજી!” મુકુંદાશ્રમે ઉપહાસ કર્યો. મહેતાજી ઘેરે પહોંચ્યા ત્યારે સાંજ પડી હતી. પત્નીની આંખો રડી રહી હતી.