લઘુ સિદ્ધાન્તવહી/અનુવાદ શેનો?

૯૨

અનુવાદ શેનો?

‘અનુવાદ શેનો કરવાનો છે?’ એવા પ્રશ્નનો સાહિત્યક્ષેત્રે તાત્કાલિક સરલ ઉત્તર એ જ હોઈ શકે : સાહિત્યકૃતિનો. પણ પછી જરા થોભીએ, તો વિચારના બે ફાંટા જડશે. એક ફાંટો મૂલ્ય તરફ લઈ જશે, બીજો ફાંટો વસ્તુ તરફ લઈ જશે. મૂલ્ય તરફ જતો ફાંટો દર્શાવશે કે સાહિત્યક્ષેત્રે લક્ષ્યભાષાને સમૃદ્ધ કરે એવી ઉત્તમ કે પ્રતિનિધિ રચનાઓનો અનુવાદ જ મહત્ત્વનો છે; તો વસ્તુ તરફ લઈ જતો ફાંટો દર્શાવશે કે સાહિત્યકૃતિનો અનુવાદ કરતી વખતે કશુંક એવું છે, જેનો અનુવાદ શક્ય નથી, પણ એને અનુવાદની દિશામાં વાળવાનો છે. બીજી રીતે કહીએ તો યંત્રાનુવાદમાં બને છે તેમ સાહિત્યના અનુવાદ વખતે એક શબ્દને સ્થાને બીજો શબ્દ ગોઠવવાથી કે અન્ય શબ્દો દ્વારા અર્થવિવરણ આપવાથી કામ સરતું નથી. દિલીપ ચિત્રેએ વર્ણવ્યું છે એ પ્રમાણે સર્જકે લીધેલા આંતરક્રિયાથી બાહ્યસંરચના સુધીના માર્ગને અનુવાદકે વિપરીત રીતે અનુસરવાનો છે. એટલે કે અનુવાદકે બાહ્ય સંરચનાથી સર્જકની આંતરક્રિયા સુધીના માર્ગની કલ્પના કરીને ચાલવાનું છે. વળી, સાહિત્યકારનો શબ્દ એક માનવીય અને એટલે જ સાંસ્કૃતિક નીપજ છે અને તેથી એમાં વૈયક્તિકથી માંડી સામૂહિક ચેતનાના સંસ્કારો પડેલા છે. આ કારણે અનુવાદક પોતે શેનો અનુવાદ કરી રહ્યો છે, એ અંગેની એની અભિજ્ઞતા એને અનેક સ્તરથી જોડે છે. સાહિત્યના અનુવાદને ‘ભાષાન્તર’ કહેવા કરતાં ભાષાનું દેહાન્તર કહેવો વધુ વાજબી છે. સાહિત્ય અન્ય ભાષામાં જતાં એનો ચહેરોમહોરો-શરીર બદલાઈ જાય છે. ભાષાના નાદની પ્રાણપ્રદ સમૃદ્ધિ (Rhythmic richness)ને અન્યભાષાની લયપ્રણાલિમાં કેવી રીતે ઢાળવી, સાહિત્યના બહુઅર્થી અને ગર્ભિત રીતે સંયોજિત (semantic valence) સંકેતોનું કઈ રીતે જીવંતપણે સંક્રમણ કરવું, શૈલી મુદ્દાઓ સાથેનાં વિચલિત વાક્યવિન્યાસો (syntactical deviance)ની કઈ રીતે માવજત કરવી, આંતરકૃતિત્વ (Intertextuality)ના આધારોને ખસેડવા જતાં સર્જાતી હાનિની કઈ રીતે ભરપાઈ કરવી, મૂળમાં રહેલી લાગણીના વજનને કે એના સાંસ્કૃતિક દબાણને કઈ રીતે સંવહન કરવું, યુગવર્તી પરિવેશ (temporal ambience)ની લાક્ષણિકતાનો પર્યાય કેમ કરીને શોધવો, અલગ ભાષાની જુદી જગતદૃષ્ટિને કઈ રીતે પામવી, સ્રોત તેમજ લક્ષ્ય ભાષાના કાવ્યશાસ્ત્રીય ભેદની ભૂમિકાનો કઈ રીતે સામનો કરવો – આ બધી, સાહિત્યના અનુવાદકની અભિજ્ઞતા સાથે સંકળાયેલી સમસ્યાઓ છે. રવીન્દ્રનાથ ટાગોરે આ જ કારણે અનુવાદને દ્રવ્યાન્તરણ કે તત્ત્વાન્તરણ (Transubstatiation)થી ઓળખાવ્યો છે. નીત્શે કહે છે તેમ સાહિત્યકાર અને અનુવાદક બંને હંમેશાં ભિન્ન સમયમાં રોપાયેલા હોવાથી અનુવાદકે ભિન્ન પ્રભાવક ઇતિહાસ (effective history)ને સમજવાના છે, એમાંથી સહભાગી અનુભવ (Participatory experience) ઊભો કરવાનો છે. ક્યારેક તો અનુવાદકને અન્તરાવર્તી વાચક (Interventionalist) તરીકે મધ્યસ્થતાથી પોતાની કલ્પના અને પ્રતિભા દ્વારા અર્થની નિષ્પત્તિ કરવાની છે. સાહિત્યનું ક્ષેત્ર અપરિવર્તનશીલ અને વ્યંજનશીલ ભાષાનું ક્ષેત્ર છે. તેથી અનુવાદકે શબ્દ શબ્દ વચ્ચેના, અર્થ અર્થ વચ્ચેના, પરિચ્છેદ કે શ્લોક શ્લોક વચ્ચેના અવકાશ (space)ને ઓળખવાનો છે અને અંતે ગ્રહણ કરવાનો છે. સાહિત્યનો અનુવાદ તટસ્થ સંકેતોનું કેવળ ઉદ્વહન નથી એ આજની અનુવાદમીમાંસાનો મહત્ત્વનો નિષ્કર્ષ છે.